ચોમાસામાં કુદરતી સૌંદર્યને માણવું છે...નર્મદા જિલ્લાના આ સ્થળે પહોંચી જાવ... Best Waterfalls in Gujarat - Narmada

નદી-ધોધ, વન સહિત અનેક પ્રાકૃત્તિક તત્વોથી સભર આ જિલ્લાને મીની કાશ્મીરનું બિરુદ મળ્યું છે. ત્યારે આજે વાત કરીએ નર્મદા જિલ્લામાં આવેલા ધોધ અને તેની આસપાસના જોવાલાયક સ્થળો વિશે

    ૧૧-જુલાઇ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Narmada District Visit Place
 
 
# કુદરતના સૌંદર્યને માણવું હોય તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાને એક્સપ્લોર કરવા જેવો છે
 # ડેડિયાપાડાના નિનાઇ ધોધની આસપાસ પ્રકૃત્તિએ ખોબલે ને ખોબલે સુંદરતા વેરી છે
# અતિપ્રાચીન શૂલપાણેશ્વર મંદિર પાછળની પૌરાણિક માન્યતા જાણવા જેવી છે
#  વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિનું ગજબ વૈવિધ્ય ધરાવે છે શૂલપાણેશ્વર અભ્યારણ્ય
# ઝરવાણીના ધોધનો મનમોહક નજારો કુદરતના ખોળામાં હોવાનો ભાસ કરાવે છે
 
 

Narmada District Visit Place 
 
2, 755 ચોરસ કિલોમીટર જેટલો વ્યાપ ધરાવતો નર્મદા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભલે નાનો હોય પરંતુ પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલો મોટો વન વિસ્તાર ધરાવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, રાજ્યનો 43 ટકા વનવિસ્તાર માત્ર નર્મદા જિલ્લો ધરાવે છે. હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કુદરતે અપ્રતિમ સૌંદર્ય બક્ષ્યું હોય તેવા જિલ્લામાં નર્મદા જિલ્લો પ્રથમ હરોળમાં આવે. ચોમાસાની ઋતુમાં અહીંના વિસ્તારોમાં પ્રકૃત્તિ પૂરબહારમાં ખીલે છે.
 
ગિરિમાળાએ ઓઢેલી લીલી ચાદર, ભીની માટીની મધમધતી સોડમ, કાળા ડિંબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ, પર્વતોની છાતી ચીરીને વહેતા ઝરણાંનો ખળ- ખળ મધુર અવાજ, ચોમાસાના આ મનમોહક દ્રશ્યો અને અનુભૂતિ - પ્રકૃત્તિ પ્રેમીઓ માટે ‘રિચાર્જ પોઇન્ટ’ બની રહે છે.
 
નદી-ધોધ, વન સહિત અનેક પ્રાકૃત્તિક તત્વોથી સભર આ જિલ્લાને મીની કાશ્મીરનું બિરુદ મળ્યું છે. ત્યારે આજે વાત કરીએ નર્મદા જિલ્લામાં આવેલા ધોધ અને તેની આસપાસના જોવાલાયક સ્થળો વિશે...
 
 

Narmada District Visit Place 
 
 
નિનાઇ ધોધ | Ninai Dhodh
 
આ ધોધ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કોકટી ગામેથી 4 કિલોમીટરના અંતરે આવેલો છે. ચોમાસાની ઋતુમાં વિંધ્યા - સાતપુડા ગિરિમાળાની વચ્ચેથી વહેતો આ ધોધ તેના નયનરમ્ય નજારાને કારણે સહેલાણીઓમાં ખાસ્સો લોકપ્રિય છે. આ ધોધની ઊંચાઇ 30 ફૂટ છે. નિનાઇ ગામ પહોંચીને લગભગ 200 પગથિયા ઉતરીને આ ધોધ જોઇ શકાય છે. ધોધ નીચે આવેલી ગુફામાં નિનાઇ માતાનું મંદિર આવેલું છે.
 
 
નોંધ - ચોમાસામાં અહીં લીલને કારણે આ જગ્યા લપસણી થઇ જતી હોવાથી અહીં ચાલતી વખતે ધ્યાન રાખવું હિતાવહ છે.
 
 
કેવી રીતે પહોંચવું ? How To Reach?
 
ભરૂચથી 125 કિલોમીટર તેમજ ડેડિયાપાડાથી 35 કિલોમીટરના અંતરે આ ધોધ આવેલો છે. જ્યારે અમદાવાદથી નિનાઇ ધોધનું અંતર લગભગ 280 કિલોમીટર છે. આ સ્થળ રાજ્ય ધોરીમાર્ગ 163 પર સ્થિત છે.
 
 
અન્ય જોવાલાયક સ્થળો | Narmada District Visit Place
 
જો તમે પ્રકૃત્તિપ્રેમી હોવ તો અહીં ડેડિયાપાડાના જંગલો એક્સપ્લોર કરવા જેવા છે.
 

Narmada District Visit Place 
 
ચુલિયા હનુમાન મંદિર - | Chuliya Hanuman Temple
 
અહીં કોકમ વિસ્તારમાં શ્રી ચુલિયા હનુમાન મંદિર આવેલું છે. શ્રદ્ધાળુઓ આ મંદિર પ્રત્યે અનેરી શ્રધ્ધા ધરાવે છે. સાથે અહીં આવેલ શિવમંદિર પણ સહેલાણીઓમાં કુતુહૂલતા જગાડે છે. આ મંદિરના શિવલિંગ પર ચોવીસ કલાક કુદરતી રીતે જળાભિષેક થાય છે. મંદિરની નજીકમાં વહેતા નાના ઝરણાં પણ આહ્લાદક દ્રશ્યો ઊભા કરે છે.
 
જો તમે કુદરતના ખોળે વધુ સમય વિતાવવા માગતા હોવ, રોકાણ કરવાની ઇચ્છા ધરાવતા હોવ તો માલસમોટ પર્વતની તળેટીમાં આવેલી સાગાઇ ઇકોસાઇટ પર પસંદગી ઉતારી શકો છો. અહીં સ્થાનિક ભોજન, રોકાણ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જો કે તે માટે અગાઉથી બુકિંગ કરવું આવશ્યક છે.
 

Narmada District Visit Place 
 
ઝરવાણી ધોધ | Zarwani Waterfall
 
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમથી માત્ર 28 કિલોમીટરના અંતરે આવેલો ઝરવાણી ધોધ તેના પ્રાકૃતિક સૌંદર્યને કારણે સહેલાણીઓમાં આકર્ષણ જન્માવે છે. અહીં ઊંચાઇએથી વહેણ સાથે પાણી પડતું હોવાથી આ ધોધ જાણે ગર્જના કરતો હોય તેમ ભાસે છે. આ ધોધમાં પાણીની ઊંડાઇ વધુ નથી. આથી બાળકો સાથે અહીં નહાવાનો લુત્ફ ઉઠાવી શકો છો.
 
શૂલપાણેશ્વર અભ્યારણ્યમાં સ્થિત આ ધોધને જોવા જાઓ તો અહીંના અભ્યારણ્ય અને શૂલપાણેશવર મંદિરની મુલાકાત લેવા જેવી છે. આ આખી જગ્યા વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ગજબ વૈવિધ્ય ધરાવે છે.
 
આ સ્થળ અમદાવાદથી 203 કિલોમીટરના અંતરે આવેલું છે.
 

Narmada District Visit Place 
 
શૂલપાણેશ્વર અભ્યારણ્ય  | Surpaneshwar Sanctuary
 
આ અભ્યારણ્ય 607 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. લીલાછમ ગાઢ જંગલો અને સાગના વૃક્ષો ધરાવતા આ અભ્યારણ્યની સ્થાપના વર્ષ 1982માં કરવામાં આવી. આ અભ્યારણ્ય કીડીખાઉં, ગરણ, ચિત્તળ, કાળા રીંછ, વાંદરા, ચાર શિંગડા ધરાવતા એન્ટેલોપ નામથી જાણીતા હરણ, જંગલી ગરોળી, ઘેઘૂર બિલાડા, ઉડતી ખિસકોલી, અજગર, શાહુડી જેવા અનેક પ્રાણીઓનું આશ્રયસ્થાન છે.
 

Narmada District Visit Place 
 
શૂલપાણેશ્વર મંદિર | Surpaneshwar Temple
 
શૂલપાણીશ્વરનો અર્થ છે – જેના હાથ(પાણિ)માં (ત્રિ)શૂલ છે તે.
 
પૌરાણિક માન્યતા પ્રમાણે, બ્રહ્માના દીકરા (કશ્યપ)ના પુત્ર અંધક મહાપરાક્રમી, બળથી ગર્વિત દાનવ હતા. શંકર ભગવાનને રીઝવવા રેવાતટ પર તેમણે ઘોર તપ કર્યું હતું. પ્રસન્ન થયેલા શંકર ભગવાન પાસે અંધકે અજેય રહેવાનું વરદાન માંગ્યુ ત્યારે ભગવાને ભગવાન વિષ્ણુ અને શિવ સિવાયના તમામ દેવોને તે જીતી શકશે તેવું વરદાન આપ્યું, વરદાન મળતાની સાથે અંધકે મેરુ પર્વત પર ચઢાઇ કરી, ઇન્દ્રને પરાસ્ત કરી તેમની પત્નીને શચીને પોતાના નગર બન્ની લઇ ગયા હતા. ઇન્દ્ર સહિતના દેવતાઓએ વિષ્ણુ ભગવાનને તેના ત્રાસમાંથી છોડાવવા આજીજી કરી હતી. વિષ્ણુ ભગવાન સાથેના યુદ્ધમાં હારતા અંધકે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી તેમની પાસેથી ઉત્તમ યુદ્ધ કરી શકે તેવું વરદાન માંગ્યુ. વિષ્ણુ ભગવાને ભગવાન શંકરને કોપાયમાન કરીને આ યુદ્ધ લડવા કહ્યું. અંધકે કૈલાસ પર્વતને ધ્રૂજાવી ભગવાન શિવને ક્રોધિત કર્યા અને તેમની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં અંતે શંકર ભગવાને દાનવ અંધકને ત્રિશૂલથી ભેદી નાખ્યા હતા.
 
અંધકના વધથી અશુદ્ધ થયેલ ત્રિશુળને નિર્મળ કરવા તેમણે ત્રિશૂલની અણીથી પર્વત ભેદ્યો. ત્યાં જળ ભરેલા ત્રણ કુંડ બન્યા. શંકર ભગવાને ત્રિશૂલના અગ્રભાગથી રેખા કરીને ત્યાં પાણી વહેવા લાગ્યું અને તે રેવાનદીમાં એકાકાર થયું. આ શલભેદમાં શંકર ભગવાને સ્નાન કરી પોતાને શુદ્ધ માન્યા, ત્યારથી આ સ્થળ શૂલભેદતીર્થ તરીકે જાણીતું બન્યું છે.
 
- જ્યોતિ દવે