ભારતીય નારી - માતૃત્વ, કર્તૃત્વ અને નેતૃત્વ

નારીનું સૌથી નમણું કોઈ રૂપ હોય, નિર્વ્યાજ અને અસ્ખલિત પ્રેમનું. સૌથી નોખું-અનોખું કોઈ ઉદાહરણ હોય તો એ છે મા. એ જન્મ આપનાર દેવકી હોય કે લાલન-પાલન કરનાર યશોદા. માતાનો પ્રેમ અતુલ્ય છે.

    ૦૮-નવેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

bharat ni nari
 
 
વનિતાવિશેષની વાત આપણે અનાદિકાળથી આજ સુધી કરતા આવ્યા છીએ. એમના ઉદાત્ત કાર્યો અને ચારિત્ર્ય થકી તેમનું અદમ્ય મનોબળ, અમૂલ્ય નિષ્ઠા અને કાર્યક્ષમતા તથા સંઘર્ષને પડકારરૂપ ગણી તેમાંથી માર્ગ શોધી સફળતા તરફની તેમની વણથંભી આગેકૂચની વાતો પણ ઘણી કરી છે. પરંતુ આજે આપણે આવી અગણિત પ્રાચીન નારીરત્નોની વાત તેમનાં માતૃત્વ, કર્તૃત્વ અને નેતૃત્વના સંદર્ભે વિચારવા જેવી ખરી.
 
દરેક નારીમાં આ ત્રણેય તત્ત્વો હોય છે, સવાલ એને બહાર લાવવાનો હોય છે. દરેક પાસે માતૃત્વનું વરદાન હોય છે એટલે જ એ સંવેદનથી સભર હોય છે. માતૃત્વને કારણે મા પુરુષ જેમ કદી કઠોર બની ન શકે (અપવાદોને બાદ કરતાં). બાળકને જન્મ આપે છે અને પાછળ પિતાનું નામ લગાવી દે છે, આનાથી મોટું સહજ સમર્પણ શું હોઈ શકે! સ્ત્રીના કર્તૃત્વની કેફિયતની વાત કરવા બેસીશું તો બહુત દૂર તલક જાયેગી. એની ઘરની નોકરી ૨૪ કલાકની અને પગાર? સ્ત્રીની ઉંમર ન પુછાય એમ મજાકમાં ભલે કહેતા, બહુ વ્યંજનાપૂર્ણ વાક્ય છે, કેમ કે સ્ત્રી પોતાના માટે જીવતી જ નથી. થોડાં વર્ષો પિતાને આપે, થોડાં વર્ષો પતિને આપે અને થોડાં વર્ષો બાળકને આપે અને બાકીનાં પરિવારને.. એને એનો કોઈ અફસોસ હોતો નથી. આખા ઘરનું મેનેજમેન્ટ કરતી ગૃહિણી પાસે નેતૃત્વનાં ગુણો સાહજિક છે. જેટલા રૂપિયામાં સ્ત્રી મહિનો ચલાવી શકે એટલા રૂપિયામાં પુરુષ ન જ ચલાવી શકે. ઇતિહાસ ઉઠાવો અને જુઓ કે સ્ત્રીને નેતૃત્વ આપ્યું હોય ત્યારે ઉત્તમ કામ થયું છે. એકવાર જગતનું નેતૃત્વ સ્ત્રીને સોંપો પછી જુઓ કેવી કમાલ થાય છે. જનેતામાં નેતા શબ્દ સમાયેલો જ છે.
 
ભારતીય મહિલાઓના દરજ્જામાં પ્રાચીન સમયથી પુરુષ સમકક્ષથી લઈને મધ્યકાલીન યુગમાં ઘણું પરિવર્તન નોંધાયું. મધ્યકાલીન સમયના સમાજમાં ભારતની મહિલાઓની સ્થિતિ અને દરજ્જો કથળ્યાં હતાં. બાળવિવાહ, સતીપ્રથા, પડદાપ્રથા, વિધવાવિવાહ પ્રતિબંધ કે દેવદાસીપ્રથા જેવા કુરિવાજોએ સમાજને ભરડો લીધો હતો. અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓથી ઇતિહાસ સભર છે. પરંતુ સુધારાવાદીઓએ સ્ત્રીઓના સમાન હક્કની તરફેણ કરી પ્રોત્સાહન આપ્યું. આપણા પ્રાચીન વ્યાકરણશાસ્ત્રીઓ સ્ત્રીઓ ખૂબ શિક્ષિત હોવાની અને તેમના લગ્ન પુખ્તવયે થતાં હોવાનું સૂચવતાં ટાંકે છે કે, ત્યારે સ્ત્રીઓ પતિને પસંદ કરવા પણ મુક્ત હતી.
 
નારીનું સૌથી નમણું કોઈ રૂપ હોય, નિર્વ્યાજ અને અસ્ખલિત પ્રેમનું. સૌથી નોખું-અનોખું કોઈ ઉદાહરણ હોય તો એ છે મા. એ જન્મ આપનાર દેવકી હોય કે લાલન-પાલન કરનાર યશોદા. માતાનો પ્રેમ અતુલ્ય છે. પુરાણોમાં વર્ણવાયેલ કૃષ્ણકથામાં યશોદાનું કૃષ્ણની વ્હાલસોયી માતા રૂપે નિરૂપણ થયું છે. શ્રીમદ ભાગવતમાં યશોદા મનસા, વાચા અને કર્મણા વાત્સલ્યપૂર્ણ અને સરળ માતૃત્વની પ્રતીતિ કરાવે છે. યશોદાના સ્વભાવમાં ચતુરતા અને વિનોદપ્રિયતા વણી લેતા સુરદાસે યશોદાના માતૃવાત્સલ્યના ચિત્રણમાં અનેકાનેક ભાવોનો આશ્રય લીધો છે. એમાં સહુથી અધિક મર્મસ્પર્શી ચિત્ર વિરહાવસ્થાનું છે. અક્રૂર સાથે જે સમયે કૃષ્ણ અને બલરામ મથુરા જવા પ્રસ્થાન કરે છે તે સમયે યશોદા અત્યંત દીન થઈને અક્રૂરને જે વિનવણી કરે છે તેમાં એ પ્રગટ થાય છે. સંસ્કૃતમાં એટલે જ તો કહ્યું છે કે...
 
नास्ति मातृसमा छाया,
नास्ति मातृसमा गति।
नास्ति मातृसमं त्राण,
नास्ति मातृसमा प्रपा॥
 
માતા જેવી કોઈ છાયા નથી, માતા જેવી કોઈ ગતિ નથી, માતા જેવું કોઈ કવચ નથી અને માતા જેવી કોઈ જીવનદાતા નથી. માતૃત્વ સ્ત્રીને પૂર્ણતા બક્ષે છે. કસ્તૂરબા તો સૌનાં બા હતાં. સાબરમતી જેલમાં તેઓ હતાં એ જેલવાસ સ્વાતંત્ર્યના અન્ય મહિલા સેનાનીઓ માટે જીવનનો યાદગાર અનુભવ એટલે બની રહેવાનો હતો, કારણ કે કસ્તૂરબા પણ અહીં મહેમાન હતાં. કસ્તૂરબાએ સૌનું સ્વાગત કરીને ધરપત આપતાં કહ્યું હતું કે, તમે જરાય ગભરાતાં નહીં. અહીં હું તમારી મા જેવી બેઠી છું. સૌ માટે એ ક્વોલિટી ટાઈમ હતો. સમય જતાં પરસ્પરનો એ સંબંધ ગાઢ અને ઘનિષ્ઠ બન્યો. કસ્તૂરબાનો માતૃતુલ્ય પ્રેમ, માયા અને સંભાળ સૌને એવાં મળ્યાં કે જે દરેક પુત્રી ઝંખતી હોય. સંતાનને મા જે કેળવણી આપી શકે છે, મા જેવી રીતે તેને યોગ્ય અને કલ્યાણકારી માર્ગ ચીંધી શકે છે, તેવું અન્ય કોઈથી થઈ શકતું નથી. ધર્મનિષ્ઠા, રાષ્ટ્રપ્રેમ અને તેજસ્વિતા જીજાબાઈમાં ભારોભાર ભરેલાં હતાં. પોતાનો પુત્ર શિવાજી અત્યંત વીર, ધર્મનિષ્ઠ અને આદર્શ પુરુષ અને યોદ્ધા નીવડે અને હિંદુઓની ખોવાયલી પ્રતિષ્ઠા પાછી મેળવે એ માટે પુત્રને શિક્ષિત અને પ્રોત્સાહિત કરવામાં જીજાબાઈએ કોઈ કચાશ બાકી રાખી નહોતી અને એટલે જ આપણો પ્રાચીન ઇતિહાસ શિવાજીના નામથી ગૌરવાન્વિત છે. મહાભારતના યુદ્ધ દરમિયાન રાણીઓના મૂક સમર્પણ વિશે બહુ લખ્યું નથી પણ એ બલિદાન અમૂલ્ય હતું. પતિ યુધ્ધમાં વીરગતિ પામે એ પછી ઘરનું સંચાલન કરવું ખાવાના ખેલ નહીં પણ ખાંડાના ખેલ હતા.
 
શતપથ બ્રાહ્મણમાં આવેલી નર-નારીની ઉત્પત્તિકથા પણ એ વાતની સાખ પૂરે છે કે, વૈદિકકાલીન સ્ત્રીઓની સ્થિતિ પુરુષો કરતાં જરાયે ઊતરતી ન હતી. સ્ત્રી-પુરુષ બંને સમકક્ષ હતાં. વિવિધ ક્ષેત્રોમાં તેમના શાણપણ, બુદ્ધિમત્તા અને વિદ્વત્તા માટે જાણીતી ગાર્ગી, મૈત્રેયી, લોપામુદ્રા અને ઘોષા પ્રાચીન ભારતીય વિદ્વાન સ્ત્રીઓ હતી. ગાર્ગી એક દાર્શનિક હતી, જે આધ્યાત્મિક બાબતો પર શાસ્ત્રાર્થ કરવા અને ચર્ચાઓમાં ભાગ લેવા માટે જાણીતાં હતાં. તે પ્રખ્યાત ઋષિ યાજ્ઞવલ્ક્યની વિદ્યાર્થિની હોવાનું પણ માનવામાં આવે છે. મૈત્રેયીને ભારતમાં સૌપ્રથમ હરોળના જાણીતા મહિલા દાર્શનિકમાંના એક ગણવામાં આવે છે. તે પતિ યાજ્ઞવલ્ક્ય સાથેના દાર્શનિક સંવાદ માટે જાણીતી છે જે ભારતીય ગ્રંથ બૃહદારણ્યક ઉપનિષદમાં નોંધાયેલ છે. લોપામુદ્રા પણ એક કવિ અને ચિંતક હતાં, જે પ્રાચીન ભારતીય ઋષિ અગસ્ત્યનાં પત્ની હતાં. પંડિત મંડનમિશ્રની પત્ની વિદ્યાધરી (સરસ્વતી) શાસ્ત્રાર્થની મધ્યસ્થી કરે કે શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરે એ બાબત તત્કાલીન મહિલાઓની તેજસ્વી પ્રતિભા દર્શાવે છે.
 
ચંદ્રમુખી બસુ, કાદમ્બનિ ગાંગુલી અને આનંદી ગોપાલ જોષી ભારતની શરૂઆતી મહિલાઓમાંથી હતી, જેમણે ઉચ્ચ શૈક્ષણિક પદવી હાંસલ કરી હોય. આપણી ગરવી ભાષાના અધ્યાત્મ-આકાશમાં શુક્રતારા માફક ચમકી રહેલાં ગંગાસતી અને પાનબાઈનાં ભજનો સૌરાષ્ટ્રમાં અને અન્યત્ર અનેક લોકગાયકો અને ભજનિકો દ્વારા ખૂબ જ ભક્તિભાવથી ગવાતાં હોય છે. વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગાસતી અને પાનબાઈનું નામ કોઈ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ગામડામાં રહેતા ગંગાસતીએ કોઈ ઔપચારિક શિક્ષણ લીધું ન હતું છતાં અધ્યાત્મ માર્ગનાં ઊંડાં રહસ્યો તેમનાં પદોમાં સતત ઉજાગર થતાં જોઈ શકાય છે.
 
ડાબી ઈંગલા ને જમણી છે પિંગલા
રાખવું સ્વરભેદમાં ધ્યાન રે...
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું
એમ કાયમ લેવું વ્રતમાન રે...
 
એ પદોમાં પ્રાણાયામનું વિજ્ઞાન હોય કે યોગમાર્ગનાં રહસ્યો ઉદઘાટિત થતાં રહે છે. એમના પ્રસિદ્ધ ભજન `વીજળીને ચમકારે'માં એમની કોઠાસૂઝ કે ગણિતની આવડત અનોખી રીતે છતી થઈ છે.
 
જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ
એકવીસ હજાર છસ્સો કાળ ખાશે.
 
સામાન્ય રીતે માણસ દર મિનિટે ૧૫ શ્વાસોચ્છવાસ લેતો હોય છે. આ ગણતરી પ્રમાણે એક દિવસના ૨૧,૬૦૦ શ્વાસોચ્છવાસ થાય. એટલે એમની પંક્તિમાં એકવીસ હજાર છસ્સોનું આ ગણતર અદ્ભૂત વૈજ્ઞાનિક આધારવાળું છે!
 
સાહબ, બીવી ઓર ગુલામ, હંટરવાલી કે રંગૂન જેવી અનેક ફિલ્મોમાં થતું નાયિકાનું ચરિત્ર-ચિત્રણ પરંપરાગત સ્ત્રીની છબીને તોડી-મરોડીને સમાજને બદલાવ માટે અપીલ કરે છે પણ આપણો દંભી સમાજ આજે એકવીસમી સદીમાં પણ નારીશક્તિને સ્વીકારવા રૂદિયાથી રાજી નથી. ઇતિહાસનાં પાને સબળ નેતૃત્વ પૂરું પાડનાર સ્ત્રીઓની નોંધપાત્ર ભૂમિકાનાં કેટલાક ઉદાહરણોમાં રઝિયા સુલતાન પોતાનું નામ નક્કરપણે નોંધાવે છે.
 
વિખ્યાત સ્વાતંત્ર્યસેનાનીઓમાં બળવાખોર અને રાષ્ટ્રવાદી ભિખાઈજી કામા, ડૉ. એની બેસન્ટ, વિજ્યાલક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃત કૌર, અરૂણા અસફઅલી, સુચેતા કૃપલાણી અને કસ્તૂરબા ગાંધીએ સબળ નેતૃત્વ પૂરું પાડી સ્વતંત્રતાને લગતાં જુદાં જુદાં અભિયાનો સફળ બનાવ્યાં હતાં. શિક્ષણ, સામાજિક સુધારણા અને રાજકીય સંઘર્ષના ક્ષેત્રમાં ડૉ. એની બેસન્ટ અગ્રણી મહિલા નેતા હતાં. તેમના દમદાર વક્તૃત્વ, સામાજિક કાર્યો અને વિચારોને કારણે ખૂબ ખ્યાતિ મળેલી. સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ હતી, જે કેપ્ટન લક્ષ્મી સહેગલ સહિત પૂર્ણપણે મહિલાઓની બનેલી હતી. કવયિત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતાં, અને ભારતના રાજ્યના રાજ્યપાલ બનનારાં પ્રથમ મહિલાં હતાં.
 
પ્રાચીન ભારતનાં નારીરત્નોની વાત આવે તો મીરાંબાઈનું કર્તૃત્વ સૌના હોઠે તો ઠીક પરંતુ કાગળ પર ઢોળાવા માટે પણ હુંસાતુસી કરે. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ રમેશ પારેખે તો મીરાં સામે પાર નામક કાવ્યસંગ્રહ આપી ગુજરાતી ભાષાને રતુંબડી અને રળિયાત કરી છે. મીરાંએ કૃષ્ણપ્રીતિ નિમિત્તે કાવ્યસર્જન કર્યું છે. નારીચેતનાનો આ પ્રથમ પડાવ. રાજપાટને ઠોકર મારી કૃષ્ણપાટને પૂજતી હતી. ઈબ્સનના ડોલ્સહાઉસની નોરા પણ અંતે બારણું પછાડીને બધું છોડીને નીકળી ગઈ હતી. એ પછડાટના પડઘા સમગ્ર રશિયામાં સંભળાયા હતા. મધ્યકાળમાં મીરાંની આ ઠોકરની કળ રાણા જેવા કૈંક મહારાજાઓને વરસો સુધી વળી નહોતી, પણ મીરાંને તો રાજકારણ કરતાં કૃષ્ણકારણમાં રસ હતો. મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ ગાતી મીરાંને કોઈ પણ દુન્યવી ચીજમાં રસ નહોતો. કૃષ્ણ પ્રથમ અને અંતિમ પ્રેમ હતો. પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોચ્ચ શિખર એટલે મીરાં. પ્રેમનો પહાડ ચીરીને સંવેદનાનો ધોધ શ્યામ સાગરમાં ભળે છે. લોકરીતિ અને લોકનીતિ માફક ન આવતાં વૃંદાવનની યાત્રાએ નીકળી પડ્યાં હતાં. ત્યાં કૃષ્ણ વિષે વધુ જાણવા જીવા ગોંસાઈને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. હું સ્ત્રીઓને મળતો નથી. એમ ગોંસાઈજીએ કહ્યું ત્યારે મીરાંબાઈએ જવાબ આપ્યો કે...
 
આજ લગી તો હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક,
વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક.
 
આ સાંભળીને ગોંસાઈજી દોડીને સામેથી મળવા આવ્યા.
 
બ્રહ્માનું શ્રેષ્ઠ સર્જન નારી છે, એ અમથું નથી કહેવાયું. કોઈ દાવા-દલીલ વગર પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. તેના ત્યાગ અને સમજણને લીધે જ સંસારચક્ર સુપેરે ચાલે છે. સ્ત્રીના મૂંગા બલિદાનને કોઈ પુરુષ ભાગ્યે જ સમજી શકે છે. પત્નીની પીડા તો બુદ્ધ પણ ક્યાં સમજી શક્યા હતા! એક પળનો પણ વિચાર કર્યા વિના તેઓ સત્યની શોધમાં પત્ની યશોધરાને છોડીને ચાલી નીકળ્યા. યશોધરાએ અસંખ્ય સવાલો પૂછ્યા પણ બુદ્ધે કોઈ સવાલનો જવાબ ન આપ્યો. મૈથિલીશરણ ગુપ્તે યશોધરાની સખી પાસે ધીરેથી ઉચ્ચારાતી ફરિયાદ અત્યંત ઋજુતાથી એમના યશોધરા કાવ્યમાં મૂકી છે. યશોધરા કહે છે કે... કી કી
સખી, વો મુઝસે કહકર જાતે.
 
કહ, તો ક્યા મુઝકો વે
અપની પથ-બાધા હી પાતે ?
 
ઊર્મિલા મહાકાવ્ય રામાયણનું એક એવું પાત્ર છે જેણે પોતાના પતિ લક્ષ્મણની ઇચ્છાને માન આપીને વનમાં સાથે જવાનું ટાળ્યું અને અયોધ્યામાં વૃદ્ધ સાસુ-સસરા પાસે રહી. ૧૪ વર્ષ પતિથી દૂર રહી તેને સહધર્મચારિણી હોવાનું અનોખું દૃષ્ટાંત પૂરું પાડ્યું. તેનું આ બલિદાન ઇતિહાસમાં અનન્ય છે.
 
ઋગ્વેદમાં જણાવ્યા પ્રમાણે નારીઓ પતિને એમનાં કાર્યમાં રત રહેવા દઈ સામાજિક બધી જવાબદારી ઉપાડી લેતી. યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે પુરુષનું કર્મ એ જ એનું કર્મ કહી સાથ આપતી હતી. સામવેદમાં આલેખ્યા મુજબ સ્ત્રીનું જીવન સૂરીલું છે અને અથર્વવેદ તો જાણે સ્ત્રીના હૈયે અને હોઠે! એક માતા સો શિક્ષકની ગરજ સરે છે એમ એક માતા હજાર નેતાની ગરજ સારે છે. વૈદિક સ્ત્રીઓ પારણું ઝુલાવવાની સાથે દુનિયા પર રાજ પણ કરતી હતી. રાજાઓ મહત્ત્વના નિર્ણય લેતાં પહેલાં રાણીઓ સાથે સંવાદ કરતા હતા. આમ અપ્રત્યક્ષ એમનો નેતૃત્વમાં સાથ રહ્યો છે. જયારે ખેલરાજા પર અચાનક આક્રમણ કર્યું ત્યારે ખેલ હિંમત હારી ગયો હતો પણ રાણી વિશ્પલા પ્રોત્સાહન અને પોરસ ચડાવે છે. પરિણામ એ આવે છે કે એમની જીત થાય છે.
 
દ્રૌપદીનું મિત્રવત સમર્પણ, ગાંધારીએ અંધારાં વેઠીને અજવાળાં પાથર્યાં, કુંતીમાતાનો તટસ્થભાવ, સીતાનું સ્નેહનું શિખર, સૂરના સરનામે વસતી ગંગુબાઈ આદિ અનેક મહાન માનુનીઓનું મહાત્મ્ય મન્વન્તર સુધી ગુંજ્યા કરશે. ભારતીય પ્રાચીન નારીરત્નોની વિગતે વાતો કરવા બેસીએ તો પૃથ્વીનો કાગળ લેવો પડે. એમનાં માતૃત્વ, નેતૃત્વ કે કર્તૃત્વની ત્રિવેણીથી ઇતિહાસનાં અનેક પૃષ્ઠો ઝળાહળાનાં ઝુમ્મર જેવાં શોભી ઊઠ્યાં છે.
 
***
 
- રક્ષા શુક્લ
 
(લેખિકા કુમારચંદ્ર પારિતોષિક, રાષ્ટ્રપતિ સન્માનિત કવયિત્રી તથા લેખિકા)