‘એન્જિનિયર ડે’ કેમ મનાવાય છે? ગુજરાતના ૯ શિલ્પ સ્થાપત્ય વિશે જાણો

આધુનિક ભારતના વિશ્વકર્માના રૃપમાં પ્રસિદ્ધ મહાન એન્જિનિયર અને ભારતરત્ન (Bharat Ratna ) થી સન્માનિત વિશ્વેશ્વરૈયા ( Vishveshvariya ) નો 163મો જન્મદિવસ છે.

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

gujarat na jovalayak sthal 
 

Engineers Day | શિલ્પ સ્થાપત્ય અને કળા કારીગરીની દ્રષ્ટિએ ગુજરાતના જોવાલાયક સ્થળો

 
 
# ભારત રત્નથી સન્માનિત વિશ્વેશ્વરૈયા ( Vishveshvariya ) ની યાદમાં આજનો દિવસ ‘એન્જિનિયર ડે’  Engineers Day તરીકે ઉજવાય છે
 
# રાણકી વાવ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના છે
 
 
કોઇપણ રાષ્ટ્રના નિર્માણ અને વિકાસમાં એન્જિનિયર્સની ભૂમિકા અને યોગદાન મહત્ત્વપૂર્ણ ગણાય છે. 15 સપ્ટેમ્બરના રોજ આધુનિક ભારતના વિશ્વકર્માના રૃપમાં પ્રસિદ્ધ મહાન એન્જિનિયર અને ભારતરત્ન (Bharat Ratna )  થી સન્માનિત વિશ્વેશ્વરૈયા ( Vishveshvariya ) નો 163મો જન્મદિવસ છે. આધુનિક ભારતના નિર્માણ માટે તેમણે જાહેર બાંધકામ ક્ષેત્રે વિવિધ સિંચાઇ યોજના સહિત અનેક મોટી પરિયોજનાઓનું નેતૃત્ત્વ કર્યુ હતું. તેમની યાદમાં શ્રીલંકા અને ટાન્ઝાનિયામાં પણ આજના દિવસને ‘એન્જિનિયર ડે’  Engineers Day તરીકે ઊજવવામાં આવે છે.
 
 
‘એન્જિનિયર ડે’ | Engineers Day |  નિમિત્તે ગુજરાતમાં સ્થાપત્ય અને ઇમારતોની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાતા કેટલાક સ્થળોની લટાર પર જઇએ.
 

gujarat na jovalayak sthal 
 
 
# ચાંપાનેરનો કિલ્લો | Champaner Fort
 
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા ચાંપાનેર શહેરમાં આવેલા મહેલ, કિલ્લાઓ ભારતની ઐતિહાસિક સ્થાપત્ય કળાને ઉજાગર કરે છે. પ્રાચીન સમયમાં અનાજનો સંગ્રહ કરવા માટે કેવી અદ્ભુત ઇમારતનું નિર્માણ કરવામાં આવતું, નવલખા કોઠાર તે વાતનો પુરાવો છે. સાથે ગુપ્ત બેઠકો યોજવાના હેતુથી નિર્માણ કરવામાં આવેલ સાત કમાન પણ સમૃદ્ધ સ્થાપત્યકળાને ઉજાગર કરે છે.
 

gujarat na jovalayak sthal 
 
# રાણકી વાવ | Ran Ki Vav
 
શિલ્પ સ્થાપત્ય કળાનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ. આ વાવનું બાંધકામ 11મી સદીમાં રાણી ઉદયમતીએ પતિ ભીમદેવ પહેલાની યાદમાં કરાવ્યું હતું. સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવને યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ જાહેર કરવામાં આવી છે. વાવની દિવાલો અને સ્તંભો પર રામ, વામન, કલ્કિ જેવા ભગવાન વિષ્ણુના અવતાર તેમજ મહિષાસુર મર્દિની તરીકે માતાજીના સ્વરૃપને શિલ્પકળા તરીકે કંડારવામાં આવ્યા છે. આ વાવમાં એક સુરંગ પણ છે, જે સિદ્ધપુર શહેર તરફ નીકળે છે.
 

gujarat na jovalayak sthal 
 
# સીદી સૈયદની જાળી | Sidi Saiyyed Ni Jali
 
અત્યંત બારીકાઇપૂર્વક નકશીકામનો અજોડ નમૂનો જોવો હોય તો અમદાવાદમાં આવેલ સીદી સૈયદની જાળીની ચોક્કસ મુલાકાત લેવી જોઇએ. અમદાવાદની ઓળખ સમી આ જાળી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવે છે તેમજ ભારતના કલાત્મક નમૂનાઓમાં પણ સ્થાન ધરાવે છે. 15મી સદીમાં સીદી સૈયદ દ્વારા બંધાવેલી આ જાળીમાં સાદા રેતિયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ ખજૂરીના વૃક્ષ, વેલ અને ફૂલને સૂક્ષ્મ રીતે કંડારવામાં આવ્યા છે.
 

gujarat na jovalayak sthal 
 
# ઝુલતા મિનારા | Julta Minara
 
અમદાવાદમાં સારંગપુર – ગોમતીપુર પાસે આવેલા આ મિનારાનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવ્યું છે. મિનારાની છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. અહીં એક મિનારા પર ચડીને તેને હલાવવાથી બીજો મિનારો પણ હલતો હોવાથી તેનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. આ સ્થાપત્યમાં અચરજ પમાડે તેવી વાત એ છે કે, તેને હલાવવાથી મિનારાની વચ્ચેની જગ્યા પર કંપનની કોઇ અસર થતી નથી.
 

gujarat na jovalayak sthal 
 
# હઠીસિંહના દેરાં | Hathisinh Na Dera
 
હઠીસિંહના દેરાં કે હઠીસિંહની વાડી તરીકે ઓળખાતા સ્થાપત્ય જૈનદેરાસરો છે. ધનવાન જૈન નગરશેઠ હઠીસિંહના પરિવારજનો દ્વારા આ દેરાનું નિર્માણ 1848માં કરવામાં આવ્યું. સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવા આ દેરાસરો અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલા છે.
 

gujarat na jovalayak sthal 
 
# અડાલજની વાવ | Adalaj Ni Vav
 
અડાલજની વાવ તેના શિલ્પ અને સ્થાપત્યને કારણે જોનારને મંત્રમુગ્ધ કરે છે. વાવમાં 56 જેટલા ગોખલા બાંધવામાં આવ્યા છે. જેના પર અદ્ભુત શિલ્પકામ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાવમાં રાજા અને રાજદરબારના શ્રૃંગારિક દ્રશ્યો, નવગ્રહોની પ્રતિકૃતિ, દુર્ગા, ચામુંડા માતાના શિલ્પો કંડારવામાં આવ્યા છે. વાવમાં હિંદુ અને જૈની મૂર્તિઓની કોતરણી સાથે ઇસ્લામિક શૈલીનો પણ પ્રભાવ જોવા મળે છે. ગાંધીનગર તાલુકાના અડાલજ ગામે આવેલી આ વાવ રૃડાબાઇની વાવ તરીકે પણ ઓળખાય છે. 15મી સદીમાં વાઘેલા રાવ વીરસિંહની પત્ની રાણી રૃડાબાઇએ પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું.
 

gujarat na jovalayak sthal 
 
# સૂર્ય મંદિર | Sun Temple
 
મહેસાણાથી અંદાજે 25 કિલોમીટરના અંતરે આવેલું મોઢેરાનું સૂર્યમંદિર જગવિખ્યાત છે. પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ મંદિરનું નિર્માણ ઇ.સ 1026- 1027માં પાટણના રાજવી ભીમદેવ સોલંકી પહેલા દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરની ખાસિયત છે કે અહીંનું ગર્ભગૃહ સૂર્યના પહેલા કિરણથી ઝળહળી ઉઠે છે. તેમજ સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય ચૂનાનો વપરાશ કરવામાં આવ્યો નથી. આ મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ આવેલા છે. જેમાં રામાયણ અને મહાભારત કાળના વિવિધ પ્રસંગોને અદ્ભુત રીતે કંડારવામાં આવ્યા છે સાથે દેવી- દેવતાઓના શિલ્પને પણ નકશીકામ દ્વારા ઉપસાવવામાં આવ્યા છે.
 

gujarat na jovalayak sthal 
 
# અમદાવાદની ગુફા | Amdavad Ni Gufa
 
ભારતની એકમાત્ર ભૂગર્ભ આર્ટગેલેરી અમદાવાદમાં આવેલી છે. અમદાવાદની ગુફા તરીકે ઓળખાતી આ આર્ટ ગેલેરી ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં વિક્રમ સારાભાઇ સાયન્સ સેન્ટરની પાસે આવેલી છે. આ ગુફાનું નિર્માણ પદ્મવિભૂષણથી સન્માનિત બાલકૃષ્ણ વી. દોશી દ્વારા કરવામાં આવ્યું છે. કુત્રિમ રીતે ભોંયરામાં બનાવવામાં આવેલી આ આર્ટગેલેરી કલાકાર અને આર્કિટેક્ટ વચ્ચેના તાલમેલ અને સમન્વયને રજૂ કરે છે.
 

gujarat na jovalayak sthal 
 
# અટલ બ્રિજ | Atal Bridge
 
અટલ બ્રિજ આધુનિક અમદાવાદને રજૂ કરે છે. આ બ્રિજના દેખાવ અને આકારમાં પતંગ આધારિત ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની પાછળ શહેરની સંસ્કૃતિ અને ઉત્તરાયણના તહેવારની ઝલક દર્શાવવાનો હેતુ છે. અટલબ્રિજ રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે ફ્લાવર ગાર્ડન અને પૂર્વના છેડે કલા અને સંસ્કૃતિના કેન્દ્રને જોડે છે.

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.