વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ | ભાગ - ૨

‘ સત્યમેવ જયતે એ આપણી સત્ય પ્રત્યેની શ્રદ્ધા છે. પરંતુ ભ્રમણાઓથી ગ્રસિત હોવાના લીધે જ્યારે સત્ય શું છે તેની જ ખબર ના પડે તો? ભ્રમનિરસન એ જ યુગમંત્ર..

    06-Aug-2022   
કુલ દૃશ્યો |

leftist and Hindu Darshan
 

...તેઓ સાવ અવિરોધ સફળ થઈ ગયા 

 
વામપંથીઓ વૈચારિક ભ્રમણા ઊભી કરવામાં કેટલા નિપુણ છે, જુઓને, આપણા રાષ્ટ્રીયત્વને કહો કે ચાહે હિંદુત્વને કહો - એને ‘જમણેરી’નો સિક્કો તેઓએ ક્યારે લગાડી દીધો તેની કોઈનેય ક્યાં ખબર જ પડવા દીધી. આ જ તેમની સિદ્ધતા છે. છેક ઋષિકાળથી પ્રવાહમાન આપણા સર્વગ્રાહી દિવ્ય હિન્દુ- ‘દર્શન’ને Hinduism કહીને તુચ્છ ism એટલે કે ’વાદ’ના નામે ખપાવી દેવાના તેમના પ્રયત્નમાં તેઓ સાવ અવિરોધ સફળ થઈ ગયા. અરે! એ પણ એટલે સુધી કે પાકા હિન્દુત્વની ઓળખથી કાર્યરત સર્વ સામાન્ય હિન્દુ (રાષ્ટ્રભક્ત) પણ પોતે ‘જમણેરી (Rightist)’ હોવાની ઓળખનો અંગિકાર કરીને ગર્વનો અનુભવ કરવા લાગ્યો! અને આમ વામપંથીઓ ‘અમે ડાબેરી છીએ તેથી તમે જમણેરી’ આવી સાવ સહજ પરિભાષા ઊભી કરીને હિન્દુત્વને એક પાંખ (wing)નું વામણું સીમિત લેબલ લગાવવામાં સફળ થયા. અને આમ હિન્દુત્વને ‘દાર્શનિકતા’નાં અંત:ચક્ષુથી જોવાના બદલે ‘વાદ/વિંગ’નાં વિવિધ દૂરના/નજીકના જુદા-જુદા નંબરોવાળા ચશ્માઓથી આખું વિશ્વ જોતું થઈ જાય તેવી ભ્રમણા ઊભી કરી દીધી.
 
અટપટી શબ્દાવલી વહેતી કરીને જ્યારે મૂળ ઓળખને લૂણો લગાડીને નવી ઓળખાણ ઊભી કરવામાં તેઓ ફાવી જાય ત્યારે એમની ગણતરી અનુસાર એમણે ૯૦% જીત હાંસલ કરી દીધી ગણાય. કારણ કે એકવાર ‘સ્વ’ના ગુરુત્વકેન્દ્રમાંથી બહાર ભટકાવી દેવાયેલાઓને સંસ્કૃતિદ્રોહી, ધર્મદ્રોહી, રાષ્ટ્રદ્રોહી, મૂલ્યદ્રોહી, પરંપરાદ્રોહી, સંવિધાનદ્રોહી, ન્યાયતંત્રદ્રોહી, રાજ્યદ્રોહી, ચૂંટાયેલી સરકારોના દ્રોહી, વ્યવસ્થાદ્રોહી, સમાજદ્રોહી, પરિવારદ્રોહી અને અંતે પરસ્પરદ્રોહી બનાવવામાં કોઇ ઝાઝી મહેનત કરવાની જરૂરિયાત રહેતી નથી. આ તેમની કારગર મોડ્સ ઓપરેન્ડી છે.
હજારો હજારો વર્ષોથી વિકસિત થયેલ પારિવારિકતા, સામાજિક પરંપરા, સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યો, ધર્મ, આસ્થા, શ્રદ્ધા, વિશ્ર્વાસ વગેરેથી સમાજઐક્ય ધબકતું હોય છે. આ રીતે અભિન્નપણે જોડાયેલ જન-જનને કઈ કઈ મિથ્યા ઓળખોથી બહેકાવીને ઊભા-આડા ટુકડામાં વહેંચી શકાય ? તે માટે વામપંથ સમાજનો ધ્વંસ કરવા આંતર-બાહ્ય ‘વિરોધો’ના ભ્રમણાજન્ય વિમર્શ ચૂપચાપ વિકસાવે છે. તેના માધ્યમથી નિત્ય નવા ભ્રમ ફેલાવીને વ્યાપક સ્તરે અસંતોષ, સંઘર્ષ ઊભા કરીને લોકતાંત્રિક રાષ્ટોને, તેના સામ્રાજ્યોને, સીસ્ટમને બાનમાં લઈને, ઉથલાવી પાડીને અરાજક સ્થિતિનું નિર્માણ કરે છે. આ અરાજકતાનું નિર્માણ એ મોકો જોઈને ગેરલાભ ઉઠાવીને પોતાની ઇચ્છા પ્રમાણે પોતાનું પ્રભુત્વ પ્રસ્થાપિત કરવાનો સ્વાર્થી શોર્ટકર્ટ છે.
 
વર્તમાન વામપંથ એ માર્ક્સવાદી નથી રહ્યો, કેમ કે, હાલના વામપંથે તેના પુરોધા કાલ માર્કસને પૂરેપૂરા ફગાવી દીધા છે. વર્તમાન વામપંથ એવું માને છે કે, શાસન એનું નથી હોતું જે ખુરશી ઉપર બેઠો હોય છે, પરંતુ એનું હોય છે જેની વાત ખુરશી ઉપર બેઠેલા માણસે માનવી પડતી હોય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામા જેમના ગુરુ હતા વામપંથી સૉલ અલિન્સકી. આશ્ચર્ય થયું ને?!
 

સુરક્ષા સાથે રમત 

 
ભારતનું આવું ઉદાહરણ એટલે હામિદ અંસારી. પહેલા યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહીને, તો વળી ક્યારેક આતંકવાદ સાથે જોડાયેલી સંસ્થાના મંચ ઉપરથી ભારત વિરોધી ઝેર ઓકીને -એમ સતત અલગાવનો ચોકો ચાતરીને વિવાદમાં રહેવાનું જેને કોઠે પડી ગયેલું, એવા એક વખતના છૂપા (હવે.. ખુલ્લા પડી ગયેલા) કટ્ટર વામપંથી હામિદ અંસારીનાં કારનામાં હવે ક્રમશ: બહાર આવી રહ્યાં છે. પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને પાંચ વાર ભારતયાત્રા માટે આમંત્રીને, આ ભારતયાત્રા દ્વારા આંતરિક સૂચનાઓ એકત્રિત કરીને ISIને પહોંચતી કરવાના આરોપસર એમનું નામ ગાજી રહ્યું છે. રૉ (RAW)ના એક પૂર્વ અધિકારીના કહેવા પ્રમાણે હામિદ અંસારી જ્યારે ઈરાનના રાજદૂત હતા ત્યારે તેમણે દેશના દુશ્મનોને આપણા દેશની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતીઓ આપીને આપણા રાષ્ટ્રની, જન-જનની સુરક્ષા સાથે રમત રમ્યા હોવાનું ચર્ચામાં છે.
 
વામપંથે પોતાનામાં ધરમૂળથી પોતાના મૂળ સ્વરૂપમાં કરેલ બીજો મહત્વનો બદલાવ એ છે કે, તે કિલ્લાઓ જેવી અવસ્થાવાળા કોઈ પક્ષની સિમિત, બંધિયાર ઓળખ પૂર્ણરૂપે ખંખેરી નાંખીને બધા કિલ્લાઓમાં જગ્યા કરીને ગોઠવાઈ જઈ રહ્યો છે. વીસમી સદીના શરૂઆતના ત્રણ-ચાર દશકાઓમાં સામ્યવાદીઓના, કમ્યુનિસ્ટોના લેબલવાળા રાજકીય પક્ષોથી ઓળખાતો વામપંથ આજે સંપૂર્ણ કોંગ્રેસને કબજે કરીને બેઠો છે. આપણા ક્ષેત્રીય પક્ષોમાં પણ તે પર્યાપ્તરૂપે બળવત્તર છે. એ હવે કિલ્લાઓથીય આગળ એટલે કે ખુલ્લા મેદાનોમાં મતલબ સમાજ આખાના જનમનમાં વાઈરસ બનીને ઝડપભેર ફેલાઈ રહ્યો છે.
 
 
 
ઉદા. બંધારણના નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની દિશા નિર્ધારિત કરનાર ભારતરત્ન ડૉ. આંબેડકરજી એક વામપંથી હતા તેવું સાબિત કરવા વામપંથી બૌદ્ધિકોની આખી જમાત તદ્દન મનઘડંત વાહિયાત વાતો વહેતી કરી રહી છે. આનાથી પૂર્ણ વિપરીત ડૉ. આંબેડકરજીએ તો સપ્ટેમ્બર-૧૯૩૭ની દલિત વર્ગની જિલ્લા પરિષદની બેઠકમાં અધ્યક્ષીય ઉદ્
બોધન કરતાં કહેલું કે, મારી કમ્યુનિસ્ટોની સાથે જઈ મળવાની કોઈ જ સંભાવના નથી. પોતાના રાજનૈતિક સ્વાર્થ માટે મજૂરોનું શોષણ કરવાવાળા વામપંથનો હું કટ્ટર શત્રુ છું. વાસ્તવમાં સ્વતંત્રતા પછી પહેલી સામાન્ય ચૂંટણીઓમાં ડૉ. આંબેડકરજીને હરાવવા માટે એડીચોટીનું જોર વામપંથીઓએ લગાવી દીધું હતું. એટલું જ નહીં માર્ચ- ૧૯૫૨માં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિએ કરેલ પ્રસ્તાવમાં ડૉ. આંબેડકરજી સામ્રાજ્યવાદના સમર્થક, તકવાદી અને સૌથી શોષિત-વંચિત એવી અનુસૂચિત જાતિઓના લોકોને ઉશ્કેરવાવાળા નેતા હોવાનું જણાવાયું છે. નર્યા અસત્યની ઓથે રહેલા આ વામપંથીઓએ ભમતી કરેલ ભોળા લોકોને ભારોભાર ભડકાવવાની ભરમાર ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં પણ વરતાય છે.
આખાય વિશ્ર્વમાં જ્યાં યેન-કેન પ્રકારેણ વિદ્રોહનો વિચારવંટોળ ફેલાઈ શકે એ તમામ જગ્યાઓ એનું કાર્યક્ષેત્ર છે. કારણ કે તેને આ યોજનાપૂર્વકનાં વિવિધ સ્વરૂપોવાળા વિદ્રોહોના વિચારવંટોળ ફેલાવવા સિવાય બીજું કંઈ કરવાનું નથી. હા, એની પ્રયોગશાળાઓ વિશ્વવ્યાપી છે. આ બધું હોવા છતાં એને વામપંથ તરીકે ઓળખી શકાતો નથી કારણ કે એ દેશે-દેશે નહીં પણ રાજ્યે-રાજ્યે મુદ્દા પ્રમાણે પોતાનાં માયાવી મહોરાં બદલીને જુદી જુદી મૂવમેન્ટના રૂપમાં, શરૂઆતમાં સાઈલેન્ટ અને અંતે વિસ્ફોટના એમ સમય અનુરૂપ એક્શન-મોડમાં હોય છે.વામપંથીઓ સમાજને બહેકાવવા નિત-નિત નવી-નવી એવી-એવી જરૂરિયાતો કે જે પ્રજાની કલ્પનામાં પણ હોતી નથી તેને આગળ કરીને પ્રજાને ઉકસાવે છે. ’યૂટોપીઅન’ સ્વરૂપે ઝાંઝવાનાં નીર જેવાં શમણાંથી જન-જનનાં મન સાથે સોદાગરી કરે છે.
 

લોકપ્રિયતાનું વર્તમાન શસ્ત્ર છે- ’મફતિયા-વૃત્તિ’ 

 
’પોપ્યુલિઝમ’ એટલે કે લોકોને બેહદ લલચાવતું લોકપ્રિયતાનું ઘોડાપૂર ઊભું કરે છે, જે અંતે અલ્પજીવી અને સમાજઘાતી પુરવાર થાય છે. આ શ્રેણીનું તેઓનું લોકપ્રિયતાનું વર્તમાન શસ્ત્ર છે- ’મફતિયા-વૃત્તિ’, જે વિનાશ તરફ દોરી જાય છે તેવું પુરવાર કરતું જીવતું જાગતું ઉદાહરણ છે ચીનના કહ્યાગરા શ્રીલંકાનું. ત્યાં માતાઓ પોતાનાં પેટનાં જણ્યાં બાળકોને સવારે જગાડતી જ નથી, કારણ કે સવારનો નાસ્તાનો લાવવો ક્યાંથી? આ જ તર્જ પર દિલ્હીને એના વામપંથી મુખ્ય મંત્રી મુરબ્બી કેજરીવાલ ભારતના કેન્દ્ર એવા દિલ્હીને ’પોપ્યુલિઝમ’ના પંથે ચલાવી નહીં, દોડાવી રહ્યા છે. તેમને સ્ટાર્ટ-અપ જેવી આત્મનિર્ભરતા તરફ દોરી જતી યોજનાઓ તરફ દોડવામાં કોઈ જ રસ નથી. દેશ આખાએ ઉદ્યમિતાના આહ્વાનને અંગીકાર કર્યું હોઈ તાજેતરમાં ૧૦૧મી કંપની ‘યુનિકોર્ન કંપની’ બની છે. પણ તેથી વામપંથીઓને શું? તેમને તો દેવું કરીને પ્રાપ્ત કરેલ નાણાં ‘મફતિયા યોજના’માં ઉડાવીને બસ સસ્તી લોકપ્રિયતા કમાવવામાં રસ છે. તોયે નાણાં વધે તો આખેઆખાં પાનાં ભરીને દેશભરનાં અખબારોમાં જાહેરાતો છપાવીને પોતાની વાહવાહી કરાવવામાં રસ છે. ભ્રમણાઓમાંથી લોકોનો ભ્રમ ભાંગી જશે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે કેમ કે ત્યારે અંજામ શ્રીલંકા જેવો હશે.
 
છૂપી વામપંથી ‘આપ’ પાર્ટીની આ ‘મફતિયા યોજના’ઓથી સમાજને અકર્મણ્યતાના મનોરોગ તરફ ધકેલતી દિલ્હી સરકાર અને ખાલિસ્તાનની આગને પવન નાંખતી પંજાબ સરકાર - આ બંને વામપંથની વિનાશગામી શક્તિઓ ભારતના ગુરુત્વકેન્દ્રને અને ભારતના સીમાડાઓને તહસનહસ કરવા મથામણ કરતી નજરે ચઢ્યા વિના રહેતી નથી.
 
‘ સત્યમેવ જયતે એ આપણી સત્ય પ્રત્યેની શ્રદ્ધા છે. પરંતુ ભ્રમણાઓથી ગ્રસિત હોવાના લીધે જ્યારે સત્ય શું છે તેની જ ખબર ના પડે તો? ભ્રમનિરસન એ જ યુગમંત્ર..
 
- ભાનુ ચૌહાણ 
(ક્રમશ:)
 
 
 
 
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.