ચોમાસું જામ્યું છે ત્યારે પ્રકૃતિના વિવિધ રંગોને માણવા માટે ગુજરાતના આ સ્થળોએ પહોંચી જાવ...!

Monsoon Trip To Gujarat । જો તમે આ ચોમાસામાં સાપુતારા કે વિલ્સન હીલ જેવા હિલસ્ટેશનના વિકલ્પથી તદ્દન અલગ સ્થળે જવા માગતા હોવ તો તમારા મોન્સૂન લિસ્ટમાં આ સ્થળોનો સમાવેશ ચોક્કસથી કરી લો!

    ૨૨-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Monsoon Trip To Gujarat
 
 
Best Places to visit in Gujarat During Monsoon | ગિરનારથી લઇ પાવાગઢમાં અનેક વણખેડાયેલા સ્થળો છે, જ્યાં મોસમની મજા માણવા જેવી છે
 
# સાહસ, પર્યાવરણ, પ્રકૃત્તિ,ધર્મ અને અધ્યાત્મમાં રસ ધરાવતા લોકો ગિરનાર પ્રત્યે વિશેષ આકર્ષણ ધરાવે છે.
# ગિરનાર પર્વત પર ઊંચાઇએ, વાદળોનું કવચ જાણે વીંટળાઇને નીલગગનમાં વિહાર કરતા હોઇએ તેવી અનુભૂતિ કરાવશે
# અર્વાચીન સમયમાં, પાવાગઢ પર્વત ધાર્મિક સ્થળ સાથે પર્યટન ક્ષેત્રે સહેલાણીઓમાં લોકપ્રિય બની રહ્યું છે.
#  જંગલોને ભેદી, ખડકોમાંથી પસાર થઇ ખૂણિયા ધોધ સુધી પહોંચવાની સફર અનહદ આનંદ આપે છે
# જાંબુઘોડાનું અભ્યારણ્ય પ્રાકૃત્તિક સંપદાઓનો ભંડાર છે
 
Monsoon Trip To Gujarat
 
ચોમાસાની ઋતુ એટલે કુદરતના સાનિધ્યમાં રહેવાનો અને તેની હૂંફ માણવાનો અવસર. તેમાં પણ પ્રકૃત્તિ પ્રેમીઓ આ મોસમની ચાતકનજરે રાહ જોતા હોય છે. મેઘરાજાએ મુશળધાર વરસીને ધરતીની તરસ છીપાવી હોય, ફળસ્વરૃપે કુદરત આપણી સમક્ષ લીલીછમ વનરાજીનું સ્વરૃપ ધારણ કરી નયનરમ્ય દ્રશ્યોની ભેંટ અર્પણ કરે છે. જો તમે આ ચોમાસામાં સાપુતારા કે વિલ્સન હીલ જેવા હિલસ્ટેશનના વિકલ્પથી તદ્દન અલગ સ્થળે જવા માગતા હોવ તો તમારા મોન્સૂન લિસ્ટમાં આ સ્થળોનો સમાવેશ ચોક્કસથી કરી લો!
 
ગિરનાર | Girnar
 
રાજ્યના સૌથી ઊંચા પર્વત તરીકે અડીખમ ગરવા ગિરનાર અને તેની આસપાસના સ્થળોને ખૂંદવાની મજા જ કંઇક નિરાળી છે! તેમાં પણ ચોમાસામાં વાદળો સાથે વાતો કરતા ગિરનાર પર્વત અને તેની આસપાસના વિસ્તારોમાં વહેતા નાના- મોટા ધોધને કારણે પ્રકૃતિનું સૌંદર્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. ચોમાસામાં ગિરનાર પર્વત પરની સફરને વધુ ઊંચાઇ સુધી જેમ લંબાવીએ તેમ વાદળોનું કવચ આસપાસ વીંટળાઇ જવા સાથે નીલ ગગનમાં સફર કરતા હોઇએ તેવી અનુભૂતિ કરાવે છે.
 

Monsoon girnar 
 
દરિયાઇ સપાટીથી ગિરનાર 1,031 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. સાહસ, પર્યાવરણ, પ્રકૃત્તિ,ધર્મ અને અધ્યાત્મમાં રસ ધરાવતા લોકો ગિરનાર પ્રત્યે વિશેષ આકર્ષણ ધરાવે છે.
 
જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા ગિરનાર પર્વત પર પાંચ શિખરો આવેલા છે. જેમાં સૌથી ઊંચુ ગોરખ શિખર (દત્તાત્રેય શિખર) 3,600 ફૂટ ઊંચુ, અંબાજીની ટૂક અને જૈનમંદિર શિખર 3,300 ફૂટ, ગૌમુખી શિખર 3,120 ફૂટની ઊંચાઇ ધરાવે છે. ગિરનારના પાંચ પર્વત પર કુલ 866 મંદિરો આવેલા છે, જ્યારે 9 હજાર 999થી વધુ પગથિયા છે. 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને 33 કરોડ દેવી- દેવતાઓના બેસણાં હોવાની માન્યતા ધરાવે છે. જ્યારે ભગવાન ગુરુ દત્તાત્રેય ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા ગણાય છે.
 
ઉઘાડા પગે ગિરનારના પગથિયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેવી શ્રદ્ધાળુઓમાં માન્યતા છે. આ સાથે તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવમાં સેંકડો વર્ષોથી દર શિવરાત્રિએ મેળો ભરાય છે.
 
આ તો વાત થઇ ધાર્મિક માહાત્મયની, પરંતુ તે સાથે ગિરનાર આયુર્વેદિક દ્રષ્ટિએ દુર્લભ ગણાતી વનસ્પતિઓનો ભંડાર ધરાવે છે. અહીં સાધના કરતા સાધકોના મતે, અનેક ગંભીર રોગો મટાડી શકાય તેવી ઔષધીઓનો દુર્લભ ખજાનો આ પર્વત પર સચવાઇને પડ્યો છે.
 
જટાશંકર મહાદેવ | Jatashankar Mahadev
 
ગિરનાર પર્વતની પાછળની સીડીઓથી 500 પગથિયાં ચડ્યા બાદ જમણા હાથ તરફ ફંટાતી નાની કેડીએથી અહીં જઇ શકાય છે. બીજો માર્ગ જંગલની કાચી અને લપસણી કેડીનો છે. અહીં નાનકડી ગુફામાં જટાશંકર મહાદેવનું સદીઓ પુરાણું મંદિર છે. કિવદંતી પ્રમાણે, ભગવાન દત્તાત્રેય અને બલિરાજાએ અહીં તપ કરેલું. ઉપરાંત સ્વામી વિવેકાનંદે પણ અહીં તપશ્વર્યા કરી હતી.
 

Jatashankar Mahadev 
 
ઉપરાંત દાતારપીર, નવનાથનો ધૂણો, ભરતવન- શેષવન સહિતની અનેક જગ્યાઓ વણખેડાયેલી છે. તો અહીંની ગુફાઓમાં સાધકો, અઘોરીઓ અને સંતો વસે છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઇએ તો અનેક ગૂઢ રહસ્યોને ધરબીને બેઠેલા ગિરનારને એટલે જ ‘ગેબી ગિરનાર’ કહેવાય છે.
 
પાવાગઢ | Pavaghadh
 
ડુંગર પર લીલીછમ ચાદર, ઊંચાઇએથી વરસતો ધોધ, વાદળોની પર્વતો સાથે સંતાકૂકડી અને વાદળોની ફોજથી ઘેરાઇ જતું નિજમંદિર. પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ પર્વત પર ચોમાસાની ઋતુમાં આહ્લાદક નજારો જોવા મળે છે. તેમાં પણ ધોધમાર વરસાદ પછી મેઘધનુષના રંગોની છટા વાતાવરણને વધુ અલૌકિક બનાવે છે.
 
 
Pavaghadh
 
વડોદરાથી 46 કિલોમીટરના અંતરે આવેલ પાવાગઢ ડુંગર મહાકાળી માતાના મંદિર માટે પ્રસિદ્ધ છે. દેશભરમાં ફેલાયેલી કુલ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ મહાકાળી સ્વરૃપે પાવાગઢમાં સ્થિત છે.
 
પાવાગઢ અને તેની આસપાસના નિર્જન વિસ્તારોમાં ઋષિ વિશ્વામિત્ર સાધના- તપ કરતા હોવાનો ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે. વિશ્વામિત્રે પોતાના તપોબળથી પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ડુંગરની ટોચે પોતાના હાથે કાલિકા માતાની સ્થાપના કરી હતી. આથી અહીંથી નીકળતી નદી ‘વિશ્વામિત્રી નદી’ તરીકે ઓળખાય છે.
 
પાવાગઢ ડુંગર પર હિંદુ અને જૈન ધર્મના પવિત્ર સ્થાનકો ઉપરાંત ઐતિહાસિક સ્મારકો આવેલા છે.
 
ચાંપાનેર કિલ્લો | Champaner Fort
 
અહીં તળેટીમાં ચાંપાનેરનો કિલ્લો આવેલો છે. જેનો ઇતિહાસ રસપ્રદ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર દ્વારા ચાંપાનેરને વિશ્વ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.
 
અર્વાચીન સમયમાં પાવાગઢ પર્યટન ક્ષેત્રે સહેલાણીઓમાં લોકપ્રિય બની રહ્યું છે. ચોમાસામાં આ સ્થળે ટ્રેકિંગના શોખીન માટે ખાસ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
 
 
Champaner Fort
 
ખૂણિયા ધોધ  | Khuniya Dhodh
 
ઘણાં લાંબાસમયથી વણખેડાયેલો રહેલો ખૂણિયો ધોધ સહેલાણીઓમાં ધીરે-ધીરે લોકપ્રિય બની રહ્યો છે. હાલોલથી પાવાગઢ પહોંચવાના રસ્તે ખૂણિયા મહાદેવનું મંદિર આવેલું છે. જંગલ વિસ્તારમાં આવેલ આ મંદિર સુધી પહોંચવા પગપાળા જવું પડે છે. અહીં ખડકોમાં થઇ ધોધ સુધી પહોંચવું અઘરું છે એટલે તકેદારી રાખવી આવશ્યક છે.
 

dhabadungari 
ધાબાડુંગરી | Dhabadungri
 
વડોદરાથી 42 કિલોમીટરના અંતરે પાવાગઢની નજીક ધાબાડુંગરીનું મંદિર આવેલું છે. લોકમાન્યતા પ્રમાણે, ધાબાડુંગરીમાં શિવશક્તિનો કાયમી વાસ હોવાનું મનાય છે. આથી જ શ્રદ્ધાળુઓ માટે આ સ્થળ આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં સ્વયંભૂ કેદારનાથ મહાદેવ બિરાજમાન છે. ધાર્મિક આસ્થા સાથે અહીં પ્રાકૃતિક દ્રશ્યોની હારમાળા સર્જાય છે.
 
જાંબુઘોડા અભ્યારણ્ય | Jambughoda Wildlife Sanctuary
 
પંચમહાલ જિલ્લામાં આવેલું જાંબુઘોડા વડોદરા શહેરથી 90 કિલોમીટર અને ચાંપાનેરથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. આ અભ્યારણ્ય વન્યજીવ સૃષ્ટિને જોવાની અને કુદરતના ખોળે વિહરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. આ અભ્યારણ્યમાં દીપડો, રીંછ, ઝરખ, વનિયર, તાડ, શાહુડી, ઘોરખોદિયું, શિયાળ, ચોશિંગા, નીલગાય, જંગલી ભૂંડ, ચોટલિયો સાપ, અજગર સહિત સરિસૃપ અને સસ્તન વર્ગના પ્રાણી, વન ઘુવડ, શિંગડિયો ઘુવડ, મધિયો બાજ વસવાટ કરે છે. આ અભ્યારણ્યમાં 150થી વધુ જાતના સ્થાનિક અને યાયાવર પક્ષીઓ જોવા મળે છે.
 

dhabadungari 
 
પ્રાકૃતિક સંપદા વિશે વાત કરીએ તો અહીં સૂકી અને લીલી એમ બંને મિશ્ર પ્રકારની વનસ્પતિઓ આવેલી છે. અહીં મુખ્યત્વે ટીમરુ, સીસમ, કડાયો, દુધલો, મહુડો અને વાંસના ઝાડ આવેલા છે. ચોમાસામાં અહીં ચારેતરફ હરિયાળી અને ડુંગરો પર પડતા ઝાકળના સુંદર નજારોને જોઇ સહેલાણીઓનો રોમાંચ બેવડાય છે. તો અહીંથી નાઝર માતા અને ગાગરમાતા જેવી જગ્યાએથી સૂર્યોદય અને સૂર્યાસ્તને જોવાનો લહાવો ચૂકવા જેવો નથી.
 
કડાડેમ, તરગોળ ડેમ અને સુખી ડેમ | Dam In Gujarat
 
જાંબુઘોડાથી ફક્ત 3 કિલોમીટરના અંતરે આવેલો કડા ડેમ જોવાલાયક છે. ઉપરાંત જેતપુર પાવી વિસ્તારમાં સુખી ડેમ અને માખણીયો ડુંગર પણ અદ્ભુત જગ્યા છે.
 

dhabadungari 
 
ઝંડ હનુમાન | Jand Hanuman
 
આ અભ્યારણ્યમાં આવેલ ઝંડ હનુમાન ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત છે. પૌરાણિક માન્યતા પ્રમાણે અહીં પાંડવોના કાળ દરમિયાન ભીમની ઘંટી છે. આ ઉપરાંત દ્વૌપદીની તરસ છીપાવવા અર્જુનના બાણ દ્વારા કૂવો બનાવવામાં આવેલો છે.
 

hathani mata dhodh 
હાથણી માતા ધોધ | Hathni Mata Waterfall
 
હાથણી માતાનો ધોધ જાંબુઘોડાથી 16 કિલોમીટર અને ઘોઘંબાથી 18 કિલોમીટર દૂર સરસવા ગામે આવેલ છે. નાની મોટી ટેકરીઓ અને પર્વતીય વિસ્તારથી ઘેરાયેલ આ સ્થળે ગીચ વૃક્ષોની શ્રૃંખલા છે. હાથણી ધોધ ચોમાસામાં જ જીવંત થાય છે. આ ધોધ ગુફામાં હાથણી માતાનું મંદિર આવેલું છે. ભક્તો અહીં ભગવાન શિવ અને હાથણી માતાના દર્શન માટે આવે છે તો સાહસિકો કુદરતને માણવા પહોંચે છે. અહીં ટેકરીના વાંકાચૂકા ખડકોમાંથી નીચે પડતા ધોધને કારણે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે.
 
- જ્યોતિ દવે 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.