શાંતિનિકેતન જેનું નામ જ તેની ઓળખ છે તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે!

રવિન્દ્રનાથ ટાગોર માનતા કે શાંતિનિકેતનએ વિદ્યાર્થીઓને પ્રાચીન, મધ્યયુગ અને લોકપરંપરાના સમન્વય સાથે શિક્ષણ આપે. વિદ્યાર્થીઓ આધુનિક ભારતના દ્રષ્ટિકોણ સાથે વૈશ્વિક એકતાનું પ્રતિનિધિત્વ કરાવે છે...

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Shanti Niketan
 
 

શાંતિનિકેતનને મળ્યો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો, જાણો શું છે ખાસ વાતો? કલાથી લઈને ભણતર સુધી કેમ ખાસ છે શાંતિનિકેતન | Shanti Niketan UNESCO World Heritage 

 
- શાંતિ નિકેતનએ ભારતનો એકમાત્ર જીવંત વારસો
- ભારતના કુલ 41 સ્થળને વૈશ્વિક સ્તરે મળી ઓળખ
- શાંતિનિકેતનના વિશ્વવિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ,પરંપરા અનુસાર ભણતર ઉપલબ્ધ
- પ્રકૃત્તિના સાનિધ્યમાં ભણાવવાની પરંપરા આજે પણ અકબંધ
 
સમગ્ર દેશ માટે વધુ એક ગૌરવ લેવા જેવી ક્ષણ સામે આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા અને કવિ રવિન્દ્રનાથ ટાગોરના ઘર ‘શાંતિ નિકેતન’નો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. યુનેસ્કોએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. મહત્ત્વનું છે કે, પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત આ સાંસ્કૃતિક સ્થળને યુનેસ્કોની હેરિટેજ સાઇટનો ટેગ અપાવવા માટે ભારત ઘણાં લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું હતું.
 
યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થનાર શાંતિ નિકેતન ભારતની 41મી સાઇટ
 
ભારત પોતાની અદ્ભુત કળા, સંસ્કૃતિ, અધ્યાત્મને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ત્યારે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થનાર શાંતિ નિકેતન ભારતની 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. શાંતિનિકેતનને ભારતના એકમાત્ર સજીવન વારસા તરીકે જોવામાં આવે છે.
 
શાંતિનિકેતનનો અર્થ | Shanti Niketan
 
શાંતિનિકેતન શબ્દનો અર્થ છે – અદમ્ય શાંતિ હોય તેવું ઘર કે કેન્દ્ર. આ કેન્દ્રમાં રવિન્દ્રનાથ ટાગોરના શૈક્ષણિક વિચારોને વ્યવહારું સ્વરૃપ આપવામાં આવ્યું છે. ટાગોરની વિચારધારા અનુસાર, ઘર જેવા વાતાવરણમાં આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાવવામાં આવે, આ કેન્દ્રમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પાલન થાય, વિદ્યાર્થીઓ કુદરતના સાનિધ્યમાં શિક્ષણ મેળવે, સાથે સરળ જીવન અપનાવવા તરફ વળે, વિદ્યાર્થીઓને વાણી - વિચારોને સ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરવા એક મંચ મળે, જેથી વિદ્યાર્થીઓનું સંપૂર્ણ વ્યક્તિત્વ ઘડતર થઇ શકે.
 

Shanti Niketan 
 
શાંતિનિકેતન કેન્દ્રની વિશેષતાઓ
 
- શાંતિ નિકેતનના વિશ્વભારતી વિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર વિશ્વભરના પુસ્તકો ભણાવવામાં આવે છે. અહીં આજે પણ વૃક્ષ નીચે ખુલ્લામાં, પ્રકૃત્તિના સાનિધ્યમાં ભણાવવાની પરંપરા અકબંધ છે. અહીં પ્રકૃત્તિનું નિરીક્ષણ કરી તેનો ભાગ બનવાની પરંપરા પર ભાર આપવામાં આવે છે.
 
- વિદ્યાર્થીઓ અહીં સવારે 5 વાગે ઉઠીને તેમના દિવસની શરૃઆત પ્રાર્થનાથી કરે છે. ‘પ્રકૃત્તિ એ પરમેશ્વર’ ભાવના સાથે તેઓ ઝાડની આસપાસ ફરતા પ્રાર્થના કરે છે.
 
- શાંતિ નિકેતનમાં આવેલ વિશ્વભારતી વિદ્યાલય ભારતના પ્રતિષ્ઠિત વિશ્વ વિદ્યાલયોમાંનું એક ગણાય છે. અહીં આવેલ વિશ્વભારતીમાં માનવતા, સામાજિક, વિજ્ઞાન, શિક્ષણ, કૃષિ વિજ્ઞાન, ગ્રામીણ પુનનિર્માણ જેવા વિષયો પર પણ ભણાવવામાં આવે છે.
 
- શાંતિ નિકેતન માત્ર ભણતર માટે જ નહીં પરંતુ પોતાની કળા અભિવ્યક્તિ માટે પણ પ્રખ્યાત છે. અહીં નૃત્ય, સંગીત, નાટક જેવી સાંસ્કૃતિક કળાઓને ખીલવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સાથે અહીં શારીરિક શિક્ષણ સાથે સામાજિક મૂલ્યોનું શિક્ષણ પણ અપાય છે
 
- અહીં સામાજિક એકસૂત્રતાના પાઠ મળે તે માટે વિદ્યાર્થીઓ જ્ઞાતિ- જાતિના ભેદભાવ વગર ‘એક કુંટુંબ’ની ભાવના સાથે રહે છે.
 
- વિદ્યાર્થીઓ પોતાની જરૃરિયાતો જાતે જ સંતોષી શકે તેમજ મેનેજમેન્ટના ગુણો વિકસે તે માટે કેન્દ્રમાં સ્થિત ડેરી ફાર્મ, હોસ્પિટલ સહિત વિવિધ વ્યવસ્થાતંત્રનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે
 
- શાંતિ નિકેતનમાં તહેવારોને ધામ- ધૂમથી ઊજવવાની પરંપરા છે. તેમાં પણ હોળી અને દિવાળીના તહેવારોમાં અહીંની રોનક અને આભા અનોખી જ હોય છે. દેશ-વિદેશમાંથી લોકો આ તહેવારોમાં ભાગ લેવા ખાસ અહીં આવે છે.
 
- વિશ્વભરના સહેલાણીઓ માટે આ એક પર્યટન કેન્દ્ર છે. તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. આ કેન્દ્રની પ્રાકૃત્તિક છટા જોવાલાયક છે.
 
- દંડાત્મક શિક્ષણ નહીં – અહીં વિદ્યાર્થીઓના દુર્વ્યવહાર કે અનુશાસનભંગ બદલ તેમને પરિવારની ભાવનાથી સજા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા બનેલી અદાલતો દ્વારા સજાની દરખાસ્ત અને સજા નક્કી કરવામાં આવે છે. ભૂલ સ્વીકારનાર વિદ્યાર્થીને માફી આપવામાં આવે છે.
 
- રવિન્દ્રનાથ ટાગોર સપ્તપર્ણી વૃક્ષની નીચે ધ્યાન કરતા. આથી દિક્ષાંત સમારંભમાં ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીને સપતવર્ણી વૃક્ષના પાન ભેંટ આપવામાં આવે છે.
 
- ઉલ્લેખનીય છે કે, રવિન્દ્રનાથ ટાગોરે ઇ.સ.1863માં શાંતિનિકેતન આશ્રમની સ્થાપના કરી હતી. ગુરુકુળ પરંપરા જળવાય તે હેતુથી 1901માં આ કેન્દ્રને શાળા અને કળાના કેન્દ્રના રૃપમાં તબદીલ કરવામાં આવ્યું. રવિન્દ્રનાથ ટાગોર માનતા કે શાંતિનિકેતનએ વિદ્યાર્થીઓને પ્રાચીન, મધ્યયુગ અને લોકપરંપરાના સમન્વય સાથે શિક્ષણ આપે. વિદ્યાર્થીઓ આધુનિક ભારતના દ્રષ્ટિકોણ સાથે વૈશ્વિક એકતાનું પ્રતિનિધિત્વ કરાવે છે
.

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.