વામણી વિભાજન-વૃત્તિ ભારતના ગૌરવશાળી ઈતિહાસને વિકૃત કરી રહી છે ત્યારે.. શું તૂટી રહ્યું છે ભારત, વટમાં છે વામપંથ !

આજે ચારે કોર રાષ્ટીયત્વનો વિરોધ, સભ્યતા-સંસ્કાર-સંસ્કૃતિનો વિરોધ, માનવીય મૂલ્યોનો વિરોધ -આવા બધા વિરોધોની પ્રબળતા એ વામપંથની આક્રમકતાને છતી કરે છે. હિન્દુસ્થાન સાવધાન.

    ૨૪-જાન્યુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

CMP india
 
 
વૈશ્વિક સાંઠગાંઠથી વામપંથીઓએ, આર્યો બહારના હોવાની ઉપજાવી કાઢેલી સરાસર અસત્ય થિયરી થકી ઉત્તર ભારત - દક્ષિણ ભારતને આર્યો-દ્રવિડોના નામે જાતિગત ટૂકડાઓમાં વિભાજિત કરનારી સાજિશ રચેલી છે. આ સાજિસમાં સક્રિય ભૂમિકા ભજવનાર તથાકથિત ઉદારમતવાદીઓ - સ્કોલર્સની આખે આખી વિશ્વપ્રસિદ્ધ જમાત છે, જેમાં સંડોવાયેલ એક નિરંકુશ માર્થા નસબૌમ, જેની માનસિકતાની, જેનાં કરતૂતોની વિગતો અગાઉ એક અંકના `અવલોકન'માં આવી. આવાં વિદેશી તત્ત્વો જે આ સાજિશનું એક પડખું છે, તો બીજું પડખું અહીં ભારતમાં સક્રિય હોવાનું જ. આ બીજા પડખે રહેલાં અગ્રિમ નામો એટલે રોમિલા થાપર, મીરાં નંદા, વિજય પ્રસાદ, અંગના ચેટર્જી વગેરે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો આ સાજિસમાં સહભાગી થયેલા અનેક પ્રકારના લોકોમાં `ઈતિહાસકાર' એ એક વક્રવિશિષ્ટ પ્રકાર છે. ભારતના આ વામપંથી ઇતિહાસકારો (ઈતિહાસપંથી વામકારો)એ પોતાનો વામ-વિચાર, ઈતિહાસના નામે પ્રસરાવ્યો, પોંખ્યો, થોપ્યો અને વાસ્તવિક ઈતિહાસને હડસેલી દીધો કે તહસનહસ કરી નાખ્યો. આ કૃત્યે ભારતના `સ્વ'નું હનન કર્યું. ભારતને પહોંચાડાયેલ આ નુકશાનની ભરપાઈ ક્યારેય થઈ શકે તેમ નથી. મબલખ વામપંથી પાક લણી લેવાની લ્હાયમાં ભારતની મનોભૂમિમાં વેરવામાં આવેલ `વિકૃત-ઈતિહાસ'રૂપી કૃત્રિમ રાસાયણિક ખાતરના ઝેરથી ભારતનું મનમસ્તિષ્ક હજુ અસરગ્રસ્ત છે.
 
ભારતના આવા વામપંથી વાંકદેખું ઈતિહાસકારોની આખી પલટણ છે.. બિપિન ચંદ્રા, એસ. ગોપાલ, ઇરફાન હબીબ, આર. એસ. શર્મા, ડી. એન. ઝા, સુરજ ભાણ, અખ્તર અલી અને આ સૌમાં પ્રથમ ગણાતું નામ એટલે રોમિલા થાપર.
રોમીલા થાપરના ઉલ્લેખવાળા એક નાના પ્રસંગ ઉપરથી આપણને આ વામપંથીઓના સત્તા પ્રત્યેના લગાવને, તેમની કથની-કરણીને, તેમની જીવનશૈલીને અને આ બધાંના આધારે તેમની માનસિકતાને ઓળખી શકીએ છીએ. આ રોમિલા થાપરનાં સગાં ભાભી તદ્કાલીન કમ્યુનિસ્ટ મહિલા કોમરેડ શ્રીમતી રાજ થાપરે `વામપંથી દંભ'ની પોતાની વ્યથા પોતાની ડાયરીમાં વિદારેલી છે. ડાયરીની આ વાતો અંતરંગ છે એટલે જીવંતતાની અનુભૂતિ થવી સહજ સ્વાભાવિક છે, જેમાં કમ્યુનિસ્ટ દુનિયાના ખટ્ટા-મીઠા-કડવા તમામ અનુભવોનું સંકલિત બયાન એમણે દર્જ કરેલું છે. જે ઓલ ધીઝ ઈયર્સના નામે પુસ્તકરૂપે પ્રકાશિત છે. તેમાં શ્રીમતી રાજ વર્ણવે છે કે, જ્યારે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બનશે તેવું નિશ્ચિત થયું હોવાની જાણકારી મળી તો પોતાની નણંદ રોમિલા થાપર (ઇતિહાસકાર)ની સાથે બ્રાન્ડીની પુરી બોટલ ખાલી કરીને તેનો ઉત્સવ ઉજવ્યો હતો. આ શું સૂચવે છે? ભારતમાં ઇતિહાસલેખન સ્પષ્ટપણે એક રાજનૈતિક વ્યવસ્થાનું ભાગ બની ગયેલું. તેઓ નિરંતર તેમના એજન્ડા સાથે જ ઇતિહાસ લખી રહ્યાં હતાં. પ્રાચીન ભારત એક અંધકાર યુગ હતો અને બ્રિટિશ કાળમાં જ જ્ઞાનોદય થયો હોવાનો જાલી વિમર્શ ઉભો કરીને, ભારતના `સ્વ'ને, ભારતના ગૌરવશાળી હિન્દુ-ભૂતકાળને કપોળકલ્પિત કહીને બદનામ કરવો એ એમની પાખંડી પ્રવૃત્તિ બની ગઈ હતી.
 
શાળા સ્તરથી લઈને કૉલેજ સુધીના ઇતિહાસવિષયક મુદ્દાઓને, ઈતિહાસનાં પુસ્તકો મારફતે આપણા પ્રાચીન રાષ્ટના ગૌરવશાળી અતિતને વિકૃત કરવાની હોડ જાગી. વામપંથમાં લીપ્ત આ ઇતિહાસકારોએ દેશની નવી પેઢીઓના વિદ્યાર્થીઓ બાળકો-યુવકોને રાષ્ટના નાયકોથી અલગ કરવાનો એક પણ મોકો જતો ન કર્યો. એન.સી.આર.ટી.નો પાઠ્યક્રમ તેઓની આ મુરાદનો વિશેષરૂપે ભોગ બન્યો.
 
સમગ્ર ભારતીય સભ્યતા અને આજનું સમગ્ર ભારત રાષ્ટ, એ વર્ચસ્વ ધરાવનારા સ્થાનિક સમાજનું એક દમનકારી સાધન છે, જેનું ખંડન કરી નાખવું આવશ્યક છે. આવું કહેનાર ભારત-ખંડનનાં મસિહા એવાં રોમિલા થાપર રાજકીય કૃપાદ્રષ્ટિથી પ્રાચીન ભારતનાં ઇતિહાસનાં વિશેષજ્ઞ કહેવાયાં. એમના રાજકીય આકાઓ અને તથાકથિત વામપંથી ઉદારમતવાદીઓએ સતત તેમનું મહિમામંડન કરીને તેમની અવિરત પ્રશંસા કરીને એમને એવડાં તો મોટાં બનાવ્યાં કે, તેઓ `ચોર કોટવાળને દંડે' એ રીતે રાષ્ટભક્તો પર આક્ષેપો કરતાં પણ લજવાયાં નહીં. તેઓ આર્યોને બહારથી આવ્યા હોવાનું ઠેરવીને જાતિવાદની મનઘડંત થિયરીનો આધાર લઈને પોતાની જાતને બ્રિટિશ જેવાં ઓળખાવીને, સમાજમાં તેમની સર્વોપરિતા સ્થાપવામાં બેતાજ રહ્યાં, એટલું જ નહીં એમણે તો દેશ-વિદેશનાં સૌને એક રાષ્ટ તરીકે ભારતના અસ્તિત્વ ઉપર જ પ્રશ્નો ખડા કરતાં કરી દીધાં.
રોમિલા થાપર ભારતના ભાગલા માટે સમાજનાં કેટલાંક જૂથોને નીચલા સ્તરનાં ગણાવીને તે જૂથો પોતાની ઓળખ અલગ સ્થાપીને, અંતે આવાં જૂથો એકત્ર થઈને પોતાનો કટ્ટરતાવાદી અલગ પંથ સ્થાપિત કરવાનું મન બનાવી દે; એ પ્રકારનો વિમર્શ (પોતાના મનઘડંત ઈતિહાસ મારફતે) ઉભો કરવામાં સફળ છે. આ વિમર્શની સફળતાનું જીવતું જાગતું ઉદાહરણ એટલે દક્ષિણ ભારતની દ્રવિડિયન ચળવળ. આ વિમર્શની તર્જ પર રોમિલા થાપરનાં લખાણને ટાંકીને છેક કેમ્બ્રિજના જેસ્યુટ થિયોલૉજિઅન માઈકલ બાર્ન્સ એમના વિમર્શની વકીલાત કરે, એટલું જ નહીં, હદ તો ત્યારે થાય જ્યારે એ કેમ્બ્રિજવાસી મહાનુભાવ રોમિલા થાપરના શબ્દોને સત્યવચન માનીને ચર્ચને પણ અનુરોધ કરે કે, ભારતમાં આવી દ્રવિડિયન ચળવળ જેવી ચળવળો ચલાવનાર બળવાખોરોને ચર્ચ પોતાનું સમર્થન આપે! આનાથી ચર્ચો સક્રિય બને છે, કન્વર્ઝનની ઘટનાઓને અંજામ આપે છે, અપ્રત્યક્ષપણે ભારત દ્રોહીઓની સંખ્યા વધે છે, બસ આમ જ ભારત નબળું પડી રહ્યું છે. જુઓ; રોમિલા થાપરનાં લખાણોનો ઉપયોગ કેવા શક્તિશાળી હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે!
 
આવું અન્ય એક ઉદાહરણ.. વિસ્કોન્સિન વિશ્વવિદ્યાલયના દક્ષિણ એશિયા અભ્યાસના પ્રાધ્યાપક રૉબર્ટ એરિક ફ્રાઈકેનબર્ગ છે, જેમણે અમેરિકન ઍકેડેમી ઓફ આર્ટસ એન્ડ સાયન્સિસના માધ્યમથી હિંદુ ફંડામેન્ટાલિઝમ એન્ડ ધ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ઓફ ઇન્ડિયા શીર્ષક હેઠળ એક પેપર પ્રસ્તુત કર્યું. તેમાં તેઓ વર્ણવે છે કે, ભારત અને હિન્દુત્વ એ બ્રિટિશ કંપનીની રાજનીતિઓની અધિકૃત આડપેદાશ જ છે. તેઓ આગળ કહે છે કે, ભારતમાં કોઈ પણ પ્રકારનું હિન્દુત્વ (બ્રિટિશ રાજ) પહેલાં હતું. એમાં કોઈ તથ્ય નથી. તેઓ પણ રોમિલા થાપરને એક અધિકૃત સ્ત્રોત તરીકે ટાંકે છે અને કહે છે કે, પ્રાચીન ભારતીયો માત્ર જુદા જુદા પંથ અને સંપ્રદાયને અનુસરતા સમુદાયો જ હતા. આમ યુરોપિયનોના વિજય અગાઉ ભારતીયો અન્ય ત્રીજી દુનિયાના સમાજની જેમ જ છુટાછવાયા જુદા જુદા સમુદાયો માત્ર હતા. ઈરાદાપૂર્વક કેળવાયેલી આ આ વિકૃત દ્રષ્ટિથી એ વિમર્શ ઉભો થયો કે, અદ્યતન હિંદુત્વ એ તો શાસન દ્વારા કૃત્રિમ રીતે રચાયેલી એક કલ્પના માત્ર છે. અને આ કૃત્રિમતાને હટાવવા અલગાવવાદની ચળવળ મારફતે હિંદુત્વનું વિખંડન કરીને તેને પુનઃ મૂળ સમુદાયોમાં વિભાજિત કરવું આવશ્યક છે. આ વિમર્શનાં કુપરિણામો આપણને આજે ઠેરઠેર જોવા મળી રહ્યાં છે.
 
રોમિલા થાપર ઘણી હિન્દુ દંતકથાઓનું અને પરંપરાઓનું વિશ્લેષણ કબિલા વિગ્રહના પરિપ્રેક્ષ્યમાં કરે છે. હિન્દુ આધ્યાત્મિક અનુભૂતિઓને તર્કહીન હોવાનું પણ વર્ણવે છે. આ બહેન વિદ્વતાની આડમાં સંપૂર્ણ ભારતીય પરંપરામાં રેસ આધારિત ધૃણાના અસ્તિત્વના કપોળ-કલ્પિત તર્કહીન કથાનકને વહેતું મૂકવામાં માહેર છે. તે એવું તૂત વહેતું મૂકે છે કે, વિદેશથી આવેલા આક્રમણકારી આર્યોનો, `રાક્ષસ, પ્રેત, દૈત્ય, દાનવો અને અનેક પ્રકારનાં ભૂત ઇત્યાદીનો સંદર્ભ' આ મૂળ નિવાસીઓ પ્રત્યેનો હતો. આ જ કથાનકને આજે મધ્ય ભારતમાં કાર્યરત માઓઈસ્ટ બળવાખોરો સ્થાનિક આદિવાસીઓમાં નફરત ફેલાવતાં કહી રહ્યા છે કે, હિન્દુઓના સાહિત્યમાં જે દાનવોનો સંદર્ભ છે એ તમારો જ છે. આ વિષાક્ત વિષમતા દેશને ક્યાં લઈ જશે?
દક્ષિણ ભારતમાં સેન્ટ થોમસની અને એમના બલિદાનની દંતકથાને આ બહેન વિશ્વસનીય માને છે. તેઓ ઈસુના અસ્તિત્વને પણ સ્વીકારે છે, પરંતુ રામના ઐતિહાસિક અસ્તિત્વને નકારે છે.
 
૨૦૦૩માં અમેરિકામાં કોંગ્રેસની લાઈબ્રેરીમાં દક્ષિણના દેશો અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતી ક્લ્યુજ ચૅર માટે એમની નિયુક્તિ કરવામાં આવી હતી. આ કોંગ્રેસે જે પ્રેસ રિલીઝ કરી એમાં જણાવ્યું કે, તેણીએ એક નવી અને અનેક માન્યતાઓને સમાવતી દૃષ્ટિથી ભારતીય સભ્યતાની પ્રસ્તુતિ કરી છે. ૨૦૦૮માં ખૂબ જ પ્રસન્નતાથી એમણે દસ લાખ ડોલર્સનું ક્લ્યુજ (અંદાજે તે સમયે રૂપિયા પાંચ કરોડ) પારિતોષિક સ્વીકાર્યું. જ્યારે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા પદ્મભૂષણનો બે વખત અસ્વીકાર કર્યો હતો. એનું કારણ એ હતું કે, તેઓ બતાવવા માંગતા હતાં કે, તેઓ કોઈ એક રાજકીય પક્ષની તરફેણમાં નથી. જો કે આ બાબતો તો જગજાહેર છે કે, ક્લ્યુજ પારિતોષિક મોટે ભાગે ઈવાંજેલિકલ્સ ઈસાઈને જ અપાય છે. આ ઇવાંજેલિકલ એટલે એવા લોકો કે જેમની માન્યતા છે કે બ્રિટિશ શાસક ભારતમાં ઇસાઇયતનો પ્રચાર-પ્રસાર (કન્વર્ઝન) કરીને દૈવી વિધાનને સાકાર કરી રહ્યાં છે. ક્લ્યુજ પારિતોષિક મેળવનાર વિદ્વાનોને વોશિંગ્ટન આવીને સંશોધન કરવાનો અને `નીતિના ઘડવૈયાઓ સાથે અરસપરસ વાતચીત' કરવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે.
 
ક્લ્યુજ પારિતોષિકનાં ધોરણોમાં આ ઉડીને આંખે વળગે એવો ઈસાઈ તરફી પૂર્વગ્રહ હોવા છતાં આ વામપંથી ઇતિહાસકારની પારિતોષિક માટે જે પસંદગી થઈ એ આશ્ચર્ય નથી પમાડતી? વળી આ વિસંગતિ વધુ સ્પષ્ટ તો ત્યારે બને છે જ્યારે એમનો સહ-વિજેતા પીટર આર. એલ. બ્રાઉન રોમિલા થાપરથી બરાબર વિરુદ્ધ પ્રકારનું કાર્ય સંપન્ન કરવા બદલ આ પારિતોષિક મેળવે છે. પીટર આર. એલ. બ્રાઉને ઇસાઈ પંથની શરૂઆતના સમયખંડમાં જે મોનાસ્ટીસિઝમ (ઈસાઈ મઠોનું પ્રચલન) પ્રચલિત હતું એ વિશેની હકારાત્મક છબી પ્રસ્તુત કરેલી, જે હિન્દુત્વની આધ્યાત્મિક સંસ્કૃતિ સમાન હતી, જેને રોમીલા થાપરે નકારાત્મક પલાયનવાદ તરીકે વખોડી હતી. આ શું દર્શાવે છે? વામપંથીઓની વામણી વૃત્તિએ ભારતને બદનામ કરવા કેવાં કેવાં કારસ્તાન રચ્યાં છે?
 
`વૈમનસ્ય' ને `વામપંથ' એ નકલી સિક્કાની બે બાજુઓ છે. મારકાપવાળા મોરચેથી વાવટો સંકેલીને નર્વ્સયુદ્ધ, ગૃહયુદ્ધ છેડવાના છેલ્લા મુકામ તરફ વામપંથ ગતિમાન છે. તે સુસજ્જ છે.. `વિરોધ'ના વેપનથી, ઈતિહાસના વિકૃતિકરણથી (સો વાર બોલવાથી સત્યમાં પરિવર્તિત થતા અસત્યથી), નીતિના નામે રાષ્ટને અનૈતિકતાની ખીણમાં ખાબકી દેવાની કુનીતિથી. આજે ચારે કોર રાષ્ટીયત્વનો વિરોધ, સભ્યતા-સંસ્કાર-સંસ્કૃતિનો વિરોધ, માનવીય મૂલ્યોનો વિરોધ -આવા બધા વિરોધોની પ્રબળતા એ વામપંથની આક્રમકતાને છતી કરે છે. હિન્દુસ્થાન સાવધાન.
 
સંદર્ભ :- નેશનલ બેસ્ટ સેલર ઇન ઇંગ્લિશ એડિશન તરીકે ખ્યાતિપ્રાપ્ત, શ્રી રાજીવ મલ્હોત્રા અને શ્રી અરવિન્દન નીલકન્દન લિખિત પુસ્તક બ્રેકિંગ ઇન્ડિયા
 
(ક્રમશઃ)
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.