વસ્તીવધારો અભિશાપ કે આશીર્વાદ ? ૩૬ કરોડથી ૧૪૨.૮૬ કરોડની વસ્તી ભારતની થઈ છે ત્યારે તેના હકારાત્મક અને નકારાત્મક પાસાંઓ સમજવા જેવા છે...

ભારતની વસ્તી ૧૪૨.૮૬ કરોડ થઈ ગઈ છે. એટલે કે ચીનની વસ્તી કરતાં લાખો લોકો ભારતમાં વધુ છે. હવે સવાલ એ છે કે વધતી વસ્તી અભિશાપ છે કે આશીર્વાદ ? તા. ૧૧મી જુલાઈના રોજ વસ્તી દિન છે ત્યારે આપણે આ મુખપૃષ્ઠ વાર્તામાં વસ્તીવધારાનાં હકારાત્મક અને નકારાત્મક પાસાંઓની ચર્ચા કરીશું.

    ૧૧-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Advantages and Disadvantages of Population
 
 
વસ્તીની દૃષ્ટિએ ભારત હવે ચીનને પાછળ છોડી સમગ્ર વિશ્વમાં નંબર વન બની ગયું છે. આ વર્ષની શરૂઆતમાં વૈશ્વિક નિષ્ણાતોએ આગાહી કરી હતી કે ૨૦૨૩માં ભારતમાં સૌથી વધુ વસ્તી હશે અને ટૂક સમય પહેલાં જ યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)એ આ અંગે નવો ડેટા જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં ચીનની કુલ વસ્તી ૧૪૨.૫૭ કરોડ છે, જ્યારે ભારતની વસ્તી ૧૪૨.૮૬ કરોડ થઈ ગઈ છે. એટલે કે ચીનની વસ્તી કરતાં લાખો લોકો ભારતમાં વધુ છે. હવે સવાલ એ છે કે વધતી વસ્તી અભિશાપ છે કે આશીર્વાદ ? તા. ૧૧મી જુલાઈના રોજ વસ્તી દિન છે ત્યારે આપણે આ મુખપૃષ્ઠ વાર્તામાં વસ્તીવધારાનાં હકારાત્મક અને નકારાત્મક પાસાંઓની ચર્ચા કરીશું.
 
ભારત દેશ આજે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે તેની વસ્તી ચીન કરતાં વધી ગઈ છે. એક સમય હતો જ્યારે ભારતમાં વસ્તીનિયંત્રણ માટે વિશેષ પ્રયત્ન થઈ રહ્યા હતા. આ વસ્તીવધારો અભિશાપ છે કે આશીર્વાદ તેની ચર્ચા કરતાં પહેલાં થોડો ઇતિહાસ જોઈએ.
 
આજથી ૭૫ વર્ષ પહેલાં ભારતને પૃથ્વીની ૨.૪ ટકા જમીન પર ૧૪.૯ ટકા વસ્તી સાથે આઝાદી મળી હતી. આ સાથે ઝડપથી વિકસતા ભારતીયોના સારા જીવન માટે સારું શિક્ષણ-દવા, પૂરતું ભોજન અને રોજગાર વગેરે ઉપલબ્ધ કરાવવાની ચિંતા શરૂ થઈ. આઝાદી પછી તરત જ સરકારને સમજાયું કે, આટલી મોટી વસ્તી માટે સંસાધનો પૂરાં પાડવાં ભવિષ્યમાં મુશ્કેલ બનશે. સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તીગણતરી ૧૯૫૧માં હાથ ધરવામાં આવી હતી અને તે જાણવા મળ્યું હતું કે ભારતની કુલ વસ્તી લગભગ ૩૬ કરોડ છે. આને ધ્યાનમાં રાખીને ભારતે ૧૯૫૨માં વિશ્વનો પ્રથમ કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કર્યો. આમ છતાં ૧૯૬૧ની વસ્તીગણતરીમાં ભારતની વસ્તી વધીને લગભગ ૪૪ કરોડ થવાની સાથે ચિંતાઓ વધુ વધી. આને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૬૩માં ભારત સરકાર દ્વારા ફરી વ્યાપક રીતે કુટુબ નિયોજન શરૂ થયું.
 
વર્ષ ૧૯૬૬માં ભારતના નાગરિકોને કુટુંબ નિયોજન માટે ગર્ભનિરોધક સુવિધાઓ પૂરી પાડવા માટે હિન્દુસ્તાન લેટેક્સ લિમિટેડ નામના યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. આ બધું હોવા છતાં ૧૯૭૧ની વસ્તી-ગણતરીમાં દેશની વસ્તી વધીને લગભગ ૫૫ કરોડ થઈ ગઈ. ત્યાં સુધી કુટુંબ નિયોજન આપણા બંધારણનો ભાગ નહોતું. વર્ષ ૧૯૭૬માં બંધારણના ૪૨મા સુધારા દ્વારા બંધારણની સાતમી અનુસૂચિમાં ઉલ્લેખિત સમવર્તી યાદીમાં વસ્તીનિયંત્રણ અને કુટુંબ આયોજન ઉમેરવામાં આવ્યું હતું. વસ્તીનિયંત્રણ માટે મોટા પાયે લક્ષ્ય-આધારિત નસબંધી કાર્યક્રમો પણ ચલાવવામાં આવ્યા હતા. તે સમયે ભારતમાં લગભગ ૬૨ લાખ લોકોની નસબંધી કરવામાં આવી હતી. આટલા પ્રયત્નો છતાં ૧૯૮૧ની વસ્તી ગણતરીમાં દેશની વસ્તી વધીને લગભગ ૬૮ કરોડ થઈ ગઈ. છેલ્લી સદીના છઠ્ઠા દાયકામાં ભારતના વસ્તીનિયંત્રણ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ચીને પણ આ દિશામાં પ્રયાસો શરૂ કર્યા અને તે લક્ષ્યને પૂર્ણ કરવામાં ચીનને સફળતા મળવા લાગી. ૧૯૭૯માં ભારતની માથાદીઠ આવક અને અર્થવ્યવસ્થા લગભગ ચીન જેટલી હતી.
 
૧૯૮૩માં વસ્તીનિયંત્રણના હેતુથી સંસદમાં દેશનું પ્રથમ ખાનગી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી વિવિધ પક્ષોના ૪૫ સાંસદોએ વસ્તીનિયંત્રણ માટે સંસદમાં ખાનગી બિલ રજૂ કર્યાં છે. ભારતની વધતી વસ્તીની ચિંતા હોવા છતાં ૧૯૯૧ની વસ્તીગણતરી મુજબ ભારતની વસ્તી ૬૮ કરોડથી વધીને લગભગ ૮૫ કરોડ થઈ ગઈ.
 
જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ સમાજ માટે રોલ મૅાડલ બનવું જોઈએ. તેમને જોઈને અન્ય દેશવાસીઓ પણ ઓછા બાળકોને જન્મ આપવા માટે પ્રેરિત થઈ શકે, આ હેતુથી પીવી નરસિમ્હા રાવ સરકાર દ્વારા બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રથમ ૭૯મું બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ દ્વારા ધારાસભ્યો અને સાંસદોને બે સંતાન નીતિના દાયરામાં લાવવાના હતા. જો તે ખરડો સંસદમાં પસાર થાય તો બેથી વધુ બાળકો ધરાવનાર કોઈપણ વ્યક્તિ ધારાસભ્ય કે સાંસદ બની શકતો ન હતો, પરંતુ ઘણા સાંસદો અને પક્ષોના વિરોધને કારણે તે બિલ પર ચર્ચા થઈ શકી ન હતી.
આ પછી અખિલ ભારતીય સેવા આચાર નિયમો, ૧૯૬૮માં સુધારો કરીને ૧૭A ઉમેરવામાં આવ્યો. તેમના મતે ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવાના તમામ અધિકારીઓને બેથી વધુ બાળકોને જન્મ આપવા પર પ્રતિબંધ હતો, પરંતુ વસ્તી નિયંત્રણના હેતુથી બનાવવામાં આવેલ આવા કોઈ જ નિયમનું ખાસ પાલન કરવામાં આવ્યું નહીં. વર્ષ ૨૦૦૦માં ભારતમાં નવી વસ્તીનીતિ લાગુ કરવામાં આવી હતી. આમ છતાં ભારતની વસ્તી ૨૦૦૧માં ૧૦૨ કરોડથી વધીને ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ૧૨૧ કરોડ થઈ ગઈ હતી. અને આજે ભારતની વસ્તી ૧૪૨ કરોડથી વધુ થઈ ગઈ છે.
 

Advantages and Disadvantages of Population 
 
શું વધારે વસ્તી અભિશાપ છે ? Advantages and Disadvantages of Population
 
ભારતમાં એક સમયે વસ્તીનિયંત્રણ માટે ખૂબ પગલાં લેવાયાં હતાં તે ઇતિહાસ આપણે જોયો. વર્તમાનમાં પણ ભારતની વધેલી વસ્તીથી કેટલાક નિષ્ણાતો અને નાગરિકો ચતા વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે વસ્તી વધશે તો ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થશે. જમીન, પાણી, રોજગારી વગેરેની અછત ઊભી થશે. અને તેને કારણે દેશમાં સામાજિક, આર્થિક, ન્યાયિક વગેરે અનેક મુશ્કેલીઓ ઊભી થશે.
 
સતત વધતી વસ્તી એ સંસાધનોના અભાવનું કારણ બની રહી છે અને તેથી જ વિશ્વભરની વસ્તીને ઘટાડવાની, મર્યાદિત કરવાની વાતો થઈ રહી છે, પ્રયત્નો થઈ રહ્યા છે. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી વસ્તી ૩૩ કરોડ હતી, હવે તે વધીને ૧૪૨ કરોડનો આંકડો વટાવી ગઈ છે.
 
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને ૧૯૪૭માં વિદેશી પત્રકાર દ્વારા દેશની સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, તેમની સામે ૩૩ કરોડ સમસ્યાઓ છે. તેઓ એ કહેવા માંગતા હતા કે દરેક નાગરિક સાથે એક સમસ્યા જોડાયેલી હોય છે અને દરેક નાગરિકની સમસ્યા હલ થવી જરૂરી છે. સ્પષ્ટ છે કે આજે આપણી સમસ્યાઓ ૧૯૪૭ની તુલનામાં ઘણી વધારે છે. નિઃશંકપણે આ દરમિયાન આપણાં સંસાધનોમાં પણ વધારો થયો છે અને તેનો લાભ આપણી વધતી વસ્તીને થયો છે. નહેરુજી સામે ૩૩ કરોડ સમસ્યાઓ હતી, આજે દેશ ૧૪૨ કરોડ સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પડકાર ઘણો મોટો છે. સવાલ માત્ર દરેક મોઢાને ભોજન આપવાનો જ નથી. દરેક હાથને કામ આપવાનો પણ છે, દરેક માથા માટે છત આપવાનો પણ છે. સવાલ ફક્ત જીવવાનો નથી, સવાલ સારી રીતે જીવવાનો છે.
 
અન્નનું ઉત્પાદન કરવામાં ભારતનો બીજો નંબર છે, ભારતમાં ૫૨૮૮ યુનિવર્સિટી છે જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે. અમેરિકા પણ ૩૨૧૬ યુનિવર્સિટી સાથે બીજા ક્રમે છે. ૯૨ કરોડ મતદારો સાથે આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અમેરિકા, ચીન, જાપાન અને જર્મની પછી પાંચમા ક્રમે ભારતનું અર્થતંત્ર છે.
 
કુદરતી સ્રોતો ઘટી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્ર ફરી રહ્યું છે. આ સંજોગોમાં કમોસમી વરસાદ, પાક નિષ્ફળ જવો એવી ઘટનાઓને પણ સાધારણ રીતે લઈ શકાય તેમ નથી. આ બધું જ એકબીજા સાથે સંકળાયેલું છે. સામાન્ય દિવસો કે મહામારી કઈ પણ હોય, વસ્તીનો વધારો આપણા માટે ફક્ત રાજી થવા જેવી વાત નથી. પાણી અને કોલસો પણ ખૂટી રહ્યાં છે ત્યારે આ વધતી વસ્તી ચિંતાનો વિષય બની છે. ભારતમાં શિશુ જન્મદર ઘટ્યો છે તે તબીબી ક્ષેત્રની સિદ્ધિ અને સામાજિક ષ્ટિએ ઘણી અગત્યની વાત છે. સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. દર વર્ષે અઢી કરોડ બાળકો અહીં જન્મ લે છે. ૨૦૫૦ સુધીમાં આપણે ૧૬૬ કરોડ હોઈશું એવો અંદાજ મુકાયો છે.
 
વિશ્વબેન્ક તરફથી થયેલી આ વિગત કે સંખ્યાને ધ્યાને ન લઈએ તો પણ નરી આંખે દેખાય તેવા પડકાર છે. ૧૪૨ કરોડ લોકોને પોષવા, તેમનાં પાણી-અન્ન, આરોગ્યની વ્યવસ્થા કરવાની મોટી જવાબદારી છે. આટલી મોટી સંખ્યામાં માણસો વસતા હોય તેમને રોજગારી પૂરી પાડવી પણ મોટી વાત છે. કુદરતી સાધન-સંપત્તિનો અપૂરતો ઉપયોગ આપણા અર્થતંત્રની મૂળભૂત સમસ્યા છે. શહેરી વસ્તીને ધ્યાને લઈએ તો ટ્રાફિક અને રહેઠાણની ગીચતા મોટી સમસ્યા છે. પુલ બંધાય કે પહોળા રસ્તા થાય છતાં ટ્રાફિક સમસ્યા અને તેને લીધે ઉદભવતા પ્રદૂષણના પ્રશ્ન વસ્તીને કારણે વધારે સંગીન બનશે.
 
દેશની વસ્તી આજે ૧૪૨ કરોડે પહોંચી છે ત્યારે નિષ્ણાતો આ સમસ્યાને હજુ વધુ ઘેરી બનવાનાં એંધાણ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, `ભારતની વસ્તીમાં મોટો વધારો થઈ રહ્યો હોવાથી વધતી જતી વસ્તી અને ઉપલબ્ધ સંસાધનો વચ્ચે સંતુલન જાળવી રાખવાનું વધુ ને વધુ મુશ્કેલ બનશે. તેનાથી વધુ અનાજ, મકાનો, વધુ શિક્ષણ સુવિધાઓ, આરોગ્યસુવિધા અને વધુ રોજગારીની તકોની પણ જરૂર પડશે. માથાદીઠ ઉપલબ્ધ જગ્યા અને અન્ન-પાણીમાં ઘટાડો થશે. વધતી જતી વસ્તીથી પર્યાવરણીય સમસ્યાઓ પણ ઊભી થશે. જંગલોમાં ઘટાડો થશે અને પ્રદૂષણમાં વધારો થશે. કોલસો, તેલ, નેચરલ ગેસ, ખનિજો, વૃક્ષો, પશુઓ અને પાણી જેવાં સંસાધનોનો વધુ પડતો ઉપયોગ કરવો પડશે અને આવાં કુદરતી સંસાધનોની અછત ઊભી થઈ શકે છે.'
 
શું વધારે વસ્તી આશીર્વાદ સમાન છે ? Advantages and Disadvantages of Population ?
 
ઉપરોક્ત ચર્ચામાં આપણે વસ્તીવધારાના નકારાત્મક પાસા અને તેનાથી ઊભી થતી સમસ્યા અંગે છણાવટ કરી. ભારતની વસ્તી ચીનથી વધી ગઈ છે અને પડકારો ઘણા છે. વડાપ્રધાનશ્રીએ પણ થોડા સમય પહેલાં લાલ કિલ્લા પરથી વસ્તીવધારા અંગે લાલબત્તી બતાવી હતી, પરંતુ ઘણા નિષ્ણાતો વસ્તીવધારાને હકારાત્મક ષ્ટિએ પણ લઈ રહ્યા છે. એક એવો વર્ગ પણ છે જે કહે છે કે, વસ્તીવધારો આશીર્વાદ સમાન છે. કેટલાક નિષ્ણાતો એના માટેનાં વાજબી કારણો પણ આપે છે. તેઓ કહે છે કે, `વસ્તી એટલે માનવબળ. આ માનવો વિકાસને મજબૂત વેગ આપી શકે છે. વસ્તીના લાભો તેની સંખ્યાને આધારે નહીં, પરંતુ ક્વોલિટીને આધારે મળે છે. વસ્તી મહત્ત્વની છે, પરંતુ તેના કરતાં ટેલેન્ટ વધુ મહત્ત્વનું છે.' હવે જોઈએ કે વસ્તીવધારો કઈ રીતે કોઈપણ દેશ માટે વિકાસનું ટૂલ બની શકે છે. એટલે કે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
 
દેશનાં કેટલાંક તજજ્ઞો હવે દેશની વસ્તીને અભિશાપરૂપે નહીં, બલકે એક ગંજાવર વર્કફોર્સ તરીકે, વિકાસના ટૂલ તરીકે જોઈ રહ્યા છે. અમેરિકા અને પશ્ચિમ યુરોપની ટ્રિપલ P (3P)ના આધારે જીડીપી આજે ૪૧ ટકા છે તે ઘટીને ૨૦૫૦માં ૧૮ ટકા થઈ જશે અને ભારતમાં તથા એશિયામાં ૨૭ ટકાથી વધીને ૪૯ ટકા થઈ જશે. ભારતના ઓવર પોપ્યુલેશનનો ફાયદો લેવો જોઈએ. શિક્ષણની યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે તો વસ્તી વિસ્ફોટનો ફાયદો ઉઠાવી શકાય તેમ છે. યુરોપમાં વૃદ્ધ થઈ રહેલી વસ્તીને કારણે વિકાસદર ઘટી રહ્યો છે, ભારતમાં યુવાનોની સંખ્યા વસ્તીના ૬૦ ટકા સુધી પહોંચી રહી છે - એનો ફાયદો મળશે. ભારત પોતાની વસ્તી અને તે વસ્તીમાં યુવાનોની સૌથી વધુ ટકાવારીના જોરે જીતી જશે, ભારતે વિશ્વના લીડર બનવા માટે આ વસ્તીનો ઉપયોગ કરવો જોઈશે.
 
એક જમાનો હતો જ્યારે ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના ઇશારે કટોકટી દરમિયાન બળજબરીપૂર્વક નસબંધી કરાવીને વસ્તીને કાબૂમાં લેવાનો અમાનવીય પ્રયોગ કરાયો હતો. તે સમયે માત્ર નેતાગીરી જ નહીં, નિષ્ણાતો પણ માનતા હતા કે, વસ્તીવિસ્ફોટ એટલે વિનાશ. પરંતુ ૧૯૯૧માં ભારતે ઉદારીકરણ માટે દેશના દરવાજા ખોલ્યા ત્યારે સમજાયું કે, ભારતનું વિશાળ બજાર અંકે કરવા માટે વિશ્વ કેટલું ઉત્સુક છે. તે પછી લોકોને લાગ્યું કે, ભારતની વસ્તી અભિશાપરૂપ નથી, આશીર્વાદરૂપ છે. વસ્તીથી ફાટફાટ થતા બે રાષ્ટ્રો ચીન અને ભારત સમાઈ ન શકે એટલી વસ્તીના કારણે પડી ભાંગશે એવી આગાહીઓ ખોટી પડી અને બંને દેશોના વિકાસદર ઊંચકાવા માંડ્યા. ભારતમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતો સસ્તો વર્કફોર્સ તૈયાર થયો જેને કારણે ઉત્પાદનમાં અઢળક વધારો થયો. જેટલા લોકો નિવૃત્ત થઈ રહ્યા છે તેના કરતાં ત્રણ ગણો વર્કફોર્સ બજારમાં આવી રહ્યો છે. તે વર્કફોર્સની કમાણીને કારણે ખરીદશક્તિ વધવા માંડી અને તેના કારણે દેશમાં વિકાસના નવા આયામો સર્જાયા છે.
 
વર્તમાનમાં ભારતની વસ્તી ચીનથી વધી છે, પરંતુ આર્થિક ષ્ટિએ પણ ભારત ચીનની હારોહાર ચાલી રહ્યું છે. ચીન હાલ મોટા અર્થતંત્ર તરીકે અમેરિકાને ઓવરટેક કરી ગયું છે. ભારત ૨૦૩૦ પહેલાં ચીનને ઓવરટેક કરીને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનશે એવી ગણતરી અર્થતંત્રના ખેરખાંઓ માંડી રહ્યા છે. બધા જ આ વિકાસ માટે ભારતની વસ્તીને યશ આપી રહ્યા છે. વસ્તી વધુ તેટલી જરૂરિયાત વધુ અર્થાત્‌ ગ્રાહકો વધુ અને તેના કારણે આવક અને વિકાસ વધુ.
 
આમ, દેશના નિષ્ણાતો વસ્તીવધારાને વિકાસના ટૂલ તરીકે જોઈ રહ્યા છે. તેમના અભિપ્રાયો આવકાર્ય પણ છે. તેઓ કહે છે કે, `વસ્તી વધતાં બજાર વિસ્તરે છે અને વિસ્તરેલું બજાર ઉત્પાદકો માટે વધુ ઉત્પાદન કરવાનું કારણ પૂરું પાડે છે. તેનાથી નવા ઉદ્યોગો નખાય છે, જે અંતે આર્થિક વિકાસનાં પરિણામોમાં પરિવર્તિત થાય છે.'
 
વિસ્તરેલું બજાર રોકાણકારોને આકર્ષે છે અને તેનાથી દેશમાં નાણાંનો પ્રવાહ બહારથી આવવા માંડે છે. વસ્તી વધતાં ખાદ્યાન્નની તંગી થાય, ફુગાવો વધે, ગરીબી વધે એવું પણ બની શકે પણ ભારતનો વિશાળ યુવાન પ્રશિક્ષિત અને ટેલેન્ટેડ વર્કફોર્સ આવી સ્થિતિ આવવા દે તેમ નથી.
 
યુરોપના દેશોમાં હવે ઓછી વસ્તીની સમસ્યા છે. બ્રિટનમાં અત્યારે એક યુવાન નોકરી કે ધંધો શરૂ કરે તેની સામે બે માણસો નિવૃત્ત થાય છે. તેમના મતે નિવૃત્ત માણસ, વિથ ઓલ રિસ્પેકટ ટુ ઓલ સિનિયર સિટિઝન્સ, અર્થતંત્ર પર તો બોજ જ છે. એટલે, બ્રિટનનું અર્થતંત્ર ઘરડાઓના ભારે નબળું પડી રહ્યું છે. વસ્તીને કાબૂમાં રાખીને સ્રોતોને જાળવી રાખવાનું ગણિત ખોટું પડ્યું છે. માત્ર બ્રિટન જ નહીં, અમેરિકા અને યુરોપના ઘણાખરા દેશો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ બધા અનુભવોને આધારે જ કહી શકાય કે, `સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત આવનારા સમયમાં પ્રગતિનાં નવાં શિખરો સર કરશે.'
 
વસ્તીનું અસંતુલન પણ એક પડકાર
 
આપણે આગળ વસ્તીવધારાથી ઉદભવતી સમસ્યાઓ તથા વસ્તીવધારાનો માનવબળ તરીકે ઉપયોગ કરીને થઈ શકે તેવા વિકાસની વાત કરી. પરંતુ એક મત બીજો પણ છે અને તે છે વસ્તીનું અસંતુલન અને તેને કારણે ઉદભવતા પ્રશ્નો. ઇન્ડિયા ફાઉન્ડેશનનાં બોર્ડ ઓફ ગવર્નરના મેમ્બર શ્રી રામ માધવે થોડા સમય પહેલાં જ આ મુદ્દે વિસ્તૃત છણાવટ કરી હતી. આ ચર્ચા ભારતની વસ્તી ચીન કરતાં વધું જાહેર થઈ તે પહેલાંની છે. પણ વર્તમાન સ્થિતિમાં અચૂક સમજવા જેવી છે. તેમણે એ લેખમાં છણાવટ કરેલ મુદ્દાઓ હવે જોઈએ.
 
શ્રી રામ માધવે લખ્યું છે કે, `૧૫ નવેમ્બરના રોજ દુનિયાની વસ્તી ૮ અબજના આંકડાને પાર કરી જશે. ઓક્ટોબર, ૧૯૯૯માં દુનિયામાં ૬ અબજ લોકો હતા. બે દાયકામાં આપણે બે અબજનો ઉમેરો કર્યો છે. યુએનના ડેમોગ્રાફર્સનો અંદાજ છે કે ૨૦૫૦ સુધી પૃથ્વી પર ૯.૮ અબજ અને ભારતની વસ્તી ૧.૬૫ અબજના આંકડાને પાર કરી જશે. આ દરમિયાન ચીનની વસ્તી ઘટશે અને ત્યાં સુધી ૧.૩ અબજ થઈ જશે. ભારત પણ એ સમય સુધી પોતાના પિક પર પહોંચી ગયું હશે અને ૨૧૦૦ સુધી તેની વસ્તી ઘટીને ૧.૧ અબજ પર અટકી શકે છે.
 
કેટલાક ડેમોગ્રાફરો માટે વસ્તીવધારા સંબંધિત ચિંતાઓ નકામી છે. યુએન વર્લ્ડ પોપ્યુલેશન ફંડના રેશેલ સ્નો કહે છે કે, `હકીકતમાં દુનિયામાં વસ્તીનો વધારો ધીમો પડી ગયો છે અને ૫૦થી વધુ દેશ એવા છે, જ્યાં વસ્તી ઘટવા લાગી છે. ૮ અબજ લોકોનો અર્થ ૮ અબજ નવા વિચારોની સંભાવનાઓ એવો થાય છે. માટે હું તો આશાવાદી છું.'
 
કેટો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ વર્ષના પ્રારંભમાં પ્રકાશિત એક નવા પુસ્તક સુપરઅમ્બડેન્સમાં કહેવાયું છે કે, `વસ્તીવધારો સારી વાત છે.' પુસ્તકના લેખક માર્ટી ટ્યુટીપ અને ગેલ પૂલે કહે છે કે, `જો સરેરાશ કાઢીએ તો દરેક મનુષ્યએ પોતાના ઉપભોગ કરતા વધુ વેલ્યુનું સર્જન કર્યું છે.' જો કે, બધા લોકો આ આશાવાદ સાથે સહમત નથી. અનેકને લાગે છે કે, વધુ વસ્તી એટલે વધુ ભોજનની જરૂર, સંસાધનોનો વધુ વપરાશ અને પર્યાવરણમાં વધુ કાર્બનનું ઉત્સર્જન.
 
થોડા વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, `નાનો પરિવાર હોવો પણ એક પ્રકારનો દેશપ્રેમ છે. દુનિયામાં એક નવું જીવન લાવતાં પહેલાં ફરી એકવાર થોભીને એ વિચારવાની જરૂર છે કે, શું તેઓ એ બાળક સાથે ન્યાય કરી શકશે અને તેને તેની જરૂરિયાતની વસ્તુઓ આપી શકશે?' અનેક લોકો વડાપ્રધાનની આ વાતો સાથે સહમત હશે. જો કે વસ્તીનું આ આંકડાશાસ્ત્ર એક જટિલ વિષય છે. વીતેલી સદીમાં વિકસિત દેશો અને ચીને વધતી વસ્તીને ખતરનાક માનીને વસ્તી નિયંત્રણના પ્રયાસ કર્યા હતા, પરંતુ આજે તેઓ ઘટતા જન્મદર અને કાર્યક્રમ વસ્તીની ઘટતી સંખ્યાનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં વસ્તી ઝડપથી વધી રહી છે. એક અંદાજ મુજબ ૨૧૦૦ સુધી આફ્રિકાની વસ્તી દુનિયાની કુલ વસ્તીના ૪૯ ટકાની આસપાસ થઈ જશે. આ જ રીતે મુસ્લિમ દેશોમાં પણ વસ્તી વધી રહી છે. ૨૦૩૦ સુધી દુનિયામાં મુસ્લિમ વસ્તી ૨.૨ અબજ સુધી પહોંચવાની સંભાવના છે. આરબ વિશ્વના સૌથી મોટા દેશ ઇજિપ્તની વસ્તી ૧૯૬૦માં ૨.૫ કરોડ હતી, જે દક્ષિણ કોરિયા જેટલી હતી. આજે દક્ષિણ કોરિયાની વસ્તી બમણી થઈ છે, જ્યારે ઇજિપ્તની વસ્તી ચારગણી વધીને ૧૧ કરોડનો પાર થઈ ગઈ છે.
 
PEW રિસર્ચ ફાઉન્ડેશનનું પૂર્વાનુમાન છે કે, ૨૦૫૦ સુધી દુનિયામાં મુસ્લિમોની વસ્તી ૨.૮ અબજ સુધી પહોંચી જશે, જ્યારે ખ્રિસ્તીની સંખ્યા ૨.૯ અબજ હશે. તેમની તુલનામાં હિન્દુ વસ્તી ૧.૪ અબજથી પણ ઓછી હશે. ૨૦૧૦થી ૨૦૫૦ની વચ્ચે દુનિયાની વસ્તીમાં ૭૫ કરોડ ખ્રિસ્તી અને ૩૫ કરોડ હિન્દુઓનો વધારો થશે, જ્યારે આ જ સમયગાળામાં મુસ્લિમો ૧.૨ અબજ વધી ગયા હશે. ૨૦૫૦ સુધી ભારતમાં હિન્દુઓની વસ્તી ૧.૩ અબજ હશે અને એ સમયે ભારત દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.
 
આ પરિપ્રેક્ષ્યમાં રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતના એ આગ્રહને જોવો જોઈએ, જેમાં તેમણે એક સંતુલિત વસ્તી નિયંત્રણ નીતિ અપનાવવાની વાત જણાવી હતી, જે દરેક પર સમાન રીતે લાગુ થાય અને તેમાં કોઈને છૂટ ન અપાય. અસંતુલિત વસ્તી વધારાના જોખમ તરફ ઇશારો કરતાં ભાગવતજીએ ઈસ્ટ ટિમોર, સાઉથ સુદાન અને કોસોવા જેવા દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, `જ્યારે વસ્તીની સંખ્યા-અસંતુલનની સ્થિતિ બને છે તો દેશ તૂટે છે અને નવા દેશોનું નિર્માણ થાય છે.' જો કે, આશાનું કિરણ છે કે, આખી દુનિયામાં વસ્તી વધારાનો દર ઘટી રહ્યો છે, જો કે, બીજા સમુદાયોની તુલનામાં મુસ્લિમોનો વસ્તી વધારાનો દર વધુ છે.
 
હવે શું કરવું પડશે
 
વસ્તી અભિશાપ કે આશીર્વાદ, વસ્તી વિનાશનું મૂળ છે કે વિકાસનું ટૂલ. એ બધી ચર્ચાઓ એના સ્થાને છે, અને વાસ્તવિક્તા એના સ્થાને. વર્તમાન સમયમાં દેશના નેતૃત્વોએ એ વિચારવાની જરૂર છે કે, ભારતની વસ્તી નં. ૧ પર પહોંચી છે ત્યારે દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ. ભારતમાં નિવાસ, જળ, ભોજન, રોજગારી વગેરે પ્રાથમિક જરૂરિયાતો ઉપલબ્ધ થાય તે માટે શુ કરવું જોઈએ ! વસ્તી વધતાં પ્રકૃતિને હાનિ ન પહોંચે અને તેના કારણે ગ્લોબલ વોર્મિંગ કે અન્ય કોઈ સમસ્યાઓ ઊભી ન થાય તે માટે કેવા પ્રયોગો કરવા જોઈએ ! અને સૌથી મહત્ત્વનું કે, વસ્તીનું અસંતુલન ન થાય તે માટે શું કરવું જોઈએ !
 
ઉપરોક્ત પ્રશ્નોના સમાધાન માટે સરકારે અત્યારે અનેક પ્રકારે પગલાં ભરવાનાં શરૂ કર્યાં છે. તેમાં સૌથી મહત્ત્વના બે મુદ્દાઓ છે - વૃદ્ધો અને યુવાનો. આપણે તેના વિશે વાત કરીએ તો ભારતમાં ૨૦૩૦ સુધીમાં વૃદ્ધોની સંખ્યા ૧૯.૨ કરોડ થવાનો અંદાજ છે. ૨૦૫૦ સુધીમાં દરેક પાંચમો ભારતીય વૃદ્ધ વ્યક્તિ હશે. યુએનના અંદાજ મુજબ આગામી ત્રણ દાયકા સુધી ભારતની વસ્તીમાં વધારો ચાલુ થશે અને તે પછી તેમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થશે. સંયુક્ત રાષ્ટના વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ-૨૦૨૨ મુજબ, ૨૦૫૦ સુધીમાં ભારતની વસ્તી વધીને ૧૬૫ કરોડ થવાની ધારણા છે, જ્યારે ચીનની વસ્તી ઘટીને ૧૩૦ કરોડ થઈ જશે. ભારતમાં ૨૦૩૦ સુધીમાં વૃદ્ધોની વસ્તી બમણી એટલે કે ૧૯.૨ કરોડ થઈ જશે. દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં વૃદ્ધોની વસ્તીમાં વધુ વધારો થશે. આથી વૃદ્ધોની વસ્તીમાં વધારાની સાથે તેમના આરોગ્ય અને આર્થિક સુરક્ષા માટે વ્યવસ્થા કરવી પડશે. તેથી આ વયજૂથના લોકો માટે પ્લાનિંગ પણ મહત્વનું છે. વૃદ્ધોના આરોગ્ય અને તેમની આર્થિક સુરક્ષા પર પ્રાથમિકતા આપવી પડશે.
 
યુવાનોની સંખ્યા આપણા દેશમાં વધારે છે તે સધિયારો છે. તે યુવાશક્તિનો યોગ્ય ઉપયોગ થાય તેમને રોજગાર અને અન્ય ક્ષેત્રે પ્રતિભા દર્શાવવાની તક મળે તે પણ જરૂરી છે. સરકારો માટે તો આ બધા પડકાર છે. પરંતુ પ્રજા માટે પણ મોટી વાત એ છે કે સંખ્યામાં તો આપણે આટલા બધા છીએ, ગુણવત્તામાં એટલે કે સારા નાગરિક, સારા દેશવાસી પણ બનીએ તે જરૂરી છે.
આવનારા સમયમાં ભારતની ૭૦ ટકાથી વધુ વસ્તી યુવાન હશે. ત્યારે, સૌથી વધુ ધ્યાન રાખવાની બાબત શિક્ષણ છે. અન્યથા, બેકાર યુવાનોની ફોજ વિકાસની ગાડી પાટા પરથી ઉતારી દઈ શકે. શિક્ષણ પછીના ક્રમે માળખાગત સુવિધાઓ આવે છે. યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ન ઊભું થાય તો આર્થિક વિકાસનું માળખું ઊભું રહી શકે નહીં. ત્રીજો મહત્ત્વનો મુદ્દો પછાત અને વંચિતને મુખ્ય ધારાપ્રવાહમાં ભેળવવાનો છે. તો જ સમતોલ વિકાસ શક્ય બનશે. ઇમારત હોય કે વિકાસ, અસમતોલ હોય તો તૂટી પડે. ભારતની ગ્રામીણ વસ્તી સુધી શિક્ષણથી માંડીને રોજગારી સુધીની સુવિધાઓ પૂરી પાડવી પડશે.
 
યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) ઇન્ડિયાના પ્રતિનિધિ એન્ડ્રીયા વોજનારે જણાવ્યું હતું કે, `ભારતના ૧.૪ અબજ લોકોને ૧.૪ અબજ તકો તરીકે જોવી જોઈએ.'
 
ભારતમાં યુવાવર્ગની સૌથી વધુ વસ્તી છે. ૨૫.૫ કરોડની વસ્તી ૧૫થી ૨૪ વર્ષની વયજૂથના યુવાનોની છે. આ યુવા વસ્તી ઇનોવેશન, નવી વિચારસરણી અને કાયમી ઉકેલોનો સ્રોત બની શકે છે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓને સમાન શિક્ષણ અને કુશળતા-ઘડતરની તકો મળે, તેમને ટેકનોલોજી અને ડિજિટલ ઇનોવેશન્સની સુવિધાઓ મળે અને સૌથી વધુ મહત્ત્વનું તેમને પોતાના પ્રજનન અધિકારો અને પસંદગી મળે તો ભારતને મોટો લાભ થઈ શકે છે.
 
ભારતની અધધધ વસ્તી અને તેમાં સૌથી વધુ યુવાનો એટલે સૌથી શક્તિશાળી માનવબળ. આ શક્તિને સામર્થ્યમાં પલટાવવાની અને આપત્તિને અવસરમાં બદલવાની ભારત પાસે ઐતિહાસિક અજોડ તક છે.
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.