રહસ્યમયી ભીમ કુંડ – મહાભારતકાળના આ કુંડની ઊંડાઈ આજ સુધી કોઇ માપી શક્યું નથી | Bhim kund

ટેકનોલોજીના વિકાસ સાથે વિજ્ઞાન ભલે ને ગમે તેટલી પ્રગતિ કરી લે પણ પૃથ્વીના પેટાળથી લઇ સૌરમંડળમાં અનેક એવા રહસ્યમયી કોયડાઓ છે, જેનો ઉકેલ લાવવામાં વિજ્ઞાન અનેકવાર થાપ ખાઇ જાય છે. ભીમકુંડનો પણ આવો જ રહસ્યમયી ઇતિહાસ છે.

    ૩૦-જૂન-૨૦૨૩
કુલ દૃશ્યો |


bhim kund

જાણો, રહસ્યમયી ભીમ કુંડ ( Bhim kund ) ની જાણી- અજાણી રોચક વાતો

# જળ પ્રલયનો આગોતરા સંકેત આપે છે આ કુંડ
# આ કુંડની ઊંડાઇ એક રહસ્ય: તજજ્ઞો આજ સુધી આ કોયડાને ઉકેલી શક્યા નથી
# મહાભારતના કાળ સાથે જોડાયેલો છે આ કુંડનો ઇતિહાસ
# કુંડમાં ડૂબી જનાર વ્યક્તિનો મૃતદેહ અદ્રશ્ય થઇ જાય છે
# કુંડના પાણીના માત્ર ત્રણ ટીપાંથી ગમે તેવી તરસ છીપાતી હોવાની માન્યતા
 
ભારત પોતાની અદ્ભુત કળા, સંસ્કૃતિ, અધ્યાત્મ અને અનોખી ભૌગોલિક રચનાને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીંનો ઇતિહાસ પોતાની અંદર અનેક રહસ્યોને છૂપાવીને બેઠો છે. મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવું જ એક સ્થળ આવેલું છે. જેનું નામ છે ભીમકુંડ ( Bhim kund ). ભીમકુંડ પાણીનો સ્ત્રોત ધરાવતો એવો કુંડ છે કે જેની ઊંડાઇ વિશે આજદિન સુધી કોઇ વ્યક્તિ આકલન કરી શક્યું નથી. વૈજ્ઞાનિકો દ્વારા આ કુંડની ઊંડાઇ જાણવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આ કુંડની ઊંડાઇ, પાણીની શુદ્ધતા અને સ્ત્રોત સહિત અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવી શક્યા નથી. આ કુંડ સાથે જોડાયેલી મહાભારત અને નારદજીની કથા પણ જાણવા જેવી છે. આ અંકમાં જાણીએ ભીમકુંડના રહસ્યમયી કુંડ હોવા પાછળની જાણી- અજાણી રોચક વાતો.
 
ટેકનોલોજીના વિકાસ સાથે વિજ્ઞાન ભલે ને ગમે તેટલી પ્રગતિ કરી લે પણ પૃથ્વીના પેટાળથી લઇ સૌરમંડળમાં અનેક એવા રહસ્યમયી કોયડાઓ છે, જેનો ઉકેલ લાવવામાં વિજ્ઞાન અનેકવાર થાપ ખાઇ જાય છે. ભીમકુંડ ( Bhim kund ) નો પણ આવો જ રહસ્યમયી ઇતિહાસ છે.
 

bhim kund 
 
ભીમકુંડના ઇતિહાસ વિશે |  Bhim kund
 
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાથી લગભગ 70 કિલોમીટર દૂર બજાણા ગામમાં ભીમકુંડ આવેલ છે. ભીમકંડુના ઇતિહાસને લઇને કથા પ્રચલિત છે કે, મહાભારત કાળમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે દ્વૌપદીને તરસ લાગી. પાંચે પાંડવોએ પાણી શોધ્યું પરંતુ પાણીનો સ્ત્રોત ક્યાંય મળ્યો નહીં. યુધિષ્ઠિરે નકુલને તેની શક્તિનું સ્મરણ કરાવતા પાતાળમાં પાણીનો સ્ત્રોત ક્યાં છે તે જણાવવા કહ્યું. નકુલે ધ્યાન ધરી પાણીનો સ્ત્રોત ક્યાં છે તે જણાવ્યું. પરંતુ પાતાળમાંથી પાણી કેવી રીતે કાઢવું તે પ્રશ્ન ઊભો થયો. તરસથી વ્યાકુળ થયેલી દ્વૌપદીને જોઇ ભીમ તે જગ્યા પર ગદાનો પ્રહાર કર્યો. ભીમની ગદાથી ખાડો પડીને ત્યાં પાણી દેખાવા લાગ્યું પરંતુ 30 ફૂટ નીચે રહેલ પાણી સુધી કેવી રીતે પહોંચવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો. યુધિષ્ઠિરે અર્જુનને તેની ધનુર્વિધાનો ઉપયોગ કરવા કહ્યું. અર્જુને પાણીના સ્ત્રોત સુધી બાણની સીડીઓ બનાવી. આ સીડી મારફતે દ્વૌપદી પાણીના સ્ત્રોત સુધી પહોંચી. ભીમની ગદાથી નિર્મિત આ સ્થળને ભીમકુંડ નામ આપવામાં આવ્યું.
 
નારદ કુંડ તથા નીલ કુંડના નામથી કેમ ઓળખાય છે? | Narad kund | Nil kund
 
પૌરાણિક કથા પ્રમાણે, મહર્ષિ નારદ આકાશમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક યુગલને ઇજાગ્રસ્ત સ્થિતિમાં જોયું. તેમની મદદ કરવાના હેતુથી નારદજી તેમની પાસે પહોંચ્યા, તેમણે જોયું કે, તે બંને રડી રહ્યા હતાં, નારદજીએ તેમને રડવાનું કારણ પૂછતા આ યુગલે જણાવ્યું કે, તે બંને સંગીતના રાગ- રાગિણી છે. સંગીતમાં મહાનિપુણ વ્યક્તિ તેમને સંગીત સંભળાવશે નહીં ત્યાં સુધી તેઓ આ સ્થિતિમાં જ રહેશે તેવો તેમને અભિશાપ મળ્યો છે. નારદજી પોતે બ્રહ્માના પુત્ર હતા. તેઓ સંગીત કળામાં માહેર હતા. આ યુગલનો અભિશાપ દૂર કરવા નારદજીએ ગાન ગાવાનું શરૃ કર્યુ, તેમના ગાયનને સાંભળીને ભગવાન વિષ્ણુ અભિભૂત થયા અને પોતાને કુંડમાં આવેલ પાણીના રૃપમાં પરિવર્તિત કરી લીધા. આથી વાદળી રંગનું પાણી ધરાવતા આ કુંડને નીલકુંડ તેમજ નારદકુંડના નામે પણ ઓળખવામાં આવે છે.
 

bhim kund 
 
ભીમકુંડ ( Bhim kund ) સાધના માટેનું પવિત્ર સ્થળ
 
ભેખડોની વચ્ચે ગુફામાં સ્થિત આ સ્થળ સાધના માટે અતિ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. કહેવાય છે કે, પ્રાચીન સમયથી અહીં ઋષિમુનિઓ, તપસ્વી અને સાધુ- સંતો તપ અને સાધના કરતા. જો કે, વર્તમાનમાં આ સ્થળ સહેલાણીઓ માટે ટુરિસ્ટ પ્લેસ, જ્યારે તજજ્ઞો માટે સંશોધનનો વિષય બન્યું છે.
 
ભીમકુંડ ( Bhim kund ) સાથે જોડાયેલી માન્યતા
 
ભીમકુંડને લઇને માન્યતા છે કે, આ કુંડમાં સ્નાન કરવાથી ત્વચા સંબંધી ગંભીર બીમારીઓ દૂર થાય છે. આ પાણીના માત્ર ત્રણ ટીપાં ગમે તેટલી તરસને છીપાવી શકે છે તેવી પણ માન્યતા છે.
 

bhim kund 
 
રહસ્ય 1 – જળ પ્રલયનો સંકેત આપે છે આ કુંડ
 
અહીંના સ્થાનિકોને આ કુંડના પાણી પરથી પ્રાકૃત્તિક આપત્તિની આગોતરી જાણ થાય છે. સ્થાનિકોના મતે, આ કુંડ પ્રાકૃત્તિક આપત્તિ (એશિયા મહાદ્વીપમાં પૂર, સુનામી જેવા સંકટ) પહેલાં જ સંકેત આપે છે અને કુંડમાં પાણીનું સ્તર એકાએક વધવા લાગે છે.
 
રહસ્ય 2 – કુંડની ઊંડાઇ એ મોટું રહસ્ય
 
સ્થાનિક તંત્ર, વૈજ્ઞાનિકો તેમજ વિદેશી ચેનલો – ડિસ્કવરી સહિત અનેક લોકોએ આ રહસ્યમયી કુંડની ઊંડાઇ તપાસવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે પરંતુ કુંડની ચોક્કસ ઊંડાઇ વિશે માહિતી આપવામાં આજ સુધી કોઇપણ વ્યક્તિને સફળતા મળી નથી. સ્થાનિક તંત્ર દ્વારા ટ્યુબવેલથી અહીંનું પાણી ખેંચી તેનું તળ ચકાસવાના પ્રયાસો કરાયા પરંતુ કુંડમાં તેટલું જ પાણી પાછું ભરાવા લાગ્યું. તો બીજી તરફ ડિસ્કવરી ચેનલ સહિત વૈજ્ઞાનિકોએ તરવૈયાઓને મોકલી અંદરની નક્કર માહિતી લાવવા પ્રયાસ કરાયો. કુંડની ઊંડાઇ જાણવા 200 મીટર સુધી કેમેરા મોકલવામાં આવ્યા પરંતુ તેમ છતાં પણ કુંડની ઊંડાઇ જાણી શક્યા નહીં.
 
રહસ્ય 3 – સ્થિર રહેતું પાણી આટલું નિર્મળ કેમ!
 
ભીમકુંડના પાણીને ગંગા જળ જેવું પવિત્ર માનવામાં આવે છે. સામાન્ય રીતે, સ્થિર પાણી અવાવરૃ થવા લાગે છે પરંતુ અહીંનું પાણી એકદમ સ્વચ્છ, પારદર્શક અને મિનરલ્સયુક્ત છે.
 
રહસ્ય 4 - શાંત જ્વાળામુખી કેમ કહેવાય છે ?
 
આ સ્થળ શાંત જ્વાળામુખી હોવાની વાત પણ પ્રચલિત છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, આ કુંડના 80 ફૂટ નીચે તેજ વહેણ સાથે જળધારા વહે છે, આ જળધારા કુંડને સમુદ્ર સાથે જોડે છે. જો કે આ વાતનો કોઇ નક્કર પુરાવો ઉપલબ્ધ નથી.
 
રહસ્ય 5 – ખરેખર, આ કુંડમાં મૃત શરીર અદ્રશ્ય થઇ જાય છે!
 
સામાન્ય રીતે પાણીમાં જ્યારે કોઇ વ્યક્તિ ડૂબી જાય તો તેનો મૃતદેહ પાણીની સપાટી ઉપર તરવા લાગે છે. પરંતુ આ કુંડમાં ડૂબી જનાર વ્યક્તિનો મૃતદેહ મળતો નથી. જે એક અચરજ પમાડે તેવી બાબત છે.
 
રહસ્ય 6 – પાણી ક્યાંથી આવે છે તે પણ એક રહસ્ય
 
આ કુંડનું જળ સ્તર ક્યારેય ઓછું થતું નથી તેમજ આજદિન સુધી આ પાણીના સ્ત્રોત વિશે પણ જાણકારી મળી શકી નથી. ગરમીના કારણે અહીંના આસપાસના વિસ્તારોમાં નદી- જળાશયો સુકાવા લાગે પરંતુ આ કુંડના પાણીમાંથી જળસ્તર ક્યારેય ઘટતું નથી. જો કે, વૈજ્ઞાનિકો અને તરવૈયાઓના મતે આ કુંડની અંદર બે મોટા કુવા છે, એક કુવામાંથી પાણી આવે છે, જ્યારે બીજા કુવામાંથી પાણી બહાર નીકળે છે.
 
 
 
 
 
 
ઉત્તરાયણના દિવસે મેળો યોજવાની પરંપરા
 
ભીમકુંડની ઉપર વિષ્ણુજી અને લક્ષ્મી માતાનું મંદિર છે. ઉપરાંત ત્રણ નાના મંદિરો પણ સ્થિત છે. આ કુંડ પાસે દર મકરસંક્રાતિના દિવસે મેળો યોજાય છે. 18મી સદીના છેલ્લા દાયકામાં બિજાવર રજવાડાના મહારાજે અહીં મકરસંક્રાંતિ દિવસે મેળાનું આયોજન કર્યુ હતું ત્યારથી અહીં દર વર્ષે મેળો યોજવાની પરંપરા છે.
 
 
કેવી રીતે પહોંચવું | How to Reach?
 
હવાઇ માર્ગ - ભીમકુંડ પહોંચવા માટે અહીં સૌથી નજીકનું એરપોર્ટ ખજુરાહો 92 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંથી ખાનગી વાહનની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
 
ટ્રેન દ્વારા – અહીંથી નજીકનું રેલવે સ્ટેશન છતરપુર 77 કિલોમીટરના અંતરે આવેલું છે
 
માર્ગ દ્વારા - છતરપુર જિલ્લાથી ભીમકુંડ 70 કિલોમીટરના અંતરે આવેલું છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી છતરપુર સરળતાથી પહોંચી શકાય છે. નેશનલ હાઇવે 86 દ્વારા ભોપાલ પહોંચી શકાય છે.
 
- જ્યોતિ દવે