ચોમાસાની ઋતુમાં, ગુજરાતના આ મનમોહક ધોધની મુલાકાત લેવા જેવી છે...!

Waterfalls In Gujarat । ચોમાસામાં સૌરાષ્ટ્ર અને ડાંગ જિલ્લામાં પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી આગવું સૌંદર્ય ધારણ કરે છે । Gujarat Ma Avela Dhodh

    ૧૪-જુલાઇ-૨૦૨૩
કુલ દૃશ્યો |
 
Gujarat Ma Avela Dhodh
 

ગુજરાતમાં આવેલા ધોધ | Gujarat Ma Avela Dhodh 2023
ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ (Waterfalls In Gujarat)

# આ સિઝનમાં સાપુતારાની નજીક આવેલો ગીરા ધોધ જાજરમાન અને રૌદ્ર રૃપ ધારણ કરે છે
# બરડો ધોધ હાઇકિંગના શોખીન અને પ્રકૃતિ પ્રેમી માટે એક સારો વિકલ્પ છે
#   300 ફૂટ કરતા વધુ ઊંચાઇએથી પડતો ચીમેર ધોધ ઓછો જાણીતો છે. જંગલોને ભેદીને પગપાળા ચાલીને આ ધોધ સુધી પહોંચી શકાય છે
#  દેખાવમાં સુંદર લાગતો આ જમજીરનો ધોધ જોખમી છે
 
અગનગોળા વરસાવતી ગરમી બાદ ચોમાસાની ઋતુનો ધીમી ધારનો વરસાદએ તન જ નહીં મનને પણ ‘ટાઢક’ આપે છે. શીતળતાનો અહેસાસ કરાવતી આ ઋતુ પ્રકૃત્તિ પ્રેમીઓ તેમજ પ્રવાસના શોખીનોને આનંદ અને રોમાંચના ‘સાગર’માં હિલોળે ચડાવે છે.
 
પ્રોફેશનલ અને સોશિયલ જવાબદારીઓથી ‘ઓવર લોડેડ’ આપણે કુદરત જોડે સમય વીતાવીએ ત્યારે માતાના ખોળાની હૂંફ માણ્યાનો અહેસાસ થાય છે. તેમાં પણ પ્રચંડ ધાર સાથે વહેતા ધોધનો ઘૂઘરાવ મનના આવેગોને પણ એટલી જ સહજતાથી શાંત કરવા પૂરતો છે. કુદરતમાં એકાકાર થવાની આ ‘ શાબ્દિક સફર’ બાદ આજના અંકમાં વાત કરીએ ચોમાસામાં આગવું સૌંદર્ય ધારણ કરતા ધોધ વિશે. Waterfalls In Gujarat
 

Gujarat Ma Avela Dhodh 
 
ગીરા ધોધ | Gira Dhodh
 
ચોમાસામાં ડાંગ જિલ્લો કોઇ નવોઢા સોળ શણગાર સજી આવી હોય તેવું વિશેષ રૃપ ધારણ કરે છે. તેમાં પણ સાપુતારાથી નજીક વધઇ ગામ પાસે આવેલો ગીરા ધોધ જાજરમાન અને રૌદ્ર બંને રૃપ એકસાથે ધારણ કરે છે. આ ધોધ ( Gira Dhodh ) નો લયબદ્ધ ધ્વનિ છેક દૂરથી સાંભળી શકાય છે. અંબિકા નદીના કિનારેથી રેતીમાં ઉતરીને ખડકાળ પથ્થરો વચ્ચેથી ધોધ તરફ જવાનો રસ્તો નીકળે છે. ખડકો પર ઊભા રહીને ધોધ જોવાનો લહાવો માણી શકાય છે. 20 ફૂટ ઊંચેથી વહેતી નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબી કે ખેંચાઇ જવાનો ભય છે. આથી આ ધોધની નજીક જવું પણ સદંતર જોખમી છે. આ એક જ સ્થળે સાતથી આઠ ધોધ પડે છે. ચોતરફ ફેલાયેલી હરિયાળી આ ધોધની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
 
ગીરા ધોધ ( Gira Dhodh ) વધઇથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલો છે. જે સુરતથી અંદાજે દોઢસો કિલોમીટર દૂર છે,જ્યારે સાપુતારાથી અંદાજે 50 કિલોમીટરના અંતરે છે.
 
ગિરમાળ ધોધ | Girmal Dhodh
 
ગિરમાળ ધોધ ( Girmal Dhodh ) આહવાની નજીક ગિરમાર ગામે સ્થિત છે. મહારાષ્ટ્રમાંથી નીકળતી ગિરા નદી ગિરમાળ ગામે પર્વત ઉપરથી ધોધ રૃપે નીચે પડે છે. આ ધોધની ઊંચાઇ 150 ફૂટ છે. ચોમાસામાં ગીરા નદીમાં પાણીનું સ્તર વધે ત્યારે આ ધોધ સુંદર સ્વરૃપ ધારણ કરે છે. અહીં પાણી અસ્ખલિત રીતે ખૂબ ઊંચાઇએથી નીચે પડે છે, જેના કારણે ધુમ્મસના વાદળો સર્જાય છે, જેને લીધે મેઘધનુષની મજા માણી શકાય છે. આ ધોધની બરાબર સામે આવેલા ખડકો પરથી ધોધને જોતા દ્રશ્યને આંખોના કેમેરામાં ક્લિક કરી તે ક્ષણને મનના પિટારામાં કેદ કરી સાચવી લેવાનું મન થાય તેવો છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં વ્યૂ પોઇન્ટ અને પાથ વે પણ વિકસાવવામાં આવ્યા છે અને અકસ્માતોને રોકવા સલામતી રેલિંગ પણ બનાવવામાં આવી છે. ધોધને નજીકથી જોવા માટે પગથિયા પણ કોતરવવામાં આવ્યા છે.
 

Gujarat Ma Avela Dhodh 
 
ગૌદહાડ વ્યૂ પોઇન્ટ | Gavdahad view point
 
ગિરમાળ જતી વખતે ગૌદહાડ ગામ પાસે ગીરા નદી સંપૂર્ણ યુ- ટર્ન લે છે. બરાબર તે જ સ્થળે વ્યૂ પોઇન્ટ વિકસાવવામાં આવ્યું છે. આ વ્યૂ પોઇન્ટથી ચોતરફ હરિયાળી અને ધોધને જોઇ શકાય છે. ઉપરાંત ચા- નાસ્તા માટે અહીં રેસ્ટોરન્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
 
ગિરમાળ ધોધ સુબીર તાલુકાના શિંગાણા ગામથી 12 કિલોમીટરના અંતરે આવેલો છે. શિંગાણા ગામ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે અડીને આવેલું છે. આથી આ ધોધનો નજારો માણવા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટાપ્રમાણમાં સહેલાણીઓ અહીં આવે છે.
 
આ ધોધ પંચમહાલથી 35 કિલોમીટરના અંતરે, આહવાથી 50 કિલોમીટર, વધઇથી 78 કિલોમીટર અને સાપુતારાથી 89 કિલોમીટરના અંતરે આવેલો છે.
 

Gujarat Ma Avela Dhodh 
ચીમેર ધોધ | Chimer dhodh
 
ડાંગ જિલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આ ધોધ આવેલો છે. સોનગઢના ચીમેર ગામે આવેલો આ ધોધ દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચો ધોધ હોવાનું માનવામાં આવે છે. અંદાજિત 300 ફૂટ કરતા વધુ ઊંચાઇએથી આ ધોધ પાણી સ્વરૃપે પડે છે. હકીકતમાં અહીં કુલ ચાર ધોધ ઊંચાઇ પરથી પડે છે પરંતુ તેમાં ચીમેરનો ધોધ મુખ્ય છે. સોનગઢ પહોંચ્યા બાદ જંગલોને ભેદી, હાંદલા થઇ ચીમેર ગામે પહોંચી, વાહન પાર્ક કર્યા બાદ અંદાજે બે કિલોમીટર જેટલું પગપાળા ચાલીને, નદી- કોતર અને ખેતરો વટાવીને આ ધોધ સુધી પહોંચવું પડે છે. આથી ટ્રેકિંગની ખરી મજા માણવા માટે આ ધોધનો લુત્ફ લેવો જ રહ્યો!
 
ચીમેરના ધોધની વિશેષતા એ છે કે જ્યારે નદીમાં ભારે વહેણ હોય ત્યારે ધોધના સ્થળે સામસામે બે ધોધ પડતા હોય તેવો આભાસ થાય છે. અહીં નજીકના જોવા લાયક સ્થળોમાં શબરીધામ (ભગવાન રામે શબરીના એંઠા બોર ખાધા હતા તે સ્થળ) તેમજ ગૌમુખ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.
 
આ ધોધ સોનગઢથી 32 કિલોમીટર તેમજ સુરતથી અંદાજે 117 કિલોમીટરના અંતરે આવેલો છે. અહીં પહોંચવા માટે ગુજરાત રાજ્ય ધોરીમાર્ગ 173 લાગુ પડે છે. સુરત- બારડોલીથી સોનગઢ કે વ્યારાની બસ સેવા ઉપલબ્ધ છે.
 

Gujarat Ma Avela Dhodh 
 
બરડા ધોધ – Barda Dhodh
 
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી પંચમહાલ તરફ આવેલ આ ધોધની મુલાકાત હાઇકિંગના શોખીન અને પ્રકૃતિ પ્રેમી માટે સારો વિકલ્પ છે.
 
પંચમહાલથી આ ધોધ 10 કિલોમીટરના અંતરે આવેલો છે. ચનખલ ગામથી પગપાળા આ ધોધ તરફ જવા માટે અંદાજે 30 મિનિટ જેટલો સમય લાગે છે.
 

Gujarat Ma Avela Dhodh 
 
જમજીરનો ધોધ – Jamjir Dhodh
 
‘દર્શન તો દૂરથી ભલા’ આ ઉક્તિ જમજીરના ધોધ માટે યથાર્થ છે. સૌરાષ્ટ્રના પર્યટન સ્થળ સાસણગીરના જંગલમાંથી નીકળતી શિંગોડા નદી અહીં ધોધ રૃપે વહે છે. ઘણાં લોકો આ નદીને શિંગવડો નદી તરીકે પણ ઓળખે છે. શીંગવડો નદી મધ્યગીર કનકાઇની પહાડીઓમાંથી ઉદ્ભવી 80 કિલોમીટર જેટલું અંતર કાપી કોડિનાર પાસે સમુદ્રને મળી જાય છે. સામાન્ય રીતે નદીનું નામ નારીવાચક હોય છે પરંતુ શીંગવડો નદી તેમાં અપવાદ ગણાય છે. પૌરાણિક સમયમાં આ ધોધની નજીક ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિનો આશ્રમ હોવાની માન્યતા છે. જેને કારણે આ ધોધનું નામ જમજીર રાખવામાં આવ્યું છે. દેખાવમાં સુંદર લાગતો આ ધોધ જોખમી પણ તેટલો જ છે. ધોધની નજીક સતત વહેતું પાણી અને લીલ- શેવાળને લીધે અહીંની જગ્યા લપસણી થઇ જતી હોવાથી અહીં સાવધાની રાખવી આવશ્યક છે.
 
કોડિનાર તાલુકાના જામવાળા ગામમાં આવેલો આ ધોધ કોડિનારથી 25 કિલોમીટર, ઉનાથી 41 કિલોમીટર, દીવથી 58 કિલોમીટર, સોમનાથથી 46 કિલોમીટર, સાસણથી 58 કિલોમીટર દૂર છે.
 
- જ્યોતિ દવે