જીવનમાં આગળ વધવું છે! ચાણક્યની આ વાતો એકવાર સમજી લો

સફળ થવા માટે લક્ષ્ય તરફ એકાગ્ર થવું જરૃરી છે. જે વ્યક્તિઓ લક્ષ્ય પ્રત્યે ઉત્સાહ દાખવતા નથી, તેવા નિરાશાવાદી વ્યક્તિને પ્રારબ્ધ પણ છોડી દેતું હોય છે.

    ૧૧-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
 
chankya

 

ચાણક્યના આ સૂત્રો અપનાવી લો, સફળતા તમારા પગ ચૂમશે..!! | Chankya Quotes 

 
ચાણક્ય: જ્ઞાન, કૂટનીતિ અને અર્થશાસ્ત્રનું અક્ષયપાત્ર
 
આચાર્ય ચાણક્યની ગણના વિશ્વના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. તેમના દ્વારા રચવામાં આવેલી ચાણક્ય નીતિ આજે પણ યુવાઓને આકર્ષે છે. ચાણક્યનીતિમાં સફળતા અને પ્રગતિ પામવા માટે અનેક સૂત્રો આપવામાં આવ્યા છે.
 
ચાણક્ય – આ નામ પડતાં જ મહાન જ્ઞાની, અર્થશાસ્ત્રી તેમજ કુશળ વ્યક્તિત્વ નજર સામે આવી ચડે. ચાણક્યએ નંદવંશનો નાશ કરી ચંદ્રગુપ્ત મૌર્ય જેવા વીર શિષ્યને સમ્રાટ બનાવી શાસન કરવા પ્રેરણા આપી. ચાણક્ય., આ નામ આજના જમાનામાં જ નહીં પરંતુ આજથી હજારો વર્ષ બાદ જ્ઞાન, કૂટનીતિ અને અર્થશાસ્ત્ર માટેનું અક્ષયપાત્ર રહેશે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આ વાતને સમજીએ
 
500 કરતાં પણ વધુ દિવસોથી ચાલી આવતા રશિયા-યુક્રેન યુદ્ધના ઘટનાક્રમ તરફ ઝીણવટથી નજર કરીએ તો, અમેરિકા, જર્મની તેમજ યુરોપીયન યુનિયને રશિયાની કમર તોડવા તેની સાથે ગેસ, તેલ સહિતના વેપાર પર અંકુશ નાખ્યો. ચાણક્યના નીતિશાસ્ત્રમાં આ વ્યૂહાત્મક નીતિનો ઉલ્લેખ છે કે કોઇપણ વ્યક્તિનો વિનાશ કરવા તેના આવકના સ્ત્રોત પર વાર કરવાથી તે જલદી શરણાગતિ સ્વીકારી લે છે.
 
ના, અહીં કોઇ વ્યક્તિ કે સંસ્થાને નીચે પાડીને જાતે ઊભા થવાની વાત નથી પરંતુ વ્યક્તિગત કે વ્યવાસાયિક જીવનમાં અનેક એવા માણસો મળશે કે જે પોતાના ફાયદા માટે તમને ભોળવી, નીચે પાડીને આગળ વધવા માંગતા હોય. જીવનમાં આ પ્રકારની પરિસ્થિતિઓ ઉદ્ભવે નહીં કે તેનો શિકાર બનો નહીં તે માટે ચાણક્યની વ્યૂહનીતિ જાણવી, સમજવી અને સમય આવે ત્યારે પોતાના બચાવ માટે તેનો ઉપયોગ કરતા શીખવી જરૃરી છે.
 
જીવનમાં દરેક તબક્કે લડાઇથી જીતી શકાય નહીં.
 
એક ચાઇનીઝ કહેવત છે,
 
It’s better to be a warrior in a Garden, than a Gardener in war
 
અર્થાત, યુદ્ધમાં માળી બનીને રહેવું, તેના કરતા બગીચામાં યોદ્ધા બનીને જીવવું વધુ સારું.
આ જ રીતે, સામાન્ય જીવનમાં ચાણક્યની અનેક વાતો નીતિ અને મૂલ્યો શીખવાડે છે, સાથે જીવન જીવવા માટેના પથ તરફ આંગળી ચીંધે છે.
 
સફળતા વિશે ચાણક્યનું શું કહેવું છે
 
 
ક્ષણં પ્રતિ કાલવિક્ષેપં ન કુર્યાત સર્વકૃત્યેષુ ||
 
અર્થ – તક મળતાં જ કાર્ય કરી લેવું, એક ક્ષણનો પણ વિલંબ ન કરવો
 
આ અંગે આચાર્ય ચાણક્ય કહે છે યુદ્ધ કરવાની, સંધિ કરવાની તથા બીજા મહત્ત્વના કાર્યો કરવાની તક આવતી રહે છે. જે રાજવી આ તકને ઝડપી લેતા શીખે છે તે સફળ રાજવી બને છે.
 
આ જ વાતને ઉદાહરણમાં સમજીએ તો પાણીમાં ઊભેલો બગલો ગમે તેમ ચાંચ મારતો નથી, તક મળતાં જ ચાંચ મારે છે કે, જેથી તેની ચાંચમાં માછલી પકડાય, આવી જ રીતે સિંહણ ગમે તેમ શિકારની પાછળ પડતી નથી. બને તેટલું નજીક પહોંચી પછી ઝપાટો મારે છે ત્યારે શિકારમાં સફળતા મળે છે. અહીં બગલો અને સિંહણ ધીરજ કેળવીને તકની રાહ જોવાનો ગુણ શીખવે છે. આચાર્ય ચાણક્યના અનુસાર, પોતાના કાર્યમાં સફળ થવા માટે વ્યક્તિએ તક મળે તરત જ તે કાર્ય કરવું જોઇએ, તેમાં ઉતાવળ કે વિલંબ ન કરવો જોઇએ.
 
નિરુત્સાહાદ્ દૈવં પતતિ ||
નિરાશાવાદી માણસનું પ્રારબ્ધ પણ દીન બની જાય છે.
 
આચાર્ય ચાણક્ય જણાવે છે કે, સફળ થવા માટે લક્ષ્ય તરફ એકાગ્ર થવું જરૃરી છે. જે વ્યક્તિઓ લક્ષ્ય પ્રત્યે ઉત્સાહ દાખવતા નથી, તેવા નિરાશાવાદી વ્યક્તિને પ્રારબ્ધ પણ છોડી દેતું હોય છે. અર્થાત નસીબના આધારે બેસી રહેનારા લોકો ક્યારેય સફળ થતા નથી. સફળ થવા માટે કર્મઠતા જરૃરી છે.
 
ન દુર્જનેષુ ભાગધેય: કર્તવ્ય :||
દુર્જનોની સાથે ભાગીદારી કરવી નહીં
 
આચાર્ય ચાણક્યના મતે, વેપાર અથવા બીજા મહત્ત્વના કાર્યોમાં ભાગીદારી કરતા પહેલા અને પછી સચેત રહેવું જરૃરી છે. તેમાં પણ સ્વભાવે દુર્જન વ્યક્તિ હોય તેની સાથે કોઇપણ કાળે ભાગીદારી નહીં કરવા જણાવે છે. દુર્જન સાથેની ભાગીદારીને કારણે તેના તરફથી કનડગત થતી રહે છે. પરિણામે અશાંત અને દુ:ખી થવાય છે. જે વ્યક્તિઓ પોતે ખુશ અને શાંત રહી વેપાર કરી શકતા નથી, તેના ધંધામાં બરકત આવતી નથી. આથી આચાર્ય ચાણક્ય જણાવે છે કે શક્ય હોય તો કોઇની સાથે ભાગીદારી
કરવી નહીં અને જો કરવી જ પડે તો સજ્જન સાથે કરવી.
 
તત્સર્વં તપસા સાધ્યં તપો હિ દુરતિક્રમમ||
અર્થ – કોઇણ વસ્તુ ભલે ને ગમે તેટલી દૂર હોય, તેને શોધવી વ્યક્તિની પહોંચની બહાર હોય પરંતુ સખત પરિશ્રમ અને તપસ્યાથી મનગમતી સફળતા મેળવી શકાય છે. સફળતા માટે પરિશ્રમ જરૃરી છે.
 
ચાણક્યનીતિના આ શ્લોકમાં ચાણક્ય જણાવે છે કે જીવનમાં અનેક એવી પરિસ્થિતિઓ આવે છે કે, જેને પાર કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જીવનમાં ઘણીવાર એવા તબક્કો આવે કે જ્યારે સફળતા તરફ પહોંચવું અશક્ય લાગવા લાગે પરંતુ સફળતા પામવા માટે પરિશ્રમનો કોઇ પર્યાય નથી. મહેનતથી લક્ષ્ય પ્રાપ્તિના માર્ગ ખૂલે છે સાથે પ્રગતિના નવા દ્વાર પણ ખૂલે છે.
 
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.