શ્રીલંકામાં રામાયણ યાત્રા | શ્રીલંકાના રામાયણ સાથે જોડાયેલા આ સ્થાનો વિશે જાણવા જેવું છે...!!

Ramayana Tourism in Sri Lanka | શ્રીલંકાના પ્રવાસન વિભાગ દ્વારા પોતાના દેશના શ્રીરામ અને રામાયણ સંબંધિત સ્થળોને સાંકળવા માટે શ્રીરામ સર્કિટ બનાવવાની જાહેરાત કરી છે ત્યારે એક નજર શ્રીલંકાનાં એ પૌરાણિક સ્થાનો પર જે આજે પણ રામાયણકાળની યાદ અપાવે છે.

    ૧૭-એપ્રિલ-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Ramayana Tourism in Sri Lanka 
 
 

શ્રીલંકામાં બનશે શ્રીરામ સર્કિટ | જ્યાં જ્યાં ચરણ પડ્યાં રઘુવરનાં | Ramayana Tourism in Sri Lanka

વેરાંગટોક : રાવણનું હવાઈ મથક
 
મધ્ય શ્રીલંકાના મહિયાંગ સ્થિત નુવારા અલિયા નામનો એક પહાડી વિસ્તાર આવેલો છે. જ્યાંના વેરાંગટોક વિસ્તારમાં આજે પણ રાવણના હવાઈ અડ્ડાના અવશેષો જોવા મળે છે. વેરાંગટોકના મહિયાંગ શહેર તરફ જતાં મુખ્ય માર્ગથી ૧૦ કિ.મી.ના અંતરે રાવણે સીતાનું અપહરણ કર્યા બાદ પોતાનું પુષ્પક વિમાન અહીં ઉતાર્યું હતું. ત્યાર બાદ સીતાને ગુરુલપોટા લઈ જવામાં આવ્યાં હતાં, જે હાલ અહીં સીતા કોટુઆ નામે ઓળખાય છે. શ્રીલંકા રામાયણ રિસર્ચ કમિટી મુજબ રાવણનાં ચાર હવાઈમથક હતાં. ઉસાનગોડા, ગુરુલોપોથા, તાંતુપોલાકંદા અને વારિયાપોલા. આ ચારમાંથી ઉસાનગોડા હવાઈ મથક હાલ લગભગ નાશ પામ્યું છે. કમિટી મુજબ હનુમાનજી દ્વારા લંકાદહન સમયે આ હવાઈમથક રાવણનું મુખ્ય હવાઈમથક પણ બળીને રાખ થઈ ગયું હતું. આ હવાઈ મથક જ રાવણનું મુખ્ય હવાઈમથક હોવાનું માનવામાં આવે છે. આજે પણ અહીં લાલ રંગની હવાઈ પટ્ટી જોવા મળે છે. તેની આસપાસની જમીન ક્યાંક કાળી તો ક્યાંક ઘાસ આચ્છાદિત છે. અહીંના વૈલવ્યા અને એલ્લા વચ્ચે ૧૭ માઈલ લાંબા માર્ગ પર રાવણ સાથે સંબંધિત અનેક સ્થળો આવેલાં છે.
 

Ramayana Tourism in Sri Lanka 
 
 
સીતા એલિયા : જ્યાં સીતાને નજરકેદ રાખવામાં આવ્યાં હતાં
 
શ્રીલંકાના ન્યુરાએલિયા શહેરથી અદાઘાટી તરફ જતા મુખ્ય માર્ગ પર પાંચ કિ.મી. અંતરે આવેલ આ સ્થળે જ રાવણે પોતાની ભત્રીજી ત્રિજટાની દેખરેખ હેઠળ માતા સીતાને નજરકેદ રાખ્યાં હોવાનું શ્રીલંકનો માને છે. સીતાને અલિયાના જે વિશાળ બાગમાં રાખવામાં આવ્યાં હતાં, તેમાં આજે પણ લાખોની સંખ્યામાં અશોક વૃક્ષો છે. વાલ્મીકિ રામાયણમાં પણ સીતાને અશોકવાટિકામાં નજરકેદ કરાયાં હોવાના ઉલ્લેખ છે. અહીં આજે પણ `સીતા અમ્મન કોવિલે' નામનું ૫૦૦૦ વર્ષ જૂનું સીતામંદિર હયાત છે. મંદિરની બરોબર પાસેથી જે નદી વહે છે તેને પણ સીતા નામ આપવામાં આવ્યું છે. આશ્ચર્યજનક રીતે નદીનો રાવણના મહેલ તરફનો તટ કાળો છે જ્યારે અશોકવાટિકા તરફનો તટ સામાન્ય નદીના તટ જેવા જ રંગનો છે. કહેવાય છે કે લંકાદહન બાદ શ્રી હનુમાને પોતાની પૂંછડી અહીં જ ઠારી હતી, જેના કારણે તેનો રંગ કાળો થઈ ગયો હતો.
 

Ramayana Tourism in Sri Lanka 
 
હનુમાનજીનાં વિશાળકાય પગલાં
 
સીતા એલિયા (આપણા માટે અશોકવાટિકા)ની આજુબાજુના પથ્થરો પર આજે પણ વિશાળકાય માનવપગનાં ચિહ્નો જોવા મળે છે. સ્થાનિક લોકો આ પગલાં રામભક્ત હનુમાનનાં હોવાનું માને છે.
 
કહેવાય છે કે, હનુમાનજીએ રાવણના સૈન્યમાં ડર ફેલાવવા અને અશોકવાટિકાને તહસ-નહસ કરવા માટે વિશાળ કદ ધારણ કર્યું હતું. તે સમયે તેમનાં વિરાટ પગલાં અહીં પડી ગયાં હતાં.
 
કાર્બન ડેટિંગ દ્વારા આ પગલાં ૭૦૦૦ વર્ષ જૂનાં હોવાનું માલૂમ પડ્યું છે.
 

Ramayana Tourism in Sri Lanka 
 
 
અલિયા પહાડી : જ્યાં રાવણ અને વિભીષણના મહેલો બળેલી હાલતમાં છે
 
અહીંની અલિયા પહાડીઓમાં આજે પણ રાવણ અને વિભીષણના મહેલ ખંડેર અવસ્થામાં જોવા મળે છે. અશોકવાટિકાથી થોડાક જ અંતરે આવેલ આ વિશાળ મહેલ માટે કહેવાય છે કે, અહીં જ રાવણ પોતાની પટરાણી મંદોદરી સાથે રહેતો હતો. શ્રીલંકાના ઇતિહાસ અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પર લાંબા સમયથી સંશોધન કરી રહેલા લોરાની સેનારત્ને નામના ઇતિહાસવિદ પોતાના પુસ્તક હેઅરસ ટૂ હિસ્ટ્રીમાં નોંધે છે કે, રાવણ ઈસા પૂર્વેના ૪૦૦૦ વર્ષથી પણ પહેલાં થઈ ગયો હતો અને તે ચમકદાર દરવાજા ધરાવતા ૯૦૦ ખંડના વિશાળ મહેલમાં રહેતો હતો. આ ઉપરાંત પણ તેના ૨૫ જેટલા અન્ય મહેલો અને આરામગૃહો હતાં (ડૉ. વિદ્યાધરની શોધ-પુસ્તિકા - `રામાયણ કી લંકા').
 
રાવણ ફોલ અને રાવણ ગુફા
 
અહીંના રૈગલા વન વિસ્તારમાં ૮ હજાર ફૂટની ઊંચાઈ પર રાવણ એલ્લા નામની ગુફા આવેલી છે. સમુદ્રની ધરીથી ૧૩૭૦ મીટરની ઊંચાઈ પર સ્થિત આ સ્થળ શ્રીલંકાના બાન્દ્રાવેલા શહેરથી ૧૧ કિ.મી.ના અંતરે આવેલું છે. ૧૯૭૧માં અહીંના એક બૌદ્ધભિક્ષુ દ્વારા દાવો કરાયો હતો કે, અહીંના રૈગલા (રાનાગિલ)નાં જંગલોની પહાડીઓમાં સુઢ કિલ્લામાંની એક ગુફામાં રાજા રાવણનું શબ આજે પણ સુરક્ષિત છે. (ડૉ. વિદ્યાસાગરની શોધ-પુસ્તિકા રામાયણ કી લંકા.)
 

Ramayana Tourism in Sri Lanka 
 
રૈગલા વન્યવિસ્તારમાં ૮ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલી આ ગુફામાં રાવણે ઘોર તપસ્યા કરી હોવાનું મનાય છે. આ ગુફામાં ૧૭ ફૂટ લાંબા તાબૂતમાં રાવણનું શબ સંગ્રહાયેલું છે. તાબૂતની ચારેય તરફ એક ખાસ પ્રકારનો લેપ લાગેલો છે જેને કારણે આ તાબૂત હજારો વર્ષોથી જેમનું તેમ છે. જોકે અહીંના અવાવરું અને ગાઢ જંગલોમાં ખૂંખાર પશુઓના ભયે કોઈ જવાની હિંમત કરતું ન હતું. ગુફાનો દરવાજો હાલ બંધ છે માટે રાવણનો મૃતદેહ હજુ પણ એક રહસ્ય બનેલો છે. આ સ્થળથી થોડાક જ અંતરે રાવણ એલ્લા નામનો એક ધોધ આવેલો છે. ઈંડાં આકારના પર્વતશિખર પરથી ૨૫ મીટર એટલે કે ૮૨ ફૂટની ઊંચાઈએથી પાણીનો વિશાળ પ્રવાહ નીચે પટકાય છે ત્યારે આ અઘોર જંગલોમાં ૬૨ ફૂટ સુધી તેનો અવાજ સંભળાય છે. આ સ્થળની બાજુમાં જ એક પુલ બનાવવામાં આવ્યો છે તેને સીતા પુલ નામ આપવામાં આવ્યું છે.
 
રુમાસ્સલા પર્વત જ સંજીવની પર્વત...?
 
રામાયણના લંકાકાંડમાં લક્ષ્મણ મેઘનાદના યુદ્ધ અને લક્ષ્મણની મૂર્છાવાળા પ્રસંગ બાદ હનુમાનજી દ્વારા હિમાલય ગમન અને સંજીવની જડીબુટ્ટીવાળો આખેઆખો પર્વત ઊંચકી લાવવાનો પ્રસંગ આવે છે. શ્રીલંકનો આજે શ્રીલંકાનો રુમાસ્સલા નામનો પર્વત જ એ સંજીવની પર્વત છે. શ્રીલંકાના સૌથી સુંદર પર્વતોમાંનો આ પર્વત શ્રીલંકાના ઉનાવટા નામના સ્થળ પર સ્થિત છે. સિંહાલી ભાષામાં ઉનાવટાનો અર્થ આકાશમાંથી પડેલું એવો થાય છે. શ્રીલંકાના દક્ષિણી સમુદ્રકિનારે આજે પણ એવાં અનેક સ્થળો છે જેમના માટે એવું કહેવાય છે કે, તે હનુમાનજી દ્વારા ઊંચકી લવાયેલા પર્વતોના ટુકડાઓ છે તેમાં રુમાસ્સલા હિલ સૌથી મુખ્ય છે. મહત્ત્વની વાત એ છે કે, જે પર્વતોને સંજીવની પર્વતના અવશેષો માનવામાં આવે છે ત્યાંની જમીન શ્રીલંકાના અન્ય પહાડોથી તદ્દન જુદી છે. આજે પણ આ જગ્યાઓ પરથી મળી આવતી વનસ્પતિ અને વૃક્ષો શ્રીલંકાના અન્ય ભાગોમાં જોવા મળતાં નથી. રુમાસ્સલા બાદ રીતિગાલા સંજીવની પર્વતનો તૂટી પડેલો એક અવશેષ મનાય છે. શ્રીલંકાના અલિયા શહેરથી ૧૦ કિ.મી. અંતરે આવેલા હાકાગાલા પર્વત પણ સંજીવનીનો અવશેષ માનવામાં આવે છે.
 

Ramayana Tourism in Sri Lanka 
 
 
દર ૪૧ વર્ષે અહીં આવે છે હનુમાનજી
 
 
હનુમાનજી માટે કહેવાય છે કે, તે અમર છે, રામાયણ કાળમાં જન્મેલા હનુમાનજી સેંકડો વર્ષ બાદ મહાભારત કાળમાં પણ જીવિત હતા. આજે પણ શ્રીલંકામાં એક સ્થળ અને એક જનજાતિ એવી છે જેમના મતે હનુમાનજી આજે પણ હાજરાહજૂર છે. શ્રીલંકાનાં જંગલોમાં હનુમાનજીની હયાતીના સંકેત મળ્યા છે. શ્રીલંકાનાં જંગલોમાં કબીલાઓ હનુમાનજી તેઓને મળવા આવતા હોવાનો દાવો કરે છે. આધ્યાત્મિક સંગઠન સેતુ મુજબ હનુમાનજી હાલમાં જ આ જનજાતિને મળવા આવ્યા હતા. અને હવે ૪૧ વર્ષ બાદ ૨૦૫૫માં આવશે. માતંગ નામની જનજાતિનો ઇતિહાસ રામાયણ સાથે જોડાયેલો છે. ભગવાન શ્રી રામના સ્વર્ગારોહણ બાદ હનુમાનજી અયોધ્યા છોડી દક્ષિણ ભારતનાં જંગલોમાં અને ત્યારબાદ સમુદ્ર પાર કરી શ્રીલંકા પહોંચ્યા હતા ત્યારે માતંગ કબીલાઓએ હનુમાનજીની દિલોજાનથી સેવા કરી હતી, જેના બદલામાં હનુમાનજીએ તેઓને બ્રહ્મજ્ઞાન આપ્યું હતું અને વચન આપ્યું હતું કે દર ૪૧ વર્ષે તેઓ આ કબીલાની પેઢીઓને બ્રહ્મજ્ઞાન આપવા આવશે. મજાની વાત એ છે કે, હનુમાનજી જ્યારે કબીલા સાથે રહે છે ત્યારની પ્રત્યેક નવા-જૂની ત્યાંનો મુખી પોતાની લોગબુકમાં નોંધે છે, સેતુ નામની સંસ્થા આ લોગબુકનો અભ્યાસ કરી રહી છે અને આધુનિક ભાષાઓમાં અનુવાદ કરી રહી છે અને તેનો પ્રથમ ભાગ www.setu.asia નામની વેબસાઈટ પર પણ મૂક્યો છે, જે મુજબ ૨૭ મે ૨૦૧૪ના દિવસે હનુમાનજીએ માતંગ કબીલાઓ સાથે અંતિમ દિવસ વિતાવ્યો હતો. હવે આ દાવામાં કેટલું સત્ય છે એ તો શ્રદ્ધાનો વિષય છે, પરંતુ આ દાવાથી શ્રીલંકાની માતંગ જનજાતિને લઈને વિશ્વભરના અને ખાસ કરીને ભારતના લોકોનો રસ વધી ગયો છે.
 
શ્રીલંકામાં રામાયણ ટૂરિઝમની બોલબાલા
 
શ્રીલંકન સરકાર સારી રીતે જાણે છે કે વિશ્વભરમાં વસતા હિન્દુઓ ભગવાન શ્રી રામ અને રામાયણમાં અટૂટ શ્રદ્ધા ધરાવે છે ત્યારે જો શ્રીલંકામાં રહેલાં રામાયણકાલીન ઐતિહાસિક સ્થળોને વિશ્વ સમક્ષ લાવવામાં આવે તો તેના પર્યટન વિભાગને નવી ગતિ મળી શકે છે. એમાં પણ ભારત, શ્રીલંકાથી સૌથી નજીક અને વિશાળ દેશ છે. તેના થોડા ઘણા પ્રવાસીઓને પણ જો રામાયણના નામે શ્રીલંકામાં ખેંચી લેવામાં સફળતા મળે તો તેમનામાં ચાંદી જ ચાંદી છે. આ જ ગણતરીએ શ્રીલંકન સરકાર છેલ્લા કેટલાક સમયથી ભગવાન શ્રી રામ, સીતા, શ્રી હનુમાન અને રાવણનો ઉપયોગ પોતાના ટૂરિઝમ ઉદ્યોગને વિકસાવવા માટે કરી રહી છે. ૨૦૦૪માં જ્યારે પંજાબના બાંગા શહેરમાં રહેતા અશોક કૈથ નામના વ્યક્તિએ શ્રીલંકામાં અશોકવાટિકા હોવાનો દાવો કર્યો ત્યાર બાદ તરત જ શ્રીલંકન ટૂરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એક સર્ચ કમિટીનું ગઠન કરી શ્રીલંકામાં રામાયણકાલીન સ્થળો વિશે સંશોધન કરી માહિતી એકઠી કરવાનું જણાવ્યું હતું. બાદમાં આ ટીમે શ્રીલંકામાં ઓછામાં ઓછાં એવાં ૫૦ સ્થળો શોધી કાઢવાનો દાવો કર્યો હતો જેનો સીધો જ સંબંધ રામાયણ સાથે હતો. થોડાં વર્ષો અગાઉ શ્રીલંકન સરકારે દેશના પૂર્વ ક્રિકેટર્સ અર્જુન રણતુંગા અને અરવિંદ ડિ સિલ્વાને પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી તેમના હાથે રામાયણકાલીન સ્થળોની માહિતી આપતી સીડી પ્રસિદ્ધ કરાવવામાં આવી હતી. એટલું જ નહીં તેમની પાસેથી ભારતના લોકોને શ્રીલંકામાં પ્રવાસન અર્થે આવવાની અપીલ પણ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૦૭માં રામાયણ રિસર્ચ કમિટીની રચના અને ત્યાર બાદ ૨૦૦૮માં કમિટી દ્વારા રામાયણ અંગે ૫૦ જેટલાં સ્થળો શોધી કઢાયાના દાવા બાદ ભારતથી હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીલંકા પહોંચ્યા હતા. શ્રીલંકન સરકાર આ પ્રવાહમાં ૩૦થી ૩૫ ટકાના વધારો કરવાના લક્ષ્ય સાથે હવે બમણા જોરથી આ દિશામાં કામ કરી રહી છે. આ માટે સરકારે શ્રીલંકાઝ રામાયણ ટ્રેલ નામના એક આધ્યાત્મિક ટૂરિઝમનું પેકેજ બનાવ્યું છે. આ આખી ટ્રેલમાં અઠવાડિયાંમાં ૨૫ જેટલાં રામાયણકાલીન સ્થળોએ ફેરવવામાં આવે છે. શ્રીલંકન સરકાર આ માટે સમયે સમયે ભારતનો પણ સહયોગ માંગતી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શ્રીલંકાના પ્રવાસ દરમિયાન અન્ય મુદ્દે સહયોગ સાધવાની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રે પણ મહત્ત્વના કરારો થયા છે.
 
યુદ્ધગનાવા : જ્યાં રામે રાવણનો વધ કર્યો હતો
 
ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ હનુમાનજી સાથે શ્રીલંકાના નાગદીપથી લંકામાં પ્રવેશ્યા હોવાનું મનાય છે. આ સ્થળની દક્ષિણે દોનારા નામનું એક સ્થળ આવેલું છે. કહેવાય છે કે, આ સ્થળેથી શ્રી રામની વાનરસેનાએ રાવણના સૈન્ય પર આક્રમણ કર્યું હતું અને રામ-રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું હતું અને અંતમાં રામે રાવણનો વધ કર્યો હતો. શ્રીલંકામાં આ સ્થળ યુદ્ધાગનાવા તરીકે ઓળખાય છે. હાલ આ સ્થળ પર વન્યજીવન સેન્ચુરી છે. આ જમીનમાં આજે પણ ઘાસ સિવાય કાંઈ જ ઊગતું નથી.
 
રામબોડા
 
ભગવાન શ્રી રામે સીતાજીની શોધ માટે હનુમાનજીને લંકા તરફ મોકલ્યા ત્યારે રસ્તામાં હનુમાનજી જે પહાડો પર રોકાયા હતા તે પહાડીઓને શ્રીલંકન પ્રવાસન વિભાગ દ્વારા રામબોડાનું નામ આપ્યું છે. અહીં આજે પણ શ્રીલંકાનું સૌથી જૂનું હનુમાન મંદિર આવેલું છે.
 
સીતા ટીયરપૌડ
 
અશોકવાટિકા નજીક આવેલ સીતા ટિયર પૌડ પણ ભારતીય પ્રવાસીઓમાં શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ટિયરપૌડ જવાના રસ્તામાં જ એક મોટું તળાવ આવેલું છે જે બોટિંગ માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે એમ છે. સીતા ટિયરપૌડ માટે કહેવાય છે કે, ઉનાળાના આકરા તાપમાં જ્યારે આજુબાજુનાં તમામ તળાવો સુકાઈ જાય છે, ત્યારે પણ આ તળાવ પાણીથી લબાલબ રહે છે અને મોટું આશ્ચર્ય એ છે કે, આ વિસ્તારમાં આવેલા તમામ જળસ્રોતોનું પાણી મીઠું છે, જ્યારે માત્ર આ તળાવનું પાણી જ આંસુ જેવા ખારા સ્વાદનું છે. કહેવાય છે કે, રાવણ જ્યારે સીતાને અહીંથી બળજબરીપૂર્વક લઈ જતો હતો ત્યારે તેમનાં આંસુ આ તળાવમાં પડ્યાં હતાં. ત્યારથી અહીંનું પાણી આંસુ જેવું ખારું થઈ ગયું છે.
 
 

Ramayana Tourism in Sri Lanka 
 
શ્રીલંકા અને રામાયણ  | Ramayana Tourism in Sri Lanka
 
- આપણે ત્યાં શ્રી રામની અયોધ્યા વાપસીના ઉત્સવ રૂપે દિવાળી મનાવવામાં આવે છે જ્યારે શ્રીલંકામાં રાવણના મૃત્યુ બાદ વિભીષણના રાજ્યાભિષેકની ઉજવણી કરવામાં આવે છે. શ્રીલંકન સંસદે વિભીષણને ભગવાનના રૂપમાં માન્યતા આપી છે. અહીંની સંસદના મુખ્ય ખંડમાં આજે પણ રાવણની સાથે વિભીષણના આદમકદનાં ચિત્રો લાગેલાં છે. અહીંના કૈલેનિયા બુદ્ધમંદિરમાં વિભીષણનું મંદિર પણ આવેલું છે જેના મુખ્ય દ્વાર પર લક્ષ્મણને વિભીષણને રાજતિલક કરતા બતાવવામાં આવ્યા છે.
 
- સિંહલ ઇતિહાસ અને સંસ્કૃતિની દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથ મહાવંસામાં માતલે પાસે લંકાપુરા નામના નગરનો ઉલ્લેખ થયેલો છે જે રાવણના શાસનકાળમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ નગર ગણાતું હતું.
 
- શ્રીલંકન શિક્ષણ વિભાગ દ્વારા સિંહલ રીડર ભાગ-૩માં રાવણ પર બે પાઠ આપવામાં આવ્યા છે. પાઠ-૫નું શીર્ષક ડાડૂ મોનરયા એટલે કે મયૂર રૂપી વિમાન અને પાઠ-૬નું નામ રામાયણ યુદ્ધ છે.
 
- સિંહાલી માન્યતા મુજબ યુધાગનાપીટિયા નામના સ્થળે રામ રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ લડાયું હતું અને દુનુવિલા નામની જગ્યાએથી રામે રાવણ પર બાણ ચડાવ્યું હતું જેમાં તેનું મૃત્યુ થયું હતું. અહીંના ચિલાવમાં આજે પણ એ મંદિર સ્થિત છે જ્યાં રાવણવધ બાદ રામે પૂજા કરી હતી.
 
- શ્રીલંકાની અનેક જનજાતિઓએ પોતાનો રામાયણ સાથેનો સંબંધ આજે પણ જાળવી રાખ્યો છે. સીતા દ્વારા અગ્નિપરીક્ષા સમયે લેવાયેલી કસમ આજે પણ અહીંની ગ્રામીણ અદાલતો અને ગ્રામસભામાં મિશાલ રૂપ ગણાય છે.
 
- અહીંના લોકો સીતાને જ શ્રીલંકામાં આવેલ સૌપ્રથમ વિદેશી પ્રવાસી ગણે છે જેઓએ પુષ્પક વિમાન મારફતે શ્રીલંકામાં પગ મૂક્યો હતો માટે જ શ્રીલંકાની પ્રથમ એરલાઇન્સનું નામ સીતા એરલાઇન્સ રાખવામાં આવ્યું હતું.
 
- શ્રીલંકા બૌદ્ધ બહુમતીવાળો દેશ છે અને રાવણને એક શ્રેષ્ઠ શાસક માનીને પૂજે છે, છતાં તેમના મનમાં શ્રી રામ પ્રત્યે જરા સરખો અણગમો નથી. હાલ પણ અહીં રામાયણ કાળ સાથે સંકળાયેલાં સ્થળોનાં નામ જેમનાં તેમ છે. એટલું જ નહીં ત્યાંની સરકાર અહીંનાં અનેક સ્થાનોને રામાયણનાં પાત્રોના નામ સાથે જોડી તેનો પ્રચાર કરી રહી છે, છતાં તેનો જરા સરખો વિરોધ થઈ રહ્યો નથી.
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…