સમાજવાદથી સાવધાન - આચાર્ય શ્રી રજનીશજી

આત્મા માટે તો સ્વતંત્રતાનું આકાશ જોઈએ અને જો આર્થિક સ્વતંત્રતા છીનવાઈ જતી હોય તો બીજો હુમલો મનુષ્યની વૈચારિક સ્વતંત્રતા ઉપર થાય છે, કારણ કે ‘સમાજવાદ’ના પક્ષધરો એવું કહે છે કે, જો અમે વૈચારિક સ્વતંત્રતા આપીશું તો અમે સમાજવાદી વ્યવસ્થાનું નિર્માણ નહીં કરી શકીશું.

    03-Jan-2023   
કુલ દૃશ્યો |

COMMUNISM 
 
 

આત્મા-પરમાત્માના અસ્તિત્વનો ધરમૂળમાંથી છેદ ઉડાડનાર આ નર્યા ભૌતિકવાદી..

 
 
 
૧. ભારતને ભરમાવવા કમ્યુનિસ્ટો-વામપંથીઓ, ‘સમાજવાદ’ના નામે વિમર્શવંટોળ ઉભા કરવામાં છદ્મવેશે કેવી રીતે, કેટલી હદે સફળ થયા? તે જોયું તથા..
 
૨. આ નર્યા ભૌતિકવાદના પ્રણેતા કાર્લ માર્ક્સની કલ્પનાઓનું ખોખલાપણું, ભ્રમણાઓના ભેદભરમથી ભરપૂર એવા આ ‘સમાજવાદ’થી છિનવાયેલ વ્યક્તિસ્વાતંત્ર્ય તથા આ ધરાર ધર્મવિરોધી અને વ્યક્તિને માત્ર આત્માવિહિન એક પદાર્થના રૂપમાં જોનારી સંપૂર્ણ અસત્ય દૃષ્ટિ -આવા મુદ્દે આચાર્ય રજનીશજીનું મંથન એકદમ સંક્ષિપ્તમાં અનુભવ્યું.
 
આ મંથનની વર્તમાનમાં શું જરૂરિયાત? જો આ મંથનને સમજીશું તો મૂળ કમ્યુનિસ્ટો (વામપંથીઓ)ની, ત્યારબાદ તેમાંથી રુપાંતરિત સમાજવાદીઓની અને તેમાંથી રુપાંતરિત વર્તમાન નિયો-કમ્યુનિઝમનાં નવાં નવાં છદ્મ રૂપોની મોડ્સ ઓપરેન્ડી ધ્યાનમાં આવશે.
 
જેમ અગાઉ ભારતમાં પોતાનું વિસ્તારકાર્ય અવરોધાયું ત્યારે કમ્યુનિઝમે ‘સમાજવાદ’નું મોહરું પહેરીને પોતાનો વૈચારિક વિસ્તાર સફળતાપૂર્વક કર્યો, તેમ હવે જ્યારે ‘સમાજવાદ’ અવરોધાયો છે ત્યારે આ વામપંથે - કમ્યુનિઝમે હવે નિયો કમ્યુનિઝમ પ્રકારે, અનેકવિધ મોરચે અવનવાં સ્વરૂપોએ પોતાની માયાજાળ ફેલાવેલી છે. લિબરલીઝમ, ફેમિનીઝમ જેવાં આકર્ષિત સ્વરૂપોથી.. ચોક્કસ ટાર્ગેટ સાથે ચાલતા સોશિયલ સહિતના મિડિયાના સહારે ઊભા કરવામાં આવતા વિમર્શોના સ્વરૂપોથી.. અર્બન નક્સલ જેવાં ગુપ્ત સ્વરૂપોથી.. હિન્દુ સંસ્કૃતિનો સરેઆમ વિરોધ કરનાર આમ આદમી પાર્ટી જેવાં સંગઠનોના સ્વરૂપોથી.. રાષ્ટ્ર વિરોધી NGO વગેરે સ્વરૂપોથી.. ચાલતી ગતિવિધિઓ પ્રત્યે પણ સાવધાન થઈ, એનો ભોગ રાષ્ટ્ર ન બને તે પ્રકારની સાવચેતી રાખી શકીએ, દ્રષ્ટિ કેળવી શકીએ એ હેતુસર ૧૯૭૦માં આચાર્ય રજનીશજીએ આપેલાં વ્યાખ્યાનો જે સમાજવાદ સે સાવધાન નામના પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ, તેમાંથી પ્રાપ્ત શેષ મંથન અહીં પ્રસ્તુત છે..
પ્રત્યેક વ્યક્તિની ભીતરમાં આત્મા નામનું બીજ રહેતું હોય છે. માર્ક્સે ક્યારેક મજાકમાં કહેલું કે, હું તમારા ઈશ્વરને માની લઈશ અગર જો ઈશ્વરને પ્રયોગશાળાની ટેસ્ટટ્યુબમાં પકડીને બતાવવામાં આવશે તો. અને પછી એમણે એ પણ કહ્યું કે, ધ્યાન રાખજો, ભૂલથી પણ પોતાના ઈશ્વરને પ્રયોગશાળાની ટેસ્ટટ્યુબમાં લાવી નહીં મૂકતા, કારણ કે જે ઈશ્વર ટેસ્ટટ્યુબની પકડમાં આવી જશે તો એમાં ઈશ્વર જેવું શું રહેવાનું!
 
અલબત્ત ઈશ્વરને ટેસ્ટટ્યુબમાં નહિ પકડી શકાય, એનો અર્થ એવો નથી કે ઈશ્વર નથી.
 
અગર મારા મસ્તિષ્કને હમણાં કાપી દેવામાં આવે તો તેમાં વિચાર જેવી કોઈ ચીજ નહીં મળશે, છતાં વિચાર છે.
 
અગર તમારા હૃદયને કાપવામાં આવે તો ત્યાં કોઈ પ્રેમ જેવી વસ્તુ નહી મળશે, છતાં પ્રેમ છે. પ્રમાણ શું છે? તે પ્રયોગશાળામાં ક્યાંય પકડમાં આવે છે?
 
દુનિયાભરની પ્રયોગશાળાઓ સિદ્ધ કરી દે કે, પ્રેમ નથી; તો પણ હું માનવા રાજી નથી, કારણ કે મેં પ્રેમને જોયો છે - અનુભવ્યો છે, જે પદાર્થથી પર છે, પરંતુ ‘સમાજવાદ’નો બુનિયાદી આધાર અનાત્મવાદ છે અને એકવાર કોઈ સમાજે આ સ્વીકાર કરી લીધો કે, આત્મા નથી તો ત્યાં તે બીજનું વાવેતર બંધ કરી દેશે, કારણ કે જ્યાં બીજનું અંકુર છે જ નહીં તો પછી બીજ વાવવાની જરૂરિયાત જ રહેતી નથી.
 
‘સમાજવાદ’ હાલ, મનુષ્યના આત્માનો વિરોધી એવો સૌથી મોટો અવાજ છે.
 
મનુષ્ય જાતિ ઉપર સૌથી મોટું દુર્ભાગ્ય એ હશે કે, જો તે એવું સ્વીકારી લેશે કે આત્મા નથી, તો આત્માનું પ્રગટ થવાનું જ નિરંતર ધીરે ધીરે બંધ થઈ જશે. બીજ પડ્યાં પડ્યાં સડી જશે, પરંતુ એમાંથી અંકુર નહીં આવે, જો લોકોએ એ માની લીધું કે બીજમાં વૃક્ષ નથી હોતાં તો પછી બીજ કોણ વાવશે? બીજને કોણ પાણી આપશે? બીજને મોટું કોણ કરશે ? ‘સમાજવાદ’ની મોટામાં મોટી ખતરનાક ધારણા એ એનો આ ભૌતિક શરીરવાદ છે.
 
મારા એક મિત્ર ૧૯૩૬માં રશિયા ગયેલા અને તેમણે એક શાળાની અંદર જઈને પૂછ્યું કે, ઈશ્વર છે? તો એ શાળાનાં બાળકોએ કહ્યું, આપ આવડા મોટા છો છતાં આવા નાસમજ સવાલ પૂછો છો. ઈશ્વર હતો, એવું ક્યારેક હતું, હવે નથી. નાના બાળકોને શીખવાડવામાં આવી રહ્યું છે કે, કોઈ આત્મા નથી, કોઈ ઈશ્વર નથી, કોઈ ધર્મ નથી, જીવનનું કોઈ ખાસ મૂલ્ય નથી. જીવનનું એક જ લક્ષ્ય છે કે, કોઈ પણ રીતે વ્યક્તિને ઠીક છાપરું, ઠીક મકાન, ઠીક ભોજન અને ઠીક કપડાં મળી જવાં જોઈએ.
અને એ પણ ધ્યાનમાં રહે કે, આત્માના પ્રગટીકરણ માટે જે સુવિધાઓ જોઈએ તે આ ‘સમાજવાદ’ છીનવી લે છે. હવે જે ‘સમાજવાદ’ આવશે તે પણ નિશ્ર્ચિતપણે છીનવી લેશે. વ્યક્તિની સ્વતંત્રતાનો મોટો હિસ્સો એની આર્થિક સ્વતંત્રતા છે. કમાવાની સ્વતંત્રતા એ વ્યક્તિની મૂળભૂત સ્વતંત્રતા છે.
 
આત્મા માટે તો સ્વતંત્રતાનું આકાશ જોઈએ અને જો આર્થિક સ્વતંત્રતા છીનવાઈ જતી હોય તો બીજો હુમલો મનુષ્યની વૈચારિક સ્વતંત્રતા ઉપર થાય છે, કારણ કે ‘સમાજવાદ’ના પક્ષધરો એવું કહે છે કે, જો અમે વૈચારિક સ્વતંત્રતા આપીશું તો અમે સમાજવાદી વ્યવસ્થાનું નિર્માણ નહીં કરી શકીશું.
 
આ વાતનો અર્થ એ છે કે, ‘સમાજવાદ’માં વિચારોની કોઈ સ્વતંત્રતા નથી. રશિયામાં વૈજ્ઞાનિકોને પણ સરકાર આજ્ઞા આપે છે કે, કેવી રીતે વિચારો. તેમને પણ કહે છે કે, કેવો સિદ્ધાંત શોધો. તેમને એ પણ કહે છે કે, કયો સિદ્ધાંત માર્ક્સને અનુકૂળ નથી. આના કારણે રશિયામાં પાછલા વર્ષોમાં બાયોલોજીમાં આ પ્રકારના સિદ્ધાંતો ચાલતા રહ્યા કે, જે દુનિયામાં ક્યાંય માન્ય નથી. આખી દુનિયામાં પ્રયોગો કરનારા કહી રહ્યા હતા કે, આ સિદ્ધાંતો ખોટા છે, પરંતુ સ્તાલીનની આજ્ઞા અનુસાર એ સાચા હતા. સ્તાલીનના મૃત્યુ પછી તે ખોટા સાબિત થઈ ગયા, પરંતુ તે પહેલાં તે ‘ખોટા’ ન થઈ શક્યા. રશિયામાં વૈજ્ઞાનિકો પણ ‘હા’માં ‘હા’ ભરી રહ્યા, કારણ કે વૈજ્ઞાનિકોને પણ પાર્ટીના નિર્દેશ ઉપર જીવવાનું. ૧૯૧૭ પહેલાં રશિયાએ દુનિયાને શ્રેષ્ઠતમ બુદ્ધિમાન લોકો આપ્યા. તેમનાં નામ સ્વર્ણિમ અક્ષરોમાં લખવા યોગ્ય છે, પરંતુ ૧૯૧૭ પછી એમની કક્ષાના એક પણ વ્યક્તિને રશિયા પેદા ન કરી શક્યું. લિયો તોલ્સતોય, મેક્સિમ ગોર્કી, તુર્ગનેવ, ગોગોલ, દાસ્તોવસ્કી કે ચેખોવ જેવી કક્ષાના કોઈ એક વ્યક્તિને રશિયા ૫૦ વર્ષોમાં પેદા ન કરી શક્યું.
 
સચ્ચાઈ તો એ છે કે, જે લોકો જાણે છે તે કહે છે કે, લેનિનને પણ ઝેર આપીને મારી નાંખવામાં આવેલ, જે વ્યક્તિએ ક્રાંતિ કરી હતી, જે વ્યક્તિએ રશિયાને સમાજવાદી બનાવવા ઈચ્છ્યું હતું, તેને પણ મારી નાખવામાં આવ્યો. બીજો વ્યક્તિ હતો- ટ્રોટ્સ્કી, જે આ ક્રાંતિ માટેનો બીજો હિસ્સેદાર હતો, તે પણ ભાગી ગયેલ, તેનો કૂતરો રહી ગયેલો, આ કૂતરાની પણ રશિયામાં કમ્યુનિસ્ટોએ હત્યા કરી દીધી અને પછી મેક્સિકો જઈને ટ્રોટ્સ્કીની પણ હત્યા કરી દીધી. મનુષ્ય-જાતિના ઇતિહાસમાં આટલા મોટા પાયા ઉપર હત્યાઓનો ખૂની ખેલ ક્યાંય પણ થયો નથી. ત્યાં આવું સ્વાભાવિક પણ છે, કારણ કે તેમને મન આત્મા જેવું કંઈ છે જ નહીં, વ્યક્તિ માત્ર પદાર્થ છે. અને તો તેવાં ઢીંગલા-ઢીંગલીઓને મારવા - કાપવાથી શું ફેર પડવાનો? અને એ પણ છે કે જેમની અંદર આત્મા જ નથી તેવાં મનુષ્યોને સ્વતંત્રતાની પણ શું જરૂર છે? જેવો ’સમાજવાદ’ આજે છે તેવો જ ‘સમાજવાદ’ અગર ઠીક રીતે સફળ થાય, તો તે પ્રત્યેક વ્યક્તિને મશીનમાં બદલી નાખવા માટે તત્પર છે.
 
એક મિત્રએ પૂછ્યું કે, શું આપ ‘સમાજવાદ’ની એ ધારણાને નથી માનતા કે, બધાંને સમાન હોવાનો હક્ક છે?
 
આના ઉપર થોડો વિચાર કરવો જરૂરી છે. બધાં લોકો સમાન નથી. આ તથ્ય છે. અને બધાં લોકો સમાન હોઇ પણ ન શકે, છતાં હું કહું છું કે, બધા લોકોને વિકાસનો સમાન અવસર હોવો જોઈએ. એનો શું અર્થ ? એનો અર્થ એ છે કે, પ્રત્યેક વ્યક્તિને અસમાન હોવાની સમાન સુવિધા હોવી જોઈએ. દરેક વ્યક્તિને જે બનવું છે તે બનવા માટેનો હક્ક સમાન હોવો જોઈએ, પરંતુ જેમ એક હક્ક તરીકે પૂંજી પેદા કરવાનો પણ હક છે, એક હક તરીકે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હક પણ છે. આખી દુનિયાના બધા લોકો આઈન્સ્ટાઈન ન બની શકે, નહીં કે આખી દુનિયાના બધા લોકો બુદ્ધ કે મહાવીર બની શકે. કોઈ એક વ્યક્તિ જન્મજાત આઈન્સ્ટાઈન હોવાની ક્ષમતા લઈને જન્મ લે છે, પરંતુ ધનના સંબંધમાં આપણે ક્યારેય આવું વિચાર્યું નથી કે ધન ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ આવી જ રીતે જન્મજાત હોય છે, જેવી રીતે કવિતા પ્રગટ કરવાની ક્ષમતા, જેવી રીતે ગણિતની.., જેવી રીતે દર્શનની.., જેવી રીતે ધર્મની, ધન પેદા કરવાની ક્ષમતા પણ જન્મજાત છે. કોઈ ફોર્ડ પેદા કરી શકાતો નથી, તે પેદા જાતે થાય છે. કેટલાંક લોકો ધન પેદા કરવાની પ્રતિભા લઈને પેદા થાય છે અને કેટલાંક લોકો ધન પેદા કરવાની પ્રતિભા લઈને પેદા નથી થતાં. આ તથ્ય છે. જે ધન પેદા કરવાની પ્રતિભા લઈને પેદા થયાં છે તેમને ધન પેદા કરવાથી રોકવામાં આવે તો દુનિયા દુઃખી બની જશે, દરિદ્ર બની જશે, સમૃદ્ધ નહીં બની શકે.
 
‘સમાજવાદ’ મનુષ્ય જાતિની જન્મજાત ભિન્નતાનો સ્વિકાર નથી કરતું. આ ખૂબ જ ભયાનક વાત છે. એક-એક વ્યક્તિ સ્વયં પોતાના જેવો પેદા થાય છે, બીજાના જેવો નહીં. સત્ય તો એ છે કે, દરેક વ્યક્તિ વિશિષ્ટ, અદ્વિતીય, યુનિક અને અજોડ છે, જેની સાથે બીજા કોઈની સરખામણી કરી શકાતી નથી. આ દુનિયામાં કોઈ વ્યક્તિ બીજા જેવી પેદા પણ થઈ નથી, કદીયે પેદા નથી થઈ, એટલા માટે તો પ્રત્યેક વ્યક્તિની પાસે પોતાનો આત્મા છે. આત્માનો અર્થ છે- ભિન્ન હોવાની ક્ષમતા. સ્મશાનોમાં સમાનતા હોઈ શકે છે, તમામ એક લાખ ફિયાટ કાર બિલકુલ એક જેવી હોઈ શકે છે, પરંતુ બે વ્યક્તિઓ એક જેવી ન હોઈ શકે. ફિયાટ કારની પાસે આત્મા નહીં, માત્ર યંત્ર છે. યંત્ર સમાન હોઈ શકે છે.
 
‘સમાજવાદ’ સ્વતંત્રતા પર હુમલો કરે છે ત્યારે વિશેષ ચાલ સાથે કરે છે. તેની ચાલ એ છે કે, અમે સમાનતા લાવવા ઈચ્છીએ છીએ એટલા માટે સ્વતંત્રતા પર હુમલો કરવો જરૂરી છે, કારણ કે અગર સ્વતંત્રતા રહેશે તો અમે સમાનતા કેવી રીતે લાવીશું? ‘સમાજવાદ’ ફ્રીડમની વાત નહીં, પરંતુ ઇક્વાલિટીની વાત કરે છે. એ કહે છે કે પહેલી આવશ્યકતા છે સમાનતાની, જ્યાં સુધી સમાનતા નથી ત્યાં સુધી સ્વતંત્રતા નહીં હોય. પહેલાં સમાનતા જોઈએ. સમાનતા માટે સ્વતંત્રતાની હત્યા કરવી પડશે.
એ પસંદગી આપણે ઠીક સમજીને કરવી જોઈએ કે, પહેલી અગત્યતા કોની છે? સમાનતાની કે સ્વતંત્રતાની? પ્રેફરન્સ કોને આપવાનો છે? આખી મનુષ્ય જાતિએ આ નિર્ણય સત્વરે લેવો પડશે કે, શું આપણે સમાનતાને વધુ અગત્યતા આપીએ છીએ કે સ્વતંત્રતાને? ધ્યાનમાં રહે, અગર સ્વતંત્રતા રહેશે તો સમાનતાની સંભાવના તે પછી પણ રહે છે, પરંતુ જો સમાનતા માટે અગર સ્વતંત્રતાને ગુમાવી દઈશું તો તે પછી સ્વતંત્રતાની કોઈ સંભાવના નથી રહેતી, કારણ કે સ્વતંત્રતાને એકવાર ખોઈ દીધા પછી પાછી લાવવી ખૂબ જ કઠિન છે અને સમતાની જે વાત છે તે ખૂબ જ અવૈજ્ઞાનિક છે - અમનોવૈજ્ઞાનિક છે - એન્ટિ સાઈકોલૉજિકલ છે. વ્યક્તિઓ સમાન નથી અને એટલા માટે બળજબરીથી અગર આપણે વ્યક્તિઓમાં સમાનતા આરોપિત કરીશું તો તે કૃત્ય વ્યક્તિઓને મારશે - નષ્ટ કરશે.
 
(ક્રમશઃ)
 
 
 
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.