સાવધાન | વકફ બોર્ડ દેશની સંપત્તિઓ પર કબજો કરી રહ્યું છે ! Waqf Boards

વકફ બોર્ડને અસીમિત અધિકારો આપતો વકફ બોર્ડ કાયદો ૧૯૯૫ શું છે ? અને કેવી રીતે તેનો દુરુપયોગ કરી વકફ બોર્ડ દ્વારા દેશભરમાં સંપત્તિઓની લૂંટ ચલાવાઈ રહી છે? તે આ મુખપૃષ્ઠ વાર્તામાં જાણીશું.

    16-Jun-2022   
કુલ દૃશ્યો |

Waqf Boards
 
વકફ બોર્ડ ( Waqf Boards ) ઓફ રાજસ્થાન વિરુદ્ધ જિંદલ સો લિમિટેડ વચ્ચેના જમીન વિવાદને લગતી અરજીમાં ચુકાદો આપતાં તાજેતરમાં જ સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું છે કે, વકફ બોર્ડ યોગ્ય પૂરાવા અને પ્રમાણ વગર ગમે તેની સંપત્તિને પોતાની ના ગણાવી શકે. માનનીય ન્યાયાલયના આ ચુકાદાને કાયદાવિદો ‘વકફ બોર્ડ કાનૂન ૧૯૯૫’ ( Waqf board act 1995 ) ની આડમાં દેશભરમાં સંપત્તિઓ પર કબજો જમાવી રહેલા વકફ બોર્ડ માટે આંચકા રૂપ ગણાવી રહ્યા છે. સાથે સાથે આ ચુકાદા બાદ ૧૯૯૫ના વકફ બોર્ડના કાયદાને લઈને પણ ચર્ચા છેડાઈ છે. વકફ બોર્ડને અસીમિત અધિકારો આપતો વકફ બોર્ડ કાયદો ૧૯૯૫ ( Waqf board act 1995 ) શું છે ? અને કેવી રીતે તેનો દુરુપયોગ કરી વકફ બોર્ડ દ્વારા દેશભરમાં સંપત્તિઓની લૂંટ ચલાવાઈ રહી છે? તે આ મુખપૃષ્ઠ વાર્તામાં જાણીશું.
 
વકફ બોર્ડ ( Waqf Boards ) કઈ રીતે લોકોની સંપત્તિ પચાવી પાડે છે તેનો એક કિસ્સો તાજેતરમાં જ દિલ્હીમાં બન્યો છે અને સુપ્રિમ કોર્ટેં તેના ઉપર ઉદાહરણીય ટિપ્પણી કરી છે. સૌ પ્રથમ એ ઘટના જોઈએ. આ ઘટના છે નવી દિલ્હીના મહરોલી વિસ્તારમાં રહેતા મનમોહન મલિકની. મનમોહન મલિક ૧૯૪૭માં પાકિસ્તાનની પોતાની તમામ માલ-મિલકત છોડી શરણાર્થી બની ભારત આવ્યા હતા, ત્યારે સરકાર દ્વારા તેમને એક શરણાર્થી માની એક મકાન રહેવા માટે આપવામાં આવ્યું હતું. પરંતુ આજે તે એ મકાનની ઈંટ પણ હલાવી શકતા નથી. દિલ્હી વકફ બોર્ડ (Delhi Waqf Boards )) કહે છે કે, આ સંપત્તિ અમારી છે અને તમે તેના પર બળબજરી દબાણ કર્યું છે. વકફ બોર્ડ અને સ્થાનિક મુસ્લિમોની ધાકધમકીને કારણે મનમોહન મલિકને હાલ ભાડાના મકાનમાં રહેવું પડી રહ્યું છે. સરકારે તે વખતે તેમને જે મકાન રહેવા માટે આપ્યું હતું તે ગુંબજવાળું છે. તેને જ આધાર બનાવી વકફ બોર્ડ કહે છે કે આ ઇસ્લામિક માળખું છે માટે તેની માલિકી વકફ બોર્ડની છે. આઘાતની વાત એ છે કે, આ મામલો ત્રણ-ત્રણ વખત ન્યાયાલયમાં પહોંચ્યો છે અને ત્રણેય વખત મનમોહનની જીત થઈ છે, છતાં વકફ બોર્ડ મનમોહનને તે મકાનના માલિક ગણતું નથી અને તે મકાનમાં કોઈપણ સમારકામ કરવા દેતું નથી.
 
ઉલ્લેખનીય છે કે, મનમોહનનો પરિવાર ૧૯૪૭માં વિભાજન વખતે મહરોલીમાં આવ્યો હતો. તે વખતે નિયમ મુજબ જેટલા પણ લોકો પાકિસ્તાનથી શરણાર્થી બની ભારત આવવા મજબૂર બન્યા હોય, સરકાર તેમના પુર્નવસન માટે કોઈપણ ખાલી મકાન ફાળવી દેતી હતી. તે જ નિયમ મુજબ મનમોહનને પણ એક ગુંબજવાળું મકાન ફાળવવામાં આવ્યું હતું. પરંતુ સત્તા અને તાકાતના મદમાં દિલ્હી વકફ બોર્ડ સરકારની એ ફાળવણીને પણ નથી ગણકારી રહ્યું. મનમોહન કહે છે કે, હવે અમારો પરિવાર વધ્યો છે માટે મકાન તોડી મોટું મકાન બનાવવું છે, પરંતુ જેવું અમે કામ શરૂ કરીએ છીએ કે સેંકડોની સંખ્યામાં મુસ્લિમો એકઠા થઈ રાડારાડ કરી મૂકે છે અને કહેવા લાગે છે કે, આ તો વકફની સંપત્તિ છે. તેની એક ઈંટ પણ હલાવી ન શકાય. મનમોહન એક લાંબો નિસાસો નાખી કહે છે કે એક વખત ૧૯૪૭માં અમારો પરિવાર ઉજડ્યો હતો. ભારત આવ્યા ત્યારે એવું લાગ્યું કે ચાલો, કમ સે કમ મોઢું છુપાવવા એક છાપરું તો નસીબ થયું. પરંતુ અહીંના મુસ્લિમો અને વકફ બોર્ડ અમારા આ ઘરને પણ પોતાનું ગણાવી રહ્યા છે. ધાક-ધમકીઓ આપી રહ્યા છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે, ૧૯૪૭ બાદ ફરી એક વખત અમારે વિસ્થાપન કરવું પડશે. આજે અમે ઘર મળવા છતાં પણ ઉપર આભ ને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં રહીએ.
 

શું હોય છે વકફ ? Waqf Boards

 
 
વકફ એ સંપત્તિને કહેવામાં આવે છે, જે અલ્લાહના નામ પર ધાર્મિક કાર્યો માટે દાનમાં આપવામાં આવે છે. કાયદાની નજરે જો કોઈ વ્યક્તિ પોતાની ચલ કે અચલ સંપત્તિ પોતાની મરજીથી ઇસ્લામિક કાર્યો માટે દાન કરે છે તો તેને વકફ કહેવામાં આવે છે. કોઈપણ સંપત્તિ વકફ તરીકે ઘોષિત થઈ શકે છે. આવી સંપત્તિનો ઉપયોગ મોટાભાગે મદ્રેસા ચલાવવા, કબ્રસ્તાન બનાવવા, મસ્જિદ બનાવવા સહિતનાં ઇસ્લામિક કાર્યો માટે કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ એક વખત વકફ બનાવે છે તો તે તેની સંપત્તિને ક્યારેય પરત માંગી શકતો નથી. ૨૦૧૮માં વકફ બોર્ડેં તાજમહેલને લઈને પણ દાવો કર્યો હતો કે, તાજમહેલને શાહજહાં દ્વારા વકફ ઘોષિત કરવામાં આવ્યો હતો માટે તાજમહેલ વકફ બોર્ડની સંપત્તિ છે. પરંતુ ન્યાયાલય દ્વારા શાહજહાં દ્વારા તાજમહેલને વકફ ઘોષિત કરવાના દસ્તાવેજો માગતાં વકફ બોર્ડ ભોઠું પડી ગયું હતું અને તેનો દાવો ન્યાયાલયે ફગાવી દીધો હતો. હકીકતમાં વકફ બોર્ડની નજર તાજમહેલનાં પ્રવાસન થકી થતી વાર્ષિક ૨૦ કરોડથી પણ વધુની આવક પર હતી, કારણ કે વકફની સંપત્તિ પર થતી આવક પર વકફ બોર્ડનો અધિકાર હોય છે.
 
વકફ બોર્ડ ( Waqf Boards ) ની ત્રાસદીનો શિકાર લાખો હિન્દુઓ
 
આપણા દેશમાં વકફ બોર્ડ ( Waqf Boards ) ની દાદાગીરી અને ત્રાસદીનો શિકાર મનમોહન મલિક એકલા નથી. આવા તો લાખો લોકો વકફ બોર્ડની મનમાની અને કુટિલ ચાલોથી ત્રસ્ત છે. હમણાં સુધી ભારતમાં તુષ્ટિકરણની રાજનીતિને કારણે તેઓ ન્યાયની આશા પણ છોડી ચૂક્યા હતા. કારણ કે મોટાભાગના કેસોમાં વકફ પ્રાધીકરણ જ ચાલતું હોય છે અને ત્યાં વકફ બોર્ડનું જ ચાલે છે માટે ન્યાય મળવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો, કારણ કે ત્યાં વકફની ગવાહી અને વકફનો નિર્ણય પથ્થરની લકીર હોય છે.
 
પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી મનમોહન જેવા લાખો લોકોમાં ન્યાયની આશા બંધાઈ છે. વકફ બોર્ડ ઓફ રાજસ્થાન વિરુદ્ધ જિંદલ સો લિમિટેડ સાથે સંકળાયેલ એક મામલાની સુનવણી કરતાં સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું છે કે કોઈપણ પુરાવા વગર ગમે તે માળખાને વકફની સંપત્તિ માનવામાં આવશે નહીં અને આ માટે માનનીય ન્યાયાલયે વકફ કાનૂન ૧૯૯૫ની કલમ ૩નો સહારો લીધો છે.
 
સર્વોચ્ચ ન્યાયાલયનો સૂચક ચુકાદો
 
સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું છે કે, કોઈપણ સંપત્તિ વકફની સંપત્તિ ત્યારે જ ગણી શકાય જ્યારે તે ઉક્ત શરતોને પૂર્ણ કરે છે. પ્રથમ જેની સંપત્તિ છે તે તેનો વકફ તરીકે એટલે કે ઇસ્લામિક ઇબાદત માટે સાર્વજનિક રીતે ઉપયોગ કરતો હોય. બીજી શરત, તે સંપત્તિ વકફ તરીકે ઉપયોગ કરવા માટે દાન કરવામાં આવી હોય અને ત્રીજી શરત તે જમીનને મજહબી ઉપયોગ માટે તે જમીનના મૂળ માલિકે નિયમાવલી બનાવીને આપી હોય. સર્વોચ્ચ ન્યાયાલયે સાફ સાફ અને ભાર દઈને કહ્યું છે કે, આ સિવાય કોઈપણ સંપત્તિ વકફની ગણાશે નહીં. સાથે જ ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ રામસુબ્રમણ્યમની ખંડપીઠે રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પીટીશન / રીવ્યુ અરજી ફગાવી દીધી છે, જેમાં માંગણી કરવામાં આવી હતી કે જિંદલ સો લિમિટેડને ખનન માટે જે જમીન આપવામાં આવી છે. તે રાજસ્થાન વકફ બોર્ડની છે.
 
શું છે જિંદલ સો લિમિટેડ વિરુદ્ધ રાજસ્થાન વકફ બોર્ડ કેસ
 
૮ ડિસેમ્બર, ૨૦૧૦માં જિંદલ સો લિમિટેડ નામની કંપનીને ખનન માટે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક જમીનનો પટ્ટો આપવામાં આવ્યો હતો. તે જમીનમાં એક ચબૂતરો અને જર્જરિત દીવાલ પણ હતી, જ્યારે કંપનીએ ત્યાં કામ શરૂ કર્યું ત્યારે રાજસ્થાન વકફ બોર્ડેં વિરોધ ઉઠાવતાં કહ્યું કે, આ તો વકફની જમીન છે અને ૧૯૬૩માં રાજસ્થાનના વકફ બોર્ડ દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં વકફ બોર્ડેં આ સ્થળને તિરંગાની કલંદરી મસ્જિદના માળખા તરીકે જાહેર કર્યું હતું. પરંતુ ન્યાયાલયમાં વકફ બોર્ડના દાવાની પોલ ત્યારે ખૂલી ગઈ જ્યારે વકફ બોર્ડ દ્વારા રજૂ કરાયેલ પૂરાવાઓમાં મસ્જિદના માળખાને લઈ અલગ અલગ દાવા કરવામાં આવ્યા હતા અને કથિત મસ્જિદના ક્ષેત્રને અલગ અલગ બતાવવામાં આવ્યું હતું. આ જ બાબતે વકફ બોર્ડના દાવાની પોલ ખોલી નાખી. ત્યાર બાદ આ આખો મામલો સર્વોચ્ચ ન્યાયાલયમાં પહોંચ્યો. ન્યાયાલયે એક વિશેષજ્ઞ સમિતિનું ગઠન કરી રહ્યું કે તપાસ કરો કે ત્યાં મસ્જિદનું માળખું છે કે નહીં. સમિતિએ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૧માં પોતાનો અહેવાલ રજૂ કર્યો, જેમાં સાફ સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું કે રાજસ્થાન વકફ બોર્ડના દાવા મુજબ ત્યાં કોઈ જ મસ્જિદ નથી અને તેનું કોઈ ઐતિહાસિક કે પુરાતત્ત્વિક પુરાવાઓ પણ નથી મો. સમિતિના આ અહેવાલનાં આધારે સર્વોચ્ચ ન્યાયાલયે વકફ બોર્ડના દાવાને નકારી દીધો.
 
કાનૂનવિદો આ ચુકાદાને આટલો મહત્ત્વનો કેમ માને છે ?
 
સર્વોચ્ચ ન્યાયાલયના આ ચુકાદાને કાનૂનવિદો દુરગામી અસર પાડનારો ગણાવીને ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. વકફ બોર્ડ સાથે સંકળાયેલ આવા અનેક વિવાદોનો કેસ લડનાર વરિષ્ઠ વકીલ હરિશંકર જૈન કહે છે કે, સર્વોચ્ચ ન્યાયાલયનો આ ચુકાદો જમીન જેહાદ પર કેટલેક અંશે અંકુશ લગાવી શકશે. આ ચુકાદા બાદ હવે એ તમામ સંપત્તિઓ માટે અવાજ ઊઠવા લાગશે જેના પર વકફ બોર્ડેં બળજબરીથી કબજો જમાવી રાખ્યો છે.
 
પ્રભાત રંજન નામના વકીલ સર્વોચ્ચ ન્યાયાલયના આ ચુકાદાને ખૂબ જ મોટી વાત ગણાવતાં કહે છે કે, વકફ બોર્ડના લોકોએ વકફ બોર્ડની કલમ ૮૩નો ભય બતાવી લાખો એકર સરકારી અને ખાનગી જમીન પચાવી પાડી છે. સર્વોચ્ચ ન્યાયાલયના આ ચુકાદા બાદ વકફ બોર્ડની એ મનમાની હવે બંધ થઈ જવાની છે. વાચકોને જાણકારી માટે વકફ બોર્ડની કલમ ૮૩ મુજબ દેશની કોઈપણ રાજ્ય સરકાર વકફ સંપત્તિને લગતા કોઈપણ વિવાદના ઉકેલ માટે વકફ પ્રાધિકરણ બનાવી શકે છે, પરંતુ મજાની વાત એ છે કે, આ સમિતિમાં ૧૦૦ ટકા મુસ્લિમો જ હોય છે, પરિણામે એકતરફી જ ચુકાદા આવતા હોય છે અને વકફ બોર્ડ, આનો જ આટલાં વર્ષોથી ભરપૂર લાભ ઉઠાવતું રહ્યું છે અને બેફામ રીતે જમીન જેહાદને અંજામ આપતું આવ્યું છે.
 
અનુપ નામના અન્ય એક વકીલ કહે છે કે, માનનીય સર્વોચ્ચ ન્યાયાલયનો આ ચુકાદો ભારતને ઇસ્લામીકરણ તરફ ધકેલાતાં બચાવી શકે છે, પરંતુ તેના માટે લોકોએ વકફ સંપત્તિ સાથે જોડાયેલા વિવાદોને ન્યાયાલય લગી પહોંચાડવા પડશે.
 
દિવસ-રાત વધી રહી છે વકફ બોર્ડની સંપત્તિ
 
વકફ બોર્ડની સંપત્તિને લઈ દેશમાં લાંબા સમયથી એક ચર્ચા ચાલી રહી છે, એટલું જ નહીં, વકફ બોર્ડની સંપત્તિ પર આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય પણ ટિપ્પણી કરી ચૂક્યું છે. એપી સજજાદા નસીમ વિરુદ્ધ ભારત સરકારના મામલે ૨૦૦૯માં આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે, દેશભરમાં વકફની લગભગ ૩,૦૦,૦૦૦ સંપત્તિઓ નોંધાયેલી છે, જેમાં લગભગ ૪,૦૦,૦૦૦ એકર જમીન છે. એ રીતે વકફ બોર્ડ પાસે રેલવે અને રક્ષા વિભાગ બાદ સૌથી વધુ જમીન છે.
 
વિવિધ આંકડાઓ મુજબ પાછલાં ૧૨-૧૩ વર્ષમાં વકફ બોર્ડેં ખૂબ જ ઝડપથી અન્યની સંપત્તિઓને પોતાની ગણાવી તેના પર કબજો જમાવવા માંડ્યો છે. તેનું જ પરિણામ છે કે દિવસે ને દિવસે વકફ બોર્ડની સંપત્તિ વધી રહી છે. વકફ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ જુલાઈ ૨૦૨૦ સુધી કુલ ૬,૫૯,૮૭૭ સંપત્તિઓ વકફ સંપત્તિ તરીકે નોંધાયેલ છે અને આ સંપત્તિઓ લગભગ ૮,૦૦,૦૦૦ એકર જમીન પર ફેલાયેલી છે.
 
આ મુદ્દે જાણીતા વકીલ હરિશંકર જૈન કહે છે કે, વકફ કાનૂન ૧૯૯૫ની કલમ ૫ મુજબ દેશમાં સર્વેક્ષણ કરી તમામ વકફ સંપત્તિની ઓળખ કરી લેવામાં આવી છે, તેમ છતાં દિવસે દિવસે વકફની સંપત્તિ વધી જ રહી છે. ૨૦૦૯માં વકફ બોર્ડ પાસે ૪,૦૦,૦૦૦ એકરની સંપત્તિ હતી અને આજે આ સંપત્તિ ૮,૦૦,૦૦૦ એકર થઈ ગઈ છે. દેશમાં જમીન તો એટલી જ છે જેટલી પહેલાં હતી તો પછી વકફ બોર્ડની જમીન કેવી રીતે વધી રહી છે ?
 
તેનો જવાબ પણ ખુદ જ આપતાં હરિશંકર જૈન કહે છે કે, દેશમાં કબ્રસ્તાનો પર ચાર દીવાલો બાંધી તેની આસપાસની જમીનોને તેમાં સામેલ કરી લેવામાં આવી એવી જ રીતે ગેરકાયદેસર મજારો અને મસ્જિદોને કાયદેસરની કરી વકફ બોર્ડેં પોતાની સંપત્તિ વધારી લીધી છે. ૨૦૧૩માં તત્કાલીન કોંગ્રેસ સરકારે વકફ બોર્ડ કાનૂનમાં સુધારો કરી બોર્ડને અસીમિત અધિકાર આપ્યા, જે અંતર્ગત કોઈપણ ટ્રસ્ટ અથવા મંદિરની સંપત્તિ પણ વકફ બોર્ડની સંપત્તિ છે, તેવો દાવો વકફ બોર્ડ કરી શકે છે. આ કાયદા પ્રત્યે સભ્ય સમાજ વિશેષ કરીને હિન્દુ સમાજની અજ્ઞાનતા અને ઉદાસીનતાને કારણે વકફ બોર્ડેં સમગ્ર દેશમાં લાખો એકર ભૂમિ લૂંટવાનો ખેલ શરૂ કરી દીધો છે. બોર્ડની આ લેન્ડ જેહાદ લવ જેહાદથી પણ વધારે ભયજનક છે.
 
બેટ દ્વારિકાના બે ટાપુ પર પણ વકફ બોર્ડનો દાવો
 
ગુજરાતના પ્રસિદ્ધ તિર્થસ્થાન બેટ દ્વારકામાં પણ વકફ બોર્ડના જમીન પચાવી પાડવાના દાવાઓ ઘણા સમયથી સામે આવ્યા છે. શ્રી કૃષ્ણભૂમિ દ્વારકાથી સમુદ્ર માર્ગે ૧૫ મિનિટના રસ્તે હોડીમાં બેસીને બેટ દ્વારકા પહોંચી શકાય છે. આ બેટ દ્વારકા પણ ઇસ્લામિક આક્રમકતાનું કેન્દ્ર બન્યું છે. અહીંની કુલ વસ્તી ૧૦,૦૦૦ છે અને તેમાં માત્ર ૧૫૦૦ જ હિન્દુઓ છે. એટલે કે ૮૫ ટકા મુસ્લિમોનો અહીં કબજો છે. આપણું કૃષ્ણ મંદિર ચારે તરફથી મુસ્લિમોથી ઘેરાયેલું છે. વળી આ મુસલમાનોનાં ૭૦થી ૭૫ ટકા ઘર, દુકાન, ગોડાઉન, ગલ્લા વગેરે ગેરકાયદેસર છે.
 
ગત વર્ષે ડિસેમ્બર માસમાં સુન્ની વકફ બોર્ડેં કૃષ્ણ નગરી દ્વારિકાના બે ટાપુઓ પર દાવો કરી સર્વત્ર ખળભળાટ મચાવી દીધો હતો. બેટ દ્વારકાના બે ટાપુ પર મોટાભાગનાં મુસ્લિમ પરિવાર છે અને અહીં મજારો પણ આવેલી છે. તે બન્ને ટાપુ પર સુન્ની વકફ બોર્ડનો દાવો કરે છે. જો કે માનનીય ન્યાયાલયે વકફ બોર્ડના આ દાવાને ફગાવી દેતાં કહ્યું હતું કે, ‘ભગવાન શ્રીકૃષ્ણની નગરી પર તમારો કેવી રીતે હક્ક હોઈ શકે ?’
 
સોમનાથ ટ્રસ્ટની કેટલીક જગ્યાઓ પર પણ વકફ બોર્ડેં દાવો કરી રહ્યું છે. એટલું જ નહીં પોતાને મળેલા અસીમિત અધિકારથી વકફ બોર્ડ એટલું બેફામ બન્યું છે કે, તાજમહેલ અને કુતુબ મિનાર જેવાં વિશ્ર્વ પ્રસિદ્ધ સ્થાનો પર પણ દાવા કરવા લાગ્યું છે.
 
૧૯૪૫થી જ શરૂ થઈ ગયો હતો આ ખેલ
 
૧૯૪૫માં જ્યારે પાકિસ્તાન બનવાનું લગભગ નક્કી લાગવા માંડ્યું ત્યારે મોટાભાગના મુસ્લિમ નવાબો અને જમીનદારોએ પોતાની સંપત્તિને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ યોજનાપૂર્વક રમત રમી અને પોતાની સંપત્તિઓ માટે વકફ બનાવી દીધું અને ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા. બાદમાં તુષ્ટીકરણ અને વકફ બોર્ડને આપવામાં આવેલા અસીમિત અધિકારોને કારણે આ તમામ સંપત્તિ વકફ બોર્ડના નિયંત્રણમાં ચાલી ગઈ. એક અનુમાન મુજબ આ પ્રકારે ૬થી ૮ લાખ વર્ગ કિલોમીટર જમીન વકફ બોર્ડને મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભારત વિભાજન સમયે પાકિસ્તાનને ૧૦,૩૨,૦૦૦ વર્ગ કિલોમીટર જમીન આપવામાં આવી હતી. એટલે કે મુસ્લિમોએ પાકિસ્તાન દેશના નામે પણ જમીન પડાવી લીધી અને ભારતમાં વકફના નામે પણ લાખો વર્ગ કિ.મી. જમીન પડાવી લીધી. આ ખેલ આટલેથી જ ન અટક્યો. બાદમાં સરકારી અને ગેરસરકારી જમીનો પર મજાર, મસ્જિદ અને મદ્રેસાઓ બાંધી દઈ વકફની સંપત્તિ વધારવાનું ચાલુ જ રહ્યું, જે આજે પણ અવિરતપણે ચાલુ છે.
 
કાયદા વિશેષજ્ઞ સંજય કુમાર મિશ્રના કહેવા પ્રમાણે સર્વોચ્ચ ન્યાયાલયના હાલના ચુકાદાથી તે સંપત્તિઓની સચ્ચાઈ બહાર આવશે જેને એક ષડયંત્ર અંતર્ગત ૧૯૪૭ પહેલાં વકફમાં બદલી દેવામાં આવી હતી. તેઓ એમ પણ કહે છે કે, ૧૯૪૭ બાદ પણ જે સંપત્તિઓ પર વકફ બોર્ડ પોતાનો અધિકાર બતાવે છે તેના કાગળ તેમને બતાવવા પડશે અને જણાવવું પડશે કે, એ સંપત્તિ તેમની પાસે આવી કેવી રીતે ? જો વકફ બોર્ડ પોતાની સંપત્તિના આધારભૂત પૂરાવા રજૂ નહીં કરી શકે તો સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા મુજબ તે સંપત્તિ તેના મૂળ માલિકને પરત સોંપી દેવામાં આવશે.
 
સેક્યુલર સરકારોની શેહમાં બેફામ વકફ બોર્ડ
 
૧૯૯૫ના કાયદાએ વકફ બોર્ડને ખૂબ જ શક્તિશાળી બનાવવાનું કાર્ય કર્યું છે, જેનો લાભ લઈ કોઈપણ મુસ્લિમ ગમે ત્યાં ગેરકાયદેસર મજાર, મદ્રેસા કે મસ્જિદ બનાવી લે છે અને તેના પર કાર્યવાહી થવાથી બચાવવા માટે વકફ બોર્ડમાં અરજી કરી દે છે. બસ ત્યાર બાદ બાકીનું કામ વકફ બોર્ડ કરી લે છે. એ જ કારણે હાલ સમગ્ર ભારતમાં ગેરકાયદેસર મસ્જિદો, મજારોનો જાણે કે રાફડો ફાટ્યો છે. વકફ બોર્ડની આ મનમાની વિરુદ્ધ અભિયાન ચલાવતા સામાજિક કાર્યકર્તા દિગ્વિજયનાથ તિવારી કહે છે કે, વકફ બોર્ડનું કામ જ જાણે સરકારી જમીનો પર કબજો કરવાનું થઈ ગયું છે અને વકફ બોર્ડ દિવસે ને દિવસે વધારે ભયજનક બની રહ્યું છે, ત્યારે તેને મળેલા અધિકારો નિયંત્રિત કરવાની જરૂર છે. નહીં તો તેનાં માઠાં પરિણામો બિનમુસ્લિમોને ભોગવવાં પડશે. દિગ્વિજયનાથ કહે છે કે, વકફ બોર્ડ દ્વારા જમીનો પચાવી પાડવાનું ષડયંત્ર ૨૦૧૩ બાદ બેફામ બન્યું છે. ૨૦૧૩માં તત્કાલીન કોંગ્રેસ સરકારે વકફ બોર્ડને અપાર શક્તિઓ આપી છૂટો દોર આપી દીધો હતો. કોંગ્રેસ સરકારે વકફ બોર્ડ કાનૂન-૧૯૯૫માં સંશોધન કરી તેને એટલો ઘાતક બનાવી દીધો છે કે હવે વકફ બોર્ડ ગમે તેની સંપત્તિ પર દાવો કરવા લાગ્યું છે. વકફ કાયદા ૧૯૯૫ મુજબ વકફ બોર્ડ કોઈપણ સંપત્તિને વકફની સંપત્તિ જાહેર કરી શકે છે. પછી ભલે ને તે ગેરકાયદેસર કેમ ન હોય. ભલે આ કાયદાને સંસદે બનાવ્યો હોય પરંતુ કાયદા વિશેષજ્ઞો હંમેશા આ કાયદાને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો છે.
 
સુપ્રીમ કોર્ટમાં પડકાર
 
સર્વોચ્ચ ન્યાયાલયનાં વરિષ્ઠ વકીલ ડૉ. બલરામ સિંહ કહે છે કે, વકફ કાનૂન ૧૯૯૫ બંધારણની મૂળ ભાવનાથી વિપરીત છે. આવો કાયદો સંસદ પણ ન બનાવી શકે અને બનાવી પણ લે તો તેને ન્યાયાલયમાં પડકારી શકાય છે અને મને વિશ્ર્વાસ છે કે ન્યાયાલય આ કાયદાને જરૂરથી રદ કરશે. મોડે મોડે પણ આ અન્યાયી કાયદા વિરુદ્ધ દેશભરમાં અવાજ ઊઠવા લાગ્યો છે અને વકફ કાનૂન ૧૯૯૫ને સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારવામાં આવ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં દાખલ કરાયેલ એક અરજીમાં વકફ કાનૂન ૧૯૯૫ના પ્રાવધાનોને પડકારતાં કહેવામાં આવ્યું છે કે, આ કાયદાની કલમો બિનમુસ્લિમો સાથે અન્યાય છે. માટે એ જોગવાઈઓને રદ કરી દેવી જોઈએ. સમાજસેવી જિતેન્દ્ર સિંહ અને અન્ય ૫ લોકો દ્વારા દાખલ કરાયેલ આ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે, ન્યાયાલય જાહેર કરે કે સંસદને વકફ અને વકફની સંપત્તિ માટે વકફ કાનૂન ૧૯૯૫ બનાવવાનો અધિકાર જ નથી. સંસદે સાતમી અનુસૂચિની ત્રીજી સૂચિના અનુચ્છેદ ૧૦ અને ૨૮થી બહાર જઈ કોઈ ટ્રસ્ટ, ટ્રસ્ટની સંપત્તિ, મજહબી સંસ્થા માટે કોઈ કાયદો નથી બનાવી શકતી. ન્યાયાલય સમક્ષ માંગણી કરવામાં આવી છે કે, તે વકફ કાયદા અંતર્ગત જારી કોઈપણ નિયમ, અધિસૂચના, આદેશ અથવા નિર્દેંશ હિન્દુ સહિત તમામ બિનમુસ્લિમ સમુદાયોની સંપત્તિ પર લાગુ ન પડે તેવો આદેશ આપે. અરજી મુજબ વકફ કાનૂનમાં વકફની સંપત્તિને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે કે ન્યાસ, મઠ તથા અખાડાની સંપત્તિઓ માટે આવો કોઈ જ દરજ્જો નથી. માટે આ વકફ કાનૂન ૧૯૯૫ની ધારા ૪, ૫, ૮, ૯ (૧), ૨ (એ) ૨૮, ૨૯ જાહેર કરવાની પણ માંગણી થઈ છે ત્યારે આશા રાખીએ કે, આ અરજીનો નિકાલ પણ ખૂબ જ વહેલી તકે આવે.
 
ગેરકાયદેસર સંપત્તિને કાયદેસર બનાવે છે આ કાયદો : હરિશંકર જૈન
 
સુપ્રસિદ્ધ વકીલ હરિશંકર જૈનના કહેવા પ્રમાણે વકફ કાયદાની કલમ ૪, ૫ અને ૩૬ મુજબ વકફ બોર્ડ કોઈપણ સંપત્તિને વકફની સંપત્તિ ઘોષિત કરી શકે છે. પછી ભલેને તે ગેરકાયદેસર કેમ ન હોય. આ જ કારણે કોઈપણ ગેરકાયદેસર રીતે બાંધી દેવાયેલ મસ્જિદ, મજાર ખૂબ જ સરળતાથી કાયદેસર બની જાય છે. વકફ એક્ટ ૧૯૯૫ની કલમ ૪૦ મુજબ કોઈપણ વ્યક્તિ વકફ બોર્ડને એક અરજી કરી પોતાની સંપત્તિ બોર્ડને આપી શકે છે. જો કોઈ કારણસર તે સંપત્તિ બોર્ડમાં નોંધાતી નથી તો પણ ૫૦ વર્ષ બાદ તે સંપત્તિ આપોઆપ વકફની થઈ જાય છે. આ જ કારણે ગેરકાયદેસર બાંધી દેવાયેલી સેંકડો મજારો અને મસ્જિદો વકફની સંપત્તિ બની ગઈ છે. ગેરકાયદેસર હોવાને કારણે આવી મસ્જિદો મજારો પાસે દસ્તાવેજો નથી હોતા માટે તેમના સંચાલક વકફ બોર્ડમાં અરજી કરી છોડી દે છે. બાકીનું કામ વકફ બોર્ડ સંભાળી લે છે અને આમ લેન્ડ જેહાદનો આ ખેલ વર્ષોથી ચાલતો આવ્યો છે.
 
લોકોએ વકફ પ્રોપર્ટી એક્ટ ૨૦૧૩ અંગે જાગ્રત થવાની જરૂર છે
 
અંગ્રેજોએ મુસ્લિમોને ખુશ કરવા ૧૯૨૧માં વકફ બોર્ડ બનાવ્યું હતું. ત્યારબાદ ૧૯૫૬ અને ૧૯૯૫માં આ કાયદામાં સંશોધન કરી તેને શક્તિશાળી બનાવવામાં આવ્યો. એમાં પણ સંસદમાં ૨૦૧૩માં વકફ બોર્ડ પ્રોપર્ટી એક્ટ પારિત કરી વકફ બોર્ડને અનિયંત્રિત સત્તા આપી દેવાઈ. આ કાયદાની એક જોગવાઈ ધારા ૪૦ ખૂબ જ ખતરનાક છે. આ ધારા મુજબ બોર્ડના કોઈપણ બે લોકો ઇચ્છે તો દેશભરમાં કોઈની પણ સંપત્તિ પર દાવો કરી શકે છે. છેલ્લા એક દાયકાથી આ ધારાને હાથો બનાવી વકફ બોર્ડ સરકારી જમીનોને પોતાના કબજામાં લઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ (ઈલાહાબાદ) ચન્દ્રશેખર આઝાદ અલ્ફ્રેડ પાર્કમાં કોરોનાકાળ દરમિયાન મસ્જિદ અને મઝાર બાંધી દેવાઈ અને વકફ બોર્ડેં આ જમીન પર પોતાનો દાવો ઠોકી દીધો છે. દિલ્હીના સંજય ગાંધી ઉદ્યાનમાં પણ મઝાર બાંધી દઈ વકફ બોર્ડેં તેના પર દાવો ઠોકી દીધો છે ત્યારે આર્ટિકલ ૩૫ બાદ લોકોએ વકફ પ્રોપર્ટી એક્ટ ૨૦૧૩ને લઈને જાગૃત થવાની જરૂર છે. તેવું પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ કહે છે.
 
ઉપસંહાર
 
ખેર ! આ તો થઈ વકફ કાનૂનની વાત. આ મુખપૃષ્ઠ વાર્તા વાંચ્યા બાદ વાચકો એ વિચારવા મજબૂર બની જશે કે આપણા દેશમાં મતબેંકના નામે કેવા કેવા તિકડમો ચાલતાં આવ્યાં છે. જેનો લાભ તો રાજકીય પક્ષોને મળે છે, પરંતુ તેની ભારે કિંમત દેશના બહુમતી વર્ગ અને દેશની અખંડિતતાને ચૂકવવી પડે છે. આ પ્રકારના દેશ અને દેશની અખંડિતતાને સ્પર્શતા મુદ્દાઓ જ્યારે બહાર આવે છે ત્યાં લગી ખૂબ જ મોડું થઈ જતું હોય છે. ૧૯૯૫ના વકફ બોર્ડના કાયદા અને તેને લઈ ખેલાયેલ મુસ્લિમ તુષ્ટીકરણની રાજનીતિએ મનમોહન મલિક જેવા લાખો ભારતીય નાગરિકો સાથે જે અત્યાચાર કર્યો છે તે સાંભળી અનુમાન લગાવી શકાય છે કે, સર્વોચ્ચ ન્યાયાલયનો તાજેતરનો ચુકાદો કેમ અને કેટલો મહત્ત્વનો છે. આ ચુકાદા બાદ દેશ હવે અન્યાય- પૂર્ણ એવો વકફ કાયદો ૧૯૯૫ રદ્દ થાય તેવી આશાઓ સાથે માનનીય સર્વોચ્ચ ન્યાયાલય પણ યોગ્ય ન્યાય કરશે એવી આશા જરૂરથી રાખી શકાય, કારણ કે ન્યાયતંત્રમાં દેર હોય છે, અંધેર નહીં.
 
 
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…