ભારતીય રાજપૂત સૈનિકોના શૌર્યની અમિટ કહાની : હાઇફા યુદ્ધ

ઇઝરાયલમાં આજે પણ ભારતીય શૂરવીરોનાં બલિદાન અને શૌર્યગાથાને પાઠ્ય પુસ્તકોમાં ભણાવવામાં આવે છે અને ૨૩ સપ્ટેમ્બરના દિવસને વિશેષ રૂપે ઊજવવામાં આવે છે, કારણ કે ઇઝરાયલવાસીઓ માને છે કે હાઇફા શહેરની મુક્તિએ તેમના સ્વતંત્ર ઇઝરાયલનો પાયો નાખ્યો હતો.

    ૨૩-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Battle of Haifa

૨૩ સપ્ટેમ્બર હાઇફા દિન વિશેષ  | Battle of Haifa | Battle of Haifa Day

 
૨૩ સપ્ટેમ્બરના રોજ દર વર્ષે ઇઝરાયલમાં ભારતીય સૈન્યની બહાદુરી અને શૌર્યને બિરદાવવા `હાઇફા' દિવસ મનાવવામાં આવે છે. ભારતીય સેના પણ આ દિવસે હાઇફ દિવસ તરીકે ઉજવે છે ત્યારે શું છે ૨૩ સપ્ટેમ્બર, ૧૯૧૮ના દિવસનો ઇતિહાસ ? ઇઝરાયલ અને ભારતીય સૈન્ય માટે કેમ આ દિવસનું વિશેષ મહત્ત્વ છે ? જાણીએ આ વિશેષ અહેવાલમાં... Haifa yuddha vishe mahiti
 
ઉત્તરી ઇઝરાયલનું બંદરગાહવાળું શહેર હાઇફા શહેર એક તરફ ભૂમધ્ય સાગર અને બીજી તરફ માઉન્ટ કાર્મેલ પહાડીથી ઘેરાયેલું હોવાથી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મહાસત્તાઓ માટે ખૂબ જ મહત્ત્વનું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હાઇફા શહેર પર જર્મન અને તુર્કી સેનાનો કબજો હતો. પોતાના રેલવે નેટવર્ક અને બંદરગાહને કારણે આ શહેર રણનૈતિક રૂપથી ખૂબ જ મહત્ત્વનું હતું. કારણ કે અહીંથી જ જર્મની અને તુર્કી માટે મિત્ર દેશોનો યુદ્ધસામાન અને કરિયાણું મોકલવાનો એક માત્ર સમુદ્રીમાર્ગ હતો. તેથી બ્રિટન કોઈપણ ભોગે આ શહેરને પોતાના કબજામાં લેવા માગતું હતું, કારણ કે અંગ્રેજો એ સારી રીતે જાણતા હતા કે, હાઈફા શહેરને જીત્યા વગર પ્રથમ વિશ્વયુદ્ધ જીતવું અશક્ય છે માટે જ અનેક વખત અંગ્રેજી સૈન્યએ હાઇફા પર ચડાઈ કરી હતી, પરંતુ તેની ભૌગોલિક સ્થિતિ અને જર્મન-તુર્કી સેનાની મજબૂત પકડને કારણે ભારે ખુવારી વેઠવી પડી હતી અને અંગ્રેજ સૈનિકો પણ હાઇફા પર ચડાઈ કરવા માટે રાજી ન હતા, પરંતુ અંગ્રેજ સરકારને કોઈપણ ભોગે આ શહેરને દુશ્મન દેશોથી મુક્ત બનાવવું હતું. જેના માટે જરૂર હતી નીડર અને દસ દસ સૈનિકો પર ભારે પડે એવા સૈનિકોની. અંગ્રેજ હકૂમતે ભારતની મૈસૂર, જોધપુર અને હૈદરાબાદ રિયાસતોની મદદ માગી અને ત્રણે રાજ્યો મદદ આપવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ અંગ્રેજોને હૈદરાબાદ રિયાસતના સૈનિકો તુર્કી સામે લડશે કે કેમ એની શંકા હતી. પરિણામે તેઓએ હૈદરાબાદ રિયાસતના સૈનિકોને યુદ્ધબંદીઓના પ્રબંધન અને દેખરેખનું કામ સોંપ્યું.
 
મૈસુર અને જોધપુરના ઘોડેસવાર સૈનિકોની ટુકડીઓને એક કરી એક વિશેષ દળ બનાવવામાં આવ્યું અને મેજર દલપતસિંહને જોધપુર લાંસર્સનું નેતૃત્વ સોંપવામાં આવ્યું અને મિશન હાઇફા શરૂ થયું. ૨૨ સપ્ટેમ્બર, ૧૯૧૮ના રોજ બ્રિગેડિયર બ્રિટિશ જનરલ એડમેડને હાઇફામાં દુશ્મનો ખૂબ જ મોટી સંખ્યામાં હોવાની માહિતી મળી અને ચેતવણી પણ આપવામાં આવી કે, જો સૈન્ય અંદર જશે તો તેનું જીવતાં પાછા ફરવું શક્ય નથી. યુદ્ધ જીતવાનું તો ભૂલી જ જાઓ. આવા અહેવાલથી જ અંગ્રેજ સૈનિકટુકડીએ તો યુદ્ધ લડવાની જ ના પાડી દીધી. પરંતુ ઠાકુર દલપતસિંહ શેખાવતના નેતૃત્વવાળા ભારતીય સૈનિકોની એક ટુકડી કોઈપણ ભોગે પોતાના કર્તવ્યથી પાછી હટવા માંગતી ન હતી. તેમણે હાઇફા શહેરમાં પ્રવેશવાનું નક્કી કર્યું.
 
ભારતીય શૂરવીરોની યુદ્ધ રણનીતિ
 
માઉન્ટ કાર્મેલ ૧૫૦૦ ફૂટની ઊંચાઈ પર એક પહાડ છે. હાઇફા શહેર આ પહાડીઓથી ઘેરાયેલું છે. ઓટોમન સેના એટલે કે જર્મની અને તુર્કીની સંયુક્ત સેના પહેલેથી જ આ પહાડીઓની ટોચે મજબૂત સ્થિતિમાં હતી. પહાડીઓના ચપ્પે-ચપ્પે મશીનગનો, બંદૂકો અને તોપોના ખડકલા હતા. આ પહાડીઓની વચ્ચેની સાંકડી ઘાટીમાંથી હાઇફા શહેરમાં પ્રવેશવાનું નક્કી થયું. દુશ્મનોનું ધ્યાન ભટકાવવા ખાસ રણનીતિ બનાવવામાં આવી, જે મુજબ મૈસુર લાંસર્સ માઉન્ટ કાર્મેલની પહાડીઓ પર ચડાઈ કરી, ત્યાં હાજર સૈનિકોમાં અફરાતફરી મચાવશે જેથી જોધપુર લાંસર્સને ઘાટી પાર કરી હાઇફા સુધી આરામથી પહોંચી જાય ત્યાર બાદ જોધપુર અને મૈસુર લાંસર્સના સૈનિકો એક સાથે હાઇફા પર હુમલો કરી દુશ્મનોને શરણે આવવા મજબૂર કરશે. અંતે એ દિવસ આવી જ ગયો. જે યુદ્ધ ઇતિહાસમાં હંમેશને માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. ૨૩ સપ્ટેમ્બર, સવારે પાંચ વાગે જોધપુર લાંસર્સ અને મૈસુર લાંસર્સ પોતાના મિશન પર નીકળ્યાં. જોધપુર લાસર્સ હાઇફા શહેરથી ૭ કિ.મી. દૂર બદલ-અલ-શેખ નામના સ્થળે પહોંચી મૈસુર લાંસર્સનાં ઇશારાની રાહ જોવા લાગ્યા. પરંતુ મૈસુર લાંસર્સ માટે માઉટ કાર્મેલની પહાડીઓ દુશ્મનની નજરોથી છુપાઈ તેમનું કામ કરવું સરળ ન હતું. ઉપરથી સીધો ઢળાવ, પથરીલા રસ્તા, લપસણી પહાડીઓને કારણે ટુકડીના ઘોડાઓ પણ પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. આ બાજુ બદલ-અલ-શેખ પહોંચી ચુકેલ જોધપુર લાંસર્સમાં બેચેની વધી રહી હતી. છેવટે યુદ્ધમાં કેસરિયા કરવાનો ઇશારો મળ્યો અને મેજર દલપતસિંહ જયભવાનીનો જયઘોષ કરી યુદ્ધ માટે નીકળી પડ્યા તેમની યોજના અહીંની કિશોર નદીના રસ્તે હાઇફા પર કબજો જમાવવાની હતી. આ બાજુ મૈસુર લાંસર્સે માઉન્ટ કાર્મેલ પહાડીઓ પર હાહાકાર મચાવ્યો હતો. રાજપૂત યોદ્ધાઓ કાળ બની જર્મન અને તુર્કી સૈનિકો પર તૂટી પડ્યા હતા અને જોત જોતામાં મોટાભાગની ગન પોઝિશનનો ખાત્મો બોલાવી દીધો હતો. પરંતુ ચાલાક દુશ્મન સૈન્યની પહાડીઓની વચ્ચે છુપાવી રાખેલી ગન પોઝિશન મૈસુર લાંસર્સની નજરોમાં આવી શકી નહતી.
 
અચાનક કિશાન નદી પાર કરી રહેલા જોધપુર લાંસર્સ પર ગોળીઓ ચાલવા લાગી, જેમાં પોતાના સૈનિકોને બચાવવા જતાં મેજર દલપતસિંહ શહીદ થયા. દલપતસિંહ શહીદ થયાના સમાચારથી જોધપુર અને મૈસુર બન્ને દળોના ઘોડેસવાર સૈનિકોમાં ભારે આક્રોશ ફેલાયો. હવે કમાન અમાનસિંહ જોધાના હાથમાં હતી. ભારતીય સનિકો ઘોડેસવાર હતા. તેમની પાસે લડવા માટે માત્ર ભાલા અને તલવારો જ હતી. અમાનસિંહે અચાનક રણનીતિ બદલી ભારતીય સૈનિકોને માઉન્ટ કાર્મેલની પહાડીઓ તરફ કૂચ કરી દુશ્મોનોને નેસ્તોનાબૂદ કરવાનું આહ્વાન કર્યું. હરહર મહાદેવ અને જય માતાજીના ગગનભેદી નારાઓ માઉન્ટ કાર્મેલની પહાડીઓમાં ગુંજી રહ્યા હતા. અચાનક થયેલા હુમલાથી તુર્કીઓને પોતાને સંભાળવાનો અવસર જ ન મળ્યો. તોપો ને બંદૂકોના નાળચાઓ સામે ભારતીય સપૂતોની તલવારો અને ભાલાઓ વિંઝાઈ રહ્યાં હતાં. એક પછી એક દુશ્મનોની છુપાયેલી ગન પોઝિશનો - છાવણીઓ તહસ-નહસ થઈ રહી હતી.
 
હવે ભારતીય સૈનિકો હાઈફા શહેર તરફ આગળ વધ્યા, ત્યાં પણ સુરક્ષામાં મોટેભાગે તુર્ક સૈનિકો જ હતા. જોધપુર અને મૈસુર લાંસર્સના સૈનિકો પોતાના મેજર દલપતસિંહ અને ૭ અન્ય સૈનિકોની શહીદીનો બદલો લેવા એટલા તો આક્રમક બન્યા હતા કે સમગ્ર હાઇફા શહેર પર જાણે કે મોત તાંડવ કરી રહ્યું હતું. તલવારોના એક એક ઝાટકે તુર્કી સૈનિકોનાં મસ્તક શરીરથી અલગ થઈ રહ્યાં હતાં. ભાલા તેમના શરીરની આરપાર નીકળી રહ્યા હતા. ત્યાર બાદ ભારતીય સૈનિકોએ તુર્કી સેનાનાં હથિયારોથી જ તેમના પર હુમલા શરૂ કર્યા. આ બધું જોઈ તુર્કી સેનામાં હાહાકાર અને અફરાતફરી મચી ગઈ. છેવટે ૨૨ સપ્ટેમ્બર, બપોરે ૪ વાગે ભારતીય ઘોડેસવાર સૈનિકોએ હાઇફા શહેરને તુર્કી સૈન્યથી મુક્ત કરાવ્યું. આમ, ભારતીય ઘોડેસવાર સૈનિકોએ એ કરી બતાવ્યું, જે અંગ્રેજ સૈન્યને પણ અશક્ય લાગતું હતું. હાઇફા યુદ્ધમાં ભારતીય શૂરવીરોએ જર્મન-તુર્કી સૈન્યના ૧૩૫૦ કેદીઓને બંધક બનાવ્યા હતા. જેમાંથી બે ડઝન જર્મન અધિકારી, ૨૩ ઓટોમન અધિકારી અને બાકી અન્ય સૈનિકો હતા. કાર્મેલ પહાડી પર ૧૭ આર્ટિલરી ગન અને ૧૧ મશીનગન, હજારોની સંખ્યામાં જીવતા કારતૂસો કબજે કર્યા હતા. આ યુદ્ધમાં ૮ ભારતીય શૂરવીરો વીરગતિ પામ્યા હતા તો ૩૪ ઘાયલ થયા હતા. યુદ્ધમાં ૬૦ ઘોડાઓ પણ વીરગતિ પામ્યા હતા.
 
આમ હાઇફા યુદ્ધ ભારતના વીર અદમ્ય સાહસી સૈનિકો દ્વારા લડવામાં આવેલું તે યુદ્ધ છે, જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. ઇતિહાસનાં પાનાંમાં આ શૌર્યગાથા ન જાણે કેટલાય સમયથી ધૂળ ખાઈ રહી છે. યુદ્ધ ભલે બ્રિટિશ સૈન્ય હેઠળ લડાયું હતું, પરંતુ તેમાં જીત ભારતીય રાજપૂત સૈનિકોના શૌર્યને કારણે જ મળી હતી. આપણે ત્યાં ભલે ભારતીય શૂરવીરોના એ શૌર્યને ભુલાવી દેવાના પ્રયાસો થયા હોય, પરંતુ ઇઝરાયલમાં આજે પણ ભારતીય શૂરવીરોનાં બલિદાન અને શૌર્યગાથાને પાઠ્ય પુસ્તકોમાં ભણાવવામાં આવે છે અને ૨૩ સપ્ટેમ્બરના દિવસને વિશેષ રૂપે ઊજવવામાં આવે છે, કારણ કે ઇઝરાયલવાસીઓ માને છે કે હાઇફા શહેરની મુક્તિએ તેમના સ્વતંત્ર ઇઝરાયલનો પાયો નાખ્યો હતો.
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…