પેગાસસ સ્પાઈવેર શું છે? જે કોઇના પણ ડિવાઇસમાં જાણ વગર ઘુસીને જાસૂસી કરી શકે છે!

પેગાસસ સ્પાઈવેર શું છે? કોઇના પણ ડિવાઇસમાં જાણ વગર ઘુસીને Pegasus Spyware તના પર સંપૂર્ણ કન્ટ્રોલ મેળવી લે છે!

    26-Aug-2022   
કુલ દૃશ્યો |

Pegasus Spyware 
 
 
 
પેગાસસ સ્પાઇવેર ( Pegasus Spyware ) ફરી એકવાર ચર્ચામાં છે. અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર અને ઇઝરાયલની વચ્ચે હથિયારો સંદર્ભની ૨ અબજ ડોલરના વેપારની જે ડીલ થઈ હતી તે અંતર્ગત ભારત સરકારે વર્ષ ૨૦૧૭માં આ પેગાસસ સ્પાયવેર પણ ખરીદ્યુ છે. બસ આ અહેવાલ પછી ભારતમાં વિરોધ પક્ષને એક મુદ્દો મળી ગયો. ભારત સરકારે પેગાસસ સ્પાઈવેર ખરીદ્યુ છે તેના કોઇ પ્રમાણ કોઇની પાસે નથી. ભારત સરકારે કે ઇઝરાયલ સરકારે પણ આ સંદર્ભે વાત સ્વીકારી નથી ત્યારે આવો જાણીએ કે પેગાસસ સ્પાઇવેર શું છે? કેમ વિપક્ષ અને અન્ય લોકો આનાથી ડરી રહ્યા છે?
 
 

પેગાસસ સ્પાઇવેર શું છે? | Pegasus Spyware in Gujarati

 
 
એવું સમજી લો કે પેગાસસ એક પ્રકારનું ઘાતક સોફ્ટવેર છે. એક એવો વાઇરસ જે ગમે તે વ્યક્તિના મોબાઇલ, લેપટોપ કે ઇલેક્ટોનિકસ ડિવાઈસમાં મંજુરી વગર ઘુષણખોરી કરી શકે છે અને પછી તે ડિવાઈસ પર સંપૂર્ણ કન્ટ્રોલ મેળવી લે છે. ટૂંકમાં તે ડિવાઈઝ પર તેના માલિકને જાણ વગર બીજા કોઇનો સંપૂર્ણ કન્ટ્રોલ આ સ્પાઈવેર થકી થઈ શકે છે. પણ આમા સામાન્ય વ્યક્તિને ડરવાની જરૂર નથી. આ સોફ્ટવેર ગમે તેને મળી શકે છે કે ગમે તે વ્યક્તિના હાથમાં આવી શકે છે એવું નથી. કેમ ખબર છે? આવો એ સમજીએ.
 
 

કેમ બનાવ્યું પેગાસસ?

 
 
પેગાસસ સ્પાઈવેર ( Pegasus Spyware ) ઇઝરાયલની NSO Group નામની કંપનીએ તૈયાર કર્યું છે. ઇઝરાયલ આ સ્પાઈવેર માત્ર જે તે દેશની સરકારને જ વેચે છે. ઇઝરાયલનું કહેવું છે કે સ્પાઈવેરનો હેતું આતંકવાદી પ્રવૃતિઓ અને ક્રિમિનલ્સ પર નજર રાખવાનો છે. આ સોફ્ટવેર ઇઝરાયલે કોને વે્ચ્યું છે તેની સત્તાવાર માહિતી કોઇની પાસે નથી. મીડિયા અહેવાલથી એવું કહેવાયું છે કે ઇઝરાયલે આ સ્પાઈવેર ભારત, પોલેન્ડ અને હંગેરી સરકારને આપ્યુ છે પણ આ વાત સાચી છે તેનું કોઇ પ્રમાણ મળ્યું નથી.
 
 

જ્યારે પહેલીવાર પેગાસસ સામે આવ્યું

 
 
થોડા વર્ષ પહેલા અરબ દેશના ( United Arab Emirates) એક એક્ટિવિસ્ટના મોબાઇલમાં એક ટેક્સ મેસેજ આવ્યો જેમાં એક લિંક પણ હતી. એક્ટિવિસ્ટે આ લિંક પર ક્લિક તો ન કરી પણ તેની તપાસ કરાવી. એક સિક્યુરીટી એજન્સીએ એ મેસેજની તપાસ કરી તો ખબર પડી કે જો આ એક્ટિવિસ્ટે આ લિંક પર ક્લિક કરી હોત તો આ પેગાસસ સ્પાઈવેર તેમના મોબાઇલમાં ઇન્ટોલ થઈ જાત અને તેમના મોબાઇલની બધી માહિતીની ચોરી થઈ જાત. આ તપાસ પછી પહેલીવાર પેગાસસ સ્પાઈવેરનું નામ સામે આવ્યું. જોકે આ સંદર્ભે ત્યારે કોઇ ગંભીરતાથી તપાસ ન થઈ પણ પેગાસસ સ્પાઈવેર બનાવનાર કંપની વધારે સચેત થઈ ગઈ અને પછી આ સ્પાઈવેરમાં સુધારો કરીને કંપનીએ તેને વધારે અસરકારક બનાવ્યું અને ક્લિક કર્યા વગર પણ કોઇ ડિવાઈઝમાં ઇન્સ્ટોલ કરી શકાય એવું સ્પાઇવેર તૈયાર કર્યું.
 
 

Pegasus Spyware 
  

પેગાસસને કોઇના મોબાઇલમાં આ રીતે ઇન્ટોલ કરવામાં આવે છે

 
 
પેગાસસ સ્પાઇવેર ડિવાઈસ પર એ રીતે હુમલો કરે છે કે તેના માલિકને આ સંદર્ભે કોઇ ખબર પણ પડતી નથી. એવું કહેવાય છે કે એક સાધારણ મિસ્ડ કોલ કરીને પણ આ સ્પાઈવેરને કોઇના પણ ડિવાઈસમાં ઇન્ટોલ કરી શકાય છે. ઉલ્લેખનીય વાત એ છે કે સૌથી મજબૂત સુરક્ષા આપતા એપલ કંપનીના આઈફોનમાં પણ આ સ્પાઇવેર સરળતાથી ઘુષણખોરી કરી લે છે. ખતરનાક વાત એ છે કે કોઇ પણ જગ્યાએ ક્લિક કર્યા વગર આ સ્પાઇવેર ડિવાઈસમાં એન્ટર થઈ શકે છે. ડિવાઈસમાં એન્ટર થઈ ગયા પછી યુઝર્સને કોઈ મેસેજ કે લિંક શંકાસ્પદ લાગે અને યુઝર્સ તેને ડિલિટ કરી દે તેમ છતાં પણ આ સ્પાઇવેર ડિવાઇસમાં કામ કરતું રહે છે.
 
 

શું કામ કરે છે આ પેગાસસ?

 
 
પેગાસસ તમારા ડિવાઈસમાં એન્ટર થયા પછી તે ડિવાઈસ પર કન્ટોલ કરી લે છે. પછી તે ડિવાઈસની બધીજ માહિતી તે ધારે તેને મોકલી શકે છે. આ માહિતીમાં ટેક્સ મેસેજ, ઇમેલ, કોન્ટેક્ટ, પાસવર્ડ, વીડિયો, ફોટો બધુ જ સામેલ છે. તે ઓડિયો કોલ, વીડિયો કોલ રેકોર્ડ કરી શકે છે. ટૂંકમાં તમારા ડિવાઈસની સંપૂર્ણ જાસૂસી સરળતાથી તમને ખબર વિના કરી શકે છે.
 
 

શું સામાન્ય વ્યક્તિને આનાથી ડરવા જેવું છે?

 
 
સામાન્ય વ્યક્તિને આમ પણ ડરવા જેવું છે ક્યાં? છતાં પણ આ સામાન્ય સ્પાઈવેર નથી. તે ગમે તેના હાથમાં ન આવી શકે. ઇઝરાયલ માત્ર જે તે દેશોની સરકારોને જ આ સોફ્ટવેર વેચે છે. આ સ્પાઇવેરને ઓપરેટ કરવા પણ કરોડો રૂપિયા જોઇએ. એટલે કે સામાન્ય વ્યક્તિઓ માટે આ સોફ્ટવેરનો ઉપયોગ સરકાર કરે પણ શા માટે? એવું નથી કે સામાન્ય યુઝર્સના ડિવાઈસમાં આ સ્પાઇવેર ન ઘૂસી શકે પણ તેની માહિતી માટે કરોડોનો ખર્ચ કઈ સરકાર કરે?
 
 

અને છેલ્લે…

 
 
આ સોફ્ટવેર ભારત પાસે છે એવું કહેવામાં આવે છે પણ આ સંદર્ભે કોઇ સચોટ પુરાવા નથી. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ પછી આ આરોપ લાગ્યા છે અને વિપક્ષ આ અહેવાલના આધારે જ આરોપ લગાવી રહ્યું છે. આ તો થઈ રાજનીતિની વાત પણ વાત આ સ્પાઈવેરની કરીએ તો છે બહુ ખતરનાક…મોબાઇલની આ ડિજિટલ દુનિયામાં આ સોફ્ટવેર આજે સૌથી ખતરનાક હથિયાર છે.
 
 
 

હિતેશ સોંડાગર

હિતેશ સોંડાગર સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધના સાપ્તાહિકનું સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે.