શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની સોળેય કળાઓથી યુક્ત હોય છે....

ચંદ્રને મન સાથે સીધો સંબંધ છે. જ્યોતિષીઓ એટલે ચંદ્રનો નંગ પહેરવાનું કહે છે. સર્જકોનો ચંદ્ર બળવાન હોય છે. એટલે જ એના અક્ષરનું અજવાળું સૂર્ય જેવું દાહક નહીં પણ ચંદ્ર જેવું શીતળ હોય છે.

    ૨૮-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Sharad Purnima in gujarati
 

આસો સુદ-પૂનમ - શરદપૂનમ નિમિત્તે । શરદપૂનમની શીતળ સંવેદનાની સહેલગાહ | Sharad Purnima in gujarati

 
ભારતીય સંસ્કૃતિના ચંદ્ર સાથે જોડાયેલા અનેક તહેવારો છે. હિંદુ સંસ્કૃતિમાં કડવા ચોથ એટલે નારીના સમર્પણનો સંદેશ આપતો તહેવાર. પરિણીત પુરુષોનો એક દિવસ રાજ કરવાનો દિવસ...! પતિ દીર્ઘાયુ થાય એવી અંદરની આરત હોય છે. યમદૂત પાસેથી પતિને પાછો લઈ આવી શકે એ `નારીશક્તિ'ને દંડવત્‌‍ પ્રણિપાત જ હોય. ખારવા પ્રજાતિ તો ચંદ્રને દેવ તરીકે પૂજે છે. વિક્રમ સંવત અનુસાર આસો સુદ પૂનમ એ ચંદ્રના નામે લખાયેલો દિવસ (રાત) છે. પૂર્ણ કળાએ ખીલવાની અને ખૂલવાની હજારો ક્ષણોનો સરવાળો એટલે શરદ પૂનમ. દૂધ પૌંવા સાથે દૂધમલી સૃષ્ટિને આસ્વાદવાનો અવસર એટલે પૂર્ણિમા. એ દિવસે સૃષ્ટિ નવપલ્લિત અને નવોઢા થઈ જાય છે. સફેદ વસ્ત્રો પહેરી પૃથ્વી જાણે અભિસાર કરવા નીકળી હોય..! કોઈ કુરૂપ હોતું નથી, સમગ્રતયા સૌન્દર્યના સાક્ષાત્કારની ક્ષણ હોય છે.
 
તાજેતરમાં ભારતે `ચંદ્રયાન-૩' અવકાશમાં તરતું મૂક્યું. જાણે ચાર ચાંદ લાગી ગયા! જેના રાષ્ટધ્વજમાં એક ચાંદ છે એ હજુ આતંકવાદના અંધારામાં જ જીવે છે. માનવીએ ચંદ્ર પર પ્રથમ પગલું મૂક્યું એ સુવર્ણઘટનાની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ હતી. ૫૦ વખત થવી જ જોઈએ. નાનીસૂની ઘટના નથી. લોસ્ટ મૂન પુસ્તકમાં ચંદ્ર પર પહોંચવાની દિલધડક ઘટનાને બખૂબી આલેખિત કરવામાં આવી છે. ચંદ્ર પર પગ મૂકી નીલ આર્મસ્ટ્રોંગે કહ્યું હતું કે, માનવીનું આ એક પગલું, માનવજગતની બહુ મોટી છલાંગ છે.
 
`ચંદ્ર એક માત્ર કુદરતી ઉપગ્રહ છે' આવી વૈજ્ઞાનિક સમજ તો બહુ મોડેથી આવી પણ દાદીની ચાંદામામા તરીકેની વૈચારિક સમજ તો બહુ જ વહેલા આવી ગઈ હતી. ચંદ્રની આંખ સામે મોટા થયેલા આપણે અથવા તો આપણી આંખ સામે નાના-મોટા થતા ચંદ્રનાં બહુવિધ સ્વરૂપ નિહાળ્યાં છે. બાળપણમાં ચાંદામામા, યુવાન થતા પ્રેયસીના ચહેરા જેવો ચાંદ અને વૃદ્ધાવસ્થામાં પૂજનીય ચાંદ. વૈજ્ઞાનિકો પહેલા કવિઓ કલ્પનાથી ચંદ્રની સફર ખેડી ચૂક્યા હતા. આમેય કોઈ રિસર્ચની શરૂઆત હાઈપોથિસિસથી થતી હોય છે. કવિતાજગતે તો ચાંદને ખૂબ લાડ લડાવ્યાં છે. હરીન્દ્ર દવેના શબ્દોમાં કહીએ તો `સ્હેજ ચાંદની છલકીને તમે યાદ આવ્યા..' ગોપનાથના દરિયાકિનારે સર્જાયેલું ગુજરાતી ભાષાના ઘરેણાં જેવું કાવ્ય સાગર અને શશી. આ ભરતી-ઓટના લીધે ચંદ્ર અને પૃથ્વીની ધરીની સ્થિતિશક્તિમાં ઘટાડો થાય છે. કોઈ પણ નવોદિત કવિ કાવ્યલેખનનો પ્રારંભ કરે એમાં એના ગમતા આઠ-દસ વિષયમાં ચંદ્ર હોય જ. આખો દિવસ દોડધામમાં પસાર થઈ જાય છે, પણ રાત પડે એટલે ડનલોપી પલંગમાં પણ અનિદ્રાદેવી આસન જમાવે ત્યારે ચંદ્ર સહારો બને છે. ગરીબ લોકોને સપનામાં ચંદ્રને નિહાળવાનો, વિરહી પ્રેમીને તારા ગણવામાં, બાળકોને પરીકથાની સૃષ્ટિમાં લઈ જવામાં અને વડીલોને ખાલીખમ સમયમાં સ્મૃતિઓનું અજવાળું પાથરવામાં ચંદ્ર વહારે આવે છે.
 
ફિલ્મજગતે પણ ચાંદને ખૂબ માનમરતબો આપ્યો છે. આજનો ચાંદલિયો મુને લાગે બહુ પ્યારો જેવી ભાવસભર ભાવાભિવ્યક્તિ આજનાં ફિલ્મી ગીતોમાં ક્યાંક ખૂટે છે. `ચાંદ આહેં ભરેગા'થી `ચંદા કી કટોરી' સુધીના વેરીયસ મૂડને આલેખાયા છે. ભૂખ્યાને રોટલી જેવો અને સમૃદ્ધિને સૌન્દર્યના પ્રતીક જેવો ચાંદ લાગે છે. રોમિયો અને જુલિયેટમાં શેક્સપિયર કહે છે `O, Swear not by me moon, the in constant moon, that monthly changes in her circled ord, lets that thy love prove likewise variable.' આ જ વાત અભિવ્યક્તિ ફેરે બીજા મધ્યકાળના મહાન સર્જક દયારામ પદમાં કહે છે `હવે સખી નહીં બોલું, નહીં બોલું રે, કદાપિ નંદકુંવરની સંગે રે, હે મુને શશીવદની કહે છે રે, ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે.'
 
ચંદ્રને મન સાથે સીધો સંબંધ છે. જ્યોતિષીઓ એટલે ચંદ્રનો નંગ પહેરવાનું કહે છે. સર્જકોનો ચંદ્ર બળવાન હોય છે. એટલે જ એના અક્ષરનું અજવાળું સૂર્ય જેવું દાહક નહીં પણ ચંદ્ર જેવું શીતળ હોય છે. `હથેળી પર ચાંદ બતાવવો' કહેવતનો અર્થ લાલચ આપવી થાય પણ જ્યોતિષ પ્રમાણે જેની હથેળીમાં ચાંદ આકારની રેખાઓ હોય એને ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે. એ જે હોય તે પણ શરદપૂનમની રાતે, દરિયાના કિનારે બેઠાં બેઠાં ચંદ્ર જોવા મળે એ વ્યક્તિ નસીબદાર છે.
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.