ઓમ આકારના ગુજરાતના આ ઓસમ ડુંગરની મુલાકાત લીધી છે? કુદરતના સૌદર્યને નજીકથી જોવા આ ચોમાસામાં જઈ આવો…

લીલીછમ હરિયાળીનો શણગાર ધારણ કરી નવોઢાની જેમ બેઠેલી કુદરત અને વહેતા ઝરણાં - પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા મનોરમ્ય નજારાની સોગાદ માણવી હોય તો આ ચોમાસામાં રાજકોટ જિલ્લાના પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગરની મુલાકાત લેવા જેવી છે.

    ૧૭-જૂન-૨૦૨૩
કુલ દૃશ્યો |

Osam Hill Patanvav Gujarat

પ્રકૃત્તિ અને અધ્યાત્મનું સંગમ સ્થળ એટલે ઓસમ ડુંગર | Osam Hill Patanvav Gujarat

 
#ચોમાસામાં ઓસમ ડુંગર પર પ્રકૃતિ પૂરબહારમાં ખીલી ઉઠે છે
 
# ડુંગર પરથી પડતાં ઝરણાંનો નાદ અને લીલીછમ હરિયાળી પ્રકૃતિપ્રેમીઓના આંખો અને મન બંનેને ઠંડક આપે છે
 
#ઓસમ ડુંગર નામ પ્રમાણે છે – ‘AWESOME ’
 
# ઓસમ ડુંગર પર જ ભીમ અને હિડમ્બા વચ્ચે પ્રણય પાંગર્યો હતો
 
પ્રકૃતિપ્રેમીઓ માટે ચોમાસું એ મનગમતી ઋતુ મનાય છે. ચોમાસામાં વરસાદ બાદ કુદરતની અનેરી કળા અને સૌંદર્યની મજા માણવાનો અવસર મળે છે. પાટણવાવમાં આવેલા ઓસમડુંગર પર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળો આવેલા છે. લીલાછમ ડુંગરો, ડુંગરની ચારેબાજુ વહેતા ઝરણાં અને પૌરાણિક ગુફાઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથે અહીં ધાર્મિક દ્રષ્ટિએ પણ માહાત્મય ધરાવતા સ્થળો આવેલા છે. ઓસમ ડુંગરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે.
 

Osam Hill Patanvav Gujarat 
 
હિડમ્બા ઓસમ ડુંગર પર વસવાટ કરતાં!
 
માન્યતા પ્રમાણે, મહાભારતમાં વન વાસ દરમિયાન પાંડવો અહીં રોકાયા હતા. અહીં અનેક સ્થળોના નામ ભીમના નામે હોવાનું જોવા મળે છે. દંતકથા પ્રમાણે હિડમ્બા અહીં વસવાટ કરતાં હતાં. ભીમ અને હિડમ્બા વચ્ચે પ્રેમ પણ અહીં જ પાંગર્યો હોવાની માન્યતા છે.
 

Osam Hill Patanvav Gujarat 
 
હિડમ્બાનો હીંચકો
 
માન્યતા છે કે ભીમ અને હિડમ્બાના પ્રેમ- મિલન વખતે ભીમે હિડમ્બાને જોરથી હિંચકો નાખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી ઉછળી તળેટીમાં છેક નીચે પડ્યાં હતાં. તળેટીમાં પડતાં હિડમ્બાનાં હાડકાં ભાંગી ગયેલાં અને તે જગ્યા પરથી અહીં તળેટીમાં આવેલ ગામનું નામ હાડફોડી પડેલું છે. આ ગામ આજે પણ તળેટીમાં વસેલું છે.
 

Osam Hill Patanvav Gujarat 
 
ટપકેશ્વર મહાદેવ મંદિર
 
ડુંગર પર સ્થિત ટપકેશ્વર મહાદેવનું મંદિર પાંડવો દ્વારા બંધાયું હોવાની માન્યતા છે. અહીં શિવલિંગ પર કુદરતી રીતે જળાભિષેક થતો જોવા મળે છે. કહેવાય છે કે, ઓસમ ડુંગર પર અનેક ઔષધિઓ આવેલી છે. આ ઔષધિ યુક્ત વનસ્પતિના મૂળમાંથી પાણી નીકળીને ડુંગરની તિરાડોમાંથી શિવલિંગ પર સતત ટપક્યા છે. શિવલિંગ પર સતત પાણી ટપકીને જળાભિષેક થતો હોવાથી આ મંદિરનું નામ ટપકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે.
 
ભીમથાળી
 
અહીં પટાંગણમાં આવેલી ભીમની થાળી પાછળ પૌરાણિક માન્યતા એ છે કે, ભીમ આ થાળીમાં ભોજન લેતા હતા. પથ્થર પર ડિશ જેવા આકારમાં જોવા મળતી ભીમ થાળી કાળક્રમે આડી થઇ રહી હોવાનું સ્થાનિકો માને છે.
 

Osam Hill Patanvav Gujarat 
 
માત્રી માતા મંદિર
 
305 મીટરના ઊંચાઇ પર આવેલા આ પર્વતની ટોચ પર માત્રી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ખત્રીઓ અને નાગર પરિવારોના કુળદેવી માતા માત્રી બિરાજે છે. અહીં શ્રાવણ માસની અમાસે મેળો ભરાય છે. પુરાણોમાં આ મંદિર છત્રેશ્વરી માતાના મંદિર તરીકે ઓળખાતું.
 
શ્રી કંઠાય મહાદેવ 
 
તળેટીમાં અહીં ભગવાન શિવની ઊંચી પ્રતિમા આવેલી છે. તળેટીમાં ભગવાન શિવ, ડુંગરમાં ટપકેશ્વર મહાદેવ અને ટોચ પર માતા માત્રી બિરાજતા હોવાથી આ સ્થળ પ્રત્યે શ્રદ્ધાળુઓ વિશેષ આસ્થા ધરાવે છે.
ભીમકુંડ - પાંડવો સ્નાન માટે આ કુંડ વાપરતા હોવાની માન્યતા છે.
 
ગૌમુખી ગંગા 
 
માત્રી માતાજીના મંદિરની નજીકમાં ગૌમુખ ગંગા નામનું સ્થળ આવેલું છે. અહીં ખડકમાં જ એક પથ્થરનો કુંડ બનેલો છે. ગૌમાતાના મુખ આકારવાળા આ કુંડમાંથી સતત પાણી બહાર વહે છે. આ પાણી વનસ્પતિ અને ઔષધિમાંથી નીકળતું હોવાનું સ્થાનિકો માને છે.
 
ઉપરાંત અહીં ખોડિયાર માતાજી મંદિર, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર, સંત વિરડો, કાચલી વિરડો, પાણી કોટા, ભીમ કોઠા,પીર બાપુની દરગાહ, બ્રિટિશ રાજ વખતનો કિલ્લો તેમજ પંચકોળીયું તળાવ જોવાલાયક સ્થળ છે.
 

Osam Hill Patanvav Gujarat 
 
 
ઓસમ ડુંગર નામ કેવી રીતે પડ્યું | Osam Hill
 
આ પર્વતને દૂરથી જોતા તે ‘ઓમ’ આકારનો જોવા મળે છે. આથી ઓમ + સમ = ઓસમ નામથી ઓળખાય છે. જો કે, પુરાણોમાં આ ડુંગર માખણિયા ડુંગર તરીકે ઓળખાતો હોવાનો ઉલ્લેખ છે. આ પર્વતની શીલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી આ પર્વતને માખણિયા પર્વત નામ આપ્યું હોવાનું મનાય છે.
 

Osam Hill Patanvav Gujarat 
 
સહેલાણીઓમાં લોકપ્રિય છે આ સ્થળ
 
આ ડુંગર પર માત્ર 400 પગથિયાં છે, પર્વત ઉપર પ્રાકૃતિક સૌંદર્ય અને ધાર્મિક માહાત્મય ધરાવતા સ્થળો છે તો તળેટી વિસ્તારમાં પરિવાર તથા મિત્રો સાથે પિકનિકની મજા માણી શકાય તેવી સરસ જગ્યા પણ છે. અહીં આરોહ- અવરોહણ સ્પર્ધાનું પણ આયોજન થતું હોય છે. એડવેન્ચર કેમ્પિંગ, ટ્રેકિંગ, ફોટોગ્રાફી, વનભોજન માટે આ જગ્યા સહેલાણીઓમાં લોકપ્રિય છે.
 
કેવી રીતે પહોંચવું
 
 
રાજકોટ જિલ્લાથી 109 કિલોમીટરના અંતરે આવેલ ઓસમ ડુંગર પહોંચવા માટે એસટી બસ કે ખાનગી વાહન દ્વારા ધોરાજીથી પાટણવાવ જઇ શકાય છે. ધોરાજીથી ઓસમ ડુંગર 24 કિલોમીટરના અંતરે આવેલો છે.
 
- જ્યોતિ દવે