ભ્રામક ઉદારતાના નામે ગુલામીનાં કલંકો સાથે જીવવાથી દેશનું ઉજ્જ્વળ ભવિષ્ય નથી બનતું

ગુલામીના પ્રતીકોને કેમ હટાવવા જરૂરી છે!? નામ બદલવાના ૪૮ પ્રસ્તાવ હજી બાકી છે! આઅ ગુલામીના પ્રતીકો કયા છે? પહેલા જાણી લો અને પછી નક્કી કરો કે તેને હટાવા જોઇએ કે નહી?

    ૨૮-માર્ચ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

gulami na pratik gujarati
 
વિદેશી આક્રાંતાઓએ ભારતમાં આવતાં જ દેશના અનેક શહેરોના, માર્ગોના અને ઈમારતોના નામો બદલવાની હઠપૂર્વક કાર્યવાહી કરેલી. તેમણે પ્રયાગનું નામ અલ્હાબાદ, અયોધ્યાનું ફૈઝાબાદ, પટનાનું નામ આઝીમાબાદ, જૂનાગઢનું નામ મુસ્તુફાબાદ, સુરતનું નામ બાલુ-મક્કા, કર્ણાવતીનું નામ અહમદાબાદ, ખડકીનું નામ ઔરંગાબાદ કર્યું. હૈદર અલીએ ભાગાનગરનું નામ હૈદરાબાદ કર્યું તો તેમના પુત્ર ટીપુ સુલતાને મ્હૈસુરનું નામ નઝારાબાદ કર્યું. આપણને પ્રશ્ન થાય કે તેમણે શા માટે આમ કર્યું હશે ? કારણ કે તેમનો હેતુ હારેલી પ્રજાને પરાજયબોધ આપવાનો હતો. તેથી પણ આગળ પ્રજા માત્ર હાર સ્વીકારે તે પૂરતું ન હતું. હારેલી પ્રજા પોતાની ઓળખ પણ ભૂલી જવી જોઈએ તેવો તેમનો બદઈરાદો હતો. એટલા માટે જ આક્રાન્તાઓએ આપણાં ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોનાં નામો બદલીને તેમની જગાએ આક્રમણકારીઓનાં નામો જોડ્યાં હતાં.
 
નોબેલ પારિતોષિક મેળવનાર વી. એસ. નાયપોલે પોતાના પુસ્તક `બીયોન્ડ બીલીફ'માં લખ્યું છે કે, મુસ્લિમ આક્રાન્તાઓ, જે તે દેશોમાં પ્રજા પોતાના બિન-ઇસ્લામિક ભૂતકાળને, ઇતિહાસને અને સાંસ્કૃતિક વારસાને ભૂલી જાય તેનો ખાસ આગ્રહ રાખતા હતા કે, જેથી હારેલી પ્રજા અરબ કથાનો હિસ્સો બનીને રહી જાય.
 
અને ભારતનું નામ રાખ્યું India.... 
 
લેખક એડવર્ડ ગીબ્બોને `ડીક્લાઈન એન્ડ ફોલ ઓફ રોમન એમ્પાયર' નામના પુસ્તકમાં માનવતાને ધ્રુજાવી નાખે તેવી એક ઘટના નોંધી છે. સાતમી સદીમાં આરબો દ્વિપકલ્પમાંથી બહાર નીકળી ઇજિપ્ત પહોંચ્યા. ત્યાંની વિખ્યાત એલેકઝાન્ડ્રીયા લાયબ્રેરીનું શું કરવું તે અંગેનો સંદેશો તેમણે ખલીફાને મોકલી માર્ગદર્શન આપવા વિનંતી કરી તો ખલીફાએ વળતો સંદેશો મોકલ્યો કે `જો ત્યાંના ગ્રંથો કુરાનના આદેશ અનુસાર જ હોય તો તે ગ્રંથો બિનજરૂરી છે તેવું ગણી તેમનો નાશ કરવો અને જો આ ગ્રંથો કુરાનની વિરુદ્ધ હોય તો તે ભયજનક છે એવું માની તેનો નાશ કરવો.' આમ, પરિસ્થિતિ ગમે તે હોય પણ નાશ તો નક્કી જ હતો. તેથી જ સન ૧૧૯૭માં બખ્ત્યાર ખિલજીએ નાલંદા વિદ્યાપીઠ અને સારનાથના પુસ્તકાલયોને સળગાવ્યાં હતાં અને બાબરના સેનાપતિએ અયોધ્યાની રામજન્મભૂમિને ધ્વસ્ત કરી તેને બાબરી મસ્જિદ બનાવી દીધી હતી.
 

gulami na pratik gujarati 
 
તે પછી ભારતમાં બ્રિટિશરો આવ્યા. તેમણે અત્યંત ધૂર્તતાપૂર્વક હિન્દુ વિચારધારાને હીન અને અંગ્રેજીયતને શ્રેષ્ઠ ઠેરવવાના પ્રયત્નો કર્યા. તેમણે પણ ઇંગ્લેન્ડના રાજા ને રાણીઓનાં પૂતળાં ઠેર ઠેર મૂક્યાં. તેમણે પણ ઈમારતો અને રસ્તાઓને બ્રિટિશ રાજવી અને અધિકારીઓનાં નામ આપ્યાં. દા.ત. વિક્ટોરિયા ટર્મિનસ, કર્ઝન રોડ, ઇરવીન, હોસ્પિટલ, વિક્ટોરિયા ગાર્ડન, મિન્ટો બ્રિજ, જ્યોર્જ ફીફથ હૉલ, વિન્સેન્ટ રોડ વગેરે અને ભારતનું નામ રાખ્યું India. જેથી પ્રજા પોતાની ઓળખ ભૂલે અને બ્રિટિશરોની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરે.
 

gulami na pratik gujarati 
 
હજી નામો બદલવાના ૪૮ જેટલા પ્રસ્તાવો બાકી પડેલા છે 
 
જર્મન વિદ્વાન મેક્સમૂલરે બ્રિટનના વડાપ્રધાન ગ્લેડસ્ટનને પત્ર લખેલો. આ પત્રમાં તેમણે લખેલું કે, `અંગ્રેજોએ ભારતને એક વાર તો રાજકીય રીતે જીત્યું છે પણ ભારતીયોના દિલોદિમાગને જીતવા બીજી વાર જીત મેળવવી જરૂરી છે. (India should be conquered again) તેથી ભારતની પ્રજાના દિલોદિમાગને જીતવા બ્રિટિશરોએ નામકરણની ચાલ ચાલી હતી, પરંતુ ભારતના સદભાગ્યે ઉપરોક્ત બંને વિદેશીઓનો કાર્યકાળ સમાપ્ત થયો.' ૧૯૪૭માં ભારત આઝાદ થયું અને તે પછી ભારતના સ્વાભિમાનના જાગરણનો કાળ શરૂ થયો. તેનો પ્રારંભ સરદાર પટેલ દ્વારા ભગ્ન સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારથી થયો અને તે પછી આ પરંપરા આગળ ચાલી. સ્વતંત્ર ભારતમાંથી ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ તથા રાણી વિક્ટોરિયાનાં પૂતળાં હટાવાયાં અને શહેરોનાં બદલાયેલાં નામોને પુનઃ પોતાનાં અસલી નામો મળવા લાગ્યાં. બોમ્બેનું મુંબઈ થયું, કલકત્તાનું કોલકાટા થયું. મદ્રાસનું ચેન્નઈ થયું, ઓરિસ્સાનું ઉડિસા થયું, અલ્હાબાદનું પ્રયાગરાજ થયું, ફૈઝાબાદનું અયોધ્યા થયું. મુગલસરાઈનું દીનદયાલનગર થયું, ગુડગાંવનું ગુરુગ્રામ થયું. આગ્રાનું અગ્રાવત થયું, કર્ણાટકનાં ૧૧ શહેરોનાં નામો બદલાયાં તો માયાવતી શાસન દરમિયાન ઉત્તરપ્રદેશના આઠ જિલ્લાનાં નામો બદલાયાં, તો શિવસેનાએ મહારાષ્ટમાં ઔરંગાબાદનું શંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કર્યું. આ પ્રક્રિયા આગળ ચાલી. ઇરવિન હોસ્પિટલનું નામ જયપ્રકાશ હોસ્પિટલ, મિન્ટોબ્રિજનું નામ છત્રપતિ શિવાજી બ્રિજ થયું, વિક્ટોરિયા ટર્મિનસનું શિવાજી ટર્મિનસ, તો વિક્ટોરિયા ગાર્ડનનું ટિળક બાગ થયું. દિલ્હીના ઔરંગઝેબ રોડનું નામ એ.પી.જે. અબ્દુલ કલામ માર્ગ થયું. રેસકોર્સ રોડનું નામ બદલીને લોકકલ્યાણ માર્ગ થયું. કર્ઝનરોડને બદલે કસ્તુરબા ગાંધી માર્ગ થયું તો વિન્સેન્ટ રોડનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર માર્ગ થયું. બાબર રોડનું નામ ૫ ઓગસ્ટ માર્ગ થયું. હજી નામો બદલવાના ૪૮ જેટલા પ્રસ્તાવો બાકી પડેલા છે. તાજેતરમાં સાંસદ શાંતારામ નાઈક પોતાનું પ્રાઈવેટ બિલ રાજસભામાં મૂકતાં બોલેલા કે, આપણા દેશનું નામ `ઇન્ડિયા' ને બદલે `ભારત' નામ બંધારણમાં મુકો, કારણ કે `ભારત માતા કી જય' બોલતાં મનમાં ગર્વ થાય છે, જ્યારે `ઇન્ડિયા કી જય'માં નહીં.
 
ગુલામીનાં કલંકો જેમણે બિનધાસ્ત દૂર કર્યાં છે તેવી થોડી ઘટનાઓ જોઈએ.... 
 
તાજેતરમાં જ નામ બદલવાની પ્રક્રિયાના સંદર્ભમાં એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે વિદેશી આક્રમકો દ્વારા નામોની જગાએ તેમનાં મૂળ નામોને ફરીથી પ્રસ્થાપિત કરવા એક ગઠનની (Renaming commission) માંગ સુપ્રીમકોર્ટમાં કરી હતી. અલબત્ત, જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ નાગરત્નની બેંચે આ અરજીને ફગાવી દેતાં કહેલું કે, (૧) કોઈપણ દેશ ભૂતકાળનો ગુલામ ન રહી શકે અને (૨) આવા મુદ્દાઓ ઉઠાવી દેશમાં તણાવ ન વધારવો જોઈએ. અલબત્ત, આદરણીય જસ્ટિસ જોસેફ સાહેબે હિન્દુત્વ વિશે મુકેલા તેમના વિચારો અવશ્ય સ્વીકાર્ય છે જ, પણ બાકીના ઉપરોક્ત બે મુદ્દા સ્વીકારવા સ્વાભિમાની દેશના નાગરિકો માટે અઘરા છે, કારણ કે વિશ્વમાં અન્ય ગુલામ દેશો જ્યારે આઝાદ થયા છે ત્યારે કોઈની પણ પરવાહ કર્યા સિવાય ગુલામીનાં કલંકો તેમણે બિનધાસ્ત દૂર કર્યાં છે, તેનો ઇતિહાસ આપણા સૌના માટે અનુકરણ કરવા યોગ્ય છે. તેની થોડી ઘટનાઓ જોઈએ.
 

gulami na pratik gujarati 
 
#૧ ર્‌હોડેર્શિયાનું નામ બદલીને ઝીમ્બાબ્વે નામ રાખ્યું...
  
સન ૧૯૬૫માં ઝીમ્બાબ્વે નામનો દેશ અંગ્રેજોની હકૂમત હેઠળથી સ્વતંત્ર થયો. આ દેશે આઝાદ થતાં જ સૌથી પ્રથમ કયું કાર્ય કર્યું છે તે આપ જાણો છો ? આઝાદ થયેલા આ દેશના વડાપ્રધાન મુગાબેએ સૌપ્રથમ આ દેશનું નામ બદલવાનો નિર્ણય કર્યો, કારણ કે સિસિલ રોડ્ઝ નામના અંગ્રેજ અધિકારીએ કબજો જમાવી આ દેશનું નામ પોતાના નામ ઉપરથી ર્હોડેશિયા નામ રાખ્યું હતું. ર્હોડ નામના એક વિદેશી આક્રાન્તાના નામે આ દેશ ઓળખાય તે દેશની પ્રજાને મંજૂર ન હતું, તેથી વડાપ્રધાન મુગાબેએ ર્‌હોડેર્શિયાનું નામ બદલીને ઝીમ્બાબ્વે નામ રાખ્યું.
 
#૨ લેનિનગ્રાદનું નામ બદલીને અસલી નામ સેન્ટ પિટસબર્ગ રાખ્યું.
 
સન ૧૯૧૭માં રશિયામાં બોલ્શેવિક ક્રાન્તિ થઈ અને ૧૯૨૪માં ક્રાન્તિ કરનાર નેતા લેનિનનું અવસાન થયું. તો લેનિનના સન્માનમાં રશિયાના શહેર સેન્ટ પિટસબર્ગનું નામ બદલીને લેનિનગ્રાદ કરવામાં આવ્યું. અલબત્ત સામાન્ય પ્રજા આમાં સહમત ન હતી, પણ સામ્યવાદીઓના ડરને કારણે પ્રજા શાન્ત રહી, પણ ૧૯૯૧માં રશિયાની પરિસ્થિતિ બદલાઈ ગઈ. રશિયાનું વિઘટન થયું અને લોકોની સામ્યવાદમાંથી શ્રદ્ધા ઊઠી ગઈ. પરિણામે લોકોએ ફરી પાછું લેનિનગ્રાદનું નામ બદલીને અસલી નામ સેન્ટ પિટસબર્ગ રાખ્યું.
 
#૩ તુર્કીનું નામ કેમ બદલાયું?
 
તુર્કીમાં થયેલી નામ બદલવાની ઘટનાઓ ખૂબ રોચક છે. ગત વર્ષે એટલે ૨૦૨૨માં તુર્કીએ પોતાના દેશનું નામ બદલીને તુર્કીને બદલે તુર્કીએ કર્યું. તે માટે તૈયપ અર્દોગને રાષ્ટસંઘમાંથી પરવાનગી પણ મેળવી લીધી. આમ, કરવાનું કારણ એ હતું કે તુર્કી શબ્દ વિદેશી લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે, એક એવી જાતનું પક્ષી કે જેને મધ્ય અમેરિકા અને મેક્સિકોના લોકો આનંદપૂર્વક ખાય છે. આ શબ્દ તેમને અપમાનકારક લાગવાથી દેશનું નામ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો.
 
#૪ અંગોરા શહેરને બદલે અંકોરા અને કોન્સ્ટન્ટિનોપલને બદલે ઈસ્તંબુલ
 
આનાથી થોડા ભૂતકાળમાં જઈએ તો ૧૯૩૦માં અહીંની સરકારે અંગોરા શહેરને બદલે અંકોરા અને કોન્સ્ટન્ટિનોપલને બદલે ઈસ્તંબુલ નામ કર્યું. સન ૧૯૨૨માં પ્રખર રાષ્ટવાદી નેતા કમાલપાશાના અમલ દરમિયાન કમાલ પાશાએ અરબી સંસ્કૃતિની નિશાનીઓને વીણીવીણીને બહાર કરી દીધી હતી. તુર્કી ભાષામાં જેટલા અરબી શબ્દો હતા. તેને વીણીવીણીને બહાર કર્યા. તેમણે અરબી ભાષામાં પઢાતી આજાન બદલીને તુર્કી ભાષાની આજાન શરૂ કરાવી. તેણે કહ્યું કે, અલ્લાહ તુર્કી ભાષા પણ સમજે છે. કમાલે અરબી ભાષામાં લખાયેલ કુરાનનું તુર્કી ભાષામાં ભાષાન્તર કરાવ્યું. અલ્લાહ અરબી શબ્દ હોવાથી તેણે અલ્લાહને માટે `તારી' શબ્દ પ્રચલિત કર્યો. કમાલ પાશાના પોતાના નામમાં પાશા શબ્દ અરબી હોવાથી કમાલે પોતાના નામમાં પણ ફેરફાર કરી કમાલ પાશાને બદલે કમાલ અતાતુર્ક રાખ્યું કારણ કે કમાલ તુર્કીની ઓળખને પ્રસ્થાપિત કરવા માગતા હતા તેથી જ તેમણે અરબી રાષ્ટવાદના પ્રભાવને નકાર્યો હતો.
 
#૫ આ અરજી કરનારનું નામ છે ફ્લોરેન્ટ લોન્ગુથી...
 
લોકપ્રિય ગુજરાતી લેખક ચંદ્રકાન્ત બક્ષીએ પોતાના એક પુસ્તકમાં એક ફ્રેન્ચ નાગરિકનો પ્રસંગ ટાંકતાં લખ્યું છે કે, એક ફ્રેન્ચ નાગરિકે એકવાર બ્રિટનના વડાપ્રધાનને અરજી કરતાં લખ્યું કે, અમે બ્રિટનમાં વૉટર્લૂ સ્ટેશને ઉતરીએ છીએ ત્યારે શરમ અનુભવીએ છીએ કારણ કે ૧૮૧૫ના યુદ્ધમાં બ્રિટને અમારા મહાન સેનાપતિ નેપોલિયનને હરાવ્યા હતા. તેની યાદમાં અમને અપમાનનો અનુભવ થાય છે માટે વૉટર્લૂ સ્ટેશનનું નામ બદલવું જોઈએ. પણ પત્રમાં છેલ્લે આ ફ્રેન્ચ નાગરિકે બ્રિટનના વડાપ્રધાનને ધમકીની ભાષામાં લખ્યું કે, જો તમે આ નામ નહીં બદલો તો અમને અમારા દેશ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા ગરે દૂર્નાર્દ સ્ટેશનનું નામ બદલીને ફોન્તેનોય નામ રાખવાની ફરજ પડશે. વાચકોને જણાવવાનું કે, ૧૭૪૫માં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ફોન્તેનોયમાં થયેલા યુદ્ધમાં ફ્રાન્સે બ્રિટનને કારમો પરાજય આપ્યો હતો. જેથી બ્રિટિશરો ફોન્તેનોય સ્ટેશન જોતાં પરાજયની વેદના અનુભવે. આ અરજી કરનારનું નામ છે ફ્લોરેન્ટ લોન્ગુથી.
 

gulami na pratik gujarati 
 
પ્રિય બંધુઓ નામમાં પણ કેટલી બધી સંવેદનાઓ સમાયેલી છે. તે જોયું ને ?
 
અંતમાં આ લેખની મુખ્ય બાબતને સમજાવતો એક બોધપ્રદ પ્રસંગ જોઈએ. સન ૧૯૬૯માં ભારતનું એક પ્રતિનિધિ મંડળ અફઘાનિસ્તાન ગયેલું. સમય મળતાં આ પ્રતિનિધિ મંડળ બાબરની કબર જોવા માટે ગયેલું, પણ તેમના ધ્યાનમાં આવ્યું કે, બાબરની કબર જિર્ણક્ષીર્ણ સ્થિતિમાં અને રખરખાવ વગરની હતી. એક પ્રતિનિધિએ બાબરની કબરની આ હાલત વિશે પ્રશ્ન પૂો તો પ્રતિનિધિ મંડળની સાથે આવેલ એક અફઘાની અધિકારીએ ઉત્તર આપ્યો કે અમારે બાબર સાથે શો સંબંધ ? તે તો એક ઉઝબેકીસ્તાનનો વિદેશી મલાખોર હતો. તેણે અમને ગુલામ બનાવેલા. માત્ર મુસલમાન હોવાથી જ તેની આ કબર તૂટી નથી, પણ જો કબર તૂટી જાય તો અમને બધાને આનંદ થશે. આ ઉત્તર આપનાર એ વ્યક્તિ તે બીજુ કોઈ નહીં પણ તેઓ બબરક કરમાલ હતા, જેઓ પછીથી ૧૯૮૧માં અફઘાનિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા અને પ્રશ્ન પૂછનાર ભારતીય પત્રકાર ડો. વેદપ્રકાશ વૈદિક હતા, જેઓ પછીથી કેન્દ્ર સરકારમાં ભારતની વિદેશનીતિના સલાહકાર બન્યા હતા, જેમનું દુઃખદ અવસાન તાજેતરમાં જ ૧૪ માર્ચ, ૨૦૨૩ના રોજ થયું હતું.
 
અંતમાં એક ગંભીર મુદ્દો આપણી સામે છે કે, જે સંવેદનાઓ અફઘાનિસ્તાનની પ્રજા અનુભવતી હતી તેવી જ સંવેદનાઓ ભારતની સંપૂર્ણ પ્રજા અનુભવે તો આ દેશનું ઉત્થાન નિશ્ચિત સમજવું પણ ભ્રામક ઉદારતાના નામે ગુલામીનાં કલંકો સાથે જીવવાથી દેશનું ઉજ્જવળ ભવિષ્ય નથી બની શકતું તે પણ નક્કી જ માનવું.
 
અસ્તુ...

સુરેશ ગાંધી

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.