ભારતની અંતરિક્ષયાત્રા - ધરાથી ગગન સુધી… History of India's Space Journey

History of India"s Space Journey । ધરાથી ગગન લગીની ભારતની અંતરિક્ષ યાત્રાનો ઇતિહાસ એ એક સાયન્સ ફિક્સન ફિલ્મનાં કથાનકથી જરાય ઉતરતો નથી. તો આવો માણીએ ભારતની અંતરિક્ષ યાત્રાની ઐતિહાસિક સફરને આ મુખપૃષ્ઠ વાર્તામાં...

    ૧૯-જાન્યુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

History of India's Space Journey
 
 
History of India's Space Journey | ‘ભારતીય અનુસંધાન સંગઠન’ એટલે કે ‘ઇસરો’ એ દેશનું સૌપ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસને સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાવી વધુ એક વખત વિશ્વને અંતરિક્ષમાં ભારતનાં વધતા જતા દબદબાનો પરચો બતાવ્યો છે, ત્યારે ધરાથી ગગન લગીની ભારતની અંતરિક્ષ યાત્રાનો ઇતિહાસ એ એક સાયન્સ ફિક્સન ફિલ્મનાં કથાનકથી જરાય ઉતરતો નથી. તો આવો માણીએ ભારતની અંતરિક્ષ યાત્રાની ઐતિહાસિક સફરને આ મુખપૃષ્ઠ વાર્તામાં...
 
# ભારતના પ્રથમ અભિયાન સમયે થુંબા રોકેટ પ્રક્ષેપણ સ્ટેશન પર કોઈ ઇમારત ન હતી. તે સમયે સ્થાનિકના ઘરને જ પ્રોજેક્ટ ડાયરેક્ટરનું કાર્યાલય બનાવવામાં આવ્યું અને એક ચર્ચની ઇમારતમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો. રોકેટના ભાગો અને અન્ય ઉપકરણ પ્રક્ષેપણના સ્થળ સુધી બળદગાડા અને સાયકલ પર લાવવામાં આવ્યાં હતાં.
 
# એક સમયે પોતાના ઉપગ્રહો છોડવા માટે અન્ય દેશોની દયા પર નિર્ભર ભારત હાલ દુનિયાભરના દેશોના ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલીને મદદ કરી રહ્યું છે.
 
# ઇસરોની ઓળખ હાલ વિશ્ર્વમાં સૌથી સસ્તા દરે લોન્ચિંગ (પ્રક્ષેપણ) કરી આપતા સંગઠનની બની છે, જેથી વિશ્ર્વના દેશો પોતાના ઉપગ્રહોનું લોન્ચિંગ ભારતના ઇસરો પાસે કરાવડાવી રહ્યા છે. આજે અમેરિકા, કેનેડા, બ્રિટન સહિતના દેશો પોતાના ઉપગ્રહોનું લોન્ચિંગ કરાવવા ભારતના ઈસરોનો સંપર્ક કરી રહ્યાં છે.
 
# ઇસરોએ પોતાના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) થકી ૩૪ દેશોના ૩૪૫ ઉપગ્રહોનું પ્રક્ષેપણ (લોન્ચિંગ) કરી ૫૬ કરોડ અમેરિકન ડોલર અને ૨૨ કરોડ યુરોની લગભગ ૧૧૦૦ કરોડ ભારતીય રૂપિયાની આવક કરી છે.
 
 
ભારત માટે ૧૮ નવેમ્બર, ૨૦૨૨નો દિવસ ઐતિહાસિક સાબિત થયો હતો. આ દિવસે ભારતે અંતરિક્ષમાં હનુમાન કૂદકો લગાવી એક નવા જ યુગમાં પગલાં માંડ્યાં. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને એટલે કે ઇસરોએ દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ કર્યું. આ રોકેટે ત્રણ ઉપગ્રહ (સેટેલાઇટ્સ)ને તેની કક્ષામાં સ્થાપિત કર્યાં, જેમાં એક વિદેશી ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે. ભારત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, આ લોંચિંગ એટલે કે પ્રક્ષેપણ બાદ ભારત અમેરિકા, રશિયા, ઇયુ, જાપાન, ચીન અને ફ્રાન્સ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ ગયું છે, જે ખાનગી કંપનીઓના રોકેટ સ્પેસ (અંતરિક્ષ)માં મોકલવા સક્ષમ છે. હવે વાત કરીએ દેશના સૌપ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ વિશે...
 

સ્કાઈરુટ એયરો સ્પેસ કંપનીએ બનાવ્યું છે : વિક્રમ-એસ

 
વિક્રમ-એસ રોકેટ હૈદરાબાદની સ્કાઈરુટ એયરો સ્પેસ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. કાર્બન ફાઈબરથી બનેલ આ રોકેટમાં ૩D પ્રિન્ટેડ એન્જિન લાગેલાં છે. જે ૮૩ કિલોના પૈલોડ એટલે કે સેટેલાઇટને ૧૦૦ કિ.મી. ઊંચાઈ સુધી લઈ જવામાં સક્ષમ છે અને અવાજની ગતિથી પાંચગણી ઝડપે ઉડાન ભરી શકે છે. વાચકોને જણાવી દઈએ કે વિક્રમ-એસનું નામ ભારતના મહાન વૈજ્ઞાનિક અને ઈસરોના સંસ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પર રાખવામાં આવ્યું છે અને આ રોકેટના લોન્ચિંગ સાથે જ દેશના અંતરિક્ષ કાર્યક્રમોમાં ખાનગી ક્ષેત્રના યુગનો પ્રારંભ થયો હોવાથી આ મિશનનું નામ ‘પ્રારંભ’ રાખવામાં આવ્યું હતું. જાણકારો મુજબ આ લોન્ચિંગ બાદ અલગ અલગ તાકાત અને વજન લઈ જવા સક્ષમ રોકેટો બનાવતી ખાનગી કંપનીઓને પ્રોત્સાહન મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ૨૦૨૦થી જ અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રો માટે દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. સરકાર ઇચ્છે છે કે, નાનાં નાનાં મિશનોનો ભાર હાલ જે ઇસરો પર છે તે ખાનગી સેક્ટર સાથે ભાગીદારીમાં તેમને આપી દેવાય, જેનાથી ઈસરો તેના મોટા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. આમ થવાથી દેશનું વ્યવસાયિક (કોમર્શિયલ) બજાર પણ વધશે, જેનો ફાયદો સીધો અંતરિક્ષ બજારને થશે. આ માટે ભારત સરકાર દ્વારા નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરના ગઠનનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેનાથી દેશનું ઉદ્યોગજગત ન માત્ર અંતરિક્ષ અર્થવ્યવસ્થામાં ભાગીદારી નિભાવશે, બલ્કે દેશની સ્પેસ ટેક્નોલોજીને પણ એક નવી ઊર્જા મળશે. હવે એક આછી નજર અંતરિક્ષક્ષેત્રે ભારતની ઐતિહાસક સફરની..
 
 

History of India's Space Journey 

પહાડ કાપી રસ્તો બનાવ્યો છે ભારતે

 
 
દેશને સ્વતંત્રતા મા બાદ મૂળભૂત સુવિધાઓ માટેનું માળખું પણ ન હોવા બરાબર હતું. તેવામાં અંતરિક્ષ ક્ષેત્રે સફળતા મેળવવાનો વિચાર પણ એક સ્વપ્ન સમાન હતો. તેવા સમયે આ સ્વપ્નને સાકાર કરવાનું બીડું ડૉ. વિક્રમ સારાભાઈએ ઝડપ્યું. ભારતની અંતરિક્ષ સફરની શરૂઆત થઈ ત્યારે અમેરિકા અને રશિયા જેવા દેશોએ આ ક્ષેત્રે સફળતાના વાવટા ફરકાવી દીધા હતા. આપણી પાસે ન તો પ્રક્ષેપણની સુવિધા હતી કે ન તો મૂળભૂત માળખું હતું. હતું તો માત્ર દુનિયાને બતાવી દેવાનું વિક્રમી જોશ. ભારતના પ્રથમ અભિયાન સમયે થુંબા રોકેટ પ્રક્ષેપણ સ્ટેશન પર કોઈ ઇમારત ન હતી. તે સમયે સ્થાનિકના ઘરને જ પ્રોજેક્ટ ડાયરેક્ટરનું કાર્યાલય બનાવવામાં આવ્યું અને એક ચર્ચની ઇમારતમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો. રોકેટના ભાગો અને અન્ય ઉપકરણ પ્રક્ષેપણના સ્થળ સુધી બળદગાડા અને સાયકલ પર લાવવામાં આવ્યાં હતાં. થુમ્બામાં અંતરિક્ષની દુનિયામાં પા પા પગલી માંડનાર ભારતે જોતજોતામાં આ ક્ષેત્રે અનેક વિક્રમજનક સફળતાઓ મેળવી છે. આજે ઇસરો ઉપગ્રહ નિર્માણ અને પ્રક્ષેપણ કરનારા વિશ્ર્વના ટોચના સંગઠન રૂપમાં પોતાની હાક વગાડી રહ્યું છે. આપણે દેશની જરૂરિયાતોની સાથે સાથે અન્ય દેશો માટે ઉપગ્રહો બનાવી અને તેનું પ્રક્ષેપણ પણ કરી રહ્યા છીએ.
 

અમેરિકા - રશિયા ચીનની હરોળમાં ભારત

 
યુનિયન ઓફ કન્સર્ન્ડ સાયન્ટિસ્ટ સેટેલાઇટ ડેટા બેસ દ્વારા આ અંગે એક યાદી બનાવવામાં આવી છે. જેમાં વિશ્ર્વના એ દેશોનાં નામ છે, જેઓએ અંતરિક્ષમાં સફળતાના વાવટા ફરકાવ્યા છે. અહેવાલ મુજબ અમેરિકાના અંતરિક્ષમાં ૧૩૦૮ સેટેલાઇટ છે, ત્યાર બાદ ચીન ૩૫૬, રશિયા ૧૬૭, જાપાન ૭૮ અને ભારતનાં ૫૮ સેટેલાઇટ છે.
 
આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન સંસ્થાનના એરિઝ સાયન્સ પોપુલરાઇઝેશન એડ આઉટરીચ પ્રોગ્રામના એયરપર્સન શશિભૂષણ પાંડેય કહે છે કે, પાછલા કેટલાક દાયકાઓમાં અંતરિક્ષક્ષેત્રે ભારતનું યોગદાન આંતરરાષ્ટીય સ્તર પર ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ઇસરો અનેક આયામો પર સંશોધન કરી રહ્યું છે. ખગોળ વિજ્ઞાનના માધ્યમ થકી આપણે અંતરિક્ષ અને સુદૂર (અંતરિયાળ) અંતરિક્ષ પર અધ્યયન કરી શકવા સક્ષમ બન્યા છીએ. ૨૦૧૫માં ઇસરો દ્વારા એસ્ટ્રોસેટ નામની ખગોળ વેધશાળાની સ્થાપના કરી છે. ૧૬ નવેમ્બર, ૨૦૧૩ના દિવસ અંતરિક્ષ ક્ષેત્રે ઐતિહાસિક હતો. આ દિવસે ૨.૩૯ મિનિટ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા PSLV C-25 ઓર્બિટર (મંગલયાન)ની અંતરિક્ષ યાત્રા શરૂ થઈ જે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ મંગળ પર પહોંચતાંની સાથે જ ભારત આ પ્રકારના અભિયાનમાં પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવનાર વિશ્ર્વનો પ્રથમ દેશ બની ગયો એટલું જ નહીં ભારત રુસ, નાસા (અમેરિકા) અને યુરોપીય અંતરિક્ષ એજન્સી બાદ આ પ્રકારનું મિશન પાર પાડનાર વિશ્ર્વનો ચોથો દેશ બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતનું મિશન મંગળ સૌથી સસ્તું પણ હતું. ભારતના માર્સ મિશનનો ખર્ચ ૬ કરોડ ૯૦ લાખ ડોલર એટલે કે ૪૫૦ કરોડ રૂપિયા થયો હતો, જે નાસાના પ્રથમ મંગળ મિશનનો દસમા ભાગનો અને ચીન-જાપાનના નિષ્ફળ મંગળ અભિયાનના ચોથા ભાગનો છે.
 

વિશ્વ માટે લોંચ પેડનું કેન્દ્ર બની રહ્યું છે ભારત

 
 
એક સમયે પોતાના ઉપગ્રહો છોડવા માટે અન્ય દેશોની દયા પર નિર્ભર ભારત હાલ દુનિયાભરના દેશોના ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામાં મદદ કરી રહ્યું છે. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ ઇસરો દ્વારા અમેરિકાના ૯૬ ઉપગ્રહો સહિત ૧૦૪ ઉપગ્રહો અંતરિક્ષમાં સફળતાપૂર્વક છોડી ઇતિહાસ રચી દીધો હતો. એક સાથે આટલા બધા ઉપગ્રહો સફળતાપૂર્વક છોડનાર ભારત વિશ્ર્વનો પ્રથમ દેશ છે. આ અગાઉ આ વિક્રમ રશિયાના નામે હતો, જેણે ૨૦૧૪માં એક સાથે ૩૭ જેટલા ઉપગ્રહો અંતરિક્ષમાં છોડ્યા હતા. ઇસરોની ઓળખ હાલ વિશ્ર્વમાં સૌથી સસ્તા દરે લોન્ચિંગ કરી આપતા સંગઠનની બની છે, જેથી વિશ્ર્વના દેશો પોતાના ઉપગ્રહોનું લોન્ચિંગ ભારત-ઇસરો પાસે કરાવડાવી રહ્યા છે. આજે અમેરિકા, કેનેડા, બ્રિટન સહિતના દેશો પોતાના ઉપગ્રહોનું લોન્ચિંગ કરાવવા ભારત સામે કતારમાં છે. ભારત દ્વારા અત્યાર સુધી અમેરિકાના ૧૪૩, કેનેડાના ૧૨, બ્રિટનના ૧૨, જર્મનીના ૯, સિંગાપુરના ૮ સેટેલાઈટ સહિત અન્ય અનેક દેશના ઉપગ્રહો ભારત દ્વારા સફળતાપૂર્વક અંતરિક્ષમાં છોડવામાં આવ્યા છે.
 

History of India's Space Journey 
 

ઈસરો કરી રહ્યું છે ધૂમ કમાણી

 
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ દ્વારા ૨૭ જુલાઈ, ૨૦૨૨ના રોજ સંસદમાં જણાવવામાં આવ્યું હતું કે, ઇસરોએ પોતાના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) થકી ૩૪ દેશોના ૩૪૫ ઉપગ્રહોનું પ્રક્ષેપણ (લોન્ચિંગ) કરી ૫૬ કરોડ અમેરિકન ડોલર અને ૨૨ કરોડ યુરોની આવક કરી છે.
 

History of India's Space Journey 
 

ભારતીય અંતરિક્ષ મિશનોમાં મહિલાઓની ભૂમિકા | Women Scientist and India

 
ભારતનાં અંતરિક્ષ અભિયાનોમાં મહિલા શક્તિઓની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ઈસરોના અતિ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-૨ના નેતૃત્વની કમાન પણ મહિલા શક્તિના હાથમાં હતી. વનિથા મુથૈયાએ પ્રોજેક્ટ ડાયરેક્ટર તો રિતુ કિરઢાલ મિશન ડાયરેક્ટરના રૂપમાં ભારતનાં મુન-મિશન (ચંદ્રયાન)નું નેતૃત્વ કર્યું હતું. એટલું જ નહીં ચંદ્રયાન-૨ પર કામ કરનાર સ્ટાફમાં ૩૦થી વધારે મહિલા હતી. ભારતનાં અત્યાર સુધીનાં સૌથી સફળ અંતરિક્ષ અભિયાનોમાં એક ‘મિશન મંગળ’ની સફળતામાં પણ મહિલા વિજ્ઞાનીની મહત્ત્વની ભૂમિકા હતી. આ અભિયાનનાં નેતૃત્વ કરનાર ટીમમાં પાંચ મહિલા વૈજ્ઞાનિકો હતી અને મિશન મંગલ અભિયાનમાં લગભગ ૨૭ ટકા વૈજ્ઞાનિક મહિલા હતી. મીનલ સંપત, મૌમિતા દત્તા, અનુરાધા ટી, રિતુ કિરઢાલ અને નંદિની હરિનાથ જેવી મહિલા શક્તિએ મિશન મંગલને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
 
 

હવે અંતરિક્ષમાં મોકલાશે માનવ

 
ભારત હવે પોતાનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ અભિયાન ‘મિશન ગગનયાન’ પૂર્ણ કરી અંતરિક્ષમાં વિક્રમ સ્થાપવા જઈ રહ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહજીના જણાવ્યા મુજબ ભારતના ગગનયાન મિશનની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી વર્ષે ભારત તેના એક-બે વૈજ્ઞાનિકોને અંતરિક્ષમાં મોકલશે. એટલે કે ૨૦૨૩માં ભારત અંતરિક્ષમાં માનવ મોકલવાની ક્ષમતા ધરાવનાર દેશોમાં સામેલ થઈ જશે.
 

History of India's Space Journey 
 

ભારત અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવશે

 
ઇસરો ગગનયાન મિશન બાદ ભારત અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે. ૨૦૩૦ સુધી અંતરિક્ષમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. જો કે સ્પેસ સ્ટેશન બનાવતાં પહેલાં અંતરિક્ષમાં બે ઉપગ્રહોને એકબીજા સાથે જોડી શકવાની ક્ષમતા જરૂરી છે. જેને સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (સ્પેડેક્સ) કહેવામાં આવે છે. તેનાથી વૈજ્ઞાનિકો એ જાણી શકશે કે સ્પેસ સ્ટેશનમાં ઈંધણ સહિતની અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડી શકાય છે કે નહીં. ઇસરો દ્વારા અપાયેલી જાણકારી મુજબ સ્પેડેક્સ પ્રોજેક્ટ અંતર્ગત ૨૦૨૫ સુધી પીએસએલવીની મદદથી બે સ્પેસક્રાફ્ટ છોડવામાં આવશે. આ સિવાય ઇસરોનાં અન્ય અનેક મહત્ત્વનાં મિશનો છે. જેના પર વિશ્ર્વની નજર છે. આવાં જ કેટલાક મિશનોની વાત કરીએ તો...
 

નાસા-ઇસરોનું સંયુક્ત મિશન ‘નિસાર’

 
ઇસરો અને નાસા સાથે મળીને ૨૦૨૩માં પોતાના સંયુક્ત મિશન નિસાર (નાસા-ઇસરો-સિંથેટિક એપર્ચર રડાર) ઉપગ્રહ લોંચ કરવા જઈ રહ્યા છે. આ મિશનમાં આધુનિક રડાર ઇમેજિંગ મારફતે પૃથ્વીની ધરીમાં થતાં પરિવર્તનો પર નજર રાખવામાં આવશે. તેની મદદથી જમીન, વનસ્પતિ અને ક્રાયોસ્ફેયર (હિમાવરણ)માં થતાં પરિવર્તનો અંગે જાણકારી મેળવી શકાશે.
 

History of India's Space Journey 
 

ચંદ્રયાન-૩

 
ઇસરોનું આ ત્રીજું ચંદ્રયાન મિશન છે. તેને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આગામી ઓગસ્ટ માસના છેલ્લા અઠવાડિયામાં લોન્ચ કરવાની સંભાવના છે.
 
ગગનયાન-૧
 
આગળ જણાવ્યું તેમ આ ભારતનું માનવ અંતરિક્ષ ઉડાન મિશન છે. આ મિશન અંતર્ગત પ્રથમ બે માનવરહિત અને તેની સફળતા બાદ માનવસહિતનું યાન અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
 
આદિત્ય એલ-૧ મિશન
 
ઇસરો તરફથી આદિત્ય એલ-૧ મિશન સૂર્ય અંગે જાણકારી મેળવવાના સૌપ્રથમ મિશનમાં લગભગ ૪૦૦ કિલોના ઉપગ્રહને સૂર્ય અને પૃથ્વી લગ્રાગિયન ટ્વાઇટ (એવું સંતુલન બિન્દુ જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વયીય બળ લગભગ એક સરખું જ હોય છે) એક કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જે પણ વર્ષના અંત સુધી લોન્ચ થઈ જવાની શક્યતા છે.
 
શુક્રયાન - ૧
 
શુક્રયાન મિશન મારફતે શુક્ર ગ્રહની ધરી પરના વાતાવરણનું અવલોકન કરવામાં આવશે. તેના માટે શ્રી હરિકોટા કેન્દ્રથી એક ઓર્બિટર લોન્ચ કરવામાં આવશે. આ મિશનનો ઉદ્દેશ્ય શુક્રની ધરી તેમજ ચટ્ટાનોની પરતનું અધ્યયન કરવાનો છે, જે ૨૦૨૪ના ડિસેમ્બરમાં લોન્ચ થઈ જશે.
 
ચંદ્ર ધ્રુવીય મિશન
 
ઇસરો અને જાપાનની એયરો સ્પેસ એકસ્ટ્રાલોરેશન એજેન્સી (જાકસા) સાથે મળીને ચંદ્ર ધ્રુવીય મિશનને અંતિમ ઓપ આપી રહ્યા છે. ૨૦૨૪માં બન્ને દેશોના સહયોગથી ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર માટે ચંદ્ર રોવર અને લેન્ડર મોકલવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ચંદ્ર ઉપર પાણીની ઉપસ્થિતિ, તેની માત્રા અને તેના ગુણ-પ્રકાર અંગે જાણકારી મેળવવાનો છે.
 
મંગલયાન : ૨
 
ઇસરો દ્વારા ૨૦૨૫માં મંગલયાન-૨ લોન્ચ કરવાની યોજના છે, જે મંગલયાન-૧ બાદનું બીજું મિશન છે.
 
અંતરિક્ષ સંશોધનોની બાબતે ભારતની વિશ્વાસનીયતા વિશ્વભરમાં વધી રહી છે
 
દિલ્હી વિશ્વ વિદ્યાલયના એસ્ટ્રો ફિજિક્સના વરિષ્ઠ પ્રાધ્યાપક ટી.આર. શેષાદ્રી કહે છે કે, પાછલાં ૭૫ વર્ષોમાં ભારતે અંતરિક્ષ ક્ષેત્રે અસાધારણ સફળતા મેળવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અંતરિક્ષ સંશોધનોની બાબતે ભારતની વિશ્ર્વસનીયતા વિશ્ર્વભરમાં વધી છે. ઓછા ખર્ચ અને વધુ સફળતાને કારણે ઉપગ્રહ અને રોકેટ ક્ષેત્રમાં આજે અન્ય દેશો પણ આપણી સેવાઓ લઈ રહ્યા છે. ભારત સ્વાસ્થ્ય, ખેતી અને વાતાવરણથી માંડી મંગળ ગ્રહ સુધી પોતાની છાપ છોડવામાં સફળ રહ્યું છે. આમ ભારતે અંતરિક્ષ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ સાધી છે ત્યારે આપણે વિચારવું પડશે કે, પ્રત્યેક દેશ પોતાની જરૂરિયાતો અને પરિસ્થિતિઓ મુજબ સંશોધનોનું કામ કરતો હોય છે. પહેલાં જ્યાં અંતરિક્ષ વિજ્ઞાનને એક અલગ જ વિષય માનવામાં આવતો, તે આજે તમામ લોકોની જિંદગી સાથે જોડાઈ ગયું છે. એક પ્રોજેક્ટ બનાવવામાં માત્ર વૈજ્ઞાનિકનો જ ફાળો નથી હોતો બલ્કે મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયરથી માંડી આઈટી એન્જિનિયર જેવા હરેક ક્ષેત્રના લોકોનો ફાળો હોય છે. ત્યારે તેને લઈ બાળકોને પ્રાથમિક સ્તરેથી જ આ અંગે જાણકારી આપવી પડશે, જેથી બાળપણથી જ અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે તેમનું જોડાણ અને જ્ઞાન વધે.
 
ઉપસંહાર
 
આમ એક સમયે જે ભારત પાસે પોતાના ઉપગ્રહ લોન્ચ કરવા માટે જમીન પર પણ પોતાનું કાર્યાલય ન હતું તે જ ભારત હાલ અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે. જે ભારતને પોતાના પ્રથમ ઉપગ્રહને પ્રક્ષેપણ સ્થળે ગાડા અને સાયકલની મદદ લેવી પડી હતી, જેની પશ્ર્ચિમી દેશોએ ભારે મજાક ઉડાવી હતી. તે જ ભારત હાલ અંતરિક્ષ ક્ષેત્રે વિશ્ર્વનું લોન્ચ પેડ બની રહ્યું અને વિશ્ર્વ આખાને સસ્તી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. અમેરિકા, રશિયા, બ્રિટન જેવી મહાસત્તાઓએ પણ પોતાના ઉપગ્રહોના સફળતાપૂર્વક લોન્ચિંગ માટે ભારત સામે હરોળમાં ઊભા રહેવું પડે છે તે જ ભારતની અસલી તાકાત બતાવે છે.
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…