હમાસ વિરુદ્ધ ઇઝરાયેલનો સંઘર્ષ | શું સેમ્યુઅલ હન્ટિગ્ટનની આગાહી સાચી પડશે?

દેશોના યુદ્ધ અંગે વિશ્વ સમુદાયનું વલણ કેવું છે ? અને આગામી સમયમાં આ સંઘર્ષની વિશ્વ પર કેવી અસરો થઈ શકે છે. આવો, જાણીએ આ વિશેષ પ્રસ્તુતિમાં...

    ૨૮-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

israel pelestin and hamas
 
 
ગત ૭ ઓક્ટોબરના રોજ વિશ્વના અનેક દેશો જ્યારે ગાઢ નિદ્રામાં હતા. બરોબર તે જ સમયે પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલના અનેક ઠેકાણે રોકેટથી હુમલા કરી દીધા. લગભગ પાંચ થી સાત હજાર જેટલા રોકેટ હુમલામાં ૯૦૦થી વધુ નિર્દોષ ઇઝરાયેલી નાગરિકોના જીવ ગયા. ઇઝરાયેલે પણ તેની પરંપરા મુજબ આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે હમાસના અનેક અડ્ડાઓ પર હુમલા શરૂ કરી દીધા છે, જેમાં હમાસના આતંકીઓ સહિત અનેક લોકોનાં મોત થયાં. આ લખાય છે ત્યાં સુધી ઇઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધમાં ૫૦૦૦થી પણ વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, ત્યારે આખરે શું છે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે વિવાદની એ જડ જેને લઈને સદીઓથી યદી-મુસ્લિમો એકબીજાનું લોહી વહાવી રહ્યા છે. બન્ને દેશોના યુદ્ધ અંગે વિશ્વ સમુદાયનું વલણ કેવું છે ? અને આગામી સમયમાં આ સંઘર્ષની વિશ્વ પર કેવી અસરો થઈ શકે છે. આવો, જાણીએ આ વિશેષ પ્રસ્તુતિમાં...
 
 
ઇઝરાયેલ અરબ (યદી-મુસ્લિમ) વચ્ચેના આ લોહિયાળ સંઘર્ષને સમજવા માટે આપણે ઇઝરાયેલની ભૂમિ પર સ્થિત ૩૫ એકર જમીનના ટુકડાના ઇતિહાસને સમજવો જરૂરી છે, જેને લઈને ઇઝરાયેલ-અરબ દેશો સદીઓથી સંઘર્ષ કરી રહ્યા છે અને ૧૯૪૮ બાદ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ખૂની સંઘર્ષ ચાલી રહ્યો છે. ૩૫ એકર જમીનના આ ટુકડા પર વિશ્વના ત્રણ ધાર્મિક પંથ ઈસાઈ-મુસ્લિમ અને યદીઓ પોતાનો દાવો કરે છે. આ ત્રણેય ધર્મ માટે આ જમીનનું મોટું ધાર્મિક મહત્ત્વ છે. આ સ્થાનને યદીઓ હરહવાઈયત કે પછી ટેમ્પલ માઉન્ટ ગણાવે છે. યદીઓ માને છે કે, આ એ જ જગ્યા છે જ્યાં તેમના ભગવાને સૌપ્રથમ વખત માટી મૂકી હતી, જેમાંથી આદમનો જન્મ થયો હતો અને આ એ જ સ્થળ છે, જ્યાં અબ્રાહમ પાસે તેમના ભગવાને કુર્બાની માંગી હતી અને અબ્રાહમ પોતાના ઇસ્માઈલ અને ઇસહાકમાંથી ઇસહાકની કુરબાની આપવા તૈયાર થયા હતા, પરંતુ ઈશ્વરે ઇસહાકને બદલે ઘેટાને મૂકી દીધું. યદીઓના ધાર્મિક ગ્રંથ હિબ્રૂ બાઇબલમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ છે. બાદમાં ઇસહાકનો પુત્ર થયો જેનું નામ ઇસરાયલ રાખવામાં આવ્યું અને તેની પેઢીઓએ આગળ જતાં યદી દેશ ઇઝરાયેલ બનાવ્યો.
 
મુસ્લિમોનો અને ઈસાઈઓનો પણ દાવો
 
ઇસ્લામિક જગત આ સ્થાનને `હરમ-અલ-શરીફ' ગણાવે છે. મુસ્લિમો દાવો કરે છે કે, મક્કા અને મદીના બાદ હરમ-અલ-શરીફ તેમના માટે ત્રીજી સૌથી પાક જગ્યા છે. કુરાન મુજબ પયગમ્બર મોહમ્મદ મક્કાથી ઊડતા ઘોડા પર સવાર થઈ હરમ-અલ-શરીફ પહોંચ્યા હતા અને અહીંથી જ તેઓ જન્નત ગયા હતા. પછી આ સ્થાને એક મસ્જિદ બનાવવામાં આવી હતી જે અલઅકસા મસ્જિદ તરીકે ઓળખાય છે. મુસ્લિમો માને છે કે, અલઅક્સા મસ્જિદ બરોબર એ જ સ્થાન પર બની છે જ્યાં યેરુસલેમ પહોચ્યા બાદ પયગમ્બર મોહમ્મદે પોતાનો પ્રથમ પગ મૂક્યો હતો. અલઅક્સા મસ્જિદની નજીક એક સુવર્ણ ગુંબજવાળી ઇમારત છે, જે `ડોમ ઓફ ધ રોક' તરીકે ઓળખાય છે. ઈસાઈ માન્યતા મુજબ ઈસા મસીહે આ ૩૫ એકર જમીન પરથી જ ઈસાઈઅતનો ઉપદેશ આપ્યો હતો અને આ જમીન પરથી જ તેઓ શૂળી પર ચડ્યા હતા અને પુનઃજીવિત થયા હતા અને ફરી આ જ સ્થાને તેઓ જીવિત થશે માટે આ સ્થાન ઈસાઈઓ માટે પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
 
હાલ આ જગ્યા પર કોનો કબજો?
 
૧૯૩૦ના દાયકામાં જર્મનીમાં હિટલર અને નાઝી પક્ષ સત્તામાં આવ્યા. પરિણામે જર્મની સહિત સમગ્ર યુરોપમાં યદીઓ પર અત્યાચાર ચરમ પર પહોંચી ગયો હતો. આ દમનથી બચવા યુરોપમાં વિસ્થાપિત થયેલા હજારો યદીઓને પોતાના દેશ ઇઝરાયેલની યાદ આવી. તેઓને લાગ્યું કે, જ્યાં સુધી તેમનો પોતાનો દેશ નહીં હોય ત્યાં સુધી તેમના પર આવી જ રીતે અત્યાચાર થતા રહેશે અને વિશ્વભરમાં ફેલાયેલા યદીઓ સંગઠિત રીતે ઇઝરાયેલમાં આવવા લાગ્યા. જે જાયોનિસ્ટ મૂવમેન્ટ તરીકે ઓળખાય છે, પરંતુ ત્યાં જ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને નાઝીઓ દ્વારા જર્મનીમાં ૬૦ લાખ યદીઓની કત્લેઆમ કરવામાં આવી, જેને પરિણામે સમગ્ર વિશ્વમાં યદી પ્રજા પ્રત્યે સહાનુભૂતિ ઊભી થઈ અને એક પછી એક દેશો યદીઓના અલગ દેશનું સમર્થન કરવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના પરાજય બાદ બ્રિટન અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રાષ્ટમાં પ્રસ્તાવ લાવી પેલેસ્ટાઇનને બે ભાગમાં વિભાજિત કરી દીધો અને પેલેસ્ટાઇનનો ૫૫ ટકા ભાગ મુસ્લિમોને આપવામાં આવ્યો જ્યારે ૪૫ ટકા ભાગ યદીઓને આપવામાં આવ્યો. આમ પુનઃ એકવખત ૧૯૪૮માં યદી દેશ ઇઝરાયેલ અસ્તિત્વમાં આવ્યો.
પેલેસ્ટાઇનના ભાગલા બાદ યેરુસલેમનો વિવાદ વધુ વકર્યો. બન્ને દેશો યેરુસલેમને પોતાની રાજધાની બનાવવા ઇચ્છતા હતા. જેને લઈ બન્ને દેશો વચ્ચે પુનઃ સંઘર્ષ ફાટી નીકળ્યો. આ વિવાદનાં નિરાકરણ માટે પેલેસ્ટાઇનનું વધુ એક વિભાજન કરી યેરુસલેમનો ૮ ટકા ભાગને પોતે આધીન કરી લીધો અને બાકીનો ૪૪ ટકા ભાગ પેલેસ્ટાઇન અને ૪૬ ટકા ઇઝરાયેલને આપી દીધો. સંયુક્ત રાષ્ટના આધીન આજે ૮ ટકા ભાગ પર જ ૩૫ એકર જમીન આવેલી છે, જેને મુસ્લિમ હરમ-અલ-શરીફ ગણાવે છે, જ્યારે યદીઓ ટેમ્પલ માઉન્ટ ગણાવે છે.
 
યુનાઇટેડ નેશનની સમજૂતી મુજબ હાલ આ વિસ્તારની દેખરેખ જોર્ડનના હાથમાં છે. અને યદીઓ બહારથી જ હરમ-અલ-શરીફ એને ટેમ્પલ માઉન્ટનાં દર્શન કરી શકે છે. તે સિવાય તે ત્યાં કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ કરી શકતા નથી, પરંતુ જ્યારે પણ કોઈ યદી અહીં દર્શન કરવા જાય છે, ત્યારે તેમના પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે. જેના જવાબમાં યદીઓ દ્વારા પણ પથ્થરમારો થાય છે અને વારંવાર બન્ને સમુદાયો વચ્ચે સંઘર્ષ ફાટી નીકળે છે.
 
મોટાભાગનું પેલેસ્ટાઇન ઇઝરાયેલના કબજામાં
 
પેલેસ્ટાઇનના વિભાજન બાદ અને અલગ ઇઝરાયેલ દેશના નિર્માણ બાદ લાગતું હતું કે, કદાચ હવે મધ્યપૂર્વીય આ વિસ્તારમાં કાયમી શાંતિ સ્થપાશે, પરંતુ અરબ જગતના પાપે આ વિસ્તારમાં જેહાદની આગ ભડકી. પરિણામે હાલ યુદ્ધ વિસ્થાપન અહીંના લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. બીજી તરફ ઇઝરાયેલ માટે આ તેના અસ્તિત્વનો સવાલ છે. ૧૯૪૮માં અલગ ઇઝરાયેલ બન્યા બાદ તરત જ લેબનોન, સીરિયા, ઇરાક અને મિશ્ર જેવા દેશોએ મળી હુમલો કરી દીધો, જેનો ઇઝરાયેલ દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, ત્યાર બાદ ૧૯૬૭માં ફરી એક વખત લેબનોન, સીરિયા, ઇરાક, મિસ્ત્ર અને જોર્ડન સહિતના અરબ દેશોએ હુમલો ઇઝરાયેલ પર કરી દીધો. ૬ દિવસ ચાલેલું આ યુદ્ધ ઇતિહાસમાં સિક્સ ડે વોર તરીકે પ્રખ્યાત છે, જેમાં અરબ જગતનો કારમો પરાજય થયો. ત્યારબાદ પણ ઇઝરાયેલ પર ૧૯૭૩ અને ૧૯૮૨માં પણ હુમલો થયો હતો, પરંતુ દર વખતે ઇઝરાયેલે આરબ જગતને ધૂળ ચટાડી હતી એટલું જ નહીં ઇઝરાયેલ ધીરે ધીરે પેલેસ્ટાઇનની જમીન પર કબજો પણ જમાવતું રહ્યું. આજે પરિસ્થિતિ એ છે કે વિભાજન સમયે જે ૫૫ ટકા વિસ્તાર પેલેસ્ટાઇનના ભાગે આવ્યો હતો. તે પહેલાં ૪૮ ત્યાર બાદ ૨૨ અને હાલ માત્ર ૧૨ ટકા જેટલો સંકોચાઈ ગયો છે, જ્યારે હાલ પેલેસ્ટાઇન દેશ માત્ર બે વિસ્તારોમાં જ સમેટાઈ ગયો છે. એક ગાઝા અને બીજો વેસ્ટ બેંક. વેસ્ટ બેંક લગભગ શાંત વિસ્તાર છે. જ્યારે ગાઝા હમાસના નિયંત્રણમાં હોવાથી સતત નાનાં-નાનાં છમકલાં થતાં રહે છે, જે ક્યારેક યુદ્ધમાં પરિણમે છે. હાલ જે યુદ્ધ ફાટી નીકળ્યું છે તે પણ ગાઝા વિસ્તારમાં જ છે.
 
મુસ્લિમ દેશોનો બનાવટી ભાઈચારો
 
ગાઝા-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને સમગ્ર ઇસ્લામિક જગતે જેહાદ જાહેર કર્યું હોય તેમ મુસ્લિમ દેશો એક પછી એક પેલેસ્ટાઇનના સમર્થનમાં ઊતરી રહ્યા છે. જે મુસ્લિમ દેશો ૭ ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરાયેલ યદીઓની કત્લેઆમને વખોડતા બે શબ્દો પણ નહોતા ઉચ્ચાર્યા તે જ મુસ્લિમ દેશો ઇઝરાયેલની વિરુદ્ધમાં ઊતરી આવી ઇઝરાયેલની ગાઝા પર સૈનિક કાર્યવાહીને તત્કાળ રોકવાની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, યુરોપિયન દેશોમાં પણ શરણાર્થી તરીકે રહેતા પેલેસ્ટાઇનીઓ રસ્તા પર ઊતરી આવ્યા છે. લંડનમાં હમાસના સમર્થનમાં સેંકડો લોકોની ભીડ સડકો પર ઊતરી આવી હતી. જ્યારે કે હમાસના હુમલામાં બ્રિટનના ૧૭ લોકોનાં મોત થયાં છે. ખરેખર વિરોધ તો હમાસનો થવો જોઈતો હતો, પરંતુ મુસ્લિમ બ્રધરડના નામે હળાહળ આતંકનું સમર્થન કરવામાં આવ્યું. આવો જ નજારો જર્મનીમાં પણ જોવા મળ્યાં. હમાસના આતંકવાદીઓ દ્વારા એક જર્મન યુવતી સાથે આચરાયેલી બર્બરતા આખી દુનિયાએ જોઈ હતી, છતાં પણ ત્યાંના મુસ્લિમોના માટે હમાસના લોકો મુસ્લિમો છે માટે તેમનું સમર્થન કરાઈ રહ્યું છે. આવું જ અમેરિકા અને યુરોપના દેશોમાં પણ જોવા મળ્યું. આમ, જે દેશો દયા ખાઈને પેલેસ્ટાઇની નાગરિકોને આશરો આપ્યો તે જ લોકો હાલ તેમની આંતરિક શાંતિના લીરેલીરા ઉડાડી આતંકના સમર્થનમાં દેખાવો કરી રહ્યા છે.
 
વિચિત્ર વાત એ છે કે, જે લોકો હમાસની બર્બરતાને જેહાદ ગણી તેનું સમર્થન કરી રહ્યા છે અને ઇઝરાયેલના જવાબને ઇસ્લામ પર હુમલો ગણાવી તેની વિરુદ્ધ મુસ્લિમ એકતાના નારા લગાવી રહ્યા છે તે લોકો લડવા પેલેસ્ટાઇન જવા માંગતા નથી. આ લોકોને બીજા દેશોમાં રહી આતંકવાદનું સમર્થન કરવું છે, હમાસ જેવા આતંકવાદી સંગઠનને આઝાદીના લડવૈયા ગણાવી રહ્યા છે, પરંતુ પેલેસ્ટાઇન માટે લડવા ત્યાં જવું નથી.
 
આમ, એક તરફ પેલેસ્ટાઇની પ્રવાસીઓ અને કેટલાક મુસ્લિમો છે જે બ્રિટન સહિતના યુરોપિયન દેશોના સુરક્ષિત વાતાવરણમાં રહી મુસ્લિમ ભાઈચારાનું નાટક કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ વિશ્વભરમાં યદીઓ પોતાની નોકરી વ્યવસાય છોડી પોતાના દેશની રક્ષા માટે યુદ્ધ લડવા ઇઝરાયેલ પહોંચી રહ્યા છે.
 
અરબ દેશો પેલેસ્ટાઇનીઓને સ્વીકારવા તૈયાર નથી
 
ઇઝરાયેલ હમાસ યુદ્ધ બાદ ખૂલીને હમાસના સમર્થનમાં આવી ગયેલા લેબનોન, મિશ્ર, સીરિયા સહિતના અરબ દેશોની મુસ્લિમ બ્રધરડની વાતો કેટલી ખોખલી છે. તે વાતનો અંદાજ એના પરથી આવી જાય છે કે, આ પૈકી કોઈપણ આરબ દેશ પેલેસ્ટાઇની શરણાર્થીને સ્વીકારવા તૈયાર નથી.
 
જ્યાં ઇઝરાયેલ-હમાસ વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે તે ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગમાં મિસ્રની સરહદ આવેલી છે. તેના રાષ્ટપતિ અબ્દુલ ફતહ અલ સીસીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, અમે કોઈપણ પેલેસ્ટાઇનીને સ્વીકારવાના નથી. તેઓએ ત્યાંના નાગરિકોને ત્યાં જ રહેવાની સલાહ આપી છે.
 
આવું જ વલણ જોર્ડનના કિંગ અબ્દુલ્લાએ પણ દાખવ્યું છે અને પેલેસ્ટાઇનના લોકોને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ મુસ્લિમ દેશો પેલેસ્ટાઇનીઓને પોતાના દેશમાં લેવા કેમ તૈયાર નથી? તેનું પણ એક કારણ છે. ૧૯૪૮માં ઇઝરાયેલ સાથેના સંઘર્ષમાં લાખો પેલેસ્ટાઇની નાગરિકોએ જોર્ડન, સીરિયા, લેબનોન અને ઇજિપ્તમાં શરણ લીધી હતી. આ દેશોમાં હાલ પણ ૫૭ લાખ પેલેસ્ટાઇનીઓ રહે છે. તેમાંથી ૪૦ ટકા શરણાર્થી માત્ર જોર્ડનમાં રહે છે. આજે અહીંની કુલ જનસંખ્યાના અડધોઅડધ પેલેસ્ટાઇનીઓ થઈ ગયા છે. હવે આ લોકો પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઇઝેશન બનાવી જોર્ડન પર ઇઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ કરી રહ્યા છે. પરિણામે વારંવાર અહીં ગૃહયુદ્ધ ફાટી નીકળે છે. આ સંગઠનનું નામ જોર્ડનમાં અનેક આતંકી હુમલામાં આવ્યું છે. આ સંગઠન બે વખત જોર્ડનના કિંગ અબ્દુલ્લાની હત્યાનો પ્રયાસ પણ કરી ચૂક્યું છે.
હમાસ વિરુદ્ધ પેલેસ્ટાઇનની કાર્યવાહીનો પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે, પરંતુ આ જ પાકિસ્તાની સેનાએ ૧૯૭૭માં કિંગ અબ્દુલ્લાના ભાડૂતી સૈનિક બની જોર્ડન જઈ ૨૫,૦૦૦ પેલેસ્ટાઇન શરણાર્થીઓની કત્લેઆમ મચાવી હતી. આ કાર્યવાહી બાદ પેલેસ્ટાઇની આતંકવાદી જીવ બચાવવા લેબનોન ભાગી ગયા હતા, પરંતુ એ આતંકીઓએ લેબનોનને પણ ગૃહયુદ્ધમાં ધકેલી દીધું હતું. ૧૯૭૫થી ૧૯૯૦ સુધી ૧૫ વર્ષ સુધી ગૃહયુદ્ધ ચાલ્યું હતું. જેમાં હજારો લોકોનાં મોત થયાં હતાં.
 
આમ, પેલેસ્ટાઇનના પડોશમાં જેટલા પણ આરબ દેશો છે. પછી તે મિસ્ર, લેબનોન, સિરિયા હોય કે પછી જોર્ડન, કોઈપણ દેશ પેલેસ્ટાઇનના શરણાર્થીઓને સ્વીકારવા તૈયાર નથી, કારણ કે તેઓએ ઇતિહાસમાંથી બોધપાઠ લીધો છે. તેઓ એ સારી રીતે જાણે છે કે પેલેસ્ટાઇની શરણાર્થીઓને શરણ આપવી મતલબ તેમના દેશમાં આતંકવાદ, ચરમપંથી વિચારધારા, અસ્થિરતા અને અશાંતિને આમંત્રણ છે.
 
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા
 
ઇઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધને વિશેષજ્ઞો વિશ્વ માટે ખતરાની ઘંટડી ગણાવી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે કે, હાલ વિશ્વના અનેક દેશો વચ્ચે જે પ્રકારની તંગદીલી ચાલી રહી છે. તે જોતાં દુનિયામાં ગમે તે ઘડીએ વિશ્વયુદ્ધ ફાટી નીકળી શકે છે. હાલ વિશ્વના ત્રણ અલગ અલગ વિસ્તારમાં યુદ્ધો ચાલી રહ્યાં છે. (૧) ઇઝરાયેલ -પેલેસ્ટાઇન, (૨) રશિયા-યુક્રેન અને (૩) અજરબૈજાન - અર્મેનિયા. તો સીરિયા અને સુદાનમાં પણ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. એટલું જ નહીં હવે નાના-નાના વિવાદોમાં પણ વિશ્વની મહાસત્તાઓ દખલ દેવા માંડી છે. ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દે અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા, ઈરાન જેવા દેશો પોતપોતાના સમર્થક દેશોના સમર્થનમાં દેકારા પડકારા કરી રહ્યા છે.
 
છેલ્લા ૧૮ મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનને અમેરિકા સહિત નાટો દેશોનું સમર્થન છે અને આર્થિક સૈન્યની મદદ કરી રહ્યા છે. પરિણામે અનેક પ્રયાસો છતાં રશિયા આ યુદ્ધમાં ફાવી શક્યું નથી. તેથી રશિયા ગમે તે ઘડીએ કાંઈક મોટું કરી શકે છે.
 
બીજી તરફ અજરબૈજાન અને આર્મેનિયા વચ્ચે પાછલાં પાંચ વર્ષોમાં ત્રણ વખત યુદ્ધ થઈ ચૂક્યાં છે. ગત ૨૦૨૨માં એક અઠવાડિયા સુધી યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધમાં ઇઝરાયેલ, પાકિસ્તાન અને રશિયા જેવા દેશો આમને-સામને આવી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વખત અજરબૈજાન અને આર્મેનિયા વચ્ચે તનાતની વધી છે. તો ચીન-તાઈવાન, ચીન-ભારત વચ્ચે પણ ગમે ત્યારે સ્થિતિ વણસી શકે તેમ છે. ઇઝરાયેલ મુદ્દે પણ વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ઇઝરાયેલે સીધેસીધી જ મધ્ય પૂર્વીય મુસ્લિમ દેશોને ધમકી આપી છે કે જે પણ દેશ તેના પર હુમલો કરવાની ભૂલ કરશે પછી તે જોર્ડન, લેબનાન, સીરિયા, ઈરાન કે તુર્કી હોય, તો ઇઝરાયેલ તેના પર હુમલો કરતાં જરા પણ વાર નહીં લગાડે. આ બાજુ ઈરાનના સુપ્રીમ લીડર ખૌમેનીએ સમગ્ર મુસ્લિમ વિશ્વને ઇઝરાયેલ વિરુદ્ધ એક થવાની હાકલ કરી છે અને ઇઝરાયેલ વિરુદ્ધ સૈનિક કાર્યવાહીની પણ ધમકી આપી છે. કે ગમે તે ઘડીએ ઇઝરાયેલ પર ચાર તરફથી આક્રમણ થઈ શકે છે.
 
ઇઝરાયેલ પર વધી રહેલા સંભવિત હુમલાઓના ભય વચ્ચે અમેરિકા ઇઝરાયેલના ખુલ્લેઆમ સમર્થનમાં ઊતરી આવ્યું છે. અમેરિકાએ ઇઝરાયેલના સમર્થનમાં ભૂમધ્ય સાગરમાં પોતાનાં બે યુદ્ધજહાજ ઉતારી દીધાં છે, એટલું જ નહીં અમેરિકાએ ઈરાન સહિતના દેશોને યુદ્ધમાં ન ઊતરવાની ચીમકી પણ આપી દીધી છે. અમેરિકાએ જમીની સ્તરે ઇઝરાયેલને મદદ પહોંચાડવા ૨૦૦૦ જેટલા મરીન સૈનિકો ઉતાર્યા છે જે યુદ્ધની સ્થિતિમાં ઇઝરાયેલ સાથે રહી અન્ય દેશો સામે લડશે. આ સિવાય ફ્રાન્સે પણ ઇઝરાયેલનું ખૂલીને સમર્થન કર્યું છે. ઇઝરાયેલના સમર્થન કરનારા દેશોમાં બ્રિટન અને ઇટલી પણ છે. આમ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં હાલ સમગ્ર વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
 
બીજી તરફ હાલ આપણે જોઈ રહ્યાં છીએ કે, રશિયા, ચીન, ઇરાન, તુર્કી જેવા દેશો હાલના `World Order'થી સંતુષ્ટ નથી. તેઓ વારંવાર એવા આરોપો લગાવતા રહે છે કે, હાલનું `World order' પશ્ચિમના દેશોનાં હિતોને જ ધ્યાનમાં રાખે છે, માટે હાલ વિશ્વને નવા World orderની જરૂર છે અને હાલમાં આ દેશો તે દિશામાં કામ પણ કરી રહ્યાં છે. રશિયા પૂર્વી યુરોપમાં અમેરિકાની દખલથી અકળાયેલું છે. ચીનને તાઈવાન અને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાની ઉપસ્થિતિ ધોળા ધરમેય ખપતી નથી. તો તુર્કી એકવાર ફરી ઓસ્માનિયા સલ્તનતનો વિસ્તાર કરવાના સ્વપ્નો જોઈ રહ્યું છે. આમ, પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પહેલાંની જેમ હાલ પણ વિશ્વ સ્પષ્ટ રીતે બે ભાગમાં વિભાજિત થઈ ગયું છે. તે વખતે જર્મની ઓસ્ટ્રિયા-હંગેરી અને ઓસ્માનિયા સલ્તનત એક તરફ હતા. જેઓ `સેન્ટ્રલ પાવર' તરીકે ઓળખાતા જ્યારે બીજી તરફ ફ્રાન્સ, રશિયા અને બ્રિટન સહિતના દેશો હતાં. આ દેશો `એલાઇડ પાવર' તરીકે ઓળખાતાં. તે વખતે ઓસ્ટ્રિયા અને સર્બિયાનું નાનું યુદ્ધ જોતજોતામાં વિશ્વયુદ્ધમાં પરિણમ્યું હતું.
 
શું સેમ્યુઅલ હન્ટિગ્ટનની આગાહી સાચી પડશે?
 
સમગ્ર વિશ્વમાં છેલ્લાં દાયકાથી જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા ત્રીજા વિશ્વયુદ્ધ અંગે અમેરિકાના પ્રસિદ્ધ રાજનૈતિક વૈજ્ઞાનિક અને વિવિધ અમેરિકન સરકારી એજન્સીઓના સલાહકાર સેમ્યુઅલ હન્ટિગ્ટનની ભવિષ્યવાણી સાચી પડી રહી હોય એવું સ્પષ્ટરૂપે લાગી રહ્યું છે. ૧૯૯૨માં અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાં તેઓએ એક ચર્ચામાં `ઇસ્લામ વર્સિસ અૉલ'ની આગાહી કરી હતી, ત્યારબાદ ૧૯૯૩માં તેઓએ સભ્યતાના સંઘર્ષ શિર્ષક હેઠળ લેખ લખ્યો હતો. જે અમેરિકાના વિદેશી બાબતોના સાપ્તાહિકમાં પ્રકાશિત થયો હતો. ત્યારબાદ તેઓએ ૧૯૯૬માં ઇસ્લામ અને ઇસાઈ સભ્યતા વચ્ચેના ભવિષ્યના સંઘર્ષની આગાહી કરતું `ધ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન એન્ડ ધ રીમેકીંગ અૉફ વર્લ્ડ ઓર્ડર' નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેઓએ વિશ્વમાં સર્જાયેલ શીતયુદ્ધ (કોલ્ડ વોર) બાદ નિર્માણ પામેલ નવી વિશ્વ વ્યવસ્થાઓનાં સંદર્ભમાં ભવિષ્યવાણી કરી હતી કે, `ભવિષ્યમાં યુદ્ધો બે દેશ વચ્ચે નહીં બલ્કે બે સંસ્કૃતિઓ વચ્ચે લડાશે.' આ સભ્યતાગત સંઘર્ષ વિશેષરૂપે મુસ્લિમો અને બિનમુસ્લિમો વચ્ચે ફાટી નીકળશે જેને પરિણામે અનેક દેશોની સરહદો પર ખૂની સંઘર્ષ ફેલાશે અને મોટા પાયે વિસ્થાપન થશે. તેઓએ કહ્યું હતું કે, ઇસ્લામ પશ્ચિમી (ઈસાઈ) જગતને પડકારશે અને ઇસ્લામી અને ચીની સંસ્કૃતિ પશ્ચિમી જગત વિરુદ્ધ ગઠબંધન કરશે પરિણામે વિશ્વમાં મોટો સંઘર્ષ (વિશ્વયુદ્ધ) ફાટી નિકળશે.
 
છેલ્લા દાયકામાં વિશ્વમાં આજ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઇરાક, અમેરિકા, અફઘાનિસ્તાન પર અમેરિકાના હુમલા દરમિયાન કટ્ટરવાદી ઇસ્લામવાદીઓએ તે હુમલાને ઇસ્લામ પર હુમલો ગણાવી સમગ્ર મુસ્લિમ વિશ્વને જેહાદ માટે સંગઠિત થવા ભડકાવ્યા હતા. હાલ અજરબજાન (મુસ્લિમ દેશ) અને આર્મેનિયા (ઈસાઈ) દેશ વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. તો ઇઝરાયેલના પેલેસ્ટાઇન પર હુમલા બાદ તો ઇસ્લામિક વિશ્વ અને ઈસાઈ વિશ્વ સામ સામે આવી ગયું છે અને ગમે ત્યારે ઇસ્લામિક દેશો ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધમાં કુદી પડી શકે છે. ઇરાન ઇસ્લામિક દેશોને ઇઝરાયેલ વિરુદ્ધ સંગઠિત થઈ જેહાદ માટે ભડકાવી રહ્યું છે અને ખુલ્લી ધમકી આપી છે કે, જો ઇઝરાયેલ હમાસ વિરુદ્ધ કાર્યવાહી નહીં રોકે તો મુસલમાનોને કોઈપણ રોકી નહીં શકે. જેના વળતા પ્રહાર માટે પશ્ચિમના અમેરિકા સહિતના ઈસાઈ દેશો પણ તૈયાર બેઠા છે. ત્યારે આગામી સમયમાં હન્ટિગ્ટનની ત્રીજા વિશ્વયુદ્ધ અંગેની ભવિષ્યવાણી સાચી પડી રહી હોવાનું હાલ પુરતું તો લાગી રહ્યું છે.
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…