જોશીમઠની આફત આપણા માટે જાગૃતિનો કોલ...!

જોશીમઠની આફત આપણા માટે જાગૃતિનો કોલ છે. સરકારી બાબુઓ, પોલિટિશિયનો આ બાબતે આંખ-આડા કાન કરે, કાયદા શાસ્ત્રીઓય એનો ભાગ બને ત્યારે તબાહીઓ તો સર્જાવાની જ.

    ૨૩-જાન્યુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

joshimath sinking 
 
 
 

જોશીમઠની આફત – માનવે કુદરતનો આ કોલ સાંભળવો પડશે! નહીંતર…  Joshimath Sinking

 
 
કુદરત સાથે ચેડાંનું વરવું પરિણામ તાજેતરમાં જ જોશીમઠમાં જોવા મળ્યું. જોશીમઠ તો અપભ્રંશ, મૂળે તો એ શંકરાચાર્યની તપોભૂમિ, હિન્દુઓનું મુખ્ય તીર્થ જ્યોતિર્મઠ છે, એ ડૂબે તો એક આખો ઇતિહાસ અને અસંખ્ય જીવો ડૂબી જાય. ૬-૭ હજાર વર્ષ પહેલાં ભૂસ્ખલનને કારણે નવરચિત આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ સિસ્મિક ઝોન - ૪માં સમાવિષ્ટ હતો. ૧૯૭૦માં જમીનમાં તિરાડો પડી, ૧૯૭૬માં સર્વે બાદ મિશ્રા પંચે આ વિસ્તારમાં કોઈ પણ નિર્માણ, પરિયોજનાઓ, વિસ્ફોટો, વિકાસ સામે લાલબત્તી કરી તબાહીની ચેતવણી આપેલી. આ ચેતવણીઓને હળવાશથી લઈને તે વખતથી અહીં વિવિધ પરિયોજનાઓ શરૂ થઈ. સમય જતાં નવી યોજનાઓ આવી, નેશનલ થર્મલ પાવર પ્રોજેક્ટ દ્વારા વિષ્ણુગઢ સુરંગ પરિયોજના, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ શરૂ થયા, પહાડો ખોદાયા, વિસ્ફોટો થયા, સુરંગો બની અને આખરે જોશીમઠમાં તબાહીની તિરાડો પડી માનવજીવન જોખમાયું.
 
આ જોખમ માત્ર જોશીમઠનું નથી. આખું ઉત્તરાખંડ અને હિમાલયન વિસ્તાર બારુદના ઢગલા પર બેઠો છે. ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, હરિદ્વાર, ગઢવાલ, અલમોડા, હિમાચલ પ્રદેશ, મસુરી, ગંગટોક, લેહ-લદ્દાખ અને અરુણાંચલ પ્રદેશના વિસ્તારો પર જોખમ છે. હૃષીકેશ - કર્ણપ્રયાગ રેલ લાઇન માટેની સુરંગને કારણે અનેક ઘરો ધરાશાયી થયાં, અટાલીમાં ભૂ-સ્ખલનને કારણે હજ્જારો મકાનોમાં તિરાડો પડી, બ્લાસ્ટિંગથી મકાનો નબળાં પડ્યાં, કેદારનાથમાં થોડા વર્ષો પહેલાં પૂર આવેલું એેવું જ પૂર હવે નૈનિતાલમાં આવવાની પણ ચેતવણીય અપાઈ રહી છે. હેલંગ - વિષ્ણુપ્રયાગ બાયપાસના નામે થઈ રહેલ ખોદકામ અને ચારધામ યાત્રા સાથે જોડાયેલ ઓલવેધર રોડના કામ માટેય સવાલો ઊભા થયા છે. ઉત્તર પ્રદેશના અલિગઢમાંય સરકારની સ્માર્ટ સીટી યોજના અંતર્ગત જમીનમાં પાઇપ લાઇન લિક થવાને કારણે અનેક ઘરોમાં તિરાડો પડી. આમ સમગ્ર દેશમાં રોડ, રેલવે, સુરંગ, બંધો જેવા વિવિધ વિકાસ પ્રોજેક્ટો બાબતે ગંભીર બનવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોખમોને ધ્યાને લઈને આધુનિક નગરનિયોજન થતું હોય છે, પરંતુ સર્વગ્રાહી દૃષ્ટિકોણ (Holistic View) અને ૩૬૦ ડિગ્રી કન્સર્ન પડી ભાંગે છે.
જોશીમઠ તેની ભૌગોલિક સંરચના, ખાસ કરીને નાની-નાની નદીઓ, પહાડો, ઊંડી ખાઈઓને કારણે પ્રાકૃતિક રીતે જોખમી છે. છેલ્લા દાયકામાં અંદાજે ૧૫૦૦ લોકો કુદરતી આપદાઓને કારણે મૃત્યુ પામ્યાં છે. આથી આ તબાહી માટે તપોવન થર્મલ પાવર પ્રોજેક્ટ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ, ઓગળતું ગ્લેશિયર, સરકતી જમીન સહિત પર્યાવરણના અનેક પરિબળોય એટલાં જ જવાબદાર છે, છતાં નિષ્ણાતોની સલાહ ગંભીરતાથી લેવાઈ હોત તો તબાહી ઓછી જરૂર થઈ હોત.
 
આ તબાહીઓ પાછળ નજરઅંદાજ કરાયેલું એક અન્ય પાસું અસંખ્ય પ્રવાસીઓ અને તેમના દ્વારા ત્યાં ફેલાતું પ્રદુષણ અને દબાણ પણ ખરું. પ્રવાસન અર્થે ત્યાં દુકાનો, હોટેલો, રેસ્ટોરેન્ટો, ઇમારતો, પાક્કા રસ્તાઓ, ટ્રાવેલ એજન્સીઓ ભયંકર હદે વધ્યાં. વરસે ૧૦ લાખ પ્રવાસીઓ, તેમનાં વાહનો વગેરેનો ભાર આ સંવેદનશીલ હિલ સ્ટેશનો કેટલુંક ઝિલી શકે ? ટૂરિઝમ ડેવલપમેન્ટ દેશના આર્થિક વિકાસમાં પ્રદાન કરે જ છે, પરંતુ તેના કોઈ માપદંડો ના હોઈ શકે ?
 

joshimath sinking 
 
 
આખું ભારત વિકાસ કરી રહ્યું છે ત્યારે આ વિસ્તારોય બાકી ના રહે એ આશયે સરકારે ત્યાં પ્રોજેક્ટ હાથ ધર્યા. સરકાર મુજબ આ બધા પ્રોજેક્ટ માનવજાતનાં સુખ, સાધન, સંપત્તિ, રોજગાર માટે અત્યંત ઉપયોગી અને જીવાદોરી સમાન છે. પરંતુ વિકાસ સાથે માનવજીવન, પર્યાવરણ, યાત્રાધામ અને આપણા ગૌરવશાળી ઇતિહાસની સુરક્ષા અને જાળવણીનો સમન્વય પણ જરૂરી.
 
૧૯૭૬માં મિશ્રા કમિટિ અને ૨૦૧૩માં ભૂગર્ભશાસ્ત્રી એસ. પી. સતીની કમિટી દ્વારા ગંભીર ચેતવણીઓ ઉપરાંત અનેક નિષ્ણાતોની લાલબત્તી છતાં પ્રોજેક્ટ્સ ચાલું જ રહ્યા. સંકટ આવતા હવે અચાનક સૌ જાગ્યા. ફરી એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા રવિ ચોપરાની અધ્યક્ષતામાં ગઠિત સમિતિએ આવાં ક્ષેત્રોમાં પ્રાકૃતિક સંસાધનોને બચાવવા માટે અને વિસ્તારની સંવેદનશીલતા તથા જોખમો ધ્યાને લઈને સંયમિત નિર્માણ કરવા તરફ સરકારનું ધ્યાન દોર્યું છે. આઈ. આઈ. ટી. કાનપુરના ભૂ-વૈજ્ઞાનિક પ્રો. રાજીવ સિંહા સહિત અન્ય તજ્જ્ઞોના મતે કોઈ પણ પ્રોજેક્ટને કાર્યાન્વિત કરતાં પહેલાં સર્વે, નિષ્ણાત અભિપ્રાય અને તે મુજબ પ્રોજેક્ટની રચના જરૂરી. જોશીમઠનું પુનરાવર્તન ટાળવા ઉત્તરાખંડ કે હિમાલયન ક્ષેત્રો સહિત દેશમાં જ્યાં પણ નવી યોજનાઓની વિચારણા થાય તેનો સર્વે કરી જોખમી જગ્યાઓને ચિન્હિત કરવી, રિસર્ચ ટીમ દ્વારા ભૌગોલિક સંશોધન કરવું અને તે અભિપ્રાય અનુસાર જ વૈજ્ઞાનિક ઢબે પહાડો-ઘાટીઓમાં વિકાસકાર્યોને આકાર આપવો જોઈએ. આશા રાખીએ આ અભિપ્રાયોને અનુસરવાની ‘પ્રકૃતિ’ કેળવાશે.
 
જોશીમઠની આફત આપણા માટે જાગૃતિનો કોલ છે. સરકારી બાબુઓ, પોલિટિશિયનો આ બાબતે આંખ-આડા કાન કરે, કાયદા શાસ્ત્રીઓય એનો ભાગ બને ત્યારે તબાહીઓ તો સર્જાવાની જ. કારોબારી અને કાયદાથી પણ ઉપર પૃથ્વીના પ્રકૃતિના પાયાના સિદ્ધાંતો હોય. માનવને એને પડકારવાની સત્તા જ નથી અને પડકારે તો આફતો જ પેદા થાય. પરંતુ અગ્રેસરોની ‘પ્રકૃતિ’ જ એવી કે જૂની બાબતોમાંથી બોધપાઠ ન લે અને આગ લાગ્યા પછી કૂવો ખોદે. પ્રકૃતિના જાણકાર નિષ્ણાતોના અનુભવોને કોઈ કાળે નજર- અંદાજ ન કરી શકાય. હવે સૌએ એક્સપર્ટ ઓપીનિયન, ભૂસ્તરશાસ્ત્રીઓ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરો સહિત અન્યોના માર્ગદર્શન હેઠળ આયોજનો કરવાં રહ્યાં. ખાસ કરીને સંવેદનશીલ પહાડી વિસ્તાર જ્યાં ગ્રેવીટી ખૂબ વધુ હોય ત્યાં તો જરા પણ બાંધછોડ ન ચાલે. માત્ર વિકાસ માટે સૃષ્ટિનો વિનાશ કરવો મોંઘો સોદો કહેવાશે. કુદરત સામે માનવી વામન છે અને રહેશે, એ જ વાસ્તવિકતા સ્વીકારીને કુદરતી પરિબળો સામે ચેડાં ન થાય એવો પદાર્થપાઠ સૌએ લેવો રહ્યો.
 
 
 
 

મુકેશ શાહ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

  • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
  • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.