પ્રજાસત્તાકદિને વિશેષ - ૨૬મી જાન્યુઆરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

હવે પ્રશ્ન એ થાય છે કે ૨૬ જાન્યુ. ૧૯૩૦ના દિવસે સંઘ ક્યાં હતો ? ૨૬ જાન્યુ. ૧૯૫૦ના દિવસે સંઘ ક્યાં હતો ? પ્રસ્તુત લેખમાં સંઘ પાસેથી પ્રાપ્ત દસ્તાવેજી પ્રમાણો તથા મરાઠી દૈનિક ‘કેસરી’માં પ્રકાશિત સમાચારોને આધારે પ્રખ્યાત ચતક અને લેખક ડૉ. શ્રીરંગ ગોડબોલે દ્વારા આ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.

    ૨૫-જાન્યુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

indian freedom movement and RSS
 

 

ભારતમાં પ્રત્યેક વર્ષે ૨૬મી જાન્યુઆરીનો દિવસ ‘ગણતંત્ર દિન’ તરીકે ઊજવાય છે, પરંતુ બહુ ઓછા લોકો એ સત્યને જાણે છે કે વર્ષ ૧૯૩૦થી ૧૯૪૭નાં વર્ષોમાં આ દિવસ ‘સ્વાતંત્ર્ય દિન’ તરીકે ઊજવાતો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (એટલે કે ‘સંઘ’)ના ટીકાકારો કહેતા હોય છે કે સંઘ ગણતંત્ર દિનની ઉજવણીથી દૂર રહે છે. ૨૬ જાન્યુ. ૧૯૩૦નો દિવસ સૌપ્રથમ વાર ‘પૂર્ણ સ્વરાજ પ્રતિજ્ઞા દિન’ તરીકે ઉજવાયો હતો. ૧૯૫૦ પછી આ દિવસ ‘ગણતંત્ર દિન’ તરીકે ઊજવાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ૨૬ જાન્યુ. ૧૯૩૦ના દિવસે સંઘ ક્યાં હતો ? ૨૬ જાન્યુ. ૧૯૫૦ના દિવસે સંઘ ક્યાં હતો ? પ્રસ્તુત લેખમાં સંઘ પાસેથી પ્રાપ્ત દસ્તાવેજી પ્રમાણો તથા મરાઠી દૈનિક ‘કેસરી’માં પ્રકાશિત સમાચારોને આધારે પ્રખ્યાત ચતક અને લેખક ડૉ. શ્રીરંગ ગોડબોલે દ્વારા આ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.
 
૨૬મી જાન્યુઆરી ‘ગણતંત્ર દિન’ તરીકે કેમ ઉજવાય છે ?
 
‘ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ-૧૯૪૭’ અંતર્ગત ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે અખંડ ભારતનું ભારત તથા પાકિસ્તાન એ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું. કોન્સ્ટીટ્યુઅન્ટ એસેમ્બી ઇમ્પિરિયલ લેજીસ્લેટીવ કાઉન્સિલ પાસેથી વૈધાનિક કાર્યો હસ્તગત કર્યાં. આ સભાએ જ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે બંધારણના મુસદ્દાનો સ્વીકાર કર્યો. આ બંધારણના અમલનો દિવસ નિશ્ર્ચિત કરવાનો હતો. સ્વાભાવિક હતું કે વર્ષ ૧૯૫૦ના આરંભના દિવસોમાં જ તેના અમલનો આરંભ કરવામાં આવવાનો હતો. પરંતુ ૧ જાન્યુઆરીનો દિવસ નિશ્ર્ચિત થાય તો તે અંગ્રેજોની ગુલામી તરીકે ગણાય તેમ હતું. તો જાન્યુઆરીનો અંતિમ દિવસ અમલ માટે નિશ્ર્ચિત કરી શકાય તેમ ન હતો કેમ કે તેના આગળના દિવસે ગાંધીનિર્વાણ દિન હતો. પં. નહેરુના નેતૃત્વમાં કોંગ્રેસે અનાયાસે જ ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦ના દિવસને ‘પૂર્ણ સ્વરાજ દિન’ તરીકે ઘોષિત કર્યો હતો. (‘કેસરી’ ૨૭ જાન્યુઆરી, ૧૯૫૦) તેથી ૧૯૩૦નું વર્ષ તેને માટે એક સીમાચિહ્ન બની ગયું હતું. એ પૂર્વેના પાંચ દાયકાઓમાં સેંકડો નામી-અનામી ક્રાંતિકારીઓ અને તેમના પરિવારોને દેહાંત દંડ, કારાવાસ, તડીપારી તથા સંપત્તિની જપ્તિ જેવી આકરી શિક્ષા ભોગવવી પડી હતી. પરંતુ ક્રાંતિવીરોનાં આ બલિદાનોની અવગણના કરીને, કોંગ્રેસ માટે અને વિશેષ કરીને પં. નહેરુ માટે જે દિવસ મહત્વનો લાગ્યો તે દિવસ એટલે કે ૨૬ જાન્યુઆરીનો દિવસ ‘ગણતંત્ર દિન’ તરીકે અસ્તિત્વમાં આવ્યો.
 
આનંદ અને તિરસ્કાર
 
‘ગણતંત્ર દિન’ના આરંભ માટે ૨૬ અને ૨૭ જાન્યુ. એમ બે દિવસો ઉજવણી માટે નિર્ધારિત કરવામાં આવ્યા હતા. નૂતન ગણરાજ્યને વિવિધ રાજકીય વર્તુળો જુદા જુદા દૃષ્ટિકોણથી જોતા હતા. રાજકીય સત્તા માટે કોંગ્રેસ માટે આ દિવસ મહત્ત્વપૂર્ણ હતો. મહાત્મા ગાંધીજીની હત્યાના ઓથા હેઠળ પં. નહેરુ હિન્દુ જાગરણ ક્ષેત્રે કાર્યરત અખિલ ભારત હિન્દુ મહાસભાને કચડી નાંખવામાં વ્યસ્ત હતા. તેઓ એવા પૂર્વગ્રહમાં રાચતા હતા કે આ સંસ્થાઓની રાષ્ટ્ર નિર્માણમાં કોઈ ભૂમિકા ન હતી. પ્રખર હિન્દુ નેતા વિનાયક દામોદર સાવરકરને મહાત્મા ગાંધીહત્યા પ્રકરણમાં સંડોવીને કેસ કરવામાં આવ્યો હતો ને એક વર્ષ પૂર્વે જ કારાવાસમાંથી નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની ખોટી સંડોવણી થઈ હોવા છતાં સાવરકરજીએ કહ્યું કે, ‘આપણી માતૃભૂમિ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા રાખનારા સૌ કોઈએ અંગ્રેજોની ચુંગાલમાંથી આપણા દેશને મુક્તિના પ્રતીક સમાન આ દિવસની ઉજવણીમાં ઉમંગ અને ઉત્સાહથી સહભાગી થવું જોઈએ. આ પ્રસંગે પ્રાંતવાદ, વ્યક્તિ કે પક્ષાપક્ષીના ક્ષુલ્લક વિવાદોને કોરાણે મૂકીને ભારતમાતાના દિગ્વિજયની ઉજવણીના એકસમાન મંચ ઉપરથી આપણે સૌ એક બનીને આ દિવસની ઉજવણી કરીએ.’ (બોમ્બે ક્રોનિકલ, ૫ એપ્રિલ, ૧૯૫૦). વયોવૃદ્ધ સાવરકરજીએ રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્રપ્રસાદ સમક્ષ પોતાને સમર્પિત કર્યા હતા.
 
હિન્દુ મહાસભાના ઉપાધ્યક્ષ તથા પક્ષના સંસદીય દળના અધ્યક્ષ આશુતોષ લાહીરીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે આંદામાનમાં કાળાપાણીની કારાવાસની શિક્ષા થઈ હતી. ગણતંત્ર દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી થાય તે માટે તેમણે સક્રિય થઈને હિન્દુ સભાની સર્વ શાખાઓને ૨૬મી જાન્યુ.ની ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યું હતું (‘કેસરી’, ૨૪ જાન્યુ. ૧૯૫૦) એટલું જ નહીં, ૨૭મી જાન્યુ.એ મુંબઈમાં યોજાયેલી મહાસભાની કાર્યકારિણીએ ભારતીય ગણતંત્રને આવકારતો પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો (‘કેસરી’ ૩૧ જાન્યુ. ૧૯૫૦).
 

indian freedom movement and RSS 
 
આમ, એક બાજુ આનંદનું વાતાવરણ હતું તો કેટલાક સમૂહોમાં નવા ગણતંત્રના ઉદ્ભવ અંગે તિરસ્કારની લાગણી પ્રવર્તતી હતી. સામ્યવાદીઓએ ૨૬મી જાન્યુ.ના દિવસે મુંબઈના કાલા ચોકી વિસ્તારમાં એક વિરોધ રેલી યોજી હતી. પોલીસે આ રેલીને અટકાવતા રેલીમાંથી પોલીસ ઉપર એસિડ બોમ્બ ઝીંકવામાં આવ્યા, જેમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર ઘવાયા હતા. ૫૫ જેટલા વામપંથીઓને પકડી લેવામાં આવ્યા હતા (‘કેસરી’, ૨૭ જાન્યુઆરી, ૧૯૫૦). સામ્યવાદીઓ મુંબઈના કોલાબા વિસ્તારમાં યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં ધસી ગયા અને ત્યાં ઉપસ્થિત જનસમુદાયને કાળા વાવટા ફરકાવવાનો આગ્રહ કર્યો હતો. પરિણામે ત્યાં સંઘર્ષ થયો હતો (‘કેસરી’, ૩૧ જાન્યુ. ૧૯૫૦). દૈનિક કેસરીના અહેવાલ પ્રમાણે, ફોરવર્ડ બ્લોક તથા કિસાન-કામગાર પક્ષ તથા અન્ય સંગઠનોનાં કાર્યાલયો ઉપર ૨૬મી જાન્યુ.ના દિવસે કાળા વાવટાઓ ફરકાવવાની ઘણી ઘટનાઓ બની હતી. મુંબઈ અને કોલકાટા જેવાં મહાનગરોમાં આ પર્વની ગરીમાને અપમાનિત કરવાના ઘૃણાસ્પદ પ્રયત્નો સામ્યવાદીઓએ કર્યા હતા. (‘કેસરી’ ૩ ફેબ્રુ. ૧૯૫૦).
 
ગણતંત્ર દિન નિમિત્તે મધ્ય પ્રાંતના કામટીમાં યોજાયેલી શોભાયાત્રાને એક મસ્જિદ પાસે કેટલાક લોકોએ એટલા માટે અટકાવી કે તેમાં સંગીત વાગતું હતું. રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્રપ્રસાદની તસવીર ઉપર પથ્થરો ફેંકાયા હતા. શોભાયાત્રામાં સંગીત બંધ થયું તે પછી જ શોભાયાત્રાને આગળ જવા દેવામાં આવી હતી. શોભાયાત્રામાંથી પરત ફરી રહેલા લોકો ઉપર ‘અહિન્દુ’ લોકોએ દંડાવાળી કરી હતી. સશસ્ત્ર સૈનિકોની ઉપસ્થિતિને કારણે ત્યાં રમખાણ થતાં અટક્યું હતું (‘કેસરી’, ૬ ફેબ્રુ. ૧૯૫૦).
‘કેસરી’ના ૨૪ જાન્યુ. ૧૯૫૦ના અંકમાં પ્રકાશિત ઘોષણા પ્રમાણે ‘કોંગ્રેસ સેવાદળ, સ્કાઉટ તથા રા. સ્વ. સંઘ સહિત અન્ય સંસ્થાના સ્વયંસેવકોએ ૨૬મી જાન્યુ.ના દિવસે પ્રભાતફેરી યોજી હતી. વિવિધ વિસ્તારોમાંથી નીકળનારી પ્રભાતફેરીઓ અંતે પૂણેના ઐતિહાસિક શનિવારવાડામાં એકત્ર થવાની હતી. ‘કેસરી’ના વૃત્તાંત પ્રમાણે કોંગ્રેસ સેવાદળ અને સમાજવાદી રાષ્ટ્ર સેવાદળના સ્વયંસેવકોના જેટલા જ ઉત્સાહથી રા. સ્વ. સંઘના સ્વયંસેવકોએ આ બે દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો (૨૭ જાન્યુ. ૧૯૫૦). આ પ્રસંગે રા. સ્વ. સંઘ દ્વારા મુંબઈમાં આયોજિત કાર્યક્રમ વિશે ‘કેસરી’એ નોંધ્યું હતું કે, ૨૬ જાન્યુ.ની પ્રભાતે મુંબઈની ચોપાટી ઉપર સંઘ દ્વારા ધ્વજવંદનનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સંઘના સ્વયંસેવકોનો ઉત્સાહ અને અનુશાસન સૈન્ય તથા પોલીસને પણ શરમાવે તેવાં હતાં.’ (૩૧ જાન્યુ. ૧૯૫૦).
 
‘સંપૂર્ણ સ્વરાજ’ માટેનો કોંગ્રેસનો ઉતાર-ચઢાવનો માર્ગ
 
કોંગ્રેસના મદ્રાસ અધિવેશનમાં ૨૭ ડિસે. ૧૯૨૭ના દિવસે પક્ષના મંત્રી પં. નહેરુએ ‘સ્વરાજ’નો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઠરાવમાં કહેવાયું હતું કે, ‘ભારતના લોકોના સંપૂર્ણ સ્વાતંત્ર્ય માટેનું લક્ષ્ય કોંગ્રેસ નિર્ધારિત કરે છે. (રિપોર્ટ ઓફ ધ ફોર્ટી સેકન્ડ ઇન્ડિયન નેશ. કોંગ્રેસ, પૃ. ૧૫)’. સ્વાતંત્ર્ય તથા બ્રિટિશ સામાનના બહિષ્કારના ઠરાવો મહાત્મા ગાંધીજીને રૂચ્યા ન હતા (ડી. જી. તેન્દુલકર, ‘લાઇફ ઓફ મોહનદાસ કરમચંદ ગાંધી’. ૧૯૫૧, વો.૨, પૃ. ૪૦૨). અત્યાર સુધી સંસ્થાનવાદીઓની છત્રછાયાયુક્ત સ્વરાજ એ કોંગ્રેસની નીતિ રહી હતી. મહાત્મા ગાંધીજીના સ્વાતંત્ર્ય વિષયક વિચારોને તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ મુખ્તાર અ. અન્સારીએ આ શબ્દોમાં પ્રગટ કર્યા હતા. શક્ય હોય તો સામ્રાજ્યની અંતર્ગત અને જો અનિવાર્ય હોય તો સામ્રાજ્ય વિના (Within the empire if possible, without if necessary)
 
કોંગ્રેસની આ નીતિ સામે વ્યાપક વિરોધ કોંગ્રસના કોલકાટા અધિવેશનમાં પ્રગટપણે બહાર આવ્યો. ૨૯ ડિસે., ૧૯૨૮થી ૧ જાન્યુ. ૧૯૨૯ના દિવસોમાં યોજાયેલા આ અધિવેશનમાં શ્રીનિવાસ આયંગર, પં. નહેરુ તથા નેતાજી સુભાષચંદ્ર બોઝે સંપૂર્ણ સ્વરાજ્યના વિચારનું સમર્થન કર્યું, જ્યારે મહાત્મા ગાંધી તથા નવનિયુક્ત અધ્યક્ષ મોતીલાલ નહેરુ બ્રિટિશ સામ્રાજ્યને આધીન સ્વરાજ્યના પક્ષધર હતા. એટલું જ નહીં, મોતીલાલે તો આવા પરાધીન સ્વરાજ્યને ધ્યાનમાં રાખીને ભારતના ભાવિ બંધારણ અંગેનો અહેવાલ પણ તૈયાર કર્યો હતો. તેમણે તો એ હદે ઘોષણા કરી હતી કે, ભાવિ બંધારણ વિશે તેમણે તૈયાર કરેલા અહેવાલને જો સર્વપક્ષીય સભામાં બહુમતી નહીં મળે તો તે કોંગ્રેસનું અધ્યક્ષસ્થાન પણ સ્વીકારશે નહીં. આ બે અંતિમો વચ્ચે મહાત્મા ગાંધીજીએ એક મધ્યમ માર્ગ કાઢ્યો કે ૩૧ ડિસે. ૧૯૩૦ની પૂર્વે એ અહેવાલનો સ્વીકાર ન થાય તો તેને કોંગ્રેસ સ્વીકારશે નહીં. તે જ પ્રમાણે જો બ્રિટિશ સંસદ પણ તેનો અસ્વીકાર કરશે તો કોંગ્રેસ તેના અહિંસક અસહકાર આંદોલનનો પુનઃ આરંભ કરશે (તેન્દુલકર, પૃ. ૪૩૯-૪૦).
 
મહાત્મા ગાંધીજીએ આપેલી સમયમર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે જ ૩૧ ઓક્ટો. ૧૯૨૯ના દિવસે વાઇસરોય ઇરવીને ઘોષણા કરી કે સૂચિત બંધારણની રૂપરેખામાં સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજની વિભાવના સમાવિષ્ટ છે. આ ઘોષણા પછી મહાત્મા ગાંધી, ઝીણા સહિત અન્ય નેતાઓને ઇરવીને જણાવ્યું હતું કે, ‘આ વિશે ગોળમેજી પરિષદમાં ચર્ચા થાય તે અંગે તે કોઈ પ્રકારની બાંયધરી આપતા નથી.’ આમ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજ માટે અંગ્રેજો પણ બહુ ઉત્સુક જણાતા ન હતા. અંગ્રેજોના આવા વલણથી અકળાયેલા મહાત્મા ગાંધીજી પૂર્ણ સ્વરાજના પ્રખર પક્ષધર બની ગયા. ડિસે. ૧૯૨૯માં લાહોરમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પં. નહેરુના અધ્યક્ષ પદે થયેલી વરણીથી સંપૂર્ણ સ્વરાજના વિચારને સમગ્ર દેશનું સમર્થન પ્રાપ્ત થયું. (આર. સી. મઝુમદાર, ‘હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા’, વો. ૩, પૃ. ૩૨૨, ૩૨૫).
 
લાહોર અધિવેશનમાં મહાત્મા ગાંધીજીએ ઘોષણા કરી કે કોંગ્રેસના બંધારણના પ્રથમ આર્ટિકલમાં વપરાયેલા શબ્દ ‘સ્વરાજ’નો અર્થ ‘સંપૂર્ણ સ્વરાજ’ એ જ થાય છે, તેથી મોતીલાલ નહેરુએ તૈયાર કરેલા બંધારણનો અહેવાલ હવે રદ થાય છે. આ સાથે તેમણે સૌ કોંગ્રેસીઓને સંપૂર્ણ સ્વરાજ માટે કમર કસવાનું આહ્વાન કર્યું હતું. (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, રિપોર્ટ ઓફ ૪૪, એન્યુઅલ સેશન, લાહોર, પૃ. ૮૮)
 
રાષ્ટ્ર સમક્ષ સ્વાતંત્ર્યની સંકલ્પના પ્રસ્તુત કરવા માટે કોંગ્રેસ કાર્યકારિણીએ ૨ જાન્યુ. ૧૯૩૦ના દિવસે. ૨૬મી જાન્યુ.ના દિવસને ‘પૂર્ણ સ્વરાજ દિન’ તરીકે ઉજવવાનું નિશ્ર્ચિત કર્યું. આ અંગેના મહાત્મા ગાંધીએ તૈયાર કરેલા મુસદ્દાને કાર્યકારિણીએ સ્વીકાર્યો હતો અને એ મુસદ્દાનું વાચન આ પ્રસંગે દેશભરમાં કરવાનું તથા ઉપસ્થિત લોકો હાથ ઊંચો કરીને તેનું સમર્થન કરે તેવું નક્કી થયું (મઝુમદાર, પૃ. ૩૩૧).
 
તેથી આ સમગ્ર ઘટનાક્રમમાં સંઘ ક્યાં હતો તેની વિષદ છણાવટ આવશ્યક થઈ પડે છે.
 
સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજ માટે કોંગ્રેસે વર્ષો સુધી કરેલી વિનવણીઓ અને રજૂઆતોની નિષ્ફળતા પછી અંતે કોંગ્રેસે ડિસે. ૧૯૨૯ના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજના વિચારનો સ્વીકાર કરીને ૨૬ જાન્યુ. ૧૯૩૦ના દિવસને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઊજવવાનું ઠરાવ્યું. આ સ્વપ્ન સેવનારા સૌ દેશભક્તોમાં આ સમાચારથી અત્યંત ઉત્સાહ વ્યાપી ગયો હતો. આ દેશભક્તોમાં એક હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર.
 
સંઘનો ૨૬ જાન્યુઆરી સાથેનો અતૂટ સંબંધ
 
ડૉ. હેડગેવાર તો આરંભકાળથી જ પૂર્ણ સ્વરાજના પક્ષધર હતા. આ વર્ષોમાં તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હિન્દુ મહાસભા તથા કોંગ્રેસમાં સક્રિય રહીને સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. આ પછી તેઓ એવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે હિન્દુ સંગઠન દ્વારા જ રાષ્ટનિર્માણનું કાર્ય સિદ્ધ થઈ શકે. આ નિષ્કર્ષની સિદ્ધિ માટે ડૉ. હેડગેવારે ૧૯૨૫માં રા. સ્વ. સંઘની સ્થાપના કરી, તેથી જ્યારે સંપૂર્ણ સ્વરાજની કોંગ્રેસે ઘોષણા કરી ત્યારે તેમની પ્રસન્નતાનો પાર ન હતો. તેમણે તરત જ સૌ સ્વયંસેવકોને સંપૂર્ણ સ્વરાજ દિનની રાષ્ટીય ઉજવણીમાં સહભાગી સંસ્થા થવાનું આહ્વાન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે સંઘ એ સંપૂર્ણ હિન્દુ સમાજનું સંગઠન છે, નહીં કે હિન્દુ સમાજમાંનું એક સંગઠન. આથી જ કોઈપણ રાષ્ટીય પ્રવૃત્તિઓમાં સ્વયંસેવકો જોડાય તે જોવા તે સદા તત્પર રહેતા અને પૂર્ણ સ્વરાજ દિનની ઉજવણી પ્રસંગે પણ તેમની એ તત્પરતા અને ઉત્સાહ પ્રગટ થયાં હતાં. જો કે આ પ્રસંગે તેમણે આ અંગે સંઘે રાખવાની સાવધાનીની પણ વાત કરી હતી.
 
સંઘના સૌ સ્વયંસેવકોને ઉદ્દેશીને ૨૧ જાન્યુ. ૧૯૩૦ના દિવસે લખેલા પત્રમાં ડૉ. હેડગેવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસે સ્વરાજને તેનું લક્ષ્ય બનાવ્યું છે અને ૨૬-૧-૩૦ના દિવસને સંપૂર્ણ સ્વરાજ દિન તરીકે દેશભરમાં ઊજવવાનું નિશ્ર્ચિત કર્યું છે. આમ આપણા સ્વાતંત્ર્યના લક્ષ્યને કોંગ્રેસે પણ અપનાવ્યું છે તેનો આપણને આનંદ થાય તે સ્વાભાવિક છે. આ ધ્યેય સાથે કાર્ય કરતા કોઈપણ સંગઠનને સહયોગ કરવો એ આપણું કર્તવ્ય છે. તેથી સંઘની પ્રત્યેક શાખાએ એ દિવસે સાંજે ૬ વાગે સંઘસ્થાન ઉપર રાષ્ટધ્વજ એટલે કે ‘ભગવા ધ્વજને વંદન’નો કાર્યક્રમ ગોઠવવાનો રહેશે. સ્વરાજની સંકલ્પના તથા સ્વરાજપ્રાપ્તિ. એ વિષયક સંઘના ઉદ્દેશ્યની છણાવટ કરતું એક વ્યાખ્યાન પણ ગોઠવવાનું રહેશે. કાર્યક્રમના અંતે સ્વરાજનો ધ્યેય સ્વીકારવા માટે કોંગ્રેસનો આભાર માનવાનો રહેશે (સંઘ આર્કાઇવ્ઝ, હેડગેવાર પેપર્સ, ૨૧ જાન્યુ, ૧૯૩૦).
 
પ્રત્યેક બાબતમાં ચીવટતાના આગ્રહી એવા ડૉ. હેડગેવારે આ પત્રના અંતે વિશેષ નોંધ મૂકીને થયેલા કાર્યક્રમોનું વૃત્ત તેમને તરત જ મોકલવાનું જણાવ્યું હતું.
 
ડૉ. સાહેબે મૂકેલી આ વિશેષ નોંધને કારણે જ સંઘના આર્કાઇવ્ઝમાં આ દિવસે થયેલા કાર્યક્રમોના દસ્તાવેજી પ્રમાણો ઉપલબ્ધ છે. આ દિવસો તો સંઘના આરંભકાળના દિવસો હતા અને તેનો વ્યાપ મધ્ય પ્રાંતના નાગપુર, ભંડારા, વર્ધા અને ચંદ્રપુર જેવા મરાઠીભાષી જિલ્લાઓ પૂરતો જ મર્યાદિત હતો. તો અમરાવતી, બુલઢાણા, અકોલા અને યવતમાળ જિલ્લાઓમાં તેનો વ્યાપ નગણ્ય હતો. આમ છતાં, ડૉક્ટર સાહેબે પત્ર લખીને સ્વયંસેવકોને આપેલી સૂચનાને કારણે આ બધા જ જિલ્લાઓમાં આવેલી સંઘની શાખાઓ દ્વારા સ્વરાજ દિનની ઉજવણી કરવામાં આવી હતી એટલું જ નહીં આ માટે કોંગ્રેસનો આભાર પણ માનવામાં આવ્યો હતો. નાગપુરમાં આ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નામાંકિત વકીલ વિશ્ર્વનાથ વિનાયક કેળકર હતા. ડૉ. હેડગેવાર, લક્ષ્મણ પરાંજપે (જેઓને ૧૯૩૦માં ડૉ. હેડગેવારજીના કારાવાસ સમયે સરસંઘચાલક પદ સોંપવામાં આવ્યું હતું), નવાથે, ભંડારાના સંઘચાલક એડવોકેટ દેવ, સાકોલીના સંઘચાલક એડવોકેટ પાઠક, સાવનેરના સંઘચાલક અંબોકર જેવા વરિષ્ઠોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં નારાયણ વૈદ્યનું ભાષણ થયું હતું.
 

indian freedom movement and RSS 
 
ચાંદા (ચંદ્રપુર)માં ૨૬ જાન્યુઆરીની ભવ્ય ઉજવણી
 
ચાંદામા સંઘ દ્વારા ૨૬ જાન્યુઆરીના રોજ યોજાયેલા ભવ્ય કાર્યક્રમની વિગતો ચાંદાના રામચંદ્ર દેશમુખ-તાત્યાજીએ ડૉ. હેડગેવારને ૨૯ જાન્યુ. ૧૯૩૦ના દિવસે લખેલા પત્રમાંથી પ્રાપ્ત થાય છે. (સંઘ આર્કાઇવ્ઝ, હેડગેવાર પેપર્સ, રજીસ્ટર-૩ DSC 0044, DSC-0045) આ પત્રમાં તાત્યાજી લખે છે -
 
અહીંની શાખાએ સ્વયંપ્રેરણાથી જ ‘સ્વરાજ દિન’ની ઉજવણીનું આયોજન ૨૬-૧-૧૯૩૦ના દિવસે કર્યું હતું. આપનો આ અંગેનો પત્ર તો અમને મોડેથી પ્રાપ્ત થયો હતો. આ દિવસે સ્વરાજ દિનની ઉજવણીમાં નીચે પ્રમાણેના કાર્યક્રમ યોજાયા હતા.
(૧) કોંગ્રેસની વિનંતીને સ્વીકારીને, સંઘના સ્વયંસેવકોનું સૈનિકી અનુશાસનયુક્ત પથસંચલન ગાંધી ચોકથી સવારે ૮.૪૫ વાગે નીકું હતું. પ્રથમ ત્રિરંગો ધ્વજ ફરકાવીને ધ્વજવંદન યોજાયું હતું. સંચલન સંઘસ્થાને પૂર્ણ થયું હતું, ત્યાં ભગવો ધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
 
(૨) સાંજે કોંગ્રેસ દ્વારા નીકળનારી શોભાયાત્રામાં સંઘને જોડાવાની કોંગ્રેસે વિનંતી કરી હતી, પરંતુ સંઘનો સાંજનો કાર્યક્રમ અગાઉથી જ નિશ્ર્ચિત થયો હોવાથી, સંઘના અધિકારીએ કોંગ્રેસના તાલુકા મંત્રીને તેમના કાર્યક્રમમાં જોડાવા અંગે અસમર્થતા જણાવી હતી.
 
(૩) ચાંદાના સંઘસ્થાન ઉપર સ્વરાજ દિનની ઉજવણીના કાર્યક્રમનો ૪.૩૦ વાગે આરંભ થયો. કેશવરાવ બોડકેએ દંડ, શસ્ત્રો તથા સમતાનું પ્રાત્યક્ષિક પ્રસ્તુત કર્યું હતું. તે પછી ઠરાવની છણાવટ એડવોકેટ દેશમુખે કરી હતી. ઠરાવનું એડવોકેટ ભાગવતે સમર્થન કર્યું હતું અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. બંને વક્તાઓએ સ્વરાજની સાર્થકતા માટે યુવાનોમાં અનુશાસન અને તીવ્ર ધ્યેયનિષ્ઠાની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો હતો અને સંઘ આ કાર્ય તેના આરંભકાળથી જ કરી રહ્યો છે તેવું પ્રતિપાદિત કર્યું હતું. કોંગ્રેસે અંગ્રેજો સમક્ષ વિનવણીઓ કરવાની નીતિને સ્થાને સ્વરાજને પોતાનું લક્ષ્ય બનાવ્યું તે માટે કોંગ્રેસને અભિનંદન આપીને બંને વક્તાઓએ સ્પષ્ટ કર્યું હતું કે સંપૂર્ણ સ્વરાજનું ધ્યેય તો સંઘે કોંગ્રેસથી પણ પહેલાં નિશ્ર્ચિત કર્યું હતું તેથી સંઘને કોંગ્રેસની નવી ભૂમિકામાં કંઈ વિશેષ જણાતું નથી, પરંતુ કોંગ્રેસે લીધેલી આ નવી ભૂમિકા માટે સંઘને આનંદ થાય છે. કાર્યક્રમને અંતે સંઘની પ્રાર્થના થઈ હતી. સાંજે ૬ વાગે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કાર્યક્રમમાં ૧૧૦ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પસાર કરવામાં આવેલો ઠરાવ નીચે પ્રમાણે હતો.
 
સ્વરાજ્યનું ધ્યેય સ્વીકારવા માટે કોંગ્રેસને રા. સ્વ. સંઘ અભિનંદન પાઠવે છે. સંઘ તેના અનુશાસનમાં રહીને કોંગ્રેસને સંપૂર્ણ સહકાર આપશે.
 
(નોંધ - આ વૃત્તમાં ઉલ્લેખિત એડવોકેટ ભાગવત એ સંઘના વર્તમાન સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના દાદા છે.)
ચાંદા-ચંદ્રપુરમાં સંઘે સ્વરાજ દિન નિમિત્તે ૨૬મી જાન્યુ. ૧૯૩૦ના દિવસે યોજેલા કાર્યક્રમ ઉપરાંત અકોલા, આર્વી, ભંડારા, ચતાપર, બ્રહ્મપુરી, ચિમુર, હિંગણઘાટ, લાડકી, પવનાર, સેલુ, વર્ધામાં થયેલા કાર્યક્રમોની વિગતો સંઘના આર્કાઇવ્ઝમાંથી પ્રાપ્ત થાય છે. આ સિવાય પણ અનેક સ્થાનોએ રા. સ્વ. સંઘ દ્વારા ૨૬ જાન્યુ. ૧૯૩૦ના દિવસે કાર્યક્રમો યોજાયા હતા. પરંતુ તેની વિગતો આર્કાઇવ્ઝમાં નથી. તેથી સંઘને ૨૬ જાન્યુ. સાથે કોઈ સંબંધ નથી. તેમ કહેનારા સંઘના ટીકાકારોને એટલું જ કહેવાનું કે ૨૬ જાન્યુ. સાથે સંઘનો નાતો તો છેક ૨૬ જાન્યુ. ૧૯૩૦ના દિવસથી જોડાયેલો છે.
 
***
 
( લેખક - ડૉ. શ્રીરંગ ગોડબોલેએ ઇસ્લામ, ખ્રિસ્તીપંથ, સાંપ્રત બૌદ્ધ-મુસ્લિમ સંબંધો તથા રીલીજીયસ ડેમોગ્રાફી ઉપર પુસ્તકો લખ્યાં છે. ઉપરાંત, ડૉ. હેડગેવાર, બાળાસાહેબ દેવરસ તથા સંઘના ઇતિહાસવિષયક ગ્રંથોનું સંપાદન કર્યું છે. )