ગરમીની રજાઓમાં માથેરાન, ઉટી નહીં ગુજરાતના આ હીલ સ્ટેશનોએ જઇ આવો!

ગુજરાતના હિલસ્ટેશનો વિશેની માહિતી આ લેખમાં પ્રસ્તુત છે. મનોહર ટેકરીઓ, ખીણ, જંગલ અને પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ એવા હિલ સ્ટેશન આ રજાઓમાં તમને ‘રિચાર્જ’ કરી દેશે.

    ૨૭-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

hill stations in gujarat   
 

ગરમીની રજાઓમાં ગુજરાતના આ હીલ સ્ટેશનોએ જવા જેવું છે...!! મોજ પડી જશે...!! | Hill Stations in Gujarat 

#  મનોહર ટેકરીઓ, ખીણ, જંગલ અને પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ એવા આ હિલ સ્ટેશન તમને ‘રિચાર્જ’ કરી દેશે
# ખુશનુમા વાતાવરણ વચ્ચે કુદરતના ખોળામાં રહેવા માટે ડોન હિલ સ્ટેશન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
# આ હીલસ્ટેશનનો ઇતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે
 
ઉનાળો શરૃ થઇ ગયો છે, વેકેશનના આ ગાળામાં બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, પણ ગરમીને કારણે મર્યાદિત વિકલ્પો મળી રહ્યા છે? તો આ ઉનાળાની આ ભીષણ ગરમીમાં ઓછું તાપમાન ધરાવતા ગુજરાતના હિલસ્ટેશનો વિશેની માહિતી આ લેખમાં પ્રસ્તુત છે. મનોહર ટેકરીઓ, ખીણ, જંગલ અને પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ એવા હિલ સ્ટેશન આ રજાઓમાં તમને ‘રિચાર્જ’ કરી દેશે.
 
ડોન હિલ સ્ટેશન | Don Hill Station
 
હિલ સ્ટેશનનું નામ પડે એટલે ગુજરાતીઓના મનમાં માથેરાન કે માઉન્ટ આબુનું નામ યાદ આવે એ સ્વાભાવિક છે પણ આહ્વાથી 38 કિલોમીટર દૂર આવેલ અને 1000 મીટરની ઊંચાઇ ધરાવતા આ હિલ સ્ટેશનના હરિયાળીથી ભરેલા ઢોળાવો, નદી અને ઝરણાં તન અને મનને તાજગીથી ભરી દેશે. ખુશનુમા વાતાવરણ વચ્ચે કુદરતના ખોળામાં રહેવા માટે ડોન હિલ સ્ટેશન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
 

hill stations in gujarat  
 
રામાયણકાળ સાથે જોડાયેલો છે તેનો ઇતિહાસ
 
ડોન ગામનો ઇતિહાસ રસપ્રદ છે. અહીં અહલ્યા પર્વત પાસે ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હોવાની માન્યતા છે, આથી આ જગ્યા પહેલાં દ્રોણ તરીકે ઓળખાતી, પરંતુ અંગ્રેજોના સમયમાં અપભ્રંશ થઇ આ જગ્યા ડોન તરીકે પ્રચલિત થઇ હોવાની લોકવાયકા છે. આ ઉપરાંત રામાયણ કાળમાં રામ અને સીતા વનવાસ ભોગવતા હતા ત્યારે અહીં રોકાયા હોવાની પણ માન્યતા છે, અહીં ભગવાન રામ અને સીતાના પગલાં અને પાંડવ ગુફા પણ જોવાલાયક છે.
 
અહીં અંજની પર્વત આવેલો છે. કહેવાય છે કે, અહીં હનુમાનજીના માતા અંજનીએ શિવજીની આરાધના કરી હતી, તો ઘણાં લોકો આ સ્થળ હનુમાનજીનું જન્મ સ્થળ હોવાની પણ આસ્થા ધરાવે છે, આ સ્થળની મુલાકાત લો ત્યારે સ્વયંભૂ શિવલિંગ પર પર્વત પરથી વહેતા ઝરણાંનો અભિષેક એ આંખોના કેમેરામાં કેદ કરવા જેવું દ્રશ્ય છે.
 
કેવી રીતે પહોંચશો- અમદાવાદથી આ હિલ સ્ટેશન 410 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે સાપુતારાથી આશરે 51 કિલોમીટર, નવસારીથી અંદાજે 136 કિલોમીટર તો સુરતથી 175 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં ખાનગી વાહન દ્વારા કે એસટી વિભાગની બસ દ્વારા જઇ શકાય છે.
 
સાપુતારા |  Saputara Hill Station
 
ડાંગ જિલ્લામાં આવેલું આ પર્યટન સ્થળ ઉનાળામાં તેના ખુશનુમા વાતાવરણને કારણે પ્રવાસીઓને આકર્ષિત કરે છે તો ચોમાસામાં મનોરમ્ય નજારાની સોગાદ આપે છે. આ સાથે આ સ્થળ એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ જાણીતું બન્યું છે.
 

hill stations in gujarat  
 
જોવાલાયક સ્થળો
 
સર્પગંગા તળાવ - આ સરોવરમાં તમે નૌકાવિહારનો આનંદ માણી શકો છો.
 
શબરી ધામ- આ સ્થળ જિલ્લાના મુખ્ય મથક આહ્વાથી લગભગ 33 કિલોમીટરના અંતરે આવેલું છે. સ્થાનિક માન્યતા અનુસાર ભગવાન રામ આ સ્થળ પર શબરીને મળ્યા હતા, જેનો રામાયણમાં ઉલ્લેખ છે.
 
પમ્પા સરોવર – હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, પાર્વતી માતા (પમ્પા) એ શિવ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવવા આ સ્થાન પર તપશ્યા કરી હતી.
 
વાંસદા નેશનલ પાર્ક – 24 ચોરસ કિલોમીટરના નાનકડા વિસ્તારમાં ફેલાયેલ વાંસદા નેશનલ પાર્કમાં મુખ્ય આકર્ષણ દીપડા છે.
 
આ ઉપરાંત સાપુતારાની આસપાસ અનેક કલાત્મક સ્થાપત્યો છે. અહીં આવેલ હટગઢનો કિલ્લો શિવાજી દ્વારા બનાવવામાં આવ્યો હતો. અહીં ભગવાન શિવની મૂર્તિઓ જોવા મળે છે. આ સાથે અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો માણવા જેવો હોય છે.
 
કેવી રીતે પહોંચવું
 
અહીંથી નજીકનું શહેર વધઇ 51 કિલોમીટર દૂર આવેલું છે. અમદાવાદથી સાપુતારા વચ્ચે 409 કિલોમીટરનું અંતર છે. જ્યારે સુરતથી 164 કિલોમીટર, મુંબઇથી 250 કિલોમીટર, વડોદરાથી 309 કિલોમીટર અંતર છે. આ શહેરોથી સાપુતારા જવા માટે રાજ્ય પરિવહન અને ખાનગી બસો ઉપલબ્ધ છે.
 
રેલ માર્ગ – સૌથી નજીકનું રેલવે સ્ટેશન બિલિમોરા – વઘઇ છે. સુરત, અમદાવાદ અને મુંબઇથી આવતા લોકો માટે બિલિમોરા સગવડભર્યુ રેલવે મથક છે.
 
 - જ્યોતિ દવે