પ્રાચીન ઇતિહાસની સાક્ષી સમો ઉપરકોટનો કિલ્લો નવા રૂપ- રંગ સાથે તૈયાર

કહેવત છે કે અડી- કડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મુઓ. ઇજનેરી કૌશલ્યના અદ્ભુત નમૂના જોવા હોય તો ઉપરકોટનો કિલ્લો, અડી- કડી વાવ અને નવઘણનો કૂવો તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે.

    ૨૯-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

uparkot
 
 
રૂપિયા 74 કરોડના ખર્ચે, ત્રણ વર્ષના સમારકામ બાદ આ કિલ્લો હવે નવોઢાની જેમ નવો શણગાર કરી જૂનાગઢની શોભા વધારી રહ્યો છે.
 
- ગરવા ગિરનારને જોવા માટે બનાવાયા આકર્ષક વ્યૂ પોઇન્ટ
- કિલ્લાની વિશાળ જગ્યામાં સાઇક્લિંગ પાથ અને વોકિંગ ટ્રેક પણ ઉપલબ્ધ
- 16- 16 આક્રમણોનો માર ઝીલીને ઊભો છે અડીખમ કિલ્લો
- કિલ્લામાં આવેલા 8 સ્મારકો જોવાલાયક
 
 
પ્રવાસનની દ્રષ્ટિએ ગુજરાતને વધુ એક નજરાણું મળ્યું છે. નવીનીકરણ પામેલા જૂનાગઢના ઉપરકોટ કિલ્લાને ગુરુવારથી સહેલાણીઓ માટે ખૂલ્લો મુકાયો છે. રૂપિયા 74 કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવેલ આ કિલ્લો હાલ નવોઢાની જેમ નવશણગાર કરીને શોભાયમાન છે.
 
જૂનાગઢનો ઐતિહાસિક કિલ્લો એટલે ઉપરકોટ. થોડા વર્ષથી અહીં આ કિલ્લાનું સમારકામ ચાલતું હતું. આ કિલ્લામાં ખોદકામ કરતા અનેક ઐતિહાસિક વસ્તું મળી આવી છે. અહીં દટાઇ ગયેલા સ્મારકો તેમજ ૨૨ જેટલી તોપ મળી આવી છે. કિલ્લાના રિનોવેશન પછી ઘણાં સમય પછી આ કિલ્લો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પહેલા અહીં નિલમ અને માણેક નામની બે જ તોપ જોવા મળતી પણ હવે અહીં ખોદકામ વખતે મળી આવેલી ૨૨ તોપ પણ મૂકવામાં આવી છે. કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરી દરમિયાન અહીં 19 જેટલા સ્ટ્રક્ચરને નવી શોભા આપવામાં આવી છે. જેમાં નવઘણ કૂવો, રાણકદેવી મહેલ, અનાજનો ભંડારો, નવઘણ કૂવો સામેલ છે. ગરવા ગિરનારનું સાનિધ્ય માણવા માટે અહીં વ્યૂ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અઢી કિલોમીટરનો સાઇક્લિંગ પાથ તેમજ વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. આવનારા સમયમાં પ્રવાસીઓ માટે આ કોટ નક્કી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
 
 
ઉપરકોટની જાણી- અજાણી વાતો | Uparkot Fort Junagadh
 
કિલ્લાનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણના નાના ઉગ્રસને કરાયા હોવાની લોકવાયકા દ્વાત્રય ગ્રંથમાં આપેલ ઉલ્લેખ પ્રમાણે, આ કિલ્લો આશરે 4 હજાર વર્ષ પહેલા રાજા ગૃહપરીએ બંધાવ્યો હતો. જ્યારે દંતકથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણના નાના ઉગ્રસેન દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરાયું હોવાની વાયકા છે. હકીકતમાં આ કિલ્લો ઊંચાણના ભાગે ઉપર આવેલો હોવાથી તેને ઉપરકોટ કિલ્લો કહેવાય છે.
 
જે- તે સમયે કિલ્લાની જુદી- જુદી ઓળખ
 
વિવિધ કાળક્રમમાં આ કિલ્લા માટે જુદા -જુદા નામો પ્રયોજાયા છે. આ સ્થળને વિવિધ તીર્થકલ્પમાં ‘ઉગ્ગસેણ ગઢ’ તરીકે, તો પ્રબંધકોશમાં આ ખંગારદુર્ગ તરીકે ઓળખવામાં આવ્યો છે. જ્યારે જૂનાગઢના જૂના ગામમાં આ ગીરી દુર્ગ તરીકે ઓળખાતો હતો.
 

uparkot 
 
શું કહે છે ઇતિહાસકારો
 
ઇતિહાસવિદના મતે આ કિલ્લો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા બાંધવામાં આવ્યો હતો. રા-ગ્રહાર અને તેના અનુગામીઓએ આ કિલ્લાનું સમારકામ કર્યુ હતું. છેલ્લે, આ કિલ્લાનો જિર્ણોદ્ધાર 1893-94 સમયના દિવાન હરીદાસ વહારીદાસ દ્વારા કરવામાં આવ્યો હતો.
 
આઝાદીના સમય અગાઉના આક્રમણો તેમજ આઝાદી સમયની લડાઇનો સાક્ષી બનીને ઊભો છે
 
ઉપરકોટનો કિલ્લાની ઇ.સ 975થી 1780 દરમ્યાન 16 વખત આ કિલ્લાની ઘેરાબંધી કરવામાં આવી હતી. સાતમી સદી સુધી આ કિલ્લો મોર્ય સામ્રાજ્યના તાબા હેઠળ રહ્યો, ત્યારબાદ અનુક્રમે સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં રહ્યો. સિદ્ધરાજ જયસિંહે 12 વર્ષ અહીં નિવાસ કર્યો હતો. વાવાઝોડા, તોફાની વરસાદ, ભૂકંપનો માર સહન કરીને આજે પણ આ કિલ્લો અડીખમ બનીને ઊભો છે.
 
 

uparkot 
કિલ્લાનું બેનમૂન શિલ્પ સ્થાપત્ય
 
કહેવત છે કે અડી- કડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મુઓ. ઇજનેરી કૌશલ્યના અદ્ભુત નમૂના જોવા હોય તો ઉપરકોટનો કિલ્લો, અડી- કડી વાવ અને નવઘણનો કૂવો તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે.
 
આ કિલ્લામાં જુદા- જુદા આઠ સ્મારકો આવેલા છે. જેમાં લશ્કરી વાવ, નવઘણ કૂવો, નિલમ તોપ, કડાનલ તોપ, અડી કડી વાવ, અનાજના કોઠાર, બૌદ્ધ ગુફાઓ સામેલ છે.
 

uparkot 
 
અડી – કડી વાવ –  Adi Kadi Vav
 
આ વાવની વિશેષતા એ છે કે તેને ખોદવામાં આવી નથી પરંતુ કુદરતી ખડકોમાંથી કોતરવામાં આવી છે. 123 ફૂટ ઊંડા કૂવાના તળિયા સુધી પહોંચવા માટે સાંકડી પરસાળમાં 166 પગથિયા આવેલા છે.
 
નવઘણ કૂવો - Navghan Kuvo
 
અતિ પ્રાચીન આ કૂવો નવઘણ કૂવો સ્થાપત્યની દ્રષ્ટિએ ખાસ છે. સામાન્ય રીતે ગોળ જણાતો કૂવો અહીં ચોરસ પ્રકારે બંધાયેલો છે તેમજ ચક્રાકારે પગથિયા આવેલા છે. અડી- કડી વાવની જેમ આ કૂવો પણ કોતરવામાં આવ્યો છે. લગભગ 150 થી 200 ફૂટ નીચે આવેલા આ કૂવામાં હવા- ઉજાસ માટે દિવાલમાં બાકોરા કરાયા છે.
 
 
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.