કચ્છ જાવ તો " કડિયા ધ્રો" ની મુલાકાત લેવાનું ના ભુલતા ! Kadiya Dhro

Kadiya Dhro | વિશ્વના 52 પ્રાકૃતિક સ્થળ, જિંદગીમાં જેની એકવાર મુલાકાત ચોક્કસ લેવી જોઇએ, તેની યાદી ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા 2021મા બહાર પાડવામાં આવી. જેમાં "કડિયા ધ્રો’ નો સમાવેશ થાયો છે.

    ૧૦-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

Kadiya Dhro in gujarat
 
 
# કચ્છમાં આવેલો આ કડિયો ધ્રો લોકો સાત સમંદર પારથી જોવા આવે છે
 
# વિશ્વના 52 ફરવાલાયક સ્થળોની યાદીમાં 'કડિયા ધ્રો' ..
 
# ભૂજ નજીક આવેલ કડિયો ધ્રો એટલે પ્રકૃતિના કેનવાસ પર કુદરતની બેનમૂન કારીગરી
 
# કડિયો ધ્રો : ગુજરાતના ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાતા આ સ્થળમાં કુદરતની શ્રેષ્ઠ શિલ્પકારી જોવા મળશે
#  ખડક, ઝરણાં, નાના તળાવ આ સ્થળની શોભામાં અભિવૃદ્ધિ કરે છે
 
# કરોડો વર્ષ જૂની આ પ્રાકૃતિક સંરચનામાં કાળક્રમે પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતા અચરજ પમાડે તેવી કોતરણી અહીં જોવા મળે છે
 
# પ્રકૃતિ પ્રેમી, ટ્રેકિંગ- ટ્રાવેલિંગ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના શોખીન લોકો માટે આ સ્થળ બેસ્ટ લોકેશન પૂરું પાડશે.
 
 
Kadiya Dhro | પ્રવાસના શોખીન પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં એકવાર મુલાકાત લેવી જ જોઇએ તેવા વિશ્વના 52 સ્થળોની યાદી ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા વર્ષ 2021માં બહાર પાડવામાં આવી. તમને જાણીને નવાઇ લાગશે કે આ યાદીમાં કચ્છના કડીયા ધ્રો ( કાળિયા ધરો)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ 52 સ્થળોમાં ગુજરાતના કડિયો ધ્રો ઉપરાંત ભારતના અન્ય બે પ્રાકૃતિક સ્થળ નંદા દેવી પર્વતમાળા અને લદ્દાખને પણ સ્થાન મળ્યું હતું. જો કે કડિયો ધ્રોએ, ભારતના આ બે સ્થળોને પાછળ રાખીને આ યાદીમાં વિશ્વમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
 
કડિયો ધ્રો એટલે? |  Kadiya Dhro
 
કચ્છ જિલ્લાના ભુજ શહેરથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલ કડિયા ધ્રોને ગુજરાતના ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખવામાં આવે છે. કચ્છી ભાષામાં કડિયા ધ્રોનો અર્થ જોઇએ તો, કડિયા એટલે કસબી અને ધ્રો એટલે નદીના પટમાં જોવા મળતા નાના તળાવ. જો કે, અહીંના સ્થાનિકોના મત પ્રમાણે મગરનો વસવાટ હોય તેવા સ્થળને ધ્રો તરીકે ઓળખવામાં આવે છે.
 

Kadiya Dhro in gujarat  
 
કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો કડિયો ધ્રો
 
કચ્છમાં ફરવાલાયક વિશાળ દરિયો, ઐતિહાસિક ધરોહર સહિત અનેક સ્થળ છે. પરંતુ સફેદ રણ ઉપરાંત આ સ્થળ પણ વિષમ પરિસ્થિતિને કારણે ઉદભવ્યું છે. નખત્રાણાના દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલા ખડકોને કાળક્રમે પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતા અચરજ પમાડે તેવી કોતરણી જોવા મળે છે. કોટડા, થરાવડા, ભડલી, લાખીયારવીરા,જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કરોડો વર્ષ જૂની આ કોતરણી જોતા જ લાગે કે કુદરતે કમાલનું નકશીકામ કર્યુ છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે એટલે ક્યારેક ત્યાં ઝરણાં વહેતા જોવા મળે છે. ઉંડા ઉંડા કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ જોવા મળે છે. અમેરિકાના ગ્રાન્ડ કેનિયન નેશનલ પાર્કથી તેનો દેખાવ મળતો આવતો હોવાથી તેને ગુજરાતના ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાય છે.
 

Kadiya Dhro in gujarat  
 
જોવાલાયક શું?
 
વિવિધ પ્રકારના રંગબેરંગી ખડક, નાના- મોટા વહેતા ઝરણાં, ભાહેડ નદી અને નાના તળાવ તેમજ હરિયાળી આ વિસ્તારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ સ્થળ પ્રકૃતિના ખોળામાં આવ્યા હોય તેવી અનેરી શાંતિનો અહેસાસ કરાવે છે. પ્રકૃતિ પ્રેમી, ટ્રેકિંગ- ટ્રાવેલિંગ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના શોખીન લોકો માટે આ સ્થળ બેસ્ટ લોકેશન પૂરું પાડશે. આ ઉપરાંત પ્રી- વેડિંગ અને પોસ્ટ વેડિંગ ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ પર પસંદગી ઉતારી શકાય.
 
નજીકના જોવાલાયક સ્થળો કયા
 
આ સ્થળ ભૂજ શહેરની નજીક હોવાથી ભૂજમાં હમીરસર તળાવ, છતરડી, આઇના મહેલ, પ્રાગ મહેલ, ખારી નદી જેવા સ્થળોની પણ મુલાકાત લઇ શકાય છે.
 
 
જવા માટેનો શ્રેષ્ઠ સમય કયો?
 
કડિયો ધ્રો જવા માટેનો આદર્શ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો છે. જો કે, ઉનાળાની ઋતુમાં પણ સહેલાણીઓ આ સ્થળની મુલાકાત લેતા હોય છે. ચોમાસાની ઋતુમાં વરસાદને લીધે અહીંના પથ્થરો લપસણાં રહેતા હોવાથી આ સિઝનમાં અહીંની મુલાકાત લેતી વખતે ધ્યાન રાખવું હિતાવહ છે.
 
કેવી રીતે પહોંચશો?
 
કડિયો ધ્રો પહોંચવા માટે તમારે ભૂજ પહોંચવું પડશે. ભૂજ સુધી પહોંચવા હવાઇ માર્ગ, ટ્રેન અને બસ સેવા ઉપલબ્ધ છે. જ્યારે ભૂજથી લગભગ 35 થી 40 કિલોમીટરના અંતરે કોડકી ગામ આવેલું છે ત્યાંથી આ સ્થળ નજીક છે. આ સ્થળ હજુ વણખેડાયેલું હોવાથી અહીં પહોંચવું પ્રમાણમાં થોડું કપરું છે.
 
નોંધ – અંતરિયાળ વિસ્તારમાં આવેલ આ સ્થળ સુધી પહોંચવા માટે સ્થાનિક વાહન વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ જો તમે ખાનગી વાહન લઇને જવાના હોય તો તમારે 4 કિલોમીટર જેટલે દૂર વાહન રાખી, આ સ્થળ પર પગપાળા પણ પહોંચવું પડશે.
 
 
ખાસ નોંધ – અહીંની નદીમાં મગરનો વસવાટ હોવાથી અહીં સ્વિમિંગ કરવું સલાહભર્યુ નથી. આ ઉપરાંત આ સ્થળ હજુ પણ વણખેડાયેલ છે, ટૂરિઝમની રીતે આ સ્થળને હજી વિકસાવવામાં આવ્યું નથી, નૈસર્ગિક વાતાવરણની વચ્ચે પ્લાસ્ટિક અને અન્ય કચરો આ સ્થળની સુંદરતાને જોખમાવે નહીં તેનું ધ્યાન આપણે સૌએ રાખવું જ રહ્યું!
 
- જ્યોતિ દવે