ઐસા કોઈ સગા નહીં, જીસે નીતિશને ઠગા નહીં

રાજ્ય સંબંધની એક નવી તિરાડ અને લાલુ-નીતિશનું કજોડું હવે બિહાર માટે વિકાસ થંભાવશે કે વિચિત્ર સામાજિક-રાજકીય પરિસ્થિતિ ઊભી કરશે તે જોવું રહ્યું. બાકી વચનો તો બધા દિવાસ્વપ્નો જ.

    27-Aug-2022   
કુલ દૃશ્યો |

Janata Dal 
 
 
લાલુ પ્રસાદ યાદવની સત્ય મજાક કે ઐસા કોઈ સગા નહીં, જીસે નીતિશને ઠગા નહીં તેને નીતિશે પૂરવાર કરી જ. જો ઓલિમ્પિકમાં રાજનીતિનો કોઈ જિમ્નાસ્ટિક હોત તો બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર સુવર્ણચંદ્રકના દાવેદાર હોત ! ૧૭ વર્ષમાં ૮ વખત બિહાર જેવા રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ભારે રાજકીય ‘પારંગતતા’ હોવી જોઈએ અને તેમણે એ બતાવી છે. ભાજપ સાથે સંબંધ તોડીને ફરી વખત મિત્ર-દુશ્મન લાલુ પ્રસાદ યાદવની પાર્ટી સાથે હાથ મિલાવી, રાજકીય ચતુરાઈ અને પક્ષપલટો નીતિશનાં રાજકીય DNAનો અભિન્ન ભાગ છે તે પ્રદર્શીત થયું. આજે ભાજપ-વિરોધી વિરોધ પક્ષો કેટલી ચિંતા સાથે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે, તેનો એક વધુ અણસાર જોવા મળ્યો.
 
સ્ટ્રેટેજિસ્ટ અને નીતિશના પૂર્વ સાથી પ્રશાંત કિશોર જ હવે તેમના માટે નવી આફત બની શકે તેમ છે. નીતિશના ૨૦ લાખ નોકરીઓના વચનના તીખા પ્રતિભાવમાં પ્રશાંત કિશોરે માત્ર પાંચ કે દસ લાખ નોકરીઓ પણ જો આવનારા સમયમાં આપી જાણશે તો હું ફરી તેમને સપોર્ટ કરવાનું વચન આપ્યું. તેમણે ‘જન સૂરજ’ કેમ્પેઇનની રચના કરી બિહારમાંથી જ તેનાં શ્રીગણેશ કર્યાં છે. ભૂતકાળની કાર્યક્ષમતા અને વિચક્ષણ બુદ્ધિ જોતાં નીતિશ-લાલુ ગઠબંધન તથા ભાજપાનો પણ પ્રતિસ્પર્ધી મળવાની સંભાવના છે.
 
નીતિશકુમાર એક સમયે વડાપ્રધાન પદના દાવેદાર હતા. આઠમી શપથ બાદ તેમણે પત્રકારોને કહ્યું કે, ‘૨૦૧૪નું પુનરાવર્તન ૨૦૨૪માં નહીં થાય.’ શું ૨૦૨૪માં વિપક્ષના સર્વસંમત ઉમેદવાર બનવાનો સંકેત તેઓ આપી રહ્યા છે? મંડલવાદ એટલે કે ઓબીસી અનામત અને મુસ્લિમ મતો પર મદાર રાખીને વિપક્ષી એકતાને સુદૃઢ બનાવીને તેઓ લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવાનું સપનું જોઈ રહ્યા છે? વિરાટ રાજકીય કેમ્પમાં પ્રવેશ કરીને તેઓ એક મજબૂત વિરોધ પક્ષ ખડો કરી શકશે તેવી તેમની માન્યતા હોય તો વિપક્ષે હજી આ બાબતે કોઈ દેખીતો ઉમળકો બતાવ્યો નથી. હવે નીતિશની પાર્ટીના પાંચ ધારાસભ્યો અને પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખને પણ ઠગાવાનો અહેસાસ થઈ રહ્યો છે. તેઓ નીતિશના શપણ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત નહોતા રહ્યા અને ધારાસભ્યો હવે નીતિશને પડકાર ફેંકતાય થયા.
 
ભાજપ સાથે છેડો ફાડીને ગયેલા કે ભાજપે સાથ છોડ્યો હોય તેવા અનેક રાજકીય કિસ્સાઓ છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ભાજપે છેડો ફાડતાં, વિરાટ શિવસેના વામન જુનિયર પાર્ટી બની ગઈ અને ભાજપ મજબૂત થયો. ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી સાથે પણ એવું જ થયું અને જમ્મુ - કાશ્મીરમાં પીડીપીનાં મહેબૂબા મુફ્તિ સાથેના સંબંધ-વિચ્છેદ બાદ ત્યાંય ભાજપનો રાજકીય ઉદય અને જન-સ્વીકૃતિનો ગ્રાફ ઘણો ઊંચો ગયો છે. છેલ્લા પોણા દાયકામાં, ખાસ કરીને હિન્દી બેલ્ટનાં રાજ્યોમાં અન્ય પછાત વર્ગોની આગ્ોવાનીમાં ભાજપે એક અલગ પ્રકારનું સામાજિક ગઠબંધન બનાવ્યું છે.
 
બિહારમાં હવે ભાજપ પોતાનો પક્ષ મજબૂત કરવા લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન સાથે ગઠબંધન વધુ ગાઢ કરે એવાય સંકેત છે. ૨૦૨૦ની ચૂંટણીમાં પાસવાને નીતિશને પોતાના નેતા તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરી, જેડીયુ સામે પોતાના ઉમેદવારો ઊભા રાખી નીતિશનો આખો ખેલ બગાડી દીધો હતો. હવે ભાજપ ચિરાગ પાસવાન અને તેના કાકા પશુપતિનાથ પારસને સાથે લાવીને લોકજનશક્તિ પાર્ટીને એક કરવા માંગે છે, જેથી દલિત મતોનું વિભાજન રોકી શકાય. બિહારની અંદાજિત ૧૨ કરોડ જેટલી વસ્તીમાં ૧૬ ટકા આસપાસ દલિત છે, અને દલિત નેતા તરીકે ચિરાગ પાસવાનની તેમના પર ભારે પકડ છે. નીતિશ કુમાર કુર્મિ જ્ઞાતિના છે, તેમના મતદારોની સંખ્યા માત્ર ૪ ટકા છે. જ્યારે યાદવ ૧૪.૫, મુસ્લિમો ૧૭ ટકા, બાહ્મણ ૫.૫ ટકા, રાજપૂતો ૫.૫ ટકા, ભૂમિહાર ૪.૫ ટકા અને વૈશ્ય ૬ ટકા આસપાસ છે. આ લોકો રાજકારણમાં અસર પાડી શકે છે.
 
જ્ઞાતિ આધારિત રાજકારણને વરેલા બિહારમાં હવે કોણ કોને રીઝવશે તે જોવું રહ્યું. ગ્રામ્યસ્તરે અને પંચાયત સુધી પહોંચતા પ્રશાંત કિશોર પણ એક નવું પરિબળ છે. વર્તમાન ગઠબંધિત આરજેડી પાર્ટીનો મોટાભાગનો પરિવાર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય અને કેસ-સજા ચાલી રહ્યાં હોય ત્યારે કાયદામંત્રી સામે જ કોર્ટનું વોરંટ આવે તેવા કેટલા તાલ નજીકના ભવિષ્યમાં પ્રજાજનો જોશે ? કેન્દ્ર - રાજ્ય સંબંધની એક નવી તિરાડ અને લાલુ-નીતિશનું કજોડું હવે બિહાર માટે વિકાસ થંભાવશે કે વિચિત્ર સામાજિક-રાજકીય પરિસ્થિતિ ઊભી કરશે તે જોવું રહ્યું. બાકી વચનો તો બધા દિવાસ્વપ્નો જ.
 
 
 
 

મુકેશ શાહ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

  • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
  • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.