ગુજરાતના 10 પ્રખ્યાત બીચ - દરિયાકિનારાઓ | જોઇ લો - દીવ, ગોવાના બીચ જેવી જ મજા આવશે..!! Top 10 must visit beaches of Gujarat
# ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયાકાંઠો ધરાવે છે
# હરવા ફરવાના શોખીન સહેલાણીઓ માટે દરિયાકિનારો આકર્ષણનું કેન્દ્ર રહેતો હોય છે ત્યારે સોહામણા અને સુઘડ કહી શકાય તેવા અનેક બીચ ગુજરાતમાં આવેલા છે
# શહેરની કોલાહલભરી જિંદગીથી દૂર દરિયો નીરવ શાંતિ અને કુદરતી હૂંફ પૂરી પાડે છે
10 Most Beautiful Beaches In Gujarat
ભારતના કુલ 28 રાજ્યોમાંથી નવ રાજ્યો દરિયાકિનારો ધરાવે છે, જેમાં દેશનો સૌથી લાંબો લગભગ 1,600 કિલોમીટર સુધીનો દરિયાકાંઠો ગુજરાતની આસપાસ વિસ્તારાયેલો છે. રાજ્યના 15 જિલ્લાઓ દરિયાકિનારા સાથે જોડાયેલા છે, તેમાં પણ રાજ્યનો કોઇપણ ભાગ દરિયાકિનારાથી 160 કિલોમીટરથી દૂર નથી. અફાટ દરિયાથી સમૃદ્ધ ગુજરાત પાસે એવા અનેક દરિયાકાંઠા છે, જ્યાં પૌરાણિક માહાત્મય ધરાવતા મંદિરો, ઐતિહાસિક વારસાના સાક્ષી સમા કિલ્લાઓ અને સ્મારકો છે. જાણીએ ગુજરાતના આવા જ દરિયાકિનારાઓ વિશે... 10 BEST Gujarat Beaches
THE 10 BEST Gujarat Beaches | ગુજરાતના 10 પ્રખ્યાત બીચ - દરિયાકિનારાઓ

Image Source - Google
1.. માંડવી બીચ | Mandvi Beach
માંડવી એટલે જકાતનાકું. કચ્છના રાવ ખેંગારજી દ્વારા ઇ.સ. 1580માં માંડવી શહેરની સ્થાપના કરવામાં આવી . તે સમયે માંડવી એક ધમધમતું બંદર હતું. તો હિંદુ મહાકાવ્ય મહાભારતના અનુસાર માંડવ્ય ઋષિના નામથી આ દરિયાકાંઠાનું નામ માંડવી પડ્યું.જો તમે વહેલી સવાર અને સમી સાંજનો સમય કુદરતના સાનિધ્યમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે વીતાવવા માગતા હોવ તો આ દરિયાકાંઠાની મુલાકાત અવશ્યથી લેજો. અહીં જોવા જેવા સ્થળમાં વિજય વિલાસ પેલેસ,રાવ લખપતે બંધાવેલો ત્રણ માળનો મહેલ, કિલ્લો તથા દીવાંદાડીનો સમાવેશ થાય છે. અહીં રહેવા માટે બીચ પર જ કેટલાક રીસોર્ટ્સ હોવાથી દરિયા કિનારે રહેવાનો લુત્ફ માણી શકો છો.
ભારતના સપૂત અને ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું જન્મસ્થળ હોવાથી તેમના અસ્થિકુંભને જીનીવાથી અહીં લાવવામાં આવ્યો હતો અને અહીં ક્રાંતિવીર સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Image Source - Google
2.. પિંગળેશ્વર બીચ કચ્છ | Pingleshwar Beach
શાંત જગ્યાનું સરનામું એટલે કચ્છના માંડવીના નજીક આવેલ પિંગળેશ્વર બીચ. આ બીચની રેતીનો રંગ સોનેરી હોવાથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો અહીં માણવા જેવો છે. અહીં નજીક આવેલું પિંગળેશ્વર મહાદેવ મંદિર 700 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. અહીં મંદિરમાં પ્રસ્થાપિત શિવલિંગનો રંગ પીળો હોવાથી પિંગળેશ્વર મહાદેવ કહેવાય છે. આ મંદિરમાં શિવલિંગનું કદ દર વર્ષે વધતું હોવાની પણ માન્યતા છે. નૌકા વિહાર, સર્ફિંગ, પેરાસેલિંગ સહિતની પ્રવૃત્તિઓ તેમજ પવનચક્કીઓ ધરાવતો આ દરિયાકાંઠો શાંત હોવા છતાં પણ ભરચક લાગે છે.

Image Source - Google
3... શિવરાજપુર બીચ દ્વારકા | Shivrajpur Beach
દ્વારકા શહેરથી 12 કિલોમીટર દૂર અને દ્વારકા- ઓખા હાઇવે પર આવેલો આ દરિયા કિનારો બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો ધરાવે છે. સ્વચ્છ પાણી સહિતના વિવિધ માપદંડોને કારણે આ બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળી છે. કાચ જેવું ચોખ્ખું પાણી અને સફેદ રેતી તેમજ નરી આંખે જોઇ શકાતી જીવસૃષ્ટિ આ બીચની સફરને યાદગાર બનાવે છે. ઉપરાંત અહીં વોટર સ્પોર્ટસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ પણ વિકસાવવામાં આવી છે. અહીં નજીકમાં દ્વારકાનું પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર, રુકમણી મંદિર, બેટ દ્વારકા,ગોમતી નદી સહિતના અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.

Image Source - Google
4.. ઓખા મઢી | Okha Madhi Beach
દ્વારકાથી 25 કિલોમીટર અને પોરબંદરથી 78 કિલોમીટરના અંતરે આવેલ ઓખા મઢી બીચ એ ઓછી જાણીતી પણ શાંત જગ્યા છે.અહીંનો દરિયાનું પાણી સ્વચ્છ છે પરંતુ તોફાની લહેરને કારણે આ દરિયામાં તરવાની મજા માણવી સલાહભરી નથી. જો તમે પ્રકૃતિને માણવા માગતા હોવ અને એકાંતપ્રિય જગ્યાની શોધમાં હોવ તો આ દરિયો તમને સારી કંપની પૂરી પાડશે. આ બીચ કાચબા સંવર્ધન કેન્દ્ર માટે જાણીતો છે. જો તમે દ્વારકા મંદિરના દર્શને કે પોરબંદર જવાના હોવ તો તમારા પ્રવાસન સ્થળની યાદીમાં આ બીચનો પણ સમાવેશ કરી શકો છો.

Image Source - Google
5 .. માધવપુર બીચ | Madhavpur Beach
પોરબંદરથી માત્ર 58 કિલોમીટરના અંતરે ઘેડ ગામ નજીક આવેલ બીચ માધવપુર બીચ તરીકે ઓળખાય છે. અહીં કૃષ્ણ- રુકમણીનું અતિ પ્રાચીન મંદિર, ઓશો ધ્યાન કેન્દ્ર,શિલ્પકૃતિ ધરાવતી ગુફાઓ, કિલ્લાઓ તેમજ કાચબા સંવર્ધન કેન્દ્ર જેવા જોવાલાયક સ્થળો છે. જેને કારણે સહેલાણીઓ અહીં દરિયાની મોજ સાથે કુદરત સાથે પણ તાદાત્મય કેળવી શકે છે.

Image Source - Google
6 .. ડુમસ બીચ | Dumas Beach
સુરત શહેરથી લગભગ 21 કિલોમીટર દૂર ડુમસનો દરિયાકિનારો રળિયામણો હોવાથી સ્થાનિકોમાં લોકપ્રિય છે. આ દરિયાકાંઠાની ખાસિયત એ છે કે અહીં કાળી રેતી જોવા મળે છે. અહીં સહેલાણીઓ માટે ઊંટ સવારી,ઘોડે સવારી સહિત વિવિધ આકર્ષણો જોવા મળે છે. ભૂતિયા બીચ તરીકે ઇન્ટરનેટ પર આ બીચને લઇ અનેક અફવાઓ જોવા મળે છે. હકીકતમાં આ બીચ પર પહેલા વીજળી કે અન્ય સુવિધાઓનો અભાવ હોવાથી તેમજ અહીં વર્ષો અગાઉ સ્મશાન હોવાની માન્યતાને લીધે આ બીચ માટે અનેક અફવાઓ પ્રવર્તે છે. અહીં દરિયાકાંઠે આવેલ ગણેશમંદિરમાં શ્રદ્ધાળુઓ વિશેષ શ્રદ્ધા ધરાવે છે.

Image Source - Google
7. તીથલ બીચ | Tithal Beach
દક્ષિણ ગુજરાતના રમણીય સ્થળ તરીકે તીથલનો દરિયો પ્રખ્યાત છે. વલસાડ શહેરથી લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલ આ દરિયાકિનારો તેની કાળી માટીને કારણે જાણીતો છે.
પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત આ સ્થળ તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. અહીંથી 1.5 કિલોમીટર દક્ષિણેસાંઇ મંદિર અને 1.6 ઉત્તરે અક્ષરપુરુષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ બંને મંદિરોમાંથી અફાટ સમુદ્રના દર્શન પણ માણવાલાયક નજારો છે. ઉપરાંત અહીં સૂતેલા શિવલિંગ માટે તડકેશ્વર મહાદેવ મંદિર પ્રખ્યાત છે. મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઇ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે. સૂર્યના કિરણો સતત શિવલિંગ ને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિધ્ધ છે.

Image Source - Google
8.. સુવાલી બીચ, સુરત | Suvali Beach
સુરત શહેરથી અંદાજે 25 કિલોમીટરના અંતરે આવેલ આ બીચ આવેલો છે. હજીરા ઉપનગરના સુવાલી ગામની પાસે સ્થિત આ દરિયાકાંઠે કાળી રેતી હોવાથી તેને બ્લેક સેન્ડ બીચ તરીકે ઓળખાય છે. આ બીચ પ્રમાણમાં ઓછો ગીચ હોવાથી શાંત બીચ પર જવા માગતા લોકો પોતાના ફરવાના લિસ્ટમાં આ બીચને સામેલ કરી શકે છે. પ્રી- વેડિંગ ફોટોશૂટ માટે આ સ્થળ લોકપ્રિય બની રહ્યું છે.

Image Source - Google
9.. મહુવા બીચ | Mahuva Beach
મહુવા બીચ ભાવનગર શહેરથી 96 કિલોમીટરના અંતરે સ્થિત છે. હરિયાળા વિસ્તાર અને સુખદ ઠંડી આબોહવાને કારણે આ સ્થળ સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાય છે. અહીં ભવાની માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. જેને કારણે આ બીચ ભવાની બીચ તરીકે પણ ઓળખાય છે.બીચ ઉપરાંત અહીં તખ્તેશ્વર મહાદેવ મંદિર, ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, વિક્ટોરિયા પાર્ક, અક્ષરવાદી સ્વામિનારાયણ મંદિર, ગૌરીશંકર મંદિર જેવા દર્શનીય અને ફરવાલાયક સ્થળ છે.

Image Source - Google
10... અહેમદપુર બીચ, ગીર સોમનાથ | Ahmedpur Mandavi
અહમદપુર માંડવી બીચ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરહદ નજીક અને ઉના તાલુકામાં સ્થિત છે. છ કિલોમીટર લાંબો આ દરિયાકિનારો ધરાવતો આ દરિયાકિનારો સૌરાષ્ટ્રના સૌથી સુંદર દરિયાકિનારાઓમાંનો એક છે. ચોખ્ખું પાણી અને રેતાળ જમીનને કારણે આ બીચ સહેલાણીઓને આકર્ષે છે.વળી અહીં દીવ અને ગોવાના દરિયાની જેમ પાણી છીછરું હોવાથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે આ દરિયો અનુકૂળ છે. અહીં ઉપલબ્ધ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી સાહસપ્રેમીઓના રોમાંચને બેવડો કરે છે.અહીં ઘણીવાર ડોલ્ફિન પણ જોવા મળે છે.
- જ્યોતિ દવે