ભારતીય નારીની સંકલ્પના અને તેનું સ્થાન અન્ય કરતાં કેવી રીતે ભિન્ન છે?

બુદ્ધિમત્તાની દૃષ્ટિએ ઉચ્ચ માનાંકો ધરાવતી સ્ત્રીઓને વિદ્વતજનોની સભામાં કે રાજસભામાં ઋષિમુનિઓ સાથે શાસ્ત્રાર્થ કરતાં કોઈએ ક્યારેય રોકી ન હતી. એથી વિશેષ આવા શાસ્ત્રાર્થ કે વિદ્વત્‌‍ ચર્ચાઓમાં તે નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી શકતી હતી.

    ૦૮-નવેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

bharat ni nari ane sthan
 

ભારતની નારીનું સ્થાન અને સંકલ્પના

 
ભારતની પવિત્ર અને વિરલ ભૂમિ પર ઐતિહાસિક અને પૌરાણિક કાળથી નારીનું સન્માન થતું આવ્યું છે. यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः - આ સૂત્ર ચરિતાર્થ કરતી અનેક ઘટનાઓ અને સ્ત્રીપાત્રો છે જે ભારતમાં નારીના સન્માનનીય સ્થાન અને સ્વતંત્રતાની પ્રતીતિ કરાવે છે. ભારતને મલીન દૃષ્ટિથી જોવા ટેવાયેલા અને ક્ષુલ્લક બાબતોના આધારે કલુષિત કરનાર લોકોને અનેક એવાં નારીરત્નોને ઇતિહાસ ખબર જ નથી કે પછી આવા કહેવાતા ઉમદા વિચાર ધરાવતા લોકોને તે ધ્યાનમાં લેવું જ નથી.
 
કોઈપણ દેશ કે સમાજમાં વિદુષી, ગાર્ગી, મૈત્રેયી, લોપામુદ્રા કે સાવિત્રી કે એવી ઉમદા સ્ત્રીઓએ એમના કર્તૃત્વના ઇતિહાસ સમકક્ષ એક પણ સ્ત્રીપાત્ર શોધી બતાવો. અનેક કુશળ યોદ્ધા, કુશળ વહીવટકર્તા રાણીઓ ભારતમાં સદીઓથી પોતાની શૌર્યગાથાઓ થકી પ્રમાણો પૂરાં પાડે છે કે, ભારતમાં સ્ત્રીઓનું સ્થાન હરહંમેશ વંદનીય અને મુક્ત રહ્યું છે. અન્યથા વિષ્પલા, ચૌટા, રાણી ચેન્નમા, રાણી દુર્ગાવતી, પદ્માવતી, કર્માવતી, રુદ્રમ્મા દેવી જેવી અનેક રાણીઓ ભારતમાં યોગદાન આપવા કેવી રીતે સમર્થ બની હોત? જો સ્વતંત્રતા ન હોત તો સ્ત્રીઓ યુદ્ધ કરવા કે શાસન કરવા કેવી રીતે સદીઓ પહેલાં સમર્થ બની શકી હોત? કહેવાતા પ્રોગેસિવ અને વિકસિત યુરોપના દેશોમાં પણ આવાં સ્ત્રીપાત્રો જોવા નથી મળતાં. ન્યૂ ટેસ્ટામેન્ટમાં જેનું છેલ્લેથી બીજું નામ સંતની યાદીમાં છે તેવી સંત ઝોનને તો પુરુષનાં વસ્ત્રો પહેરી યુદ્ધ લડવા માટે `હેરેટીક' Heretic એટલે કે નાસ્તિક ઠરાવી મૃત્યુદંડ અપાયો હવો. પાંચસો-છસ્સો વર્ષ પહેલાંના યુરોપમાં એ સ્વીકૃત ન હતું કે કોઈ સ્ત્રી પુરુષનાં વસ્ત્રો પહેરી યુદ્ધ લડી શકે. ભારતમાં તો ઝાંસીની રાણી તો ઘણું મોડું દૃષ્ટાંત ગણી શકાય. તે અગાઉ પણ સ્ત્રીઓ પુરુષો વિરુદ્ધ યુદ્ધ પણ કરતી આવી છે અને સફળતા પણ મેળવતી આવી છે.
 
બુદ્ધિમત્તાની દૃષ્ટિએ ઉચ્ચ માનાંકો ધરાવતી સ્ત્રીઓને વિદ્વતજનોની સભામાં કે રાજસભામાં ઋષિમુનિઓ સાથે શાસ્ત્રાર્થ કરતાં કોઈએ ક્યારેય રોકી ન હતી. એથી વિશેષ આવા શાસ્ત્રાર્થ કે વિદ્વત્‌‍ ચર્ચાઓમાં તે નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી શકતી હતી.
 
અનેક દૃષ્ટાંતો આપી, સ્ત્રીઓની સર્વે ક્ષેત્રોમાં સ્વીકૃતી હતી તેને પ્રમાણિત કરી શકાય છે, પરંતુ આની આવશ્યકતા જ આપણને ત્યારે પડે છે જ્યારે અન્ય ધર્મો, વિચારધારાઓ કે સમાજે સ્ત્રીઓની બેહદ અવગણના કરી છે. તિરસ્કૃત ગણી અધિકારો અને સ્વતંત્રતાથી વંચિત રાખી છે. એક દૃષ્ટાંત તો ઉપર અપાઈ ગયું છે. એવી અનેક ઘટનાઓ, ઐતિહાસિક નોંધો થકી એ પ્રમાણિત થાય છે કે પ્રાચીન કાળમાં ભારતમાં સ્ત્રીઓ જેટલી સ્વતંત્ર અને શક્તિવાન (empowered) હતી તેટલી અન્ય સંસ્કૃતિમાં ન હતી. સ્ત્રીઓને સમાન અધિકારો ન હતા. અમેરિકા જેવા કહેવાતા આજના વિકસિત દેશમાં સ્ત્રીઓને મતાધિકાર વીસમી સદીની શરૂઆત સુધીમાં ન હતો. તેમને પુરુષો સમાન વેતન આપવામાં આવતું ન હતું અને આથી જ તેમને આંતરરાષ્ટીય મહિલા દિવસ ઊજવવાની આવશ્યકતા મળી, જ્યારથી તેમને મતાધિકાર મળ્યો.
 
અન્ય કોઈ ધર્મ કે સંસ્કૃતિમાં દેવી નથી. સ્ત્રીને પણ ઈશ્વરના સ્વરૂપમાં જોતી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો કોઈ પર્યાય નથી. બાઇબલમાં ક્યાંય She શબ્દ નથી. ક્રિશ્ચિયાનિટીમાં સ્ત્રીઓને કહેવાતો Freedom of Expressionનો અધિકાર નથી. A woman Should learn in quietness and full submission. I do not permit a woman to teach or to have authority over a man, she must be silent. (1 Timeothy 2.11.12)
 
બાઇબલમાં ઈશ્વર પુરુષને એકલો નહોતા ઇચ્છતા માટે તેણે સ્ત્રીને મદદનીશ (Helper fit for him) તરીકે મોકલી. સ્ત્રીઓને ચર્ચમાં બોલવાનો અધિકાર નથી. અને એવું પણ કહેવાયું છે કે કારણ કે ઇવ શયતાન દ્વારા છેતરાઈ હતી અને તેણે ઉલ્લંઘન કર્યું હતું, માટે તે બાળકને જન્મ આપીને બચી શકે છે. (1 Timeothy 2.11.15) જો કે બાઇબલમાં આનાથી વિપરીત વિધાનો પણ મળે છે, પરંતુ વ્યવહારમાં પણ ચર્ચમાં નન (સાધ્વી) સાથે થતાં અન્યાયો અને અત્યાચારો વિશ્વમાં Open seerelની જેમ જાણીતા છે. વધુ પ્રમાણ જોઈએ તો Amen The Autobiography of a nun. ની લેખિકા એ કેરળનાં ચર્ચમાં થતાં અત્યાચારો અને ભ્રષ્ટાચારની જીવંત કહાની છે. તેને આ પુસ્તક પ્રકાશિત ન કરવા માટે પણ રુશ્વત આપવાના પ્રસ્તાવો થયા હતા. અનેક ધમકીઓનો સામનો કરી બહાદુરીપૂર્વક પ્રકાશિત કરેલ આ પુસ્તક વાસ્તવિકતાનો ચિતાર આપે છે.
 
બાકી રહી વિશ્વના ત્રીજા બહુમતી ધરાવતા પંથ ઇસ્લામની. ઇસ્લામમાં સ્ત્રીઓ પરના અત્યાચારોના પુસ્તકોની ભરમાર છે. પોતાના દેશમાંથી વિકસિત દેશોમાં વસીને અનેક મુસ્લિમ લેખિકાઓએ ઇસ્લામના નામ થકી થતાં અત્યાચારોની કાચી ચિઠ્ઠીઓ ફાડી જગતને જાગૃત કર્યું છે. ભારતમાં તો તસ્લિમા નસરીનના નામથી મહદંશે બધા પરિચિત છે. તેણે ભારતમાં અનેક વર્ષો આશ્રય પણ લેવો પડ્યો હતો. એના ઉપરાંત આયાન હિરસી અલી, સુલતાન વફા, યાસ્મિન મોહંમદ, મોનિકા અલી, નાદિયા મુરાદ જેવી અનેક ત્રસ્ત મહિલાઓએ પોતે સહન કરેલી યાતનાઓનાં વર્ણનો પુસ્તકોમાં કર્યાં છે.
 
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં `હિજાબ'ને પોતાની પસંદ ગણાવતી મુસ્લિમ યુવતીઓને મ્હાસા અમીનીની ક્રૂર હત્યા અને તે પછી ઈરાનમાં થયેલ અનેક હિંસક વિરોધો અને ઈરાની સરકારનો ક્રૂર અંકુશ હોવા છતાં હિજાબ વિરુદ્ધ લડતી સ્ત્રીઓ અને તેમની યાચનાઓનો ખ્યાલ તો હશે જ. આશ્ચર્ય એ વાતનું છે કે (હ્યુમન રાઇટસ) માનવ અધિકારોની વાતો કરતા કહેવાતા બુદ્ધિજીવીઓની જીત આ ક્રૂર યાતનાઓનો ભોગ બનતી મહિલાઓના કિસ્સામાં કેમ સિવાઈ જાય છે? હિન્દુ પરિવારોમાં દહેજ કે અન્ય કોઈ ક્ષુલ્લક કારણોસર મહિલા અધિકારો માટે લડતી Feminist ભારતીય નારી વાદી મહિલાઓ શા માટે મુસ્લિમ મહિલાઓ પર થતા Female Genital Mutilations જેવા વિષયો પર મોમાં મગ ભરીને બેસી જાય છે? શા માટે ભારતીય કે અન્ય કમ્યુનિસ્ટ લિબરલ્સ કે ફેમિનિસ્ટો હલાલા જેવા જધન્ય અપરાધો કે સામાજિક દૂષણો વિરુદ્ધ બોલતાં ખચકાય છે? શું મુસ્લિમ મહિલાઓને આવા દોઝખમાંથી મુક્ત કરવાનું અભિયાન આ લોકો ન ચલાવી શકે?
 
સંક્ષિપ્તમાં ભારતની સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન હંમેશા સન્માનનીય રહ્યું હોવા છતાં ભારતને કે પુરુષપ્રધાન કહી વખોડવામાં આવે છે. જ્યારે અન્ય ધર્મી સ્ત્રીઓને થતા અન્યાય કે અત્યાચારો વિરુદ્ધ કોઈ હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી. જો કે હવે મુસલમાન પુરુષ લેખકો પણ આ બધા પ્રત્યે જાગરૂકતા દાખવી રહ્યા છે. ઈરાનના અમેરિકામાંના એમ્બેસેડર રહી ચૂકેલા માજીદ રહિમદેહ તેમના પુસ્તક `God who hates women', ઇષ્મ વરાક તેમના પુસ્તક `Why I am not a muslim' અને અલી સીના જેવા સત્યને સ્વીકારનારા અનેક લેખકો અનેક જોખમો વ્હોરી લઈને પણ સત્યને ઉજાગર કરવાનું કાર્ય કરી રહ્યા છે.
***
 
- શ્રુતિ આણેરાવ
 
(લેખિકા GTUમાં ધરોહર સેન્ટર ફોર Indian Knowledge System (IKS)માં ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યાં છે)