ડૉ. આંબેડકરજીના કયા અનુયાયી સાચા?

રા. સ્વ. સંઘ પ્રત્યેનું ડૉ. આંબેડકરજીનું આ સમયદાન ભારતના `સ્વ"થી પ્રેરિત હતું. તેઓએ સંઘને ક્યારેય મનુવાદી કહ્યો નહિ. તેઓ પોતાના ઉપર વામપંથીઓ અને કોંગ્રેસીઓએ કરેલા સતત હુમલા અંત સમય સુધી સહન કરતા રહ્યા.

    ૦૯-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

babasaheb

સમર્પણની સર્વોચ્ચતા છે- જીવનનું સમર્પણ. જીવનનું સમર્પણ એટલે પોતાના સમયનું સમર્પણ. પરમ શ્રદ્ધેય બાબાસાહેબ આંબેડકરજીના કિંમતી સમયના અર્પણ-દાનની એ ક્ષણો સ્વર્ણિમ છે, જ્યારે ૧૯૩૯માં તેઓ રા. સ્વ. સંઘ (RSS)ના પૂના ખાતેના સંઘ શિક્ષા વર્ગમાં પધારેલા. ડૉ. બાબાસાહેબ આંબેડકરજી સાથે સંઘના પૂ. આદ્ય સરસંઘચાલક ડૉ. હેડગેવારજીનો સંબંધ હતો. એક ડૉક્ટરે Ph.D કરેલ તો બીજા ડૉક્ટરે કલકત્તાની કૉલેજમાંથી મેડિકલનો અભ્યાસ કરેલો. બંનેએ સમાજની-રાષ્ટની નાડ પારખેલી. સમાજ-રાષ્ટનો ધબકાર તેઓનાં હૃદય ઝીલતાં હતાં. ત્યાં વર્ગમાં ડૉ. બાબાસાહેબની સાથે તેઓના અનુયાયીઓ પણ આવેલા હતા, તેમાંના એક સ્વતંત્રતા બાદ મહારાષ્ટમાં એમ.એલ.એ. પણ બન્યા હતા. તેઓએ પોતાનું આત્મચરિત્ર લખેલું છે, તેમાં તેઓએ, ડૉ. આંબેડકરજીના આગમનની ક્ષણોના સંઘના વર્ગમાં ભાવવાહી દૃશ્યની ઝલક તેઓએ લિપિબદ્ધ કરેલી છે. ડૉ. બાબાસાહેબ પોતાના અનુયાયીઓ સાથે સંઘ શિક્ષા વર્ગમાં પહોંચ્યા ત્યારે ભોજન શરૂ થવામાં જ હતું અને ડૉ. હેડગેવારજીને જેવી ખબર પડી કે, દરવાજા સુધી સૌ આવી પહોંચ્યા છે ત્યારે ડૉ. હેડગેવારજીએ સ્વયંસેવકોને કહ્યું કે, હમણાં રોકાઈ જાઓ. ભોજનનો પ્રારંભ કરતા નહીં, અને ખુદ ઊભા થઈને તેઓ ડૉ. બાબાસાહેબ અને તેમની સાથેના સૌ અનુયાયીઓને લઈ આવ્યા. સાથે બેસી સૌએ આનંદપૂર્વક ભોજન કર્યું.

ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ ત્યાં વર્ગના સ્વયંસેવકો સાથે વાતચીત કરી. ખુદ તપાસી પાકું કર્યું કે, સંઘમાં બિલકુલ જાતિભેદ નથી. બપોરે ડૉ. હેડગેવારજીનો બૌદ્ધિક વર્ગ પહેલાંથી જ નિશ્ચિત થયેલો હતો, છતાં ડૉ. હેડગેવારજીએ ડૉ. આંબેડકરજીને બૌદ્ધિક વર્ગ લેવા માટે આગ્રહ કર્યો અને કહ્યું કે, આપ સ્વયંસેવકોનું માર્ગદર્શન કરો. ડૉ. આંબેડકરજીએ બૌદ્ધિકના માધ્યમથી સંઘના સ્વયંસેવકોને ભારતમાંથી તમામ પ્રકારના ભેદોનો નાશ કરવા હાકલ કરી. વર્ગના (ઊંચનીચના ભેદભાવોથી મુક્ત) વાતાવરણમાં તેઓને જે પ્રસન્નતા પ્રાપ્ત થયેલી તે અવર્ણનીય છે. રા. સ્વ. સંઘ પ્રત્યેનું ડૉ. આંબેડકરજીનું આ સમયદાન ભારતના `સ્વ'થી પ્રેરિત હતું. તેઓએ સંઘને ક્યારેય મનુવાદી કહ્યો નહિ. તેઓ પોતાના ઉપર વામપંથીઓ અને કોંગ્રેસીઓએ કરેલા સતત હુમલા અંત સમય સુધી સહન કરતા રહ્યા.
 
રાષ્ટ્રને સમર્પિત આવું વ્યક્તિત્વ જ સૌને ન્યાય મળી શકે તેવું શાસ્ત્ર રચી શકે. અતિ મેધાવી અને વિચક્ષણ ડૉ. આંબેડકરજીએ આપણને આપેલું સંવિધાન તેઓની અતિસૂક્ષ્મ ન્યાયદૃષ્ટિને ઉજાગર કરે છે. અલબત્ત વૈદિક ભારતમાં તો ન્યાયશાસ્ત્રનો, એક વિષય તરીકે વિસ્તૃત, વ્યાપક અને પરિપૂર્ણ વિચાર થયેલો છે. આ વૈદિક ન્યાયશાસ્ત્રમાં ન્યાયપ્રક્રિયા કે વ્યાપક મંથનના સમયે થતી ચર્ચા દરમિયાન વ્યક્તિની અભિવ્યક્તિના ચાર પ્રકારોનું વર્ણન છે. ચર્ચા વખતે વ્યક્તિ ચાર રીતે અભિવ્યક્ત થાય છે. સંવિધાનની રચના વખતે ડૉ. આંબેડકરજી આ ચારેય પ્રકારની અભિવ્યક્તિઓની કસોટીએ ખરા ઉતરેલા.
 
૧, वाद
 
જ્યાં ચર્ચામાં સહભાગી તમામ પક્ષ પૂર્વાગ્રહ અને બાહ્ય દોરવણીથી મુક્ત હોય છે, જાણે સૌ કોરી સ્લેટ! જ્યાં પરસ્પર સન્માન સહ મંથન કરીને સાર તારવવાનો સામૂહિક ઉદ્દેશ્ય હોય છે. જ્યાં પોતાનો મત/અભિપ્રાય પૂરી તાકાતથી રાખી શકાય તેવું વાતાવરણ હોય છે. જ્યાં સામાપક્ષને સાંભળ્યા બાદ લાગે કે, સત્ય પોતાના મત/અભિપ્રાયથી કંઈક અલગ જ છે, ત્યારે પોતાની ભૂલને સ્વીકારવાવાળી; મનની વિશાળતા હોય છે. જ્યાં સત્યનો સ્વીકાર કરવાની પ્રતિબધ્ધતા હોય છે. હા, અને જ્યાં ચર્ચાના અંતે નિષ્કર્ષ પર પહોંચ્યા બાદ કંઈક પામ્યાનો અનેરો આનંદ સૌના ચહેરે લહેરાતો જોઈ શકાતો હોય. `વાદ'નો નજીકનો અંગ્રેજી શબ્દ છે- સિંમ્પોઝિયમ. વાદ અંગે કહેવાયું છે- वादे वादे जायते तत्वबोधः તે અનુસાર તત્ત્વબોધ પામ્યા વગરનો વાદ વાંઝિયો-નિરર્થક ગણાતો. સંવિધાનસભા અંતર્ગત આવા `વાદ'ના વાતાવરણવાળી ચર્ચા વખતે ડૉ. બાબાસાહેબે સૌનાં મન જીતી લીધેલાં.
 
૨, जल्प
 
આ એવી ચર્ચા છે, જ્યાં એક કે વધુ કે બધા પક્ષો; પોતે જે કહી રહ્યા છે તે જ માત્ર સત્ય છે, તેને સાબિત કરવા મથી રહ્યા હોય છે. (તેમાંય વળી જ્યારે પોતાને પાકી ખાત્રી હોય કે પોતે સાવ જ ખોટા છે, ત્યારે પણ!) ઉદા. કોર્ટમાં વકીલો દ્વારા કરવામાં આવતી દલીલો. અગર કોઈ વકીલને વધુ પૈસા મળતા હોય તો પહેલા દિવસે કરેલી પોતાની વાતનું પણ ખંડન પોતે જ કરવા લાગી જાય. સત્યની સાથે છૂટાછેડા! ટીવી ચેનલો પર અંગ્રેજીમાં વપરાતા `ડિબેટ' શબ્દને આ નો અનુવાદ કહી શકીએ. ડૉ. આંબેડકરજી આવી `ડિબેટ' વખતે પણ પોતાના વિચારોથી ક્યારેય પાછા પડ્યા નહિ.
 
૩, वितंडा
 
જાણે જન્મથી જ નિશ્ચિત કરી લીધું હોય કે, બસ આ એક સિવાય બાકી બધું જ ખોટું છે, હવે હું મારા જીવનમાં ક્યારેય બીજો વિચાર કરી જ ન શકું. જેમ કે પાક્કા કમ્યુનિસ્ટ, પાક્કા લેફ્ટ લીબરલ કલ્ચરલ માર્ક્સિસ્ટ, પાકા એટલે બિલકુલ હાર્ડકોર! તેમનું એટલી હદે કટ્ટર હોય કે, તેમને જેવી ખબર પડે કે, સંસાર શબ્દ તો હિન્દુ છે, ભારતનો છે! તો આખાય સંસારનો સખ્તાઇથી વિરોધ કરવો, એવી એમની રીત-રસમ છે! જુઓને પેલી દેશી સ્ટાલિન એન્ડ કં. `સનાતન' પ્રત્યે કેટલી નફરત ઓંકે છે? `ભારત'નું `સ્વ' મુખરિત થતું હોય તેવા તમામ શબ્દો તેમના માટે ગાળોથીય ઉતરતા છે, ઉદા.- વેદ, ઉપનિષદ, યોગ, યજ્ઞ, પુનર્જન્મ, આત્મા, સનાતન, મંદિર, કુટુંબ, લગ્ન, સત્ય, ધર્મ, કર્મ, નૈવેધ, વ્રત, તહેવાર સંસ્કાર, સંસ્કૃત, રાષ્ટ, તિલક, રામ, કૃષ્ણ, દુર્ગા, શિવાજી, લક્ષ્મીબાઈ, વિવેકાનંદ, અરવિંદ, ગાંધી, સરદાર, આંબેડકર, સંગઠન (સંઘ), સરસ્વતીવંદના, હિન્દી, હિન્દુ, મૂલ્યો વગેરે વગેરે... `ભારત' શબ્દ પર આખીય કમ્યુનિસ્ટ-વામપંથી જમાત કેવી તૂટી પડી છે? તેમને બ્રિટિશ સમયની ગુલામ-માનસિકતાને પોષવી પોષાય પણ ભારત ન પોષાય. તેનો હાલનો તાજો નમૂનો એટલે `ભારત' વિરુદ્ધ `Indi + એલાયન્સના a'નો શોરબકોર. જીવનભર બસ માત્ર એક જ કામ, પ્રાસંગિકતા કે પ્રસંગોચિતતા પણ નહીં જોવાની, સાચું-ખોટું કંઈ જ નહીં વિચારવાનું, ગાડરિયા પ્રવાહમાં વહેવું અને જ્યારે વળી તેનો પણ અહંકાર હોય પછી તો પૂછવું જ શું? આવા લોકો ચર્ચામાં જે સ્વરૂપ ધારણ કે તે છે `વિતંડા.' કોમ્યુનિસ્ટોએ જ્યારે જ્યારે ચર્ચા વખતે વિતંડા ઊભી કરી તો પણ ડૉ. આંબેડકરજી વિચલિત થયા નહિ.
 
૪, छल
 
ચર્ચા વખતે આ સ્વરૂપમાં ચર્ચા કરનારા લોકો સાથે; ભગવાન કરે; ચર્ચા કરવાનો પનારો ના પડે! કારણ કે તેમની સાથે ચર્ચા સદા-સર્વદા નિરર્થક રહેવાની. સમયનો નર્યો દુર્વ્યય! આવા લોકો સાથેની ચર્ચામાં; ભલેને એક સમયે તે લોકો જેવું ઇચ્છે તેવું પણ બોલવા લાગી જાઓ તો પણ તે લોકો તેને પણ ઉંધા અર્થમાં જ લેવાના. તેમનું કામ છે માત્ર ને માત્ર વિરોધ.
 
એક સમયે પોપે અમેરિકા જવાનું નક્કી કર્યું. પોપને તેમના સાથીદારોએ ભારપૂર્વક કહેલું કે, ત્યાં અમેરિકા જાઓ ત્યારે ત્યાં પત્રકારોથી ખાસ ચેતતા રહેજો. આ મુદ્દે પોપને; વિમાનમથકે ઉતર્યા ત્યારથી માનસિક પ્રેશર હતું. વિમાનમથકે પત્રકારોએ તેમને ઘેરી લીધા. તે સમયમાં અમેરિકાને `Nudist Club'નું ઘેલું લાગેલું હતું. કપડાં શા માટે પહેરવાં? આ બધું બેકાર છે, મનુષ્ય તો સ્વતંત્ર છે. તેને વળી કપડાંનું બંધન? મનુષ્યને સંપૂર્ણપણે મુક્ત કરવાના વિચારોનું વાવાઝોડું ફૂંકાયેલું. નવાં નવાં સ્થાનો પર Nudist Club શરૂ થવાનો એ અરસો હતો. આ ગતકડું ભારે જામ્યું. આ ક્લબમાં સભ્યો માટે એક માત્ર શરત હતી કે, તેઓએ પોતાનાં શરીર પર નામનુંય એક કપડું પહેરવાનું નહીં! સૌ સંપૂર્ણ નગ્ન! સંપૂર્ણ મુક્ત! આ ક્લબના સભ્યોનો Nudist તરીકેનો વજનદાર મોભો ભાવિ સભ્યોને આકર્ષતો હતો. અમેરિકામાં પોપ પણ બહુ લોકપ્રિય હતા. પોપ જેવા ઉતર્યા ત્યારે પત્રકારોએ પ્રશ્ન કર્યો કે, હિઝ હોલીનેસ, શું આપ કોઈ Nudist Clubમાં જવાના છો કે? પોપ વિચારમાં પડી ગયા કે, જો હું એવું કહીશ કે, `નથી જવાનો'; તો આ પત્રકારો એવો પ્રશ્ન ઉપસ્થિત કરશે કે, પૂરા વિશ્વને ઈશુનો સંદેશ આપનાર હિઝ હોલીનેસ Nudist Clubને કેમ બાકાત રાખી રહ્યા છે. શું Nudist Club વિશ્વની બહાર છે? પત્રકારો આવો પ્રશ્ન ન ઊભો કરે તે માટે પોપે ઉત્તર આપવાના બદલે સામો પ્રશ્ન કર્યો કે, શું ન્યૂયોર્કમાં Nudist Club છે કે? આવું કરવાથી વાત તો ત્યાં ખતમ થઈ ગઈ. પણ બીજા દિવસે `ન્યૂયોર્ક ટાઈમ્સ'ના પહેલા પેજ ઉપર મોટા શીર્ષક સાથે સમાચાર છપાયા કે, હિઝ હોલીનેસે ન્યુયોર્કના વિમાનમથકે ઉતરતાંની સાથે જ પત્રકારોને પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે, ન્યુયોર્કમાં કોઈ Nudist Club છે કે? પૂરી વાતચીતની જાણકારી કેટલા લોકોને હોય? જેઓ માત્ર આ સમાચાર જ વાંચે તે સૌ એવું જ વિચારેને કે, પોપને અહીં ન્યુયોર્કમાં ઉતરતાં વેંત વળી Nudist Club માટે શું કામ તાલાવેલી જાગી? આ છે ન્યુયોર્કના વિમાનમથકે થયેલ ચર્ચા અને પીળી પત્રકારિતાનું અસત્યથી છલોછલ `છલ'. ડૉ. આંબેડકરજી ચર્ચા વખતે આવા `છલ'નો પણ છેદ ઉડાડી દેવામાં સમર્થ સાબિત થયેલ.
 
આપણા આવડા વિસ્તૃત સંવિધાનની રચના વખતે આંબેડકરજીએ `વાદ, જલ્પ, વિતંડા અને છલ'ની વચ્ચેથી કેવા- કેવા માર્ગ કાઢ્યા હશે, જેના લીધે અંતે આપણને આપણું પોતીકું સંવિધાન પ્રાપ્ત થયું છે! તેઓનો આ પ્રચંડ પુરુષાર્થ આપણા સૌ માટે અત્યંત પ્રેરક છે.
 
We are Nation in Making કહેવાવાળી જમાત એવા વહેમમાં હતી કે, અમે `ઇન્ડિયા' બનાવીશું, પરંતુ આંબેડકરજી જાણતા હતા કે આ રાષ્ટ યુગો-યુગોથી હતું. આપણે વળી તેને બનાવનારા કોણ? ભારત નામના સનાતન રાષ્ટને નકારીને Nation in Makingવાળાઓનું પશ્ચિમી અંધાપામાં ઉછરેલું આછકલાઈભર્યુ છિછરાપણું હાવિ થયું ત્યારે આંબેડકરજીએ કુનેહ વાપરીને સંવિધાનની પહેલી લીટીમાં- ઇન્ડિયા, ધેટ ઈઝ ભારત એવું કહી દીધું. આંબેડકરજીએ; સંવિધાન સભાની ચર્ચા વખતે ખૂબ જ દબાણ હતું તો પણ ભારતને સોસીયાલીસ્ટ (સમાજવાદી) અને સેક્યુલરવાળું ટેગીંગ કરવા ન દીધું. તેઓ સામે પ્રવાહે તર્યા. જલ્પ, વિતંડા અને છલનો સમૂળ છેદ ઉડાડી દીધો. પરંતુ આ જ કોંગ્રેસીઓ- કમ્યુનિસ્ટોએ દેશ પર કટોકટી લાદીને સોસીયાલીસ્ટ (સમાજવાદી) અને સેક્યુલર શબ્દો; `આંબેડકરી સંવિધાન'ના આમુખમાં અનઅધિકૃતપણે ઉમેરીને ડૉ. આંબેડકરજીનું સરાજાહેર અપમાન કરેલું. હમણાં દેશને આ વાતની ત્યારે જ સાચી ખબર પડી, જ્યારે નવ નિર્મિત સંસદભવનમાં સૌને આપવામાં આવેલ સંવિધાનની પ્રતોના આમુખમાં સોસીયાલીસ્ટ (સમાજવાદી) અને સેક્યુલર શબ્દો જોવા ન મળ્યા. કમનસીબે આજે એવા કેટલાય શખ્શો-ઈસમો; પોતાને (તથાકથિત) આંબેડકરવાદી હોવાનું જણાવીને, સત્તાની લાલચમાં આજે ડૉ. આંબેડકરજીના ઘોર શત્રુ- કોંગ્રેસીઓ અને કમ્યુનિસ્ટોને પોતાને માથે બેસાડીને તેમનો જયજયકાર કરી રહ્યા છે, જેની સામે શ્રી આંબેડકરજી જીવનભર ઝઝૂમ્યા તેવાં કોંગ્રેસી-કમ્યુનિસ્ટનાં શસ્ત્ર-જલ્પ, વિતંડા અને છલના સહારે કહેવાતા બની બેઠેલા અનુયાયીઓ પરમ ડૉ. બાબાસાહેબનો દ્રોહ નથી કરી રહ્યા?
 
ભારતના `સ્વ' વિરોધી નેરેટીવ્ઝ આ જલ્પ, વિતંડા અને છલથી ઊભા કરવામાં આવેલા છે.

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.