એક સમયે સૂર્ય આથમતો નહોતો તે બ્રિટનનો સૂર્ય અસ્તાચળે

યુકેમાં મોંઘવારી છેલ્લાં ૪૦ વર્ષમાં સૌથી વધુ છે. દૂધ, ચીઝ અને ઈંડાંના ભાવ તો છેલ્લાં ૧૪ વર્ષમાં સૌથી વધુ છે. યુકેમાં ગત મે, ૨૦૨૨માં થયેલા એક સર્વે મુજબ, જીવનધોરણનો ખર્ચ (મોંઘવારી) એટલો વધી ગયો છે કે, એપ્રિલ ૨૦૨૨માં સાત પૈકી એક પરિવારે ભૂખ્યા રહેવું પડ્યું હતું.

    28-Sep-2022   
કુલ દૃશ્યો |

The empire
 
 
બ્રિટનની પડતી પૂરઝડપે થઈ રહી છે. છેલ્લાં છ વર્ષમાં ત્રણ વડા પ્રધાન બદલાઈ ચૂક્યા છે. મોંઘવારી એટલી બધી છે કે અનેક લોકોને ભૂખ્યા સૂવું પડે છે. ૨.૩ લાખ લોકો ઘરવિહોણા છે. હૉસ્પિટલોમાં પ્રતીક્ષા એટલી બધી છે કે લોકોને દેવું કરીને ખાનગી હૉસ્પિટલોમાં સારવાર લેવી પડે છે. કુદરત પણ રુષ્ટ હોય તેમ વિક્રમજનક ગરમી પડી છે અને મોટી તકલીફ એ છે કે લોકોના ઘરમાં એ. સી. નથી. બાઇડેનદાદાએ પણ સાથ છોડતાં બ્રિટન એકલું પડી ગયું છે.
 
તાજેતરમાં ઇંગ્લેન્ડનાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું ૯૬ વર્ષની વયે નિધન થયું. તેમના પરિવારના પૂર્વજોએ ભારતને દાસ બનાવ્યું હતું તે ભૂલીને ભારતીય મિડિયાનો એક મોટો વર્ગ ઘેલો-ઘેલો થઈ ગયો અને જાણે ભારતની રાણીનું નિધન થયું હોય તેમ તેની વિગતો છાપી.
 
સૉશિયલ મિડિયા પર રાષ્ટ્રવાદીઓએ માગણી કરી કે, ભારતે હવે રાષ્ટ્રકુળમાંથી નીકળી જવું જોઈએ. કોહિનૂર ભારતને પાછો સોંપવા બ્રિટન પાસે માગણી કરવી જોઈએ. એક વાત એ પણ ઊઠી કે, ભારતનાં રાજા-રાણીની વાત આવે ત્યારે નાક ચડાવનારું મિડિયા કે લિબરલ લોકો રાણીની વાતો હોંશે-હોંશે કરવાં લાગ્યાં.
 
 
એટલું જ નહીં, ભારતની કોઈ પરંપરા હોય તો તેને અંધશ્રદ્ધામાં ખપાવનારાઓ બ્રિટનની રાણીના અવસાન પછી બ્રિટનના રાજવી પરિવારના મહેલમાં મધમાખીઓને બ્રિટનનાં રાણીના નિધનના સમાચાર આપવામાં આવ્યા, તે પરંપરાની ઉત્સાહભેર વાત કરતા હતા. આ અંધશ્રદ્ધા એવી છે કે જો મધમાખીઓને રાજવી પરિવારમાં કોઈના જન્મ, મૃત્યુ, લગ્ન કે ઘરમાંથી બહાર જનારા સભ્યો વિશે કહેવામાં ન આવે તો તે મધપૂડો છોડી દેશે કે પછી મધ બનાવવાનું બંધ કરી દેશે! આ બ્રિટિશરો ભારતને અંધશ્રદ્ધાનો દેશ કહેતા હતા અને તેમની વાતોમાં આવીને આપણે પણ આપણને અંધશ્રદ્ધાળુ કહેવા લાગ્યા.
 
 
એક વાત એવી પણ આવી કે ઈ. સ. ૧૯૫૨માં જ્યારે એલિઝાબેથ રાણી બન્યાં ત્યારે બ્રિટન ૭૦ દેશો પર શાસન કરતું હતું અને જ્યારે મૃત્યુ પામ્યાં ત્યારે માત્ર ૧૪ દેશો પર જ. હજુ ૧૪ દેશો બ્રિટનનાં રાણી કે રાજાને પોતાના રાણી કે રાજા માને છે.
 
એક સમયે બ્રિટનનું સામ્રાજ્ય એટલા બધા દેશો પર (વિશ્ર્વના એક તૃતીયાંશ ભાગ પર) હતું જેના કારણે એમ કહેવાતું કે, બ્રિટનનો સૂરજ ક્યારેય આથમતો જ નથી. (પૂર્વથી લઈ પશ્ચિમ સુધી તેનું સામ્રાજ્ય હતું તેના લીધે સૂરજ કોઈ ને કોઈ દેશમાં ઊગેલો જ હોય) પરંતુ હવે ચર્ચા એ વાતની થવી જોઈએ કે, બ્રિટનનો સૂરજ અસ્તાચળે છે.
 

The empire  
 
તાજેતરમાં જ ભારતે બ્રિટનને પછાડી વિશ્ર્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્રનું બહુમાન મેળવ્યું. આ યથાર્થતા બ્રિટિશરોના જે લોકો પોતાને આજે પણ ભારતના સ્વામી સમજે છે તેમના માટે પચાવવી મુશ્કેલ છે. આપણા દાસ આપણને પછાડી આગળ નીકળી ગયા ? આવું જ ભારતમાં કાળા અંગ્રેજો માટે પણ છે. કોરોનાકાળમાં જ્યારે વિશ્વના બધાં અર્થતંત્રો ઠપ હોય, યુક્રેઇન-રશિયાના યુદ્ધના કારણે બધે લગભગ મંદી જેવી સ્થિતિ હોય ત્યારે ભારત બ્રિટનને પછાડીને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની જાય?
 
ભારતનાં સેક્યુલર છાપાંઓ અને મિડિયા જ્યારે રાણી એલિઝાબેથના મૃત્યુના શોકમાં અડધાં થઈ રહ્યાં હતાં અને તેઓ શું ખાતાં, શું પીતાં વગેરે લખી રહ્યાં હતાં ત્યારે ન્યૂ યૉર્ક ટાઇમ્સે શું લખ્યું? ન્યૂ યૉર્ક ટાઇમ્સ આમ તો ભારતવિરોધી છે. પણ ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં લેખ છપાયો કે mourn the queen, not her empire. રાણીનો શોક મનાવો, તેના સામ્રાજ્યનો નહીં. આ જ રીતે ન્યૂ યૉર્ક ટાઇમ્સે રાણી ગુજરી ગયાંના માત્ર ત્રણ જ કલાકમાં મંતવ્યવાળો લેખ છાપ્યો કે, રાણીએ ઇંગ્લેન્ડે તેના દાસ દેશો પર જે હિંસક અત્યાચાર કર્યો તેના પર પરંપરાગત મોરચો રાખ્યો. (એટલે કે રાણીની સંમતિ રહી.) આનાથી રોષે ભરાઈને તેના વાચકોએ તેનું લવાજમ બંધ કરવા ધમકી આપી. (પણ આને બહિષ્કાર ન કહેવાય. બહિષ્કાર તો હિન્દુઓ કરે તેને જ કહેવાય.)
 
બ્રિટનની પડતી ક્યારની શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે તે ઝડપી બની છે. બ્રિટનમાં છેલ્લાં છ વર્ષમાં ત્રણ વડા પ્રધાન બદલાઈ ચૂક્યા છે. બ્રૅક્ઝિટ એટલે કે યુરોપીય સંઘમાંથી નીકળવાના કારણે તેને એ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જે ભારતના વિભાજન વખતે ભારતીયોને કરવો પડ્યો હતો. સૌથી વધુ તકલીફ તો પ્રવાસનમાં પડવાની છે. અત્યાર સુધી ભારત-નેપાળની જેમ બ્રિટિશરો યુરોપમાં ગમે ત્યાં વિઝા વગર જઈ શકતા હતા, હવે નહીં જઈ શકે. આની અસર શ્રમિકોને અને વેપાર-ધંધા પર પડશે.
 
બ્રિટિશરોના પાપનો ઘડો હવે છલકાઈ ગયો હોય તેમ ઇશ્વર પણ યુકે પર રુષ્ટ થયો છે. યુકેમાં આ વર્ષે વિક્રમજનક ગરમી પડી. ભારત જેવા ગરમ દેશમાં ૪૦ ડિગ્રી તાપમાને આપણને તકલીફ પડે છે તો વિચારો કે, આકરી ઠંડી જ્યાં અનુભવાતી હોય અને તેના લીધે જ્યાં ઘરોમાં પંખા કે એ. સી. નથી હોતાં તેવા બ્રિટનમાં ૪૦ ડિગ્રી ગરમી પડે તો શું સ્થિતિ થાય? માત્ર સતત ઉપભોગમાં જ માનતા આ પશ્ચિમી દેશો (પશ્ચિમી દેશોના લોકોથી જ બનેલા અમેરિકા પણ તેમાં આવી ગયું)એ પર્યાવરણ પ્રત્યે ધ્યાન ન રાખ્યું અને આબોહવા પરિવર્તનની અસર તેમને પણ નડી ગઈ! બ્રિટિશ ક્રિકેટરો જ્યારે ભારત આવતા હતા ત્યારે અહીંની ગરમીની, હૉટલોની, ભોજનની ફરિયાદ કરતા હતા અને હારના કારણ તરીકે આગળ ધરતા હતા. (૧૯૯૨ના ઇંગ્લેન્ડના ભારતપ્રવાસની સ્મૃતિ તાજી કરો, જેમાં ઇંગ્લેન્ડની બહુ ભૂંડી હાર વેંકટપતિ રાજુ અને અનિલ કુંબલે જેવા સ્પિનરના કારણે થઈ હતી.)
 
 
અત્યારે યુકેના અનેક ભાગોમાં દુષ્કાળ પણ પડ્યો છે. તેના કારણે સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા બ્રિટિશરોને તકલીફ પડવાની છે, કારણ કે સરકારી સ્વિમિંગ પુલમાં પાણી ભરવા પર પ્રતિબંધ મુકાવાની શક્યતા છે. આ ઉપરાંત કારને પાણીથી ધોવા પર, ઑફિસો અને દુકાનોની સફાઈ કરવા પર પણ પ્રતિબંધ મુકાવાની શક્યતા છે તેમ ધ ગાર્ડિયન નામના યુકેના સમાચારપત્રએ દુષ્કાળનો સામનો કરવા રચાયેલા રાષ્ટ્રીય દુષ્કાળ જૂથના લીક થયેલા અહેવાલને ટાંકીને કહ્યું છે.
 
કટ્ટરવાદી મુસ્લિમોની સમસ્યા બ્રિટનને પણ કનડી રહી છે. વડા પ્રધાન થતાં થતાં રહી ગયેલા ભારતીય મૂળના ઋષિ શૌનકે સોઈ ઝાટકીને કહી દીધેલું કે જો તેઓ વડા પ્રધાન બનશે તો તેઓ ઇસ્લામિક ત્રાસવાદ પર તવાઈ લાવશે. (ઋષિ શૌનકે આવું કહ્યું, તેમજ ગાયની પૂજા જાહેરમાં કરી તેના કારણે તેમજ ત્યાં ભારતીયો પ્રત્યે ધિક્કાર બ્રિટિશરોમાં છે તેના કારણે તેઓ વડા પ્રધાન બનતાં-બનતાં રહી ગયા.) યુકેમાં બૉમ્બધડાકા થાય છે. છરી ભોંકી દેવાય છે.
 
ગત સપ્ટેમ્બર, ૨૦૨૧માં યુકેની સુરક્ષા સંસ્થા એમઆઈ-૫એ અહેવાલ દ્વારા ચેતવણી આપી હતી કે, યુકેને ઇસ્લામિક કટ્ટરવાદથી બહુ મોટો ભય છે. યુકેમાં છેલ્લાં ચાર વર્ષમાં ૩૧ ત્રાસવાદી ષડયંત્રોને નિષ્ફળ બનાવી દેવાયાં હતાં. નવેમ્બર, ૨૦૨૧માં એક મુસ્લિમ આત્મઘાતી બૉમ્બરે લિવરપુલમાં મેટરનિટી હૉસ્પિટલ બહાર પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ જ સમયે એક ચર્ચ પાસે આઈએસઆઈએસના ત્રાસવાદી અલી હર્બી અલીએ બ્રિટિશ કન્ઝર્વેટિવ પક્ષના સાંસદ ડેવિડ એમેસની છરી મારી હત્યા કરી હતી. તે પછી યુકેએ ત્રાસવાદના ભયનું સ્તર (ચેતવણીનું સ્તર) વધારી દીધું હતું. બ્રિટનના જમણેરીઓ પણ માને છે કે બ્રિટનમાં ગમે ત્યારે (કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા) ગૃહયુદ્ધ થોપાવાનું જ છે.
 
બ્રિટનની પડતીનું કારણ એક એ પણ છે કે અમેરિકા (જેમાં મૂળ તો ત્યાં ગયેલા બ્રિટિશરોનું વધુ વર્ચસ્વ છે) હવે ઢીલું પડી રહ્યું છે. ચીનની સામે અમેરિકા મિયાંની મીંદડી બની ગયું છે. નાટોના બ્રિટન સહિતના સભ્ય દેશોના કહેવા છતાં બાઇડેને કોઈનું ન સાંભળ્યું અને અફઘાનિસ્તાનને તાલિબાનોના હવાલે કરી, ત્યાંના નાગરિકોને મરવા છોડી દીધા, તેના કારણે બ્રિટનને લાગે છે કે હવે અમેરિકા (બાઇડેન જેવા લેફ્ટ ડેમોક્રેટ વાંચો) બ્રિટનનું એટલું પાકું સાથી નથી રહ્યું. બાઇડેનના આ નિર્ણયના કારણે બ્રિટિશરોમાં ભારે ગુસ્સો અને દુઃખ વ્યાપી ગયાં હતાં. તેમને બાઇડેને દગો કર્યો હોય તેવી લાગણી થઈ હતી.
 
બ્રિટનમાં ખાનગી હૉસ્પિટલોમાં સારવાર અતિ મોંઘી પડે છે. આથી ત્યાં સરકારી હૉસ્પિટલ પર જ આધાર રાખવો પડે છે અને તેમાં દર્દીઓ એટલા બધા વધી ગયા છે કે તેમને મહિનાઓ પછી એપૉઇન્ટમેન્ટ મળે છે. ધ ગાર્ડિયનમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, લાખો લોકોને ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેવા જવાની ફરજ પડી રહી છે. આથી તેમને કાં તો પોતાના ખર્ચમાં કાપ મૂકવો પડે છે, કાં તો બચત વાપરવી પડી રહી છે અને કાં તો દેવું કરવું પડી રહ્યું છે. ઇંગ્લેન્ડમાં સરકારી હૉસ્પિટલને એનએચએસ (નેશનલ હૅલ્થ સર્વિસ) હૉસ્પિટલમાં સામાન્ય (રૂટિન) સારવાર માટે રાહ જોતા દર્દીઓની સંખ્યા વધીને ૬૮ લાખ થઈ ગઈ છે. (આવું ભારતમાં થયું હોય તો? હો-હા થઈ જાય. સરકાર ખાનગી હૉસ્પિટલોને વેચાઈ ગઈ છે તેવા આક્ષેપ થાય.)
 
યુકેમાં મોંઘવારી છેલ્લાં ૪૦ વર્ષમાં સૌથી વધુ છે. દૂધ, ચીઝ અને ઈંડાંના ભાવ તો છેલ્લાં ૧૪ વર્ષમાં સૌથી વધુ છે. યુકેમાં ગત મે, ૨૦૨૨માં થયેલા એક સર્વે મુજબ, જીવનધોરણનો ખર્ચ (મોંઘવારી) એટલો વધી ગયો છે કે, એપ્રિલ ૨૦૨૨માં સાત પૈકી એક પરિવારે ભૂખ્યા રહેવું પડ્યું હતું. લોકોમાં બીમારી ભરપૂર વધી રહી છે. ૨૦૨૦ની શરૂઆતમાં ત્યાં ૪ લાખ લોકોએ લાંબી બીમારીના કારણે નોકરી છોડી દેવી પડી હતી. માર્ચ, ૨૦૨૧ની સરખામણીએ માર્ચ, ૨૦૨૨માં ગુનાખોરીમાં ૧૬ ટકાનો વધારો થયો હતો. ૨ લાખ ૩૦ હજાર લોકો બેઘર છે. (બ્રિટનની કુલ વસતિ ગુજરાત જેટલી જ- ૬.૭ કરોડ છે.) યુરોપમાં પરિવાર તૂટવાનો સૌથી ઊંચો દર બ્રિટનમાં છે. બ્રિટનમાં ૬૮.૯ ટકા બાળકોને વારાફરતી મા અને પિતાના ઘરે રહેવું પડે છે. ત્યાં હવે ચિંતકો અને વિચારકો સલાહ આપી રહ્યા છે કે, બ્રિટને પરિવાર વ્યવસ્થા (ફેમિલી કલ્ચર)ને પાછી લાવવી પડશે. વિકૃતિ વધી રહી છે. અર્થાત્ પોતાને લેસ્બિયન, ગે કે ટ્રાન્સજેન્ડર ગણાવતા લોકોની સંખ્યા ૨૦૨૦માં યુકેમાં ખૂબ જ ઊંચી હતી. ૨૦૧૪માં આ સંખ્યા ૧.૬ ટકા હતી જે ૨૦૧૮માં ૨.૨ ટકા થઈ હતી.
 
બ્રિટન તો હવે કર્યાં ભોગવી રહ્યું છે, પરંતુ ઉપભોક્તાવાદ અને ભોગ ભોગવવાની ઘેલછા અને તેના કારણે પર્યાવરણને નુકસાન, પરિવારો તૂટવા વગેરે ભારતને પણ ન નડી જાય તે માટે અત્યારથી જ ચેતવું રહ્યું. બીજું એક ધ્યાન એ રાખવું પડશે કે, આ પરિસ્થિતિ સત્તરમી-અઢારમી સદી જેવી થવા જઈ રહી છે જેમાં ભારત સમૃદ્ધ હતું અને યુરોપના દેશો ભિખારી જેવા. તે વખતે બ્રિટિશરો વેપારની ભીખ માગતાં ઇસ્ટ ઇન્ડિયા કંપની બનાવીને ભારત આવી ગયા હતા અને પછી શું થયું હતું તે કહેવાની આવશ્યકતા નથી. આવું ફરી વાર ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. હિન્દુઓને દયા બહુ આવી જતી હોય છે. એમાંય કોઈ વિરોધી સ્વાર્થથી ગુણગાન ગાય ત્યારે તો ખાસ.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…