“પગપાળાં” રંગબેરંગી દરિયાઇ જીવોને જોવા છે? તો ગુજરાતના આ સ્થળે ચોક્કસ જજો

Pirotan Tapu | Narara Beach | જામનગરની નજીક અને કચ્છના અખાતમાં આવેલા પિરોટન અને નરારા ટાપુ એ અલભ્ય અને સમૃદ્ધ દરિયાઇ જીવસૃષ્ટિનો ખજાનો છે

    ૨૮-જાન્યુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

Pirotan Tapu
 

Pirotan Tapu | Narara Beach | અહીં કરચલાની વિવિધ જાતો, દરિયાઇ વીંછી, દરિયાઇ સાપ, દરિયાઇ અળસિયા, ખૂંધવાળી ભારતીય ડોલ્ફિન, જીંગા, ઓક્ટોપસ, દરિયાઇ કીડા, 108 જાતની લીલ, 80 જાતની દરિયાઇ વાદળી, દરિયાઇ ગોકળ ગાય, દરિયાઇ ફૂલ, જેલી- કાલુ- ઢોંગી માછલી જેવી માછલીની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે

 
ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’માં સ્કૂબા ડાઇવિંગ દ્વારા દરિયાઇ જીવસૃષ્ટિને નિહાળવાના અનુભવને ફિલ્મી પડદે તાદ્રશ્ય કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિક જિંદગીમાં આ દરિયાઇ જીવ સૃષ્ટિના – એક અલગ જ વિશ્વને નરીઆંખે પગપાળા નિહાળવાની મજા લેવી હોય તો તેના માટે આંદમાન નિકોબાર ટાપુ કે વિદેશ જવાની જરૃર નથી. ગુજરાતના દરિયાકાંઠે- કચ્છના અખાતમાં જ અજોડ અને અલભ્ય એવા દરિયાઇ જીવોને ડુબકી માર્યા વિના નરી આંખે નિહાળી શકાય છે, તેના માટે સ્કૂબા ડાઇવિંગની જરૃર નથી. ગુજરાતના જામનગર પાસે આવેલ પીરોટન અને નરારા ટાપુ આવા જ અલભ્ય અને સમૃદ્ધ દરિયાઇ જીવસૃષ્ટિનો ખજાનો છે.
 
ગુજરાતનો દરિયાકિનારો દેશમાં સૌથી મોટો છે, એમાં પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જૈવ વૈવિધ્યતા માટે ખાસ વિશિષ્ટતા ધરાવે છે. અહીં રહેલી વાતાવરણની અનુકૂળતા અને ભૌગોલિક વિવિધતાના કારણે દરિયાઇ જીવસૃષ્ટિ, પરવાળા અને ચેરના જંગલોની વિશાળ શ્રેણી જોવા મળે છે. આ બંને જિલ્લાઓમાં ફેલાયેલા મરીન નેશનલ પાર્કમાં આવેલા પીરોટન, નરારા, કાલુભાર, ભૈદર, ચાંક, અજાડ ટાપુઓ પર અલભ્ય અને લુપ્ત થતી દરિયાઇ જીવસૃષ્ટિ જોવા મળશે.
 

Pirotan Tapu 
 
પિરોટન ટાપુ | Pirotan Island
 
પુરાતન શબ્દ પરથી અપભ્રંશ થઇને પિરોટન નામ પડ્યું હોવાનું મનાય છે, તો અન્ય એક મત પ્રમાણે અહીં આવેલ પીરની દરગાહ પરથી પિરોટન નામ આવ્યું હોવાનું મનાય છે.
 
જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલ પિરોટન ટાપુમાં અદ્ભુત દરિયાઇ જીવોના સામ્રાજ્ય સાથે મેન્ગ્રોવના જંગલ તથા દીવાદાંડી જોવા લાયક છે. ભયગ્રસ્ત શ્રેણીમાં આવતા પરવાળાના ખડકો ભારતમાં મુખ્ય ચાર જગ્યાએ જોવા મળે છે, આ ચાર જગ્યાઓમાં દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવિષ્ટ પિરોટન ટાપુ પણ અલભ્ય પરવાળાની પ્રજાતિઓ ધરાવે છે.
 

Pirotan Tapu 
 
કેવી રીતે પહોંચશો | How to Reach Pirotan Island
 
જામનગરના બેડીબંદરથી અંદાજે 22 નોટિકલ માઇલના અંતરે પિરોટન ટાપુ આવેલો છે. અહીં જવા માટે સિક્કા, રોઝીબંદર, નવા બંદર, બેડીબંદરથી યાંત્રિક બોટ ભાડે લેવી પડે છે. જોકે, બેડી બંદર અથવા નવા બંદરથી પીરોટન જવા માટે જળમાર્ગ વધુ સુગમ રહે છે. દરિયામાં જ્યારે ભરતીનો સમય હોય ત્યારે અહીં નોંધાયેલી યાંત્રિક બોટ મારફતે જઇ શકાય છે.
 
નરારા ટાપુ | Narara Tapu
 
જામનગરથી માત્ર 62 કિલોમીટરના અંતરે આવેલો આ ટાપુ પર નાના દરિયાઇ જીવથી લઇ મોટા દરિયાઇ સસ્તન પ્રાણીઓ પણ જોવા મળશે.
 
કેવી રીતે પહોંચશો | How to Reach Narara Island
 
આ ટાપુ ખંભાળિયા- જામનગર હાઇવે પર આવેલો છે તેમજ વાડિનારથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલો છે. અહીં જવા માટે સ્થાનિક વાહન વ્યવહારની મદદ લેવી પડે છે. ઉલ્લેખનીય છે કે આ એકમાત્ર ટાપુ છે જ્યાં બોટની જગ્યાએ વાહન દ્વારા જઇ શકાય છે.
 
પિરોટન અને નરારા ટાપુ પર કયા દરિયાઇ જીવો જોવા મળશે
 
પ્રવાસીઓને અહીં ક્રિકની બંને બાજુ સાગર તટના સેનાની ગણાતા ચેરના જંગલો જોવા મળશે. આ સાથે કરચલાની વિવિધ જાતો જેમ કે નેપ્ચુન, વરૃ, રાજા, હરમીટ, ભૂત કરચલો જોવા મળે છે. તો દરિયાઇ વીંછી, દરિયાઇ સાપ, તારા માછલી, દરિયાઇ અળસિયા, ખૂંધવાળી ભારતીય ડોલ્ફિન, જીંગા, ઓક્ટોપસ, દરિયાઇ કીડા, 108 જાતની લીલ, 80 જાતની દરિયાઇ વાદળી, દરિયાઇ ગોકળ ગાય, દરિયાઇ ફૂલ, જેલી- કાલુ- ઢોંગી માછલી જેવી માછલીની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
વળી અહીં વિવિધ જાતના પક્ષી દર્શનનો પણ લહાવો મળશે. જેમી ધોમડા, બતકો, પેણ, ફ્લેમિંગો સહિતના પક્ષી જોવા મળશે.
 
કઇ ઋતુમાં જવું બેસ્ટ | Best time to visit pirotan island
 
આ ટાપુઓની મુલાકાત માટે શિયાળાનો સમય પ્રવાસીઓ માટે સાનુકૂળ રહે છે.
અહીં સ્થિત મરિન બ્રહ્માંડ વિશે જાણવા જેવું
 
નરારા અને પિરોટન ટાપુ પર ગીચ અને મોટા વિસ્તારમાં ફેલાયેલા આ ચેરના વનએ વિનાશક વાવાઝોડા, સુનામી અને વિષમ પરિસ્થિતિઓ સામે સાગરતટને રક્ષણ આપે છે.
 

Pirotan Tapu 
 
પરવાળા વિશે
 
કચ્છના અખાતના દક્ષિણ ભાગમાં આવેલા દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જુદા જુદા 42 ટાપુઓ આવેલા છે, જેમાં કુલ 32 ટાપુઓ પર પરવાળાનું અસ્તિત્વ જોવા મળે છે. જેમાં પિરોટન અને નરારા ટાપુનો સમાવેશ થાય છે. અહીં સખત પરવાળાઓની કુલ 49 પ્રજાતિઓ જોવા મળે છે. ભયગ્રસ્ત શ્રેણીમાં પ્રથમ હરોળમાં આવતા પરવાળાની સંખ્યા દિવસે ને દિવસે ઓછી થતી જાય છે ત્યારે દરિયાની ઇકોસિસ્ટમને જીવંત રાખવા માટે પરવાળાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જેને ધ્યાનમાં રાખીને અહીં આવેલા દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા તેનો નાશ થતો અટકાવવા અને તેની સંખ્યા વધારવા બે પ્રકારે પ્રયાસો થઇ રહ્યા છે. પરવાળા પ્રત્યારોપણ( માનવ શરીરમાં જેમ અંગ પ્રત્યારોપણ કરાય તે રીતે) અને બીજું છે કુત્રિમ પરવાળાના ખડકો બનાવવા એટલે કે માનવ નિર્મિત પરવાળાના ખડકો.
 
પરવાળાના રીફ જૈવિક વિવિધતા માટે કુદરતી અભ્યારણ્ય જેવા છે. પરવાળાના રીફમાં જીવસૃષ્ટિના રહેવા માટે જુદી જુદી જગ્યાઓ હોવાથી તેમાં સૌથી વધારે દરિયાઇ જીવસૃષ્ટિ વસવાટ કરે છે. એક અભ્યાસ મુજબ, પાંચ ચોરસ મીટર પરવાળાના રીફ વિસ્તારમાં દરિયાઇ જીવોની લગભગ 534 જેટલી પ્રજાતિઓ નોંધવામાં આવી છે.
 

Pirotan Tapu 
 
ઓક્ટોપસ – આ દરિયાઇ જીવ જોખમથી બચવા માટે રંગ બદલે છે. ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે. અહીં 300થી વધુ જાતના ઓક્ટોપસ જોવા મળે છે. ઓક્ટોપસ એ કરોડરજ્જુ વિનાનું સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાંનુ એક છે. તેના શરીર પરનો અટપટો આકાર પ્રવાસીઓને આકર્ષે છે. તેના શરીરના તમા અંગોનું જોડાણ માથાના ભાગ સાથે હોય છે.
 

Pirotan Tapu 
 
પફર ફીશ | Puffer Fish | આ માછલીની વિશેષતા એ છે કે તેને પાણીની બહાર નીકાળતા તે દડાની માફક ફૂલી જાય છે અને અંદર પાણીમાં મૂકતા પાછી તેના મૂળ સ્વરૃપમાં આવે છે. આ ફિશની અહીં 100 પ્રકારની પ્રજાતિ જોવા મળે છે.
 
દરિયાઇ ફુલ – છીછરા પાણીમાં જોવા મળતા દરિયાઇ ફુલ પથ્થરો પર ચોંટેલા રહે છે. આપણે આ જીવને અડીએ તો તે સંકોચાઇ જાય છે અને ભોજન માટે તે અન્ય જીવજંતુને પોતાના સ્પર્શ દ્વારા મૂર્છિત કરી પછી તેને આરોગે છે.
 
સીતાફળ અને ભૂત કરચલા – દેખાવમાં સિતાફળ જેવા હોવાથી આ કરચલા સીતાફળ કરચલા તરીકે ઓળખાય છે તો પીઠ પર વિચિત્ર આકાર હોવાથી કરચલા ભૂત કરચલા તરીકે ઓળખાય છે.
 

Pirotan Tapu 
 
વરુ કરચલો – આ કરચલો રૃવાંટી, વાળ ધરાવતો હોવાથી તેને વરુ કરચલા તરીકે ઓળખવામાં આવે છે.
 
સ્ટાર ફિશ (તારા માછલી) | Starfish | અહીં વિવિધ પ્રજાતિની સ્ટારફીશ જોવા મળે છે. સ્ટારફિશની ખાસિયત એ છે કે જો તેનો કોઇ પણ અંગ તૂટીને છૂટું પડે તો તે કુદરતી રીતે પાછું વિકસિત જાય છે.
 

Pirotan Tapu 
અહીં મુલાકાત પહેલા આટલું ખાસ ધ્યાન રાખશો.
 
પિરોટન અને નરારા ટાપુ પર જવા માટે પૂર્વ પરવાનગી લેવી આવશ્યક છે. આથી વનવિભાગ, કસ્ટમ વિભાગ અને બંદર વિભાગની પૂર્વ પરવાનગી લેવા માટે અરજી કરવાની રહેશે. તો વિદેશી નાગરિકો માટે પોલીસ કચેરીની પણ પરવાનગી લેવી આવશ્યક છે. આ સાથે અહીં ભરતી- ઓટનો સમય અને તારીખ વિશે પણ જાણ હોવી જરૃરી છે. ભરતીના પાણીમાં બોટ દ્વારા પિરોટન ટાપુ સુધી પહોંચી શકાય છે જ્યારે ઓટના સમયમાં છીછરા પાણીમાં દરિયાઇ જીવસૃષ્ટિ જોવા મળશે. રાષ્ટ્રીય ઉદ્યાનની આ દરિયાઇ જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે હેતુથી અહીં મુલાકાતીઓની સંખ્યાને નિયત કરવામાં આવી છે. દિવસભર નિયત સંખ્યા મુજબ જ મુલાકાતીઓને અહીં પરવાનગી આપવામાં આવે છે. વળી, આ ટાપુ નૈસર્ગિક અવસ્થામાં હોવાથી પ્રવાસીઓએ અહીં પીવાના પાણીની સાથે પ્રાથમિક ચીજવસ્તુઓ પણ સાથે લઇ જવી પડશે. આવવા – જવા માટે હાઇ- લો ટાઇડની અનુકૂળતા મુજબ પ્રવાસ ખેડવાનો હોવાથી પૂરતો સમય મળી શકે તે રીતે પ્લાનિંગ કરજો.
 
ખાસ નોંધ- અહીં જવા માટે ગાઇડ કે દરિયાઇ ઉદ્યાનના કોઇ કર્મચારીનું સાથે હોવું હિતાવહ છે. આ દરિયાઇ ટાપુમાં ઝેરી જીવો પણ હોવાથી જાણકાર દ્વારા સૂચના મળ્યા બાદ જે-તે જીવને સ્પર્શ કરવો હિતાવહ રહેશે. આ સાથે અહીં ખડકાળ જમીન અને જીવો કરડે નહીં તે માટે શૂઝ પહેરીને જવું પણ જરૃરી છે.
 
- જ્યોતિ દવે