બોલીવૂડ ફિલ્મોમાં `નયા દૌર' | `ધ કાશ્મીર ફાઈલ્સ'થી લઈ `72 હુરેં' સુધી

ભારતીય દર્શકોએ હવે આવા તથાકથિત સેક્યુલર બોલીવૂડને બરાબરનો પરચો બતાવી સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, મુખમાં રામ અને બગલમાં છૂરીવાળી નીતિ હવે ચાલવાની નથી. હવે મનોરંજનના નામે મનગઢત કથાઓવાળી ફિલ્મો નહીં, પરંતુ હકીકતને દર્શાવતી ફિલ્મોનો જમાનો છે.

    ૨૯-જૂન-૨૦૨૩   
કુલ દૃશ્યો |

New trend setting of Bollywood movies
બોલીવૂડ બદલાઈ રહ્યું છે. તાજેતરમાં જ આવેલી કેટલીક ફિલ્મોના કથાનક પરથી આ કહેવું જરાય વધુ પડતું નથી. હિન્દી સિનેમા જગતને હવે સમજાઈ ગયું છે કે, તથાકથિત સેક્યુલર ચાસણીમાં લપટાયેલી પરંપરાગત કટાળાજનક અને હકીકતથી જોજનો દૂર કથાનકવાળી ફિલ્મો હવે જાગૃત દર્શકોને ભરમાવી શકવાની નથી. ભારતીય દર્શકોએ હવે આવા તથાકથિત સેક્યુલર બોલીવૂડને બરાબરનો પરચો બતાવી સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, મુખમાં રામ અને બગલમાં છૂરીવાળી નીતિ હવે ચાલવાની નથી. હવે મનોરંજનના નામે મનગઢત કથાઓવાળી ફિલ્મો નહીં, પરંતુ હકીકતને દર્શાવતી ફિલ્મોનો જમાનો છે. અને તેની શરૂઆત `ધ કાશ્મીર ફાઈલ્સ'થી થઈ ગઈ છે. આ યાદીમાં `ધ કેરલા સ્ટોરી', `અજમેર ફાઈલ્સ', `સ્વાતંત્ર્યવીર સાવરકર', `એક્સિડેન્ટ યા કોન્સ્પિરસી ગોધરા', `ધ ડાયરી ઓફ વેસ્ટ બેંગાલ', `ધ વેક્સિન વોર' અને તાજેતરમાં જ જે ફિલ્મના ટીઝરે ચારેય તરફ ચર્ચા જગાવી છે. તે `૭૨ હુરેં' જેવી યાદી ઘણી લાંબી છે. સૌ પ્રથમ વાત કરીએ અગાઉ બોલીવૂડમાં કેવી રીતે મનોરંજનના નામે માત્ર એક ચોક્કસ ધર્મને જ નિશાને લેવામાં આવતો અને બદનામી કરી હલકો ચીતરવામાં આવતો.
 
હિન્દુ વિરોધી બોલિવૂડ
 
તથાકથિત સેક્યુલર અને સામ્યવાદના નશામાં મસ્ત બોલિવૂડ માટે થોડા સમય પહેલાં કેટલી હદે પોતાના મદમાં જ મસ્ત રહેતું તે જાણવા માટે ૨૦૧૫માં અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે આઈઆઈએમના પ્રોફેસર ધીરજ શર્મા દ્વારા બોલીવૂડની ફિલ્મોને લઈને થયેલું અધ્યયન - રિસર્ચ જ પૂરતું છે. ધીરજ શર્મા અને તેમની ટીમ દ્વારા પાછલા છ દાયકાની ૫૦ જેટલી મોટી ફિલ્મોના કથાનક પર સંશોધન થયું હતું. જેમાં બોલિવૂડ જાણે કે છેલ્લા પાંચ દાયકાથી એક ષડયંત્રપૂર્વકની રણનીતિપૂર્વક લોકોના દિલો-દિમાગમાં એવું ઠસાવી રહ્યું છે કે, હિન્દુ અને શીખ સાવ દકિયાનૂસી હોય છે. આ સંશોધનમાં સામે આવ્યું હતું કે, ફિલ્મોમાં ૫૮ ટકા ભ્રષ્ટ નેતાઓને બ્રાહ્મણ જાતિના બતાવવામાં આવ્યા હતા. તો ૬૨ ટકા ફિલ્મોમાં બેઈમાન, ભ્રષ્ટાચારી, વ્યવસાયીને વૈશ્ય જાતિના બતાવવામાં આવ્યા હતા. તો ૭૪ ટકા શીખ પાત્રોને મજાકનું પાત્ર જ બતાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ મહિલાને ચારિત્ર્યહીન બતાવવાની હોય ત્યારે તેમાં ૭૮ ટકા નામ ઈસાઈ હોય છે. તેની સામે આમાંની ૮૪ ટકા ફિલ્મોમાં મુસ્લિમ પાત્રોને મજહબમાં ઊંડી આસ્થા રાખનાર - ખૂબ જ ઈમાનદાર બતાવવામાં આવ્યાં છે. ત્યાં સુધી કે જો એ પાત્ર કોઈ ખલનાયકનું હોય તો પણ તેને અલ્લાહના નેક બંદા અને નીતિનિયમો પર ચાલનાર બતાવવામાં આવતો હતો.
 
પાકિસ્તાન અને ઇસ્લામનું મહિમામંડન
 
વિશેષજ્ઞોની ટીમ દ્વારા અધ્યયન (સંશોધન)માં ૨૦ ફિલ્મો એવી પણ પસંદ કરવામાં આવી હતી જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાકિસ્તાનમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. સંશોધન મુજબ એ ફિલ્મોમાંથી ૧૮માં પાકિસ્તાની લોકોને ઉદાર અને ખુલ્લા દિલવાળા અને ખૂબ જ શાલીનતાથી વર્તન કરનારા તેમજ બહાદુર બતાવવામાં આવ્યા હતા. આ ફિલ્મોમાં માત્ર પાકિસ્તાનની સરકારને જ કટ્ટરપંથી અને ભારતવિરોધી બતાવવામાં આવી હતી.
 
આની સામે ભારતીયોને કટ્ટર, ધાર્મિક, સંકુચિત માનસિકતાવાળા બતાવવામાં આવ્યા હતા. ભારતીય અધિકારીઓને ભ્રષ્ટાચારી અને જનતાની ભાવનાઓને ન સમજનારા તરીકે જ ચીતરવામાં આવ્યા હતા. સંશોધનમાં એ બાબત પણ સામે આવી હતી કે, ફિલ્મો મારફતે ભારત અને ભારતીય સંસ્કૃતિ-ધર્મને બદનામ કરવાનો અને ચોક્કસ સમાજનું મહિમામંડન કરવાનું ચલણ ૧૯૭૦ના દાયકા બાદ બેફામ બન્યું હતું. આ દાયકા બાદ ફિલ્મોમાં સલીમ-જાવેદ જેવા મુસ્લિમ લેખકોનો દબદબો વધ્યો, જેમાં હિન્દુ ધર્મને અપમાનિત અને મજાક બનાવતી એકાદ ઘટના કે પાત્ર અવશ્ય ઘુસાડવામાં આવતું. સલીમ જાવેદની મોટાભાગની ફિલ્મોમાં પંડિતને ધૂર્ત, ઠાકુરને જાલિમ-નિર્દયી, વાણિયાને વ્યાજખોર કામુક અને સરદારને મૂર્ખ બતાવવામાં આવતા હતા. આ જોડીએ લખેલી ફિલ્મોમાં મોટાભાગના હિન્દુ પાત્રોની જાતિ પર ખાસ્સું જોર આપવામાં આવતું હતું. અને ખૂબ જ ચાલાકીપૂર્વક હિન્દુ તહેવારો-પરંપરાઓને દકિયાનુસી બતાવવામાં આવી છે. સંશોધન મુજબ આ જોડી દ્વારા લખાયેલી લગભગ દરેક ફિલ્મમાં એક મુસ્લિમ પાત્ર અવશ્ય રહેતું હતું જેને ખૂબ જ નેકદિલ અને અલ્લાહના બંદા તરીકે રજૂ કરવામાં આવતું હતું. તેવી જ રીતે ઈસાઈ ધર્મનાં મોટાભાગનાં પાત્રોને ખૂબ જ દયાળું બતાવવામાં આવ્યાં છે.
સલીમ જાવેદની ફિલ્મોમાં મંદિર અને ભગવાનની મજાક સામાન્ય હતી. આ જોડીની સૌથી ફિલ્મોમાં સફળ ફિલ્મ `શોલે'માં અભિનેતા ધર્મેન્દ્ર ભગવાન શિવની આડમાં અભિનેત્રી હેમામાલિનીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માગે છે. આમ કરી પરોક્ષ રીતે ઠસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, મંદિરમાં લોકો ખોટાં કામો કરવા જાય છે. અને હિન્દુ મહિલાઓ મૂર્ખ અને અંધશ્રદ્ધાળુ હોય છે. તેની સામે આ જ ફિલ્મમાં મુસ્લિમ પાત્ર (એ. કે. હંગલ)ને એટલો પાક્કો નમાઝી બતાવવામાં આવ્યો છે જે પોતાના એકના એક દીકરાની લાશ છોડી એમ કહીને નમાઝ પઢવા ચાલ્યો જાય છે કે, અલ્લાહ મને કુર્બાન કરવા બીજા પુત્રો કેમ ન આપ્યા. ગામને વીજળી વિનાનું બતાવવામાં આવ્યું છે પરંતુ મસ્જિદને માઇકના ભૂંગળાવાળી બતાવવામાં આવી છે. ડાયરેક્ટર શું સાબિત કરવા માંગતો હશે ?
 
આવી જ અન્ય એક ફિલ્મ `દિવાર'ના મુખ્ય અભિનેતા અમિતાભ બચ્ચન નાસ્તિક છે. તે ભગવાનનો પ્રસાદ સુધ્ધાં પણ ખાતો નથી પરંતુ તે નાસ્તિક હોવા છતાં 786 લખેલો બિલ્લો હંમેશા પોતાના ખિસ્સામાં રાખે છે અને તે બિલ્લો વારંવાર તેનો જીવ બચાવે પણ છે, તેવું બતાવવામાં આવે છે. જંજીર નામની ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચન નાસ્તિક છે. જ્યારે મુખ્ય અભિનેત્રી જયા બચ્ચન ભગવાનથી નારાજ થઈ `બના કે ક્યું બિગાડા રે' ગીત ગાય છે, પરંતુ આ જ ફિલ્મમાં શેરખાનને એક સાચ્ચો મુસલમાન બતાવવામાં આવ્યો છે. `શાન' ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શશીકપૂર સાધુના વેશમાં જનતાને ઠગે છે, પરંતુ આ જ ફિલ્મમાં અબ્દુલને એક એવો સાચ્ચો મુસ્લિમ બતાવવામાં આવ્યો છે જે સચ્ચાઈ માટે પોતાનો જીવ આપી દે છે. `ક્રાંતિ' ફિલ્મમાં માતાનું ભજન કરનાર રાજા (પ્રદીપકુમાર) ગદ્દાર ચીતરાયો છે, જ્યારે કરીમખાન (શત્રુઘ્નસિંહા)ને મહાન દેશભક્ત બતાવવામાં આવ્યો છે. જે દેશ માટે પોતાનો જીવ આપી દે છે.
 
`અમર અકબર એન્થોની' ફિલ્મમાં ત્રણેય અભિનેતાઓના પિતા કિશનલાલ એક ખૂની સ્મગલર તરીકે બતાવવામાં આવ્યા છે જ્યારે તેના છૂટા પડી ગયેલા બાળક અકબર અને એન્થોનીને ઉછેરનાર મુસ્લિમ અને ઈસાઈ પાત્રોને ખૂબ જ નેકદિલ બતાવવામાં આવ્યાં છે. આમ, સલીમ જાવેદની ફિલ્મમાં મોટેભાગે હિન્દુને કાં તો નાસ્તિક તરીકે ચીતરાતો કે પછી ધર્મની ઠેકડી ઉડાવાતો રજૂ કરાતો. જ્યારે તેની સામે મુસલામન શેરખાન પઠાણ, ડીએસપી ડીસૂઝા, અબ્દુલ, પાદરી, માઈકલ - ડેવિડ જેવાં ચરિત્રોને આદર્શ અને ઈમાન-ધર્મનાં પાક્કાંબતાવવામાં આવેલાં.
 
માત્ર સલીમ જાવેદ જ નહિ, કાદરખાન, કૈફી આઝમી, મહેશ ભટ્ટ જેવાં સેંકડો ફિલ્મનિર્માતા અને વાર્તાકારોએ આ જ ધંધો કર્યો છે. બોલિવૂડમાં ઇસ્લામીકરણ પાછળ મુંબઈના ડોન દાઉદ ઇબ્રાહિમનો પણ મોટો હાથ હોવાનું કહેવાય છે. એક સમય એવો હતો જ્યારે દાઉદના ઇશારે જ ફિલ્મમાં કયા અભિનેતાને લેવો કે બહાર કાઢવો એ નક્કી થતું હતું. છેલ્લા દાયકા સુધી બોલિવૂડ પર જે ત્રણ ખાન અભિનેતાનો દબદબો રહ્યો હતો તેની પાછળ પણ દાઉદનો મોટો હાથ હોવાનું મનાઈ રહ્યું છે. આ ત્રણેય ખાન અભિનેતાઓએ પણ બોલિવૂડ ફિલ્મોમાં હિન્દુ પાત્રો નિભાવી, હિન્દુ ધર્મ વિરુદ્ધ વાતાવરણ ઊભુું કરવામાં કાંઈ કસર બાકી રાખી નથી. એમાં પણ મિ. પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિરખાનને તો આ બાબતમાં મહારથ છે. આ અભિનેતાની દરેક ફિલ્મને ઝીણવટપૂર્વક જુઓ. તેમાં ક્યાંક ને ક્યાંક એવો સંદેશ જરૂરથી પ્રસારિત થાય છે કે, ભગવાનની પૂજા કરનારા ધાર્મિક લોકો અંધશ્રદ્ધાળુ, નકલી અને હાસ્યાસ્પદ હોય છે. પાછુ એ ફિલ્મોમાં એક મુસ્લિમ પાત્ર એવું જરૂર હોય કે જે ખૂબ જ ભલું અને પ્રગતિશીલ, ઉદારવાદી વિચારધારાવાળું હોય. પી. કે. ફિલ્મમાં તમામ હિન્દુ દેવી-દેવતાઓને રોંગ નંબર બનાવવામાં આવ્યા છે, જ્યારે અલ્લાહને ખૂબ જ ચાલાકીપૂર્વક કવરેજ ક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા છે. પહેલવાનોની જિંદગી પર બનેલી દગલમાં ક્યાંય હનુમાનજીનું ચિત્ર જોવા નહીં મળે જ્યારે પહેલવાનોને નોનવેજ ખાઈ અને એક કસાઈ દ્વારા આપેલો પ્રસાદ ખાઈ જીતતા બતાવવામાં આવ્યા છે.
 
ભાઈજાન સલમાનખાનને બજરંગી ભાઈજાનમાં હિન્દુઓને સંકુચિત વૃત્તિવાળા જ્યારે પાકિસ્તાનમાં ઉદાર દિલના બતાવ્યા છે. માઈ નેઇમ ઇઝ ખાનમાં અભિનેતા શાહરૂખ ખાને વિશ્વભરમાં રાડો પાડી પાડીને કહ્યું હતું કે માય નેઇમ ઇઝ ખાન એન્ડ આઇ એમ નોટ ટેરરિસ્ટ જ્યારે તેની સાથી હિન્દુ પાત્ર તેને એટલા માટે તરછોડે છે કારણ કે તે મુસ્લિમ છે. ઉપરાંત આ ફિલ્મના પૂરના એક શ્યમાં હિઝાબ પહેરેલી મુસ્લિમ મહિલાઓ અને ટોપીધારી મુસ્લિમ પુરુષો ગળાડૂબ પાણીમાં પૂરપીડિતોની મદદ કરતાં દર્શાવવામાં આવ્યાં છે. આમ છેક હમણાં સુધી ક્યાંક મનોરંજનના નામે તો ક્યાંક અભિવ્યક્તિની સ્વતંત્રતાના બુરખા હેઠળ બોલિવૂડમાં તથ્યોથી જોજનો દૂર એ હળાહળ ભારત-ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ફિલ્મોની બોલબાલા હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં એક નવો વાયરો ફૂંકાયો છે. જેમાં ફિલ્મોમાં તથ્યોને તોડ્યા મરોડ્યા વગર અને હકીકતભર્યાં કથાનક વાળી ફિલ્મો બની રહી છે. જેને ભારતીય દર્શકો પણ હાથોહાથ લઈ રહ્યા છે. હવે વાત આવી જ કેટલીક ફિલ્મોની જે બોલિવૂડમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોવાનો સુખદ સંદેશ આપી રહી છે.
 

New trend setting of Bollywood movies 
 
`ધ કાશ્મીર ફાઇલ્સ' : કાશ્મીરી હિન્દુઓ પરના અત્યાચારની દર્દનાક દાસ્તાન
 
૨૦૨૨માં વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ `ધ કાશ્મીર ફાઈલ્સ'એ બોલીવૂડની પરંપરાગત અને તથાકથિત સેક્યુલર ફિલ્મોની દિશા અને દશા જ બદલી નાંખી હતી. આ ફિલ્મમાં કાશ્મીર પંડિતોનાં પલાયન અને ભયંકર નરસંહારનું આબેબ ચિત્રણ થયું હતું. ૧૯૯૦માં ભારતના જ રાજ્ય જમ્મૂ-કાશ્મીરમાં જેહાદના નામે સેંકડો હિન્દુ પંડિતોની કત્લેઆમ મચાવવામાં આવી હતી અને હજ્જારો હિન્દુ પંડિતોને પલાયન કરવા મજબૂર કરવામાં આવ્યાં હતાં. ફિલ્મના ટ્રેલર સાથે જ તથાકથિત સેક્યુલરવાદીઓ દ્વારા ફિલ્મને પ્રોપેગેંડા ગણાવી વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ફિલ્મના પ્રમોશનથી માંડી સિનેમાઘરોમાં ફિલ્મનાં પોસ્ટર પણ લગાવવા દેવામાં આવ્યાં નહોતાં, છતાં પણ ભારતીય દર્શકોની મોઢા-મોઢની પબ્લિસિટીએ ફિલ્મને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી. અને માત્ર ૧૬ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ૩૪૦ કરોડથી વધુનો વકરો કરી આ પ્રકારની હકીકતોનો સાક્ષાત્કાર કરાવતી ફિલ્મો માટે બોલીવૂડનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં.
 
`અજમેર 92' ૧૦૦ યુવતીઓના શારીરિક શોષણને પર્દા પર લાવશે
 
`72 હુર્રેં'ની જેમ હાલ સમગ્ર દેશમાં રાજસ્થાનના અજમેર શહેરમાં વર્ષ 1992માં બનેલી સાચી ઘટના પર આધારિત ફિલ્મ `અજમેર ફાઇલ્સ'એ પણ સામાન્ય જનતાથી માંડી રાજકારણ અને ધર્મકારણ ક્ષેત્રે ભારે ચર્ચા જગાવી છે. `ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'ના નિર્દેશક થકી ચર્ચામાં આવેલા અભિષેક દુધૈયા દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવેલ છે. આ ફિલ્મમાં અજમેરમાં લગભગ 30 વર્ષ પહેલાં બનેલ બિનમુસ્લિમ યુવતીઓની બ્લેકમેલિંગ અને બળાત્કારની સાચી ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. દેશના આ સૌથી મોટા સેક્સ સ્કેંડલમાં મુખ્ય ભૂમિકા અજમેર દરગાહના આદિમોના પરિવાર સાથે જોડાયેલા લોકોની હતી.
 
ઉલ્લેખનીય છે કે અજમેરમાં ૧૯૯૨માં કેટલીક યુવતીઓની અશ્લીલ તસવીરો મારફતે બ્લેકમેલ કરી તેમને તેમની સહેલીઓને ફસાવી લાવવા મજબૂર કરવામાં આવી હતી. આમ, જેહાદીઓએ આખી ચેન સિસ્ટમ બનાવી હતી અને ૧૦૦ જેટલી યુવતીઓ સાથે બળાત્કાર કર્યા હતા. એવું પણ કહેવાય છે કે ઘટનાના મુખ્ય આરોપી ફારુકી ચીશ્તી, નફીદા ચીશ્તી અને અનવર ચીશ્તી તે સમયે યૂથ કોંગ્રેસના લીડર હતા. સાથે સાથે તેઓ અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહના આદિમ પણ હતા. તે સમયે હાલની જેમ ડિજિટલ કેમેરા નહોતા, રીલવાળા હતા અને ફોટા બનાવવા માટે જે સ્ટુડિયોમાં આપવામાં આવ્યા તે પણ મુસ્લિમ સમુદાયનો જ હતો. તેણે પણ એકસ્ટ્રા કોપી કાઢી પીડિત યુવતીઓનું શારીરિક શોષણ કર્યું હતું. શાળામાં ભણતી કિશોરીઓ સાથે બળાત્કાર કરવામાં અનેક નેતા અને સરકારી અધિકારી પણ સામેલ હતા. રાજકીય અને ધાર્મિક શેહમાં ચાલી રહેલી આ સેક્સ ચેનની ગંધ `લહરોં કી ગંધ' નામના સ્થાનિક અખબારના સંપાદકને આવી જતાં તેણે આ સેક્સ સ્કેંડલ પર શ્રેણી છાપવાનું શરૂ કરતાં હાહાકાર મચી ગયો હતો. સંપાદક મદનસિંહે ૭૬ ભાગોમાં આ શ્રેણી છાપી હતી, જેને લઈ સપ્ટેમ્બર ૧૯૯૨માં તેની હત્યા કરી દેવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે ફિલ્મ નિર્દેશક `અજમેર ફાઇલ્સ'માં આ હચમચાવી નાખનાર ઘટનાને કેવો ન્યાય આપે છે ?
 
સ્વાતંત્ર્યવીર સાવરકર : ભારતના એ મહાનાયક જે નામથી જ બ્રિટિશ સત્તા થરથર કાંપતી હતી
 
તાજેતરમાં જ ભારતના મહાનાયક વીર સાવરકરજીની જન્મજયંતીના દિવસે સ્વાતંત્ર્યવીર સાવરકર નામની ફિલ્મનું ટીઝર રીલીઝ થયું હતું. ફિલ્મમાં ભારતમાતાના એ વીર સપૂતની કથા બતાવવામાં આવી છે, જેની ગણના ભારતના સૌથી પ્રભાવશાળી ક્રાંતિકારી તરીકે થાય છે. જેમના નામ માત્રથી જ બ્રિટિશ સત્તા થરથર કાંપવા લાગતી હતી. પરંતુ સ્વતંત્રતા બાદ સામ્યવાદી ઇતિહાસકારો અને રાજકીય કિન્નાખોરીની મીલિભગતથી ષડયંત્રપૂર્વક ભારતના આ મહાનાયકના ઇતિહાસને દબાવી દેવામાં આવ્યો હતો. ફિલ્મમાં જાણીતા અભિનેતા રણદીપ હુડ્ડા વીર સાવરકરની ભૂમિકામાં છે. ટીઝરમાં વીર સાવરકરને કેવી રીતે બ્રિટિશરો દ્વારા પ્રતાડિત કરવામાં આવતા હતા, તેનાં રૂંવાડાં ઊભાં કરી દેતાં શ્યો બતાવવામાં આવ્યાં છે. ટીઝરમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે, મહાત્મા ગાંધી ખરાબ ન હતા, પરંતુ જો તેઓએ અહિંસાનો અતિરેકી હઠાગ્રહ ન રાખ્યો હોત તો ભારત ૩૫ વર્ષ પહેલાં સ્વતંત્ર થઈ ગયું હોત.
 
ધ કેરલા સ્ટોરી : રૂવાડાં ઊભાં કરી દેતાં `લવ જેહાદ'નું ષડયંત્રોની વાત
 
કેરલમાં ચાલતી લવજેહાદ અને મતાંતરણની ખૌફનાક હકીકતને રજૂ કરતી ફિલ્મ `ધ કેરલા સ્ટોરી' હજુ પણ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મના ટિઝર આવ્યાની સાથે જ ફિલ્મને લઈને અનેક વિવાદો થયા હતા. કટ્ટરલોબીએ ફિલ્મનો બોયકોટ કર્યો હતો. ત્યાં સુધી કે હિન્દી સિનેમાના જ એક મોટા વર્ગે ફિલ્મનો અઘોષિત બોયકોટ કરી રાખ્યો હતો. છતાં દર્શકો ફિલ્મ અને ફિલ્મના કથાનકને લઈ ઉત્સુક્તાએ માત્ર ૩૬ કરોડમાં બનેલી ફિલ્મને ૨૫૦ કરોડના વકરાએ પહોંચાડી દીધી હતી. ફિલ્મમાં લવજેહાદ અને મતાંતરણ મારફતે હજારો હિન્દુ-ઈસાઈ યુવતીઓને ગાયબ કરી દઈ સિરિયામાં જેહાદ માટે મોકલી દેવાના ષડયંત્રને ઉજાગર કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે કેરલનાં શિક્ષણ સંસ્થાનોમાં બિનમુસ્લિમ યુવતીઓને ધર્મના નામે બ્રેઇનવોશ કરીને તેમને પ્રેમજાળમાં ફસાવી મતાંતરણ કરી સિરિયામાં આઈએસના જેહાદીઓને સુપર્દ કરી દેવામાં આવે છે.
 

New trend setting of Bollywood movies 
 
ધ વેક્સિન વોર : કોરોના સામે લડાઈની સાચી કહાની
 
ફિલ્મ-નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ `ધ કાશ્મીર ફાઇલ્સ'એ દક્ષિણ ભારતીય ફિલ્મો સામે તરફડિયાં મારતા બોલિવૂડને ઓક્સિજન પૂરો પાડ્યો હતો. માત્ર એટલું જ નહીં, આ ફિલ્મે બોલિવૂડને નવી જ દિશામાં વિચારવા મજબૂર કર્યું હતું. તેઓની આગામી ફિલ્મ ધ વેક્સિન વોર આગામી ઓગસ્ટ મહિનામાં રૂપેરી પરદે આવી રહી છે. ફિલ્મના પોસ્ટરમાં એક વેક્સિનની શીશી દેખાઈ રહી છે,
 
જેના પર ધ વેક્સિન વોર લખેલું છે. નિર્માતા વિવેક અગ્નિહોત્રી મુજબ આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આ એક એવી લડાઈ છે, જે તમે લડી છે, છતાં તમને તેના વિશે ખબર નથી અને તમે એ લડાઈ જીત્યા પણ છો. ફિલ્મ એક સાથે ૧૧ ભાષાઓમાં પ્રદર્શિત થશે જે ભારતીય સિનેમામાં એક ઇતિહાસ છે.
 
`એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી' ગોધરા - ગોધરાકાંડના જેહાદી ષડયંત્રને બહાર લાવશે
 
ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલા ૫૯ રામભક્તોને ગોધરા ખાતે મુસ્લિમ જેહાદી ભીડે સાબરમતી એક્સપ્રેસના ૬-૬ ડબ્બામાં આગ લગાવી દઈ જીવતા બાળી મૂક્યા હતા, તેના પ્રત્યાઘાતરૂપે ગુજરાતભરમાં રમખાણો ફાટી નીકાં હતાં. આ ઘટનાને લઈ બુઝ ગયા ચાંદ, દેવ જેવી ફિલ્મો આવી હતી, પરંતુ ટ્રેનમાં આગની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે આ ઘટના પર એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા નામની ફિલ્મ આવી રહી છે. ફિલ્મ નાણાવટી મહેતા આયોગના તપાસ અહેવાલ પર આધારિત છે. ૩૦ મેના રોજ રિલિઝ થયેલા ફિલ્મના ટિઝરમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મમાં એ પણ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ગોધરામાં એક સુનિયોજિત પૂર્વનિયોજિત ષડયંત્ર દ્વારા સાબરમતી ટ્રેનને આગ લગાડી ૫૯ રામભક્તોને બાળી મૂકવામાં આવ્યા હતા. જેને પરિણામે રાજ્યભરમાં રમખાણો ફાટી નીકાં હતાં.
 
 

New trend setting of Bollywood movies 
`ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાલ' મુસ્લિમ તુષ્ટીકરણને બેપર્દા કરતી ફિલ્મ
 
ફિલ્મ `ધ કેરલ સ્ટોરી'થી લેફ્ટ લિબરલ અને મુસ્લિમ તૃષ્ટીકરણ કરનારાં રાજનૈતિક દળોના મોઢે જોરદાર તમાચો પડ્યો હતો. હવે `ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાલ;નું ટ્રેલર આવતાંની સાથે જ આ લોબીએ ફરી એક વખત રાડારાડ મચાવી મૂકી છે. ફિલ્મના ટ્રેલરમાં બંગાળની સરખામણી કાશ્મીર સાથે કરવામાં આવી છે. ટ્રેલરમાં બંગાળની સરહદ સાથે જોડાયેલ બાંગ્લાદેશ સરહદમાંથી રોહિંગ્યા મુસ્લિમોના જથ્થાને કાંટાદાર વાડ ઓળંગી ભારતમાં ઘૂસણખોરી કરતા બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં સીધો જ આરોપ લગાવવામાં આવ્યો છે કે, બંગાળની હાલત કાશ્મીર જેવી જ થઈ ગઈ છે. અહીં ષડયંત્રપૂર્વક રોહિંગ્યા મુસ્લિમોને મતબેંક માટે વસાવવામાં આવી રહ્યાં છે અને હિન્દુઓનું દમન થઈ રહ્યું છે.
 
જે-હાદના નામે આતંકવાદને બેપર્દા કરશે `72 હુરેં'
 
`ધ કેરલ સ્ટોરી'ની અભૂતપૂર્વ સફળતા બાદ આતંકવાદની કાળી સચ્ચાઈને બેપર્દા કરતી વધુ એક ફિલ્મ રૂપેરી પરદે દસ્તક દેવા તૈયાર છે. `72 રેં' નામની આ ફિલ્મનું ટીઝર હાલ મીડિયાથી લઈ સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. `ધ કેરલ સ્ટોરી'ની જેમ જ આ ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે મુસ્લિમ યુવકોનાં મસ્તિષ્કમાં ઝેર અને કુવારી યુવતીઓની લાલચ આપી બ્રેનવોશ કરવામાં આવે છે. `72 હુરેં' ફિલ્મમાં એ બતાવવામાં આવ્યું છે કે, આતંકવાદીઓને તાલીમ દરમિયાન લાલચ આપવામાં આવે છે કે જન્નતમાં તેમને `72 હુરેં' (કુવારી યુવતીઓ) મળશે જે તેમનો પડ્યો બોલ ઝીલશે. આ ફિલ્મને બે વખત રાષ્ટીય પુરસ્કાર વિજેતા સંજય પૂરનસિંહ બનાવી રહ્યા છે. ૫૧ સેકડના આ ટીઝરમાં શરૂઆતમાં મઝહબી નારા સંભળાય છે. ત્યારબાદ એક વોઇસ ઓવર સંભળાય છે. તમે જેહાદનો જે રસ્તો પસંદ કર્યો છે તે તમને સીધો જ જન્નતમાં લઈ જશે. કુવારી રો તમારી હશે, હંમેશાં માટે ત્યારબાદ ફરીથી અલ્લા અકબરના નારા સંભળાય છે. ટીઝરમાં ઓસામા બિનલાદેન, અજમલ કસાબ, યાકુબ મેમણ, મસૂદ અઝહર, હાફિઝ સઇદ સહિતના અનેક જેહાદી આતંકવાદીઓનો ઉલ્લેખ થયો છે. ફિલ્મનું એક પોસ્ટર પણ સામે આવ્યું છે, જેમાં બુરખો પહેરેલી મહિલાઓનું ટોળું બતાવવામાં આવ્યું છે, જેમાંથી લાલ હિઝાબ પહેરેલી એક મહિલા અલગ પડતી જોવા મળે છે. તેની નીચે ઇમારતો છે જેમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાય છે. આમ કાશ્મીર ફાઇલ્સથી માંડી ડાયરી ઓફ વેસ્ટ બંગાળ સુધીની ફિલ્મો બોલિવૂડમાં ફૂંકાઈ રહેલા પરિવર્તનનો સંદેશો આપી રહી છે. એક સમયે જે વિષયો પર કોઈ બોલવાનું પણ વિચારી શકતું ન હતું. તેવા કાશ્મીરના હિન્દુઓ પર થયેલા અમાનુષી અત્યાચાર હોય કે ગોધરા એક્સિડેન્ટ અ કોન્સ્પિરસી કે પછી અજમેરમાં જેહાદીઓ દ્વારા કરાયેલ ૧૦૦થી વધુ હિન્દુ બહેન-દીકરીઓના શીલભંગ જેવા વિષયો પર ફિલ્મો ન માત્ર બની રહી છે, પરંતુ ભારતીય દર્શકોનો ભરપૂર પ્રેમ પણ મળી રહ્યો છે. તે જ બતાવે છે કે બોલિવૂડ હવે બદલાઈ રહ્યું છે. એમ કહો કે દર્શકોની જાગૃકતાને કારણે તેને બદલાવા મજબૂર થવું પડ્યું છે.
 
 
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…