આંતરજાતિય લગ્ન અને આંતરધાર્મિક લગ્નના સંબંધમાં સંઘ શું વિચારે છે ?

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે.

    ૨૦-સપ્ટેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |
 
rss
 
 
જાતિ વ્યવસ્થા અને સમરસતા
 
પ્રશ્ન :
 
સમગ્ર હિન્દુ સમાજમાં સમરસતા માટે રોટી-બેટીનો સંબંધ હોવો જોઈએ. સંઘ એ માટે શું કરશે ?
આંતરજાતિય લગ્ન અને આંતરધાર્મિક લગ્નના સંબંધમાં સંઘ શું વિચારે છે ?
 
શું એમ નક્કી કરી શકાય કે હિંદુસમાજ જાતિઓમાં વહેંચાશે નહીં ?
 
 
ઉત્તર –
 
 
રોટી–બેટી વ્યવહારનું અમે પૂરેપૂરું સમર્થન કરીએ છીએ. પરંતુ જ્યારે એમ કરવા જઈએ છીએ તો રોટી વ્યવહાર તો સરળ છે. આપણે સરળતાથી કરી શકીએ છીએ અને મજબૂરીમાં ઘણાં લોકો આજે કરી પણ રહ્યાં છે, એ દિલથી થવો જોઈએ. એના માટે જરૂરી છે, સમજણને બરાબર કરવી પડશે. બેટી વ્યવહા૨ જરા મુશ્કેલ એટલા માટે છે કે એમાં માત્ર સામાજિક સમરસતાનો વિચાર નથી, બે પરિવારોના મિલનનો પણ વિચાર છે. વ૨-કન્યાના મેચિંગનો પણ વિચા૨ છે. એ બધું જોઈને અમે એનું સમર્થન કરીએ છીએ.
 
મહારાષ્ટ્રમાં પહેલું આંતરજાતીય લગ્ન ૧૯૪૨માં થયું. પહેલું જ હતું અને સારા સુશિક્ષિત લોકોનું હતું એટલે એમની પ્રસિદ્ધિ થઈ. એ સમયે જે શુભસંદેશ આવ્યા હતાં, એમાં પૂજનીય ડો. બાબા સાહેબ આંબેડકરનો સંદેશો પણ હતો અને પૂજનીય શ્રી ગુરૂજીનો સંદેશ પણ હતો. ગુરૂજીએ એ સંદેશામાં કહ્યું હતું કે આપના લગ્નનું કારણ માત્ર શારીરિક આકર્ષણ નથી, આપ એ પણ દર્શાવવા ઈચ્છી રહ્યા છો કે સમાજમાં આપણે સૌ એક છીએ, એટલે આપ લગ્ન કરી રહ્યાં છો. હું આ બાબત માટે આપને અભિનંદન પાઠવી રહ્યો છું અને આપને દાંપત્યજીવનની સર્વપ્રકારની શુભકામનાઓ આપું છું.
 
માનવ-માનવ વચ્ચે ભેદભાવ ન કરવો. રૂચિ અને અરૂચિ દરેકની ન પોતપોતાની હોય છે. સમગ્ર જીવન સાથે ચાલવાનું છે. એ બરાબર ચાલી શકે એમ છે કે નહીં, એટલું ચોક્કસ જોવું જોઇએ. બેટી વ્યવહારને પણ અમારૂં સમર્થન છે. હું તો ક્યારેક-ક્યારેક કહું છું કે ભારતમાં આંતરજાતીય લગ્નોની ગણના કરીને એના પ્રતિશત (percentage) કાઢવામાં આવે તો કદાચ આમ કરનારા સૌથી વધુ પ્રતિશત સંઘના સ્વયંસેવકોના મળશે.આ રોટી-બેટીનું ચલણ વધારવાથી, એટલે કે માત્ર લગ્ન અને માત્ર સાથે બેસીને જમવાની વાત નથી.
 
જીવનની દરેક કૃતિમાં, કાર્યમાં સમાજને અભેદ દૃષ્ટિએ જોવો, મનથી ભેદ કાઢી નાખવો, એમ જ્યારે કરીએ છીએ તો હિંદુસમાજ જાતીઓમાં વહેંચાઈ નહીં જાય. એને આપણે પાક્કું કરી શકીએ છીએ. એ વહેંચાશે નહીં એ હું જાણું છું એટલે માટે કે દરેક હિંદુનો જે આત્મા છે એ આત્મા એકતામાં જ વિશ્વાસ કરે છે અને મનુષ્યનું શરીર, મન, બુદ્ધિ આત્માથી અલગ થઈને વધુ ચાલી શક્તા નથી. આ આત્મા ચોક્કસ દેશ,કાળ, પરિસ્થિતિ મુજબ જરૂરી નવું શરીર ધારણ કરશે,એની પર મને પૂર્ણ વિશ્વાસછે અને એટલે અમે લોકો બધાં હિંદુઓને એકત્રિત કરવાનો પ્રયાસ કરી જ રહ્યાં છીએ. આ વિશ્વાસની સાથે જ કરી રહ્યાં છીએ. નહી તો જે જમાનામાં સંઘ શરૂ થયો, એ જમાનામાં તો કોઇને વિશ્વાસ પણ નહતો કે આવું શક્ય છે. ઘણાં લોકોએ ડો. હેડગેવારને કહ્યું કે, ખભે પાંચમો વ્યક્તિ ન હોય ત્યાં સુધી જે સમાજમાં ચાર લોકો એક દિશામાં ચાલી શક્તા નથી, એ સમાજને આપ કેવી રીતે એકત્રિત કરશો? પરંતુ આજે આપ જોઈ રહ્યાં છો કે અમે કરી લીધું છે. એટલે જરૂર થશે. આ કરી શકાય એમ છે, અમે કરીને બતાવ્યું છે અને આ કરવું જોઈએ, અમે કરીશું.
- ડૉ. મોહનરાવ ભાગવત (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક )
 
 
( આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે. સાહિત્ય સાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત "ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ" પુસ્તિકામાંથી સાભાર...)