સત્યવાનનાં ધર્મપત્ની સાવિત્રી | Sati Savitri Vishe Mahiti

એક સ્ત્રી જો ઇચ્છે તો પોતાના પતિને યમરાજ પાસેથી પણ પાછો લાવી શકે છે. બસ જરૂર છે, તેનામાં સતીત્વની અને એ સતીત્વ ધર્મગ્રંથો અને રાજર્ષિઓનાં સત્સંગથી આવે છે.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |
 
Sati Savitri
 
 
 
સત્યવાનનાં ધર્મપત્ની સાવિત્રી | Sati Savitri Vishe Mahiti
 
 
કાલે સવારથી જ સત્યવાનને હું મારાથી એક ક્ષણ માટે પણ અળગા નહીં થવા દઉં. જોઉં છું કે, યમદેવ તેમને કેવી રીતે લઈ જાય છે!
સાવિત્રી મદ્ર દેશના રાજા અશ્વપતિનાં દીકરી હતાં. પોતાના ભાવિ પતિ સત્યવાનનું આયુષ્ય એક જ વર્ષનું બાકી રહ્યું તે જાણવા છતાં તેઓએ સત્યવાન સાથે લગ્ન કર્યાં હતાં.
 
રાજા અશ્વપતિએ સાવિત્રીની ઇચ્છા અને દેવર્ષિ નારદની સલાહ મુજબ સાવિત્રી અને સત્યવાનના વિવાહ થયા.
સત્યવાનને સાવિત્રી જેવી સર્વગુણ સંપન્ન પત્ની મળી હતી. જ્યારે સાવિત્રીને મનોવાંચ્છિત વર, એટલે સ્વાભાવિક રીતે જ બન્ને પતિ-પત્ની ખૂબ જ આનંદમાં રહેવા લાગ્યાં. પિતાની વિદાય થતાં જ સાવિત્રીએ પિતાએ કરિયાવરમાં આપેલા કિંમતી આભૂષણો અને વસ્ત્રો ઉતારી દીધાં હતાં અને પતિ અને આશ્રમને અનુરૂપ એવાં સાદાં વસ્ત્રો અને વલ્કધારણ કરી લીધાં હતાં. થોડાક જ સમયમાં તેમણે પોતાના સેવાભાવ, સદ્ગુણ, વિનય, સંયમ તેમજ પ્રેમાળ સ્વભાવથી સૌનાં મન જીતી લીધાં હતાં.
સુખના દિવસો વીતતાં વાર ન લાગી. ધીરે ધીરે સત્યવાનના મૃત્યુદિન આડે માત્ર ત્રણ દિવસો જ બાકી રહ્યા. પછી બે અને પછી એક એટલે સાવિત્રીએ દૃઢનિશ્ચય કર્યો. કાલે સવારથી જ સત્યવાનને હું મારાથી એક ક્ષણ માટે પણ અળગા નહીં થવા દઉં. જોઉં છું કે, યમદેવ તેમને કેવી રીતે લઈ જાય છે! અને જો લઈ જશે તો હું પણ તેમની પાછળ પાછળ જઈશ. તેમની પાસે મારા સૌભાગ્યની ભીખ માંગીશ.
 
અંતે નારદજીએ સત્યવાનના મૃત્યુ અંગે જે ઘડી કહી હતી તે એકદમ નજીક આવી ગઈ અને સાવિત્રીના હૃદયમાં મોટી ફાડ પડવા લાગી. સત્યવાન ખભે કુહાડી મૂકી જંગલમાં લાકડાં કાપવા જવા તૈયાર થયા. સાવિત્રી કોઈ દિવસ જીદ ન કરતાં પણ આજે તેમણે પતિ સાથે જંગલમાં આવવાની જીદ પકડી. સાસુ-સસરાની આજ્ઞા લઈ બન્ને પતિ-પત્ની જંગલમાં ગયાં. લાકડા કાપી થાકેલા સત્યવાનને સાવિત્રીને કહ્યું મને ખૂબ જ થાક લાગ્યો છે. થોડીવાર સુવા માગુ છું. સાવિત્રીએ જમીન પર બેસી ખૂબ જ પ્રેમથી સત્યવાનનું મસ્તક તેના ખોળામાં લીધું અને જોત જોતામાં સત્યવાન ગાઢ નિદ્રામાં પડી ગયા. અચાનક લાલ વસ્ત્રો પહેરેલ એક પુરુષ સાવિત્રી સત્યવાન તરફ આવ્યો. માથા પર મુગટ ધારણ કરેલ એ અત્યંત તેજસ્વી, સાક્ષાત્‌‍ સૂર્યદેવ જેવા લાગતા હતા. તેમના હાથમાં દોરડું હતું. આંખો લાલ હતી. સત્યવાન સાવિત્રી સામે જોઈ તેમણે કહ્યું તમે પતિવ્રતા અને તપસ્વિની છે, એથી જ હું તમારી સાથે સીધી જ વાત કરી રહ્યો છું.
 
હું યમદેવ છું. આ ઘડીએ તમારા પતિનું આયુષ્ય પૂરું થયું છે, માટે તેમને લેવા આવ્યો છું. આટલું કહી યમદેવે સત્યવાનના દેહમાંથી તેના અંગુઠા જેવડો જીવાત્મા કાઢ્યો. યમદેવ તેને લઈ પાડા પર બેસી દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. આ જોઈ સાવિત્રી દુઃખથી અત્યંત બેબાકળી બની ઊઠી અને યમદેવની પાછળ પાછળ ચાલવા લાગી. આ જોઈ યમરાજે કહ્યું, હે સતી હવે પાછળ આવવાથી કંઈ જ વળવાનું નથી. સાવિત્રી બોલી, યમરાજ જ્યાં પતિ ત્યાં સતી, હું તો બસ આટલી જ ટૂંકી વાત જાણું. આપની દયાથી શાસ્ત્રોની એ વાતમાંથી હજુ મારી શ્રદ્ધા ડગી નથી. તમે તમારું કામ કર્યું. હવે મને મારું કર્તવ્ય નિભાવવા દો. યમદેવ સાવિત્રીને પાછી વળી જવા કેટલીય રીતે સમજાવતા હતા, પરંતુ સાવિત્રી એટલાં તો વિદુષી હતાં કે, બરાબર ધર્મશાસ્ત્રો અનુસાર જવાબો આપી આપીને દરેક વખતે યમરાજની બોલતી બંધ કરી દેતાં હતાં. પરિણામે યમદેવને પણ મનમાંને મનમાં સાવિત્રીના ધર્મજ્ઞાન માટે પ્રત્યે અપાર આદરભાવ પ્રગટ થવા લાગ્યો હતો. છેવટે સાવિત્રીની ઉત્કૃષ્ટ પતિભક્તિથી પ્રસન્ન થઈ યમરાજે કહ્યું, સાવિત્રી ધર્મશાસ્ત્રો અનુસાર તારા યુક્તિયુક્ત જવાબો સાંભળી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. માટે સત્યવાનના જીવતદાન સિવાય તમે મારી પાસે કોઈ પણ વરદાન માંગો.
 
સાવિત્રીએ કહ્યું, હે ધર્મપિતા, મારા સસરાજીની આંખોનું તેજ ચાલ્યું ગયું છે, તેમને તેમની આંખોનું તેજ પાછું મળે તથા તેઓ પહેલાની જેમ જ બળવાન તેજસ્વી બને. યમદેવે તથાસ્તુ કહી કહ્યું હવે તારે પરત ફરવું જોઈએ. તને થાક પણ લાગ્યો હશે. સાવિત્રી એ કહ્યું, પ્રેરણામૂતિ પતિના સાનિધ્યમાં વળી પત્નીને થાક કેવો? જ્યાં મારા પ્રાણનાથ ત્યાં હું. હું તો તેમની સાથે જ આવવાની અને આ સિવાય હવે તો બીજો પણ લાભ છે અને તે છે સત્સંગ. આપ જેવી સંતમૂર્તિનો સત્સંગ તો દેવોને પણ મળતો નથી, જે હાલ મને મળી રહ્યો છે. હવે હું શું કામ પાછી વળું. વળી સત્સંગ ક્યારેય પણ નિષ્ફળ જતો નથી એવું મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે.
 
યમરાજ ફરી પ્રસન્ન થયા અને કહ્યું સાવિત્રી તમારા વચનો મને ખૂબ જ પ્રિય લાગે છે. તેથી હું તમારા પર ફરી પ્રસન્ન થયો છું. એક સત્યવાનના જીવન સિવાય બીજું કોઈપણ વરદાન તમે મારી પાસે માંગો. સાવિત્રી બોલ્યાં `હે, દેવ મારા સસરાજીને તેમનું રાજય પરત મળે અને હંમેશા તેમની બુદ્ધિ ધર્મમાં સ્થિર રહે તેટલું જ હું માગું છું.' યમરાજે ફરી તથાસ્તુ કહ્યું.
 
યમદેવને લાગ્યું હવે સાવિત્રી પાછી વળી જશે, પરંતુ સાવિત્રી તો યમદેવની પાછળ જ ચાલવા લાગ્યાં અને તેમને કહ્યું, `આપ તો સમસ્ત સૃષ્ટિનું નિયમન કરો છો માટે જ યમ તરીકે ઓળખાઓ છો. વળી મેં સાંભળ્યું છે કે, મન વચન અને કર્મથી કોઈપણ પ્રાણીનું ખરાબ ન ઇચ્છતા સૌના પર સમાન રૂપે દયા કરવી અને દાન દેવું એ શ્રેષ્ઠ પુરુષોનો સનાતન ધર્મ છે. જે શ્રેષ્ઠ પુરુષો છે તેઓ પોતાની પાસે આવેલા શત્રુઓ ઉપર પણ દયા કરે છે.'
 
સાવિત્રીના સત્યમુક્ત એક એક વચન પર યમદેવ મુગ્ધ બની રહ્યા હતા. તેઓએ સાવિત્રીને વધુ એક વરદાન માંગવા કહ્યું.
સાવિત્રી બોલી, ધર્મદેવ મારા પિતા અશ્વપતિને એક પણ પુત્ર નથી. તેઓને સો પુત્રો થાય એવું વરદાન આપો. યમદેવે સાવિત્રીને એ વરદાન પણ આપ્યું અને કહ્યું, દીકરી હવે તું ખરેખર ખૂબ જ આગળ આવી ગઈ છું, માટે પાછી વળ. સાવિત્રીએ કહ્યું, શત્રુ કે મિત્ર સર્વ પ્રત્યે સમાન ભાવ રાખી આપ ન્યાય કરો છો. એથી જ આપ ધર્મરાજ તરીકે પણ ઓળખાઓ છો. સાવિત્રીની આવી ઉચ્ચજ્ઞાનની વાતો સાંભળી યમરાજે કહ્યું, દીકરી જેવી વાતો તું કહે છે, એવી વાતો મેં પહેલાં કોઈના પણ મુખે સાંભળી નથી માટે જ મને તારા પર વધુને વધુ વહાલ ઉપજી રહ્યું છે. હવે એક સત્યવાનના જીવન સિવાય તું ચોથું વરદાન માંગ.
 
સાવિત્રી બોલી ધર્મપિતા મને મારા ઇકોત્તેર કુળ તારે તેવા સોપુત્રો સત્યવાન દ્વારા થાય એવા આશીર્વાદ આપો. યમદેવ બોલ્યા, તારી એ અભિલાષા પણ પૂર્ણ થશે. બસ, પરંતુ તમે હવે મારી પાછળ ઘણી દૂર સુધી આવ્યા છો માટે હવે પાછી વળ, પરંતુ આ તો સાવિત્રી તેણે તો યમદેવનો પીછો ચાલુ જ રાખ્યો અને કહ્યું, સંતોનું મન હંમેશા ધર્મમાં જ ચોટેલું હોય છે. સંતો સાથે જે સમાગમ થાય છે તે કદાપિ વ્યર્થ જતો નથી. સંતો પોતાના સત્યના પ્રભાવથી સૂર્યને પણ ઢાંકી શકે છે. તેઓના સત્વના બળ પર પૃથ્વી ટકેલી છે. ભૂત-ભવિષ્યના આધારસ્તંભો પણ સંતો જ છે.
 
સાવિત્રીની આવી જ્ઞાનભરી વાતો સાંભળી યમદેવનું મન પુલકિત થઈ ઉઠ્યું. તેવોને ઊંડે ઊંડે પસ્તાવો થઈ રહ્યો હતો કે, આવી જ્ઞાની અને પ્રેમાળ બાળા પાસેથી તેનો પતિ ઝૂંટવી લઉં છું તે ઉચિત તો નથી જ. મારા જેવા દેવ પાસે આવી નિર્દોષ બાલિકા તેના વૈધવ્ય જેવી ક્રૂર વસ્તુની આશા ન જ રાખી શકે. આમ વિચારી તે બોલ્યા, દીકરી તારી જ્ઞાનભરી ધર્મમય વાતો સાંભળી મારું મન ખૂબ જ પુલકિત બન્યું છે. તારું ધર્મજ્ઞાન સાંભળી હું ધન્ય બન્યો છું. તારા પર મને પુત્રી જેટલું વહાલ આવી રહ્યું છે. હું અતિ પ્રસન્ન થયો છું, તને ફાવે તે એક વધુ વરદાન માંગ.
 
સાવિત્રી બોલ્યાં પ્રભુ મારા સૌભાગ્ય સિવાય મારે આપની સમક્ષ બીજું શું માંગવાનું હોય? માટે સત્યવાન તત્કાળ સજીવન થાય એવું વરદાન હું માગું છું. વળી એથી આપના સત્ય વચનની અને ધર્મની પણ રક્ષા થશે. આપે મને સત્યવાન થકી સો પુત્રોની માતા થવાનું જે વરદાન આપ્યું છે, એ સો પુત્રો સત્યવાન સાથે સહવાસ વગર શી રીતે થવાના? યમરાજ સાવિત્રીની આ ચતુરાઈ પર અભિભૂત થઈ ગયા. તેમણે હસતે મોએ સત્યવાનને પોતાના પાશમાંથી મુક્ત કર્યો, એટલું જ નહીં સાવિત્રીને ૧૦૦ પુત્રો થાય તે માટે સત્યવાનને ૪૦૦ વર્ષ જેટલું આયુષ્ય પણ આપ્યું.
 
એક સ્ત્રી જો ઇચ્છે તો પોતાના પતિને યમરાજ પાસેથી પણ પાછો લાવી શકે છે. બસ જરૂર છે, તેનામાં સતીત્વની અને એ સતીત્વ ધર્મગ્રંથો અને રાજર્ષિઓનાં સત્સંગથી આવે છે.