...એ ત્રણેય વિનાની દિવાળી શું કામની?

દિવાળી અને નવું વર્ષ સુયોગ્ય રીતે ઉજવવા માટે પૂર્વતૈયારીનાં ત્રણેય પર્વ; આદ્યશક્તિનાં ત્રણ સ્વરૂપો- મહાસરસ્વતી-મહાલક્ષ્મી-મહાકાલીની આરાધનાનાં છે.

    ૦૮-નવેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

diwali
 
 
દિવાળીનાં પર્વોનાં નામ નારીવાચક
 
જેમ નવરાત્રિના નવ દિવસ, તેમ વીતી રહેલા વર્ષના દિપાવલી સહિતના ચાર દિવસ અને નવા વર્ષના લાભપાંચમ સુધીના પાંચ દિવસ મળીને દિવાળીના પણ પૂરા નવ દિવસ દબદબાભેર ક્યારે આવીને પસાર થઈ જાય તેની ખબર જ પડતી નથી. પર્વનો ઉદ્દેશ પૂર્ણતાને પામવાનો છે. પૂર્ણાંક એટલે નવ. નવ એટલે નાવિન્ય. બાળપણમાં ગામમાં સૌ બેસતા વર્ષને `જાયણી' કહેતાં, તે જોતાં આ નવ દિવસનાં બધાં પર્વોનાં નામ નારીવાચક છે. આ દ્રષ્ટિએ નવરાત્રિની જેમ દિવાળીના કેન્દ્રમાં પણ માતૃશક્તિનો મહિમા અકબંધ છે.
 
રસ, બારસ-તેરસ-ચૌદસનો..
 
દિવાળી અને બેસતા વર્ષ (વિક્રમ સંવતના ૨૦૮૦મા)ની પ્રતિક્ષામાં, પૂર્વતૈયારીમાં, પોંખવામાં સપ્તપર્ણીની, પ્રાકૃતિક સુવાસ ભળી જતાં આ પર્વમાલિકા તરફનું આકર્ષણ ઓર વધી જાય છે.
 
દિવાળી અને બેસતું વર્ષ સાર્થક બની રહે તે માટે આ પર્વમાલિકાના પ્રારંભિક ત્રણ દિવસ અતિ મહત્વના છે. આ ત્રણ દિવસ એટલે વાગબારસ, ધનતેરસ અને કાળીચૌદશ.
 
પૂર્વતૈયારી ચૂકી જઈએ તો???
 
સખીમંડળે વૈષ્ણોદેવી જવાનો પ્લાન બનાવી દીધો હોય, પણ પોતે સ્હેજેય પૂર્વતૈયારી કર્યા વિના નિકળી પડીએ તો..
દા.ત. ફોટો આઈડેન્ટીવાળું આધાર વગેરે કાર્ડ લીધું ન હોય તો, કદાચ મોબાઈલમાં હોય પણ મોબાઈલ ચાર્જ કરેલો ના હોય તો એરપોર્ટથી જ પાછા વળવું પડે. વૈષ્ણોદેવી જવા નીકળ્યાં હોઈએ પણ ગરમ કપડાં વગેરે જ ન લીધાં અને તેના વિના બિમાર પડી જઈએ તો યાત્રાનું સંભવિત સુખ, દુઃખમાં ફેરવાઈ જાય. આ તો સામાન્ય ઉદાહરણો છે. વિના પૂર્વતૈયારીએ કંઈ પણ અઘટિત ઘટના ઘટી શકે છે.
 
બસ આ જ રીતે વાગબારસ, ધનતેરસ અને કાળીચૌદશ, આ ત્રણ દિવસ ખરેખર તો દીવાળીની ખરી પૂર્વતૈયારીના માટેના છે. આ પૂર્વતૈયારી પૂર્ણતઃ આધ્યાત્મિક છે, જેમાં પ્રીતિ-ભક્તિ-શક્તિનો વિનિયોગ સધાય છે.
 
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા..
 
સંસ્કૃત ભાષા નહીં આવડવાના કારણે પર્વો વખતે બોલવામાં આવતા શ્લોકો શું સૂચવે છે તેની ખબર પડતી નથી. તેથી પર્વોનું યથાતથ માહાત્મ્ય સમજમાં આવતું નથી, પરંતુ હવે તો ગુજરાતીમાં રચાયેલ સ્તુતિ પણ શું સૂચવે છે, તે અંગે પણ દુર્લક્ષ રખાતું થઈ ગયું છે. હમણાં નવરાત્રિમાં લગભગ અચૂકપણે માતાજીની સ્તુતિ `વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા' ગાવા-સાંભળવામાં આવે છે. પરંતુ તેમાં ભારતમાતાનો પણ ઉલ્લેખ છે, તેવું કહીએ તો કોઈ ઝટ માને નહીં.
 
અંતર વિષે અતિ ઉર્મિ થતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃણાનિ
 
સ્તુતિની આ અંતિમ પંક્તિનો અંતિમ અક્ષર છે `મૃણાનિ', એટલે મૃણમયી, એ જ નામ ધરતીમાતાનું છે, એટલે કે ભારતમાતાનું નામ છે.
 
આહા.. આ જગતજનનીનાં કેટલાં તો નામો છે ! કેટલાં તો સ્વરૂપો છે! આ વિધ વિધ નામરૂપો-સ્વરૂપો આદ્ય-શક્તિનાં છે. જો કે મુખ્ય ત્રણ સ્વરૂપો છે..
 
૧, મહાસરસ્વતી ૨, મહાલક્ષ્મી ૩, મહાકાલી
 
મહાસરસ્વતીની આરાધનાનું મહાપર્વ વાગબારસ
 
વાગબારસથી દિવાળી શરૂ થાય. આટલું વાંચતાં વાંચતાં જ મોટાભાગનાઓને એવું લાગ્યું હશે કે, નામમાં જ કેવડી મોટી ભૂલ કરી છે? વાગબારસમાં `ગ' નહિં પણ `ઘ' આવે, એટલીય ખબર પડતી નથી?! પણ ખરેખર તો `ગ' જ આવે. `વાઘબારસ'વાળી સર્વસ્વીકૃત ગેરમાન્યતા ઉભી થઇ કારણ કે, આ પર્વનું મૂળ તત્વ ને માહાત્મ્ય વિસારે પડ્યું. વાઘબારસ કહેવું ખોટું છે, કારણ કે વાગબારસને `વાઘ' સાથે દૂર દૂરનીય કંઈ લેવાદેવા નથી. તો કોની સાથે લેવાદેવા છે? સાચો શબ્દ છે વાક્‌‍ એટલે કે વાણી. વકતૃત્વ, વાક્ચાતુર્ય એવા શબ્દોથી આપણે સુપરિચિત છીએ. વળી વાગ્ધારા, વાગ્દેવી શબ્દો પણ આપણે સાંભળ્યા હશે, જેમાં બોલતી વખતે `ક' ને બદલે `ગ' પ્રયોજવામાં આવે છે. અહિ `વાક', એ શ્રી સરસ્વતીમા માટે પ્રયોજવામાં આવેલ છે. વાગ્બારસ એ વાસ્તવમાં મા શ્રીસરસ્વતીની ઉપાસનાનું મહાપર્વ છે, જેને અપભ્રંશ થતાં વાગબારસ કહીએ છીએ. મા મહાસરસ્વતીજી જ્ઞાનનાં અધિષ્ઠાત્રી છે. જીવનમાં સૌથી મહત્વ જ્ઞાનનું છે. તેથી શિશુ અવસ્થાથી જ વિદ્યારંભ શરૂ થાય છે.
 
न चोरहार्यं न च राजहार्यं
न भ्रातृभाज्यं न च भारकारि ।
व्यये कृते वर्धत एव नित्यं
विद्याधनं सर्वधन प्रधानम्‌‍ ।।
 
વિદ્યા એકમાત્ર એવું ધન છે, જેને ચોર ચોરી શકતા નથી, રાજા પણ પડાવી શકતો નથી, ભાઈઓમાં ભાગ પડે ત્યારે વહેંચાઈ જતું નથી, એટલું જ નહીં, તેને જેમ વાપરો તેમ વધે છે. વિદ્યાધન એ સર્વ ધનોમાં સર્વશ્રેષ્ઠ છે. વિદ્યાદેવીની કૃપાથી વંચિતોને અજ્ઞાની, અભણ, અંગૂઠાછાપ વગેરે કહીને બોલાવવા એ વળી મોટું અજ્ઞાન છે.
 
એક જમાનામાં વાગબારસથી દિવાળી વેકેશન પડતું, તેથી વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો પણ વાગબારસની પ્રતિક્ષા કરતાં. આપણું કમનસીબ એવું કે, આ સૌ વિદ્યાના ઉપાસકો જ આ પર્વને વાઘબારસ કહેતાં. વિદ્યાના ઉપાસકો જ વિદ્યાની દેવી સરસ્વતીને ભૂલી જાય તો શિક્ષણની દશા કેવી હોય?
 
વાગબારસ એ માત્ર સૌ વિદ્યાનાં ઉપાસકો માટે મા સરસ્વતીની આરાધનાનું પર્વ નથી, આખાય સમાજ માટે મા સરસ્વતીની આરાધનાનું આ પર્વ છે. મનન-મંથન-ચિંતનનું આ મહાપર્વ છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે, धियो विश्व विराजते । વિચારો વિશ્વ પર શાસન કરતા હોય છે. જ્ઞાન વિના કદાચ લક્ષ્મીચંદ બની તો જવાય, પણ એ લક્ષ્મી કોનું કલ્યાણ કરી શકવાની? જ્ઞાન વિનાની લક્ષ્મીએ વેરેલા વિનાશનાં ઉદાહરણો ઓછાં નથી. સનાતન પ્રજ્ઞાની સાથે સાથે યુગપ્રજ્ઞા જાગે તેવાં કાર્ય સમાજની સજ્જનશક્તિ સામૂહિક રીતે નહીં કરે તો મોબાઈલ અને સોશિયલ મીડિયા સમાજ આખાને; એન્ટિ સોશિયલ બનાવી દેશે, એ દિવસો આ વિકારજીવી `Woke'ના જમાનામાં ખૂબ નજીક આવી રહ્યાં છે.
 
પોતાની ઉપર મા સરસ્વતીની કૃપા ઉતરતાં જાગેલી પ્રજ્ઞાશક્તિના આધારે દેશ આખાય વિશ્વમાં પુરસ્કૃત થયો હોય તેવી વર્તમાન યુગની સન્નારીઓની સંખ્યા ઓછી નથી.
 
૧, `ચંદ્રયાન'થી જેમની નામના વિશ્વવ્યાપી થયેલી તેવાં `રોકેટ વુમન ઓફ ઈન્ડિયા'થી સુપ્રસિદ્ધ રીતુ કરીધાલને ISRO દ્વારા `યંગ સાયન્ટિસ્ટ ઓફ ઈન્ડિયા' એવોર્ડ મળેલો.
 
૨, નંદિની હરિનાથના યોગદાન વિના `મંગલયાન' વિશે વિચારી ન શકીએ.
 
૩, `અગ્નિ-૪' અને ટેસી થોમસ એક સિક્કાની બે બાજુ કહેવાય.
 
૪, `ગગનયાન'નાં ડાયરેક્ટર રહેલાં વી. આર. લલીતાંબિકાજીનો ફાળો સદૈવ અવિસ્મરણીય રહેશે
 
૫, `માનવ-સંગણક' તરીકે નામનાપ્રાપ્ત ડૉ. શકુંતલાદેવી ૧૨ આંકડાની કોઈ એક સંખ્યાને ૧૪ આંકડાની કોઈ બીજી સંખ્યાથી ગુણીને તેનું પરિણામ માત્ર ૬૨ સેકંડમાં લાવી દે, આ રેકોર્ડ શું કોઈ તોડી શકે એમ છે?
 
જ્ઞાનની આરાધનાનાં આ ઉદાહરણ આખાય વિશ્વ માટે પ્રેરક છે.
 
મહાલક્ષ્મીની આરાધનાનું મહાપર્વ ધનતેરસ
 
મા મહાલક્ષ્મીજીની કૃપા કોને ન જોઈએ? કહેવત છે ને કે કાંકરી મીઠું પણ પૈસા વિના મળતું નથી. આ વર્તમાનની વાત છે. વૈદિક કાળથી જોઈએ તો (વર્તમાનમાં જેને રૂપિયો કહીં છીએ તેવા રૂપિયાના રૂપમાં) સોનામહોરનું વર્ણન મળે છે. આ સોનામહોર સોનાના સંચય માટે હતી. રાજાઓ રાજ્યની વિશેષ જાહેર સુખાકારીની વ્યવસ્થાઓ ઉભી કરવા માટે, દુષ્કાળ વખતે પ્રજાને ઉગારવા માટે અને રાજ્યની સુરક્ષા માટે તેનો ઉપયોગ કરતા. સામાન્ય જીવન જીવનારને વળી સોનામહોરોની જરૂર જ ક્યાં પડતી હતી? શ્રમ/કર્મના વિનિમયથી પરસ્પર અવલંબિત સમાજ એકાત્મતાથી ધબકતો હતો, તેથી પરમ વૈભવશાળી હતો. ગ્રામ-ગ્રામમાં વસેલું શ્રીયુક્ત ભારત સ્વાવલંબી હતું. `શ્રમ' જ `શ્રી'રૂપ ગણાતો. પરસેવો પાડ્યા વિના કંઈ પ્રાપ્ત થાય તે કોઈને મંજૂર નહોતું. હાલની ભાષામાં `હરામની કમાણી'ને ક્યાંય સ્થાન નહોતું. બે પક્ષે સંપત્તિ સંબંધિત વિવાદો થતા હતા, આ વિવાદો પણ રસસ્પદ રહેતા કેમ કે, બંને પક્ષો એવી રજૂઆત કરતા કે, આ સંપત્તિ મારી નથી! પ્રત્યેક ગામ એક પરિવાર હતું. શ્રીલક્ષ્મીજીનું પૂજન કુટુંબમાં થતું હતું. (જેને વર્તમાનમાં સંયુક્ત કુટુંબ કહેવું પડે!) સર્વ સામાન્ય વ્યક્તિની નહીં, પરંતુ સર્વ સામાન્ય કુટુંબની જીવનજરૂરિયાતોનાં વિભિન્ન સ્વરૂપો, જેનું વર્ણન અષ્ટ લક્ષ્મીજીરૂપે જોવા મળે છે. આ સ્વરૂપોમાં ક્યાંય કોરું સોનામહોરવાળું સ્વરૂપ જોવા મળતું નથી! ધનધાન્યથી સમાજ પરિપૂર્ણ રહે તેવી પાયાગત પ્રાર્થના સૌની રહેતી. ભોગવાદી ભૌતિક જીવનના આકર્ષણથી અંજાઈ જવું કાયરતામાં ખપતું. `પરધન પથ્થર'નું પ્રચલન બોલવામાં નહીં વ્યવહારમાં હતું. ઈશોપનિષદનું તેજ त्येन त्यक्तेन भूंजीथा છે. સૌથી મોટો ભોગ; `ત્યાગ'ને કહેવામાં આવ્યો છે. સૌ કોઈને પોત-પોતાના ધર્મ નિભાવવા પૂરતું પ્રાપ્ત થઈ રહે, તેવી પ્રાર્થનાનું આ પર્વ છે. સામૂહિક સર્વાંગીણ સમૃદ્ધિની યાચનાનું આ પર્વ છે. સમાજ દુઃખી હશે તો પોતે કોઈ જ રીતે સુખી થઈ શકે નહીં, તેવી સમજણ કેળવવાનું આ પર્વ છે.
 
આ પર્વ પર ચોપડાપૂજનની પરંપરા જોડાયેલી છે. જો કે હવે આ પરંપરા આગળ પાછળ આટોપી લેવામાં આવે છે. આ ચોપડાપૂજન એ પોતાના હિસાબ-કિતાબનો, આખાય આર્થિક વ્યવહારનો `Self Attested Audit Report' છે. મારા આ ચોપડા પૂજનીય છે, કારણ કે તેમાં બે નંબરનું કશું છે જ નહીં, એવા અર્થઅનુશાસનનું પ્રગટસ્વરૂપ છે ચોપડાપૂજન! મા લક્ષ્મીજીએ જે આપ્યું છે તેનો પાઈ-પાઈનો હિસાબ આપણે મા લક્ષ્મીજી સમક્ષ વિષ્ણુજીની સાક્ષીએ રજૂ કરીએ છીએ. શું અદ્ભૂત આત્મપરિક્ષણનું- આત્મનિરીક્ષણનું આ પર્વ છે!
 
ધર્મના રસ્તે આવેલું ધન એ જ સાચું ધન છે, માટે પૂજનીય છે. આપણું અધ્યાત્મ કર્મકેન્દ્રિત છે, સાચું ખોટું ભોગવવા પુનઃજન્મ અનિવાર્ય છે. આવા વિચારોથી વ્યાપ્ત વ્યવહારથી સ્નિગ્ધ જીવનશૈલીને ઉજવીએ, એમાં આ પર્વનું સાર્થક્ય સમાવિષ્ઠ છે.
 
મહાકાલીની આરાધનાનું મહાપર્વ કાળીચૌદશ
 
જ્ઞાન પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય, પરંતુ જો શક્તિ ન હોય તો જ્ઞાન અને ધન સાવ નિરર્થક બની જાય છે.
 
પ્રાચીન અને અર્વાચીન યુગમાં જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે ટોચ પર રહેલ ભારત, ગુલામી સમયે પણ અગ્ર હરોળમાં હતું. ગણિતજ્ઞ રામાનુજમ, વનસ્પતિમાં જીવ હોવાનું પૂરવાર કરનાર જગદીશચંદ્ર બોઝ અને આ સદીના ગૉડ પાર્ટિકલ (હિગ્ઝ બોઝોન)ના પ્રયોગમાં પ્રયોજાયેલ બોઝોન શબ્દ જેમના નામ પરથી છે તેવા સત્યેન્દ્રનાથ બોઝ, આવા અનેકોએ ગુલામી કાળમાં; સંશાધનો સાવ સિમિત હતાં તો પણ ભારતનું નામ વિજ્ઞાન ક્ષેત્રે રોશન કરેલું. વિશ્વભરમાં વેદ-ઉપનિષદ-આગમ-ત્રિપિટક-ગુરુ ગ્રંથસાહેબ-રામાયણ-મહાભારત-પુરાણો વગેરેના વિશ્વશ્રેષ્ઠ, સદાસત્ય, જ્ઞાનની સરિતાને ભારતે પ્રવાહિત કરેલી. ભારત `સોને કી ચીડિયા' કહેવાતો અખૂટ સમૃદ્ધિમાં આળોટતો દેશ હતો, સંપત્તિની કોઈ કમી નહોતી. ઘરોને તાળાં મારવાં પડતાં નહોતાં, કારણ સૌ સુખી હતાં, આમ છતાં આપણે ગુલામ બન્યા, કારણ કે આપણે મહાકાલીને-શક્તિને-દુર્ગાને મહાસરસ્વતી અને મહાલક્ષ્મી જેટલું મહત્વ આપવાનું ભૂલી ગયા. શસ્ત્રપૂજન અને સિમોલ્લંઘનવાળા શક્તિસંસ્કારને ભૂલી બેઠા. ઋષિ વિશ્વામિત્રને જ્ઞાનપ્રાપ્તિની સાધનામાં ખલેલ પહોંચાડનાર રાક્ષસો શસ્ત્રની ભાષા જ સમજતા હોઈ, શ્રીરામે અને લક્ષ્મણે યજ્ઞરક્ષા માટે કિશોરાવસ્થામાં ધનુષ-બાણ ધારણ કરીને જંગલમાં જવું પડેલું. નિત્યસિદ્ધ શક્તિ જ જ્ઞાન અને ધનની રક્ષા કરી શકે છે. મહાકાલીની આરાધનાના આ પર્વ પર શક્તિ અર્જિત કરવાનો મહિમા છે. અલગ અલગ યુગોમાં અલગ અલગ પ્રકારની શક્તિ કારગર નીવડતી હોય છે. કળિયુગમાં સંઘશક્તિનો મહિમા ગવાયેલો છે. संघे शक्ति कलौयुगे । સમાજનું સંગઠન; સ્વયં એક અમોઘ શસ્ત્ર છે. સમાજ એ જ વિરાટ! મહાભારતમાં શ્રીકૃષ્ણ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. આ વિરાટસ્વરૂપે `હું યુદ્ધ નહીં કરું'વાળી અર્જુનની ભાગેડું વૃત્તિને ભગાડી દીધી હતી, તે વિરાટનું વર્તમાન સ્વરૂપ એટલે- સમાજસંગઠન. કાયમ માટે ધર્મ બે સ્વરૂપોમાં જોવા મળે છે. એક સ્વરૂપને શાશ્વત ધર્મ અને બીજા સ્વરૂપને યુગધર્મ કહીએ છીએ. યુગધર્મ યુગ પ્રમાણે બદલાય છે. યુગધર્મની જેમ, બદલાતા યુગ પ્રમાણે પર્વોને પણ નવાં નવલાં રંગરૂપ ધારણ કરવાં પડે છે. આપણો પુરાતન રાષ્ટ્રપ્રવાહ આવાં નવાં સવાં રૂપો ધારણ કરતો રહ્યો હોવાથી નિત્ય નૂતન, સદાબહાર સ્વરૂપે સૌને સતત આકર્ષે છે.
 
આમ દિવાળી અને નવું વર્ષ સુયોગ્ય રીતે ઉજવવા માટે પૂર્વતૈયારીનાં ત્રણેય પર્વ; આદ્યશક્તિનાં ત્રણ સ્વરૂપો- મહાસરસ્વતી-મહાલક્ષ્મી-મહાકાલીની આરાધનાનાં છે.
 
કોઈપણ પર્વ વ્યક્તિગત રીતે ઉજવી શકાતું નથી. પ્રત્યેક પર્વ સમાજનું પર્વ છે, તેથી કુલ મળીને સમાજનું જ્ઞાન, સમાજનું ધન અને સમાજની શક્તિ વધે તે પ્રકારનો સંકલ્પ જાગે તો સમાજ ઉત્તરોત્તર સમર્થ બને. જો સમાજ સમર્થ હોય તો જ આપણે સૌ સમર્થ.
 
 
***
 
 
 - પૂર્વી કવન પરમાર
 
(લેખિકા `મહિલા સમન્વય'ના
પશ્ચિમ કર્ણાવતી એકમનાં સંયોજિકા છે.)