છત્રપતિ શિવાજીની વિજયગાથા | ...અને શિવાજી ‘છત્રપતિ શિવાજી’ કહેવાયા....વાઘનખથી અફઝલખાનનું પેટ ચીર્યું...

એકવાર માતા જીજાબાઈએ, વહેલી પરોઢે શિવાજીને બોલાવ્યા. બારી તરફ આંગળી ચીંધી અને કહ્યું - રોજ સવારના પહોરમાં મારે આ લીલો નેજો જોવો પડે છે, ત્યાં ભગવો ફરકાવ...

    ૦૩-એપ્રિલ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Shivaji Ni Jivan Gatha
 

છત્રપતિ શિવાજીની વિજયગાથા | Shivaji Ni Jivan Gatha

ભારતીય રાજનીતિના ઇતિહાસમાં વીરતા અને આદરયુક્ત ઘણાં પાત્ર મળી જશે. પણ રણકૌશલ, સ્ફટિક ચારિત્ર્ય અને નૈતિકબળની વાત કરીએ તો નિશ્ચિતરૂપે શિવાજીનું નામ સૌથી પહેલાં લેવું પડે. પોતાની ૫૩ વર્ષની જિંદગીમાં તેમણે જે પરાક્રમો અને વિજય મેળવ્યાં છે તે ખરેખર અદ્દભુત અને અકલ્પનીય છે. તેમણે વ્યૂહાત્મક યુદ્ધકલાથી વિસ્તૃત મોગલ સામ્રાજ્યને હચમચાવી દીધું હતું.

પહેલો પ્રહાર - તોરણાનો કિલ્લો | Torna Fort Information

 
ભારતની આઝાદીના પ્રથમ મરજીવા અને લોકશાહીના સફળ રાજકર્તા શિવાજીએ માત્ર સોળ વર્ષની, રમવા-કૂદવાની ઉંમરે રાજપલટાની, ચાલુ શાસનને ઉથલાવીને ‘સ્વરાજ્ય’ની સ્થાપના કરવાની અનોખી રમત ખૂબ જ ગંભીરતાપૂર્વક શરૂ કરી દીધી હતી. શિવાજી નાનકડી ઉંમરમાં એ સારી રીતે જાણી ગયા હતા કે સ્વરાજ્ય સ્થાપવું હોય તો વ્યૂહાત્મક કિલ્લાઓ પર અધિકાર જમાવવો ખૂબ જ જરૂરી છે.
 
આથી સ્વરાજ્ય માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા બાદ પહેલું પગલું કેવું, ક્યાં ભરવું એ વિશે વિચાર-વિમર્શ અને વ્યૂહરચના ઘડવા શિવાજી અને તેમના સાથી મિત્રો પૂનાથી ૫૦ કિ.મી. દૂર રામેશ્વર મહાદેવના મંદિરમાં ભેગા થયા. રાતભરના વિચાર-વિમર્શ પછી યોજનાઓ ઘડાઈ અને પૂનાની આજુબાજુ આવેલા કિલ્લાઓ પર કબજો મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા.
ઓછાં હથિયાર અને ઓછી સૈન્યશક્તિ સાથે કિલ્લાઓ પર કબજો મેળવવાનું કામ સરળ ન હતું. તે સમયે અફઘાનિસ્તાનથી લઈને બંગાળ સુધી તથા કાશ્મીરથી માળવા સુધી મોગલોનું સામ્રાજ્ય હતું. ગોવામાં પોર્ટુગીઝો ડેરો જમાવીને બેઠા હતા, તો મુંબઈ પર અંગ્રેજોએ કબજો જમાવી દીધો હતો; કૃષ્ણા તથા ગોદાવરી વચ્ચેનો વિસ્તાર કુતુબશાહીના હસ્તક હતો. હિન્દુ જનતા સંપૂર્ણ રીતે વિભાજિત થઈ ચૂકી હતી. જેટલા હિન્દુ વિદ્વાનો, બુદ્ધિજીવીઓ, યોદ્ધાઓ હતા એ બધા સંજોગોને આધીન રહી સત્તાધીશોની ચાકરી કરવામાં લાગી ગયા હતા. સમય ખૂબ વિકટ હતો અને આવા સમયમાં હિન્દવી સ્વરાજ્ય, હિન્દુઓનું રાજ્ય ઊભું કરવાનું કામ ખૂબ જ કપરું હતું. પણ આ કપરું કામ શિવાજી અને તેમના સાથી મિત્રોએ ઉપાડી લીધું. દક્ષિણમાં સ્વરાજ્ય સ્થાપિત કરવા શિવાજીએ સૌપ્રથમ કિલ્લાઓ પર અધિકાર મેળવવાનું નક્કી કર્યું. પ્રથમ હુમલો ક્યાં કરવો, ક્યા કિલ્લા પર પહેલાં અધિકાર મેળવવો તેની ચર્ચા ચાલતી હતી. શિવાજી તેમના મિત્રો સાથે પહેલું લક્ષ્ય શોધવા સહ્યાદ્રિનીની ખીણેખીણ ખૂંદી રહ્યા હતા. એવામાં એકવાર માતા જીજાબાઈએ, વહેલી પરોઢે શિવાજીને બોલાવ્યા. બારી તરફ આંગળી ચીંધી અને કહ્યું - રોજ સવારના પહોરમાં મારે આ લીલો નેજો જોવો પડે છે, ત્યાં ભગવો ફરકાવ.
 

torna killa 
 
એ જ ઘડીએ નિર્ણય થઈ ગયો. શિવાજીએ સર્વપ્રથમ સર કરેલા એ કિલ્લાનું નામ ‘તોરણ’. ત્યાં હિન્દવી સ્વરાજનું તોરણ બંધાયું તેથી તોરણગઢ કહેવાયો. બળનો ઉપયોગ કરતાં પહેલાં શિવાજીએ કળનો અને છળનો ઉપયોગ શરૂ કરી દીધો, કારણ કે ગઢમાં જબરજસ્ત લશ્કરી થાણું હતું. મોસમ પણ વિપરીત હતી. શિવાજીના સાથીઓ ભિક્ષુકના વેશમાં કિલ્લામાં પ્રવેશ્યા અને ચોકિયાતોની આજુબાજુ ફરી કિલ્લાની સુરક્ષા અને સૈન્યની યોગ્ય તપાસ કરી શિવાજી પાસે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે કિલ્લામાં લશ્કર ઘણું છે, પણ ચોકીદારો ફક્ત અમુક સમય પૂરતા જ હોય છે, એટલે કે ચોકીપહેરાની વ્યવસ્થા ખૂબ જ કાચી છે. જો ચોકસાઈપૂર્વક જબરો હુમલો, મોકો જોઈને કરી દઈએ તો કિલ્લો ચપટી વગાડતાં હાથમાં આવી જાય તેમ છે.
શિવાજીએ આજ્ઞા કરી, અને દીકરાનું લગ્ન મુલતવી રાખીને તાનાજી માલુસરેની સરદારી હેઠળ રાતોરાત સૈનિકો કિલ્લાની આજુબાજુ ગોઠવાઈ ગયા, અને ઊઘડતા પહોરના ધૂંધળા અજવાળામાં તલવારો ચમકાવતા ‘હર હર મહાદેવ’ના નારા સાથે કૂદી પડ્યા. વહેલી સવારે કિલ્લામાં ‘હર હર મહાદેવ'ની રણહાક ગુંજી ઊઠી. આદિલશાહીના ચોકિયાતો કંઈ જુએ, સમજે, વિચારે કે બચાવમાં તલવારો ખેંચે એ પહેલાં તો બધો ખેલ ભજવાઈ ગયો અને તોરણના કિલ્લા પર શિવાજીએ અધિકાર જમાવી દીધો. તાનાજી માલુસરેએ પાળેલી પાટલા ઘોને સહારે દોરડું બાંધી ગઢ ઉપર ચડીને દરવાજા ખોલી નાખેલા. આ યુદ્ધમાં તાનાજી શહીદ થયા.
 
વાઘનખથી અફઝલખાનનું પેટ ચીર્યું | Afzal Khan and Shivaji Maharaj Story
 
તોરણગઢ પર અધિકાર મેળવ્યા પછી શિવાજીનું બળ વધી ગયું. તોરણના કિલ્લા બાદ આદિલશાહીના એક પછી એક કિલ્લાઓ શિવાજીએ ઝડપવા માંડ્યા. બાદશાહના એક દરબારી શાહજીના છોકરા શિવાજીએ તોફાન ઊભું કરવા માંડ્યું છે તેની ખબર બિજાપુર દરબારમાં પહોંચી. શિવાજીએ શાહી પ્રદેશોમાંથી કર વસૂલ કરવા માંડ્યો હતો, શાહી ખજાનો પણ લૂંટ્યો, અને મોગલોના પ્રદેશ પર પણ આક્રમણ શરૂ કર્યું હતું. આથી ગુસ્સે ભરાયેલા આદિલ શાહે શિવાજીના પિતા પર ગુસ્સો ઉતાર્યો. પણ શાહજીએ આદિલશાહને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, ‘શિવાજી હવે મોટો થયો છે, મારા માન્યામાં નથી. આપને ઠીક લાગે તેવાં પગલાં આપ તેની સામે ભરી શકો છો !’
 
બીજી બાજુ શિવાજીનું અભિયાન ચાલુ જ હતું. છેલ્લે તેમણે પુરંદર જેવો જબરો કિલ્લો અને જાવળી તથા તેની આજુબાજુના કિલ્લાઓ પણ કબજે કરી લીધા.
 

afzal khan and shivaji 
 
આથી આદિલશાહને લાગ્યું કે શિવાજીને હવે રોકવા જ પડશે, નહિ તો તે બિજાપુર પર આક્રમણ કરી દેશે. એટલે દરબાર ભરાયો, શિવાજીનાં બધાં આક્રમણોની રજૂઆત કરીને વઝીરે સવાલ કર્યો, ‘બોલો, આ શિવાજીને ખતમ કરવા કોણ તૈયાર છે ?’
 
થોડીવાર દરબારમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. એ વખત અફઝલખાને દરબારમાં પ્રવેશ કર્યો. બધી હકીકતો જાણી લીધા પછી છાતી કાઢીને એ સિંહાસન તરફ આગળ વધ્યો અને આદિલશાહને કુરનિશ કરી તેણે કહ્યું કે, ‘આપ હજૂર ફરમાવતા હો તો એ ઉંદરને જીવતો કે મરેલો આપ કહો તેમ આપની સામે હું હાજર કરીશ !' આદિલશાહે પોતાની તલવાર અફઝલખાનને બંધાવી.
૧૬૫૯, એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાક્ષસી કદ ધરાવતો અફઝલખાન ૧૨૦૦ ઘોડેસવાર, ૭૫ મોટી તોપ અને ૪૦૦ નાની તોપ અને મોટું પાયદળ લઈ શિવાજીને જીતવા ચાલી નીકળ્યો. શિવાજી વખત વરતીને પ્રતાપગઢ નામના એક મજબૂત કિલ્લામાં પેસી ગયા. બિજાપુરનું લશ્કર જબરું હતું. તેની સામે શિવાજીએ નાના લશ્કરથી લડવાનું હતું. આથી જો ખુલ્લા સપાટ મેદાનમાં લડાઈ ખેલાય તો શિવાજીએ હારવું જ પડે. આથી અફઝલખાન પહાડી પ્રદેશ સુધી આવે પછી જ લડવાનું શિવાજીને ફાવે તેમ હતું. આવો વિચાર કરીને શિવાજી પ્રતાપગઢમાં જઈને અફઝલખાન આવે ત્યાં સુધી તેની રાહ જોઈને બેઠા.
 
બીજી બાજુ અફઝલખાને ક્રૂરતા આચરવા માંડી. શિવાજીનાં ઇષ્ટદેવી તુલજાભવાનીના મંદિરના આંગણામાં ગાયની કતલ કરી. પંઢરપુરના વિખ્યાત વિઠોબા મંદિરને પણ ભ્રષ્ટ કર્યું. છતાં એનાથી ઉશ્કેરાઈને શિવાજી પ્રતાપગઢથી નીચે ઊતરી ન આવ્યા. શિવાજીએ અફઝલખાનથી ડરી ગયાનો દેખાવ પણ કર્યો. અફઝલખાનને થયું કે શિવાજી ગભરાઈ ગયા છે. એટલે તેણે પત્ર લખી આદિલશાહની તાબેદારી સ્વીકારવા જણાવ્યું.
 
તેના જવાબમાં શિવાજીએ પત્ર લખી અફઝલખાનને જણાવ્યું કે ‘મેં અત્યાર સુધી આપના એટલા બધા અપરાધો કર્યા છે કે આપની પાસે હાજર થવાની પણ મારી હિંમત ચાલતી નથી. આપ અહીં આવવાનું કષ્ટ લેશો તો આપ કહેશો તે પ્રમાણે કરીશ.’
 
અફઝલખાન પ્રતાપગઢ સુધી જઈ શિવાજીને મળવા તૈયાર થયો. અફઝલખાન પ્રચંડ, કદાવર, જબરી તાકાતવાળો અને ક્રૂર, કિન્નાખોર, દગાફટકા ખેલી જાણનારો સરદાર હતો.
 
અફઝલખાનને હતું કે મુલાકાત વખતે એ છોકરડા જેવા શિવાજીને તો હું બાથમાં દબાવી કટારના એક ઘા ભેગો પતાવી દઈશ. શિવાજી પણ અફઝલખાનની કપટ ચાલનેસમજી ગયા હતા.
 
આથી અંગરખા નીચે લોખંડનું બખ્તર અને માથે ટોપ નીચે લોખંડનું શિરસ્ત્રાણ ચડાવી ભેટમાં વીંછીના આંકડા જેવો બિછાવો ભરાવી હાથમાં વાઘનખ પહેરી, મુલાકાત માટે ખાસ બનાવેલા તંબુમાં અફઝલખાનને મળવા શિવાજી ગયા. અફઝલખાન પણ પાલખીમાં આવી પહોંચ્યો. બંને ખુશીથી ભેટ્યા, પણ અફઝલખાને ભેટવાના બહાને શિવાજીને પડખામાં દબાવ્યા અને કટારથી વાર કર્યો, પણ શિવાજીને બખ્તરને કારણે કોઈ જ અસર ન થઈ.
 
ગરુડની તીક્ષ્ણતા અને ચિત્તાની સ્ફૂર્તિ ધરાવતા શિવાજીએ વાઘનખનો ઉપયોગ કરી અફઝલખાનનું પેટ ચીરી નાખ્યું અને ઝડપથી કૂદકો મારી પોતાના પ્રતિનિધિ પાસેથી ભવાની તલવાર લઈ અફઝલનું માથું ધડથી અલગ કરી નાખ્યું. શિવાજી તો અફઝલખાનનું માથું ભાલે ચડાવી પ્રતાપગઢ પર ચડી ગયા, અને તોપના એક ઇશારે છુપાઈ રહેલું મરાઠા લશ્કર અફઝલખાનના લશ્કર પર તૂટી પડ્યું. અફઝલખાનના સૈનિકો તો શિવાજી શરણે આવવાના છે એવા ભ્રમમાં આનંદપ્રમોદમાં મસ્ત હતા. અચાનક થયેલા હુમલામાં અફઝલખાનનું લશ્કર બેબાકળું બની ગયું. મરાઠા વીરોનો હુમલો થતાંની સાથે પોકારો થયા : ‘અફઝલખાન મરાયો’ અને લશ્કર ભાગી છૂટ્યું.
 
આવી તો અનેક કસોટીઓ અને યુદ્ધમાંથી પસાર થઈને શિવાજીએ ‘હિન્દવી સ્વરાજ્ય’ સ્થાપવાની પ્રતિજ્ઞા પૂરી કરી. એના પ્રતીક તરીકે ઈ.સ. ૧૬૭૪માં સંપૂર્ણ શાસ્ત્રોક્ત હિન્દુ વિધિ મુજબ શિવાજીનો રાજ્યાભિષેક થયો અને શિવાજી ‘છત્રપતિ શિવાજી’ કહેવાયા.
 
 

હિતેશ સોંડાગર

હિતેશ સોંડાગર સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધના સાપ્તાહિકનું સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે.