પ. પૂ. શ્રી ગુરુજીના મહાપ્રયાણની વેળા...શ્રી ગુરુજીની પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવનનાં અંતિમ દિવસોનાં સંસ્મરણો

પાંચમી જૂને પ. પૂ. શ્રી ગુરુજીની પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવનનાં અંતિમ દિવસોનાં સંસ્મરણો પ્રસ્તુત છે...

    04-Jun-2022
કુલ દૃશ્યો |

Madhavrao Sadashivrao Golwalkar 
 
 

તા. ૫મી જૂન, રા. સ્વ. સંઘના દ્વિતીય સરસંઘચાલક પ. પૂ. શ્રી ગુરુજી પુણ્યતિથિ નિમિત્તે વિશેષ | Madhavrao Sadashivrao Golwalkar 

શ્રી માધવરાવ સદાશિવ ગોલવલકર એટલે રા. સ્વ. સંઘના દ્વિતીય સરસંઘચાલક મા. શ્રી ગુરુજી. તેમનો જન્મ ૧૯મી ફેબ્રુઆરી - ૧૯૦૬ના રોજ થયો હતો અને પાંચમી જૂન ૧૯૭૩ના રોજ તેમનું દેહાવસાન થયું. પ. પૂ. શ્રી ગુરુજીના જીવનના અંતિમ દિવસો અત્યંત સંવેદનાસભર હતા. જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી તેમણે રાષ્ટકાર્ય છોડ્યું નહોતું. પાંચમી જૂને પ. પૂ. શ્રી ગુરુજીની પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવનનાં અંતિમ દિવસોનાં સંસ્મરણો પ્રસ્તુત છે...
 
 
વર્ષ ૧૯૭૩ની વાત છે. કર્કરોગ (કેન્સર)ને કારણે છેલ્લાં ઘણા સમયથી તેમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હતું. તેમાંય ૧ જૂન, ૧૯૭૩થી તો તેમનું સ્વાસ્થ્ય વધુને વધુ કથળવા લાગ્યું હતું. સારવારની કોઈ અસર દેખાતી નહોતી. સૌ ચિંતિત હતા. ઔષધ સિવાય અન્ય કોઈ ઉપાય થાય તો પણ કરવા માંગતા હતા. એક દિવસ મા. શ્રી ભાઉરાવ દેવરસ અને મા. શ્રી રજ્જુભૈયા પૂજનીય ગુરુજીના નિરંતર કથળતા સ્વાસ્થ્યથી ચિંતિત થઈ પ્રયાગમાં એક એવી વ્યક્તિને મળવા ગયા જેમની પાસે ભૃગુસંહિતા હતી. બારણું ખખડાવ્યા પછી પંડિતજીએ દરવાજા ખોલ્યા અને આ બંને મહાનુભાવોને જોઈ તેમણે પોતાની ઘડિયાળ જોઈ અને કહ્યું, હું જાણું છું કે આપ એક બહુ મોટા મહાપુરુષ વિશે જાણવા માટે આવ્યા છો, પરંતુ તેઓ ૭ જૂન પછી રહેવાના નથી. બંને જણા આ સાંભળીને અવાક્ થઈ ગયા. થોડા સ્વસ્થ થઈને પૂછ્યું કે અમે તો એ જાણવા માટે આવ્યા હતા કે તેમના સ્વાસ્થ્ય લાભ માટે કોઈ અનુષ્ઠાન વગેરે કાંઈ કરી શકાય ખરું કે ? પંડિતજીએ કહ્યું, અનુષ્ઠાન ભલે કરો, પરંતુ તેઓ એક મુક્તાત્મા છે. ગયા જન્મમાં પોતાના ગુરુ પ્રત્યે કાંઈક અવિનય થઈ જવાને કારણે તેમને આ જન્મ લેવો પડ્યો. હવે તેમને પુનર્જન્મ નથી. આ સાંભળી મા. રજ્જુભૈયા અને ભાવરાવજી પરત ફર્યા અને ગુરુજીની સેવામાં લાગી ગયા.
 
સમય વીતતો ગયો. લોકો ગુરુજીને મળવા આવતા રહ્યા. ૧ જૂને અમાસ હતી. તે દિવસે તેમણે પોતાના પારાયણ ગ્રંથો સારી રીતે દોરી બાંધી કબાટમાં મૂકી દીધા, તેના નીચેના ખાનામાં પોતાની ચાખડીઓ પણ મૂકી દીધી. ત્રીજી જૂને રાષ્ટ સેવિકા સમિતિનાં સંસ્થાપિકા લક્ષ્મીબાઈ કેળકર (માવશીજી) આવ્યાં. સ્વાસ્થ્ય બાબતે પૂછ્યું તો ગુરુજીનો જવાબ ટૂંકો જ હતો, જવાની તૈયારી પૂરી થઈ ગઈ. ચહેરા પર મંદ સ્મિત હતું. માવશીજી અવાક. નમસ્કાર કરી પાછાં ફરી ગયાં. ૪ જૂનનો દિવસ ધીમે ધીમે સરકતો ગયો. અને ૫ જૂનનો દિવસ આવ્યો. જ્યેષ્ઠ શુક્લ પંચમી, મંગળવાર. રોજ સવારે ચાર વાગે ઊઠતાં ગુરુજી તે દિવસે પોણાચારે ઊઠ્યા, કૂલર બંધ કર્યું, પ્રાતઃવિધિ પૂર્ણ કરી અને આરામખુરશી પર બેસી જપ કરતા રહ્યા. ૫-૪૫ વાગે રોજની જેમ ચા પીધી. બાજુમાં ઊભેલા આબાજીને કહ્યું, આબા, ઘંટી વાગી રહી છે. અર્થાત્ અંતિમ સમય આવી ગયો છે તેવું ગુરૂજીનું કહેવું હતું.
 
૭ વાગે બાબુરાવ ચોથાઈવાલેની મદદથી સ્નાન કરી કક્ષમાં પ્રવેશ કરી બારણાં બંધ કરી સાધના શરૂ કરી. ૮ વાગે બહાર આવીને જોયું તો શ્રી અટલબિહારી વાજપેયી અને અન્ય ૪-૫ મિત્રો (જે પૈકી એક ડૉક્ટર હતા) આવ્યા હતા.. સહજ વાર્તાલાપ શરૂ થયો. ગુરુજી બોલી રહ્યા હતા, બાકીના સાંભળી રહ્યા હતા. સ્વાસ્થ્યના પ્રશ્ર્ન પરથી વિષય નીકળ્યો. એક હતો હઠીલો દર્દી. તે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે પૂછ્યું, શું કષ્ટ છે? આખી વાત કરો. દર્દીએ કહ્યું, જો મારે જ રોગ બાબતે કહેવાનું હોય તો તમે શું નિદાન કરશો ? મારે તો કહ્યા વગર જ બીમારી સમજી જાય એવા ડૉક્ટર જોઈએ. ડોક્ટર એક ક્ષણ ચૂપ રહ્યા, પછી કહ્યું, તમારે માટે એક બીજો ડૉક્ટર બોલાવું છું.’ બીજો ડૉક્ટર આવતાં જ ડોક્ટરે કહ્યું, આ તારો ડૉક્ટર છે, વગર કહ્યે બધું સમજી જાય છે. તે ઢોર ડૉક્ટર હતો.’ અસલી દર્દીના કક્ષમાં હાસ્યના ફુવારા ઊડતા હતા.
 
આવી ક્ષણો વચ્ચે ગુરૂજીને એ દિવસે ગુરૂજીને મળવા આવનારાઓની સંખ્યા ય વધી ગઈ હતી. જેમાં અમદાવાદ- ગુજરાતના શ્રી મહેશભાઈ મહેતા અને સુભાષ મહેતા પણ પરિવાર સાથે મળવા આવ્યા હતા. તે સમયે ગુરુજીને શ્ર્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી અને કાર્યકર્તાઓની સૂચના હતી કે બોલવાનું નથી. પરંતુ તેમ છતાં જેવા એ લોકો આવ્યા કે તરત જ ગુરુજી તેમની સાથે વાતચીત કરવા લાગી ગયા અને આવવાનું કારણ ? કેટલા દિવસ રોકાશો ? વગેરે માહિતી પૂછવા લાગ્યા, પછી મહેમાનો માટે ચા મંગાવવામાં આવી. એક સ્વયંસેવક ચા આપવા લાગ્યા. મહેતા પરિવાર નાગપુરનાં એક સ્વયંસેવક પ્રેમજીભાઈને ત્યાં રોકાયો હતો. એ પ્રેમજીભાઈ પણ તેમની સાથે જ હતા. મહેમાનો માટે ચા આવી તરત જ ગુરુજીએ કહ્યું, ‘પ્રેમજીભાઈ ચા નથી પીતા, તેમના માટે દૂધ કે શરબત લઈ આવો !’ અને બધા આશ્ર્ચર્યચકિત થઈ ગયા કારણ કે પ્રેમજીભાઈ સંઘના કોઈ મોટા અધિકારી નહોતા કે ન તો જાહેર જીવનના કોઈ મોટા વ્યક્તિ. ગુરુજીના મનમાં નાનામાં નાના સ્વયંસેવક પ્રત્યે પણ જે પોતીકાપણાની ભાવના હતી તે આ ઘટના પરથી પ્રતિત થાય છે. એટલું જ નહીં શ્રી ગુરુજીને ખૂબ શ્ર્વાસ ચડ્યો હતો. જીવનની અંતિમ ક્ષણોમાં અત્યંત પીડા થઈ રહી હતી છતાં એક નાના સ્વયંસેવકની આટલી કાળજી તેમણે લીધી હતી. આ વાત આંખ ન ભીંજવે તો જ નવાઈ...!
 
ગુરુજીની એક ખાસિયત હતી કે તેઓ જ્યારે ખુરશી પર બેસતા ત્યારે પોતાનું કમંડળ જમણી તરફ જ રાખતા. માત્ર ક્યાંક પ્રવાસે જવાનું હોય ત્યારે જ તેઓ તેને પોતાની ડાબી બાજુએ મૂકતા, પરંતુ તે દિવસે સવારથી જ તેઓએ પોતાનું કમંડળ જમણી બાજુએ ન મૂકતા ડાબી બાજુ મૂકી રાખ્યું હતું. આ વાત જ સાબિતી છે કે તેમને મૃત્યુનો આભાસ થઈ ગયો હતો.
મૃત્યુનો ભાસ છતાં ગુરૂજી ડર્યા નહોતા. ઊલટાનું તેમણે તો મૃત્યુનું સ્વાગત કર્યું હતું. લોકોને તકલીફ ન પડે કે દુઃખ ન થાય માટે તેઓ પોતાને થતી પીડા કોઈને કહેતા નહીં. અંતિમ દિવસોમાં તેઓ દિવસો સુધી બિસ્તર પર ઊંઘી શક્યા નહોતા, માત્ર ખુરશી પર બેસી રહેતા. આ વાત પણ લોકોને કેટલાય દિવસો બાદ ખબર પડી હતી. ગમે તેટલું કષ્ટ હતું છતાં જ્યારે કોઈ મળવા આવે ત્યારે તેઓ સામેવાળાને પૂછતા કે, ‘ભાઈ તમારી તબિયત તો ઠીક છે ને ?’ તેમનાંથી વધારે સમય ઊભું પણ નહોતું રહી શકાતું, તેથી જ છેલ્લે છેલ્લે પ્રાર્થના કરી શકાતી ન હતી. છતાં તેઓ બેસીને પણ પ્રાર્થના તો કરતા જ અને ‘ભારત માતા કી જય’ ઉચ્ચારતા. છેક છેલ્લા દિવસ સુધી તેઓ ‘ભારત માતા કી જય’નો નારો લલકારતા રહ્યા તેમનો આ વ્યવહાર શીખવે છે કે મૃત્યુનું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ.
 
આખો દિવસ આમ જ પસાર થયો. ૧૫ મહેમાનો સાડા આઠે પાછા ગયા. પરંતુ આટલી વારમાં ગુરુજી થાકી ગયા હતા. તેમને માટે શ્ર્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો. તરત પ્રાણવાયુ આપવો પડ્યો. તે દિવસે અનેક વાર પ્રાણવાયુ આપવો પડ્યો. પોણા અગિયારે થોડાં છાશભાત લીધાં અને અઢી વાગ્યા સુધી આરામ કર્યો. સાંજે ખૂબ કષ્ટપૂર્વક ત્રણ-ચાર ઘૂંટડા ચા લઈ શક્યા. ૬ વાગે શ્ર્વાસ લેવાનું કઠિન થઈ ગયું. ડૉ. મુકુંદરાવ શાસ્ત્રી અને ડૉ. ભાગવતને બોલાવવામાં આવ્યા. ઇન્જેક્શનની વાત નીકળતાં ગુરુજીએ કહ્યું, ઇન્જેક્શનની જરૂર નથી. દવા બગાડવાની જરૂર નથી.’ છતાં બંને ડૉક્ટરોના સ્નેહપૂર્ણ આગ્રહને વશ થઈ અનુમતિ આપી દીધી. ઇન્જેક્શન આપ્યા પછી પણ સ્થિતિ યથાવત્ રહી. કોઈ લાભ ન થયો. ડૉ. આબાજી ચિંતામાં પડ્યા. એટલામાં દર્દી માટે સુવિધાવાળો પલંગ આવી ગયો. તેને યોગ્ય સ્થાને ગોઠવી તેની ઉપર સૂવા માટે ગુરુજીને વિનંતી કરી પરંતુ ગુરુજીને મૃત્યુનો આભાસ થઈ ગયો હોવાથી તેમણે હાથથી ઇશારો કરી પલંગનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો. ૭-૧૫ વાગે પ્રાર્થના હતી. તેઓ પોતે ધોતી સરખી ન કરી શક્યા. પગ થરથરતા હતા. પરિચારક ખુરશી લઈ આવ્યા અને કહ્યું, આપ બેસીને પ્રાર્થના કરો, તે કક્ષમાં જવાની જરૂર નથી.
 
ગુરૂજીએ પૂછ્યું, પણ આજ્ઞાઓ અને પ્રાર્થના સંભળાશે ખરી ? જવાબ મળ્યો, તેની યોગ્ય વ્યવસ્થા થઈ જશે. ૭-૧૦ વાગે ધ્વજપ્રણામ પછી પ્રાર્થના શરૂ થઈ. ડો. આબાજી ગુરુજીની પાછળ ઊભા રહ્યા. શાખા વિકિર થઈ. સામાન્યત શાખા પૂરી થયા પછી ગુરુજી બધાંની સાથે ચા પીતા. તે દિવસે તેમણે ના પાડી. શ્ર્વાસ રૂંધાતો જ હતો. એટલામાં આબાજી માટે નીચેના કક્ષમાંથી ફોન આવ્યો અને તેઓ નીચે ગયા. બાબુરાવ ચૌથાઈવાલે અને વિષ્ણુપત મુઠાળ ત્યાં જ રહ્યા. ગુરુજીએ પાણી માગ્યું, બે ત્રણ ઘૂંટ પીધું અને અચાનક ઊભા થયા. સંધ્યાવંદનનો સમય થઈ ગયો હતો. હાથ પગ ધોવા તેઓ સ્નાનઘરમાં ગયા. પ્રક્ષાલન કરતાં કરતાં તેઓ અચેત થઈ ગયા. બાબુરાવે તેમને પકડ્યા. ગુરુજીએ તેમના ખભા પર માથું નાખી દીધું. બંનેએ મળીને તેમને બહાર લાવી ખુરશી પર સુવાડ્યા. આંખ બંધ કરી ગુરુજી હાલ્યાચાલ્યા વગર સૂતા રહ્યા. ગુરુજી, ગુરુજી વિષ્ણુપંતે બે ત્રણ વાર બૂમ પાડી. જવાબ નહોતો. શ્ર્વાસ ચાલુ હતો. સાંજના ૮ વાગી ગયા. ડૉક્ટરોની ટીમ દોડતી આવી. મુકુંદ શાસ્ત્રી, રામદાસ પરાંજપે, બાળાસાહેબ પેંડસે અને ઇન્દ્રા પવાર. ઇન્જેક્શન અપાયું, પ્રાણવાયુ અપાયો. થોડો સમય રાહ જોઇ, કોઇ પરિણામ નહોતું. દર્દી દીપશીખાની જેમ નિશ્ર્ચલ હતો. પળે પળે સ્પંદન ઘટતું ગયું. ૯-૦૫ વાગે બધું પૂર્ણ શાંત થયું. માધવ સદાશિવ ગોળવલકરનું શરીર નિષ્પ્રાણ થયું. આત્મા પરમધામ ચાલ્યો ગયો.
 
૬ઠ્ઠી જુનના દિવસે સંઘનિર્માતા ડૉ. હેડગેવારની પ્રતિમાની સાક્ષીએ પ.પૂ. શ્રી ગુરૂજીના દેહને અગ્નિદાહ અપાયો અને એક મહાન રાષ્ટભક્ત પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયા.
 
 

Madhavrao Sadashivrao Golwalkar and atalji 
 
 

ગુરુજીને અટલજી શ્રદ્ધાંજલી

 
પ. પૂ. શ્રી ગુરુજીની વિદાઈથી ન પૂરી શકાય તેવી ખોટ પડી હતી. તમામ સ્વયંસેવકો, કાર્યકર્તાઓ આંસુ સારી રહ્યા હતા. સંઘના સ્વયંસેવક અટલબિહારી વાજપાઈ પણ અત્યંત દુખી થયેલા. શ્રી ગુરુજીનાં અવસાન પછી તેમણે આપેલી શ્રદ્ધાંજલીમાં પણ ગુરુજીના અંતિમ દિવસોનું હૃદયસ્પર્શી વર્ણન છે. છેલ્લાં દિવસોને યાદ કરતા તેમણે લખ્યું હતું તે પ્રસ્તુત છે...
 
૫ જૂન, ૧૯૭૩
સવારનો સમય હતો. ચાપાણી વખતે પૂજ્ય ગુરુજીના ખંડમાં (એને ઓરડી કહેવી વધારે યોગ્ય કહેવાશે.) જ્યારે અમે પ્રવેશ્યા ત્યારે તેઓ ખુરશી પર બેઠા હતા. ચરણસ્પર્શ કરવા મેં હાથ લંબાવ્યા. દર વખતની જેમ એમણે પોતાનાં ચરણ પાછાં ખેંચી લીધાં. મારી સાથે આવેલા સ્વયંસેવકોનો મેં પરિચય કરાવ્યો. પરંતુ એમના મુખ પર પેલું એ જ નિર્મળ, મોહક સ્મિત હતું. હૃદયને હરી લેનારું હાસ્ય. મુરઝાયેલા મનની પ્રત્યેક કળીને ખીલવતું હાસ્ય! નિરાશા, હતાશા, અમંગળ આશંકાને વિદારી દેતો અદમ્ય આત્મવિશ્ર્વાસ એ હાસ્યમાં હતો.
 
ગુરુજીના એ ખંડના જ એક ખૂણે મૃત્યુ પણ ઊભું હતું. ગુરુજીનું શરીર છૂટી રહ્યું હતું. એક પછી એક સઘળાં બંધનો તૂટી રહ્યાં હતાં. મહામુક્તિનું મંગળ મુહૂર્ત આવી પહોંચ્યું હતું. ક્ષણેક તો મને પ્રતીત થયું કે બાણશય્યા પર પોઢેલા ભીષ્મપિતામહ મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા છે. અગાઉ ઇચ્છામૃત્યુ અંગે મેં કેવળ સાંભળ્યું જ હતું. આજે નરી આંખે મને એનો અનુભવ થયો.
 
૬ જૂન ૧૯૭૩
 
હેડગેવાર ભવન. એક જ દિવસમાં તો બધું કેવું બદલાઈ ગયું! ગઈકાલ સુધી તો બધે શાંતિ હતી. શોકના નિસ્તબ્ધ ચિત્કારથી આજે સૌનું હૈયું ચિરાઈ રહ્યું છે. ગઈ કાલ સુધી તો સૌ પોતપોતાના કામમાં ગૂંથાયેલા હતા. આજે? સઘળું ગુમાવીને બધા ખાલી હાથે મોં વકાસીને ઊભા છે! આજે આંખોમાં આંસુ છે. હૃદયમાં છે હાહાકાર. કદી ન રુઝાઈ શકે એવો કારી ઘા પડ્યો છે. કદી ન મટે એવું દર્દ અનુભવાઈ રહ્યું છે.
 
કાર્યાલયના અંદરના એક ખંડમાં પૂજ્ય ગુરુજીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આજે એમણે ચરણસ્પર્શ કરતાં મને રોક્યો નહીં. પોતાનાં ચરણ પાછાં ખેંચી લીધા નહીં. મારા મસ્તક પર પ્રેમથી એમણે હાથ પણ ન ફેરવ્યો. કાયાના પિંજરને છોડી હંસ ઊડી ગયો હતો. પૂર્ણત્વમાં એ વિલીન થઈ ગયો હતો.
 
ગુરુજી હવે નથી. એમનું વિરાટ વ્યક્તિત્વ નાનકડી કાયામાં ક્યાં સુધી કેદ રહી શકે ? આજીવન પ્રતિપળ પ્રજ્વળીને લાખો જીવનોને આલોકિત પ્રકાશિત કરનારો એ તેજપૂંજ મુઠ્ઠીભર હાડમાંસની કાયામાં ક્યાં સુધી સીમિત રહે ?
 
પણ ગુરુજી હંમેશા રહેવાના જ છે. ગુરુજી રહેવાના છે આપણા જીવનમાં, હૃદયમાં ને આપણાં કાર્યોમાં. અગ્નિ તો એમના સ્થૂળ દેહને ભસ્મ કરી શકે, પરંતુ ગુરુજીને હૃદયે હૃદયે પ્રગટાવેલી પ્રખર રાષ્ટપ્રેમ અને નિઃસ્વાર્થ સમાજસેવાની ચિનગારીને કોણ બુઝાવી શકે ? એમની પુનિત સ્મૃતિને શતશત પ્રણામ !