એક બાજુ વિશ્વમાં ખાદ્યાન્નસંકટ અને બીજી બાજુ અન્નની બરબાદી ! અન્ન પરબ્રહ્મ છે, તેનું સન્માન કરો

વિશ્વભરમાં અન્નનો જે બગાડ થઈ રહ્યો છે તેના આંકડા દુઃખદ છે. ભારતમાં પણ હજુ આ આંકડો ઘણો મોટો છે. પરંતુ આનંદદાયક એ છે કે સંસદથી સડક સુધી અન્નનો બગાડ અટકાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે.

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

food wastage 
 
 
માનવજીવનના અસ્તિત્વ માટે ભોજન એટલે કે ખોરાક એ સૌથી અનિવાર્ય જરૂરિયાતોમાંથી એક છે. દુર્ભાગ્યવશ માનવીઓની ભૂલોને કારણે આજે સમગ્ર વિશ્વ ખોરાકની અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા દેશોમાં લગભગ રોટી રમખાણો જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ મુજબ હાલ વિશ્વના ૮૨ દેશોના ૩૪.૫ કરોડ લોકો ભીષણ ખાદ્યસંકટનો સામનો કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ વિકસિત અને વિકાસશીલ દેશોમાં ભોજન-ખોરાકની બરબાદીના આંકડા ચિંતા ઉપજાવી રહ્યા છે. ત્યારે હાલ સમય છે, ભોજન બરબાદ થતું અટકાવવા અંગેની વૈશ્વિક જાગૃતિનો, પ્રસ્તુત છે, આ અંગે વિશેષ અહેવાલ...
 
ભગવદ ગીતામાં કહ્યું છે કે, યજ્ઞથી બચેલા અન્નને આરોગનાર શ્રેષ્ઠ પુરુષ સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને જે લોકો માત્ર પોતાના માટે અન્ન પકવે છે તે પાપને જ ખાય છે. (૩.૧૩)
 
સમસ્ત પ્રાણીઓ અન્ન થકી ઉત્પન્ન થાય છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞથી વરસે છે અને યજ્ઞ વિહિત કર્મો થકી થાય છે. (૩.૧૪) (ભગવદગીતા)
 
બાઇબલમાં કહ્યું છે કે, જો તમે ભૂખ્યાંને ભોજન આપશો અને પીડિતની જરૂરિયાત સંતોષશો તો તમારી કીર્તિ ઘોર અંધકારમાં પણ ચમકશે અને તમારી ગમગીની બપોરના તડાકામાં ધૂંધળું ઝાકળ ઊડે તેમ ઊડી જશે. (ઈસાઈયાહ ૫૮.૧૦)
 
કુરાનમાં કહ્યું છે કે, હે આદમનાં સંતાનો, તમારી પૂજાનાં સ્થળોનો શણગાર જુઓ, કેટલો ભવ્ય છે, તું ખા, પી, મોજ કર પણ ઉડાઉ ના બનીશ. પરમાત્મા ઉડાઉ લોકોને ક્યારેય પ્રેમ નથી કરતો. (સુરહ આરાફની આયાત નં. ૩૧) છતાં, કમનસીબે પાકિસ્તાન જેવા ઇસ્લામિક દેશમાં અન્ન સમસ્યા આસમાને છે.
 
 
આમ હિન્દુ ધર્મ તથા વિશ્વના તમામ સંપ્રદાયોમાં અન્ન, ખોરાક, ભોજનનું એક અનોખું માહાત્મ્ય છે. ભારતીય સંસ્કૃતિમાં તો (અન્નને દેવતા) માનવામાં આવે છે. કમનસીબે વિશ્વમાં આજે ચારેકોર અન્નનો ભયંકર બગાડ થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં જ વિશ્વમાં થઈ રહેલ અન્નના બગાડના ચોંકાવનારા આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એક તરફ વિશ્વમાં લાખ્ખો લોકો ભૂખમરાથી મરી રહ્યા છે તો બીજી તરફ લાખ્ખો ટન અનાજ - ભોજન વેડફાઈ રહ્યું છે.
 
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને વેસ્ટ રિસોર્સ એક્શન પ્રોગ્રામે સંયુક્ત રીતે વર્ષના તૈયાર કરેલા એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનક માહિતી સામે આવી છે કે, દુનિયાનો ૧૭ ટકા જેટલો ખોરાક ઘરો, રેસ્ટોરન્ટો અને દુકાનોમાં વેડફાઈ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખોરાકનો બગાડ કરવાના મામલે વિકસિત અને ગરીબ દેશોની માનસિકતા એકસરખી છે. રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર આશરે ૯૩ કરોડ, ૧૦ લાખ ટન ખોરાક લોકોના પેટ સુધી પહોંચવાના બદલે વેડફાઈ ગયો હતો.
 
 

food wastage 
 
ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક
 
 
ભારતમાં પણ અન્નના બગાડના આંકડા ચિંતાજનક છે. ભોજન બરબાદ થતું હોય તેવા દેશોમાં પ્રથમ નંબરે ચીન અને બીજા નંબરે ભારતનો ક્રમ આવે છે. ચીનમાં દર વર્ષે ૯૧.૬ લાખ ટન ભોજન વેડફાય છે. ભારતમાં ૬૮.૮ લાખ ટન ખોરાક દર વર્ષે બરબાદ થાય છે. અમેરિકામાં ૧૯.૪ લાખ ટન ભોજનની બરબાદી થાય છે. એજ રીતે ફ્રાન્સ અને જર્મનીમાં ક્રમશઃ ૫ અને ૬ લાખ ટન ભોજન વેડફાય છે. અત્રે એ જણાવવાનું જરૂરી છે કે, માથાદીઠ ભોજનની બરબાદીમાં ભારતનો ક્રમ સાતમો છે. કારણ કે, ભારતમાં ભોજનને ભગવાનનો પ્રસાદ માની તેનું સન્માન કરવાની સંસ્કૃતિને કારણે ઘરોમાં અને વ્યક્તિગત રીતે અન્નના બગાડ નહિવત્‌ જ થાય છે. જે બગાડ થાય છે તે અન્ન વિતરણની ખામીઓને કારણે થાય છે. એક અનુમાન મુજબ આપણા દેશમાં દર વર્ષે જેટલા ઘઉં બરબાદ થાય છે તેટલી તો ઓસ્ટ્રેલિયાની કુલ પેદાશ છે. આ બરબાદ થયેલા ઘઉંની કિમત લગભગ ૫૦ હજાર કરોડ રૂપિયા જેટલી છે, જેનાથી ૩૦ કરોડ લોકોનું પેટ ભરી શકાય છે. કારણ કે તેની સાચવણી માટે આપણી પાસે પૂરતી સુવિધા નથી. આવા જ હાલ ફળો અને શાકભાજીના છે. દેશમાં જેટલા પ્રમાણમાં ફળો-શાકભાજીનું ઉત્પાદન થાય છે તેમાંના ૪૦ ટકા યોગ્ય સમયે મંડળી સુધી ન પહોંચવાને કારણે બરબાદ થઈ જાય છે. એક વર્ષમાં જેટલા ઘઉં અને ચોખા બરબાદ થઈ જાય છે તેની કિમતમાં ગામડાઓમાં પાંચ હજાર વેયર હાઉસ બનાવી શકાય છે. માટે જરૂર એક નાના પ્રયાસની જો પંચાયત સ્તરે જ એક ક્વિંટલ અનાજના આકસ્મિક ભંડારણ અને તેને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તો આપણા દેશમાં કોઈ જ ભૂખ્યું ન રહે. અને જો ભારતમાં પ્રતિવ્યક્તિની સરેરાશ કાઢીએ તો વ્યક્તિદીઠ દર વર્ષે ૫૦ કિલો ભોજનનો બગાડ થાય છે. ઉપરાંત હંગર ઇન્ડિયામાં ભારતનું સ્થાન થોડુ નીચું જઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર દર મહિને સાડાપાંચ લાખથી વધારે બાળકો કુપોષણના શિકાર બને છે. યુ.એન.ની ચાર એજન્સીઓએ ચેતવણી આપી છે કે, વધી રહેલા કુપોષણના લાંબા ગાળાના પરિણામ ભારે નુકસાનકારક હોઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોના સંકટની ખાદ્યસુરક્ષા પરની અસરો વર્ષો સુધી દેખાવાની છે.
 
સમગ્ર દુનિયાનો અભ્યાસ કરીએ તો સૌથી વધારે ભૂખમરો એશિયામાં છે. દુનિયાભરના ભૂખમરાથી પીડિત ૮૨ કરોડ લોકોમાંથી ૫૧ કરોડ લોકો એશિયાના છે. એ પછી આફ્રિકા અને લેટિન અમેરિકાનો નંબર આવે છે. એશિયાનો ઘણોખરો હિસ્સો ગરીબ અને વિકાસશીલ દેશોનો બનેલો છે. એમ છતાં એશિયાના કેટલાક દેશો એવા છે જે આર્થિક મોરચે અમીર દેશો સાથે હોડમાં ઊતર્યા છે. આવા દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા અને જાપાન સામેલ છે.
 
કોરોનાએ ભૂખમરાની સ્થિતિ વણસાવી
 
થોડા સમય પહેલાં યુ.એન.ના રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે કોરોના મહામારીના કારણે દુનિયામાં ભૂખમરાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની રહી છે. ખોરાક ન મળવાના કારણે દર મહિને દસ હજારથી વધારે બાળકોનાં મૃત્યુ નીપજી રહ્યાં છે. કોરોના મહામારીના કારણે ગરીબ દેશોની સ્થિતિ દિવસેદિવસે બગડી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ગામડાંઓમાં પેદા થયેલાં ઉત્પાદનો બજાર સુધી પહોંચી શકતાં નથી અને ગામડાંઓમાં ખાદ્ય અને મેડિકલ સપ્લાય પહોંચી શકતો નથી. આ વૈશ્વિક રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોરોના વાઇરસના કારણે થયેલી ભોજનના સપ્લાયની ચેઈન તૂટી જવાના કારણે એક વર્ષમાં એક લાખ વીસ હજાર બાળકોનાં મૃત્યુ નીપજ્યાં હોઈ શકે છે.
 

food wastage 
 
ભારતમાં આપણાં સાંસ્કૃતિક મૂલ્યો અને સિદ્ધાંતો ખૂબ જ ઉચ્ચકક્ષાનાં છે. આપણા માટે અન્ન દેવતા છે. પણ જે રીતે ભારતમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની આવક વધી રહી છે તેના પરિણામે લગ્નો, આર્થિક મેળાવડાઓ, પ્રસંગો, મીટિગો ખાદ્યાન્નના બગાડનાં સૌથી મોટાં નિમિત્ત બની રહ્યાં છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મત પ્રમાણે ભારતમાં દર વર્ષે બે કરોડ લગ્નો યોજાય છે. જો સૌથી નીચલો અંદાજ મૂકીએ તો એક લગ્ન પાછળ સરેરાશ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જો સામાન્ય ગુણાકાર કરીએ તો આ ખર્ચામાં ૩૦થી ૪૦ ટકાનો ખર્ચ ભોજન વ્યવસ્થા માટે કરવામાં આવે છે. દેશમાં ભોજનની વ્યવસ્થા કરનારા કેટરર્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, જે તમારી કલ્પનાશક્તિથી વિશેષ મેનુ ઓફર કરે છે. ભોજન તૈયાર કરવાની સ્પેશિયાલિટી ધરાવતા કેટરર્સ તમને ૬૦૦ કરતાં પણ વધુ આઈટમ પીરસી શકે છે. તેમાં ૧૫ રાજસ્થાની થાળી, ૨૦ દક્ષિણ ભારતીય ભોજન, ૨૨ ચાઈનિસ આઇટમ્સ, ૧૫ કોન્ટિનેન્ટલ ડિશિસ અને ૨૫ પ્રકારની મેક્સિકન થાળીનો સમાવેશ થાય છે. એક થાળી તમને રૂા. ૨૦૦થી ૫૦૦૦ (કે વધુ) સુધીમાં પડે, અને ત્યાં જ ખાદ્યાન્નના બગાડનું મૂળ છુપાયેલું છે.
 
આવી ઉજવણીઓમાં લોકો અઢળક ભોજનનો બગાડ કરે છે, કારણ કે ત્યાં તેમની સામે અનેક વેરાઇટીઝ હોય છે અને દરેક આઈટમનો એક-એક ટુકડો ટેસ્ટ કરતાં હોય છે. અહીં લોકોના પેટમાં જતા ભોજનનું પ્રમાણ બગાડ થતા ભોજનની સામે નહીંવત્‌ છે.
 
આવા મોટા પ્રમાણમાં થતો બગાડ જો અટકાવી શકીએ તો સમગ્ર વિશ્વમાં દર વર્ષે ભૂખમરા અને કુષોષણને કારણે મોતને ભેટતાં લાખો લોકોને બચાવી શકાય તેમ છે. વળી કરોડો લાખો ભૂખમરાનો તો સામનો કરે છે પરંતુ ૩૦૦થી ૫૦૦ કરોડો લોકો મહત્ત્વનાં પોષકતત્ત્વો વગરનો ખોરાક ખાવા મજબૂર છે, જેમાં વિટામિન્સ અને મિનરલ્સનો અભાવ હોય છે. આ પણ એક મોટી સમસ્યા, ખાદ્યાન્નના વિષયને સ્પર્શે છે.
 
વિચારવા જેવું તો એ છે કે એક તરફ લગ્નો યોજાઈ રહ્યાં હોય અને પવિત્ર અગ્નિ દેવતાની હાજરીમાં બે જણા જન્મોજનમના બંધને બંધાઈ રહ્યાં હોય, ત્યારે બીજી બાજુ ભવ્યાતિભવ્ય સમારંભમાં કેટલુંયે ભોજન બગાડીને આપણે અન્ન દેવતાનું અપમાન કરીએ છીએ.
 
વિશ્વમાં અન્ન બચાવવાના પ્રયોગો
 
બ્રાઝિલમાં અન્નનો બગાડ ગુનો ગણાય છે. ત્યાં વિવિધ સ્થળોએ ચાર કમ્પાર્ટમેન્ટવાળા રેફ્રિજરેટર ગોઠવવામાં આવે છે જેને કોઈપણ પ્રકારના લૉક હોતાં નથી. જે વ્યક્તિઓને ભૂખ લાગી હોય તેઓ ફ્રિઝ ખોલીને ભોજન કાઢીને તેનો આનંદ માણી શકે છે. ભારતમાં પણ વિવિધ સોસાયટી, સમારંભ કે પંચતારક હોટલો દ્વારા આ પ્રયોગ અપનાવવામાં આવે તો અનેક લોકોનો જઠરાગ્નિ ઠારી શકાય તેમ છે. મોટી કંપની દ્વારા તો તેમની કંપનીની નજીક આવેલા અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, રસ્તા ઉપર રહેતાં ગરીબ કુટુંબોમાં વહેંચી દેવામાં આવે છે. ડાયેટ મિલ્સનો નવો વિચાર મલ્ટિ નેશનલ કંપની દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે, જેને કારણે કર્મચારીઓ ન્યૂટ્રિશનિસ્ટ દ્વારા સૂચવવામાં આવેલ ભોજન લે છે. તેઓ તે ભોજનની માત્રા વધુ લે તેમ છતાં ભોજનનો બગાડ અટકાવવામાં ફાયદો થાય છે. વિદેશની એક જાણીતી ફૂડ સર્વિસ આપતી કંપની દ્વારા ભોજનનો બગાડ અટકાવવા માટે તેમના રસોઇયાને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. વળી સપ્તાહના પ્રારંભમાં કર્મચારીઓની વધુ સંખ્યા જોવા મળે છે. સપ્તાહના અંતમાં તો કપનીના કર્મચારીઓ ઘરેથી કામ કરવાનું પસંદ કરે છે, જેને કારણે કેન્ટીનમાં ભોજન પકાવવાની માત્રા મર્યાદિત કરવામાં આવે છે. વળી આ કંપનીઓ દ્વારા કેન્ટીનમાંં નવો પ્રયોગ પણ અજમાવવામાં આવ્યો છે. તેમાં આગલે દિવસે જે બગાડ થયો હોય તેની માત્રાને મોટા બોર્ડ ઉપર દર્શાવવામાં આવે છે, જેની નોંધ વિદેશમાં આવેલી તેમની હેડ ઓફિસમાં મોકલાવવામાં આવે છે. મોટા સાઈન બોર્ડ ઉપર દર્શાવવામાં આવેલા અન્નના બગાડની વિગતો જાણીને થાળીમાં કર્મચારીઓ વધારાનું ભોજન લેવાનું ટાળે છે. કર્મચારીઓની વર્તણૂકમાં પણ ફેર પડી જાય છે. ભારતમાં તેમની શાખા ધરાવતી વિદેશી કપનીઓ દ્વારા ભારતનાં વિવિધ સ્થળોએ ફેલાયેલા ફૂડ નેટવર્કની સાથે સંપર્કમાં રહે છે. જેના દ્વારા ભારતના વિવિધ જરૂરિયાતમંદ વિસ્તારની તેમને માહિતી મળે છે. વિદેશી કપનીઓ જે તે સ્થળે ભોજન બગડી જાય તેના પહેલાં જરૂરિયાતમંદને પહોંચે તે માટે પ્રયત્નો કરે છે. અનેક વખત તેમની પાસે પકાવ્યા વગરની બગડી ન જાય તેવી વિવિધ વસ્તુઓ વધે છે. તેનો ઉપયોગ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગી થાય તે પ્રમાણે ઝડપથી પહોંચાડવામાં આવે છે.
સેવાભાવી સંસ્થાઓ તેમના સ્વયંસેવકો દ્વારા રેસ્ટોરન્ટમાં, લગ્નસમારંભમાં કે કોર્પોરેટ કંપનીઓની ઓફિસમાં જઈને બગડી ન જાય તેવું તથા ગરીબો પણ ખાઈને અંતરના આશિષ આપે તેવું ભોજન એકઠું કરવામાં આવે છે. જે યોગ્ય જરૂરતમંદને પહોંચાડવામાં આવે છે. મોટી કંપનીઓમાં કુલ ખર્ચનો ૩૫ ટકા જેટલો ખર્ચ કર્મચારીઓને ઉત્તમ ગુણવત્તાનું ભોજન પીરસવા માટે થતો હોય છે. કર્મચારીઓને ગુણવત્તાસભર ભોજન મળે અને કોર્પોરેટ કિચનમાં અન્નનો બગાડ ન થાય તે માટે અડધા ભાણાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. ભારતમાં પિઝા વિક્રેતાઓ દ્વારા જે પ્રમાણે સ્મૉલ, મીડિયમ, રેગ્યુલર તથા લાર્જ પિઝા મેનુ કાર્ડમાં દર્શાવવામાં આવે છે, તે જ પ્રમાણે રેસ્ટોરન્ટમાં પીરસાતી વાનગીઓની સામે તે કેટલી વ્યક્તિઓને પૂરી પડી શકે તે પણ દર્શાવવામાં આવે તો બંને પક્ષે ફાયદાકારક ગણાય છે.
 
 

food wastage 
 
થાળીમાં ભોજન વધ્યું તો ૧ લાખનો દડ
 
ભોજન બરબાદ કરવાના મામલે ચીન સૌથી આગળ છે. ચીને ખાદ્યાન્ન સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે નવી નીતિ લાગુ કરી છે, જે હેઠળ ભોજન બરબાદ કરવા પર લોકો અને હોટલ રેસ્ટોરન્ટ પર દંડ લગાવવામાં આવશે. ચીનના રાષ્ટ્રપતિએ તેને ઓપરેશન ઈમ્પ્ટી પ્લેટ નામ આપ્યું છે, જેનો ઉદ્દેશ્ય લોકોને એ વાત માટે પ્રેરિત કરવાનો છે કે, એટલું જ ખાઓ જેટલી જરૂર છે. ચીનની સરકારની નવી નીતિ અનુસાર રેસ્ટોરન્ટમાં ભોજન માટે જતા લોકો, સભ્યોની સંખ્યાથી વધારે ડિશનો ઓર્ડર નહીં કરી શકે. પ્લેટમાં ભોજનનો બગાડ થવા પર ૧૦ હજાર યુઆન અંદાજે ૧.૧૨ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સાથે જ પ્લેટમાં ભોજન બગાડ માટે રેસ્ટોરન્ટને અધિકાર આપવામાં આવશે. ખાદ્ય સંકટનો સામનો કરી રહેલી ચીની સરકાર લોકોની ભોજન બગાડ કરવાની આદતમાં ફેરફાર લાવવા માંગે છે. બીજી બાજુ ભોજનના બગાડની સમસ્યાની સાથે ચીનની સરકાર દેશમાં મેદસ્વીપણાની સમસ્યાથી પણ પરેશાન છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર દેશમાં ૫૦ કરોડથી વધારે લોકો ઓવર વેટ છે, એટલે કે તેમનું વજન સામાન્યથી વધારે છે. વર્ષ ૨૦૨૦માં ચીનમાં મેદસ્વિતાનો દર ૭.૧% હતો, જે વર્ષ ૨૦૨૦માં વધીને ૧૬.૪% થઈ ગયો છે.
 
દ. કોરિયા : એઠવાડ પ્રમાણે કર ભરવાનો નિયમ
 
માત્ર ચાર વર્ષમાં જ દ. કોરિયાની રાજધાનીમાં ભોજનની બરબાદીમાં ૩૦૦ ટન પ્રતિદિનના દરે ઘટાડો નોંધાયો છે. આ ચમત્કાર થયો કેવી રીતે ? તેના માટે પ્રશાસન દ્વારા ભોજનનાં બગાડના વજન મુજબ કર (શુલ્ક) લગાવવાનો નિયમ બનાવ્યો. ભોજનની બરબાદીની નોંધણી માટે દરેક મહોલ્લામાં વિશેષ ડબ્બા મૂકવામાં આવ્યા. જ્યાં નાગરિકોને ફરજિયાત રૂપે પોતાના ઘરનો ભોજનનો કચરો નાખવાનો પડે છે, જ્યાં થતા વજન મુજબ પેનલ્ટી ચાર્જ કરવામાં આવે છે. લોકોને કિમત ચૂકવવી પડતી હોવાથી ઘરમાં જરૂરિયાત પૂરતું જ ભોજન બનવા લાગ્યું છે અને બરબાદી પણ સાવ નહીંવત્‌ થઈ ગઈ છે.
 
નોર્વે : વિશેષ રાહતો આપવામાં આવે છે
 
 
નોર્વે સરકાર અને દેશના ખાદ્ય ઉદ્યોગ દ્વારા ૨૦૩૦ સુધી ભોજનની બરબાદી અડધો-અડધ ઘટાડવા માટે એક સમૂજતી પર હસ્તાક્ષર કર્યા છે. ગ્રાહકો માટે `યુઝડ બિફોર' નામનું અભિયાન ચલાવવામાં આવ્યું છે અને કરિયાણા સ્ટોરમાં જેની એક્સ્પાયરી ડેટ પૂરી થવામાં છે તેવા ખાદ્ય પદાર્થોમાં વધારે છૂટ આપવા માટે પ્રેરવામાં આવે છે. વળી, અહીં ભોજનની એક્સ્પાયરી ડેટ પહેલાં જ તેને ગરીબોમાં વહેંચી દેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અહીં એવી દુકાનો પણ ખોલવામાં આવી છે જ્યાં માત્ર એવી ખાદ્યસામગ્રી વેચાય છે જે ખૂબ જ ટૂકા ગાળામાં બગડી જવાની હોય છે.
 
ફ્રાન્સ : ખાદ્ય પદાર્થો એક્સ્પાયરી ડેટ પહેલાં દાન કરવા ફરજિયાત
 
ફ્રાન્સ સરકાર દ્વારા ૨૦૧૬થી જ દેશની કરિયાણાની દુકાનોમાં ખાદ્ય પદાર્થોની બરબાદી રોકવા કડક કાયદો બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત કરિયાણાની દુકાનમાં વેચવા માટે મુકાયેલા જે ખાદ્ય પદાર્થોની એક્સ્પાયરી ડેટ એટલે કે ખરાબ થવાની તારીખ નજીક હોય તેને જરૂરિયાતમંદોમાં વહેંચી દેવા પડે છે. જે આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમને ભારે દડ સહિત જેલની સજા પણ થાય છે.
 
એઠુ છોડવાવાળાનાં નામ સ્ટેજ પર એનાઉન્સ કર્યાં
 
 
એક અનુકરણીય લગ્નમાં ભોજનનો વ્યય અટકાવવા ગત વર્ષ માટે ચાર સ્તર પર વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજન સ્થળ પર બોર્ડ લગાવવામાં આવેલું હતું કે, એટલું જ લો થાળીમાં, કે બિલકુલ ન જાય નાળીમાં. સૌથી મોટી વાત એ છે કે, આવી સૂચના હોવા છતાં પણ જે વ્યક્તિ થાળીમાં ભોજન એઠુ છોડી રહ્યો હતો તેનું નામ સ્ટેજ પર એનાઉન્સ કરવામાં આવતું હતું. તેની અસર એ થઈ કે ખોરાકનો બગાડ બિલકુલ ઓછો થયો.
 
 

food wastage 
 
 
થાળીમાં જ નોંધ લખાઈ
 
 
ભારતમાં અન્નનો બગાડ અને બીજી તરફ લાખો લોકો ભૂખે રહેવું પડે છે તેમાંથી શીખ લઈને રાજસ્થાનના જોધપુર શહેરમાં એઠુ ન છોડવા માટે પહેલ કરવામાં આવી છે. આ સૌથી મોટી પહેલ, સમાજ અને કેટરર્સવાળાએ ખાસ રીતે થાળી બનાવીને કરી છે. આ બધી થાળીઓમાં મોટા અક્ષરોમાં પ્રિન્ટ કરીને લખવામાં આવ્યું છે કે, કૃપા કરીને એઠુ ના છોડો. આ પહેલ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે અને એક જ મહિનામાં પાંચ ટન સ્ટીલમાંથી આવી ૧૦,૦૦૦ થાળીઓ બનાવવામાં આવી ચૂકી છે. સૌથી પહેલા સમદડી વિસ્તારના શ્રી કુથુનાથ જૈન મંદિરના જયંતિલાલ પારેખ દ્વારા આવી ૧૦૦૦ થાળી બનાવવામાં આવી હતી. તેઓને આ પ્રેરણા મહારાષ્ટ્રમાં આવી થાળીઓ જોઈને મળી હતી. તેઓનું કહેવું છે કે થાળીઓ પર લખવામાં આવેલા આગ્રહની મનોવૈજ્ઞાનિક અસર થાય છે. લોકો ખૂબ જ વિચારીને પ્લેટમાં જમવાનું લે છે. રાજસ્થાન સ્ટેનલેસ સ્ટીલ એસોસિયેશનના સચિવે જણાવ્યું હતું કે, જૈન જૂથના સ્ટીલ ઉદ્યમીઓ દ્વારા આ થાળીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી હતી. ત્યારબાદ તેના ઓર્ડર આવવા લાગ્યા હતા. હજુ પણ એક મહિનામાં વધુ દસ હજાર થાળીઓ બનાવવામાં આવશે. ઘણા કેટરર્સ તરફથી પણ આવી થાળીઓ બનાવવાનો ઓર્ડર આપવામાં આવેલ છે. આ સિવાય ભોજનનો બગાડ અટકાવવા માટે અન્ય પહેલ પણ કરવામાં આવેલ છે.
 
અન્નનો બગાડ અટકાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ
 
 
પૃથ્વી પર ઉપયોગમાં નહીં લેવાયેલું અન્ન ફેંકી દેવાય ત્યારે તે સડે છે અને આ પ્રક્રિયા દરમિયાન પણ મિથેન જેવા ગેસનું ઉત્સર્જન થાય છે. જો કે વિશ્વભરના દેશોમાં અન્નના બગાડનું પ્રમાણ ઘટે તો પણ પૃથ્વીના વાતાવરણને મોટી મદદ મળી શકે છે. વિકસિત દેશોમાં તો નાનાં ફૂડ પેકેટ, કચરામાં ફેંકાતા અન્નમાંથી ખાતરનું ઉત્પાદન અને રેસ્ટોરન્ટમાં વધેલો ખોરાક ગરીબ લોકોને વહેંચવા જેવા ઉપાયો ખૂબ ગંભીરતાપૂર્વક અજમાવાઈ રહ્યા છે. આપણા દેશમાં પણ આવા પ્રયાસ થઈ રહ્યા છે પણ અન્નના જંગી બગાડની સામે તેનું મહત્ત્વ સરોવરના ટીપાં જેટલું જ છે. વળી, આ પ્રયાસો સુવ્યવસ્થિત રીતે નહીં પણ છૂટાછવાયા થઈ રહ્યા છે. વિકસિત દેશોમાં તો સંગ્રહ અને વિતરણની ઉત્તમ વ્યવસ્થા હોય છે. ભારતમાં સંગ્રહ કરેલું અન્ન પણ ધોવાઈ જાય છે, જેના કારણે પૃથ્વી પર પણ પર્યાવરણીય ભાર પડે છે, કારણ કે, અન્નનો એક દાણો કચરાપેટીમાં જાય છે એ સાથે પાણી, હવા અને સમયનો પણ બગાડ થાય છે. એટલે કે ઉત્તમ અન્ન વિતરણ વ્યવસ્થાની મદદથી આપણે પૃથ્વી અને માનવજાત બંનેને મદદ કરી શકીએ છીએ.
 
અન્નનું રિસાઇક્લિંગ
 
 
આપણે અત્યાર સુધી પ્લાસ્ટિક, કાચ, લોખંડ કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓ અને કાગળના રિસાઇક્લિંગ વિશે ઘણું બધું સાંભું છે. પરંતુ દર વર્ષે કચરાપેટીમાં ફેંકી દેવાતા અન્નનું આપણે મન કઈ ખાસ મહત્ત્વ નથી. જો કે છેલ્લા કેટલાક સમયથી વિશ્વના અનેક દેશો બગાડને રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ભારત જ નહીં વિશ્વના કોઈ પણ દેશમાં ઘરે ઘરે થતો અન્નનો બગાડ રોકવાના ફક્ત બે જ ઉત્તમ ઉપાય છે. એક વ્યક્તિગત સમજદારી અને બીજું રિસાઈકલ થઈ શકે એવા કચરાને જુદી કચરાપેટીમાં એકત્રિત કરવો અને આ પ્રકારના કચરાને દરેક ઘરેથી લઈને રિસાઇક્લિંગ સેન્ટર સુધી પહોંચાડવો.
 
અમેરિકા, કેનેડા અને યુરોપના અનેક દેશોમાં ગ્રીન કચરાને જુદો રાખીને તેનું રિસાઇક્લિંગ કરવામાં આવે છે. આ પ્રકારના કચરામાંથી ઉત્તમ ખાતર બનાવી શકાય છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં થોડાં વર્ષોથી અમુક વિસ્તારોમાં આ પ્રકારના રિસાઇક્લિંગ સેન્ટર શરૂ કરાયાં છે. જેમાં રોજના ૩૦૦ ટન ઓર્ગેનિક કચરાનું રિસાઇક્લિંગ કરીને તેમાંથી ખાતર બનાવાય છે. આ પ્રકારના રિસાઇક્લિંગ સેન્ટરો હોટેલ, રેસ્ટોરન્ટ અને જાહેર કાર્યક્રમો પછી થયેલું અન્ન એકત્રિત કરી લે છે. અત્યાધુનિક સેન્ટરોમાં વાર્ષિક ૪૦ હજાર ટન અન્નને રિસાઇકલ કરી શકાય છે. આમ અમેરિકાએ અત્યારથી જ અન્નના બગાડને અત્યંત ગંભીરતાથી લઈને આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. કારણ કે, ફક્ત બગીચાઓ વિકસાવવા અને રસ્તાની વચ્ચેના ડિવાઈડર પર છોડ વાવી દેવાથી ખરા અર્થમાં ગ્રીન સિટી નથી વિકસતી. જોકે અમેરિકા પણ ૩૦ કરોડ ટન પૈકીનો ફક્ત ત્રણ ટકા ઓર્ગેનિક કચરો જ રિસાઇકલ કરી શકે છે.
 
નવાઈની વાત તો એ છે કે, ઓર્ગેનિક કચરાનું રિસાઇક્લિંગ પ્લાસ્ટિક કે કાચના રિસાઇક્લિંગ કરતાં થોડુ અલગ હોય છે અને અઘરું હોય છે. કારણ કે આ પ્રકારનો કચરો ખૂબ ઝડપથી જમીનમાં ભળી જાય છે અને એટલે જ તેને મ્યુનિસિપાલિટીની લેન્ડફિલ સાઇટ (કચરો ઠાલવવાની જગ્યા) પર દાટવાથી મુશ્કેલી થઈ શકે છે. વળી, એકસાથે હજારો ટન ઓર્ગેનિક કચરો રિસાઈકલ કરતી વખતે હજારો ટન મિથેન ગેસનું પણ ઉત્સર્જન થાય છે. જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૨૩ ગણો વધારે નુકસાનકારક છે. એક અંદાજ પ્રમાણે ઓર્ગેનિક કચરાના કારણે દર વર્ષે વિશ્વભરમાં ૭૦ મિલિયન મેટ્રિક ટન મિથેન વાતાવરણમાં ભળે છે. રિસાઇક્લિંગ પ્લાન્ટમાં વધુ ને વધુ ઓર્ગેનિક કચરાનું રિસાઇક્લિંગ કરીને તેમાંથી ખાતર બનાવીને મિથેન વાયુ પર કાબૂ રાખી શકાય છે. એક અંદાજ પ્રમાણે અમેરિકાના દરેક ઘરમાં ૩૦ ટકા કચરો ખાદ્ય પદાર્થોને લગતો હોય છે. આ પદાર્થોમાં શાકભાજીની છાલ, ડીંટાંથી માંડીને ઘરમાં વધેલા અન્નનો સમાવેશ થાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અમેરિકા, કેનેડા અને યુરોપના અનેક વિકસિત દેશોમાં આ પ્રકારનો કચરો અલગ ભેગો કરાય છે અને આ માટે હજુ વધુ મજબૂત વ્યવસ્થા તંત્ર ઊભું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કારણ કે ગ્રીન કચરાને વધુ ને વધુ પ્રમાણમાં રિસાઇકલ કરી શકાય તો જ પૃથ્વીના વાતાવરણને લાંબા ગાળાના લાભ મળી શકે.
 
ઉપસંહાર
 
 
વિશ્વભરમાં અન્નનો જે બગાડ થઈ રહ્યો છે તેના આંકડા દુઃખદ છે. ભારતમાં પણ હજુ આ આંકડો ઘણો મોટો છે. પરંતુ આનંદદાયક એ છે કે સંસદથી સડક સુધી અન્નનો બગાડ અટકાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. વડાપ્રધાનથી માંડી સામાન્ય નાગરિક સુધી આ અનોખા કાર્યમાં જોડાયા છે. સમાજના જાગ્રત લોકો અન્નનો બગાડ કરનારાઓને અટકાવે છે, સમજાવે છે અને જાગ્રત કરે છે. આશા રાખીએ કે આ બાબત પ્રત્યે અજાગ્રત લોકો જલદી જાગ્રત થઈ જશે. યાદ રહે કે, આપણે જે ખોરાક ત્યજી દઈએ છીએ એમાં લાખ્ખો લોકોનાં પેટ ભરાઈ શકે છે. આપણે સૌ સાથે મળીને અન્નનો બગાડ અટકાવવાનો સંકલ્પ કરીએ. આપણા બાળકોથી માંડી મિત્રો સૌને સમજાવીએ. ગામથી લઈ શહેર સુધી `અન્ન બચાવો જીવન બચાવો'નો સંદેશ પહોંચાડીએ. આશા રાખીએ `સ્વચ્છ ભારત અભિયાન'ની જેમ `અનાજ બચાવો અભિયાન' પણ એક મિશન બની જાય અને દેશના ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠરે. માટે આજથી જ ખોરાકનો બગાડ ન કરવા કે ન કરવા દેવાનું પ્રણ લઈએ.
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…