કોણાર્ક ચક્રનું શું છે મહત્વ? ભારત મંડપમમાં દુનિયાના નેતાઓ તેને જોતા જ રહી ગયા!

ઇતિહાસકારોના મતે, પ્રાચીન કાળમાં દિવસનો સમય જાણવા કોણાર્ક ચક્રનો ઉપયોગ ઘડિયાળ તરીકે કરવામાં આવતો.

    ૦૯-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Konark Sun Konark Wheel
 
 
# જેની પ્રતિકૃતિ સમક્ષ પીએમ મોદીએ શક્તિશાળી દેશોના નેતાઓ સાથે હાથ મિલાવ્યા
 # કોણાર્ક ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, અદ્યતન સંસ્કૃતિ અને ઉત્કૃષ્ટ સ્થાપત્યકળાને ઉજાગર કરે છે.
 
 
# જી 20 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ કોણાર્ક ચક્રની પ્રતિકૃતિ પાસે વિશ્વના શક્તિશાળી દેશોનું સ્વાગત કર્યું. આ કોણાર્ક ચક્ર 13મી સદીમાં રાજા નરસિમ્હાદેવ પ્રથમના શાસનકાળમાં બનાવાયું હતું.

 
દેશની રાજધાની દિલ્હીમાં તારીખ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ જી- 20 શિખર સંમેલન યોજાઇ રહ્યું છે. આ સંમેલનમાં વિશ્વના સૌથી શક્તિશાળી 20 દેશોના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તમામ દેશોના રાષ્ટ્રપ્રમુખોનું હાથ મિલાવીને સ્વાગત કર્યુ ત્યારે તેની સાથે ઓડિશાના કોણાર્ક ચક્રનું પ્રદર્શન કર્યું હતું.
 

Konark Sun Konark Wheel 
 
શું છે આ કોણાર્ક ચક્રનો ઇતિહાસ જાણો | Konark Wheel no Itihas |  History of Konark Wheel
 
13મી સદીમાં ગંગ વંશના તત્કાલીન સામંત રાજા નરસિમ્હાદેવ પહેલાના શાસનકાળ દરમિયાન ઓડિશાના કોણાર્ક મંદિરમાં કોણાર્ક ચક્રનું નિર્માણ કરવામાં આવ્યું.
 
કોણાર્ક ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, અદ્યતન સંસ્કૃતિ અને ઉત્કૃષ્ટ સ્થાપત્યકળાનું પ્રતિનિધત્ત્વ કરે છે. હકીકતમાં કોણાર્ક ચક્રએ સતત ગતિ કરતા સમયની સાથે પ્રગતિ અને નિરંતર પરિવર્તન એકમેકના પૂરક હોવાનું સૂચવે છે.
 
ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાપિત છે આ ચિહ્ન
 
ભારત લોકશાહીના મૂલ્યોને માનનારો અને તેને પોષનારો દેશ છે. આ ચક્ર લોકશાહીના મૂળભૂત આદર્શોમાં લચીલાપણાં અને સમાજના વિકાસ તરફની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. આથી જ ભારતના રાષ્ટ્રધ્વજમાં કોણાર્ક ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. કોણાર્ક ચક્રએ લોકશાહીનું શક્તિશાળી પ્રતીક હોવાનું દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના સાંસ્કૃતિક વારસાના મહત્ત્વને ઉજાગર કરવા માટે ભારતની 10 રૃપિયાની ચલણીનોટ પાછળ કોણાર્ક સૂર્યમંદિરને દર્શાવવામાં આવ્યું છે. 1984માં યુનેસ્કોએ કોણાર્ક સૂર્યમંદિરને વર્લ્ડ હરિટેજનો દરજ્જો આપ્યો હતો.
 

Konark Sun Konark Wheel 
 
 
સૂર્યદેવતાના રથના આકારમાં બનાવાયું છે કોણાર્ક મંદિર  | Konark Sun Temple Wheel
 
 
ઓડિશામાં સ્થિત આ મંદિરને વિશાળ રથના આકારમાં બનાવાયું છે. આ રથ 12 જોડી પૈડાને 7 શક્તિશાળી ઉત્સાહી ઘોડા દ્વારા ખેંચવામાં આવ્યો છે. હકીકતમાં, સૂર્યદેવતાના રથને 12 જોડી પૈડા હોવાની માન્યતા છે. રથના આ ચક્ર કાળચક્ર એટલે કે સમયની ગતિ દર્શાવે છે તેમજ સર્જન, સંરક્ષણ અને પ્રાપ્તિને ચિત્રિત કરે છે. 
 
ઇતિહાસકારોના મતે, પ્રાચીન કાળમાં દિવસનો સમય જાણવા કોણાર્ક ચક્રનો ઉપયોગ ઘડિયાળ તરીકે કરવામાં આવતો.
 
કુલ 24 પૈડા – 24 કલાકનું પ્રતીક
 
7 ઘોડાનો રથ – અઠવાડિયાના સાત દિવસ
 
12 જોડી પૈડા – 12 મહિનાનું પ્રતીક
 
8 જાડી રેખાઓ – પ્રહર (ત્રણ કલાકનો સમયગાળો)
 
8 પાતળી રેખાઓ – 1.5 કલાક 90 મિનિટનો સમયગાળો
 
બ્લેક પગૌડાના નામથી પણ પ્રસિદ્ધ છે આ મંદિર
 
પ્રાચીન સમયમાં દરિયાઇ સફર કરનાર યાત્રાળુઓ સૂર્યમંદિરને બ્લેક પગોડા તરીકે ઓળખતા હતા. કહેવાય છે કે, મંદિરના શિખર પર 52 ટનનો ચુંબકીય પત્થર લગાડવામાં આવ્યો હતો જેને કારણે મંદિર દરિયામાં સફર કરતા જહાજને પોતાની તરફ ખેંચી લેતું. જેના કારણે અનેક જહાજો દુર્ઘટનાગ્રસ્ત થઇ જતા. આ ચુંબકીય પથ્થર મંદિરનું કેન્દ્ર હતું. જેના કારણે મંદિરોની દિવાલોનું સંતુલન જળવાઇ રહેતું. આ પથ્થરને હટાવવામાં આવતા અહીંની દિવાલોને ભારે નુકસાન પહોંચ્યું.
 
ભારતના ઓડિશાના પુરી જિલ્લામાં દરિયાકિનારે આ મંદિર સ્થિત છે. પુરી શહેરથી આ મંદિર લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલું છે.
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.