ભારતીય વાયુસેનાના પરાક્રમી ગૌરવવંતો ઇતિહાસ । ભારતીય વાયુસેના સ્થાપના દિને વિશેષ

ભારતીય વાયુસેનામાં ૧,૭૦,૫૭૬ એક્ટિવ અને ૧,૪૦,૦૦૦ રીઝર્વ ફોર્સ (સૈનિકો) છે. વાયુસેનામાં ૮૫૭ ટ્રાન્સપોર્ટ એયર ક્રાફ્ટ, ૮૦૯ અટેક એયર ક્રાફ્ટ અને ૩૨૩ ટ્રેનર એયર ક્રાફ્ટ છે. આ સિવાય વાયુસેના પાસે હેલિકોપ્ટર્સના વિશાળ બેડો છે. જેમાં ૧૬ અટેક હેલિકોપ્ટર્સ સહિત ૬૬૬ હેલિકોપ્ટર છે.

    ૦૯-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Indian Navy Day

ભારતીય વાયુસેના । નભઃ સ્પૃશં દીપ્તમ્ । नभः स्पृशं दीप्तम् । Indian Navy Day

 
Indian Navy Day । દર વર્ષે ૮ ઓક્ટોબરના દિવસે ભારતીય વાયુસેના દ્વારા ઇન્ડિયન એરફોર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. ૧૯૩૨માં આ જ દિવસે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. દેશ જ્યારે ભારતીય વાયુસેનાનો ૯૧મો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે, ત્યારે ભારતીય વાયુસેનાના પરાક્રમી ગૌરવવંતા ઇતિહાસ વિશે જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં...
 
 
ભારતીય વાયુસેના દુનિયાની ચૌથી સૌથી મોટી વાયુસેના માનવામાં આવે છે. ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપૂતોને બિરદાવવાનો દિવસ એટલે ભારતીય વાયુસેના દિવસ. ૮ ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ? કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા? રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યાર બાદ દેશ આઝાદ થતાં કેવી રીતે ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઇતિહાસ રોચક છે. પરંતુ સૌપ્રથમ વાત કરીએ, દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના વર્તમાન ઉપર.
 
 
ભારતીય વાયુસેનામાં ૧,૭૦,૫૭૬ એક્ટિવ અને ૧,૪૦,૦૦૦ રીઝર્વ ફોર્સ (સૈનિકો) છે. વાયુસેનામાં ૮૫૭ ટ્રાન્સપોર્ટ એયર ક્રાફ્ટ, ૮૦૯ અટેક એયર ક્રાફ્ટ અને ૩૨૩ ટ્રેનર એયર ક્રાફ્ટ છે. આ સિવાય વાયુસેના પાસે હેલિકોપ્ટર્સના વિશાળ બેડો છે. જેમાં ૧૬ અટેક હેલિકોપ્ટર્સ સહિત ૬૬૬ હેલિકોપ્ટર છે. ભારતીય વાયુસેનામાં મિરાઝ મિગ ૨૧, મિગ ૨૭, મિગ ૨૯, બિસન, જેગુઆર, વૈમ્પાયર, તુફાની, હંટર અને નેટ જેવા વિમાનો દુશ્મોને કંપારી છોડાવી દેવા પૂરતા છે. ભારતના બોમ્બર એયર ક્રાફ્ટ પર નજર કરીએ તો લિબેટર અને કેનબરા આકાશમાંથી જ દુશ્મનોને નેસ્તોનાબૂદ કરી શકે છે. ભારત પાસે Mi-2, Mi-35, Mi-26, Mi17LS ચેતક અને ચિત્તા જેવા અત્યાધુનિક અને અત્યંત શક્તિશાળી હેલિકોપ્ટર્સ છે. ઉલ્લેખનીય છે કે ચેતક અને ચિત્તા જેવાં હેલિકોપ્ટર્સ ભારતીય વાયુસેનામાં શોધ બચાવ અને રાહત કાર્યોમાં પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાન્સપોર્ટ એયરક્રાફ્ટના રૂપમાં ડાકોટા, ડીવાન સી-૧૧૯, બોક્સકાર, ઓટર્સ, વાઇકાઉન્ટ, ઇલિશિન અને પોકેટ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સેનાને મદદ પહોંચાડવા સક્ષમ છે. ટોહી વિમાનોમાં સ્પિટ ફાયર, ઓસ્ટર અને હાવર્ડ જેવા વિમાનો ૨૪ કલાક દુશ્મનની હરેક હલચલ પર નજર રાખવા સક્ષમ છે.
 
આ સિવાય આપણી પાસે રાફેલ યુદ્ધ વિમાન પણ છે. વાચકોને જણાવી દઈએ કે, સંખ્યાબળની રીતે વિશ્વની સૌથી શક્તિશાળી વાયુસેનામાં ભારત ૪થા નંબરે માનવામાં આવે છે, પરંતુ મે, ૨૦૨૨માં WDMMA (World Directory of Modern Military Aircraft) દ્વારા ગ્લોબલ એયર પાવર રેન્કિંગમાં ભારતને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે અને ચીનને ચોથું સ્થાન અપાયું છે. આ રેન્કિંગ માત્ર હવાઈ જહાજો (વિમાનો)ની સંખ્યાબળને આધારે નથી આપવામાં આવતું. બલ્કે કોઈપણ દેશની વાયુસેનામાંની આધુનિકતા, લોજિસ્ટિકલ સપોર્ટ, હુમલો કરવાની ક્ષમતા, બચાવ કરવાની ક્ષમતા અને ભવિષ્યની ક્ષમતાને આધારે આપવામાં આવે છે. આ બાબતે ભારતીય વાયુસેના અમેરિકા અને રુસ બાદ ત્રીજા નંબરે છે. જ્યારે ભારત કરતાં વધારે હવાઈ જહાજો ધરાવતા ચીન ભારત બાદ એટલે કે ચોથા સ્થાને.
 
આ તો વાત થઈ ભારતીય વાયુસેનાના વર્તમાન પર, પરંતુ આપણી વાયુસેનાનો વર્તમાન જેટલો ગૌરવશાળી છે તેટલો જ તેનો ઇતિહાસ પણ રોચક છે. ત્યારે વાત હવે વાયુસેનાના ઇતિહાસની.
 
રોયલ ઇન્ડિયન એરફોર્સની સ્થાપના
 
૧૯૨૫ દરમિયાન વિશ્વભરમાં આંતરિક યુદ્ધની સ્થિતિ ચાલતી હતી. આ દરમિયાન બ્રિટનને વધારે સારા સૈનિકો અને પાઇલટસની જરૂર જણાઈ હતી. તે સમયે જનરલ રસ એન્ડ્રુ સ્કીનના વડપણ હેઠળ સિમલા ખાતે એક સમિતિની રચના કરાઈ અને ભારતીય સૈન્યના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. સમયાંતરે બેઠકો થતી ગઈ અને એરફોર્સમાં ભારતીયોના જોડાણની શક્યતાઓ શોધાવા લાગી. ૧૯૨૭માં સ્કીન કમિટી દ્વારા ભારતીય કેડેટસને ફલાઇંગ ઓફિસર તરીકે બ્રિટિશ એરફોર્સમાં જોડવાની ભલામણ કરવામાં આવી. ૧૯૨૮માં આ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી. ત્યાર બાદ તબક્કાવાર તાલીમ અને આયોજનો સાથે ૮ ઓક્ટોબર ૧૯૩૨માં રોયલ ઇન્ડિયન એરફોર્સ સ્થાપના કરવામાં આવી. પાંચ ભારતીય કેડેટસને સૌથી પહેલાં એરફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. હરિશચંદ્ર સિરકર, સુબ્રતો મુખરજી, ભુપેન્દ્રસિંહ, ઐઝાદ બક્ષ અવાન તથા અમરજીતસિંહ એમ પાંચ લોકોને પોસ્ટિંગ અપાયું હતું. ત્યાર બાદ જે.એન. ટંડનને છઠ્ઠા ઓફિસર તરીકે લોજિસ્ટિકની ડ્યુટી સોંપાઈ હતી. સમયાંતરે સુબ્રતો મુખરજી આઈએએફના પહેલાં ચીફ એર સ્ટાફ પણ બન્યા હતા. કરુણ ક્રિષ્ણ મજુમદાર જેમને જમ્બો પણ કહેવામાં આવતા, તેઓ ભારતના પહેલા પાઇલટ હતા જેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઇંગ ક્રોસનો ખિતાબ મળ્યો હતો. ત્યારબાદ ભારત સ્વતંત્ર થતાં ઇન્ડિયન એરફોર્સ આગળથી રોયલ શબ્દ હટાવી દેવામાં આવ્યો.
ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય ભગવદ્ગીતામાંથી લેવામાં આવ્યું છે
 

Indian Navy Day 
 
ભારતીય વાયુસેના દુનિયાની સૌથી મોટી વાયુસેના છે. ઉત્તરપ્રદેશ ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવી ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ઃ (૧૯૫૧થી) છે. જેનો અર્થ થાય છે કે ગર્વ સાથે આકાશને આંબવું. વાયુસેનાના આ ધ્યેયવાક્યને ભગવત ગીતાના ૧૧મા અધ્યાયના શ્લોક ક્રમાંક ૨૪માંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના પ્રતિકમાં ગરૂડ દર્શાવવામાં આવ્યું છે તે હિન્દુઓના આરાધ્ય દેવ શ્રી વિષ્ણુનું વાહન મનાય છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.
 
આ તો વાત થઈ ભારતીય વાયુસેનાનો ઇતિહાસ અનેક વિજયી પરાક્રમોથી ભરેલો છે. જેને સાંભળી દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી જશે. ભારતીય વાયુસેના અંગેની પ્રારંભિક માહિતી મેળવ્યા બાદ હવે વળી વાયુસેનાના પરાક્રમી ઇતિહાસની.
 

ભારતીય વાયુસેનાનો અજેય ઇતિહાસ

 
બીજા વિશ્વુયદ્ધમાં જાપાની સેનાને થાઇલેન્ડમાં રોકી
 
બીજી વિશ્વયુદ્ધ દરમિયાન ચારેય તરફ જાપાની સૈન્યએ હાહાકાર મચાવ્યો હતો, જેને લઈ બ્રિટિશ શાસનમાં અફરાતફરી મચી હતી અને જાપાની સેના અજેય બની બર્મા તરફ આગળ વધી રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાનાં પરાક્રમોએ જાપાની સેનાને પીછેહટ કરવા મજબૂર કરી હતી. ભારતીય વાયુસેનાએ થાઇલેન્ડમાં અરાકન, માએ હોંગ સોન, ચિયાંગ માઈ અને ચિયાંગ રાઈ બેસ (થાણા) પર મજબૂત સ્થિતિમાં રહેલી જાપાની સેનાને મારી ભગાવી હતી. ઉલ્લેખનીય છે કે આ યુદ્ધ ભારતની સ્વાધીનતા પહેલાં લડાયું હોવાથી ભારતીય હવાઈ દળ બ્રિટિશ અને અમેરિકાની સૈન્ય તરફથી લડી રહ્યું હતું જેમાં લેફ્ટેનેન્ટ અર્જુનસિંહે પોતાનાં પરાક્રમો થકી જાપાની સેનાને પીઠેહઠ કરવા મજબૂર કરી હતી. બાદમાં તેઓ હવાઈ સેનાના માર્શલ પણ બન્યા હતા.
 
કાશ્મીર કબાઈલીઓના આતંક વચ્ચે દેવદૂત બની
 
૧૯૪૭માં ભારતને સ્વાધીનતા મળી અને ભારતનું વિભાજન થયું અને ભારતીય વાયુસેના પણ બે ભાગોમાં વિભાજિત થઈ ગઈ. તે સમયે અખંડ જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાની સેના અને કબાઈલીઓ દ્વારા હુમલો કરી હાહાકાર મચાવવામાં આવ્યો. પરિણામે ત્યાં વસતા હિન્દુ-શીખોના જાનમાલ અને અસ્તિત્વ પર સંકટ તોળાઈ રહ્યું હતું, ત્યારે ભારતીય વાયુસેના દેવદૂત બની કબાઈલીઓ અને પાકિસ્તાની સેના વચ્ચે ફસાયેલા હિન્દુ-શીખો માટે દેવદૂત બની આવી હતી અને હજારો હિન્દુ-શીખોના જીવ બચાવી સલામત બહાર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
 
૧૯૬૦-૬૧ કોંગોમાં શાંતિ અભિયાન અને ગોવાની સ્વાધીનતા
 
૧૯૬૦માં કોંગોમાં બેલ્જિયમના શાસનનો અંત આવતાં જ સમગ્ર કોંગો હિંસા અને વિદ્રોહની આગમાં બડકે બળી રહ્યું હતું. સમગ્ર વિશ્વએ કોંગોને તેના હાલ પર છોડી દીધું હતું ત્યારે ભારતીય હવાઈ દળ તેની મદદે આવ્યું. ભારતીય વાયુસેનાએ પોતાના પાંચ સ્કવાડ્રન કોંગોમાં શાંતિ સ્થાપવા માટે મોકલ્યા અને કોંગોને બર્બાદ થતું બચાવી લીધું.
 

Indian Navy Day 
 
ત્યાર બાદ ૧૯૬૧માં પોર્ટુગિઝોથી ગોવાને સ્વાધીનતા અપાવવા ગોવામુક્તિ અભિયાન ચાલી રહ્યું હતું, જેને દબાવવા પોર્ટુગિઝો દ્વારા અમાનુષી અત્યાચારો થઈ રહ્યા હતા. ગોવાને સ્વાધીનતા અપાવવા માટે ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન વિજય ચલાવવામાં આવ્યું અને પોર્ટુગિઝ સેનાને હરાવી ગોવાને સ્વતંત્ર કરી ભારતમાં ભેળવ્યું.
 
૧૯૬૫માં પાકિસ્તાની સેનાને ફરી પરચો બતાવ્યો
 
૧૯૪૭ બાદ પાકિસ્તાની સેના દ્વારા ફરી એક વખત જમ્મુ-કાશ્મીર પર કબજો કરવાની જેહાદી મુરાદ સાથે હુમલો કરવામાં આવ્યો, પરંતુ આ વખતે ભારતીય હવાઈ દળે તેને બરાબરનો પરચો બતાવ્યો હતો. હવાઈ દળે ન માત્ર પાક. સેનાના અનેક યુદ્ધ વિમાનોનો ફુરચો બોલાવી દીધો. બલ્કે પાકિસ્તાનનાં અનેક સૈન્ય થાણાંને પણ તબાહ કરી દીધાં. તે સમયે પાકિસ્તાની હવાઈ સેના ભારતીય હવાઈ સેના કરતાં મજબૂત સ્થિતિમાં હતી અને તેને અમેરિકા સહિત બ્રિટન જેવા અનેક યુરોપિયન દેશોનું અને ચીનનું પણ પીઠબળ હતું, છતાં ભારતીય વાયુસેનાના વીર જવાનોએ પોતાનાથી મજબૂત ગણાતી પાકિસ્તાની હવાઈસેનાની ધજ્જિયાં ઉડાવી દીધી હતી.
 
૧૯૭૧ બાંગ્લાદેશની સ્વતંત્રતામાં મહત્ત્વની ભૂમિકા
 
૧૯૭૧માં તે વખતનું પૂર્વી પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) પશ્ચિમિ પાકિસ્તાનથી સ્વતંત્ર થવા માટે લડાઈ લડી રહ્યું હતું અને પાકિસ્તાન સેના ત્યાં નરસંહાર કરી રહી હતી જેને પરિણામે ભારતે યુદ્ધમાં ઊતરવું પડ્યું. બાંગ્લાદેશની સ્વતંત્રતામાં ભારતીય વાયુસેનાની મહત્ત્વની ભૂમિકા હતી તે સમયે ભારતીય વાયુસેનાનાં વિમાનોએ બાંગ્લાદેશ પર ૧૨ હજારથી પણ વધારે ઉડાનો ભરી હતી. આ તરફ પાકિસ્તાને રાજસ્થાન, ગુજરાત અને જમ્મુકાશ્મીરના રસ્તે ભારત પર હુમલા કર્યા, પરંતુ ભારતીય વાયુસેનાએ આ લડાઈમાં અદ્ભુત પરાક્રમ બતાવી પાકિસ્તાનનાં ૯૪ વિમાનોનો ફુરચો બોલાવી દીધો હતો. જેને પરિણામે પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકોને ભારતીય સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કરવું પડ્યું હતું.
 
૧૯૮૪ ઓપરેશન મેઘદૂત થકી સિયાચીન પર તિરંગો ફરકાવ્યો
 
એપ્રિલ, ૧૯૮૪માં પાકિસ્તાની સૈન્ય દ્વારા સિયાચીન પર કબજો જમાવવાના અહેવાલો મળતાં ભારતીય વાયુસેનાની મદદ થકી ભારતીય થલસેનાએ ૧૩ એપ્રિલ, ૧૯૮૪ના ઓપરેશન મેઘદૂત ચલાવી સિયાચીન પર ચડાઈ કરી. આખેઆખા સિયાચીન ગ્લેશિયર પર કબજો જમાવી દીધો, જેનું પરિણામ એ આવ્યું કે રણનૈતિક ક્ષેત્રનો અતિ મહત્ત્વનો ૩૦૦૦ વર્ગ કિમિનો વિસ્તાર ભારતના અધિકારમાં આવી ગયો.
  
શ્રીલંકામાં સિવિલ વોર અને ઓપરેશન પૂમલાઈ (૧૯૮૭)
 
૧૯૮૭માં શ્રીલંકામાં તમિલ બળવાખોરોએ ગલીયુદ્ધ છેડ્યું હતું. શ્રીલંકા સરકારે આ સંકટથી ઉગરવા ભારત પાસે મદદ માંગી. ત્યાર બાદ ભારતે ઓપરેશન પૂમલાઈ ચલાવ્યું અને અનેક લોકોનાં જીવ બચાવ્યાં. તે જ વર્ષે શ્રીલંકામાં જ ઓપરેશન પવન ચલાવવામાં આવ્યું અને ઉત્તરી અને પૂર્વી શ્રીલંકામાં તમિલ ટાઇગર્સથી ઘેરાયેલા એક લાખથી પણ વધુ શ્રીલંકન સૈનિકોને સુરક્ષિત બહાર કાઢી તેમનો જીવન બચાવ્યો.
 
૧૯૮૮માં માલદીવને બચાવ્યું
 
૧૯૮૮ માલદીવમાં હથિયારબંધ ચરમપંથીઓ દ્વારા તાલિબાની ઢબે માલદીવ પર કબજો જમાવી લીધો. ત્યારે તત્કાલીન રાષ્ટપતિ મયુમ માલદીવને સંકટમાંથી ઉગારવા ભારતની મદદ માગી અને ૩ નવેમ્બર, ૧૯૮૮ના રોજ આગરાથી ચાર મિરાઝ ફાઇટર જેટ આઈએએલ-૭૬ વિમાનોએ ઉડાન ભરી અને માલદીવની રાજધાનીમાં ઊતરી ચરમપંથીઓથી માલદીવને મુક્ત કરાવ્યું. આ મિશન ઓપરેશન કૈકટસ તરીકે ઓળખાય છે.
 
૧૯૯૯ કારગિલ યુદ્ધમાં ઓપરેશન સફેદ સાગર
 
કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની મજબૂત સ્થિતિને કારણે ભારતીય સેનાના જવાનોની સંભવિત ખુવારીની આશંકા બાદ ભારતીય થલસેનાએ હવાઈ સેનાની મદદ માંગી હતી. વાયુસેનાનાં હેલિકોપ્ટર્સ અને યુદ્ધવિમાનોએ કારગિલની પહાડીઓ પર હુમલા કરી પાકિસ્તાની સેનામાં હાહાકાર મચાવી દીધો. મીરાજ અને રુસિ ફાઇટર જેટ મિગ-૨૯ વિમાનોએ પ્રત્યેક દિવસે લગભગ ૪૦ ઉડાનો ભરી હતી અને આખરે ૨૬ જુલાઈના રોજ ભારતીય સેનાઓ યુદ્ધમાં વિજયી બની.
 
૨૦૧૯ : બાલાકોટ આતંકી કેમ્પો ધ્વસ્ત
 
જૈસ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામાં આતંકી હુમલો થયો તેમાં ૪૦ જવાનો શહીદ થયા. ભારતીય સપૂતોની આ શહાદતનો બદલો લેવા માટે ૧૫ દિવસની અંદર જ પાક. અધિકૃત કાશ્મીર (પીઓકે)માં બાલાકોટ, ચકોડી, મુઝફ્ફરાબાદમાં ૧૨ મિરાજ ૨૦૦૦ યુદ્ધ વિમાનો થકી હુમલા કરી તમામ આતંકી કેમ્પોને નેસ્તોનાબૂદ કરી દીધા હતા, જેમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા હતા.
 
૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પાકિસ્તાની વાયુસેનાનાં એફ-૧૬ અને જેકેએફ યુદ્ધવિમાનો ભારતીય સરહદમાં દેખાયાં. ભારતીય વાયુસેનાના સુખોઈ-૩૦ એમકેઆઈ અને મિગ-૨૧ તેમને ભગાડી પીછો કર્યો. મિગ-૨૧ના કમાંડર અભિનંદને પાકિસ્તાનના અત્યાધુનિક ગણાતા એફ-૧૬ને તોડી પાડ્યું હતું.
 
માત્ર યુદ્ધ જ નહીં અન્ય એવા અનેક પ્રસંગોએ ભારતીય વાયુસેના ભારતના જ નહીં વિદેશોના નાગરિકો માટે પણ સંકટ મોચક બની છે. ત્યારે હવે વાત આવાં જ કેટલાંક મહત્ત્વનાં અભિયાનોની.
 
ભારતના જ નહીં વિદેશોના નાગરિકો માટે પણ સંકટમોચક
 
 

Indian Navy Day 
 
૨૦૧૫નું યમન સંકટ - ૪૧ દેશોના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા
 
૨૦૧૫માં જ્યારે યમનમાં આંતરિક સંઘર્ષ ફાટી નીકળ્યો હતો જેમાં હજારો ભારતીયો સહિત વિદેશના સેંકડો લોકો પણ ફસાઈ ગયાં હતાં. જેમને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવા એક પડકાર હતો તેવા સમયે ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન રાહત ચલાવવામાં આવ્યું હતું. ૧૦ દિવસ ચાલેલા આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનોએ ૧૮ જેટલી ઉડાનો ભરી ૫૬૦૦ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જેમાં ૪૬૪૦ ભારતીય જ્યારે બાકી અન્ય દેશોના હતા અને ૧૮ સ્પેશિયલ વિમાનો થકી તમામ ભારતીયોને સ્વદેશ (ભારત) લાવવામાં આવ્યાં હતાં.
 
૨૦૧૬ ઓપરેશન સંકટમોચક (સુદાન)
 
૨૦૧૬માં સુદાનના અનેક ભાગોમાં વિદ્રોહીઓ અને સૈનિકો વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ત્યાં વસતા ભારતીય નાગરિકોના જીવન પર સંકટ તોળાયું ત્યારે ભારતીય વાયુસેના દ્વારા ઓપેરશન સંકટમોચન ચલાવવામાં આવ્યું અને ૬૦૦ જેટલા ભારતીય નાગરિકો અને અન્ય નેપાલી નાગરિકોને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાંથી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા.
 
૨૦૨૦ લોકડાઉનમાં વંદેભારત મિશન
 
૨૦૨૦માં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો અને વિશ્વભરના દેશોએ ધડાધડ લોકડાઉન લાદતાં વિદેશોમાં ભણતા અને વસતા હજારો ભારતીય નાગરિકોના જીવન સામે જોખમ ઊભું થયું હતું. ત્યારે ભારતીય વાયુસેના દ્વારા વંદેભારત મિશન ચલાવી ૧૨ દેશોમાં ફસાવેલા ૯૩ હજારથી વધારે ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા.
 
અફઘાનિસ્તાનમાં ઓપરેશન દેવીશક્તિ (૨૦૨૧)
 
૨૦૨૧માં અફઘાન સરકારનો અને તાલિબાનો વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા હજારો હિન્દુ-શીખો માટે ભારતીય વાયુસેના દેવદૂત બની અને ઓપરેશન દેવીશક્તિ ચલાવી કાબૂલ હવાઈ મથકથી બોમ્બમારા વચ્ચે ૭૦૦થી વધારે ભારતીય નાગરિકોને હેમખેમ બહાર કાઢી ભારત લાવવામાં આવ્યા હતા.
 
રુસ-યુક્રેન યુદ્ધ અને ઓપરેશન ગંગા
 
૨૦૨૨માં રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરતાં બન્ને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતુ, જેને પરિણામે યુક્રેનમાં ભણતા ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોના જીવન પર સંકટ તોળાયું હતું ત્યારે વાયુસેના દ્વારા ઓપરેશન ગંગા ચલાવી તમામ ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પહોંચાડ્યા હતા.
 
ઉપસંહાર
 
આમ ઇતિહાસ સાક્ષી છે, દેશ હોય કે વિદેશ યુદ્ધ-ગૃહયુદ્ધ જેવી માનવ સર્જિત આફતો હોય કે ભૂકંપ, સુનાની કે પૂર જેવી પ્રાકૃતિક આપદાઓ, ભારતીય વાયુસેના દેશ અને દેશના નાગરિકોની સુરક્ષા માટે હંમેશા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છે. ત્યારે ભારતીય વાયુસેનાનો આ ઇતિહાસ જેટલો ગૌરવશાળી છે, તેના કરતાં વધારે ઉજ્જ્વળ વર્તમાન છે અને ભવિષ્ય રહેવાનું છે. કારણ કે ભારતીય વાયુસેના વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાથી વિશ્વની મદદ માટે હંમેશા તત્પર રહે છે. ભારતીય વાયુસેનાની આ ભાવનાને સાધુવાદ સાથે સૌને ભારતીય વાયુસેના દિનની હાર્દિક શુભેચ્છાઓ.

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…