નિત્ય નૂતન, નિત્ય વર્ધમાન વ્હાલના વારસદારો : સિનિયર સીટીજન

`યંગ ઇન્ડિયા" આવનારા સમયમાં `ઓલ્ડ એજ ઇન્ડિયા" બની જશે. ઇન્ડિયા એજિંગ રિપોર્ટ - ૨૦૨૩ મુજબ ૨૦૨૧માં ભારતની કુલ વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા ૧૦.૧ ટકા હતી, જે ૨૦૩૬માં ૧૫ ટકા થશે અને ૨૦૫૦માં અધધ વધીને ૨૦.૮ ટકા સુધી પહચી જશે.

    ૦૯-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

youth india
 
 
ભારત વિશ્વનો સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. પરંતુ યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના તાજેતરના એક રિપોર્ટ મુજબ ભારતમાં વૃદ્ધોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે અને `યંગ ઇન્ડિયા' આવનારા સમયમાં `ઓલ્ડ એજ ઇન્ડિયા' બની જશે. ઇન્ડિયા એજિંગ રિપોર્ટ - ૨૦૨૩ મુજબ ૨૦૨૧માં ભારતની કુલ વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા ૧૦.૧ ટકા હતી, જે ૨૦૩૬માં ૧૫ ટકા થશે અને ૨૦૫૦માં અધધ વધીને ૨૦.૮ ટકા સુધી પહચી જશે. ચાલુ સદીના અંતે ભારતની કુલ વસ્તીમાં ૩૬ ટકા વૃદ્ધો હશે. વૃદ્ધોની વધતી સંખ્યાને બે અલગ-અલગ દૃષ્ટિકોણથી જોવાઈ રહી છે. હકારાત્મક દૃષ્ટિકોણમાં વૃદ્ધો અનુભવનું અત્તર છે અને નકારાત્મક દૃષ્ટિએ વૃદ્ધો સમાજ પરનો એક મોટો ભાર છે.
 
સકારાત્મક વિચાર અપનાવી વૃદ્ધોને જો તેમની ઉંમરના પ્રમાણમાં કોઈ રચનાત્મક કાર્ય સાથે જોડવામાં આવે તો તેઓ માનસિક - શારીરિક રીતે સ્વસ્થ રહેશે અને સમાજ માટે ઉપયોગી સાબિત થશે.
 
ઇન્ડિયા એજિંગ રિપોર્ટ વૃદ્ધોને સાચવવાના પડકાર સાથે એક અવસર તરફ પણ આપણું ધ્યાન દોરે છે. આ અંગે સરકાર કે લાગતીવળગતી સંસ્થાઓએ એક મૂલ્યવાન રોડ મેપ ત્ૌયાર કરવાની જરૂર છે. જેમાં વૃદ્ધ વ્યક્તિઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત વ્યવસ્થા ઉપરાંત તેમનું જીવન પ્રવૃતિમય રહે તે માટે પણ વિશેષ યોજના બને. તેમની આર્થિક જરૂરિયાતને સહાય ઉપરાંત ગૌરવયુક્ત કાર્ય આપીને પ્ૂાર્ણ કરાય, જેથી તેઓ પોતાને ઓશિયાળા, પરાવલંબી મહેસૂસ ના કરે. ભારતમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે આપણા બધાની જવાબદારી છે કે તેમને સમાજ સાથે એકીકૃત કરવામાં આવે, જ્યાં તેઓ સામાજિક પરિસ્થિતિઓ સુધારવા માટે નધપાત્ર યોગદાન આપી શકે. વૃદ્ધત્વ હોય એટલે સમસ્યાઓ હોય જ. પરંતુ આપણે તેમની `સમસ્યા'ને `સમાધાન'માં બદલવાની છે.
 
આ દિશામાં ભારતે અગાઉથી આવકાર્ય કાર્ય આરંભી દીધું છે. ભારતમાં વૃદ્ધોના આરોગ્ય, આર્થિક અને સમાજિક પરિમાણોની વૈજ્ઞાનિક તપાસ માટે દેશમાં એક વ્યાપક અને મોટો રાષ્ટ્રીય સર્ર્વે - Longitudinal Aging Study in India - (LASA) - હાથ ધરવામાં આવ્યો છે. જેના વિવિધ આયોજનોમાં સિનિયર સિટિઝનો માટે વિશેષ સ્ટાર્ટઅપ યોજના અને રાષ્ટ્રીય હેલ્પ લાઇન જેવા નવતર પ્રયોગોય સામેલ છે. આ ભારતનું પ્રથમ અને વિશ્વનું આજ સુધીનું સૌથી મોટું સર્વેક્ષણ છે. એના દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય નીતિ ઘડાશે, જે તેમને ગૌરવશાળી જીવન પ્રદાન કરશે.
 
આ મુદ્દાને ભાવનાત્મક રીતે ય મૂલવવાની જરૂર છે. સિનિયર સીટીજનો માત્ર `વૃદ્ધો' નથી, `વડિલો' છે. એટલે કે વડલો છે. જેમ કોઈ ગામમાં આવેલા વડલાની આસપાસ ઓટલો બાંધીને લોકો જાળવે તો એ વડલો આખા ગામને છાંયો આપે છે. તેમ આપણે આપણા વડિલોને જાળવીએ તો તેઓ આપણા પરિવાર, સમાજ અને સમગ્ર દેશ માટે સહાયક બની શકે છે.
 
જેમ સરકારે વૃદ્ધો માટે વિશેષ વિચાર કરવાનો છે તેમ વૃદ્ધોએ પોતાના માટે પણ વિચારવું રહ્યું. `વાર્ધક્ય એ વિનાશની નહીં પણ વિકાસની પ્રક્રિયા છે.' - આ સત્ય વડીલોએ સમજવાની જરૂર છે. માણસો વધતી વયથી ડરીને કહેતા હોય છે કે, `મને મૃત્યુનો ડર નથી, પણ વૃદ્ધોની સમસ્યાઓ જોઉં છું ત્યારે ડર લાગે છે.' ખરેખર એ જ વૃદ્ધો હેરાન થાય છે જે કાર્યમાં ઓતપ્રોત નથી બનતા. પ્રવૃત્તિ વિના માણસનું શરીર અને મન બંને ઢીલાં પડી જાય છે. માણસને વિચિત્ર વિચારો આવવા લાગે છે. દરેક વડીલે કામ સાથે સંકળાયેલા રહેવું જોઈએ. વૃદ્ધાવસ્થાને સોનું બનાવી શકે એવી શક્તિ `કાર્ય' નામના પારસમણીમાં રહેલી છે.
 
વડીલો કહેશે કે, `... પણ અમે કામ કરી શકીએ કે વિચારી શકીએ તેમ નથી.' ઉંમર વધવાની સાથે શરીરની કાર્યક્ષમતા ઘટે એ વાત સાચી, પણ હૈયામાં જો હામ હોય અને મન મક્કમ હોય તો શક્તિઓ પાછી એકત્રિત કરી શકાય છે. આજે અનેક ઉદ્યોગપતિઓ વયોવૃદ્ધ હોવા છતાં દિવસ રાત કામ કરે છે. હજ્જારોના સ્ટાફ, જાયન્ટ સોદાઓના ટેન્શન અને કરોડોના ટર્ન ઓવરની જવાબદારી એકલા હાથે ઉપાડે છે.
 
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનાં ૩૭% વૃદ્ધો કાર્યરત છે. જેમાં સૌથી વધુ ૫૮% ખેતી સાથે જોડાયેલા છે. માટે કોઈ આયોજન વિચારાય ત્યારે તેમની પ્રોફેશનલ સ્કિલ, વિશેષતા, એકસ્પર્ટાઇઝ વગેરે ધ્યાનમાં રાખવા જોઈએ. કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર, કોઈ કલાકાર, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આમ જુદા જુદા સેક્ટરમાં કામ કરનારા વયોવૃદ્ધ લોકોનો ઉપયોગ જે તે સેક્ટરમાં કેવી રીતે કરવો તેનો વિચાર જરૂર કરવો જોઈએ.
 
ગ્રીક નાટ્યકાર ઈસ્કીલ કહે છે કે, `દરેક વૃદ્ધ માણસ હંમેશાં કંઈક નવું શીખવા જેટલો યુવાન તો હોય જ છે.' અને ફાધર વાલેસના શબ્દો ય છે કે, `કોઈ વૃદ્ધ વ્યક્તિ એવું ના માને કે એનું જીવન નકામું છે અને હવે એ કંઈ કરી શકે તેમ નથી. કારણ કે એ આખરે સૌને વહાલ તો કરી જ શકે છે.' વૃદ્ધાવસ્થાને નિખારવા માટે શું આ બે વાક્યો પુરતાં નથી ?
 
ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધ નિત્ય નૂતન છે, નિત્ય વર્ધમાન છે. વૃદ્ધો વ્હાલના વારસદારો છે. વૃદ્ધાવસ્થા એ માત્ર વર્ષોનો ખડકલો કરીને ખખડી ગયેલી કાયા નથી. એ તો જાત-ભાતના અનુભવો બાદ ક્ષીણ થઈ ગયેલો દેહ છે. એની એક એક કરચલીમાં અને એક એક સફેદ વાળમાં અનુભવોનું અત્તર ભરેલું હોય છે. આપણે એ અનુભવોના અત્તરથી સમાજને સુગંધિત કરવાનો છે. ભારતમાં ભલે વૃદ્ધોની સંખ્યા વધી જાય પણ એ માત્ર ઉંમરનો પડાવ હશે, આપણા વૃદ્ધો મનથી યુવાન જ રહેશે અને ભારત હંમેશાં યુવાનોનો દેશ જ ગણાશે એ વિશ્વાસ છે.
 

મુકેશ શાહ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

  • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
  • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.