વર્તમાન ભારતનો સ્ત્રીપ્રશ્ન અને તેનું નિરાકરણ

પુરુષો અને સ્ત્રીઓમાં સમજણનો વિકાસ થાય એવા શિક્ષણની જરૂર છે. આવા શિક્ષણ માટે અને એને અનુસરીને સમાજપ્રબોધનની જવાબદારી ધર્માચાર્યોની પણ છે.

    ૦૮-નવેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |
 
mahila ni samasya
 

વર્તમાન ભારતનો સ્ત્રીપ્રશ્ન અને તેનું નિરાકરણ

 
ભારત વિશ્વનો પ્રાચીનતમ દેશ છે, તેનું રહસ્ય એની સમાજવ્યવસ્થામાં રહેલું છે. ભારતની સમાજવ્યવસ્થા ભારતની એકાત્મ જીવનદૃષ્ટિ અને એના અનુસરણમાં નિર્મિત થયેલી ધર્મવ્યવસ્થા અને સંસ્કૃતિવ્યવસ્થા છે. એકાત્મતા, ધર્મ અને સંસ્કૃતિના સુદૃઢ આધાર પર ભારતની વ્યક્તિગત, સામુદાયિક અને રાષ્ટીય જીવનશૈલીનો વિકાસ થયો છે. ભારતની સમાજવ્યવસ્થાનાં ત્રણ આધારભૂત સૂત્ર છે.
 
૧. સમાજ વ્યવસ્થાનું લઘુત્તમ એકમ કુટુંબ છે, વ્યક્તિ નહીં.
૨. કુટુંબનું કેન્દ્ર એકાત્મ સંબંધથી જોડાયેલાં પતિપત્ની છે.
૩. કુટુંબ વંશપરંપરાના માધ્યમથી ધર્મ અને સંસ્કૃતિની પરંપરાને નિત્ય પ્રવાહિત, નિત્ય નૂતન, નિત્ય જીવંત રાખનારી વ્યવસ્થા છે.
 
આ ત્રણેય સૂત્રો અંગે આજે સ્પષ્ટતા નથી. ભારતીય શિક્ષણ અને અભારતીય વ્યવસ્થાઓને કારણે બધાં જ ક્ષેત્રોમાં બુદ્ધિવિભ્રમ, વિપરીત વ્યવસ્થા, વિપરીત નીતિઓ, વિપરીત વ્યવહાર, વિપરીત માનસ જોવા મળે છે. તેમાંથી જ અનેક જટિલ પ્રશ્નો નિર્માણ થાય છે અને નિરાકરણ કરવા જતાં પરિસ્થિતિ વધારે ગૂંચવાઈ જાય છે.
 
સમાજજીવનના આવા અનેક જટિલ પ્રશ્નો પૈકી એક છે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અને માન, તેમનું સ્વાતંત્ર્ય અને તેમના અધિકાર, તેમનો વિકાસ અને તેમનું સશક્તિકરણ. આ લેખમાં આપણે ભારતીય દૃષ્ટિથી, ભારતના સંદર્ભમાં, ભારતીય સ્ત્રીઓ અને ભારતીય સમાજ અંગે કેટલાક મુદ્દા લઈને વિચાર કરીશું.
 
પહેલી સ્પષ્ટતા તો એ કરવાની રહી કે, આજે જે બધા પ્રશ્નોની જોરશોરથી ચર્ચા થઈ રહી છે એ પ્રશ્નો અને એના ઉત્તરો, એ પ્રશ્નોના નિરાકરણની પદ્ધતિઓ યુરોઅમેરિકી વિશ્વમાંથી આયાત થયેલી બાબતો છે. પ્રશ્નો પણ એમના, સમસ્યાઓ પણ એમની અને નિરાકરણની દૃષ્ટિ તથા પદ્ધતિ પણ એમની. એમની એટલે યુરોપ અને અમેરિકાની. જે બાબતો આપણને લગભગ લાગુ જ નથી પડતી એમને લઈને આપણે ત્યાં જોરશોરથી વિમર્શ ચાલી રહ્યો છે. તેથી પ્રથમ તો આપણા પ્રશ્નો અને આપણા ઉત્તરો વિશે આપણે જાણવાની જરૂર છે.
 
૧૯મી સદી સુધી ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓને જડ પદાર્થ સમજવામાં આવતી. સ્ત્રીનું નિર્માણ પુરુષના ઉપભોગ માટે થયું છે એમ માનવામાં આવતું. એમને મતાધિકાર નહોતો. એમની સાક્ષી કોર્ટમાં ચાલતી નહીં. એમના ઉપર અત્યાચાર પણ થતો. આની સામે ૧૯મી સદીમાં વિદ્રોહ થયો. સ્ત્રીઓની મુક્તિ, સ્ત્રીઓના અધિકાર, સ્ત્રીઓની પુરુષો સાથેની સમાનતા, સ્ત્રીઓને શિક્ષણ, વ્યવસાય, સાર્વજનિક ક્ષેત્રોમાં સ્થાન, સ્ત્રીઓનો મતાધિકાર વગેરે પ્રશ્નોને લઈને આંદોલનો થયાં. એ આંદોલનોને પરિણામે, અધિકાર, સમાનતા, સ્વતંત્રતા, શિક્ષણ, મતાધિકાર એ બધું તો મળ્યું પરંતુ યુરોઅમેરિકી જીવનદૃષ્ટિ, ભોગવાદ તથા અર્થકેન્દ્રી, કામકેન્દ્રી જીવનવ્યવસ્થાને કારણે નવા સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક પ્રશ્નો ઉભા થયા, પરંતુ એ બધા પ્રશ્નો, આંદોલનો, નવા પ્રશ્નો, એમના નિરાકરણની પ્રક્રિયા વગેરે એમને મુબારક. આપણે ભારતીય સંદર્ભમાં જ વિચાર કરીએ એ જરૂરી છે. એ અંગેના કેટલાક મુદ્દા આ પ્રમાણે છે.
 
૧. પહેલો પ્રશ્ન છે ભારતની સ્ત્રીઓનો મનોવૈજ્ઞાનિક પ્રશ્ન. ભારતમાં આજે સ્ત્રીઓ ગમે તેટલી બુદ્ધિમાન, ઉચ્ચવિદ્યાવિભૂષિત, સંસ્કારી વગેરે હોય તો પણ એના મનમાં પુરુષસમોવડી થવાનું ભૂત ભરાયું છે. આ વાત એટલા માટે કહેવી પડે છે કે, ભારતમાં સ્ત્રી અને પુરુષ હંમેશાં સમાન જ ગણાય છે. સમાજજીવનમાં કોઈપણ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્ય એકલા પુરુષથી કે એકલી સ્ત્રીથી થતું જ નથી. પહેલાં પણ નહોતું થતું અને આજે પણ નથી થતું. સ્ત્રીપુરુષ સમાનતાનો પ્રશ્ન આપણે પુરુષ પ્રધાનતાનો જ બનાવી દીધો છે. સ્ત્રીઓ પુરુષો કેવાં કપડાં પહેરે, પુરુષો કરે એ બધાં કામ કરે, પુરુષની જેમ જ કરિઅર અને પૈસા કમાવાનું કામ કરે, પુરુષો જેવું જ શિક્ષણ પ્રાપ્ત કરે તે જ પુરુષસમોવડી ગણાય એવી આપણી દૃષ્ટિ થઈ ગઈ છે. એ સમસ્યા છે. પુરુષો કરે એ બધું જ સ્ત્રીઓ કરે તે પ્રમાણે આજે બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. આજની કરિઅરની સંકલ્પના, શિક્ષણના અભ્યાસક્રમો, વ્યવસાયોની તકો એ બધું જ પુરુષ સાપેક્ષ છે. ઘરમાં પણ જ્યારે એમ કહેવાય છે કે અમારે તો દીકરી દીકરા સમાન છે ત્યારે દિકરાની જ પ્રધાનતા છે. કોઈ એમ નથી કહેતું કે અમારે દીકરો દીકરી સમાન છે. સ્ત્રીઓ પુરુષોનાં કપડાં પહેરે તો કોઈને ખાસ અજુગતું લાગતું નથી પણ પુરુષો સ્ત્રીઓનાં કપડાં પહેરે એની કોઈ કલ્પના જ કરી શકતું નથી. અર્થાત્‌‍ સ્ત્રીઓ જ પુરુષો જેવી થવા માગે છે. પુરુષો સ્ત્રીઓ જેવા થવા માગતા નથી. આ મનોવૈજ્ઞાનિક પ્રશ્ન સ્ત્રીઓ અને પુરુષો બંનેએ સમજવાની આવશ્યકતા છે. સ્ત્રી સ્ત્રી તરીકે જ શ્રેષ્ઠ બને, પુરુષ જેવી ન બને એ જ સાચો વિકાસ છે એ સ્વીકારવાની જરૂર છે. સ્ત્રીત્વ ને પુરુષત્વ બંને સમાન રીતે આવશ્યક છે, બંનેની કુટુંબને, સમાજને, રાષ્ટ્રને સમાન રીતે આવશ્યકતા છે. ઉત્તમ સ્ત્રી અને ઉત્તમ પુરુષ બંનેનું સમાન મૂલ્ય છે. તેથી સ્ત્રીએ સ્ત્રી જેવા અને પુરુષે પુરુષ જેવા થવું જોઈએ એ બાબત આપણે સહુએ સ્વીકારવાની જરૂર છે.
 
૨. બીજો મુદ્દો છે કુટુંબવ્યવસ્થાનો. ભારતની કુટુંબવ્યવસ્થા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. પશ્ચિમના પણ સમજુ લોકો ભારતની કુટુંબવ્યવસ્થા તરફ અહોભાવ ને કંઈક ઈર્ષ્યાથી જુએ છે. પહેલાં જ કહ્યું તેમ ધર્મ અને સંસ્કૃતિની પરંપરા જાળવવાનું કામ કુટુંબવ્યવસ્થાથી જ થઈ શકે એમ છે. આ કુટુંબવ્યવસ્થાને સુદૃઢ બનાવવાનું કામ સ્ત્રીઓ ઉપર જ નિર્ભર છે. કુટુંબભાવના સ્ત્રીમાં મૂર્તિમંત થાય છે. નવી પેઢીના સંસ્કારનું અને સંગોપનનું કામ સ્ત્રીઓ ઉત્તમ રીતે કરી શકે છે. ઘરના બધા પુરુષ સભ્યોના ચારિત્ર્યનું રક્ષણ, એ માટેની પ્રેરણા અને પ્રબોધન સ્ત્રીઓ જ ઉત્તમ રીતે કરી શકે છે. સ્ત્રીઓના પ્રેમપૂર્ણ અધિકારનું નિયંત્રણ પુરુષોને મર્યાદાભંગ કરતાં રોકે છે. પુરુષસમોવડી થવામાં જો ચારિત્ર્યના રક્ષણની, આગળ જતાં સંસ્કૃતિનાં મૂલ્યોનું જતન કરવાની શક્તિ સ્ત્રીઓ ગુમાવે તો એ સ્ત્રીઓની અને સમાજની હાનિ છે. ગૃહસંચાલન, માતૃભાવથી ભોજન બનાવવું અને કરાવવું, ઘરની અર્થવિનિયોગની વ્યવસ્થા સ્ત્રીઓના અધિકારમાં ઉત્તમ રીતે થઈ શકે છે. નવી પેઢીનું ઉત્તમ ઘડતર ઘરની સ્ત્રીઓને કારણે જ થઈ શકે છે. આ બધાં કાર્યોને મળતો ભાવાત્મક અધિકાર ઘણી મોટી વાત છે. શિક્ષણ, અર્થાર્જન, સાર્વજનિક ક્ષેત્રોના અધિકારની ચર્ચા કરતી વખતે કુટુંબજીવન, સંસ્કૃતિ અને સામાજિક સ્વાસ્થ્યનો પણ વિચાર કરવો જોઈએ. મુખ્ય મુદ્દો એ છે કે સ્ત્રીઓ જો આ મુદ્દો સમજે અને સ્વીકારે તો પુરુષોએ એ માટે એમના પ્રત્યે કૃતજ્ઞ થઈને એમને પૂર્ણ સહકાર આપવો જોઈએ. સ્ત્રી અને પુરુષો બંનેએ મળીને કરેલી આ મોટી સમાજસેવા છે.
 
૩. કુટુબોનું વિઘટન અને વંશપરંપરાનું મહત્ત્વ જ ન ગણવું એ આજની મોટી વિકટ સમસ્યા બની ગઈ છે. મોટી ઉંમરે થતા વિવાહ, બાળકને જન્મ ન આપવાની ઘેલછા, લગ્ન ન કરવાની વધતી જતી માનસિકતા, લગ્ન પછી બહુ જલદી થતા છૂટાછેડા, લિવ ઇન રિલેશનશિપનું વધતું પ્રમાણ, લગ્ન બાહ્ય સંબંધોનો સ્વીકાર એ વર્તમાન સમયની શિક્ષિત અને ધનાઢ્ય સમાજની સમસ્યાઓ છે. આને કારણે માત્ર કુટુંબોનું જ નહીં તો સમાજવ્યવસ્થાનું વિઘટન થાય છે. આ સ્થિતિ માટે સ્ત્રીઓની માનસિકતા અને સ્ત્રીના વિકાસની આપણી પશ્ચિમપ્રભાવિત સંકલ્પના જ જવાબદાર છે એમ કહીએ તો ખોટું નથી. આમાં સ્ત્રીઓ ઉપર દોષારોપણ કરવાનો હેતુ નથી. સ્ત્રીઓ અને પુરુષો, સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે સન્માનથી એનું ભલું ઇચ્છવાની જ ભાવના છે. પણ મૂળ કારણ જોઈએ તે એ છે કે કુટુંબ, સમાજ અને સંસ્કૃતિ ટકશે અને વધશે તો સ્ત્રીઓ પોતે એ જવાબદારી પોતાની ઇચ્છાથી પોતાને માથે લેશે તો જ, દબાણથી કે કાયદાથી આ કામ થવાનું નથી.
 
જો આ કામ શક્ય બનાવવું હોય તો આપણે શિક્ષણનો વિચાર પહેલો કરવો પડશે. એ વિચાર કરવા માટેના કેટલાક મુદ્દા આ પ્રમાણે છે.
 
૧. આપણાં વિશ્વવિદ્યાલયોથી લઈને પ્રાથમિક શાળા સુધીના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમોને ભારતીય બનાવવાની જરૂર છે. કુટુંબકેન્દ્રી સમાજવ્યવસ્થા એ શિક્ષણનો મહત્ત્વનો મુદ્દો બનવો જોઈએ.
 
૨. બાલિકાઓ અને બાળકોનું શિક્ષણ કુટુંબકેન્દ્રી બનવું જોઈએ. કુટુંબકેન્દ્રી કરિઅર, અર્થાર્જન, એને અનુકૂળ વિકાસની સંકલ્પના, વ્યવસાયનું સ્વરૂપ વગેરેનો વિચાર થવો જોઈએ.
 
૩. અર્થવ્યવસ્થા કુટુંબકેન્દ્રી બને એ સૌથી કારગર ઉપાય છે. આને કારણે પરસ્પર સહયોગ સાથે મળીને કામ કરવાની તક અને સાથે જીવવાની અનુકૂળતા બનશે. આવા સહજીવનથી અધિકાર, સમાનતા, અવલંબન બધા પ્રશ્નોનું નિરાકરણ થશે અને એકાત્મભાવ જળવાશે. આ જ કુટુંબકેન્દ્રી વ્યવસ્થાને કારણે સ્ત્રીપુરુષની સ્પર્ધા મટી જશે. પુરુષસમોવડી બનવાની સમસ્યા સમાપ્ત થઈ જશે. એને સ્થાને સમન્વય અને સહભાગિતાની સ્થાપના થશે.
 
૪. આજની રુક્ષ, હૃદયહીન, સ્વાર્થ અને શોષણમૂલક વ્યવસ્થાઓમાં સ્ત્રીભાવની કોમળતા, વાત્સલ્યની સારસંભાળ અનિવાર્ય આવશ્યકતા છે. નિષ્ઠા, સમર્પણ, સુરક્ષા, ત્યાગભાવના મનુષ્યને યંત્ર બનતાં રોકે છે. આ બધા ગુણો સ્ત્રીઓના સહજ ગુણો છે. એ ગુણોનું જતન કરવું એ સમાજની આવશ્યકતા છે. એનું મૂલ્ય સમજે એવી દૃષ્ટિ અને વ્યવહારની આવશ્યકતા છે. પુરુષો અને સ્ત્રીઓમાં સમજણનો વિકાસ થાય એવા શિક્ષણની જરૂર છે. આવા શિક્ષણ માટે અને એને અનુસરીને સમાજપ્રબોધનની જવાબદારી ધર્માચાર્યોની પણ છે.
 
સમાજહિતૈષી સંગઠનો, વિદ્વદજનો, ધર્માચાર્યો મળીને આ કાર્ય કરે એવી વિનંતી અને અપેક્ષા સાથે અહીં જ વિરમીએ.
ઇતિ શુભમ્‌‍
 
 
***
 
- ઇન્દુમતિ કાટદરે 
 
(લેખિકા પુનરુત્થાન વિદ્યાપીઠના કુલપતિ છે)