બંધારણના બારણે ટકોરા મારે છે - સમાન સિવિલ કોડ । જાણો સમાન સિવિલ કોડ વિશે બધુ જ…

દેશમાં પંથ, જાતિ, રંગ, લિંગ કે પ્રદેશના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય પ્રજા પ્રત્યે એક સમાન રીતે કાયદાકીય કાર્યવાહી ચાલે તેવી કાનૂન વ્યવસ્થાને સમાન (યુનિફૉર્મ) સિવિલ કોડ કહે છે.

    ૧૩-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Uniform Civil Code 
 
 

સમાન સિવિલ કોડ વિશે તમે જે જાણવા માંગો છો તે બધું જ – એક જ લેખમાં… Uniform Civil Code

તાજેતરમાં ‘યુનિફૉર્મ સિવિલ કોડ’ની ઉગ્ર ચર્ચા દેશભરમાં થઈ રહી છે. પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ દેશભરના નિષ્ણાતો માટે સમાન સિવિલ કોડ વિશે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવાની ઉમદા તક પૂરી પાડી છે. પ્રસ્તુત લેખમાં આ વિષય સંદર્ભે કેટલીક મહત્ત્વની બાબતો ચર્ચવામાં આવી છે.
 
શાહબાનો કેસથી કૉમન સિવિલ કોડનો પ્રશ્ન રાષ્ટ્રીય સ્તર પર ચર્ચાવા લાગ્યો
 
૨૩ એપ્રિલ સન ૧૯૮૫ના રોજ મધ્ય પ્રદેશની ઉચ્ચ અદાલતની ફુલ બૅન્ચે ન્યાયાધીશ ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળ ઈન્દોરની મહિલા શાહબાનોના પક્ષમાં ફોજદારી ધારાની કલમ - ૧૨૫ અને ૧૨૭ હેઠળ ચુકાદો આપ્યો કે તલાક પછી મુસ્લિમ મહિલાને પોતાના પૂર્વ પતિ (શૌહર) પાસેથી જીવનનિર્વાહ ખર્ચ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. આ અગાઉ મુસ્લિમ મહિલાઓ સામાન્ય રીતે આ કલમનો લાભ લેતી ન હતી.
 
શાહબાનો નામની મહિલાની શાદી ૧૯૩૨માં મોહંમદ અહમદશાહ નામના શખ્સ સાથે થઈ હતી. શાદી પછી તેઓ ઍડ્વોકેટ બન્યાં. ઈન્દોરની અદાલતમાં તેમણે વકીલાત શરૂ કરી. તે દરમિયાન મોહંમદ અહમદખાને પોતાની માસીની દીકરી ખાલીદા સાથે બીજી શાદી કરી. પિસ્તાલીસ વર્ષના લગ્નજીવન બાદ ૧૯૭૫માં તેમણે શાહબાનોને ઘરમાંથી કાઢી મૂકી. નીચલી અદાલતે ભરણપોષણના ખર્ચ પેટે દર મહિને માત્ર રૂ. ૨૫ નક્કી કર્યા, તેની વિરુદ્ધમાં શાહબાનોએ મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં અપીલ કરી. ત્યાંની કોર્ટે આ રકમ વધારીને રૂ. ૧૭૯ અને ૨૦ પૈસા નક્કી કરી. આની વિરુદ્ધ શાહબાનોના પતિએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. અહીં ફોજદારી કલમ - ૧૨૫ હેઠળ શાહબાનોને ભરણપોષણ ખર્ચ ઉપરાંત કેસ લડવા નિમિત્તે રૂપિયા દસ હજાર પણ તેના પતિને ચૂકવવા પડ્યા. આ ચુકાદાથી મુસ્લિમ જગતમાં હડકંપ મચી ગયો. તેમને લાગ્યું કે તેમના પર્સનલ લૉ ઉપર ન્યાયતંત્રે તરાપ મારી છે. પરિણામે દેશભરમાં ઉગ્ર વિરોધ થયો. આખરે પ્રગતિશીલ ગણાતા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ માત્ર મુસ્લિમ તુષ્ટિકરણ કરવા માટે બંધારણીય સુધારો કરી મુસ્લિમ બાનુઓના ભરણપોષણ મેળવવાના હક્કને છીનવી લીધો.
 
જોકે રાજીવ ગાંધીએ કરેલી આ પીછેહટનો કેટલાક પ્રગતિશીલ વિચારો ધરાવતા મુસ્લિમ નેતાઓ તથા મહિલાઓએ પ્રખર વિરોધ કર્યો. આરીફ મોહંમદખાને તો રાજીવ ગાંધીના પ્રધાનમંડળમાંથી મંત્રી તરીકે રાજીનામું પણ આપી દીધું. આ ઉપરાંત સમાજવાદી નેતા હમીદ દલવાઈ, ગુજરાતના અસગરઅલી એન્જિનિયર અને પત્રકાર (કે જેઓ ‘સાધના’માં નિયમિત લખતા હતા ) મુઝફ્ફર હુસેને શાહબાનો કેસની આકરી ટીકા કરી. મુસ્લિમ પર્સનલ લૉમાં રહેલી ત્રુટીઓ તરફ સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યા, પરંતુ તે સમયના મીડિયાએ તેમના વિચારોને પ્રસિદ્ધિ આપવામાં કંજૂસાઈ કરી. નૅશનલ પબ્લિક ઑપિનિયનમાં પ્રસ્તુતિ વખતે આવા સુધારાવાદી નેતાઓને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક જ ન આપી, પરંતુ ધીમે ધીમે મુસ્લિમ પર્સનલ લૉમાં રહેલી ત્રુટિઓનો વિષય પ્રભાવ જમાવતો ગયો, તેમાં પ્રગતિશીલ મુસ્લિમ બુદ્ધિજીવી મહિલાઓ પણ જોડાવા લાગી. ડૅનિયલ લતીફી, શ્રીમતી જૉયા અખ્તર, ઝરીના ભાટી જેવી મહિલાઓએ સમાજને જગાડતા લેખો લખ્યા. સૈફુદ્દીન ચૌધરી, રશીદ શેરવાની અને અલી અશરફ જેવા પ્રબુદ્ધ લોકોએ પણ આની સામે અવાજ ઉઠાવ્યો. પરિણામે પુન: દેશમાં સમાન સિવિલ કોડની ભૂમિકા રચાવા લાગી.
 
આઝાદી પહેલાં દેશમાં અલગ-અલગ કાયદા હતા. દરેક કોમ પોતાની પરંપરા અનુસારના કાનૂનને અનુસરતી, પરંતુ આઝાદી મેળવ્યા બાદ દેશમાં એક સમાન સિવિલ કોડ બનાવવો જોઈએ, તેવી માંગ ઊભી થઈ, પણ શું બંધારણમાં તેની જોગવાઈ છે ખરી ?
 
સમાન સિવિલ કોડ બાબતે બંધારણ શું કહે છે ?
 
ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં તા. ૨૫/૧૧/૧૯૪૯ના રોજ આપેલા પ્રવચનમાં સ્પષ્ટ કહ્યું કે, "આપણે વર્તમાન અને ભવિષ્યને કાયમને માટે ભૂતકાળના હવાલે ન કરી શકીએ, લાશોને જીવતા લોકો પર શાસન કરવાનો અધિકાર ન આપીએ. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ સમાન સિવિલ કોડની વાત સ્વીકારાઈ છે. આર્ટિકલ - ૪૪માં લખ્યું છે કે, 'The state shall endeavor to secure for citizens a uniform civil code throughout the territory of India.' (સરકાર સંપૂર્ણ દેશમાં તમામ નાગરિકો માટે એકસમાન સિવીલ કોડ બનાવવાનો પ્રયત્ન કરશે.) આટલી સ્પષ્ટ વાત લખાઈ છે.
 
સમાન (યુનિફૉર્મ) સિવિલ કોડ એટલે શું ? તેની પ્રગતિનું શું થયું ?  Uniform Civil Code
 
દેશમાં પંથ, જાતિ, રંગ, લિંગ કે પ્રદેશના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય પ્રજા પ્રત્યે એક સમાન રીતે કાયદાકીય કાર્યવાહી ચાલે તેવી કાનૂન વ્યવસ્થાને સમાન (યુનિફૉર્મ) સિવિલ કોડ કહે છે.
 
કૉમન સિવિલ કોડમાં તલાક, નિકાહ, વારસાઈ, કુટુંબ નિયોજન, ગર્ભપાત, અંગદાન, બહુપત્નીત્વ, લગ્નની ઉંમર, ભરણપોષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
 
આમ તો સમાન સિવિલ કોડનાં બીજ અંગ્રેજ શાસન વખતે જ રોપાયાં હતાં. દેશમાં એક સમાન સિવિલ કોડ બધા નાગરિકો માટે હોય તેવું અંગ્રેજો ઇચ્છતા પણ હતા. જરૂર લાગે તો તેઓ કડકાઈ પણ બતાવી શકતા હતા. ચાર્લ્સ નૅપિયરે સિંધ જીત્યું અને ત્યાંની પ્રજામાં બ્રિટિશ અમલની ઘોષણા કરી ત્યારે સિંધના હિન્દુઓ અંગ્રેજ શાસકો પાસે ગયા અને કહ્યું કે અમે બ્રિટિશ રાજ્યનું સ્વાગત કરીએ છીએ, પણ અમારી એક વિનંતી માન્ય રાખો, અમારા ધર્મમાં સતી થવાનો રિવાજ છે, તેમાં સરકારે વચ્ચે ન પડવું જોઈએ.’ ચાર્લ્સ નૅપિયરે કહ્યું, "તમારા ધર્મમાં તેમ હશે, પણ અમારા ધર્મમાં તેવું નથી. હું થોડા ફાંસીના માંચડા તૈયાર કરાવું છું. જો તમે કોઈને સતી કરશો તો તમારા માટે ફાંસીના માંચડા તૈયાર છે.
 
અંગ્રેજોએ હિન્દુઓ પ્રત્યે જે કડકાઈ બતાવી તેવી જ કડકાઈ મુસ્લિમો પ્રત્યે બતાવી હોત તો સમાન સિવિલ કોડ અંગ્રેજોના સમયમાં જ બની ગયો હોત, પણ અંગ્રેજોની કપટનીતિ તો ત્યારે દેખાઈ જ્યારે તેમણે ૧૮૬૨માં મુસ્લિમો માટે પીનલ કોડ બનાવ્યો અને ૧૯૩૭માં શરિયત આધારિત મુસ્લિમ પર્સનલ લૉ બનાવ્યો અને તેની દેખરેખ માટે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ બનાવ્યું. અલબત્ત આવો જ કાયદો તમામ નાગરિકો માટે બનાવી શકાય તેનો રિપૉર્ટ તૈયાર કરવાનું કામ તેમણે શ્રી બી. એન. રાવને સોંપ્યું. શ્રી રાવે પોતાનો રિપૉર્ટ ૧૯૪૭માં બ્રિટિશ શાસકોને સુપ્રત કર્યો, પરંતુ આઝાદી પછી રાવ કમિટીના આ રિપૉર્ટ બાબતે બંધારણના નિષ્ણાતોમાં જ ભારે મતભેદ ઊભો થયો.
 
ભવિષ્યમાં થનારા મુસ્લિમ વિરોધને ધ્યાનમાં રાખી કૉમન સિવિલ કોડનો વિચાર પડતો મુકાયો. અલબત્ત, શ્રી નહેરુજીએ કૉમન સિવિલ કોડ બનાવવાના પ્રથમ પ્રયાસરૂપે હિન્દુઓના વિરોધ વચ્ચે પણ હિન્દુ કોડ બિલ બનાવી દીધું અને અપેક્ષા હતી કે મુસ્લિમો પણ ધીમે ધીમે એક સમાન સિવિલ કોડ માટે તૈયાર થશે, પરંતુ આ થઈ શક્યું નહીં, કારણ કે કટ્ટરતાવાદી મુસ્લિમ પરિબળો સામે ઝીંક ઝીલવાની તેમની તાકાત ન હતી. અલબત્ત, હિન્દુ કોડ બીલ બનાવતી વખતે હિન્દુઓના પ્રબળ વિરોધને કચડીને પણ જેવી રીતે હિન્દુ કોડ બીલ બનાવ્યું, તેવી જ રીતે મુસ્લિમોના પ્રચંડ વિરોધને કચડીને કૉમન સિવિલ કોડ તેમણે બનાવવું જોઈતું હતું, પરંતુ આવી અપેક્ષા તેમની પાસે રાખવી વ્યર્થ હતી.
 
સમાન સિવિલ કોડ ન હોવાના કારણે કેવી હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય છે તે સમજવા થોડી ઘટનાઓ જોઈએ. કોઈ એક ગામમાં રામચંદ્ર નામનો હિન્દુ પુરુષ પોતાને એક પત્ની હોવા છતાં બીજી પત્ની પરણીને લાવે તો તેને હિન્દુ લૉ મુજબ જેલમાં જવું પડે અને રામચંદ્રના ઘરની સામે રહેતા રહીમખાન નામના મુસ્લિમ સજ્જન પોતાને ત્રણ પત્ની હોવા છતાં ચોથી પત્ની સાથે શાદી કરીને લાવે તો મુસ્લિમ પર્સનલ લૉ મુજબ તેમને ચાર પત્ની કરતાં કોઈ રોકી શકે નહીં.
 
કાયદાની અસમાનતા દર્શાવતો એક બીજો પ્રસંગ જોઈએ. ત્રણ વર્ષ પહેલાં વડોદરાની એક મુસ્લિમ છોકરીએ અમદાવાદના વટવામાં રહેતા એક મુસ્લિમ યુવક સાથે ૨૦૧૩માં ભાગીને પ્રેમલગ્ન કર્યાં. છોકરીના પિતાએ પેલા યુવક સામે કેસ દાખલ કર્યો કે છોકરી નાબાલિગ (ઓછી ઉંમરવાળી) છે, તે જ્યારે યુવક સાથે ભાગી ગઈ ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષ ૪ માસની હતી. (લગ્ન માટે છોકરીની ઉંમર ૧૮ વર્ષ જોઈએ) તેથી યુવક સામે, નાબાલિગના અપહરણનો કેસ દાખલ કરવો જોઈએ અને નિકાહ ફોક ગણવા જોઈએ. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, "મુસ્લિમ પર્સનલ લૉ મુજબ મુસ્લિમ છોકરી ૧૫ વર્ષની ઉંમરે પણ પુખ્ત ગણાય એમ કહી પિતાની અરજી કાઢી નાખી. હિન્દુ છોકરી ૧૮ વર્ષે પુખ્ત ગણાય અને મુસ્લિમ છોકરી ૧૫ વર્ષે પુખ્ત ગણાય. આ તે કાયદાની કેવી વિચિત્રતા !
 
મુસ્લિમ પર્સનલ લૉનો દુરુપયોગ પણ સતત થતો રહ્યો છે. થોડાં વર્ષો પહેલાં હરિયાણાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રમોહન કે જેઓ પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર છે, તેમણે એક પત્ની હયાત હોવા છતાં બીજી પત્ની કરવા મુસ્લિમ પર્સનલ લૉનો આશરો લીધો. અનુરાધા બાલી નામની યુવતી સાથે લગ્ન કરવા તેમણે ઇસ્લામ સ્વીકાર્યો. ચંદ્રમોહન ચાંદમહંમદ બની ગયા અને અનુરાધા બાલી ફિજાબાનુ બની ગઈ. ભૂતકાળમાં લોકપ્રિય ગાયક કિશોરકુમારે બીજાં લગ્ન કરવા ઇસ્લામ સ્વીકારી મધુબાલા સાથે શાદી કરી હતી, તેવી જ રીતે હી-મૅન ધર્મેન્દ્રએ ઇસ્લામ સ્વીકારી હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યાં હતાં. તેવી જ રીતે ગુજરાતના એક પ્રસિદ્ધ કવિએ ઈસ્લામ સ્વીકારી બીજું લગ્ન કરી ‘ઈર્શાદ’ નામ ધારણ કરેલું. દેશમાં યુનિફૉર્મ સિવિલ કોડ ન હોવાના કારણે આવી અનેક પ્રકારની વિચિત્રતાઓ દેશના લોકો જોઈ રહ્યા છે.
 
શું શાહબાનો પહેલાં કલમ-૧૨૫નો ઉપયોગ થયો હતો ?
 
શાહબાનો કેસમાં કલમ-૧૨૫ના ઉપયોગ બાબતે ઉહાપોહ કરનાર મુસ્લિમ નેતાઓ ધ્યાનમાં રાખે કે ભરણપોષણ મેળવવા માટેની કલમ - ૧૨૫નો ઉપયોગ નોંધપાત્ર મુસ્લિમ વસતી ધરાવતા કેરળમાં અનેકવાર થયો હતો. તે વખતે કોઈ મુસ્લિમ સંગઠનોએ આ વાતનો વિરોધ કર્યો ન હતો. કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મોહંમદ ખાલિદ અને જસ્ટિસ કૃષ્ણ ઐયરની બૅન્ચે મુસ્લિમ મહિલાઓને કલમ - ૧૨૫ હેઠળ ભરણપોષણ આપવાના અનેક કેસોમાં હકારાત્મક ચુકાદા આપ્યા હતા. કેરળમાં મુસ્લિમ લીગ ત્યાંની સરકારમાં ભાગીદાર હતી તે સમયમાં આ ચુકાદા અપાયા હતા. જો આવા ચુકાદાથી શરિયતનું ઉલ્લંઘન થતું હોય તો તે વખતની મુસ્લિમ લીગે સત્તામાંથી રાજીનામાં આપી દેવા જોઈતાં હતાં, પણ આ બાબતે કોઈ મુસ્લિમ નેતાએ રાજીનામું આપ્યું ન હતું, પરંતુ શાહબાનો ચુકાદો આવતાં મુસ્લિમ ઉલેમાઓ, રાજનેતાઓ અને કેટલાંક મુસ્લિમ સંગઠનોએ જોરશોરથી વિરોધ શરૂ કર્યો. જેમને કેરળની હાઈકોર્ટના ચુકાદાઓમાં શરિયતનો ભંગ દેખાતો ન હતો તેમને શાહબાનોના કેસમાં શરિયતનો ભંગ દેખાવા લાગ્યો તે ઘણી કમનસીબ બાબત ગણાય.
 
સાયરાબાનો કેસથી ફરીથી વાતાવરણ ગરમ થયું
 
સાયરાબાનો નામની મુસ્લિમ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવ્યા. તે બાદ સાયરાબાનોએ કોર્ટમાં રીટ કરી. સાયરાબાનોએ પોતાના તલાક સંબંધિત ચુકાદાને ગેરકાયદે જાહેર કરવાની માંગ કરી છે, તેની અરજીમાં તેણે લખ્યું છે કે તેનું દહેજ નિમિત્તે ઉત્પીડન કરવામાં આવ્યું છે, તેની સાથે તેનાં સાસરિયાં દ્વારા ક્રૂરતા આચરાઈ છે. તેના પતિ - સાસુ અને સસરાએ તેને કૅફી દવાઓ આપી તેની યાદશક્તિને નુકસાન કર્યુ છે, તેની આ બીમારીને આધાર બનાવીને તેને તલાક આપવામાં આવી છે.
 
સાયરાબાનોના પક્ષે અનેક મુસ્લિમ મહિલા સંગઠનો મદદે આવ્યાં છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચની મહિલા પાંખે મુસ્લિમ પર્સનલ લૉના સહારે મહિલાઓને થતા અન્યાયને ઉજાગર કરવા આંદોલન છેડ્યું છે. કેટલીક સંસ્થાઓએ મુસ્લિમ પર્સનલ લૉની જોગવાઈઓ બાબતે જનમત સંગ્રહ કરવાના પ્રયત્નો પણ કર્યા છે, તેમણે કરેલા સર્વેક્ષણને આધારે નીચેનાં તારણો જાહેર થયાં છે.
 
(૧) ભારતમાં ૧૦ રાજ્યોમાં એક બીન-સરકારી ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને ૪,૭૧૦ મુસ્લિમ મહિલાઓનો મત મેળવ્યો. પર્સનલ લૉ બોર્ડમાં સુધારા બાબતે ૯૨% મહિલાઓએ ત્રણ તલાક બાબતે વિરોધ વ્યક્ત કર્યો.
 
(૨) ૯૦% મહિલાઓ કાજીઓ દ્વારા અપાતા ચુકાદા પર નિયંત્રણ ઇચ્છે છે. આમ જાગ્રત મુસ્લિમ મહિલાઓ તથા વિચારવંત મુસ્લિમ સજ્જનોએ વર્તમાન મુસ્લિમ પર્સનલ લૉની જોગવાઈઓનું પુન: મૂલ્યાંકન થાય તેવી માંગ શરૂ કરી છે. અલબત્ત, કેન્દ્ર સરકારે અગાઉ જ આ પ્રકારના કામ માટે એક સમિતિની રચના કરી જ હતી. આ સમિતિએ ૨૦૧૫માં પોતાનો અહેવાલ કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને સોંપ્યો હતો. ભારતની અન્ય લઘુમતીઓ
 
ભારતમાં ૧૫ માઈનૉરિટી છે, પણ જ્યારે આપણે સમાન સિવિલ કોડની વાત કરીએ ત્યારે માત્ર ને માત્ર મુસ્લિમ સમાજ જ આપણી સામે દેખાય છે. વાસ્તવમાં શીખ, ખ્રિસ્તી, પારસી, યહૂદી તથા જનજાતિઓના પર્સનલ લૉ છે, પરંતુ આ લોકો સમયની સાથે પરિવર્તન માટે હંમેશાં સહમત થતા આવ્યા છે. માત્ર કેટલાક મુસ્લિમો જ ઝનૂનપૂર્વક પર્સનલ લૉને વળગી રહ્યા હોવાથી દેશમાં માત્ર મુસ્લિમ પર્સનલ લૉની જ ચર્ચા ચાલે છે.
 
(૧) સન ૧૯૫૫થી હિન્દુ મૅરેજ ઍક્ટ શીખોને પણ લાગુ પડ્યો છે. હિન્દુ-શીખ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર છે. શીખોનાં લગ્ન ૧૯૦૯ના આનંદ મૅરેજ ઍક્ટ હેઠળ થાય છે. થોડા દિવસો પહેલાં અકાલીઓએ શીખ પર્સનલ લૉની માગણી ઉઠાવી ત્યારે શીખ બુદ્ધિજીવીઓએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, "ભગવાન એવું ન કરે નહીં તો શીખ મહિલાઓની સ્થિતિ કોઈ ફર્નિચરથી વધારે સારી નહીં હોય.
 
(૨) ખ્રિસ્તીઓને ૧૮૭૨ના કાયદા હેઠળ ઇન્ડિયન ક્રિશ્ર્ચિયન મૅરેજ ઍક્ટ લાગુ પડે છે. સન ૧૯૩૬માં પારસી મૅરેજ ઍક્ટ ઍન્ડ ડાયવર્સ ઍક્ટ બન્યો. આ બધા કાયદાઓમાં એકપત્નીત્વ અને લગ્નની પુખ્ત ઉંમર સ્વીકારાઈ છે.
જનજાતિ-વનવાસીઓને તેમના કબીલાઓની પરંપરા મુજબ લગ્ન એક કરાર છે. તેમનામાં વિધવા વિવાહ કાનૂની છે. તેમના પર્સનલ લૉ સમાન નાગરિક કાનૂન બનાવવામાં જરાય અવરોધરૂપ નથી. વાંધો અને વિવાદ માત્ર મુસ્લિમોમાં જ જોવા મળે છે.
 
હવે આપણે આ દેશના કેટલાક મૂર્ધન્ય બુદ્ધિજીવી લોકોએ દર્શાવેલા અભિપ્રાયો જોઈએ
 
(૧) પૂર્વ સાંસદ, પારસી નેતા મીનુ મસાણી, ખ્રિસ્તપંથી રાજકુમારી અમૃતકૌર અને હિન્દુ અગ્રણી વડોદરાના હંસાબહેન મહેતાએ ડિસન્ટ નોટ મૂકી હતી કે ધર્મ આધારિત પર્સનલ લૉને કારણે દેશને જીવનના અનેક ક્ષેત્રોમાં વિભાજિત રાખ્યો છે.
 
(૨) જસ્ટિસ ગજેન્દ્ર ગડકરે સન ૧૯૭૧માં 'Secularism and the Constitution of India'માં તેમજ જસ્ટિસ હેગડેએ ૧૯૭૨માં 'Islamic Laws in India'માં લખ્યું છે કે ધર્મ આધારિત પર્સનલ લૉઝ એ આધુનિક યુગમાં મધ્યયુગીન વિચારો છે.
 
(૩) જસ્ટિસ ચંદ્રચૂડે લખ્યું છે કે જો સમાન સિવિલ કોડ ન બનાવી શકીએ તો આર્ટિકલ - ૪૪ કે જેમાં દેશભરમાં સમાન સિવિલ કોડ બનાવવાની વાત લખી છે, તે dead-letter ગણાય.
 
(૪) સુપ્રીમ કોર્ટે પણ નિદાન કર્યુ છે કે આર્ટિકલ-૪૪ મુજબ ન વર્તવું તે ભારતીય લોકશાહી માટે મોટી નિષ્ફળતા સમાન છે.
 
(૫) જસ્ટિસ મૅથ્યુએ કેશવાનંદ ભારતી કેસમાં બીજી દલીલ કરી છે કે, Judiciary is also a state. જ્યુડિશિયરી એ તફિંયિંનું અંગ છે. જો તેમને લાગે કે બીજાં અંગો નિષ્ક્રિય થઈ ગયાં છે, તે વખતે જ્યુડિશિયરી તેને તેની ફંડામેન્ટલ ડ્યૂટી તરીકે જીવંત રાખવા પ્રયત્નો કરી શકે. (અર્થાત્ કોમન સિવિલ કોડ બનાવવા સરકાર પર દબાણ કરી શકે.)
 
(૬) યુનિફૉર્મ સિવિલ કોડની વિરુદ્ધના લોકો દલીલ કરે છે કે બંધારણના આર્ટિકલ ૧૯ની વિરુદ્ધમાં આર્ટિકલ-૪૪ છે. આર્ટિકલ-૧૯ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને આર્ટિકલ-૪૪ સમાન સિવિલ કોડની ભલામણ કરે છે. એક બાજુ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપો અને બીજી બાજુ બધા લોકો માટે એક સમાન કાયદા બનાવો તો શું તે નાગરિકના ધાર્મિક અધિકાર પર તરાપ ન ગણાય ? નિષ્ણાતો આનો જવાબ આપે છે કે બંને કલમોનાં પ્રભાવક્ષેત્રો અલગ-અલગ છે. આર્ટિકલ-૧૯નું પ્રભાવક્ષેત્ર ધર્મ છે, જ્યારે આર્ટિકલ-૪૪નું પ્રભાવક્ષેત્ર કાયદો (Law) છે.
 
(૭) મૌલાના અતહર હુસેન દહેલવી કે જેઓ અંજુમન મિન્હાજે રસુલના પ્રમુખ છે, તેમણે કહ્યું કે, ‘પયગંબરને તલાક જરાય પસંદ ન હતા. તે ઈમરજન્સી Exit door હતું, તેને પરમેનન્ટ door બનાવવાનો પ્રયત્ન કરાયો છે.’
 
(૮) પ્રખ્યાત લેખિકા શીબા અસલમ ફહમીએ પોતાનો અભિપ્રાય મક્કમપણે દર્શાવતાં કહ્યું કે, ‘તલાક બીનઈસ્લામિક છે. ધર્મના નામે આ માત્ર મુલ્લાઓની દાદાગીરી છે, તે કુરાન મુજબ નથી.’
 
(૯) અલીગઢ યુનિવર્સિટીનાં પ્રાધ્યાપિકા શ્રીમતી આબિદાએ ફરીથી આ જડ કાયદાઓ વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો છે. આ ઉપરાંત ડૅનિયલ લતીફી, શ્રીમતી ઝોયા હસન, ઝરીના ભાટી, સૈફુદ્દીન ચૌધરી, રશીદ શેરવાની અને અલી અશરફ જેવા વિચારકો પણ આગળ આવ્યા છે તે આવકાર્ય લક્ષણો ગણાય.
 
હવે આપણે જોઈએ દુનિયાના અન્ય મુસ્લિમ દેશોમાં શી સ્થિતિ છે
 
# ૧૯૩૩માં તૂર્કીમાં કમાલ અતાતુર્કે એક ઝાટકે પરંપરાગત મુસ્લિમ કાયદા રદ કરી દીધા હતા અને મૉડર્ન તૂર્કી બનાવવા માટે તદ્દન બીનસાંપ્રદાયિક અને બીન-અરબી કાયદા બનાવ્યા હતા.
 
# મુસ્લિમો માટે ખાસ બનાવેલા પાકિસ્તાનમાં આજદિન સુધી સંપૂર્ણ શરિયત ઍક્ટ લાગુ કરી શકાયો નથી. ૧૯૫૯માં ૨૩ જુલાઈના રોજ જનરલ ઐયુબખાને રેડિયો પર વાયુ પ્રવચનમાં કહ્યું હતું કે, "પર્સનલ લૉનો સૌથી મોટો શિકાર આપણા સમાજની મહિલાઓ છે. તેમનું સ્થાન જ્યાં સુધી ઊંચું નહીં આવે ત્યાં સુધી દેશનું સ્વાભિમાન ઉપર નહીં ઊઠે. આમ કરવા માટે સૌથી પહેલાં પરિવાર નિયોજન લાગુ કરવું પડશે. આ પ્રવચનમાં તેમણે ૮૦૦ પરિવાર નિયોજન કેન્દ્રો અને ક્લિનિકો ખોલવાની ઘોષણા કરી. ૧૯૬૧માં તેમણે મુસ્લિમ પરિવાર કાનૂનનો વટહુકમ બહાર પાડી તલાક અને નિકાહ રાજ્યના નિયંત્રણ હેઠળ મૂક્યાં. એ જ વર્ષે પાકિસ્તાનમાં ટ્રીપલ તલાક પર પ્રતિબંધ મુકાયો હતો.
 
# બાંગ્લાદેશમાં પણ ઝિયા-ઉર્ રહેમાનના સમયમાં આ જ પ્રકારનાં પરિવર્તનો થયાં. મુસ્લિમ દેશો જેવા કે ઈરાકમાં ૧૯૫૯માં, ટ્યૂનિશિયામાં ૧૯૬૪માં, ઈરાનમાં ૧૯૭૫માં પરિવાર સંરક્ષણ કાનૂન સરકારે બનાવ્યો.
 
# અનેક મુસ્લિમ દેશમાં ટ્રીપલ તલાક પર પ્રતિબંધ મુકાયો છે. તૂર્કી, ટ્યૂનિશિયા, અલ્જિરિયા, ઈરાન, ઈરાક તથા ઈન્ડોનેશિયામાં ટ્રીપલ તલાક પર પ્રતિબંધ મુકાયો છે. મલેશિયા અને બ્રનોઈમાં બીજા લગ્ન પર રોક છે. તૂર્કી, ઈરાન, સુદાનમાં પણ એક પત્નીની હયાતીમાં બીજી પત્ની કરવા માટે ખૂબ કડક કાયદા બનાવાયા છે.
 
# ગત એપ્રિલ મહિનામાં તૂર્કી સરકારે ફરીથી ઇસ્લામિક કાનૂન-શરિયત અપનાવવાની તરફેણ કરી તો સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલુ થઈ ગયાં. સંસદની બહાર સેંકડો મુસ્લિમાએે શરિયત લાગુ કરવાના વિરોધમાં દેખાવો કર્યાં. પ્રદર્શન કરનારાઓએ ‘તુર્કી હંમેશાં સેક્યુલર રહેશે’ એવા સૂત્રોચ્ચાર પણ કર્યા. વિરોધ કરનારને વિખેરવા માટે પોલીસે ટિયરગૅસના સેલનો મારો કર્યો અને રબર બુલેટ પણ ચલાવી. આ સમાચાર તા. ૨૮/૪/૨૦૧૬ના દિવ્ય ભાસ્કરની ‘વર્લ્ડ વિન્ડો’ કૉલમમાં ફોટા સાથે વિગતવાર છપાયા છે.
 
# તાજેતરમાં તા. ૧૫ જુલાઈના રોજ તુર્કીમાં કટ્ટરતાવાદી લશ્કરે કરેલા બળવા સામે તુર્કીએ પોતાનો લોકશાહી મિજાજ બતાવ્યો તે ખૂબ સૂચક ગણાય.
 
# અંગોલામાં તો સરકારે કંટાળીને ઇસ્લામ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે.
 
મુસ્લિમો શા માટે સમાન સિવિલ કોડનો વિરોધ કરે છે ?
 
સુધારક મુસ્લિમ સમાજને બાદ કરીએ તો જુનવાણી તથા કટ્ટરવાદી મુસ્લિમો નીચેનાં કારણોસર સમાન સિવિલ કોડનો વિરોધ કરે છે.
 
- તેમને ડર છે કે સમાન સિવિલ કોડ આવવાથી તેમના પર હિન્દુ કોડ બીલ ઠોકી બેસાડવામાં આવશે. મુસ્લિમોનું ‘ભગવાકરણ’ થઈ જશે.
 
- તેમને ડર છે કે સમાન સિવિલ કોડ આવવાથી તેમની મુસ્લિમ તરીકેની ઓળખ ધીમે ધીમે ચાલી જશે.
 
- આ કોડ આવવાથી તલાક, બહુપત્નીત્વ, કુટુંબ નિયોજન, ગર્ભપાત, ભરણપોષણ, વારસાઈ, લગ્નની ઉંમર વગેરેમાં પુરુષોને મળતી છૂટછાટો અને સવલતો બંધ થશે.
 
- કેટલાક કટ્ટરવાદી મુસ્લિમો તેમની વસતીમાં જબરદસ્ત વધારો કરી ભારતના સેક્યુલર માળખાને ધ્વસ્ત કરી નાખવા માગતા હોય તેવું જણાય છે. હિન્દુઓએ ચાર બાળકો પેદા કરવા જોઈએ એવું સાક્ષી મહારાજે કહ્યું તેના સંદર્ભમાં તા. ૮/૧/૨૦૧૫ના રોજ એક ચૅનલ પર યોજાયેલ ડિબેટમાં મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજીશે કહ્યું કે, અમે થોડાં વર્ષો પછી ૫૦ કરોડ થઈ જઈશું ત્યારે તમારામાં આ બોલવાની હિંમત નહીં હોય. Vhpના તિવારીએ કહ્યું કે, મુસ્લિમ વસતીવધારો એ ટાઈમબાઁબ છે, તો મૌલાના સાજીશે કહ્યું, ‘હા, આ ટાઈમબૉંબ છે. તમારા પર જ ફૂટશે. અમે કુરાન કહે તેમ કરીશું, સરકારી પૉપ્યુલેશન પૉલિસી મુજબ નહીં.’
 
- કેટલાક કટ્ટરવાદી મુસ્લિમો તથા ધર્મગુરુઓ માને છે કે શરિયતથી દૂર જવાથી મુસ્લિમોનું આધુનિકરણ (Modernisation) થશે. આધુનિકતાને કારણે મુસ્લિમોનું જેહાદી ઝનૂન ઓછું થઈ જશે. તેઓ મુસ્લિમોને મધ્યયુગીન વાતાવરણમાં જ રાખવા માંગે છે. તેમને ડર છે કે સમાન સિવિલ કોડ આવવાથી હિન્દુ અને મુસ્લિમો એકબીજાની નજીક આવશે. સમાજમાં સમન્વય (Assimilation) થશે, જેનાથી મુસ્લિમો સુંવાળી પ્રજા બની જશે અને ભારતમાં સમરસ સમાજ બનવાને કારણે તેમનામાં રહેલો અલગતાનો ભાવ નષ્ટ થઈ જશે, જે જિહાદના સિદ્ધાંતની વિરુદ્ધ હશે.
 
હવે આ સમસ્યાનો ઉકેલ કયો ?
 
(૧) ઈસ્લામિક દર્શન મુજબ ઈસ્લામના બે મુખ્ય ભાગ છે. (૧) દીન એટલે ધર્મ અને (૨) શરિયત એટલે સમાજના કાનૂન. દીન એટલે કે ધર્મ એ સ્થાયી અને શાશ્વત છે. તેમાં પરિવર્તન શક્ય નથી, પણ શરિયત એ જીવન જીવવાની પદ્ધતિ છે, શરિયત સામાજિક કાયદાપોથી છે, જેમાં પરિસ્થિતિ અનુસાર પરિવર્તન થઈ શકે છે, તેવું માનવાવાળો એક વર્ગ છે.
 
(૨) મુસ્લિમોમાં સમજ ઊભી કરવી પડશે કે સમાન સિવિલ કોડનો મામલો હિન્દુ-મુસ્લિમનો નથી, પણ વિઘટિત રાષ્ટ્રીય સમાજને એકરસ સમાજ બનાવવાનો છે.
 
(૩) સૌથી પહેલાં મુસ્લિમ સમાજમાં રહેલા પ્રગતિશીલ અને સુધારાવાદી લોકો આગળ આવે અને શેષ મુસ્લિમ સમાજમાં સમજદારી ઊભી કરે.
 
(૪) શરિયત કાનૂનમાં સૌથી વધુ શોષણ મુસ્લિમ મહિલાઓનું જ થઈ રહ્યું છે. અનેક મહિલાઓ નિરાધાર બની રહી છે. તેમનાં સંતાનો પણ નિરાધાર બની રહ્યાં છે અને તેમના મન પર ખરાબ અસરો પડતાં તેઓ અસામાજિક રસ્તે વળી જતા પણ જોવા મળે છે. માટે મહિલાઓએ સુસંગઠિત થઈ સમાન સિવિલ કોડ માટે જબરદસ્ત માંગ ઊભી કરવી જોઈએ. બહારથી કાયદો લાદવો એ સાચી પ્રક્રિયા નથી. બલ્કે મુસ્લિમ સમાજમાંથી જ આ પ્રકારની માંગ ઊભી થવી જોઈએ.
 
(૫) જુનવાણી અને કટ્ટરતાવાદી નેતાઓને અલગ પાડી દેવા જોઈએ. તેમને પ્રભાવહીન બનાવી દેવા જોઈએ.
 
(૬) મુસ્લિમ નવયુવકો તથા યુવતીઓ આ દિશામાં વિચારતાં થાય. એટલું જ નહીં, બલ્કે નેતૃત્વ લેતાં થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
 
# મુસ્લિમ સમાજના મુખ્ય મુખ્ય ફિરકાઓ આને સક્રિય સમર્થન પ્રગટ કરે. મતોની રાજનીતિથી ઉપર ઊઠી વિચાર થાય.
 
# સમાન સિવિલ કોડ માત્ર હિન્દુ-મુસ્લિમનો મામલો નથી. દેશની ૧૫ જેટલી માઈનૉરિટીનો મામલો છે. હાલમાં માત્ર મુસ્લિમો જ ચર્ચાના કેન્દ્રમાં છે તેવું દૃશ્ય સર્જાયું છે. તેથી દેશની બાકીની માઈનૉરિટીએ પોતાનો અવાજ પ્રભાવી રીતે રજૂ કરવો જોઈએ. શેષ માઈનૉરિટી પોતાનો અવાજ બુલંદ કરશે તો સમાન સિવિલ કોડ લાંબા ગાળે પણ બનાવી શકાશે.
 
# કેટલાક મુસ્લિમ વિદ્વાનોના મતે સમાન સિવિલ કોડની માનસિકતા મુસ્લિમોમાં ઊભી કરવા માટે ઈજતિહાદનો એક માર્ગ છે, જેમાં મુસ્લિમો તથા રાજનીતિજ્ઞો તથા ઉલેમાઓ સાથે મળીને જનમત સંગ્રહ કરે અને તે દિશામાં રાષ્ટ્રીય ઈચ્છા બનાવે. તેમના મતે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ મુસ્લિમ સમાજની સર્વસ્વીકૃત અને એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા નથી જ. પર્સનલ લૉ બોર્ડને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપવાનું બંધ કરી એક નવા મોટા ફોરમમાં સમજદારી કેળવવાના પ્રયત્નો થાય.
ગોવાના મુસ્લિમો રાહ ચીંધે છે
 
ગોવા, દીવ અને દમણમાં પૉર્ટુગીઝ લોકોનું શાસન હતું. આ પ્રદેશમાં માત્ર પૉર્ટુગીઝ લોકોએ બનાવેલા કાયદાઓનું જ બધાંએ પાલન કરવું પડતું. ગોવામાં મુસ્લિમો માટે કોઈ અલગ પ્રકારનો કાયદો ન હતો, કોઈ પર્સનલ લૉ ન હતો. ગોવા આઝાદ થયા પછી પણ ત્યાં પરંપરાગત પૉર્ટુગીઝ કાયદા જ હિન્દુ, મુસ્લિમો તથા ખ્રિસ્તીઓને લાગુ પડે છે. કેટલાક કટ્ટરવાદીઓએ અલગ મુસ્લિમ પર્સનલ લૉની માંગણી કરી તો ગોવાના મુસ્લિમોએ જ તેનો વિરોધ કર્યો. આજે ગોવામાં નિકાહ, તલાક વગેરે માટે મુસ્લિમોના અલગ કાયદા નથી. શું દેશભરના મુસ્લિમો ગોવાના મુસ્લિમો પાસેથી પદાર્થપાઠ શીખી શકે ?
 
# આ સમગ્ર મામલામાં પ્રબળ અને મક્કમ રાજકીય ઇચ્છાશક્તિ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને બતાવેલી મક્કમતાને ટાંકવાનું મન થાય છે. થોડા મહિના પહેલા ઑસ્ટ્રેલિયામાં એક મુલ્લાજીએ કહ્યું, "We muslims do not agree in common civil code'' તો ત્યાંના પ્રાઈમ મિનિસ્ટરે કહ્યું, "Then find out the other country and go there.'' બીજા જ દિવસે ઑસ્ટ્રેલિયામાં રહેતા મુસ્લિમોએ કહ્યું, "That Mulla is a mad man.'' મુસ્લિમ સમાજમાં આ પ્રકારની સ્વસ્થ સમજદારી ઊભી કરી સરકાર જો સૌને વિશ્વાસમાં લે તો એક દિવસ એવો પણ આવી શકે કે સમાન સિવિલ કોડનો વિરોધ કરનાર કોઈ માથાફરેલ મુલ્લાને આ દેશના મુસ્લિમો જ કહી દે કે, "This Mulla is also a mad man.'' અને સમાન સિવિલ કોડ સૌની સહમતિથી પસાર થાય.
 
 
 

સુરેશ ગાંધી

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.