- જેમણે ભારતમાં જન્મ લીધો છે એ દેવતાઓ કરતાં પણ ધન્ય છે
- ૪૪,૬૧,૪૫૮ માંથી ૪૩૫૪,૦૭૭ લોકોએ આ જવાબ આપ્યો!!!
- વાંચો દેશનું નામ ભારત કેમ પડ્યું?
સમૂહ - ૨૦ના દેશોની ભારતમાં બેઠકો યોજાઈ. તેમાંય ૯ અને ૧૦ સપ્ટેમ્બર શિખર પરિષદ હતી. તેમાં વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ઉપસ્થિત રહેલાં હતા. આ નિમિત્તે યોજાનાર રાત્રિ ભોજ માટેના રાષ્ટ્રપતિના આમંત્રણ-પત્રમાં અંગ્રેજીમાં `પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા'ના બદલે `પ્રેસિડેન્ટ ઑફ ભારત' લખાયું હતું.
આમ જુઓ, તો આ સ્વતંત્રતા પછી જ થઈ જવાની આવશ્યકતા હતી, પણ હવે ૭૬ વર્ષે અમૃતકાળમાં થાય તો તેને આવકારવું જોઈએ. આમેય, અંગ્રેજી સિવાય હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં ભારત જ બોલાય અને લખાય છે, પરંતુ કૉંગ્રેસને વાંધો પડ્યો.
આને સમાંતર એક સમાચાર એ હતા કે ૧૮થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવાયું છે. એ શેના માટે બોલાવાયું છે તેના તુક્કા જ ચાલે છે. સમાન નાગરિક સંહિતાથી માંડીને અનેક વિષય માટે આ સત્ર હોઈ શકે એવા તુક્કાઓ ચાલ્યા. એમાં આ નવો વિષય ભળ્યો. દેશનું નામ `ભારત' કરવા માટે આ સત્ર બોલાવાયું છે તેવો નવો તુક્કો ચાલ્યો.
કૉંગ્રેસે કહ્યું કે વિપક્ષે તેના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખ્યું છે એટલે દેશનું નામ બદલવામાં આવી રહ્યું છે. જો તમારે દેશના નામે મત માગવા હોય તો તમે વિપક્ષી ગઠબંધનનું નામ B.H.A.R.A.T. કરી દો, પણ ભારત નામનો વિરોધ શા માટે?
સ્વતંત્રતા પછી દેશમાં ભારતીય બંધારણ ઘડવાની પ્રક્રિયા ચાલી રહી હતી, તે સમયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે દેશભરમાં એક સર્વેક્ષણ કરાવ્યું હતું.
૧૯૪૯માં ૨૪ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી `અભાવિપ'એ દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ કે ઇન્ડિયા સહિત અન્ય વિષયો અંગે દેશમાં લોકમત સંગ્રહ કર્યો હતો. તેમાં ૪૪,૬૧,૪૫૮ નાગરિકોએ ભાગ લીધો હતો. સર્વેક્ષણમાં દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ એની તરફેણમાં ૪૩,૫૪,૦૭૭ અર્થાત્ ૯૭.૧૧ % અને ઇન્ડિયાની તરફેણમાં માત્ર ૯૮,૨૫૬ અર્થાત્ ૨.૫૪ % લોકોએ પોતાનો મત આપ્યો હતો. બાકીનાનો કંઈક જુદો મત હતો.
જોકે કૉંગ્રેસ અને એમાંય પં. નહેરુની અંગ્રેજ માનસિકતાને લીધે લોકોની લાગણી ધ્યાને લેવામાં ન આવી.
બંધારણમાં લખવામાં આવ્યું કે `India, that is Bharat shall be a union of states.' કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, દેશનું નામ ભારત કરવાથી રાજ્યો પર આક્રમણ ગણાશે.
પરંતુ બંધારણમાં ભારત અને ઇન્ડિયા બંને નામો માન્ય ગણાયાં છે. હા, દુઃખ એ વાતનું છે કે અંગ્રેજીમાં લખાયેલા બંધારણમાં ઇન્ડિયા ધેટ ઇઝ ભારત લખાયેલું છે. એટલે એક જ નામ ઇન્ડિયા છે. પણ તેનું બીજું નામ ભારત છે. જોકે ભારતમાં ઘણા મુસ્લિમો આ દેશને હિન્દુસ્તાન તરીકે સંબોધે છે અને લખે છે. આપણને તો આ નામમાંય વાંધો નથી કારણ કે ઉર્દૂ શબ્દ `સ્તાન' એ સંસ્કૃત `સ્થાન'નું અપભ્રંશ છે. અને અરબસ્તાન એટલે અરબોનું સ્થાન તેમ હિન્દુસ્તાન એટલે હિન્દુઓનું સ્થાન. સંઘ પરિવારના અડવાણીજી સહિત અનેક નેતાઓ પોતાના પ્રવચનમાં સ્પષ્ટ રીતે 'હિન્દુસ્થાન' જ બોલતા.
વેદો અને પુરાણોમાં આપણા આ દેશનું નામ ભારતવર્ષ, ભારત, આર્યાવર્ત વગેરે છે.
`વિષ્ણુપુરાણ'માં તો ભારતના નામ ઉપરાંત ભારતની સીમાઓ પણ વર્ણવાયેલી છે.
उत्तरं यत् समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र सन्ततिः ।।
સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે દેશ છે તેનું નામ ભારત છે અને તેની સંતતિ (રહેવાસીઓ) ભારતી છે.
`વિષ્ણુપુરાણ'માં ભારતનું વધુ વિસ્તૃત વર્ણન આ શ્લોકમાં જોવા મળે છે.
जम्बूद्वीप : समस्तानामेतेषां मध्य संस्थित:,
भारतं प्रथमं वर्षं तत: किंपुरुषं स्मृतम्,
हरिवर्षं तथैवान्यन्मेरोर्दक्षिणतो द्विज ।
रम्यकं चोत्तरं वर्षं तस्यैवानुहिरण्यम्,
उत्तरा: कुरवश्चैव यथा वै भारतं तथा ।
नव साहस्त्रमेकैकमेतेषां द्विजसत्तम्,
इलावृतं च तन्मध्ये सौवर्णो मेरुरुच्छित: ।
भद्राश्चं पूर्वतो मेरो: केतुमालं च पश्चिमे ।
एकादश शतायामा: पादपागिरिकेतव:
जंबूद्वीपस्य सांजबूर्नाम हेतुर्महामुने
`વિષ્ણુપુરાણ'માં તો સમગ્ર વિશ્વનું વર્ણન છે કે સાત મહાદ્વીપ (ખંડ/કૉન્ટિનેન્ટ) છે તેમાં એક જંબુદ્વીપ છે. તેમાં નવ દેશ છે - હરિ, કિંપુરુષ, રમ્યક, હિરણ્ય, કુરુ, ભારત, ઇલાવૃત, ભદ્રાશ્વ, કેતુમાલ.
વિષ્ણુપુરાણ'ના બીજા ખંડના ત્રીજા અધ્યાયના ૨૪મા શ્લોકમાં કહેવાયું છે કે,
गायन्ति देवा: किल गीतकानि, धन्यास्तु ते भारतभूमिभागे ।
स्वर्गापवर्गास्पदमार्गभूते भवन्ति भूय: पुरूषा सुरत्वात् ।।
અર્થાત્ દેવતાઓ નિરંતર ગાન કરે છે કે, જેમણે સ્વર્ગ અને અપવર્ગની વચ્ચે વસેલા ભારતમાં જન્મ લીધો છે તે પુરુષો (સંસ્કૃત અને ભારતીય ભાષાઓમાં પુરુષ નામ અને પુંલ્લિંગ ક્રિયાપદો સામાન્ય અર્થમાં પુરુષ, સ્ત્રી અને નાન્યતર જાતિ બધાં માટે વપરાતાં આવ્યાં છે.) દેવતાઓ કરતાં પણ અધિક ધન્ય છે.
`કૂર્મપુરાણ'ના પૂર્વ ભાગના ૪૭મા અધ્યાયનો ૨૧મો શ્લોક કહે છે,
भारते तु स्त्रियः पुंसो नानावर्णाः प्रकीर्तिताः।
नानादेवार्चने युक्ता नानाकर्माणि कुर्वते ॥
અર્થાત્ ભારતનાં સ્ત્રી અને પુરુષો અનેક વર્ણનાં દર્શાવાયાં છે. તેઓ વિવિધ પ્રકારના દેવતાઓની આરાધના કરવામાં લાગેલાં છે અને અનેક કર્મો કરે છે. આમ, અહીં પણ ભારત દેશનો ઉલ્લેખ છે.
`બ્રહ્મપુરાણ'ના ૧૮મા અધ્યાયમાં એક શ્લોક ભારતની મહાનતાનું વર્ણન આમ કરે છે,
तपस्तप्यन्ति यताये जुह्वते चात्र याज्विन ।।
दानाभि चात्र दीयन्ते परलोकार्थ मादरात् ॥ 21॥
पुरुषैयज्ञ पुरुषो जम्बूद्वीपे सदेज्यते।।
यज्ञोर्यज्ञमयोविष्णु रम्य द्वीपेसु चान्यथा ॥ 22॥
अत्रापि भारतश्रेष्ठ जम्बूद्वीपे महामुने ।।
यतो कर्म भूरेषा यधाऽन्या भोग भूमयः ॥23॥
અર્થાત્ ભારત ભૂમિમાં લોકો તપશ્ચર્યા કરે છે, લોકો યજ્ઞ કરે છે, પરલોક માટે આદરપૂર્વક દાન આપે છે, જંબુદ્વીપમાં સત્પુરુષોનો યજ્ઞ ભગવાનનું યજન હોય છે, યજ્ઞોના કારણે યજ્ઞપુરુષ ભગવાન જંબુદ્વીપમાં જ નિવાસ કરે છે. આ જંબુદ્વીપમાં ભારતવર્ષ શ્રેષ્ઠ છે. યજ્ઞોની પ્રધાનતાના કારણે ભારતને કર્મભૂમિ અને અન્ય દ્વીપોને ભોગભૂમિ કહે છે.
પરંતુ આ દેશનું નામ ભારત કેમ પડ્યું?
`વિષ્ણુપુરાણ' મુજબ, આ પૃથ્વી પર પહેલા મનુષ્ય હતા સ્વયંભૂ મનુ. તેમના પુત્ર પ્રિયવ્રત હતા. પ્રિયવ્રતે પૃથ્વીને સાત ખંડોમાં વિભાજિત કરી હતી. આ પ્રિયવ્રતના દીકરા ઋષભદેવ થયા, જેમને જૈનો પોતાના પ્રથમ તીર્થંકર માને છે. તેમને સેંકડો પુત્રો હતા. તેમાંના સૌથી મોટા એટલે રાજા ભરત. વિષ્ણુપુરાણ મુજબ, આ મહાન ભરત પરથી જ આ દેશનું નામ ભારતવર્ષ અથવા ભરતનું ક્ષેત્ર પડ્યું.
આ ભરત રાજાએ ધર્મમાં સૂચવાયેલા માર્ગ મુજબ શાસન કર્યું અને પછી પોતાના પુત્રને ગાદી સોંપી ઋષિ પુલહના આશ્રમમાં તપ કરવા ચાલ્યા ગયા.
રામાયણકાલીન ભરતની વાત. રામાયણકાલીન ભરત ત્યાગ અને સાધનાની મૂર્તિ હતા. તેમણે ધાર્યું હોત તો સરળતાથી તેઓ અયોધ્યા પર રાજ કરી શક્યા હોત, કારણ કે તેમના પિતાએ આપેલા વચન પ્રમાણે તેમને અયોધ્યાની ગાદી અને શ્રી રામને વનવાસ મળ્યો હતો. પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેઓ શ્રી રામને મનાવવા ગુરુ વશિષ્ઠ અને માતા કૌશલ્યા સાથે ગયા. શ્રી રામ ન માન્યા તો તેમની ચરણપાદુકા રાખીને રાજ્ય કર્યું અને જ્યારે શ્રી રામ પાછા ફર્યા ત્યારે તેમને પાછું સોંપી દીધું. વિશ્વનું પહેલું વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) આ ભરતે તક્ષશિલાના રૂપમાં સ્થાપ્યું હતું. એમ મનાય છે કે ભરતે મધ્ય એશિયા સુધી રાજ્યને વિસ્તાર્યું હતું જેમાં ગાંધાર (જે પછી આજનું કંદહાર બન્યું) રાજ્યનો પણ સમાવેશ થતો હતો. અમેરિકામાં જે મૂળરૂપે વસેલા તે મધ્ય એશિયાના લોકો જ મનાય છે, જેને નેટિવ ઇન્ડિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. ભારત શોધવા નીકળેલા કૉલંબસને એટલે તો અમેરિકા જ ભારત લાગેલું.
વિશ્વના કદાચ પહેલા પ્રેમલગ્નના પરિપાક રૂપે જેનો જન્મ થયો તે આપણા ત્રીજા ભરત. રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર. તેમનું એક નામ સર્વદમન પણ હતું, પરંતુ તે દુષ્ટોનું જ દમન કરતા. ગમે તેનું નહીં. બાળપણથી જ એટલા પરાક્રમી કે સિંહનું મોઢું ખોલી તેનાં દાંત ગણતા! આ ભરત રાજાના નવ પુત્રો હતા, પરંતુ ભરત રાજાને તેમાંથી એકેય પોતાની ગાદી સોંપવાલાયક ન લાગ્યા. તેથી તેમણે ઋષિ ભારદ્વાજના પુત્ર ભૂમન્યુને રાજગાદી સોંપી. (એક મત મુજબ, ભરતે ભારદ્વાજ મુનિના માર્ગદર્શનથી કરેલા યજ્ઞથી ભૂમન્યુ ઉત્પન્ન થયો હતો.) દુર્ભાગ્યે ધૃતરાષ્ટ્ર સુધી બરાબર ચાલ્યું. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી તેમને ગાદી ન મળી. પરંતુ પાંડુ વનવાસમાં જતાં તેમને ગાદી મળી એટલે પછી ગાદીમોહ છોડી ન શક્યા.
ધર્મ મુજબ શાસન કરવું અને પછી વય થાય એટલે તપ કરવા ચાલ્યા જનારા ભરત હોય, મોટા ભાઈની અનુપસ્થિતિમાં બળવો કરવાના બદલે કે ગાદી પચાવી પાડવાના બદલે તપસ્વી જેવું જીવન જીવતાં-જીવતાં, ધર્મના માર્ગે અયોધ્યા પર શાસન કરનારા ભરત હોય કે સિંહના મોઢામાં હાથ નાખી બાળ વયે જ સિંહના દાંત ગણનારા પરાક્રમી ભરત હોય, તેમનાં નામ પરથી દેશનું નામ ભારત પડે એટલે આપણને આ તપસ્વી અને પરાક્રમી મહાનુભાવો યાદ આવે, જ્યારે ઇન્ડિયા બોલીએ એટલે અંગ્રેજોની દાસતા યાદ આવે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. મોહનરાવ ભાગવતજીએ યથાર્થ જ કહ્યું છે કે ઇન્ડિયા નામની જગ્યાએ ભારત નામનો ઉપયોગ કરાવો જોઈએ. ભાષા કોઈ પણ હોય, નામ એક જ રહે છે. અને વાત સાચી છે. શ્રીલંકાએ સ્વતંત્ર થતાંની સાથે પોતાનું સિલોન નામ ફગાવી દીધું, થાઇલેન્ડે પોતાનું સિયામ નામ બદલી નાખ્યું, તાજેતરમાં તુર્કીએ પોતાનું નામ તુર્કિયે કર્યું, આવાં તો ઘણાં ઉદાહરણો છે.
સ્વાધીનતામાંથી સ્વતંત્રતા તરફની કૂચમાં નામ, ભાષા અને શિક્ષણ પ્રારંભિક પગથિયાં છે. એના વગર સ્વતંત્રતા કેવી !
ભારત અને ઇન્ડિયા - આ બે નામોમાં બે સંસ્કૃતિઓ સમાયેલી છે, તેનો અહેસાસ આપણને થાય તે આવશ્યક છે.