મુસ્લિમોને ચીનની સંસ્કૃતિ મુજબ ઢાળવા શી જિનપિંગનો આદેશ

ચીન એટલું શક્તિશાળી બની ગયું છે કે ચીનમાં થઈ રહેલા મુસ્લિમો પર કટ્ટરતા ડામવાના પ્રયાસો સામે પાકિસ્તાનથી માંડીને આરબ દેશો ચૂપ છે.

    30-Jul-2022   
કુલ દૃશ્યો |
 
muslims in china
 
 
ચીનના પ્રમુખ શી જિનપિંગ તાજેતરમાં અશાંત પ્રાંત શિનજિયાંગની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે અધિકારીઓને આદેશ આપ્યો કે સામ્યવાદીઓ સમાજવાદી સમાજ બનાવવા માગે છે તે મુજબ અને ચીનની પરંપરા મુજબ ઇસ્લામને ઢાળવાનો પ્રયાસ કરવામાં આવે. આવા આદેશ સામે સમગ્ર દુનિયા મૌન છે.
 
રાષ્ટ્રપતિએ અધિકારીઓને જણાવ્યું કે ઇસ્લામને આપણી પરંપરા અને સમાજ મુજબ ઢાળવાનો પ્રયાસ કરે.
 
તમને થયું હશે કે કયા દેશના રાષ્ટ્રપતિએ આવું કહેવાની હિંમત કરી હશે? કરી હશે તો દેશ-વિદેશથી કેટલો હોબાળો થયો હશે? આરબ દેશોએ તો સંબંધ કાપી નાખવાની, સામાનનો બહિષ્કાર કરવાની ધમકી આપી હશે ને? દેશમાં ગળાં કપાવાં લાગ્યાં હશે. હિંસક પ્રદર્શનો થયાં હશે. ન્યાયાલયમાં જાહેર હિતની યાચિકા થઈ ગઈ હશે અને ન્યાયમૂર્તિઓએ આકરી ટિપ્પણી કરી હશે.
 
પણ ના. આવું કંઈ થયું નથી, કારણ કે આ ટિપ્પણી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કરી છે. તેમણે તેમના અધિકારીઓને કહ્યું કે દેશમાં બધા જ પંથો સત્તારૂઢ ચીનના સામ્યવાદી પક્ષ દ્વારા સમાજવાદી સમાજ સ્થાપવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે મુજબ હોવા જોઈએ.
 
વાસ્તવમાં શી જિનપિંગ ત્યાંના અશાંત શિનજિયાંગ પ્રાંતની મુલાકાતે હતા. આ પ્રાંતમાં ઉઈગર (એક ઉચ્ચાર પ્રમાણે વિઘુર પણ કહેવામાં આવે છે) મુસ્લિમોનો પ્રશ્ર્ન ચીનને સતાવી રહ્યો છે. અમેરિકા કહે છે કે ત્યાંના મુસ્લિમો પર ચીન અત્યાચાર કરે છે. જિનપિંગ ૧૨ જુલાઈથી ચાર દિવસ આ ક્ષેત્રના પ્રવાસ પર હતા. તેમણે ચીનના અધિકારીઓને દેશ માટે મજબૂત સામુદાયિક ભાવના વધારવા અલગ-અલગ જાતીય સમૂહો વચ્ચે આપ-લે, વાતચીત અને એકીકરણને ઉત્તેજન આપવા પર ભાર મૂક્યો.
 
ઈ. સ. ૧૯૪૯ પહેલાં આ પ્રાંત અગાઉ તુર્કીસ્તાનનો પૂર્વી હિસ્સો હતો. ઈ. સ. ૧૯૪૯માં તેને સ્વતંત્ર રાષ્ટ્રની માન્યતા પણ આપવામાં આવી હતી, પરંતુ આ ભારત નહોતું કે પોતાની સરહદે સદૈવ સમસ્યારૂપ થનાર વિસ્તારને અલગ રાષ્ટ્ર થવા દે. તેણે થોડા જ સમયમાં તેના પર કબજો કરી લીધો. ત્યારથી ઉઈગર મુસ્લિમો ચીનથી અલગ રાષ્ટ્ર બનાવવા ઈસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ નામની ચળવળ ચલાવે છે. તેના ભાગરૂપે સ્વાભાવિક ઇસ્લામિક કટ્ટરતાને ઉત્તેજન આપી રહ્યા છે.
 
ચીને આ પ્રાંતને સ્વાયત્ત ઘોષિત કર્યો છે એ તો કહેવા પૂરતો. ભારત જેવું નહીં, જ્યાં જમ્મુ-કાશ્મીર (અને લદ્દાખ પણ)ને અલગ દેશની જેમ બે પ્રધાન, બે ઝંડા, બે સંવિધાન આપેલાં હતાં, સુરક્ષા, નાણાં અને વિદેશ નીતિની ચિંતા ભારત કરે અને બાકી પોતાની ઇચ્છા મુજબ રાજ ચલાવે અબ્દુલ્લા અને મુફ્તિ પરિવાર. ઉપરોક્ત ઈસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ હવે તુર્કિસ્તાન ઇસ્લામિક પક્ષના નામે ઓળખાય છે અને વિકિપિડિયા તેને કટ્ટર ઇસ્લામિક સંગઠન તરીકે ઓળખાવે છે. આ જ વિકિપિડિયા, ભારતમાં એમઆઈએમના નેતાઓ અકબરુદ્દીન ઓવૈસી અને વારિસ પઠાણનાં વારંવાર ૨૦ કરોડ મુસ્લિમો ૮૦ કરોડ હિન્દુઓ પર ભારે પડશે તેવાં નિવેદનો છતાં એમઆઈએમને માત્ર રાજકીય પક્ષ ગણાવે છે. આનું કારણ ચીનની શક્તિ છે. વિશ્ર્વમાં ચીનની ધાક એવી છે કે અત્યારે મીડિયામાં પણ ચીનની વિરુદ્ધ બહુ લખી શકાતું નથી.
 
ભારત અને ચીન વચ્ચે વધુ એક બાબતમાં અંતર છે. ચીનમાં આ ઇસ્લામિક પક્ષને ત્યાંની સામ્યવાદી સરકાર જિહાદી તરીકે જ જુએ છે જ્યારે ભારતમાં અગાઉ કહ્યું તેવાં નિવેદનો આપવા છતાં એમઆઈએમને જિહાદી તરીકે જોવામાં નથી આવી રહ્યું. ઊલટું, જ્યારે પણ ઓવૈસી ટીવી પર આવે છે ત્યારે બીજા પક્ષોના નેતાઓને, સેનાના પૂર્વ અધિકારીઓને તેમનાં આખાં નામ સાથે બોલાવવામાં આવે છે, પરંતુ ઓવૈસીને ઓવૈસી સાહબ કહેવામાં આવે છે. પાકિસ્તાનના કોઈ પેનલિસ્ટ હોય તો પણ તેમના નામ પાછળ સાહબ લગાવવામાં આવે છે. આ કાં તો મોગલ રાજનો છૂપો ડર છે અથવા તો મોગલ અને અંગ્રેજ રાજની માનસિક દાસતા હજુ પણ ક્યાંક અર્ધચેતન માનસમાં રહેલી છે.
 
આ તુર્કીસ્તાન ઇસ્લામિક પક્ષની સિરિયામાં પણ શાખા છે અને તે સિરિયામાં ગૃહયુદ્ધ લડી રહ્યો છે. એટલે કે આ માત્ર ચૂંટણી લડે તેવો પક્ષ નથી. યુદ્ધ લડે તેવા લોકોનો પક્ષ છે. તેની સાંઠગાંઠ અલ કાયદા નામના ત્રાસવાદી સંગઠન સાથે પણ બહાર આવી છે. આ સિવાય આવાં બીજાં કટ્ટરવાદી સંગઠનો ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાની તાલિબાન સાથે પણ છે.
 
તિબેટની જેમ શિનજિયાંગમાં પણ ચીન ત્યાંની સંસ્કૃતિ બદલવા પ્રયાસ કરે છે. તિબેટમાં જેમ મૂળ ચીનના લોકોને ચીનની સામ્યવાદી સરકારે વસાવ્યા છે, ત્યાં ચીનની ભાષા થોપવા તરીકે થોપી છે તેમ શિનજિયાંગમાં પણ હાન લોકોને વસાવ્યા છે. આથી શિનજિયાંગમાં ઉઈગર મુસ્લિમો હાન સામે લડી રહ્યા છે. ત્યાં ઊંચા પદો પર પણ હાન વંશના લોકો જ છે. ત્યાં ભારતના રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, આરફા ખાનમ શેરવાની જેવા પત્રકારો, આકાર પટેલ જેવા એનજીઓ ચલાવતા લોકો કે આઝમ ખાન જેવા રાજનેતાઓ પ્રશ્ર્ન નથી કરી શકતા કે ઊંચાં પદો પર હાન વંશના લોકો જ કેમ છે?
 
શિનજિયાંગ પ્રાંતમાં એક કરોડ મુસ્લિમો રહે છે. તેઓ કહે છે કે હાન લોકોને વસાવીને ચીનની સરકાર ઇસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટને દબાવવા માગે છે. આ લોકોની ચળવળ સહેજ પણ અહિંસક નથી. ત્યાંના લોકો હાન વંશીય ચીની લોકો સાથે તો લડતા રહે જ છે, પરંતુ ચીનમાં અન્ય સ્થાનો પર થતા આતંકવાદી હુમલા પણ આ ઉઈગર મુસ્લિમો કરતા હોવાનું ચીનની સામ્યવાદી સરકાર માને છે.
 
ભારતમાં સામ્યવાદીઓ કટ્ટર મુસ્લિમો સાથે હાથમાં હાથ મિલાવીને ચાલે છે, પરંતુ ચીનમાં સામ્યવાદીઓ ખરા અર્થમાં સામ્યવાદી છે. સામ્યવાદીઓ ધર્મને અફીણ માને છે. તેઓ પંથ નિરપેક્ષતામાં માને છે. આથી કોઈ પણ પંથને પ્રમુખતા આપતા નથી. ત્યાં એક પક્ષની જ સરકાર છે એટલે મત લેવા કોઈ પંથને રિઝવવાની આવશ્યકતા પડતી નથી. આથી તેઓ આવું કરી શકે છે.
 
ચીનમાં મુસ્લિમોમાં કટ્ટરતા ન ફેલાય તે માટે મુસ્લિમો પર બહુ જ આકરા પ્રતિબંધો લગાવાયા છે. ૨૦૧૪થી સરકારી નોકરી કરતા મુસ્લિમો પાંચ વખત નમાજ કરી શકતા નથી. ખાનગી કંપનીઓ પણ માત્ર ઉઈગર મુસ્લિમો જ નહીં, પાકિસ્તાની કર્મચારીઓને નમાજ કરવા પર પ્રતિબંધ મૂકે છે. આની પાછળનો તર્ક સમજવા જેવો છે. હિન્દુઓ પણ ત્રિકાળ સંધ્યા કરે છે. નવરાત્રિ કરે છે. નવરાત્રિમાં રાત્રે ગરબામાં દીવો કરી આરતી કરે છે. પરંતુ આ માટે નોકરીમાંથી રજા નથી માગતા, પરંતુ જે જગ્યાએ બેઠા હોય ત્યાં મનમાં જ આરતી ગાઈ લે છે. જ્યારે મુસ્લિમો આ માટે વચ્ચે રજા માગે છે. ચીનમાં ઉઈગર મુસ્લિમોને દાઢી રાખવાની પણ છૂટ નથી! ભારતમાં હિજાબ માટે આંદોલન ચાલુ થયું હતું અને અચાનક મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની ચાનક ચડી હતી. તેની સામે ચુકાદો આપનાર ન્યાયાધીશોને ધમકી પણ મળી, પરંતુ ચીનમાં ઉઈગર મુસ્લિમ મહિલાઓને બુરખો પહેરવા પર મનાઈ છે. ત્યાં કોઈ ચૂં કે ચાં નથી કરી શકતું. ભારતમાં હિજાબનો વિવાદ થયો ત્યારે અમેરિકાના આંતરરાષ્ટીય પંથીય સ્વતંત્રતાના કાર્યાલયે તેની ટીકા કરી હતી. જ્યાં હિન્દુ સહિતની લઘુમતીઓને સ્વતંત્રતા નથી અને છાશવારે હુમલાઓ, અપહરણ, બળજબરીથી લગ્ન, પંથાંતરણ થાય છે તેવા પાકિસ્તાને પણ ભારતની આ મુદ્દે ટીકા કરી હતી. પરંતુ પાકિસ્તાનમાં ચીનની ટીકા કરવાનું સાહસ નથી કારણ કે તે તેનો ખંડિયા દેશ જેવો બની ગયો છે.
 
ચીનમાં મુસ્લિમ મહિલાઓ બુરખો તો શું, પડદો રાખીને પણ પેટ્રૉલ સ્ટેશન, બૅંક અને હૉસ્પિટલે જઈ શકતી નથી. આનો તર્ક પણ સમજવા જેવો છે. ભારત સહિત અનેક જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે સામાન્યત: મહિલાની ગરિમા જાળવીને બુરખો પહેરેલી મહિલાની ખાસ જડતી લેવાતી નથી. પરંતુ બુરખો પહેરીને પુરુષો આતંકવાદી કે અપરાધિક પ્રવૃત્તિ કરી શકે છે. અહીં બુરખો એ પંથનું નહીં, પરંતુ અપરાધની પ્રવૃત્તિનું પ્રતીક બની જાય છે.
 
વર્ષ ૨૦૧૯ના અહેવાલો પ્રમાણે, ચીનમાં બે ડઝનથી વધુ મસ્જિદને તોડી પાડવામાં આવી છે. અહીં તો અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ખાતે જર્જરિત ઢાંચામાં ઉપાસના થતી પણ નહોતી તોય તે તૂટી પડી તેમાં વર્ષો સુધી કટ્ટરવાદી તત્ત્વો ઉપાડો લેતા હતા અને દર છ ડિસેમ્બરે દેશભરમાં સુરક્ષાની ચિંતા સરકારોને થઈ જતી હતી.
 
શિનજિયાંગ પ્રાંતમાં ઠેકઠેકાણે સુરક્ષા જવાનો ફરજરત કરી દેવાયા છે. આથી ઉઈગર મુસ્લિમોને દબાણમાં જીવવું પડે તેવી સ્થિતિ થઈ છે. આ પ્રાંતના લોકો સદ્દામ હુસૈન, ઓસામા બિન લાદેન જેવા આતંકવાદી કે કટ્ટરવાદી મુસ્લિમોનાં નામ પરથી પોતાનાં બાળકોનાં નામ કે પોતાનાં નામ રાખી શકતાં નથી. ભારતમાં તો આક્રમણ કરીને હિન્દુઓ પર અત્યાચાર કરનારા બાબર, હુમાયું, અકબર, જહાંગીર, ઔરંગઝેબ, તૈમૂર વગેરેનાં નામ પરથી પોતાનાં બાળકોનાં નામ રાખનારા સૈફ અલી ખાન જેવા અનેક લોકો છે.
 
ભારતમાં ઉર્દૂ બોલવા અને લખવા પર હિન્દુઓ પણ ગૌરવ લે છે, પરંતુ ચીનમાં ઉર્દૂ કે અરબી લખવા-બોલવા પર મનાઈ છે. આ પણ સ્વાભાવિક બાબત છે. અંગ્રેજીમાં કહેવત છે કે વ્હેન ઇન રોમ, બી લાઇક રોમન. અર્થાત્ જેવો દેશ તેવો વેશ, પરંતુ કટ્ટરવાદી મુસ્લિમો બધી જગ્યાએ અલગતા રાખે છે. તેઓ ગુજરાતમાં ગુજરાતી નહીં પણ બાવા ઉર્દૂ બોલશે. ત્યાંના મુસ્લિમોને રાષ્ટ્રવાદ અને સામ્યવાદી વિચારધારાના અધ્યયન માટે શિબિરમાં ફરજિયાત રાખવામાં આવે છે.
 
ચીનમાં ઈમામોને શેરીમાં સામૂહિક ડાન્સ કરવા ફરજ પડાઈ હતી અને તેમને સોગંદ લેવડાવાયા હતા કે તેઓ બાળકોને પંથીય શિક્ષણ નહીં આપે. તેમને બાળકોને એમ કહેવા પણ ફરજ પડાઈ હતી કે નમાજ આત્મા માટે નુકસાનકારક છે. તેમને એમ સૂત્રોચ્ચાર કરવા ફરજ પડાઈ હતી કે અમને આવક ચીનનો સામ્યવાદી પક્ષ આપે છે, અલ્લાહ નહીં. યુવાનોને મસ્જિદથી દૂર રહેવા ત્યાં થયેલાં ભાષણોમાં ઈમામોએ કહ્યું હતું. મહિલા શિક્ષકોને કહેવાયું હતું કે તેઓ બાળકોને કહે કે તમારે ઇસ્લામના પંથીય શિક્ષણથી દૂર રહેવું જોઈએ. ચીન ત્યાંના મુસ્લિમોની જનસંખ્યા ગર્ભપાત, નસબંધી વગેરે રીતો દ્વારા નિયંત્રણમાં રાખે છે.
 
સરકાર નિયમિત અંતરે મુસ્લિમ મહિલાઓને ગર્ભાવસ્થાની તપાસ માટે મોકલે છે, જેથી તેઓ ગર્ભવતી તો નથી ને તે જાણી શકાય. જો મુસ્લિમો ગર્ભપાત, નસબંધી વગેરે નિયમોનું પાલન ન કરે તો તેમને અટકાયત શિબિરોમાં મોકલી સજા અપાય છે. ત્રણ કે તેથી વધુ બાળકોનાં માતાપિતાને તેમના પરિવારથી દૂર કરી દેવાય છે. તેમને એક જ શરતે તેમના પરિવાર પાસે મોકલાય છે, તેમણે ભારે દંડ ભરવો પડે. ત્યાં દંડ એટલે કેવો દંડ! એક શાકભાજી વેચતી ગુલનાર ઓમીરઝાખ નામની મુસ્લિમ મહિલાને ત્રીજા બાળક પછી ૨,૮૬૫ ડૉલરનો દંડ ચૂકવવા આદેશ અપાયો હતો અને તે માટે માત્ર ત્રણ જ દિવસ અપાયા હતા. જો દંડ ન ચૂકવી શકે તો તેને અટકાયત શિબિરમાં રહેવું પડશે તેમ કહેવાયું હતું.
 
ચીન એટલું શક્તિશાળી બની ગયું છે કે ચીનમાં થઈ રહેલા મુસ્લિમો પર કટ્ટરતા ડામવાના પ્રયાસો સામે પાકિસ્તાનથી માંડીને આરબ દેશો ચૂપ છે.
 
 
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…