તારંગા હિલ | આ ચોમાસામાં, ઉત્તર ગુજરાતના આ રમણીય હિલ સ્ટેશન પર જઇ આવો ! Taranga Hill

જો તમે પર્વત વચ્ચે, નાના રસ્તાઓ પર ટ્રેકિંગ કરવા માગતા હોવ અને જૂની વાસ્તુકળા અને અધ્યાત્મમાં રસ હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ પ્લેસની ગરજ સારશે. તારંગા તીર્થ એ જૈનધર્મનું સિદ્ધ ક્ષેત્ર છે. અહીં 14 દિગંબર અને પાંચ શ્વેતામ્બર મંદિર સ્થિત છે.

    ૨૯-જૂન-૨૦૨૩
કુલ દૃશ્યો |

taranga hill
 
 
- તારંગા તીર્થ  ( Taranga Tirth ) એ જૈનધર્મનું સિદ્ધ ક્ષેત્ર છે.
 
- ચોમાસામાં તારંગા હિલ પર પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઉઠે છે
 
- અધ્યાત્મ, વાસ્તુકળા અને ટ્રેકિંગમાં રસ હોય તેવા લોકો માટે આ સ્થળ ‘પરફેક્ટ પ્લેસ’ની ગરજ સારશે
 
- અમદાવાદથી 130 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ વન ડે પિકનિક મનાવવા માટે સહેલાણીઓમાં લોકપ્રિય છે
 
ચોમાસામાં પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઉઠે તેવા અનેક સ્થળો ગુજરાતમાં આવેલા છે, આવું જ એક સ્થળ એટલે તારંગા તીર્થ. જો તમે પર્વત વચ્ચે, નાના રસ્તાઓ પર ટ્રેકિંગ કરવા માગતા હોવ અને જૂની વાસ્તુકળા અને અધ્યાત્મમાં રસ હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ પ્લેસની ગરજ સારશે. તારંગા તીર્થ એ જૈનધર્મનું સિદ્ધ ક્ષેત્ર છે. અહીં 14 દિગંબર અને પાંચ શ્વેતામ્બર મંદિર સ્થિત છે.
 

taranga hill 
 
 
તારંગા હિલ | Taranga Hill
 
365 મીટર જેટલી ઊંચાઇ ધરાવતી આ ટેકરીનું વાતાવરણ ખૂબ શાંત અને કુદરતી છે. શહેરી વિસ્તારથી દૂર, લીલીછમ હરિયાળી વચ્ચે આવેલ આ રમણીય જગ્યા કુદરતના ખોળામાં બેઠા હોય તેવો અહેસાસ કરાવે છે. તારંગા હિલ પર પ્રકૃત્તિ, અદ્ભુત નકશીકામ અને વાસ્તુકળાનો સમન્વય જોવા મળે છે.
 
આ ટેકરીઓ પરથી સૂર્યોદય જોવાનો અનેરો લહાવો ચોકક્સથી લેવા જેવો છે. આ સ્થળ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવવા સાથે વન ડે પિકનિક માટે તેમજ ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ લોકેશન બની રહેશે.
 
 
taranga hill 
તારંગા નામ કેમ પડ્યું
 
 
આ મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે. સ્થાનિક બૌદ્ધ રાજા વેણી વત્સરાજા અને જૈન સાધુ ખાપુતારાચાર્યએ સાથે મળીને વિક્રમ સંવત 1241માં દેવી તારાનું મંદિર બંધાવ્યું. આમ, તારાદેવીના નામ પરથી આ નગરનું નામ તારાપુર રાખવામાં આવ્યું હતું.
અહીં આવેલ દ્વિતીય તીર્થંકર અજિતનાથના મુખ્ય મંદિરનું નિર્માણ ચાલુક્ય રાજા કુમારપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજા કુમારપાલએ હેમચંદ્રાચાર્યના માર્ગદર્શનમાં જૈન ધર્મના અનુયાયી બન્યા હતા. ઇ.સ. 1161માં પૂર્ણ થયેલ આ મંદિર મરુ- ગુર્જર સ્થાપત્યશૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ પહાડના શિખર પર 35 લાખ કરતાં પણ વધારે જૈન સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હોવાનું મનાય છે. અહીંના પથ્થરમાં જૈન મુનિઓની પાદુકા અંકિત થયેલી છે.
 
કેવી રીતે પહોંચવું
 
તારંગા ટેકરી અમદાવાદ (કર્ણાવતી) થી 130 કિલોમીટર, મહેસાણાથી 70 કિલોમીટર, અંબાજીથી 54 કિલોમીટર અને વિસનગરથી 51 કિલોમીટરના અંતરે આવેલી છે.
 
તારંગા  ( Taranga Hill ) જવા માટે વાહનવ્યવહારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. રાજ્ય ધોરીમાર્ગ નં.56 ખેરાલુથી સત્યાસના જવાના માર્ગે આ ટેકરી આવેલી છે.
 
રોડ માર્ગ - અહીં જવા માટે બસ કે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય છે.
 
ટ્રેન દ્વારા – અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા છે.
 
હવાઇ માર્ગ- અહીંથી નજીકનું એરપોર્ટ અમદાવાદ 119 કિલોમીટરના અંતરે આવેલું છે.
 
અન્ય જોવાલાયક સ્થળો
 
મહેસાણા જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં હાટકેશ્વર મંદિર વડનગર, બહુચર માતા મંદિર, મોઢેરા મંદિર, તાના રીરી મેમોરિયલ એન્ડ ફેસ્ટિવલ, વડનગર તોરણ, પગલું વેલ, શર્મિષ્ઠા તળાવ, સિંધુ ખીણ સંસ્કૃતિની સાઇટ્સ લોટેશ્વર, બૌદ્ધ મઠ, બ્રહ્માણી માતા મંદિર, ઊંઝા ઉમિયા માતા મંદિરનો સમાવેશ થાય છે.
 

taranga hill 
 
હાટકેશ્વર મંદિર ।  Hatkeshwar Temple Vadnagar
 
વડનગરમાં આવેલા આ પૌરાણિક મંદિરમાં શંકર ભગવાન નાગરોના કુળદેવતા તરીકે બિરાજમાન છે. મંદિરમાં આવેલુ શિવલિંગ બે હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયેલું છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવ પ્રસન્ન થઇ વડનગરમાં બિરાજવા માટે અરજી કરી હતી.
 

bahucharaji temple 
 
બહુચર માતાનું મંદિર | Bahucharaji Temple
 
51 શક્તિપીઠોમાંથી ત્રણ શક્તિપીઠો ગુજરાતમાં આવેલ છે. મા સતીના શરીરના ટુકડા કરીને પૃથ્વી પર વિસર્જિત કરાયા ત્યારે બેચરાજી ખાતે મંદિરના સ્થળે મા સતીના કર(હાથ) પડ્યા હોવાનું મનાય છે. આ મંદિર સંકુલમાં મુખ્ય રણ મંદિર આવેલા છે. પહેલું આદ્યસ્થાન, બીજું મધ્યસ્થાન અને ત્રીજું સ્થાન જ્યાં મુખ્ય મંદિર આવેલું છે. અહીં બાળ યંત્ર જડેલું છે.
 

aithor ganesh temple 
ઐઠોર ગણપતિ મંદિર | Aithor Ganesh Temple
 
આ મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં આવેલું છે. આ મંદિર 1200 વર્ષ કરતાં પણ જૂનું છે. આ મંદિરમાં રેણું (માટી)માંથી બનાવેલી ડાબી સૂંઢવાળા ગણપતિની પ્રતિમા છે, માટીમાંથી ડાબી સૂંઢવાળા ગણપતિની પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે. દેવતાઓએ માટીના પિંડમાથી આ પ્રતિમા બનાવી હોવાની માન્યતા છે. ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે અહીં ભવ્ય શુકન મેળો ભરાય છે, શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં શુકન જોવા આવે છે.
- જ્યોતિ દવે