ધોરડો- સફેદ રણ જાઓ છો, આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકાય નહીં!

કચ્છ...આજથી થોડા વર્ષ અગાઉ આ નામ કાને પડતાં જ સુકોભઠ્ઠ રણપ્રદેશનું ચિત્ર માનસપટમાં આવી જતું. પરંતુ હવે કચ્છ એટલે સૌપ્રથમ યાદ આવે સફેદ રણ.

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

great rann of kutch in gujarati
 
 
# આકાશમાંથી સફેદ ચાંદની પ્રેમરૃપી વરસાદની ધાર કરતી હોય અને ધરતી જાણે તે પ્રેમમાં સંપૂર્ણપણે ભીંજાઇ હોય તેવું આ દ્રશ્ય એ કોઇ કવિની કલ્પના નથી. પરંતુ કચ્છના સફેદ રણમાં પૂનમની રાતે જોવા મળતું દ્રશ્ય છે.
 
# કચ્છ એ એવો જિલ્લો છે જે સમુદ્ર, રણ અને પર્વત એ ત્રણેય ભૌગોલિક વિવિધતા ધરાવતો પ્રદેશ છે ત્યારે અહીં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે.
 
 

ધોરડો- સફેદ રણ | Gujarat Tourism | Rann Utsav | Dhordo Village

 
 
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ. બારેમાસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે.
 
કચ્છ...આજથી થોડા વર્ષ અગાઉ આ નામ કાને પડતાં જ સુકોભઠ્ઠ રણપ્રદેશનું ચિત્ર માનસપટમાં આવી જતું. પરંતુ હવે કચ્છ એટલે સૌપ્રથમ યાદ આવે સફેદ રણ.
 

great rann of kutch in gujarati 
 
આકાશમાંથી સફેદ ચાંદની પ્રેમરૃપી વરસાદની ધાર કરતી હોય અને ધરતી જાણે તે પ્રેમમાં સંપૂર્ણપણે ભીંજાઇ હોય તેવું આ દ્રશ્ય એ કોઇ કવિની કલ્પના નથી. પરંતુ કચ્છના સફેદ રણમાં પૂનમની રાતે, કુદરત પોતે ચિત્રકાર બની જાણે કોઇ સુંદર કૃતિનું સર્જન કર્યુ હોય તેવા દ્રશ્ય અહીં જોવા મળે છે. કચ્છડો બારેમાસ ભલે હોય પરંતુ પ્રવાસીઓએ જો કુદરતની આ સુંદર કૃતિને માણવી હોય તો વર્ષના ચાર માસમાં જ આ કળાગીરીને માણી શકે છે. આથી જ રાજ્ય સરકાર દ્વારા ધોરડો ખાતે પ્રતિવર્ષ નવેમ્બર માસથી ફેબ્રુઆરી માસ દરમિયાન રણોત્સવનું આયોજન કરવામાં આવે છે.
 

great rann of kutch in gujarati 
 
કેવી રીતે બન્યું કચ્છનું સફેદરણ | White Desert Kutch
 
સફેદ રણના નિર્માણમાં ભૂકંપની કોઇ મોટી ઘટનાએ ભાગ ભજવ્યો હોવાનું મનાય છે. અહીં વર્ષો પહેલા કોઇ મહાસાગર અસ્તિત્વમાં હતો પરંતુ ભૂકંપની મોટી ઘટનાને કારણે આ પ્રદેશ જમીનથી થોડો ઊંચો અસ્તિતવમાં આવ્યો અને તેની ભૌગોલિક આકૃતિ બદલાઇ ગઇ અને અરબ સાગર સાથેનો તેનો સંપર્ક કપાઇ ગયો. દર ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે અહીં પાણી ભરાઇ જાય છે અને આ આખો પટ જાણે કોઇ નદીમાં પરિવર્તિત થયું હોય તેવું દ્રશ્ય લાગે છે. આ પાણીનું બાષ્પીભવન થતા અંતે અહીં ધરતી પર મીઠાની ચાદર પથરાય છે અને સફેદ રણનો અદ્ભુત નજારો જોવા મળશે.
 

great rann of kutch in gujarati 
 
રણોત્સવના આકર્ષણો | Rann Utsa
 
લગભગ ત્રણ મહિના ચાલનારો રણોત્સવ હવે આગવી ઓળખ ધરાવે છે. તેમાં પણ પ્રવાસીઓમાં અહીં રાત્રિરોકાણનું વિશેષ આકર્ષણ છે. અહીં સ્થાનિક લોકનૃત્યો અને લોકકળાની ભવ્ય રજૂઆતો દ્વારા લોકોને મનોરંજન અને માહિતીનો રસથાળ જમાડવામાં આવે છે. આ માહિતીમાં કળાકારો સ્થાનિક લોકવાયકાઓ અને લોકકથાઓને વણીને પ્રવાસીઓને કચ્છના સાંસ્કૃતિક અને પારંપરિક વારસાથી અવગત કરાવે છે. પર્યટકો પણ રણમાં ઉડતા સૂકા પવન સાથે જાણે આનંદની લહેરોમાં હિલોળા લેતા હોય તેવી લાગણી અનુભવે છે. ઉપરાંત કચ્છની હસ્તકળા અને શિલ્પકળાના પ્રદર્શનો પણ પ્રદર્શિત કરવામાં આવે છે.
 

great rann of kutch in gujarati 
 
સાહસ પ્રેમી માટે ધોરડો | | Dhordo Village
 
ધોરડોમાં સાહસ પ્રેમીઓ માટે પેરામોટરિંગ એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પેરામોટરિંગ રાઇડમાં ઊંચાઇએ હવામાં ઉડવાનો અને તેમાંથી સફેદ રણને જોવાનો લહાવો જ અનેરો છે. તો આ સાથે ઊંટ સવારી સહિતના વિવિધ આકર્ષણો પણ અહીં ઉપલબ્ધ છે.
 
ધોરડો ખાતે ટેન્ટ સિટીમાં વિશેષ વ્યવસ્થાઓ
 
કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ (સફેદ રણ)માં ધોરડો ખાતે ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે. ટેન્ટ સિટીમાં 1 રાત-2 દિવસ, 2 રાત-3 દિવસ, 3 રાત-4 દિવસ એમ અલગ અલગ પેકેજ છે. ભુજ રેલવે સ્ટેશનથી અને એરપોર્ટથી પીક અને ડ્રોપની વ્યવસ્થા છે.
 
 

great rann of kutch in gujarati 

જોવાલાયક અન્ય સ્થળો

 
 
કચ્છ એ એવો જિલ્લો છે જે સમુદ્ર, રણ અને પર્વત એ ત્રણેય ભૌગોલિક વિવિધતા ધરાવતો પ્રદેશ છે. ત્યારે અહીંના જોવાલાયક સ્થળો વિશે જાણીએ.
 
છારી ઢંઢ | Chhari Dhand Bird Sanctuary
 
કચ્છમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે છારી ઢંઢ પક્ષીવિદો માટે જાણીતું સ્થળ બન્યું છે. છારી ઢંઢ અભ્યારણ્ય એ રક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ સ્થળ ચોમાસા તેમજ શિયાળામાં સ્થળાંતર કરીને આવતા લગભગ બે લાખ યાયાવર અને નાશપ્રાય પ્રજાતિઓના પક્ષીઓનું ઘર છે. આ વિસ્તારમાં છીછરા તળાવો છે. અહીંનું તાપમાન 6 થી 47 ડિગ્રી સુધી ઋતુ પ્રમાણે બદલાતું રહે છે, જેથી જૈવ વૈવિધ્યતા અહીં વધુ જોવા મળે છે. આ વિસ્તાર પ્રવાસી પક્ષીઓ અને શિકારી પક્ષીઓના માળાઓ અને રહેણાંક માટે અતિ ઉત્તમ છે. અહીં સુરખાબ, સામાન્ય બગલાંઓ,સ્ટોર્ક અને ચમચાચાંચ જેવા વિવિધ પ્રજાતિના પક્ષીઓ આવે છે. આ સાથે ચિંકારા, વરુ, હેણોતરો, રણબિલાડી અને રણશિયાળ સાથે અન્ય નાશપ્રાય વન્યજીવો અને પક્ષીઓ જોવા મળે છે. આ ક્ષેત્ર 80 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તે ભૂજથી વાયવ્ય દિશામાં 80 કિલોમીટર દૂર નખત્રાણા તાલુકાના ફુલય ગામથી 7થી 8 કિલોમીટર દૂર આવેલું છે.
 

great rann of kutch in gujarati 
 
ખારી નદી | Khari River
 
કચ્છની ભૂમિ હસ્તકળા, સ્થાપત્ય, પુરાતત્વ સહિતના અનેક મહત્ત્વના વારસાઓ સંઘરીને બેઠી છે. કચ્છનો આવો જ એક અજોડ ભૂસ્તરીય વારસો એટલે કચ્છની ખારી નદી. અમેરિકામાં આવેલી ગ્રાન્ડ કેનિયન નદી જેવી જ મહત્વની ભૌગોલિક રચના ધરાવતી કચ્છની ખારી નદી સામત્રાથી ઉદ્ભવીને ખારી બન્ની રણમાં સમાઇ જાય છે. સંશોધન મુજબ કચ્છની આ ખારી નદી ભૂકંપ અને આબોહવાના મિશ્રણથી ઉદ્ભવી હોવાનું મનાય છે. પીળા પથ્થરો- કોતરોવાળું અહીંની ભૌગોલિક રચના કુદરતની બેનમૂન કારીગરીનો અહેસાસ કરાવશે. તેમાં પણ ચોમાસાની ઋતુમાં કોતરામાંથી વહેતા પાણીને જોવાનો લહાવો જ કંઇક જુદો છે.
 

great rann of kutch in gujarati 
 
નારાયણ સરોવર વન્યજીવ અભ્યારણ્ય | Narayan Sarovar
 
લખપત તાલુકામાં હિંદુ યાત્રાધામ નારાયણ સરોવર નજીક આવેલું આ વન્યજીવ અભ્યારણ્યએ આઇ.યુ.સી.એન. શ્રેણી 4 હેઠળ (વસવાટ/જાતિ પ્રબંધન વિસ્તાર) અને વનવિભાગ અનુસાર અભ્યારણ્ય શ્રેણી હેઠળ આરક્ષિત છે. અહીં મુખ્યત્ત્વે ચિંકારાઓ જોવા મળે છે. ઉપરાંત બસ્ટાર્ડની ત્રણેય પ્રજાતિ ઘોરાડ, હોઉબાબર બસ્ટાર્ડ અને લેસર ફલોરીકન જોવા મળે છે. તો રણપ્રદેશનું પક્ષી બ્લેક પાર્ટીઝ, 18 પ્રકારની સર્પ પ્રજાતિ તેમજ 184 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. આ અભ્યારણ્ય 444 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ સરોવર ક્ષેત્રને વર્ષ 1981માં વન્ય જીવ અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
 

great rann of kutch in gujarati
 
લખપતનો કિલ્લો | Lakhapat Killo
 
લખપતનો કિલ્લો એ ઐતિહાસિક ધરોહર ધરાવતો પુરાતન કિલ્લો છે. જમાદાર ફતેહ મહંમદે ઇ.સ 1801માં આ કિલ્લો બંધાવ્યો હતો. તે સમયે લખપત એ બંદર તરીકે ધમધમતું હતું. કચ્છના મહારાજા લાખાએ આ બંદર વિકસાવતા આ કિલ્લાને લખપતના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે.
 

great rann of kutch in gujarati 
 
કચ્છમાં વર્ષ 1819 અને 2001માં વિનાશક ભૂકંપ આવ્યા છતાં આ કિલ્લો અડીખમ રહ્યો છે. ફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મોના શૂટિંગ તેમજ ફોટોગ્રાફીના લોકેશન માટે પણ લખપત હબ બન્યું છે.
 
આ ઉપરાંત કચ્છમાં અનેક પ્રસિદ્ધ યાત્રાધામો જેમ કે નારાયણ સરોવર, માતાનો મઢ, કોટાઇ મંદિર, કાળા ડુંગર આવેલું દત્તાત્રેય મંદિર, રાપર તાલુકામાં આવેલું રવેચી મંદિર તેમજ મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત હાજીપીર દરગાહ આવેલી છે.
 
 
કેવી રીતે પહોંચશો | How To Reach?
 
કચ્છના ધોરડો ગામમાં યોજાતો રણોત્સવ ભૂજથી 80 કિલોમીટર દૂર આવેલો છે.
 
રોડ માર્ગ – અમદાવાદથી ભૂજ જવા માટે પ્રાઇવેટ કંપનીની સ્લીપર બસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. તો પ્રાઇવેટ કેબ કરીને અમદાવાદથી ભુજ પહોંચતા 6 કલાક જેટલો સમય લાગે છે.
 
રેલવે માર્ગ : ભૂજ અને ગાંધીધામ એ લાંબા અંતરની ટ્રેનો સાથે ખૂબ જ સારી રીતે સંકળાયેલા છે. મેટ્રોસિટીથી લઇ દેશના અનેક શહેરોને જોડનારી ટ્રેન સુવિધા અહીંથી ઉપલબ્ધ છે.
 
હવાઈ માર્ગ : ભૂજને તેનું પોતાનું સ્થાનિક હવાઈ મથક છે જે મુંબઈ અને અમદાવાદથી વિમાની સેવાઓ સાથે સંકળાયેલું છે.
 
 - જ્યોતિ દવે