વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ

રાષ્ટ્રીયત્વના ઘોર વિરોધી વામપંથીઓએ રાષ્ટ્રના સામાજિક સંતુલનને સમૂળગું ખોરવી દેવા માટે સમાજમાં આંતરિક સંઘર્ષો ઊભા કરીને હર એક રાષ્ટ્રના પોતિકા સામાજિક માળખાને રફેદફે કરવાનો.. એટલે કે સમાજનાં મૂળીયાંને નષ્ટ કરવાનો અંતિમ સર્વસત્યાનાશી માર્ગ પકડેલો છે. સૌને સંભ્રમણગ્રસ્ત કરી દેવાના આ માર્ગે..

    25-Jul-2022   
કુલ દૃશ્યો |

Communism and communist agenda,
 
 
વામપંથીઓને પોતાના રાજકીય સિધ્ધાંતોના આધારે સત્તા મેળવવી અને ભૂલથી મળી જાય તો ટકાવવી પણ શક્ય નથી તેવી પાકી પ્રતિતિ ઘણા સમય પૂર્વે, લગભગ સોવિયેત રશિયા ટૂકડે-ટૂકડાઓ થઈ ગયું ત્યારથી થઈ ગઈ છે. (જુઓને ભલભલા ચીન જેવા ચીનના વામપંથનેય નકલી મૂડીવાદી બની જવું પડ્યું છે, જે સર્વવિદિત છે.)
 
વામપંથીઓને આ જ્ઞાન લાધ્યું ત્યારથી માર્ક્સ, એંગેલ્સ, લેનીન, સ્ટેલીન અને માઓ છાપનું પ્રત્યક્ષ રાજકારણનું રણ લગભગ લગભગ પોતે છોડી દીધું હોય તેવો આભાસ થઈ રહ્યો છે. ત્યારથી, વાસ્તવમાં વામપંથે પોતાનું નિયંત્રણ પ્રસ્થાપિત કરવાનું છોડી દીધું નથી, પરંતુ તેણે સ્ટ્રેટેજીપૂર્વક સૌ દેખી શકતા હતા તેવા પોતાના પરંપરાગત મૂળ માર્ગને કિનારે કરીને નવો છદ્મવેશી માર્ગ અખત્યાર કરેલો છે.
 
આપણા ભારતમાં પણ જોઈ શકીએ છીએ કે, ઉપર ઉપરની દેખીતી નજરે બંગાળમાંથી બહેર મારી ગયેલો, ત્રિપુરામાં તણાઈ ગયેલો અને આગામી થોડા સમયમાં કેરળને અલવિદા કરવા જઈ રહેલ વામપંથ વાસ્તવમાં આજે આપણી ભારતીય પરંપરાઓને લૂણો લગાડતા વિમર્શો ઉભા કરીને ભારત આખાને ભ્રમિત કરવામાં સતત આગળ વધી રહ્યો છે.
 
રાષ્ટ્રીયત્વના ઘોર વિરોધી વામપંથીઓએ રાષ્ટ્રના સામાજિક સંતુલનને સમૂળગું ખોરવી દેવા માટે સમાજમાં આંતરિક સંઘર્ષો ઊભા કરીને હર એક રાષ્ટ્રના પોતિકા સામાજિક માળખાને રફેદફે કરવાનો.. એટલે કે સમાજનાં મૂળીયાંને નષ્ટ કરવાનો અંતિમ સર્વસત્યાનાશી માર્ગ પકડેલો છે. સૌને સંભ્રમણગ્રસ્ત કરી દેવાના આ માર્ગે.. વિશ્વ આખાને પોતાના વિમર્શ (નેરેટીવ્ઝ)ની મુઠ્ઠીમાં કરવાનો બુદ્ધિગમ્ય રાહે, છતાં પૂર્ણત: અધમતાથી, છેલ્લા કેટલાક દશકાઓથી આદરેલ પ્રયત્ન આજે ઠેર ઠેર માથું ઉંચકી રહેલો જોવા મળી રહ્યો છે. અલબત્ત વામપંથ અગાઉ ક્યારેય સફળ નહોતો તેટલો તે આજે સફળ થઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.
 
જેમ શત્રુ તરફથી કરાતા હુમલાઓ માટે મધ્યરાત્રિનો સમય સર્વાધિક શ્રેષ્ઠ રહેતો હોય છે તેમ મારિચી સંભ્રમણ ફેલાવવા પોતાની ઓળખને અંધકારમાં ઓગાળી દઈને પોતાનો ખેલ શરૂ કરનાર વામપંથીઓ, વામપંથનો સિક્કો ભૂલથી પણ લાગી ન જાય તે રીતે શરુમાં ગતકડાં જેવી લાગતી વિકૃત ધારણાઓને જન્મ આપે છે. સાહિત્ય, કવિતા, સંગીત, નાટક, ફિલ્મ, સેમિનાર, વર્કશોપ, પત્રકારિતા, સોશિયલ મીડિયા વગેરે આકર્ષક સ્વરૂપોવાળી બૌદ્ધિક કવાયતથી વિકૃતિઓનું મહિમામંડન ટૂલકીટ સ્ટાઈલથી કરવામાં આવે છે. આ વિકૃતિઓને બહુમતી સમાજ પોતે પોતાને લિબરલ માનીને સ્વિકાર કરતો થઈ જાય તેવાં હવા, પાણી અને ખાતર પોતાનો વામપંથ જાહેર ન થઈ જાય તે રીતે આપ્યા કરે છે. શાહીનબાગની ઘટના માટે શું આપણી કલ્પી શકીએ કે પડદા પાછળ મૂળભૂત રીતે તો વામપંથી વિચાર જ એ ઘટનાનું ચાલકબળ હતો? તાજેતરમાં બહાર પડેલ કાલી ડોક્યુમેન્ટરીની જાહેરાતના પોસ્ટરમાં દેવી શ્રી મહાકાળીને સિગરેટ પીતાં અને LGBTQનો ફ્લેગ ધારણ કરતાં ચિત્રિત કરીને ભારતીય આધ્યાત્મિક વિરાસતનું કરવામાં આવેલ અપમાન પણ આ જ ફ્રેમમાં ફિટ થતું અપકૃત્ય છે, જેની પાછળ વિષાક્ત વામપંથ જ છે, તેનો અણસાર સુધ્ધાં આવવો સર્વ સામાન્ય વ્યક્તિ માટે શક્ય છે કે?
 
વામપંથ એક વાયરસ છે તેનાં મ્યુટેશનનાં અકલ્પ્ય સ્વરુપોનો પાર પામવો એ અત્યંત કઠીન છે. સેક્યુલરીઝમ ફેમીનીઝમ, સમલૈંગિકતા, હ્યુમન રાઈટ, પોલીટિકલ કરેક્ટનેશ, વિક્ટિમ આઇડેન્ટી, કનફ્લિક્ટ નેરેટિવ્ઝ મન ચાહે તેમ બેફામ ફૂલેફાલે છે ત્યારે સમાજ પોતાની ઓળખ ગુમાવી દે છે. વામપંથના આ છદ્મ સાંસ્કૃતિક આક્રમણના કારણે માત્ર ભારતને જ નહીં પરંતુ ઇંગ્લેન્ડ સહિતના યુરોપીય તથા અમેરિકન જગતને પર્યાપ્ત નુકસાન પહોંચી ચૂક્યું છે. વશીકરણ વિદ્યા વડે વશીભૂત થયેલ વ્યક્તિની જેમ આખોને આખો સમાજ નર્યા સ્વપ્નિલ ખ્યાલોમાં રાચતો થઈ જાય, શિથિલ થઈ જાય છે. આવા સમાજનું સ્વ લુપ્ત થતાં ભ્રમિત થયેલો દિશાશૂન્ય સમાજ અંતે અશાંતિ અને વૈચારિક અંધાધૂંધીમાં ગરકાવ થઈ જાય છે.
 
વામપંથના ઓછાયામાં ભારત કેવી રીતે સપડાયું તે પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો વામપંથે જવાહરલાલ નહેરુના માનસને શરૂઆતથી જ ગ્રસિત કરેલું. અને તેથી સ્વાધીન ભારતનાં શિક્ષણતંત્ર, ન્યાયતંત્ર, અર્થતંત્ર, ઉદ્યોગતંત્ર -આ બધાં તંત્રોને પણ વામપંથે ભરડો લીધો. આમ જાણે અજાણે કોંગ્રેસ પક્ષ પણ આખોય આજ દિન સુધી વામપંથગ્રસિત છે.
 
૧૯૪૮માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક પ્રામાણિક અને સાચો ઇતિહાસ લખવા માટે સરકાર સમક્ષ પ્રખર તેજસ્વી ઇતિહાસકાર આર.સી. મજમુદારે પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો. જેને સ્વીકૃતિ પણ મળી. તેનો પહેલો ખંડ પણ લખાઈ ચૂક્યો. અને છેક ત્યારે ૧૯૫૨માં શિક્ષણ મંત્રાલયે એક સંપાદક મંડળની નિયુક્તિ કરી, જેને ૧૯૫૫માં ભંગ કરી દેવામાં આવ્યું. અને એકાએક આ કાર્ય માટે તહેરાનના રાજદૂત તારાચંદ જે ઈસ્લામી-વામપંથી હતા તેમને નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે ઇતિહાસમાંથી તમામ ગૌરવશાળી પૃષ્ઠોને ઓઝલ કરી દીધાં. આમ ભારત સ્વાધીન તો થયું પરંતુ નહેરુસ્થાપિત વામપંથના બૌદ્ધિક દબદબાના કારણે સમાજજીવનનાં તમામ તંત્રો- શિક્ષણતંત્ર, ન્યાયતંત્ર, અર્થતંત્ર, ઉદ્યોગતંત્ર વગેરે તમામમાંથી સ્વને પ્રગટ થતું રોકવાના તમામ પ્રયત્નો થયા. ભારત સ્વને આધિન (સ્વાધીન) તો થયું પણ સ્વ તંત્રવાળું ન થઈ શક્યું.
 
૧૯૩૬ના લખનઉના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેહરુજીના અધ્યક્ષીય ભાષણથી તેમનો વામપંથી અભિગમ સ્પષ્ટ થાય છે. આ ભાષણ,
 
૧, મહાત્મા ગાંધીના હિન્દ સ્વરાજ અને ગ્રામ્ય સ્વરાજની અવધારણાથી વિપરીત ચાલી નિકળવાનું.. અને
૨, રાષ્ટ્રીય આંદોલનમાંથી સ્વને હટાવીને ભારતના વિકાસના વિદેશી માનચિત્રની તૈયારીનું...
 
આ બંનેનું પ્રસ્થાનબિંદુ છે.
 
સંયુક્ત સોવિયત સંઘના પ્રસંશક નેહરુજીએ લખનઉમાં પૂજીવાદના વિકલ્પના રૂપમાં સોવિયત સમાજવાદને અપનાવવા માટે જે હદે બિરદાવ્યો ત્યારે વામપંથી ઇતિહાસકાર બીપીનચંદ્રે કહેલું કે, આ વક્તવ્યમાં નહેરુજીના પક્ષેથી ૧, સૌથી પ્રબળ હતી.. માર્ક્સવાદી તરફદારી અને ૨, સૌથી પ્રબળ હતું.. ભારતમાં વામપંથનું ઉગ્ર રૂપ.
 
મ. ગાંધીજીના એક પત્રના ઉત્તરમાં નહેરુજીએ લખી જણાવેલું કે, ખૂબ પહેલાં મેં ’હિન્દ સ્વરાજ’ વાંચ્યું હતું તેની ધૂંધળી એવી છબી મારા મનમાં છે. અને મેં ભલે આજથી ૨૦ કે તેથી વધુ વર્ષ પહેલાં વાંચ્યું હશે ત્યારે પણ મને તે પૂરી રીતે અવાસ્તવિક લાગ્યું હતું. આ પ્રતિક્રિયાથી નહેરુજીની સ્વરાજ્યથી તદ્દન વિપરીત માનસિકતા સ્પષ્ટપણે પ્રકટ થાય છે.
 
નેહરુ ધ ગોડ ધેટ ફેઈલ્ડના પાના ક્રમાંક ૨૭૮ ઉપર શ્રી સરદાર પટેલે નેહરુજીના સમાજવાદી મિથ્યાભિમાન અંગે કરેલો બેબાક ઉલ્લેખ છે. લખાયેલું છે કે, પટેલ સમાજવાદી નહોતા. તેઓ તેમના (એટલે કે નહેરુજીના) કમજોર ઇરાદાઓવાળા ઊંચા આદર્શોની મજાક પણ ઉડાવતા હતા. તેઓએ કહ્યું હતું કે, સમાજવાદની ચર્ચા કરતાં પહેલાં આપ સ્વયંને પૂછો કે, આપે આપના શ્રમથી કેટલી સંપત્તિ અર્જિત કરી છે. સંપત્તિનું શું કરવું; તેનાં પહેલાં એ વિચારવું જોઈએ કે તેને કેવી રીતે અર્જિત કરવાની હોય છે. સ્વદેશનિષ્ઠ સરદાર માટે વિદેશનિષ્ઠ વામપંથી સમાજવાદ વેઠવો કેટલું દુષ્કર હશે ?
 
લોકતંત્રના સૂર્ય ઉપર લાગેલા વામપંથીય ગ્રહણની દુર્ઘટના એટલે ૧૯૭૫માં લદાયેલી કટોકટી. આ કટોકટી વખતે વિપક્ષ જેલમાં બંધ હતો ત્યારે વામપંથના છદ્મ સ્વરૂપ એવા વિદેશની ધરતીમાં પાંગરેલ નહેરુજીના ‘સમાજવાદ’ને ભારતના બંધારણમાં સુધારાના નામે દાખલ કરી દેવાનું ઈંદિરા ગાંધીએ આચરેલ ઘોર પાપ જે વાસ્તવમાં પરમ શ્રદ્ધેય આંબેડકરજીના ‘સ્વ’ને વરેલા સ્વદેશી સિદ્ધાંતોનો સરેઆમ દ્રોહ છે.
 
આ બધાં તથ્યો-સત્યો, ભારતને ઘેરી વળેલા વામપંથીય ભરડાને સ્પષ્ટ કરે છે. જ્યારે રાષ્ટ્ર સ્વાધીનતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે અત્યાર સુધીની તેની યાત્રા ઉપર હાવી થઈ ગયેલા વામપંથના વિષાક્ત વિચારોના સામ્રાજ્યને ઓળખવાની સાથે સાથે જે નવા છદ્મવેશથી આ વામપંથ આપણા સાંસ્કૃતિક સામાજિક તાણાવાળાઓને છિન્નભિન્ન કરી રહ્યો છે તે સમજવાની તાતી જરૂર છે. આવનારા સમયમાં સ્વના જાગરણ આડે આવનાર આ વિભાજક અને વિઘાતક શક્તિનો વૈચારિક અને વ્યાવહારિક સામનો કરવો અત્યંત આવશ્યક માત્ર નહીં પણ અનિવાર્ય છે. સૌને આહ્વાન છે.
 
(ક્રમશઃ)
 
( લેખક - ભાનુ ચૌહાણ )
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.