શ્રાવણ મહિનામાં જાણો ગુજરાતમાં આવેલા ૭ શિવજીના મંદિર વિશે

Shiva Temples in Gujarat । એક જ લેખમાં વાંચો સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, સ્તંભેશ્વર મહાદેવ, ભવનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ત્રીનેત્રેશ્વર મહાદેવ, નિષ્કલંક મહાદેવ અને ભડકેશ્વર મહાદેવ મંદિર વિશેની માહિતી..

    ૨૧-ઓગસ્ટ-૨૦૨૩
કુલ દૃશ્યો |
 
Shiva Temples in Gujarat
 
# ગુજરાતના ૭ શિવ મંદિર – આ શ્રાવણમાં ભગવાન શિવના દર્શને અહી જવું જોઇએ
# ગુજરાતમાં અહીં આવેલા છે શિવ મંદિર
# આ છે ગુજરાતના મહત્વના શિવ મંદિરો
# ચાલો જાણીએ ગુજરાતના પ્રસિદ્ધ શિવ મંદિરો વિશે
 
 
પવિત્ર એવો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે શિવ ભક્તોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળે છે. સમગ્ર શ્રાવણ મહિના દરમ્યાન અલગ અલગ મંદિરોમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં જોવા મળે છે.આજે આ લેખમાં આપણે ગુજરાતના કેટલાક એવા મંદિરો વિશે માહિતી આપવામાં આવી છે જેના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે. તો ચાલો જાણીએ ગુજરાતના પ્રસિદ્ધ મહાદેવ મંદિરો અંગે.
 
સોમનાથ મંદિર | Somnath Temple, Veraval
 
સોમનાથ મંદિરમાં રહેલ લિંગને 12 જ્યોર્તિલિંગમાંથી પ્રથમ જ્યોર્તિલિંગ માનવામાં આવે છે. ઈતિહાસમાંથી મળતી માહિતી અનુસાર આક્રમણકારોએ આ મંદિર પર 6 વાર આક્રમણ કર્યુ હતુ. સાતમી વખત આ મંદિર કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં બનાવામાં આવ્યું છે.
 

Shiva Temples in Gujarat 
 
આ મંદિર ત્રણ મુખ્ય ભાગો- ગર્ભગૃહ , સભામંડપ અને નૃત્યમંડપમાં વિભાજીત છે. આ મંદિરના શિખરની ઉંચાઈ 150 ફૂટ છે. મંદિરના શિખર પર રહેલ કળશનું વજન દશ ટન અને ધ્વજા 27 ફૂટ લાંબી છે. આ મંદિરની બહાર રહેલ સમુદ્ર માર્ગ માટે કહેવાય છે કે તે પરોક્ષ રીતે દક્ષિણ ધ્રુવમાં સમાપ્ત થાય છે. તે આપણા પ્રાચીન જ્ઞાન અને સૂજબૂજનો અદ્ભૂત નમૂનો માનવામાં આવે છે. સોમનાથ મહાદેવ 12 જ્યોર્તિલિંગમાંથી એક હોવાના કારણે બારેમાસ અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. પરંતુ શ્રાવણ મહિનામાં અહીં સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જેનો એક અલગ જ મહિમા છે. અહીં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
 
ભડકેશ્વર મંદિર | Bhadkeshwar Mahadev Temple, Dwarka
 
ગુજરાતના દ્વારકામાં શિવનુ અદભૂત મંદિર આવેલુ છે. આ મંદિર સમુદ્રની વચ્ચે છે અને ચારે બાજુ પાણીથી ઘેરાયેલું છે. જેને ભડકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર 5000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. મંદિર સમુદ્રની વચ્ચે એક નાના ટેકરા પર આવેલુ છે. મહાદેવ અહીં સ્વયંભૂ શિવલિંગના રૂપમાં વિરાજમાન છે.
 

Shiva Temples in Gujarat 
 
આ મંદિરમા થતી પૂજા અહીંના પંડિત કરે છે જે ઘણી પેઢીઓથી ચાલી આવતી પ્રથા છે. આ મંદિરમાં રહેલ મૂર્તિ અંગે એવી માન્યતા છે કે આચાર્ય જગતગુરુ શંકરાચાર્યને ગોમતી ,ગંગા અને અરબી સમુદ્રના પવિત્ર સંગમ સ્થળેથી મળી હતી. આ મંદિરમાં બિરાજમાન ભગવાનને લોકો ચંદ્રમૌલિશ્વર નામથી ઓળખે છે. અહીં આ મૂર્તિ ઉપરાંત 1300 શિવલિંગ, 1200 શાલગ્રામશિલા અને 75 શંકરાચાર્યની મૂર્તિઓ પણ છે , જે જોવામાં ખૂબ જ આકર્ષક છે.મંદિરમાં શિવરાત્રિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે ઉપરાંત આ મંદિરમાં શ્રાવણ માસમાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે.
 
નાગેશ્વર જ્યોર્તિલિંગ | Nageshwar Jyotirlinga, Dwarka
 
ભારતના 12 જ્યોર્તિલિંગોમાંથી એક નાગેશ્વર જ્યોર્તિલિંગ ગુજરાતના દ્વારકાથી 25 કિમીના અંતરે આવેલું છે. ધર્મ શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને નાગોના દેવતા તરીકે પૂજવામાં આવે છે. આ જ્યોર્તિલિંગનું શાસ્ત્રોમાં અનેરુ મહત્વ છે.
નાગેશ્વરનો અર્થ નાગોના ઈશ્વર એવું થાય છે. ભગવાન શિવનું અન્ય એક નામ નાગેશ્વર પણ છે. કહેવાય છે કે જે ભક્ત આ મંદિરમાં બેસીને શ્રદ્ધાપૂર્વક મહાત્મ્યની કથા સાંભળે છે તેના પાપ ધોવાય જાય છે.
 

Shiva Temples in Gujarat 
 
નાગેશ્વર જ્યોર્તિલિંગ પરિસરમાં ભગવાન શિવની ધ્યાનમુદ્રામાં એક વિશાળ અને મનમોહક પ્રતિમા છે. મંદિરથી ત્રણ કિમીના અંતરેથી પણ શિવની પ્રતિમા દેખાય છે. આ મૂર્તિ 125 ફૂટ ઊંચી તથા 25 ફૂટ પહોળી છે.
 
નિષ્કલંક મહાદેવ | Nishkalank Mahadev Temple, Bhavnagar
 
ભાવનગરમાં કોળિયાક કિનારે ત્રણ કિમી અંદર અરબ સાગરમાં નિષ્કલંક મહાદેવનું પ્રસિદ્ધ શિવલિંગ આવેલું છે.સમગ્ર તીર્થ સ્થળ દરિયાની મધ્યમાં આવેલું છે. જ્યારે તમે મધ દરિયે નજર ફેરવો છો તો તમને ફક્ત શિવલિંગ પરની ધજાના જ દર્શન થાય છે. અહીં આવેલ મહાન શિવલિંગના દર્શન માટે દર્શનાર્થીએ પાણી ઉતરે તેની રાહ જોવી પડે છે. કહેવાય છે કે દર્શનાર્થીઓને દર્શન આપવા માટે દરિયો પોતે જગ્યા કરી આપે છે. પાણીની નીચે સમુદ્રમાં મહાદવેનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં શિવના પાંચ સ્વંયભૂ શિવલિંગ પણ છે. કહેવાય છે કે આ એ જ સ્થળ છે જ્યાં પાંડવોને પોતાના સ્વજનોની હત્યાના કલંકથી મુક્તિ મળી હતી. તેથી આ સ્થળને નિષ્કલંક મહાદેવના નામે ઓળખવામાં આવે છે.
 

Shiva Temples in Gujarat 
 
શ્રદ્ધાળુઓની માન્યતા છે કે અહીં દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. લોકો પોતાના સ્વજનોની મોક્ષ પ્રાપ્તિ માટે પણ અહીં આવે છે. અહીં ભાદરવા મહિનાની અમાસે મેળો ભરાય છે. મહાશિવરાત્રિએ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.
 
સ્તંભેશ્વર મંદિર | Stambheshwar Mahadev Temple
 
વડોદરાથી 85 કિમીના અંતરે જંબૂસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં ભગવાન શિવનું ચમત્કારી મંદિર આવેલું છે. આ મંદિરને સ્તંભેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર દિવસમાં બે વાર અદ્રશ્ય થઈ જાય છે. મંદિર અંદાજે 150 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. અહીં બિરાજમાન શિવલિંગ 4 ફૂટ ઉંચુ અને 2 ફૂટનો વ્યાસ ધરાવે છે. અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. મંદિરમાં ચિઠ્ઠી વિતરણ કરવામાં આવે છે. આ ચિઠ્ઠી વિતરણ શ્રદ્ધાળુની સુવિધા માટે જ આપવામાં આવે છે.
 

Shiva Temples in Gujarat 
 
મંદિર દરિયાની વચ્ચે હોવાના કારણે ભરતી સમયે મંદિર જળમગ્ન હોય છે. ચિઠ્ઠીમાં ભરતીનો સમય લખવામાં આવે છે. જેની ચિઠ્ઠીમાં ભરતીનો સમય લખેલો હોય છે તે ભક્ત દર્શન કરવા આવતો નથી.જે જોતા તે દર્શનાર્થીઓની સુરક્ષાને લગતુ છે.અહીં શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે.
 
ભવનાથ મંદિર | Bhavnath Mahadev Temple, Junagadh
 
ભવનાથ નામ પડતા જ જૂનાગઢની તળેટીમાં રહેલ મંદિર યાદ આવી જાય તે સ્વાભાવિક છે. ભવનાથ મહાદેવ મંદિરને દિગમ્બર બાવાઓનું ઘર કહેવામાં આવે છે. આ મંદિર ખૂબ પ્રાચીન છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ મંદિરમાં ભરાતો ભવનાથનો મેળો ખૂબ જ લોકપ્રિય છે. તેમજ અહીં દર વર્ષે લીલી પરિક્રમા કરવા સમગ્ર રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. અહીં શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે.
 

Shiva Temples in Gujarat 
 
ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર | Trinetreshwar Temple, Tarnetar
 
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં 8મી સદીમાં નિર્માણ પામેલ મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે. જેને ત્રિનેત્રેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે. આ મંદિર ત્રણ કુંડ - વિષ્ણુ કુંડ, બ્રહ્મા કુંડ અને શિવ કુંડથી બનેલ છે. કહેવાય છે કે આ કુંડમાં સ્નાન ગંગા નદીમાં સ્નાન કર્યા સમાન છે. લોકો અહી મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અહીં ગુજરાતના પ્રસિદ્ધ મેળામાંથી એક તરેણતરનો મેળો કે ત્રિનેત્રેશ્વર મેળો ભરાય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે. પરંતુ તે સાથે શ્રાવણ માસમાં પણ આ તીર્થ સ્થળે ભક્તોની ભીડ જોઈ શકાય છે.
 

Shiva Temples in Gujarat 
 
આ બધા જ શિવ મંદિરોમાં શિવરાત્રી અને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો શિવના દર્શન કરવા ઊમટી પડે છે. આ બધા જ સ્થળે ગુજરાતના કોઈ પણ શહેરમાંથી સરળતાથી ગુજરાત રાજય પરિવહનની બસો મળી રહે છે. શ્રાવણ માસમાં ભક્તોના ઘસારાને જોતા આમાના મોટા ભાગના મંદિરો માટે વધુ બસોની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તે ઉપરાંત લોકો પ્રાઈવેટ વાહન કરીને પણ દર્શન કરવા જાય છે.
 
 
- મોનાલી ગજ્જર 
 
 
 
Must Visit Lord Shiva Temples in Gujarat
Somnath Temple, Veraval, Nageshwar Jyotirlinga, Dwarka, Stambheshwar Mahadev Temple, Bhavnath Mahadev Temple, Junagadh, Bhadkeshwar Mahadev Temple, Dwarka, Koteshwar Temple, Kutch, Trinetreshwar Temple, Tarnetar, Nishkalank Mahadev Temple, Bhavnagar